Varasdaar - 28 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 28

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

વારસદાર - 28

વારસદાર પ્રકરણ 28

જયેશ અને શિલ્પા મંથનનાં લગ્નથી એટલાં બધાં પ્રભાવિત થઈ ગયાં હતાં કે પ્લેનમાં પણ એ લોકોની વાતનો વિષય માત્ર મંથન અદિતિ અને એમનો લગ્નપ્રસંગ જ હતો. આટલાં અદભુત રજવાડી લગ્ન એ લોકોએ તો પહેલીવાર જ જોયાં હતાં !

શિલ્પા માટે તો મુંબઈ આવવા જવાની ફ્લાઇટ નો અનુભવ પણ ખૂબ જ રોમાંચિત રહ્યો. કારણ કે એ પહેલીવાર જ ફ્લાઈટનો અનુભવ કરી રહી હતી.

ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થયા પછી એ લોકોએ એરપોર્ટથી મણીનગર સુધીની રીક્ષા કરી. રીક્ષાને પહેલાં દરીયાપુર લઈ લેવાનું કહ્યું. જયેશ દરિયાપુર વાડીગામ ઉતરી ગયો એટલે શિલ્પાએ રીક્ષાને મણીનગર તરફ લઈ લીધી.

અમદાવાદ પહોંચ્યા પછી આખી ય પોળમાં જયેશે મંથનનાં અદભુત લગ્નના સમાચાર આપ્યા. એટલું જ નહીં પણ મંથનની વહુ કરોડપતિ બાપની દીકરી છે એ પણ કહ્યું. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં જયેશે બધાંને મંથન અદિતિના લગ્નની વીડિયો ક્લિપ પણ બતાવી.

કાંતિલાલ સુધી પણ આ વાત પહોંચી ગઈ. એમને પણ મનમાં વસવસો તો બહુ જ થયો કે મંથનને ઓળખવામાં પોતે બહુ મોટી થાપ ખાઈ ગયા. નહીં તો પોતાની દીકરી ભવિષ્યના કરોડપતિ મંથનની સાથે પરણી હોત અને પોતાનું કલ્યાણ પણ થઈ જાત !

તોરલ માટે એમણે જે જમાઈ શોધ્યો હતો એ કંઈ શ્રીમંત ન હતો. ખાધે પીધે એ લોકો સુખી હતા અને રતનપોળમાં સાડીની દુકાન હતી. પોતાની આટલી રૂપાળી દીકરી માટે ટાલવાળો મુરતિયો શોધ્યો હતો !!

બે દિવસ પછી જયેશની જાન પણ મણીનગર ગઈ અને શિલ્પા સાથે એનાં ધામધૂમથી લગ્ન થયાં. લગ્ન પછી એણે પણ લાલાકાકા હોલમાં જ રિસેપ્શન ગોઠવેલું અને આખી પોળને જમવાનું નોતરું દીધેલું.

હનીમૂન માટે જયેશે મંથનને ફોન કરવાનું વિચાર્યું. જો મંથન માઉન્ટ આબુ આવવા તૈયાર થાય તો બંનેની ટ્રીપ એક સાથે જ ગોઠવી શકાય અને કંપની પણ રહે.

" મંથન.. જયેશ બોલુ. હનીમૂન માટે પછી તમે લોકોએ ક્યાં જવાનું નક્કી કર્યું ? જો તારી ઈચ્છા માઉન્ટ આબુ આવવાની હોય તો આપણે બંને ત્યાં જ ભેગા થઈએ." જયેશ બોલ્યો.

" મને એક દિવસનો સમય આપ. હજુ કંઈ વિચાર્યું નથી. અદિતિ એના પિયર ગયેલી છે. હું રાત્રે એની સાથે ફોન ઉપર ચર્ચા કરીને તને કાલે જણાવી દઉં. " મંથન બોલ્યો.

" ચાલશે. તારા ફોનની રાહ જોઈશ." જયેશ બોલ્યો.

મંથને રાત્રે ૧૦ વાગ્યા પછી અદિતિ સાથે ફોન ઉપર વાત કરી.

