Swarg - 1 in Gujarati Anything by Kamejaliya Dipak books and stories PDF | સ્વર્ગ - 1

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

સ્વર્ગ - 1

" પોતાના ઘરની શોધમાં નીકળેલા ભગવાનની વાર્તા"

આપણા ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે છે કે સવારે વહેલા આવેલું સપનું
હકીકત જેવું હોય છે. આ સપનું પણ મને સવારે વહેલા જ આવેલું..
પરોઢ ના સાડા ચાર વાગ્યા છે, હું મારા ખાટલા માં સૂતો છું. મને કોઈ હબાડવી રહ્યું છે એવું મને મેહસૂસ થયું. અચાનક મારી આંખ ખૂલી. મારી આંખો ખુલતા ની સાથે જ અંજાઈ ને બંધ થઈ ગઈ, મારી સામે એક પ્રકાશમય વ્યક્તિ ઊભી છે. અદ્વિતીય સુંદર ચેહરો, કાજલ ભરેલી નમણી આંખો, સંગે મર્મર ની મુરત જેવી સુંદરતા, માથે મુગટ પર લેહરાતી મોરપંખ, હાથ માં બંસરી, ગળા માં ખુશ્બુદાર ફૂલો ની માળા, હોઠો પર અજબ ની હસી સાથે મને ભગવાન શ્રી કૃષ્ણ હળવે થી જગાડી રહ્યા છે. હજી તો મારી આંખો પણ ખુલી નથી અને તેઓ કહેવા લાગ્યા, "અરે વત્સ દિપક, શું તે સ્વર્ગ જોયું છે??"
મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો, કે મારી સામે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા, તેઓ મારી જોડે વાત કરી રહ્યા હતા. હજી તો મારી આંખો પણ વ્યવસ્થિત ખુલી નહોતી ત્યાં જ તેમના શબ્દો મને ફરી એક વાર સંભળાયા, "હે મિત્ર દિપક, હું તને કંઇક પૂછી રહ્યો છું, તું મને એનો ઉત્તર તો આપ." મે પોતાને સંભાળ્યો, બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણ ને નમન કર્યા, " પ્રભુ, તમે સ્વયં અહીંયા, મારી સામે, અને મને પૂછો છો કે મે સ્વર્ગ જોયું છે, (મને આશ્ચર્ય સાથે હસવું આવ્યું). મે ભગવાન સામે જોયું, તેઓ જરા પણ મજાક ના મૂડ માં નહોતા. "એક મિનિટ, શુ હુ મરી ગયો છું?, શુ મારું મૃત્યુ થઈ ગયું છે??" અચાનક જ મે ડર ના ભાવ સાથે ભગવાન ને પૂછ્યું. ભગવાને હસી ને મને સાંભળ્યો અને કહેવા લાગ્યા, " અરે ના મિત્ર ના, તુ હજી જીવિત જ છે, પણ હુ ભટકી ગયો છું અને હવે સ્વર્ગ ક્યાં છે એ મને જ ખ્યાલ નથી, શુ તુ મને સ્વર્ગ શોધવા માં મરી મદદ કરીશ." તેમના અવાજ માં તેમની વ્યથા દેખાઈ આવતી હતી. થોડી વાર ચૂપ રહ્યા પછી 'એક જ મિનિટ માં અવ્યો' એમ કહી ને હુ મારું બેગ પેક કરવા લાગ્યો. ભગવાન મરી સામે જોઈ રહ્યા હતા.
આમ તો બેગ માં વધારે કાઈ નહોતું પણ મારી રોજબરોજ ની જીવનજરૂરી ચીજો જેમ કે બ્રશ ટૂથપેસ્ટ , રૂમાલ, મોબાઈલ, એક નાનું ચાકુ, એક ટોર્ચ, એક લાંબી રસ્સી, બે જોડી કપડાં વગેરે. બેગ લઈને હુ મમ્મી પાસે ગયો. એમની પાસે જઈને મે બહાર જવા માટે રજા લીધી અને ચાલતો થયો, પણ હા મમ્મી ને ભગવાન વિશે કોઈ વાત ન કરી.
"જો તમને સ્વર્ગ ક્યાં છે એ ખબર ના હોય તો હું તો એક સામાન્ય માણસ છું, મને સ્વર્ગ ક્યાં છે એ ક્યાં થી ખબર હોય, છતાં પણ જો તમે કહેતા હોય તો હું તમારી સાથે જરૂર આવીશ." એમ કહી ને હું તેમની સાથે જવા તૈયાર થઈ ગયો....
"અમે પૃથ્વીવાસી એવું માનતા હોય કે સ્વર્ગ આકાશ માં હોય છે, એટલે આપણે સૌ પ્રથમ ત્યાં જ જવું જોઈએ." મે કહ્યુ..ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલક્યા. અમે અદૃશ્ય એવા દૈવી રથમાં બેસીને આકાશમાર્ગે સ્વર્ગ ની શોધ માટે રવાના થયા.
અવકાશ ની એ સફર માં અમે ઘણા બધા દૂર આવી ગયા હતા. ભગવાન મને રસ્તા માં આવતા બધા અલગ અલગ ચમકતા તારા અને ગ્રહો ની જાણકારી આપતા હતા. તારાઓ ની વિશિષ્ટતા અને ત્યાં જોવા મળતા અનેક ભિન્ન ભિન્ન પ્રકારના અંતરિક્ષવાસી ઓ ને અમે મળ્યા. ત્યાં બધાને અમે સ્વર્ગ વિશે પૂછ્યું , પણ તેઓ કોઈ સ્વર્ગ વિશે કાઈ જાણતા નહોતા. અમે એવા ગ્રહો પણ જોયા કદાચ જીવન વિકસિત થાય એવુ વાતાવરણ નહી હોવાના કારણે કોઈ અંતરીક્ષ જીવ તો જોવા ના મળ્યું પણ ગ્રહ ની સુંદરતા ગજબની હતી, એટલા માટે અમે એવા ગ્રહ પર જવાનું હંમેશા ટાળતા. અમે અલગ અલગ ઘણી બધી અવકાશીય જગ્યા પર ગયા પણ ક્યાંય સ્વર્ગ ની ભાળ ના થઈ.
