કેયા એક ધબકાર ચૂકી ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. લાખ પ્રયત્ન પછી પણ ગળામાંથી અવાજ નીકળી શક્યો નહી. પણ પગ જાણે બેકાબૂ પક્ષી બની ઊડવા લાગ્યા હતા. કેમ ય કરી રોકાવા માંગતા નહોતા. પગની ગતિ શ્વાસની ગતિ કરતા ય અનેકગણી હતી.
હાંફતા હાંફતા એ અચાનક જાણે કોઈ ભીંત સાથે અથડાઈ નીચે પછડાઈ પડી.
અને…
ધબકાર ચૂકી ગયેલ શ્વાસ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યો. ડરથી આખુ શરીર ધ્રુજવા લાગ્યું. આ તે સ્વપ્ન હતું કે સત્ય!!!!?? પણ સ્વપ્ન હોય તો આ કપાળ પરથી નીતરતું લોહી કેવું!? આખું શરીર પાણી અને કાદવથી લથબથ છે, એ કેવું!? ફાટી ગયેલ વસ્ત્રો … ઓહ! હે ઈશ્વર! આ શું બની ગયું! ઈલેક્ટ્રીસીટી વગરની અંધારી વરસાદી રાત… અને કાળમુખ ચહેરો… કમકમાટી ભરી ચીસો અને લાલસાભર્યુ હાસ્ય… અને એ આ કયાં આવી પહોંચી છે? અત્યારે એ વાત એની સમજશક્તિની પરે છે. છતાં તેને એટલું તો જરૂર સમજાયુ કે તેણે ગમેતેમ કરી અહીંથી ઊભા થઈ દોડવાનું છે! દોડવું જ પડશે! તેણે ભીંતના ટેકે ઊભા થઈ કાદવ રગદોળાયેલા પગ ઉપાડ્યા, પાસેની ઘટાદાર ઝાડીમાં.
એ નાના શહેરની સમજદાર ભણેલીગણેલી યુવતી હતી. એ ઘટાદાર અવાવરું ઝાડીમાં આવી અંધારી રાતે કેવાય ઝેરીલા સાપ વીંછી હશે! કદાચ જંગલી પશુઓ પણ હોય! પણ અત્યારે શહેરના માનવ પશુઓ કરતાં વધુ વિકરાળ અને ઝેરીલા તો નહી જ હોય! એ માનવપશુઓના પંજાના નહોર અને તીક્ષ્ણ દાંતોના ધા તેના આખા શરીર પર હતા. આનાથી વધુ દર્દનાક અને શરમજનક શું હોઈ શકે!? મા સમાન કાકી ?? તો વિશ્વાસ કોનો કરવો?
હજુ છ મહીના પહેલા જ તેણે એકાઉટન્સીમાં માસ્ટર્સની ડિગ્રી લીધી હતી. મા-બાપ, તેનાથી બે વર્ષ નાનો ભાઈ, કાકા, કાકી, આખા પરિવારના સૌ ખુશખુશાલ થઈ ગયા હતા. છ જણાનો સંયુક્ત પરિવાર હતો. કાકા અને પિતાની ઉંમરમાં ખૂબ તફાવત હતો. ઉપરથી કાકાએ થોડો સમય પહેલા જ લગ્ન કર્યા હતા. કાકી જો કે કાકા કરતા ઉંમરમાં ઘણા નાના હતા. લગભગ તેની જ ઉંમરના. તેથી તો તે બંને વચ્ચે કાકી ભત્રીજીના સંબંધને બદલે મૈત્રીભર્યા સંબંધ હતા.
