DNA. - 13 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૧૩)

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ડીએનએ (ભાગ ૧૩)

લીલાં ઘાસ પર રુચિ દોડી રહી હતી. તેની પાછળ તેને પકડવા શ્રેયા દોડી રહી હતી. શ્રેયસ દૂર બેઠા બેઠા બંનેની દોડપકડ જોઈ હસી રહ્યો હતો. શ્રેયસ હમણાં જ થાક ખાવા બેઠો હતો. તે પણ હમણાં સુધી તો રુચિ અને શ્રેયા સાથે રમી રહ્યો હતો. ત્રણેય જણા અઠવાડિયામાં એકાદવાર તો લો ગાર્ડન આવી જતા અને એકમેકની સાથે સમય પસાર કરતાં.

શ્રેયસની બાજુમાં પડેલી બેગમાં ફોન રણક્યો. શ્રેયસે ફોન જોયો. સ્ક્રીન પર ઇન્સ્પેકટર મનોજ લખેલું હતું. તેણે શ્રેયાને બુમ પાડી અને ફોન બતાવી ઈશારો કર્યો કે તારા મોબાઈલ કોલ આવ્યો છે. શ્રેયાએ દુરથી ઈશારો કર્યો કે કોનો છે. શ્રેયસે અવાજ મોટો રાખી બુમ પાડી, “ઇન્સ્પેકટર મનોજનો.” શ્રેયા શ્રેયસ પાસે આવી ત્યાં સુધી રીંગ વાગવાની બંધ થઈ ગઈ હતી. શ્રેયાએ મનોજને ફોન લગાડ્યો. મનોજે ફોન ઉપાડ્યો એટલે શ્રેયાએ કહ્યું, “બોલ મનોજ. એક દિવસ તો શાંતિ રાખો.”

મનોજે કહ્યું, “મેડમ. જરૂરી ના હોત તો ફોન ન કરત.”

શ્રેયાએ પૂછ્યું, “બોલ શું જરૂરી કામ હતું.”

મનોજે કહ્યું, “મેડમ લાશ મળી છે.”

શ્રેયાએ પૂછ્યું, “કોની?”

મનોજે કહ્યું, “મૈત્રી જોશીની?”

શ્રેયાએ કહ્યું, “ઠીક છે. હું આવું છું.” શ્રેયાએ રુચીને બુમ પાડી, “રુચિ, ચલ બેટા ઘરે જવાનો સમય થઈ ગયો.”

રુચીએ કહ્યું, “મમ્મા હજી તો આપણને આવ્યાને અડધો કલાક પણ નથી થયો.”

શ્રેયાએ રુચીને ઊંચકી લેતા કહ્યું, “જવું પડે એમ છે. પછી ફરી આવી આવીશુંને.”

રુચીએ શ્રેયાને આજીજી કરતાં કહ્યું, “થોડી વાર મમ્મા, પ્લીઝ... પ્લીઝ....”

શ્રેયાએ રુચીને ગાલ પર ચૂમતા કહ્યું, “જીદ નહીં.. કાલે ફરી આવીશું. બસ.”

શ્રેયાએ શ્રેયસ પાસે આવી ગઈ હતી. શ્રેયસે પૂછ્યું, “શું થયું?”

“મારે જવું પડશે. એક કેસમાં લીડ મળી છે.” શ્રેયાએ રુચીને નીચે ઉતારતા કહ્યું.

રુચીએ શ્રેયસને વળગી પડતાં કહ્યું, “પપ્પા આપણે હમણાં તો આવ્યા છીએ. મમ્માને કહો ને કે થોડીવાર પછી જઈએ.”

શ્રેયાએ રુચીને સમજાવતા કહ્યું, “કાલે આવી આવીશુંને ફરી.”

રુચીએ કહ્યું, “પ્રોમિસ.”

શ્રેયસે શ્રેયાને કહ્યું, “એક કામ કર તું જા. હું ને રુચિ થોડીવાર અહિયાં ફરીશું અને પછી આવતા રહીશું.”

રુચીએ શ્રેયસની વાતને સમર્થન આપતા કહ્યું, “હા.”