છેવટે અમે એક સુંદર અને રમણીય એવી જગ્યા પર આવ્યા. અહી દરેક જગ્યા એ લીલા વનસ્પતિઓના જંગલ અને હરિયાળી જોવા મળતી હતી, પરંતુ કોઈ ત્યાં રહેતું હોય એવું ના લાગ્યું. મને એ વાત ની નવાઈ લાગી કે ભગવાને અહીં ઉતારવાનું કેમ નક્કી કર્યું હશે..! ક્યાંય કોઈ અંત્રિક્ષવાસી કે તેમણે બનાવેલા ઘર અમને જોવા ના મળ્યું. આ ગ્રહ આકાશ માં તરતા એક ટાપુ જેવો લાગતો હતો. આખો ગ્રહ એક નાના ગામ જેવડો હતો પણ ખૂબ જ સુંદર હતો. જાણે જમીન પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવું લાગતું હતું, કોઈ એ વૃક્ષો થી બનાવેલી લીલી ચાદર પાથરી હોય, દૂર ઘણા બધા ડુંગરો હતા, એવું લાગતું હતું જાણે દરેક ક્ષણે અહી ની હરિયાળી માં વધારો થતો હોય.
અચાનક જંગલ માં દરેક વૃક્ષ સળગવા લાગ્યા, મને લાગ્યું કદાચ ગ્રહ ની ગરમી ના લીધે દાવાનળ લાગી ગયો હસે પરંતુ આટલી જલ્દી થી અહી ના વૃક્ષો સળગી રહ્યા હતા, મને નવાઈ લાગી. મે ભગવાન સામે આશ્ચર્ય થી જોયું, ભગવાન મુસ્કુરાઈ રહ્યા હતા. ત્યાં અચાનક જમીન હલવા લાગી, જાણે ભૂકંપ આવ્યો હોય. મે ગભરાઈ ને ભગવાન નો હાથ પકડી લીધો. હું થોડો ભગવાન ની નજીક આવી ગયો. ત્યાં જ અમારી સામે એક અતિશય વિશાળકાય પ્રાણી આવી ને ઊભુ રહ્યું. હું ખૂબ જ ડરી ગયો. એ પ્રાણી કદાચ આ ગ્રહ નો માલિક હોય એવું લાગતું હતું. ત્રણ મોટા હાથી જેવડું એ પ્રાણી ખૂબ દરાવણું લાગતું હતું. એના મો માંથી આવતી દુર્ગંધ થી એવું અનુમાન લગાવી શકાય કે તે કોઈ નાના હરણ જેવા પ્રાણી નું ભોજન કરી ને આવ્યું હશે, તેના આખા શરીર પર શાહુડી ની જેમ કાંટા હતા, તેનું શરીર ડાયનોસોર ના આકાર નું હતું, માથે બે શીંગ હતા, તેની પૂંછ ખૂબ લાંબી અને પૂંછ ના છેડે ગદા જેવો ભાગ હતો જે ખૂબ મજબૂત હતો તે ભાગ કદાચ તેના શરીર ના સંતુલન માટે હશે, મને લાગ્યું કે કદાચ આ પ્રાણી મને અને ભગવાન શ્રી કૃષ્ણ ને દબાવી ને અમારી કચુંબર બનાવી દેશે, પણ એ અમને કાઈ હાની પહોંચાડવા ને બદલે ભગવાન કૃષ્ણ ના પગ એક પાલતુ પ્રાણી ની માફક તેની લાંબી જીભ થી ચાટવા લાગ્યું.
ભગવાને મને કહ્યું, " ગભરાવ નહિ દિપક, આ ઓસ્ટ્રોમેટ છે, તે આપણને કોઈ હાની નહિ પહોંચાડે, તે માંસાહારી નહિ શાકાહારી પ્રાણી છે. તે જ્યારે કોઈ બીજા જીવંત વ્યક્તિ ને જુએ છે તો ખૂબ જ ભાવુક થઈ જાય છે, તેના આંસુ જ્યારે જમીન પર પડે છે ત્યારે ત્યાં અગ્નિ પ્રગટ થાય છે, હમણાં જે જંગલ માં આગ લાગી હતી તે આ પ્રાણી ના આંસુ ના કારણે જ લાગી હતી, અને જે ભૂકંપ જેવું થયું હતું તે આ પ્રાણી ના પગ જમીન પર મૂકવાના લીધે થયું હતું, તેની પૂંછ નો છેડાનો જે મજબૂત ભાગ છે એના થી તે કોઈ પણ મજબૂત વૃક્ષ ને તોડી ને જમીનદોસ્ત કરી શકે છે. આ ગ્રહ નું નામ ઓસ્ટ્રોમસ છે, અને આ એક જ પ્રાણી આ આખા ગ્રહ પર રહે છે, આ ગ્રહ ખૂબ જ જડપી ગ્રહ છે એટલે બીજું કોઈ સજીવ અહી રહી નથી શકતું." મે તે પ્રાણી ને અડકવા માટે હાથ આગળ કર્યો, પણ ભગવાને મને તેમ ના કરવા માટે ઈશારો કર્યો. મે મારો હાથ પાછો ખેંચી લીધો. મને નવાઈ લાગી એટલે હુ ઓસ્ટ્રોમેટ ના શરીર ને ધ્યાન થી જોવા લાગ્યો. મે જયારે ખુબ જીણવટભરી નજર થી જોયું ત્યારે મને ઝટકો લાગ્યો. કેમ કે ઓસ્ટ્રોમેટ પર અનેક જીવ રહેતા હતા જેમની લંબાઈ અને કદ એક ઇંચ થી વધારે નહોતું. તેઓ આકાર માં માણસ જેવા જ લાગતા હતા પરંતુ જોઈને એવુ લાગતું હતું કે તેઓ ખુબ ગુસ્સા માં છે અને જાણે અમારી ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય, ચિલ્લાઈ ચિલ્લાઈ ને ખુબ જ જીણા અવાજ માં કોઈક નારા લગાવી રહ્યા હતા, તેમની વિચિત્ર અને સમજી ના શકાય તેવી ભાષા માં અમને ત્યા થી જવા માટે કહી રહ્યા હશે કદાચ.