"અદિતિ..જયેશનો ફોન હતો. હનીમૂન માટે એ લોકો માઉન્ટ આબુ જવાનાં છે. તારું મન ક્યાં જવાનું છે ? જો શિમલા કે મસૂરી જવાની ઈચ્છા હોય તો પછી આપણો પ્રોગ્રામ એ પ્રમાણે બનાવું. વિદેશ જવું હોય તો પણ મને વાંધો નથી." મંથન બોલ્યો

" તમારી જ્યાં પણ જવાની ઈચ્છા હોય ત્યાં હું આવવા તૈયાર છું. હું તો તમારી સાથે બધે જ ખુશ છું. મને માત્ર તમારામાં જ રસ છે. તમને ખબર છે કે આપણે ગમે ત્યાં જઈએ પણ મોટા ભાગે તો હોટલમાં જ પુરાઈ રહેવાનાં છીએ. અને મને વિદેશ રખડવાનો એવો કોઈ શોખ નથી. જયેશભાઈ જો તૈયાર થાય તો આપણે ગોવા ફરવા જઈએ. ભલે બિચારા એ પણ એન્જોય કરતા. ટિકિટ અને હોટેલની વ્યવસ્થા આપણે કરીશું. શિમલા મસુરી નૈનીતાલ ઉટી તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણે જઈ શકીશું. " અદિતિ બોલી.

"વાહ ક્યા સજેશન દિયા હૈ !! બહોત ખૂબ. ગોવાનો પ્રોગ્રામ ફાઇનલ. ટિકિટ અને હોટેલની બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. ચાર દિવસ પછી શનિ રવિ આવે છે તો શનિ રવિ અને સોમ એમ ત્રણ દિવસનો પ્રોગ્રામ બનાવી દઉં છું. શનિ રવિમાં પબ્લિક વધારે હોય એટલે આપણને પણ મજા આવે. " મંથન બોલ્યો અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે નવ વાગે મંથને જયેશને ફોન કર્યો.

"જયેશ.. મારી વાત ધ્યાનથી સાંભળ. તારે કોઈ દલીલ કરવાની નથી. તમારા બંનેની શુક્રવારે રાત્રે ગુજરાત મેલની ટિકિટ હું કરાવી લઉં છું. તમારે શનિવારે સવારે સીધા મલાડ આવી જવાનું છે. ત્યાંથી આપણે ચારે જણા ફ્લાઈટમાં ગોવા જઈએ છીએ. શનિ રવિ સોમ ત્યાં રોકાઈશું. આપણું હનીમૂન ગોવામાં થશે. શિલ્પાને કહી દેજે કે તૈયાર રહે. " કહીને મંથને ફોન કટ કર્યો.

મંથને વાત જ એવી રીતે કરી કે જયેશ કંઈ જ બોલી શક્યો નહીં. તમામ વ્યવસ્થા મંથન જ કરી રહ્યો હતો એટલે હવે બજેટનો તો કોઈ સવાલ જ ન હતો. જયેશે શિલ્પાને પણ પ્રોગ્રામ કહી દીધો.

શનિવારે સવારે ૭:૩૦ વાગે જયેશ અને શિલ્પા સુંદરનગર મંથનના ઘરે પહોંચી ગયાં. મંથન અદિતિને શુક્રવારે સાંજે જ ઘરે લઈ આવ્યો હતો એટલે અદિતિ પણ ઘરે હાજર જ હતી.

મુંબઈથી ૧૧:૧૫ વાગ્યાની સ્પાઇસ જેટની ફ્લાઈટ હતી જે બપોરે ૧ વાગે ગોવા પહોંચતી હતી. એરપોર્ટ ઉપર સવા દશે પહોંચી જવાનું હતું એટલે ઘરેથી નવ વાગે નીકળી જવું જરૂરી હતું.

જયેશ અને શિલ્પા નાહી ધોઈને તૈયાર થઈ ગયાં. અદિતિ અને મંથન તો સવારે વહેલાં જ નાહી ધોઈને બેઠાં હતાં.

મેથીનાં થેપલાં વીણામાસીએ રાત્રે જ બનાવી દીધાં હતાં. અદિતિએ બધાં માટે ચા બનાવી દીધી. વીણામાસીએ બધાંને ચા સાથે મેથીનાં થેપલાનો નાસ્તો કરાવ્યો. જેથી જમવામાં મોડું વહેલું થાય તો વાંધો ના આવે.