શ્રેયાએ ઠીક છે કહ્યું અને રુચીને ગાલ પર ચુંબન કર્યું.

શ્રેયા બાય કહીને નીકળવા જતી હતી ત્યાં જ શ્રેયસ પોતાના ગાલ પર આંગળી અડાડતા બોલ્યો, “મને”

શ્રેયા હસી અને બોલી, “પછી.” રુચિ પણ હસી પડી. શ્રેયાએ ત્યાંથી રીક્ષા પકડી ને સીધી સિવિલ હોસ્પિટલ પહોંચી.

રીક્ષા સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગના દરવાજે ઉભી રહી. શ્રેયા ઝડપથી રીક્ષાવાળાને પૈસા ચૂકવી પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચી. મનોજ લોબીમાં શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો. શ્રેયાને જોતા તેણે સાવધાનની પોઝીશનમાં ઉભા રહી સલામ કરી અને તેની સાથે ચાલતા ચાલતાં આખી ઘટનાનો રીપોર્ટ આપવાનું શરૂ કર્યું, “મેડમ લાશ જાસપુર ગામમાંથી મળી હતી. જાસપુર છારોડી પોલીસ સ્ટેશનના અન્ડરમાં આવે છે. ત્યાંના ઇન્સ્પેક્ટર દવેએ આપણને જાણ કરી. મેં અહીં આવી ખાતરી કરી લીધી કે ખરેખર લાશ મૈત્રીની જ છે કે નહીં. અને ખાતરી થઈ ગઈ એટલે પછી જ તમને ફોન કર્યો.”

શ્રેયાએ મનોજને પૂછ્યું, “પોસ્ટમોર્ટમ થઈ ગયું?”

મનોજે ચાલતાં ચાલતાં પોસ્ટમોર્ટમ રૂમનો દરવાજો ખોલતા કહ્યું, “ના મેડમ. દવેએ મૈત્રીને ઓળખી કાઢી હતી એટલે એણે તરત મને ફોન કર્યો અને લાશનો ફોટો મોકલ્યો. મેં એને સુચના આપી દીધી હતી કે હું ના પહોંચું ત્યાં સુધી કોઈ કાર્યવાહી હાથ ન ધરાય.”

શ્રેયાએ ફક્ત ગૂડ કહ્યું. બંને એક ટેબલ પાસે પહોંચ્યા. ટેબલ પર એક કપડાથી ઢાંકેલી લગભગ સાડા પાંચ ફૂટ લાંબી લાશ મુકેલી હતી. શ્રેયાએ તેના મોં પરથી કપડું હટાવ્યું. મનોજે શ્રેયાને પોતાના મોબાઈલમાં ફોટો બતાવ્યો. શ્રેયાએ ફોટા સાથે લાશને સરખાવી મનોજ સામે જોયું.

શ્રેયાએ પૂછ્યું, “મૈત્રીના પરિવારને જાણ કરી?”

મનોજે કહ્યું, “હા મેડમ.”

શ્રેયાએ લાશ પરનું કપડું ફરી ઢાંકી દીધું. બંને બહાર આવ્યા. સામેથી નિરામયભાઈ અને મુકુંદભાઈ આવતા દેખાયા. બંને શ્રેયા અને મનોજ પાસે આવી ગયા.

શ્રેયાએ મૈત્રીની લાશ ઓળખી હતી છતાં નિરામયભાઈને સીધેસીધું કહેવાનું ટાળતા કહ્યું, “પોલીસને એક લાશ મળી છે. અમને શંકા છે કે એ મૈત્રીની લાશ છે. તમને ખાતરી કરવા ને ઓળખ કરવા બોલાવ્યા છે.”