મે ભગવાન તરફ જોયું, તેઓ ઓસ્ટ્રોમેટ ની આંખો માં જોઈને જાણે મૌન ભાષામાં કંઈક વાત કરી રહ્યા હતા અને મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા.
થોડી વાર પછી અમે ત્યા જ આરામ કરવા માટે બેઠા. ઓસ્ટ્રોમેટ અમારી બાજુ માં જ ઉભો હતો. હુ અને શ્રી કૃષ્ણ તો મૌન હતા પરંતુ પેલા ઓસ્ટ્રોમેટ પર રહેતા લોકો હજી પણ અમને જવા માટે નારા લગાવી રહ્યા હતા.
અંતે મે ભગવાન ને પુંછયું, " પ્રભુ, એક સવાલ મનમાં છે, જો તમે કહો તો પૂછું." "અવશ્ય પૂંછ દિપક." ભગવાને કહ્યું. "તમે કહ્યું કે આ જડપી ગ્રહ છે અને બીજા કોઈ સજીવ અહી ના રહી શકે તો એનો અર્થ શું અને આ એક પ્રાણી જ કેમ રહી શકે છે અને તેની ઉપર ના આ બીજા સજીવો નું શું, હું કઈ સમજી નથી શકતો." મે પૂંછયું. ભગવાન કહે, " દિપક, ત્યાં બધું ખૂબ જ જડપ થી થાય છે, કોઈ પણ સજીવ કે વૃક્ષ ખૂબ જલ્દી થી વધે છે, ઑસ્ટ્રોમેટ પણ ખૂબ જ જલ્દી થી વધે છે, તેની ઉંમર આશરે 1920 કરોડ વર્ષ છે તે હજી વધે જ છે અને રહી તેના ઉપર ના સજીવો ની વાત તો તેઓ પર આ ગ્રહ ના નિયમ લાગુ નથી પડતાં કેમ કે તેમના માટે તો ઓસ્ટ્રોમેટ જ એમનો ગ્રહ છે." મને મારા બધા સવાલો ના જવાબ મળી ગયા હતા.
અચાનક ભગવાન મારી સામે જોઈને ઉત્સાહમાં કહેવા લાગ્યા. "દિપક, આ ઓસ્ટ્રોમેટ કોણ છે તને ખબર છે?" ભગવાન મને પૂછવા લાગ્યા. મે કહ્યુ, "નહિ ભગવાન, મને ક્યાં થી ખબર હોય, મે તો પહેલી વાર જ આ અદભૂત પ્રાણી ને જોયું છે તો મને કેવી રીતે ખબર હોય કે એ કોણ છે!!"
"આજથી કરોડો વર્ષ પહેલાં ની એક વાત તને કહું, સાંભળ." એમ કહી ભગવાન શ્રી કૃષ્ણ એ મને એક વાર્તા કહેવાની ચાલુ કરી અને હું ધ્યાન થી સાંભળવા લાગ્યો.
તારા ગ્રહ પૃથ્વીની જેમ જ 'વેમન' નામનો એક ગ્રહ અહીંથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલો છે જેની ઉપર પણ પૃથ્વીની જેમ જ જીવન આવેલું છે. ત્યા પણ પૃથ્વીની જેમ જ અનેક જીવ વસે છે. તે ગ્રહના દક્ષિણ ભાગમાં "અમીનારણ્ય" નામ નું એક ખૂબ જ ગીચ જંગલ હતું. જંગલ ની આસપાસ અમીનગર નામનું એક રમણીય નગર હતું. ત્યાંની પ્રજા એકદમ સુખી અને સમૃદ્ધ હતી. કોઇને એક બીજા પ્રત્યે કોઈ પ્રકાર ની શત્રુતા ન્હોતી, તેમ જ તેઓ એક બીજા પ્રત્યે મનમાં ઈર્ષા પણ નહોતા લાવતા. હંમેશા નગર ના નામ ની જેમ બધા ની આંખ માં થી જાણે અમી વરસતું હતું. મહારાજા 'અમીરાજ' ને કોઈ વાતનું દુઃખ ન્હોતું કેમ કે રાજ્ય સમૃદ્ધ અને પ્રજા સુખી હતી. રાજ્ય માં જરૂરી એવી દરેક વસ્તુઓ મળી રહેતી. અલગ અલગ વિસ્તાર માં ભગવાન મહાદેવ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને ભગવાન ઇન્દ્ર સહિત્ અનેક મંદિરો હતા. રાજ્ય માં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ની ખુબ જ સારી વ્યવસ્થા કરવા માં આવી હતી. લોકોને જીવન જરૂરી દરેક સુવિધાઓ જેવીકે ખાવું-પિવુ, રહેવું અને પહેરવું બધીજ વસ્તુઓ મળી રહેતી હતી.
રાજ્ય માં બધી જ જાતી ના લોકો હળીમળી ને રહેતા હતા. એકબિજાના સુખદુઃખ માં સાથ આપતા હતા. રાજાના મંત્રી સુખદેવજી ખુબ સારી રીતે રાજ્ય ચલાવવા માટે મહારાજને હંમેશા સાથ આપતા હતા. જરુર્ પડે ત્યારે રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્ય ની સલાહ લેવા માટે રાજ્યની બાજુમાં જ આવેલા તેમના આશ્રમ માં દોડી જતા અને તેમને હંમેશા સાચી સલાહ મળી રહેતી હતી.
એક દિવસ ની વાત છે, સાંજ પડ્યા પછી પણ જંગલ માં ગાયો ચરાવવા ગયેલા ગોવાળ પાછા ના આવ્યા કે ના આવી એક પણ ગાય. બે દિવસ સુધી જયારે રાજ્ય માં દૂધ, છાસ કે માખણ ના આવ્યા તો મહારાજે ગાયો ના રખેવાળ એવા ગોવાળો ને રાજ્યમાં હાજર થવા માટે કહેણ મોકલ્યું. ગોવાળ તો ના આવ્યા પરંતુ ગોવાલણો સાથે મળી ને મહારાજ પાસે ફરિયાદ લઈને હાજર થઈ. મહારાજે બધા ની ફરિયાદ સાંભળી ને પોતાના મંત્રી સુખદેવજી સાથે ચર્ચાવિચારણા કર્યા પછી સૈનિકો ની એક ટોળી ને જંગલ માં ગાયો અને ગાયોના ગોવાળો ની શોધ માટે મોકલી. બે દિવસ પછી પણ કોઈ સૈનિક રાજ્ય માં પાછો ના આવ્યો. હવે મહારાજ ને થોડી ચિંતા થવા લાગી.