સૌ સાથે મળી મોટા અંબાજી દર્શન કરવા ગયા. ત્યાંથી નાના સૌ એ મળીને ઉપર માઉન્ટ આબુ માટે વડીલોને મનાવી જ લીધા. તેના આનંદનો પાર નહોતો. સખી સમાન કાકીના હાથમાં હાથ રાખી તે આખા આબુમાં ફરી. હમેશાં આનંદનો સમય ટૂંકો જ લાગે છે. ત્રણ દિવસ તો જોતજોતાંમાં વીતી ગયા. તેઓ ઘરે પાછા આવવા નીકળ્યા. કાકા ડ્રાઈવીંગ સીટ પર, પપ્પા તેમની બાજુમાં, છેક પાછળની સીટ પર ભાઈ અને મમ્મી અને વચ્ચેની સીટ પર તે અને તેની પરમ મિત્ર કાકી! સમય તો સવારના અગિયારનો જ હતો. પણ કાળા ડિબાંગ વાદળોએ સવારને રાતમાં પલટી નાંખી હતી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તો અમે નીકળ્યા, ત્યારથી ચાલુ જ હતો. કાકા ખૂબ સાચવીને ડ્રાઇવીંગ કરતા હતા છતાં અમારા સૌના જીવ અધ્ધર હતા. પહાડોમાંથી નીકળતો ગોળ ગોળ રસ્તો, કસમયનો વરસાદ અને કસમયનું અંધારું! પડીકે બંધાયેલ જીવ સાથે અમે પહાડી રસ્તો પૂરો કર્યો અને હાશ કરી. કાકાએ પણ નિરાંતનો શ્વાસ લીધો ને એ જ ક્ષણે અચાનક ત્રણ ચાર કુતરા લડતા લડતા સામે રસ્તા વચ્ચે આવી ગયા અને કાકાએ ગાડીનો કંટ્રોલ ગુમાવ્યો. ગાડી એકતરફ આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ.
કાકા અને પપ્પાને સખત વાગ્યું. અમારા સૌ પર વીન્ડશીલ્ડના કાચની કાચ્ચરો પડી. અમને સૌને માથા, પગ અને પીઠ પર વાગ્યું . થોડી ક્ષણો તો બધા અવાક બની ગયા, પછી ચીસાચીસ મચી ગઈ. પપ્પા અને કાકાએ ત્યાં જ શ્વાસ છોડી દીધો. મમ્મી બેભાન બની ગઈ અને એ જ અવસ્થામાં પપ્પાને મૃત્યુ પછી પણ સાથ આપવા નીકળી પડી! હોસ્પીટલમાંથી ઘરે આવ્યા, તો ઘર રુદન અથવા મૌનથી ભરેલું રહ્યું. ત્યારથી તેના મનમાં વરસાદ, કુતરા અને આબુ માટે ઘૃણા ભરાઈ ગઈ. એક કાકી અને નાના ભાઈ સિવાય બધાને તેણે ગુમાવી દીધા હતા. પણ કાકી કંઈક વિચિત્ર જ વર્તતી નથી હવે!!! પહેલા જેવો પ્રેમ તો બતાવે છે, પણ છતાંયે …
સમય વીતવા લાગ્યો. તેણે લો નું ભણવાનું ચાલુ કરી દીધું. ભાઈની કોલેજ પણ ચાલુ હતી. કાકી હવે આખો દિવસ એકલી પડવા માંડી. તેમના વર્તનમાં બદલાવ? કેયાને શંકા ઘેરવા માંડી હતી. તેણે ઘણા ફેમીલી જોયા હતા, જયાં પતિના અથવા પરિવારના મુખ્ય સભ્યના મૃત્યુ પછી બધું જ બદલાઈ જતું હોય છે! અરે! ભાઈ પણ બદલાયેલો લાગતો હતો. એ બહાર જ વધુ સમય કાઢતો હતો. ઘરમાં આવતો તો ચૂપચાપ જમીને પોતાની રુમમાં ભરાઈ જતો. હું વાત કરવા જાઉં તો બહુ ટૂંકા જવાબ આપતો. કલબલાટ અને ખુશખુશાલ ઘરને કોઈની ખરાબ નજર લાગી હતી. પણ તેને એકમાત્ર કાકી ખુશ લાગતી. જાણે છાનીમાની હસતી હોય એવું લાગતું. અને પડોશીઓ ખબર નહિ શું ગુશપુશ કરતા હોય એમ લાગતું!!! મમ્મી પપ્પા જતાં જ જાણે આખું જગત બદલાઈ ગયું!!