શ્રેયા બંનેને લાશ પાસે લઈ ગઈ. ધીમેથી તેણે મોં પરથી કપડું ખસેડ્યું. કપડું હટાવતાં જ મૈત્રીનો ચેહરો જોઈ નિરામયભાઈએ બેટા કહીને પોક મૂકી. આખો રૂમ તેમના રડવાના અવાજથી ગુંજી ઉઠ્યો. મુકુંદભાઈએ તેમને પકડી લીધા. તેમની આંખમાંથી પણ આંસુ આવી ગયા. નિરામયભાઈએ મૈત્રીને બાથમાં લઈ લીધી અને મૈત્રી કહી બીજી પોક મૂકી.

શ્રેયા રૂમની બહાર નીકળી ગઈ. તેના માટે પણ આ આઘાત સમું હતું. થોડીવાર પછી મનોજ અને મુકુંદભાઈ બંને નિરામયભાઈને રૂમની બહાર લઈ આવ્યા. મનોજે નિરામયભાઈને કહ્યું, “ધીરજ રાખો સર. જે થઈ ગયું છે એને હું કે તમે બદલી નથી શકવાના.”

શ્રેયાએ મુકુંદભાઈને સંબોધીને ઉમેર્યું, “તમે એમને અત્યારે ઘરે લઈ જાઓ. પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી થઈ જાય પછી હોસ્પિટલ તમને લાશ આપી દેશે.”

નિરામયભાઈએ રડતાં રડતાં કહ્યું, “હું મારી મૈત્રીને લીધા વિના ઘરે નહીં જાઉં.”

શ્રેયાએ કહ્યું, “સર, પોસ્ટમોર્ટમમાં વાર લાગશે.”

નિરામયભાઈ પોતાની વાત પર અડગ રહેતા બોલ્યા, “ભલે બે દિવસ લાગે. જો હું ઘરે જઈશ તો કુમુદને શું કહીશ. એને કેવી રીતે કહી શકીશ કે મૈત્રી હવે...” અને ફરી તેમના મોંમાંથી ડૂસકું નીકળી ગયું.

મુકુંદભાઈએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે માનવા તૈયાર ન હતા. લગભગ બે કલાક પછી ફરી મુકુંદભાઈએ તેમને સમજાવતા કહ્યું, “આપણે ઘરે નહીં જઈએ તો ઘરવાળા વધારે પરેશાન થશે.” એટલીવારમાં મુકુંદભાઈના ફોનની રીંગ વાગી. તેમણે ફોન ઉપાડ્યો. સામેથી તેમના પત્ની ભાનુબેનનો અવાજ આવ્યો, “શું થયું? કુમુદબેન રડ્યા જ કરે છે.”

મુકુંદભાઈએ પોતાના પર કાબુ રાખી મન મક્કમ કરી જવાબ આપ્યો, “એ.. એ મૈત્રી જ છે.”

ભાનુબેને કહ્યું, “હાશ, ચાલો ભગવાને એને સલામત રાખી એટલે બહુ.”

“એ નથી મળી”, મુકુંદભાઈનો અવાજ કુવામાંથી આવતો હોય એમ લાગ્યું.

“તો”, ભાનુબેનના અવાજમાં ડર વરતાયો.

મુકુંદભાઈએ હિંમત રાખી કહી દીધું, “એની લાશ મળી છે.”

ભાનુબેનના મોંમાંથી “ઓ માં” ની સાથે આંખમાંથી આંસુ નીકળી ગયા. ભાનુબેન ફોન મુકવા જતા હતા પણ મુકુંદભાઈએ કહ્યું, “હમણાં કુમુદબેનને કંઈ કહેતી નહીં. અમે આવીએ પછી કહીશું.”

ભાનુબેને ફોન મુક્યો પણ તેમની હાલત જાણે પોતાની છોકરી મરી ગઈ હોય તેવી થઈ ગઈ હતી. તેમના મોંમાંથી નિસાસા સાથે ડૂસકાં નીકળવા લાગ્યા.

શ્રેયા મનોજ સાથે ઇન્સ્પેક્ટર દવે પાસે ઉભી હતી.

શ્રેયાએ ઇન્સપેકટ દવેને પૂછ્યું, “લાશ કોણે જોઈ હતી?”