અંતે મહારાજા એ સ્વયં જંગલ માં જવાનું અને પોતાના તમામ લોકો તથા ગાયો ની શોધ કરવાનું નક્કી કર્યું. તેના માટે જયારે તેઓ મહર્ષિ વેદભટ્ટાચાર્ય પાસે સલાહ લેવા માટે ગયા ત્યારે રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્ય એ તેમને જંગલ માં જતાં રોક્યા. તેમણે કહ્યુ કે જો તેઓ જંગલ માં જશે તો જીવિત પાછા નહિ આવે. જ્યારે મહારાજા એ તેનું કારણ પૂછ્યું તો મહર્ષિ કહેવા લાગ્યા..
"જંગલ માં ઑસ્ટ્રસ નામનો એક હાથી છે જે મદમસ્ત થઈને આખા જંગલને ખેદાનમેદાન કરવા લાગ્યો છે. મોટા મોટા વૃક્ષો અને જંગલના વન્યપ્રાણીઓની જિંદગી માથે ખૂબ મોટું સંકટ આવી પડ્યું છે. અચાનક જ એના મનમાં એક ખુબજ વિચિત્ર વિચાર ઘૂમવા લાગ્યો છે. તે હાથી પોતાને જ દુનિયાનો સ્વામી સમજવા લાગ્યો છે. અને તે હવે તેની સામે આવતી દરેક જીવિત વ્યક્તિ ને પોતાનો શત્રુ સમજી તેમનો નાશ કરવા માટે આગળ વધી રહ્યો છે, એટલા માટે અત્યારે તેની સમક્ષ જવું એ હિતાવહ નથી."
આ સાંભળી મહારાજા બોલ્યા. "પરંતુ ગુરુવર, જો એવી વાત હોય તો તો એ દુષ્ટ હાથીનો સર્વનાશ કરવો આવશ્યક છે, જો તેમ ના થાય તો તે હાથી રાજ્ય માં આવી પહોંચે, અને જો તે અહી આવે તો તો હજારો લોકો પર સંકટ આવી પડશે ગુરુદેવ. શું તે હાથીને મારવા માટે કે તેને કાબૂ માં કરવા માટેનો કોઈ જ માર્ગ નથી??" મહારાજા એ પોતાની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું.
ગુરુદેવ ઘણોબધો વિચાર કર્યા પછી બોલ્યા. " હે રાજન, તે હાથીને મારવો ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તેનાથી આપણા રાજ્ય ને બચાવવા માટે એક ઉપાય છે. એમ કહીને ગુરુવરે મહારાજને એક ઉપાય બતાવ્યો. જયારે મહારાજ ગુરુજીના આશીર્વાદ લઈને ચાલતા થયા ત્યારે ગુરુજીએ મોટા અવાજે કહ્યું, "એક વાતનું ખાસ ધ્યાન્ રાખજો મહારાજ, કોઈ પણ સંજોગોમાં તમારે તે હાથી સામે આવ્યા પછી તેની સાથે યુદ્ધ નથી કરવાનું, જો તમે એની સાથે યુદ્ધ કરશો તો અનર્થ થઈ જશે. જાઓ, વિજયી ભવઃ"
એટલું સાંભળતા જ મહારાજા અમીરાજ પોતાના મંત્રી સુખદેવજી અને સૈનિકો સાથે ઘોડા પર સવાર થઈને નીકળી પડ્યા જંગલ ભણી. જંગલમાં ગયા પછી જંગલ ની હાલત જોઈને મહારાજ ની આંખો અને હૈયું રડી પડ્યા. જ્યાં જુઓ ત્યાં પ્રાણી ઓની લાશો અને ઘટાદાર વૃક્ષો ધરાશાઈ થઈ ને પડ્યા હતા.
મહારાજનો ગુસ્સો આ બધું જોઈને આસમાને પહોંચી ગયો હતો. પરંતુ તેઓ જાણતા હતા કે તેમના થી હાથી પર કાબૂ નહિ મેળવી શકાય. તેઓ તેમની સેના સાથે આગળ વધ્યા અને પેલા બેકાબૂ હાથી ને શોધવા લાગ્યા. આગળ જતાં તેઓ ને તેમના રાજ્યની હજારો ગાયો અને તેમના ગોવાળો ની લાશો મળી, જેમને હાથી એ દોડાવી દોડાવીને અને દબાવી ને મારી નાખ્યાં હતાં. મહારાજ તેમની આંખો માં આંસુ સાથે પોતાની સેના લઈને આગળ વધ્યા. આગળ જતાં તેઓને પોતાની સેનાની જે ટુકડી મોકલી હતી તે સૈનિકોની લાશો જોવા મળી.
આટલું બધું જોયા પછી તેઓની આગળ જવાની ઈચ્છા જ ના થઈ. સૈનિકો ની સાથે મહારાજ ત્યાં બેસી જાણે રડી પડ્યા. મંત્રી સુખદેવજીએ ત્યારે હિમ્મતથી મહારાજને સંભાળ્યા અને આગળ વધવા માટે સમજાવ્યા. ત્યાં જ તેઓ ને દૂર વૃક્ષો ના તૂટવાનો, પ્રાણીઓના ચિલ્લાવાનો અને પક્ષીઓના ડરી ને ઉડવાનો અવાજ સંભળાયો. મહારાજની આંખો આ બધું જોઈને ગુસ્સામાં એકદમ લાલ થઈ ગઈ.