નીચે જઈને બહારથી મંથને એરપોર્ટ સુધી બે રિક્ષાઓ કરી લીધી. સવારે ટ્રાફિક હોવાથી એરપોર્ટ પહોંચતાં સવા દસ વાગી ગયા.

બોર્ડિંગ પાસ લઈ સિક્યુરિટી પતાવી એ લોકો ડીપાર્ચર લોન્જ માં પહોંચી ગયા. ફ્લાઈટ સમયસર હતું. ગોવામાં લેન્ડ થયા ત્યારે બપોરના ૧૨:૫૫ થયા હતા.

અદિતિ પપ્પા સાથે એકવાર ગોવા આવેલી હતી એટલે એને થોડો ઘણો પરિચય હતો. બાકીના ત્રણેય માટે ગોવા એકદમ નવું હતું.

મંથને કેંડોલીમ બીચ પાસે આવેલી હોટલ લેમન ટ્રી બુક કરાવી હતી એટલે ટેક્સી સીધી હોટલે જ લઈ લીધી.

હોટલ પહોંચતાં પોણા બે વાગી ગયા હતા. બે બાજુબાજુના રૂમની ચાવી લઈને બંને યુગલો લિફ્ટમાં ઉપર ગયાં. જમવા માટે નીચે મલ્ટી કવીઝીન રેસ્ટોરન્ટ તૈયાર જ હતું. રૂમમાં સામાન વગેરે મૂકીને ચારેય જણા રેસ્ટોરન્ટમાં જમવા માટે પહોંચી ગયાં.

બૂફેમાં એટલી બધી વેરાઈટીઝ હતી કે શું ઓર્ડર આપવો એ પણ મૂંઝવણ થઈ પડી. મોટાભાગે સી ફૂડ જેવી નોનવેજ આઈટમ વધારે હતી. છતાં પંજાબી સબ્જી અને કુલ્ચા પરોઠા રાઈસ વગેરે પણ હતાં એટલે સૌને જે પસંદ હતું એ લઈ લીધું. જમવાની સાથે વાઇન લેવાની પણ છૂટ હતી છતાં આ લોકોને આદત ન હતી.

અદિતિ નોનવેજ ખાતી હતી પરંતુ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન થયા પછી ક્યારેય પણ નોનવેજ ના ખાવાનો એણે નિર્ણય લીધો હતો !!

જમ્યા પછી બધા પોતાના રૂમમાં ગયા અને સાંજે પાંચ વાગ્યા સુધી આરામ કર્યો. સાંજે એ લોકો કલંગુટ બીચ ઉપર ફરવા ગયાં અને બે કલાક પાટીયા ઉપર લાંબા થઈને દરિયાનો આનંદ માણ્યો.

એ રાત્રે બંને યુગલોએ ગોવાની આ ફોર સ્ટાર હોટલમાં હનીમૂનનો રોમેન્ટિક અનુભવ કર્યો. બીજા દિવસે સવારે નવ વાગ્યા સુધી બંને યુગલો રૂમમાં જ સૂતાં રહ્યાં. એ પછી નીચે રેસ્ટોરન્ટમાં જઈને ચા નાસ્તો કરી લીધો.

સવારે નાહી ધોઈને તૈયાર થયા પછી આખા ગોવામાં ફરવા માટે એક સ્પેશિયલ ટેક્સી કરી લીધી. બે વાગ્યા સુધીમાં બટરફ્લાય કન્ઝર્વેટરી અને સ્પાઇસ પ્લાન્ટેશન જોઈ લીધું અને પછી પિકલ્ડ મેંગોમાં જઈને બપોરનું ભોજન લીધું.

સાંજે એ લોકોએ બીચ ઉપર જઈને બોટિંગ કર્યું અને રાત્રે ડિનર માટે વૈભવી ક્રૂઝનો આનંદ માણ્યો. ક્રૂઝમાં બેસીને ડિનર લેવાનો ખૂબ જ રોમેન્ટિક અનુભવ રહ્યો.