દવેએ જવાબ આપ્યો, “મેડમ, એક કેમેરામેને જોઈ હતી. એ ત્યાં કોઈ ક્લબ માટે વિડીઓ શુટિંગ કરવા ગયો હતો અને અનાયાસે તે ડ્રોન ઉડાડતા ઉડાડતા ત્યાં જઈ ચડ્યો હતો.”

શ્રેયાએ પૂછ્યું, “લાશ પાસેથી કંઈ મળ્યું?”

“હા મેડમ. એક બેગ મળી છે. એમાંથી આઈ કાર્ડ, ચાવીઓ અને કપડાં મળ્યા છે.” દવેએ કહ્યું.

મનોજે વચ્ચે વાત કરતાં કહ્યું, “મેડમ એનો ફોન અમને બે દિવસ પહેલાં મળ્યો છે. હું તમને કહેવાનું ભૂલી ગયો હતો. એ ફોન જેની પાસેથી મળ્યો છે એનું કહેવું છે કે એણે ફોન બે મહિના પહેલાં કોઈની પાસેથી ખરીદ્યો હતો. તેણે જેની પાસેથી ખરીદ્યો હતો તેની તપાસ ચાલુ કરી દીધી છે.”

શ્રેયાએ મનોજને કહ્યું, “મનોજ ડોક્ટર ક્યાં છે?”

મનોજે કહ્યું, “તેમની ઓફિસમાં હશે. બોલાવું?”

શ્રેયાએ કહ્યું, “ના હું એમને એમની ઓફિસમાં જ મળી લઉં છું. દવે તમને કંઈ પણ બીજી જાણકારી મળે તો મને જાણ કરજો.” દવેએ “જી મેડમ” કહ્યું. શ્રેયા ડોક્ટરની ઓફીસ તરફ ચાલી. મનોજ પણ તેની સાથે નીકળ્યો.

ડોક્ટરની ઓફિસની બહાર શ્રેયા પહોંચી અને ડોક્ટરની ઓફિસમાંથી આશરે પીસત્તાલીસ વર્ષની વ્યક્તિ ડોકટરના ગણવેશમાં બહાર નીકળી. ડોકટરનો ચેહરો ઉજળો હતો અને નાકની નીચે પાતળી મૂછો હતી. દાઢી સાફ કરેલી હતી એટલે ચેહરો વધુ ઉજળો દેખાતો હતો.

શ્રેયાએ ડોકટરની સામે હાથ લંબાવતા કહ્યું, “હેલો, ડોક્ટર. આઈ એમ શ્રેયા ગોહિલ. ડીસીપી ક્રાઈમ બ્રાંચ.”

ડોકટરે હાથ મિલાવતા કહ્યું, “આસિસ્ટન્ટ પ્રોફેસર ચેતન ગર્ગ.”

શ્રેયાએ મૂળ વાત તરત જ કરતાં કહ્યું, “સર, હાલ જે છોકરીની લાશ આવી છે એ કેસ મારે માટે ખુબ અગત્યનો છે. તો એક રીક્વેસ્ટ છે કે તેનું પોસ્ટમોર્ટમ વિશેષ કાળજી સાથે કરવામાં આવે.”

“તો તમને શું લાગે છે કે અમે બધા પોસ્ટમોર્ટમ યોગ્ય રીતે નથી કરતાં?” ડોકટરે આડો જવાબ આપતા કહ્યું.

“મારો એ મતલબ નથી.” શ્રેયાએ દિલગીરી વ્યક્ત કરી.

“તો”, ડોક્ટર ગર્ગે કહ્યું.

“કંઈ નહીં.” શ્રેયાએ કહ્યું. ડોક્ટર ગર્ગ ત્યાંથી નીકળી ગયા.

ડોક્ટર દૂર ગયા એટલે મનોજે કહ્યું, “ડોક્ટરને બહુ ચરબી હોય એવું લાગે છે.”

શ્રેયાએ મજાક કરતાં કહ્યું, “ના સ્લીમ તો છે.”

મનોજે શ્રેયા સામે જોયું અને બંને હસ્યાં.

બીજે દિવસે નિરામયભાઈના ઘર આગળ એક ગાડી આવીને ઉભી રહી.