તરત જ તેઓ ઘોડા પર સવાર થઈ તે બાજુ નીકળી પડ્યા જે બાજુ થી પ્રાણીઓ અને પક્ષીઓ નો અવાજ આવી રહ્યો હતો. તેઓ સમજી ગયા હતા કે ત્યાં જ તેમને એ દુષ્ટ અને પાપી હાથી મળવાનો છે. જોતજોતામાં તેઓ હાથીની નજીક પહોંચી ગયા. પણ હાથી તો વૃક્ષો ઉખાડવામાં અને બીજા પ્રાણીઓને દબાવીને મારવા માં મશગુલ હતો. એ જોઈને મહારાજા અમીરાજને થોડી વાર તો એમ થયું કે અત્યારે જ આ હાથીના પોતાની તલવારથી ટુકડેટુકડા કરી નાખું પરંતુ સુખદેવજીએ તેમનો ગુસ્સો શાંત થાય એના માટે મહારાજ ના ખભા પર હાથ મુક્યો. મહારાજ સમજી ગયા હતા કે તેમને શુ કરવાનું હતું. તરત જ તેમને પોતાના ઘોડાની લગામ ખેંચી, જેથી ઘોડો હણહણી ને પાછળનાં બે પગ ઉપર ઊંચો થઈ ગયો.
ત્યાં જ પેલા હાથીનું ધ્યાન તેમના તરફ ગયું. તરત જ હાથી ચિંધાડ નાખી ને તેમના તરફ દોડવા લાગ્યો. મહારાજ તરત જ સમજી ગયા અને તેઓ ઉત્તર ની તરફ ખૂબ જ જડપથી ઘોડાને દોડાવવા લાગ્યા. તેમની પાછળ તેમના સૈનિકો પણ પૂરપાટ જડપે ઘોડા દોડાવવા લાગ્યા. તેમની પાછળ હાથી પણ જડપ થી આવી રહ્યો હતો. ઘણું બધું દોડવા છતાં ઘણી વાર હાથી તેમના સૈનિકો ને કચરી ને આગળ નીકળી રહ્યો હતો. અંદાજિત તેઓ એક પ્રહર જેટલો સમય દોડતા રહ્યા. તેમના ઘણા બધા સૈનિકો માર્યા ગયા હતા. કોઈક હાથીના પગ નીચે કચરાઈ ને તો કોઈક રસ્તામાં આવતા વૃક્ષો જોડે અથડાઈને.
મહારાજ ઉત્તર દિશા માં ઘોડો દોડાવ્યે જતા હતા. તેમની પાછળ મંત્રી સુખદેવજી અને તેમની પાછળ બાકી રહેલા સૈનિકો પૂરપાટ ઝડપે ઘોડા દોડાવ્યે જતા હતા. ત્યાં જ મહારાજ ની આંખો એકદમ પહોળી થઈ, તેમને મહર્ષિ વેદભટ્ટાચાર્ય ના શબ્દો યાદ આવી ગયા "મહારાજ, એ હાથીના વિનાશ માટે એક જ ઉપાય છે. જંગલના ઉત્તર ભાગમાં મહર્ષિ દિવ્યદગ્ધીનો આશ્રમ આવેલો છે, જ્યાં તેઓ અત્યારે તપસ્યા કરી રહ્યા છે, અને જો તેમની તપસ્યા ભંગ થાય તો તેઓ તપસ્યા ભંગ કરનાર ને ખુબ જ આંકરો દંડ દે. માટે તમારે તે હાથી ની સામે આવ્યા પછી તેની સાથે યુધ્ધ કર્યા વિના તેમજ તેની પકડમાં આવ્યા વિના તેને મહર્ષિ દિવ્યદગ્ધી ની સમક્ષ તે હાથીને લઇ જવાનો છે, પરંતુ તમારે બે વાત નું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, એક તો હાથી ની પકડ માં નથી આવવાનું અને બીજું કે ભૂલથી પણ તમારા થી મહર્ષિ ની તપસ્યા નો ભંગ ના થાય. મહર્ષિ દિવ્યદગ્ધિ ની તપસ્યા નો ભંગ પેલા હાથી દ્વારા જ થવો જોઈએ.." અત્યારે મહારાજને સામે જ ઋષિ દીવ્યદગ્ધી નો આશ્રમ દેખાયો. તરત જ તેમણે સૈનિકો ને તપસ્યા કરી રહેલા મહર્ષિ ની પાછળ જવાનો આદેશ આપ્યો. બધા જ સૈનિકો તરત જ મહર્ષિ ની પાછળ આવી ગયા. પરંતુ હાથી ને તો કોઈ આદેશ પાળવાનો કોઈ ખ્યાલ જ નહોતો, એ તો એની ધૂન માં જ દોડતો આવી રહ્યો હતો.
આવતાની સાથે જ હાથી એ સૂંઢ વડે ઋષિને ગર્દન થી પકડીને દૂર ફેંકી દીધા. દૂર જમીન પર પડેલા ઋષિની લાલઘૂમ, પ્રકાશમય આંખો, કપાળ માં વધતી જતી કરચલીઓ, ગાલ માં પડેલા ખાડા, એકદમ હાડપિંજર જેવું શરીર, મનમાં અધૂરી રહી ગયેલી તપસ્યાના ગુસ્સા સાથે હાથી સામે જોયું અને તેમણે ધ્યાન લગાવ્યું અને થોડીવાર પછી આંખો ખોલી. તેઓ સમજી ગયા કે તેમની તપસ્યા કેવી રીતે ભંગ થઈ. ગુસ્સામાં ને ગુસ્સામાં તેમને હાથીને અને મહારાજ સાથે રહેલા તમામ સૈનિકોને શ્રાપ આપ્યો.
" તને કોઈ જીવિત પ્રાણી પસંદ નથી ને, આજથી હંમેશા માટે તું એકલો જ થઈ જઈશ. તું બીજા જીવિત પ્રાણી ને જોવા માટે પ્રાર્થના કરીશ. પરંતુ હે દુષ્ટ, તું ક્યારેય બીજા કોઈ જીવિત પ્રાણી ને જોઈ નહિ શકે."
" તમે બધા એ તમારા સ્વાર્થ માટે મારી તપસ્યાનો ભંગ કરાવ્યો, તમે બધા આ હાથીની સાથે જ રહેશો, હાથીની ઉપર જ તમારો જન્મ થશે અને જ્યાં સુધી તે જીવિત રહેશે ત્યાં સુધી તમે પણ જીવિત રહેશો."
