આશા અને અમિત અમદાવાદની નવગુજરાત કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં સાથે ભણતા હતા જેમાં આશાને આગળ સી.એસનુ ભણી કંપની સેક્રેટરી બનવાનું સ્વપ્ન હતું જ્યારે અમીત એલ.એલ.બી નું ભણી વકીલ થવાની મહેચ્છા ધરાવતો હતો. સાથોસાથ બન્ને એકજ સોસાયટીમાં ૨૦ વર્ષથી રહેતા હોઈ બાળપણથી પાડોશી પણ હતા. શાળા- હાઈસ્કૂલનો અભ્યાસ દીવાન બલ્લુભાઈમા એક સાથે પુર્ણ કરેલ.
આશા રોજ એક્ટીવા હોન્ડા લઈ કોલેજ આવતી અને અમિત તેની બાઈક પર રોજ કોલેજ આવતો. બન્ને યુવાન હૈયામાં જુવાનીના જોમ, જુસ્સો હતા અને એકબીજા પ્રત્યે લાગણી ધરાવતા હતા.આશા ૫.૬" ઉંચી, ગોરી પાતળી અને આકર્ષક હતી જોતાં જ દરેક ને ગમી જાય તેવી હતી. તેની સામે અમિત પણ ૬ ફૂટ ઉંચો, સશક્ત અને હેન્ડસમ યુવાન હતો.આશાના મમ્મી રાધાબેન અને અમિતના મમ્મી કૌશલ્યાબેન પાડોશીની સાથોસાથ ખાસ બહેનપણીઓ પણ હતા તેઓ ધરની કોઈપણ વસ્તુઓની ખરીદી કરવા એકસાથે કરવા જતા, દરવર્ષે પાપડ- અથાણાં જેવી વસ્તુઓ ભેગા મળીને બનાવતા.જેનાથી બન્ને કુટુંબ વચ્ચે ઘર જેવો સંબંધ બની ગયો હતો. દર અઠવાડિયે, પખવાડિયે કોઇપણ બહાને ભોજન , હોટલમાં ડીનર , પિકનિક કે પિક્ચર જોવાનો કાર્યક્રમ બન્ને ઘરનો સાથે બનતો, રાધાબેન અને કૌશલ્યાબેન જાણે બે બહેનો હોય તે રીતે રહેતા હતા. રાધાબેનના પતિ રમેશભાઈ અનાજ -કરીયાણાના હોલસેલ વેપારી હતા અનાજ બજારમાં તેમની પેઢી ખુબજ પ્રખ્યાત હતી. જ્યારે કૌશલ્યાબેનના પતિ કિશોરભાઈ ગાંધીનગર ખાતે સચિવાલયમાં કલાસ વન ઓફીસરની જોબ કરતા હતા. બન્નેને પોતપોતાની પત્નીનો પૂરો સાથ સહકાર મળતો હતો. બન્ને પરિવારોએ દિવાળી વેકેશન દરમિયાન કાશ્મીરમાં ફરવા જવાનો પ્લાન બનાવેલ તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી.
કોલેજમાં દિવાળી વેકેશન પડી જવાનુ હતુ તે પહેલા કોલેજનો વાર્ષિકોત્સવ આવી રહ્યો હતો,તેનો દરેક વિદ્યાર્થીઓમાં ઉમંગ, ઉત્સાહ જોવા મળતો હતો. અમિત તેજસ્વી વિદ્યાર્થી ની સાથોસાથ ઈતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર હતો. જેમકે, ડાન્સ, નાટક,ઞીત, વક્તૃત્વ સ્પર્ધામાં હંમેશા ઈનામો સાથે શિલ્ડ પણ મેળવતો. આશાને પણ નૃત્ય, ગરબા, નાટક ઈત્યાદિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતો હતો. કાર્યક્રમમાં સાથે ભાગ લેતા અને નાટકમાં મુખ્ય પાત્રનો રોલ ભજવતા વાર્ષિકોત્સવના આગલા દિવસે અમિતનું બાઈક બગડી જતાં તે નિરાશ થયો કારણ તેને વાર્ષિકોત્સવ માટે કોલેજ તરફથી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, આશાએ અમિતને નિરાશ જોતા કારણ પુછ્યું ઐ બન્ને એકબીજાની લાગણીને સમજવા લાગ્યા, અમિત વિચારતો હતો કે, આશા કેટલી બધી સમજદાર , શાણી, લાગણી પ્રધાન તેમજ વિવેકી છે,જો મને આશા પત્ની સ્વરૂપે મળે તો મારૂં જીવન ધન્ય બની જાય,આશા પણ વિચારતી હતી કે અમિત જેવો હેન્ડસમ, હોશિયાર અને લાગણી ધરાવતો યુવાન મને પતિ તરીકે મળે તો મારા જીવનના તમામ સ્વપ્નાઓ પરીપૂર્ણ થઈ જાય, છેલ્લા વીસ વર્ષથી જે કુટુંબની સાથે મારે જાન- પહેચાન છે તેઓની સાથે હું જલ્દીથી ભળી જઈશ. અમિત અને આશાની વિચારસરણી પણ મળતી આવતી હતી મનમાં ઉદભવતા એક સરખા વિચાર ને કારણે બન્નેના દિલમાં કુણી લાગણી જન્મવા સાથે પ્રેમના અંકુર-બીજ ક્યારે રોપાયા તેની ખબર ના રહી હવે ક્યારે પ્રેમનો એકરાર કરવો તે આશા વિચારતી હતી જ્યારે, કોલેજના વાર્ષિકોત્સવ બાદ આશા સમક્ષ પ્રેમનો એકરાર કરવો એમ અમિત વિચારતો હતો.