વારંવાર હવે કાકીના સગાં ખબર કાઢવા આવતા. ત્યારે કાકી ખૂબ ખુશ દેખાતા. અવારનવાર તેમની સાથે તે બહાર જતા. રાત્રે મોડા પાછા ફરતા. કયાં જતા હતા તેનો જવાબ તેને હમેશાં શંકાસ્પદ લાગતો. શોક તો કયારનોય મુકી દીધો હતો.
આજે એ કોલેજથી સીધી એક નવી મિત્રને ત્યાં ગઈ હતી. ઘરે પાછા જવાનું કોણજણે કેમ મન થતું નહોતું. કાકીને તેણે ફોન કરી દીધો હતો. બપોરથી જ કાળકાળા વાદળ ઘેરાયેલા હતા અને ઝરમર વરસાદ ચાલુ હતો. મન અત્યંત ઉદાસ હતું. પેલી અકસ્માતની રાતની સ્મૃતિ ઘેરી વળી હતી. મમ્મી, પપ્પા અને કાકાની યાદથી એ રડું રડું થઈ રહી હતી. રાત થવા આવી હતી અને વરસાદ પણ વધી ગયેલો. પણ એને કોણજાણે કેમ આજે ઘરે જવાનું મન જ નહોતું થતું. છેવટે દસેક વાગ્યે તે પરાણે ઘરે જવા નીકળી.
રસ્તામાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. લાઇટ વગરના રોડ, ચારેબાજુ પાણી, ખાડા ખાબોચિયા… કાદવ ઉડી ઉડી એના પર ચોંટતો અને ઉપરથી પડતો વરસાદ એ કાદવ સાફ કરતો જતો! પંદર મિનીટનો રસ્તો પુરો કરતા તેને લગભગ કલાક બે કલાક થઈ ગયા. રોડ અને સોસાયટીની લાઇટો બંધ હતી. વાવાઝોડા અને વીજળીઓ સાથેના વરસાદને લીધે બધા લોકોએ ઘરોમાં પૂરાઇ ઘરો બંધ કરી દીધા હતા. ઈલેક્ટ્રીસીટી ન હોવાને લીધે બધે તદ્દન જ અંધારું હતું. કંપાઉન્ડનો ગેટ ખોલી એ અંદર પ્રવેશી. ઘરમાં તેને મીણબત્તીનું આછું અજવાળું લાગ્યું. પણ જ્યારે ચારેબાજુ સુમશાન હતું તેને પોતાના ઘરમાં ઘોંઘાટ સંભળાયો. હસવાનો, જોરશોરથી સ્ત્રી-પુરુષોના મીક્ષ અવાજનો કોલાહલ..,,
જેમતેમ આશ્ચર્યચકિત તેણે બારણું ખખડાવ્યું. પણ બારણું અડતાંની સાથે જ ખુલી ગયું…
અંદરના દ્રશ્યથી તે અવાક બની ત્યાં જ જડાઈ ગઈ! અંદર મીણબત્તીના આછા અજવાળામાં દારુ અને બીજા કોઈ નશાની મહેફિલ ચાલતી હતી. દસપંદર નાની મોટી ઉંમરના છોકરા-છોકરીઓ અર્ધવસ્ત્ર હાલતમાં ચારેબજુ બેહૂદા હાલતમાં પડ્યા હતા. તેમાં કાકી પણ સામેલ હતી. અવાક બનેલી તેની આંખો વધુ પહોળી થઈ ગઈ જ્યારે તેણે ભાઈને એક ખૂણામાં બેભાન બનેલો અને તેના પર તૂટી પડેલા નગ્ન સ્ત્રી પુરુષ જોયા! હવે તેના ગળામાંથી ઘ્રુસકા સાથે કારમી ચીસો નીકળી ગઈ. બધાની નજર હવે તેના પર ગઈ! બધા તેને ઘેરી વળ્યા. એક રૂપાળી પાણીથી લથબથ, અંગેઅંગ સાથે ચોંટી ગયેલ વસ્ત્રો… તેના શરીરના દરેક વળાંક તે બધાની નશાયુક્ત ઢળી પડતી આંખોમાં સમાઈ ગયા…. ડરથી તે બેભાન જ બની ગઈ!