મહારાજ અને તેમની સેના એ ખૂબ જ વિનંતી કરવા છતાં ઋષિ ગુસ્સામાં ત્યાં થી ચાલવા લાગ્યા, ત્યારે તેમને એક વિચાર આવ્યો કે રાજા અને પ્રજા તો પોતાનો અને પોતાના રાજ્યનો બચાવ કરવા માટે આ બધું કરી રહ્યા હતા. તેમને પાછળ ફરી ને જોયું, તો બધા જ બે હાથ જોડીને મહર્ષિને વિનંતી કરી રહ્યા હતા. મહર્ષિ દિવ્યાદગ્ધિને તેમના પર દયા આવી, અને તેમણે આખરે આ શ્રાપમાંથી મુક્ત થવા માટેનો ઉપાય બતાવ્યો.
"વાહ! શુ હતો એ શ્રાપ માંથી મુક્ત થવા માટેનો ઉપાય, પ્રભુ..?" અચાનક જ હુ ઉત્સાહ માં આવીને પૂછવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ મારી સામે હસ્યા અને મે પૂછેલા પ્રશ્ન નો જવાબ આપવાને બદલે રહસ્ય રાખીને જાણે તેમના મનમાં કંઈક ગહન વિચાર કરતા હોય તેમ કહેવા લાગ્યા, " પશ્ચ્યાતાપ અને કુરબાની બધા જ શ્રાપ નો અંત લાવતા હોય છે." પછી મારી સામે જોઈને બોલ્યા, "આમ પણ એના માટેનો સાચો સમય આવશે ત્યારે તને અપમેળે જ ખબર પડી જશે." મને કાઈ સમજ ના પડી, હુ હતાશ થઈ ગયો, એ જોઈને ભગવાન ફરી વાર થોડું હસ્યા. મને નવાઈ લાગી પણ હુ ચૂપ રહ્યો.
હવે સાંજ થવા આવી હતી. થોડું થોડું અજવાળું હતું તો હુ મારા બેગમાંથી મારો મોબાઈલ કાઢીને જોવા લાગ્યો. નેટવર્ક તો હતું નહી એટલે કેમેરો ચાલુ કરીને કુદરતી સોંદર્ય ના ફોટા પાડવા લાગ્યો. અમુક ફોટા ઓસ્ટ્રોમેટ ના અને તેના પર રહેતા લોકોના પણ પાડ્યા. અચાનક મે ભગવાન ને પૂછ્યું, "તો ઓસ્ટ્રોમેટ પર રહેતા લોકો અમીન પ્રજા કહેવાય, ખરુંને પ્રભુ." "હા, એ અમીન પ્રજા જ છે" ભગવાને મારી સામે હસીને જવાબ આપ્યો.
અંધારું થતા પહેલા અમે ત્યા જ તંબુ બનાવીને સુવાની વ્યવસ્થા કરી લીધી. હુ જંગલ માંથી થોડા ફળ લઈ આવ્યો. મને અચાનક એવુ લાગ્યું કે જાણે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે પરંતુ મે ઝડપથી પાછળ જોયું તો ત્યા મને કોઈ જોવા ના મળ્યું. મે ભગવાનને એના વિશે કાઈ ન પૂછ્યું. અમે ફળાહાર કર્યું અને સુવાની તૈયારી કરવા લાગ્યા.
સુતા સુતા પણ મારા દિમાગ માં મહારાજ અમીરાજ અને તેની પ્રજા સાથે ઓસ્ટ્રસ ને અપાયેલા શ્રાપ વિશેના જ વિચાર ઘૂમી રહ્યા હતા. " તો મહર્ષિ દિવ્યદગ્ધીના શ્રાપ ના લીધે મહારાજા અમિરાજ તેમની પ્રજા સાથે ઓસ્ટ્રોમેટ પર અને ઑસ્ટ્રોમેટ ઑસ્ટ્રોમસ નામના આ ગ્રહ પર કરોડો વર્ષો થી જીવી રહ્યા છે, આમતો શ્રાપ ની સજા ભોગવી રહ્યા છે, સાચુંને.." મે કહ્યું.
"એકદમ સાચું કહ્યું તે દિપક" એટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ એ એક ઊંડા નિસાસા સાથે મારી સામે જોઇને ખોટું સ્મિત આપ્યું. " પરંતુ હવે તેમની સજા પુરી થવામાં જ છે" મને નવાઈ લાગી પરંતુ ભગવાન ને એના વિશે કાઈ પૂછ્યા વગર જ સુવા લાગ્યો, કદાચ મને પણ રહસ્ય ખોલાવવાની બહુ ઉતાવળ નહોતી.
અડધી રાત થઈ હશે કદાચ, અચાનક જ ભૂકંપની જેમ ધરતી ધ્રુજવા લાગી. ભગવાન સફાળા બેઠા થઈ ગયા. મને સમજતા વાર ના લાગી કે ઓસ્ટ્રોમેટના પગ જમીન પર મુકવાના લીધે આ ધ્રુજારી આવી રહી છે, પણ આમ અડધી રાત્રે કેમ? મને વિચાર આવ્યો. અમે તંબુની બહાર આવીને જોયું તો ઓસ્ટ્રોમેટ ગુસ્સામાં આમથી તેમ દોડી રહ્યો હતો. ભગવાન ઓસ્ટ્રોમેટ પાસે ગયા, અને તેને શાંત કર્યો. હુ ઓસ્ટ્રોમેટ પર રહેલી પ્રજાતીને નીરખીને જોવા લાગ્યો. મને એ નાનકડા લોકોને જોવામાં મજા આવતી, પરંતુ આજે કાલ કરતા કંઈક અલગ જ દ્રશ્ય હતું. તેઓમાં અમુક સ્ત્રી ઓ દુઃખ અને ગુસ્સા માં જ રોતી-કકળતી ઓસ્ટ્રોમેટ પર જ આમથી તેમ દોડી રહી હતી. પુરુષો જેમ મજબુર હોય તેમ ઉદાસ થઈને અમને કંઈક વિનંતી કરી રહ્યા હતા.