રાત્રે ફરી પાછાં બંને યુગલો પોતપોતાના રૂમમાં પુરાઈ ગયાં. ગોવાનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. બંને યુગલોએ રાત્રે વાઈનનો પણ આનંદ માણ્યો.

ત્રીજા દિવસે નેત્રાવલી બબલીંગ લેક અને પોર્ટુગીઝનો કિલ્લો જોઈ લીધો. બપોર પછી સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી પણ જોઈ લીધું અને સાંજે એ લોકો કેરી બીચ ઉપર પણ જઈ આવ્યાં. રાત્રે ડીનર પણ લેમન ટ્રી માં જ લઈ લીધું.

ગોવાથી સવારે ૮:૨૫ નું ફ્લાઇટ હતું જે ૯:૪૫ કલાકે મુંબઈ પહોંચી જતું હતું. મંથને એ ફ્લાઈટની ચાર ટિકિટ બુક કરાવી દીધી.

મંગળવારે સવારે ૭ વાગે જ મંથન લોકોએ હોટલ છોડી દીધી અને સાડા સાત વાગે એરપોર્ટ પણ પહોંચી ગયા. મુંબઈ પહોંચીને બે રીક્ષાઓ કરી ૧૧ વાગ્યા સુધીમાં તો બધા સુંદરનગર પણ પહોંચી ગયા.

માસી સાથે વાત થયેલી જ હતી એટલે રસોઈ તૈયાર જ કરી રાખી હતી. આજે તો માસીએ ગુજરાતીઓની અતિપ્રિય દાળ ઢોકળી બનાવી હતી.

જયેશ અને શિલ્પા રાત્રે ગુજરાત મેલમાં નીકળી જવાનાં હતાં. મુંબઈ આવતાં પહેલાં જ એમણે ટિકિટો બુક કરાવી દીધી હતી.

" મેં તો વિચાર્યું પણ ન હતું કે અમારું હનીમૂન ગોવામાં થશે. તારા કારણે અમને ગોવા જોવાનો પણ લાભ મળ્યો. બાકી અમારી અમદાવાદીઓની હનીમૂન દોટ તો માઉન્ટ આબુ કે ઉદેપુર સુધીની જ હોય છે ! " જયેશ બોલ્યો.

" એના માટે તારે અદિતિનો આભાર માનવો જોઈએ. ગોવાનું સજેશન એનું જ હતું અને તમને લોકોને બોલાવવાનું સજેશન પણ એનું જ હતું. " મંથન બોલ્યો.

" ભાભી તો તો અમારે તમારો આભાર માનવો જ જોઈએ. મંથન તો દરિયાદિલ છે જ પરંતુ તમે પણ આટલાં ઉદાર દિલનાં છો એ તો આજે જ ખબર પડી ! " જયેશે અદિતિની સામે જોઈને કહ્યું.

" જયેશભાઈ એમાં આટલો બધો આભાર માનવાની જરૂર નથી. તમે એમના ખાસ અંગત મિત્ર છો. લગ્નમાં પણ તમે હાજરી આપી. પરણીને આવી એટલે તમે અને શિલ્પાભાભીએ જ આ ઘરમાં મારું સ્વાગત કર્યું તો તમે લોકો પણ ઘરના મેમ્બર જેવાં જ છો. સંબંધોમાં અમે કદી પણ હિસાબ નથી ગણતાં. " અદિતિ બોલી.

જયેશ અને શિલ્પાને અદિતિ માટે માન પેદા થયું. શ્રીમંત ઘરની છોકરી હોવા છતાં ખૂબ જ સંસ્કારી અને વિવેકી હતી.

" એકાદ વીકમાં અમે બંને અમદાવાદ આંટો મારી જઈશું. કારણ કે હજુ અંબાજીનાં દર્શન કરવાનાં બાકી છે. " મંથન બોલ્યો.

" ચોક્કસ આવો. આ વખતે તમારે સીધા મારા ઘરે જ મહેમાન બનવાનું છે. " જયેશ બોલ્યો.

સાંજે વીણામાસીએ ભાખરી શાક બનાવી દીધું. જમીને જયેશ અને શિલ્પા રીક્ષા કરીને મલાડ સ્ટેશન જવા માટે નીકળી ગયાં. એ લોકો મલાડ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલની લોકલ ટ્રેન પકડવાનાં હતાં.