જ્યારે હોશ આવ્યા ત્યારે તે ઝાડીમાં દોડી રહી હતી. તેને થયું કે સવાર પડતા જ તે પોલીસ પાસે ફરિયાદ કરવા પહોંચી જશે! ત્યાં સુધી આ ઝાડીઓ જરૂર તેની રક્ષા કરશે! એક કાંટાળી ઝાડી પાસે તે બેસી પડી. બીજો કોઈ સમય હોત તો તેને કાંટા વાગ્યાનો અનુભવ જરૂર થાત! પણ અત્યારે તેની વેદના બીજી જ કોઈ હતી! ધીરેધીરે તેની નજર સામે બધું જાણે સ્પષ્ટ થવા લાગ્યું અને એક જોરથી ફટકો તેના માથામાં વાગ્યો અને તે ફરી બેભાન બની ગઈ.
તે ભાનમાં આવી ત્યારે તે જેના ઘરે ગઈ હતી તે મિત્ર અને કાકી તેની બાજુમાં બેઠા હતા. તેના વસ્ત્ર કોરા અને સ્વચ્છ હતા. માથા પર મોટો પાટો બાંધ્યો હતો અને શરીર પર નાની મોટી મલમપટ્ટી કરેલ હતી. તેને કશું જ સમજાતું નહોતું. કશું બોલવાની પણ જાણે શક્તિ નહોતી. તેની અવાજ વગરની વ્યાકુળતા સમજી જઈને તેની મિત્રે કહ્યું કે તે રાત્રે તેના ઘરેથી નીકળી અને તે ઘરે જ ના પહોંચી. કાકીએ અડધેથી વાત પૂરી કરતા કહ્યું કે એ રાત્રે મોડે સુધી ઘરે ના પહોંચતા એ અને ભાઈ તેને શોધવા નીકળેલા. તેની નજર બારી પાસે ઊભા રહી બહાર જોતા ભાઈ ઉપર પડી અને ભાઈ તેને જાગેલી જોઈ ચૂપચાપ બહાર ચાલી ગયો. કાકીએ વાત આગળ ચલાવી કે તે રસ્તામાં કાદવમાં ફસાઈ પડી હતી. એ બંને તેને કોઈની મદદથી ઘરે લઈ આવ્યા હતા અને ડોક્ટર ઘરે બોલાવી તેની ટ્રીટમેન્ટ કરાવી. આજે ત્રણ દિવસે વરસાદ બંધ થઈ વાતાવરણ સારું થતા તેની મિત્ર ખબર જોવા આવી અને તેને ભાન પણ આવ્યું છે! તેની આંખો સામે દૂર દૂર જાણે પેલા તેણે જોયેલા દ્રશ્યો નાચવા લાગ્યા. શરીરમાં અને મનમાં એક અસહ્ય પીડા ઉઠી. તેણે ભારોભાર તિરસ્કારથી કાકી તરફ જોયું. પણ કાકી તો જાણે તેના તિરસ્કારથી તદ્દન અજાણ બની, ઊભા થઈ ગયા, “ચાલો, હું તમારા બંને માટે ચ્હા બનાવી લાવું” અને એ રૂમની બહાર નીકળી ગયા. તેણે તે જ વખતે ભાઈની રુમનું બારણું જોરથી બંધ થતા સાંભળ્યું….
તેનું સમગ્ર અસ્તિત્વ એક જ પ્રશ્ન પૂછી રહ્યું હતું. એ ખુલ્લી બારીમાંથી દેખાતા આકાશમાં શૂન્યપણે તાકી, જાણે પૂછી રહી હતી! તેણે જોયેલ કમકમાટી ભર્યા દ્રશ્યો અને તેણે અનુભવેલ વેદના સ્વપ્ન કે સત્ય??!