ભગવાન ઉદાસ ચેહરે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા. "દિપક, અહીં જ ઓસ્ટ્રોમસ ની ગુફાઓ માં એક જાદુગર રહે છે. તે જાદુ કરવા માટે અને પોતાનું જીવન લંબાવવા માટે આત્મારસ નો ઉપયોગ કરે છે. આત્મારસ મેળવવા માટે તે અમીનલોકોના બાળકોનું અપહરણ કરીને લઈ જય છે અને તેમનો આત્મારસ કાઢે છે. અત્યારે જ તે જાદુગરે છ બાળકોનું અપહરણ કર્યું છે. હવે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આપણે હવે તેનો અંત કરવો જ પડશે મિત્ર." મને એ વાત સાંભળીને ખુબ જ દુઃખ થયું અને સાથે સાથે પેલા જાદુગર પર ખુબ ગુસ્સો આવ્યો. મારું ધ્યાન ઓસ્ટ્રોમેટ પર રોઈ રોઈને પોતાની હાલત ખરાબ કરી નાખેલી અપહરણ થઈ ગયેલા બાળકોની માતાઓ પર પડી. અત્યારે સાચે જ તેમની દયનિય પરિસ્થિતિ હતી. તેમની હાલત જોઈને મને મારા બચપણ નો એક કિસ્સો યાદ આવી ગયો...
મારા ગામ માં ત્યારે પાણી ની ખુબ જ તંગી હતી. પીવા માટે કે વાપરવા માટે પાણી ભરવા દૂર નદીએ કે એક કુવામાં અથવા તો એક-દોઢ કિલોમીટર દૂર આવેલી વાડીની કુંડીએ જવું પડતું. એકવાર હુ અને મારો નાનો ભાઈ મારી મમ્મી સાથે ન્હાવા અને કપડાં ધોવા માટે પેલી કુંડીએ ગયા હતા. અમે જયારે ન્હાઈને આવી રહ્યા હતા ત્યારે અમારા ઘર પહેલા રોડ પર એક ઊંચો ઢાળ આવે છે. હુ અને મારો ભાઈ નાના હતા તો રમતા રમતા આવી રહ્યા હતા ત્યા જ રમત માં ને રમત માં મારા ભાઈએ મને ધક્કો દીધો અને હુ પડી ગયો. ઢાળ માં પડવાથી મને સહેજ માથામાં વાગી ગયું અને હુ બેભાન થઈ ગયો. તરત જ મારા મમ્મી મારી પાસે દોડી આવ્યા, એમને ઉપાડેલું ધોયેલા કપડાંનું બાઉલ પણ ફેંકી દીધું અને મને બાથમાં ઉપાડીને આમથી તેમ દોડવા લાગ્યા. ત્યારે અમારા ગામના બે દરબાર એક બાઈક પર ત્યાંથી નીકળ્યા. એમણે મને બેભાન અવસ્થા માં જ બાઈક માં આડો સુવડાવેલી હાલત માં જ તેડી ને દવાખાને લઈ જવા માટે ઉપાડ્યો. દવાખાનું અમારા ગામથી દસેક કિલોમીટર દૂર હતું. મને આમ તો કોઈ ખ્યાલ નહોતો પરંતુ આગળ જતા બીજા બે ગામ વટાવ્યા પછી હુ અચાનક જ ભાનમાં આવી ગયો અને 'બા' , 'મારે બા પાસે જવું છે ' એટલું જ બોલ્યો. તરત જ રડવાનું ચાલુ. રડવાનું ચાલુ થયું એટલે તરત જ પેલા લોકો મને એ ની એ જ હાલત માં પાછા ઘર તરફ લઈને ચાલતા થયા. જયારે ઘરે પહોંચ્યા અને દૂર થી મારા મમ્મી મને જોઈને રડવાનું વધારી દીધું. એમને એમ કે મને હજી આડો જ તેડેલો કેમ છે, મને વધારે તકલીફ થઈ ગઈ, કે મારું મૃત્યુ થઈ ગયું, આવા અનેક ખરાબ ખરાબ વિચાર આવવા લાગ્યા. જયારે મને સામે અને હેમખેમ જોયો ત્યારે એમના જીવ માં જીવ આવ્યો, પણ રડવાનું તો હજી બંધ નહોતું કર્યું એમણે. માં છે ભાઈ પોતાના બાળક માટે લાગણી તો હોવાની જ. તેમની એ સ્થિતિ જોઈને હુ પણ રડી પડ્યો હતો. એટલે જયારે મે પણ આ અમીન પ્રજાતિ ની માતાઓને રડતી જોઈ તો મારી મમ્મીનો રડતો ચેહરો યાદ આવી ગયો.
અચાનક જ અમારી પાછળ થી કોઈ ઝડપથી દોડીને જઈ રહ્યું હોય તેવો મને આભાસ થયો. હુ અને ભગવાન તે બાજુ દોડ્યા. જતા જતા મે મારું બેગ સાથે લઈ લીધુ હતુ.