જયેશ અને શિલ્પા નીકળી ગયા પછી રાત્રે લગ્નમાં આવેલી તમામ ગિફ્ટ ખોલવાનો અને જોવાનો પ્રોગ્રામ અદિતિએ બનાવ્યો.

પગફેરા કરીને પહેલા આણે અદિતિ મલાડ સાસરે આવી ત્યારે મંથન અને અદિતિને લગ્નમાં જે પણ ગિફ્ટ મળી હતી એ તમામ ગિફ્ટ એ સુંદરનગર લઈ આવી હતી.

ગિફ્ટમાં જાત જાતની વેરાઈટીઝ આવી હતી. સોનાનું બ્રેસલેટ, બે ચેઈન, મોતીનો હાર, એરિંગ્સનો સેટ વગેરે દાગીના હતા તો બંને માટે ટાઈટનની કાંડા ઘડિયાળ, આઈફોન, સ્ટીલનાં વાસણો, મિક્સર, વૉલ ક્લોક જેવી જરૂરી વસ્તુઓ પણ હતી.

બધી વસ્તુઓ જોવાઈ ગઈ પછી અદિતિએ તમામ ચીજ વસ્તુઓ ઠેકાણે ગોઠવી દીધી. ગોલ્ડ જ્વેલરી તિજોરીમાં મૂકી. આઈફોન ટેબલ ઉપર રાખ્યો.

" અચ્છા મંથન... પપ્પાજી કહેતા હતા કે લગ્ન પતી ગયા પછી તમારા મિત્ર રફીકભાઈએ કોઈ દલીચંદ ગડા વતી ફ્લેટ બુકીંગની જાહેરાત કરી હતી. તો આ રફીકભાઈ કોણ છે ? " રાત્રે બેડરૂમમાં ગયા પછી અદિતિએ પૂછ્યું.

" અરે રફીક તો મારો અમદાવાદનો પાડોશી પણ છે અને જીગરી દોસ્ત પણ છે. દરિયાપુરમાં એની મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે અને એની બે ગાડીઓ ફરે છે. એના મુંબઈમાં કેટલાક ઇન્વેસ્ટરો સાથે સંપર્કો છે. હું મુંબઈ શિફ્ટ થયો ત્યારે મેં એને વાત કરી હતી કે અંધેરીમાં મારી ઓફિસ છે અને હવે હું એક બિલ્ડર તરીકે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કરવાનો છું." મંથન બોલતો હતો.

" લગ્ન વખતે પપ્પાએ ગોરાઈ લીંક રોડની સ્કીમની જાહેરાત કરી એટલે એણે એનો લાભ લઇ લીધો. બસ સિમ્પલ !! " મંથન બોલ્યો. અંડરવર્લ્ડની કોઇ વાત અદિતિને કરવાની અત્યારે એને જરૂર લાગી નહીં.

મંથને અદિતિને ભલે સમજાવી દીધી પરંતુ ૪૦ ૫૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટની વાત હતી એટલે ઝાલા સાહેબ પોતાની અધીરાઈ રોકી ન શક્યા. ગડા શેઠે એમને લેન્ડલાઈન નંબરથી ફોન કર્યો હતો એટલે એમની પાસે નંબર તો હતો જ. એમણે ગડા શેઠના સેક્રેટરીને ફોન જોડ્યો.

" બોરીવલીથી એડવોકેટ ઝાલા બોલું છું. શેઠને પૂછી જુઓને ક્યારે એમની એપોઇન્ટમેન્ટ મળી શકે એમ છે ? " ઝાલા બોલ્યા.

" પ્લીઝ હોલ્ડ ઓન " સેક્રેટરી બોલ્યો.

ત્રણેક મિનિટ પછી સેક્રેટરી લાઈન ઉપર આવ્યો. " કાલે સાંજે ચાર વાગે મુલુંડ ઓફિસ આવી જાઓ. એડ્રેસ લખી લો"

ઝાલા સાહેબે સેક્રેટરી પાસેથી એડ્રેસ સમજી લીધું.

