YOG BHAGAADE ROG in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૨૬

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હાસ્ય લહરી - ૨૬

યોગ ભગાડે રોગ..!

                        હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી જુન આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. એના કપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,  ને યોગનો  દિવસ આવે ત્યારે,  ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..! ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે. ભલે પાણી પહેલાં પાળ નહિ બાંધી હોય, પણ કોઈએ બાંધેલી પાળ ઉપર તો પ્રાણાયામ કરે છે ને..?  યોગદિન આવે તે પહેલાં સ્પોર્ટ્સના લેંઘા ને જોડા ઘરમાં આવી જાય. યોગ દિવસ આવે એટલે ધોતીયાવાળા માં પણ ચેતના ફાટ-ફાટ થવા માંડે, આ બધાં વાઈબ્રેશન કહેવાય..! ભલે  સ્પોર્ટસનો લેંઘો તૈયાર ઊંચકી લાવ્યા હોય એટલે ડોઝણા ઉપર નહિ પહોંચે, એ બે નંબરની વાત છે. ક્યાં તો વચ્ચેથી ફાટી જાય,  ક્યાં તો આગળ વધવા માટે ટોલનાકા જેવું ડોઝણું આડું ફાટે. એ ચઢાવ..ચઢાવ કરવાની કસરતને પણ યોગ જ કહેવાય..! યોગ-દિવસની ઉજવણીનો પ્રારંભ ત્યાંથી જ થાય..!  ‘દેશ-દેશાવર’  તો અનેક જોઈ નાંખ્યા હોય, પણ પોતાના ડોઝણા જ નહિ જોયા હોય તો ઐસા  હોતા હૈ..! ક્યારેક પેટ ઉર્ફે ડોઝણા સાથે સેલ્ફી લેવાની આદત રાખતાં હોય તો..? એમ કહો કે પેટ-દર્શન કરવાનો દિવસ એટલે જ યોગ દિવસ..! યોગીમાંથી ભોગી થવું સહેલું છે, પણ ભોગીમાંથી  યોગી બનવું એટલે, માથે મધમાખી ઉછેરવા બરાબર..! ભાજપા સિવાયની સીટ ઉપરથી ચૂંટણી લડવા જેટલું અઘરું..!

                              યોગ માટે પણ આગોતરી મહેનત  કરવી પડે. એક માત્ર ‘મરવા’ માટે જ છૂટ..! બાકી આગોતરી વ્યવસ્થા તો દરેક પ્રસંગ માટે જરૂરી..! પછી એ યોગ હોય કે છપ્પન પ્રકારના ભોગ હોય..! લગન હોય, વિવાહ હોય, સીમંત હોય, ભજન હોય ગરબા હોય, યોગ હોય, ભોગ હોય કે, કોઈને ચૂંટણીના ચકરાવે ચઢાવવાનો હોય..! ઊંચા ઘરાનાનો હોય તો, મરવા પહેલાં ચાઈનાથી ૧૦ (ઓરીજીનલ) ઘોડાની શબ-રથી પણ એડવાન્સમાં તાણી બાંધવી પડે.  લગનમાં મામુલી એક કન્યા લાવવા માટે જો આટલા ઉધામા કરવા પડતા હોય તો, જે શરીરની શતાબ્દી જોવી છે, એના માટે કંઈ નહિ કરવાનું..? જીવનમાં એક જ વાર પૈણવાનું આવે એટલે કાળજી રખાય, ને રોગ ને ભગાડવા યોગની વાત આવે ત્યારે ઠાંગાથૈયા કરવાના એમ..? બધાં જ કંઈ વૈભવ-વિલાસી ને અમીર આસામી નથી કે, વિધુર થયા વગર વરઘોડાના બે-ચાર પ્રવાસ-યાત્રા ખેડી શકે..!  રતનજી કહે એમ યોગ પણ કરવાના..! માત્ર લગનની ચર્ચા ચાલે એટલે તો  ‘કરોળિયું’ સ્પાઈડર મેનની જેમ કુદાકુદ કરતું થઇ જાય, કંકોત્રી છપાવા માંડે એટલે જેન્ટલમેન બની જાય, ને લગન થાય એટલે સુપરમેન..! બે-ચાર વર્ષ પછી ઘરમાં ઘોડિયાં ઘટવા માંડે એટલે છોકરાં સંભાળવા વોચમેન થવાનું..? ને છેલ્લે ડોબરમેનની માફક હાઉંઉ..હાઉઉ કરીને જ શ્વાસ પુરા કરવાના..! આ તે કોઈ જિંદગીના ખેલ છે મામૂ..?