એક દિવસ કોલેજની કેન્ટીનમા બન્ને ભેગા થતાં એકબીજાની સામે જોતા મૌન થઈ ગયા બન્નેના દિલમાં હલચલ મચી, હિંમત ભેગી કરીને અમિત બોલ્યો આપણે બન્ને એક દિવસ સાથે વિતાવીએ તો કેમ? આશા થોડી ક્ષણ માટે આશ્ચર્ય પામી પછી તેણીએ કહ્યું, શું વાત છે? ત્યારે અમિતે જણાવ્યું કે મારે તારી સાથે થોડી અંગત વાત કરવી છે થોડી આનાકાની પછી આશાએ હા પાડી.
બન્નેએ શરદ પૂર્ણિમા ને દિવસે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ નક્કી કર્યો શરદ પૂર્ણિમા આવતા બન્ને અમીતની બાઈક પર બહાર ફરવા નીકળી પડ્યા, ઘરના સભ્યોને આ સામે કોઇ વાંધો ન હતો કારણ, બન્નેના કુટુંબ વચ્ચે સારો મનમેળ હતો. તેઓએ સવારે લો ગાર્ડન પાસે નાસ્તાપાણી બપોરે ગ્રાન્ડ ભગવતીમાં લંચ લીધું બાદ રાજહંસ થીએટરમાં દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે પિક્ચર જોયુ , સાંજે ઇસ્કોનમોલમા જઈ થોડી ખરીદી કરી ત્યાં જ ડીનર કર્યુ આખો દિવસ આ રીતે મોજ-મસ્તીમા પસાર કર્યા બાદ રાત્રે કાંકરિયાની પાળ ઉપર બંને બેસવા ગયા ત્યારે શરદપૂર્ણિમાનો ચંદ્ર આશાના ચહેરાની જેમ જ પુર્ણ રીતે ખીલી ઉઠ્યો હતો સાથે શીતલ પવનની લહેરખીઓથી આહલાદક વાતાવરણ અનુભવાતુ હતુ. અમિત આશાની આંખોમા સતત એકીટશે જોઈ રહ્યો આશા પાણી પાણી થઇ ગઈ તેનું દિલ તો પહેલેથી જ ધડકી રહ્યું હતું.બન્નેનુ એકસાથે મૌન તુટ્યું, 'તુ મને ગમે છે,' એમ કહીને બન્ને એકસાથે હસી પડ્યા, બન્નેએ એકબીજાને હગ કરીને હાથમાં હાથ પકડી લીધા, આશાએ અમીતના ખભે માથું ટેકવી દીધું તે સાથે બંનેની આંખો અને હ્દય બોલી ઉઠ્યા આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. બન્ને જણાએ નક્કી કર્યું કે કાશ્મીર પ્રવાસે જઈશુ ત્યારે આપણા માતા-પિતાને કહીશું પછી તો બન્ને એકબીજા વગર રહી શકતા ન હતા, પ્રેમની આગ બે'બાજુ સરખી લાગી હતી.
કોલેજમાં વેકેશન પડતાં કોઈને કોઈ બહાને રુબરુ ભેગા થવા લાગ્યા તેમજ મેસેજ, વોટ્સએપ, ફેસબૂક, ઇંસ્ટાગ્રામ, ટ્વીટર વિગેરેના વ્યાપક ઉપયોગના સહારે તેમની પ્રેમ- નૌકા આગળ ધપી રહી હતી.
દિવાળી પહેલાંની અગીયારસે કાશ્મીર પ્રવાસે પોતાના સ્પેશ્યિલ વાહન દ્વારા પહોંચી ગયા , ત્યાં પણ કાશ્મીરની ધરતી પરની લીલી વનરાજી ચાદર અને ઠંડા ખુશનુમા વાતાવરણ વચ્ચે એકબીજાથી વધુ સમય દુર રહી શકતા નહીં જેનાથી તેમના મા બાપ અજાણ ન હતા .કૌશલ્યાબેન અને રાધાબેને આ યુવા-જોડી લગ્ન કરી એક થાય, પોતાના બહેનપણાં સંબંધમાં ફેરવાય તેવી ઈચ્છા ધણા સમયથી હતી. આશા- અમીતે અગાઉ નક્કી કર્યા મુજબ ધનતેરસના શુભદિને સવારે તેમના માતા-પિતાને જણાવ્યું કે અમો એકબીજાને પસંદ કરીએ છીએ ,અમારું જીવન એકસાથે જીવવા માંગીએ છીએ આ સાભળી બેઉની માતાઓ તો ખુશીથી પાગલ થઇ ગઈ અમારૂં કામ બન્નેએ આસાન કરી આપ્યું ,આ સાથે નક્કી થયું કે લાભ-પંચમીએ રીંગ સેરેમની ( વેવીશાળ) કરી દેવુ, સૌ પોતપોતાની તૈયારીમાં લાગી પડ્યા બન્ને કુટુંબમાં આ દિવાળી અનોખી રીતે ઉજવાઈ.
પલ્લવી ઓઝા
"નવપલ્લવ"