બીજા દિવસે સાંજે ચાર વાગે ઝાલા મુલુંડ પહોંચી ગયા. મુલુંડ વેસ્ટ માં ઓફ પાર્ક રોડ ઉપર ટ્વિન ટાવરમાં એમની ઓફિસ હતી.

અબજોપતિની ઓફિસ હતી એટલે ઓફિસનો ઠાઠ જ કંઈક અલગ હતો. ઓફિસનું તમામ ઇન્ટિરિયર મોંઘુદાટ હતું. સ્ટાફ પણ ઘણો હતો. એન્ટ્રીમાં જ સિક્યુરિટી ચેકિંગ હતું. એ પછી સેક્રેટરી પાસે જવાનું હતું. ત્યાંથી બીજા એક ટેબલ ઉપર એન્ટ્રી કરવાની હતી. આમ બે કોઠા વિંધ્યા પછી દલીચંદની ચેમ્બરમાં પહોંચી શકાતું હતું. ઓફિસ પણ ભૂલભૂલૈયા જેવી બનાવી હતી.

" પધારો. " ગડાશેઠ બોલ્યા.

" જી હું એડવોકેટ ઝાલા. " ઝાલાએ બેઠક લેતાં પોતાનો પરિચય આપ્યો.

ગડા શેઠે બેલ માર્યો એટલે એમનો એટેન્ડન્ટ આઇસ્ક્રીમ લઈને આવ્યો.

" આઇસ્ક્રીમ જમો. મારે કોઈ ઉતાવળ નથી. શાંતિથી વાત કરીએ. " ગડા શેઠ બોલ્યા.

ક્રીમ કલરનો ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભો. સોનેરી ફ્રેમના ઇમ્પોર્ટેડ ચશ્મા. પરફ્યુમની મંદ મંદ સુગંધ. એક કોર્નરમાં ફૂલોથી સજાવેલી મહાવીર સ્વામીની મૂર્તિ. -- ઝાલા સાહેબ આઈસક્રીમ ખાતાં ખાતાં નિરીક્ષણ કરી રહ્યા.

" હવે હું બોલું ? " ઝાલાએ આઈસ્ક્રીમની પ્લેટ જેવી ટેબલ ઉપર મૂકી કે તરત જ ગડા શેઠ બોલ્યા.

" જી એટલા માટે તો આવ્યો છું. " ઝાલાએ કહ્યું.

" કોઈપણ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી. તમારા બંને ટાવર હું ખરીદી શકું એમ છું. મને ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટમાં રસ છે. ફ્લેટની એક રકમ નક્કી કરો. કોઈ ઉતાવળ નથી. કેટલા ફ્લેટ આપવાની તમારી ઈચ્છા છે એ નક્કી કરો. જે દિવસે તમામ પેપર્સ અને બ્રોશર તૈયાર થઈ જાય મને જણાવી દેજો. એગ્રીમેંટ થઈ જશે. રકમ એક સાથે જ એડવાન્સમાં મળી જશે. ફ્લેટ જોવાની પણ મારે જરૂર નથી. પૈસા કેવી રીતે જોઈએ છે એ બોલો. બધા ચેકથી પણ મળી શકે એમ છે. બધા બે નંબરના રોકડા પણ મળી શકે એમ છે. ૬૦ ૪૦ પણ થઈ શકે એમ છે. ૮૦ ૨૦ પણ થઈ શકે એમ છે. તમારે જ બોલવાનું. તમારી સ્કીમ છે. મારું કોઈ જ દબાણ નથી. મને ફ્લેટ ના વેચવા હોય અને બીજી કોઈ મોટી પાર્ટી ખરીદનારી હોય તો પણ મને વાંધો નથી. તમારા માલના તમે માલિક. તમને મળીને આનંદ થયો. જય જિનેન્દ્ર. " ગડાએ પોતાની વાત પૂરી કરી અને બંને હાથ જોડીને ઈશારો પણ કરી દીધો કે મુલાકાત પણ પૂરી થઈ ગઈ.

ઝાલા સાહેબ તો આ માણસને બસ જોઈ જ રહ્યા. ટૂંકી અને સ્પષ્ટ વાત. કંઈ પૂછવા જેવું એમણે બાકી જ નહોતું રાખ્યું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)