                          સમય-સમયના ખેલ છે દાદૂ.? જુઓ ને, ભારતમાં પહેલાં hi બોલવાવાળા  (અંગ્રેજો) રાજ કરતા હતાં. પછી આઈ વાળા આવ્યા.  તે પછી ‘માઈ’ (MOTHER) વાળા આવ્યા,  હવે ચાયવાળાના હાથમાં આપણા ગાળા છે...!  હવે પછી ગાયવાળા આવે તો કહેવાય નહિ..! જે કહો તે યોગનું કામ સારું છે, એ કરાવે તો છે  ને..? શરુ-શરૂમાં તો ફાંકડું લાગે. પણ ધીરે-ધીરે માતાજી આવવા માંડે. હાડકાં-પાંસળા અંદરથી કરગરવા માંડે, ‘હવે બસ કરો યાર, બહુ દુખે છે, સહન થતું નથી..!’ ને ડોઝણા ડોળા કાઢવા માંડે તે અલગ..! સાલા માણસે માણસે ડોઝણાના પ્રકાર પણ અલગ..! અમુકના ડોઝણા જોઈએ તો દેશ-દેશાવરના નકશા જેવાં જ લાગે. ગુજરાતી ડોઝણાની વાત કરીએ તો, કોઈનું ડોઝણું સરહદ તોડીને દીવ-દમણમાં ઘુસી ગયું હોય, ક્યાં તો સુરત-વલસાડવાળા દમણમાં ઘુસી ગયાં હોય એવાં લાગે..! ‘દોઝણા નાબુદી’ માટે પણ આ યોગ તો જરૂરી..! ખાધના પ્રયોગ વધે ત્યારે પણ યોગ તો કરવા પડે. નહિ તો દિલ કરતાં ડોઝણા વધારે વધે.

                                  ફૂંક મારે ને ઉડી જાય, એવી સુકલકડીવાળા શરીર કરતાં, મજબુત બાંધાવાળાને અમે યોગના દિવસે બોલાવેલા. ઈરાદો એવો કે, એ બહાને યોગ-વિદ્યાનો થોડો પ્રચાર થાય. મોટી-મોટી ફાંદવાળા ને મજબુત બાંધાના ઉભા વાંહડા જેવાં થોડાંક આવ્યા તો ખરાં, પણ થયું એવું કે બકરીઓના ટોળામાં કાઝીરંગાના ગેંડા ઘુસી ગયા હોય એવું લાગ્યું. યોગાવાળા કરતાં આ લોકોના દર્શન માટે પડાપડી વધી  થઇ..! હરખમાં મેં પણ યોગ તો કર્યો, પણ પ્રયોગ એટલો ભારે પડ્યો કે, કેઈડની એન્ગલ હજી રાઈટ એન્ગલ શોધવા ફાંફા મારે છે..! પાંચ-છ મિસ્ત્રી બેસાડ્યા હોય તો પણ, કળ નહિ વળે એવી હાલત થઇ ગઈ..!  અમુકને તો મા યાદ આવી ગઈ, અમુકને બાપા યાદ આવી ગયા..!  જેવો જેનો વ્યવહાર..! મોઢામાંથી સિસકારા એવાં નીકળ્યા કે, સાત ગાઉં સુધીનો કચરો આપોઆપ સાફ થઇ ગયો. એક-એકને ખબર પડી ગઈ કે, શરીરમાં નસ ક્યાં આવેલી ને ક્યાં જકડાયેલી છે? અમુક તો સૂર્ય-નમસ્કાર કરવાને બદલે, 'યોગને નમસ્કાર' કરીને જ વટી ગયા..! એમાં અમુક તો સાળાની જાનમાં આવ્યા હોય એમ, શેરવાની પહેરીને બનીઠનીને આવેલા, ને ફાટેલી શેરવાની સાથે ઘરે ગયા. કેટલીક બહેનો પણ ફેસિયલ કરાવીને આવેલી. પરસેવો એવો રેલાયો કે, તેમના ચહેરા મોઢા ઉપરથી મંકોડા ફરી ગયાં હોય તેવાં થઇ ગયા. એકાદ-બે તો બોલી પણ ખરી કે, ‘મને તો સાસુ કરતાં યોગા ટીચર વધારે જલ્લાદ લાગી..!’ એમાં જૂની શરદીવાળા ડોહાઓએ તો હદ કરી નાખી. ભ્રસ્તીકા કરવામાં એવાં સોલ્લીડ ગગનનાદ કાઢ્યા કે, અડધું મેદાન તો એ ગગનનાદમાં જ સાફ થઇ ગયું. ને સામેવાળાનો બરડો શરદીથી પલાળી ગયાં તે અલગ..! ‘મિત્રોઓઓઓઓ...! યોગાસન એ સીહાસન નો બાપ છે...!’ એ જેમણે સાંભળેલું એ બેસી રહ્યા..!  

                                                                                    લાસ્ટ ધ બોલ

 

                   કસરત કે પ્રાણાયામ કરીએ એને જ યોગા કહેવાય એવું નથી. ક્યારેક આવી ઘટનાને પણ યોગ કહીએ તો ચાલે. થયેલું એવું કે, પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો. બંને જણાએ એકબીજા સાથે અઠવાડિયું સુધી બોલવાનું બંધ કર્યું. ને ખૂણે બેસી પ્રાણાયામ જ કર્યા. આખ્ખર કંટાળીને પત્નીએ એક દિવસ કહ્યું કે, દીકરી-જમાઈ વાળા થયા.ને આપણે ઝઘડીએ તે સારું નહિ લાગે. આપણે કોમ્પ્રોમાઈઝ કરી લઈએ તો ના ચાલે..?  

શું કરવું છે બોલ..?

તમે મોટું મન રાખીને એકવાર મારી માફી માંગી લો. ને હું મોટું મન રાખીને તમને માફ કરી દઈશ..!

તારા કપાળમાં કાંદા ફોડું...!   

 

-----------------------------------------------------------------------------------------------------