અમે જંગલ વિસ્તાર માં મોટા મોટા વૃક્ષોની વચ્ચે એક નાનકડી કેડી જેવા રસ્તે આગળ વધી રહ્યા હતા. ઘનઘોર અંધારું હતું. મારા બેગ માંથી મે ટોર્ચ કાઢી અને ચાલુ કરી. કાઈ સુજે તેમ હતું નઈ છતાં અમે એક ટોર્ચ ના અજવાળે અજવાળે દૂર આવેલા પહાડો તરફ આગળ વધ્યા. અંદાજિત અઢી કલાક જેવું ચાલ્યા પછી અમે જંગલની બહાર નીકળ્યા. હવે પહાડી રસ્તો ચાલુ થયો. મને લાગ્યું કે જો અમે આમ જ ચાલતા રહીશું તો કદાચ જયારે જાદુગર મળશે ત્યારે તેની સાથે લડવાની તાકાત રહેશે કે કેમ..? પરંતુ મને પેલા બાળકો અને તેમની રડતી માતાઓ ના ચેહરા યાદ આવ્યા. મારી અંદર ન જાણે ક્યાં થી ગજબની તાકાત આવી ગઈ, અમે ખુબ જ ઝડપથી આગળ વધવા લાગ્યા. હવે અમારે પેલા જાદુગરને શોધવાનો હતો. અમે ઘણી બધી ગુફાઓ જોઈ પરંતુ બધી ગુફાઓ જાણે કોઈ ભૂળભૂલૈયા હોય તેવું લાગી રહ્યું હતું. બધી જ ગુફાઓની બહાર અમને તાજા પડેલા પગના નિશાન મળ્યા. જાદુગર ખુબ જ ચાલક હતો. તે જાણતો હતો કે કદાચ અમે તેની પાછળ આવશુ એટલે અમને ફસાવવા માટે જાદુગરે બધી જ ગુફાઓમાં પગના નિશાન કર્યા હતા. કઈ ગુફામાં જવું તેની કંઈ ખબર નહોતી પડતી. મે ભગવાન સામે જોયું, તેઓ સહેજ મલક્યા અને મને એક ગુફા તરફ ઈશારો કર્યો. અમે એ ગુફામાં દાખલ થયા. અત્યારે મારા હાથ માં ટોર્ચ હતી તો હુ આગળ હતો અને ભગવાન મારી પાછળ ચાલી રહ્યા હતા. જાદુગરના પગના નિશાન જોતા જોતા હુ આગળ વધી રહ્યો હતો, ત્યાંજ અચાનક અસંખ્ય કાળા કલર ના પતંગિયા ઉડવા લાગ્યા. તેમનો આકાર ઓસ્ટ્રોમેટ જેવોજ હતો પરંતુ ફરક એટલો જ કે તેઓ આકાર માં ખુબજ નાના અને પાંખો વાળા ઉડી શકે તેવા હતા. તેઓ અહીંના ચમચીડિયા હોય એવુ લાગ્યું જે ઉડીને બહારની તરફ જવા લાગ્યા. અચાનક જ આ બધું થવાના લીધે હુ એકદમ ડરી ગયો, પરંતુ ભગવાને મને સંભાળ્યો અને આગળ વધવા માટે કહ્યું. હુ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હવે મારું ધ્યાન નીચે જમીન પર ઓછું અને ગુફાની દીવાલો પર વધારે રહેવા લાગ્યું. અમે આગળ વધ્યા. અચાનક એવુ લાગ્યું જાણે અજવાળું ઘટવા લાગ્યું અને અંધારું વધી રહ્યું હોય, મને લાગ્યું મને પાછળથી કોઈકે પકડી લીધો. મે પાછળ જોયું તો ભગવાને મને રોકી રાખવા માટે પકડ્યો હતો. મારું ધ્યાન હવે સામે રસ્તા પર ગયું, ત્યારે ખ્યાલ આવ્યો કે ગુફા પુરી થઈ ગઈ છે અને ગુફાના છેડે ખુબ જ ઊંડો કૂવો હતો, મારો એક પગ જમીન ઉપર અને બીજો પગ એ કુવામાં પડવા માટે ઊંચકાયો હતો, જો ભગવાને મને પાછળથી ના પકડ્યો હોત તો હુ તે કુવામાં પડી ગયો હોત અને મારું એક હાડકું પણ ના મળેત. મે ડરીને ઝડપથી પગ પાછો ખેંચી લીધો અને ભગવાનને બાથ ભરી લીધી. ભગવાન હસવા લાગ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે અત્યારે મારી અંદર હિમ્મત ઓછી અને ડર વધારે ભરેલો છે. મે એક ઊંડો શ્વાસ લીધો અને ભગવાન સામે આભાર વ્યક્ત કરતી નજરે જોયું. ભગવાને મને આંગળી ચીંધીને ગુફાની ડાબી બાજુની દીવાલ પર કરેલું એક નિશાન બતાવ્યું, જેમાં અમીન ભાષામાં કંઈક લખેલુ હતું. ભગવાને મને એનો મતલબ સમજાવતા કહ્યું, "આમ જોતા એમ લાગશે કે આ ગુફા અહીં પુરી થઈ ગઈ છે પણ એવુ છે નહી. આ જે નિશાન છે એનો અર્થ કે 'નીચે થી અંદર'." એમ કહી ભગવાન શ્રી કૃષ્ણ એ દીવાલ પર એક જગ્યા એ કોઈક નિશાન દબાવ્યું. એ નિશાન દબાવતા ની સાથે જ પેલા કુવામાં ડાબી બાજુની દીવાલ માં એક દરવાજો ખુલી ગયો. અમે વારાફરતી પેલા કુવામાં ના પડી જવાય એનું ધ્યાન રાખીને પેલા ખુલેલા દરવાજા માં કૂદી ગયા. હવે અમે એક ગુફાની અંદર આવેલી બીજી ગુફામાં જઈ રહ્યા હતા. ભગવાને મને ઉભો રહેવા ઈશારો કર્યો, "જો દિપક, આપણે જે કાર્ય માટે જઈ રહ્યા છીએ તે મુશ્કેલભર્યું જરૂર છે પણ અસંભવ નથી, તુ હિમ્મત થી કામ લે. હુ હંમેશા તારી સાથે જ છું, મારા ઉપર વિશ્વાસ રાખ ભાઈ. ચિંતા ના કર. હુ તારા અને અમીન જાતિના લોકો માટે હંમેશા તત્પર જ છું. જે થવાનું છે એ સારું જ થવાનું છે મિત્ર. " મારા બંને ખભા પર તેમના બંને હાથ મૂકીને ભગવાને મારી હિંમત બાંધવા માટે કહ્યું. તેજ ચાલી રહેલી મારી ધડકન એકદમ શાંત થઈને ચાલવા લાગી. આખા શરીરે વળેલો પરસેવો જાણે તાકાત બની મારા શરીર ની મજબૂતાઈમા વધારો કરવા લાગ્યો. હુ એ તો ભૂલી જ ગયો હતો કે સ્વયં સર્જનહાર મારી સાથે છે તો મને શુ થવાનું. પણ ભગવાને કહેલા એ શબ્દોએ મારી અંદર નવી હિંમત અને શક્તિ નો સંચાર કર્યો. મારા હાથમાં રહેલી ટોર્ચની પકડ મજબૂત કરીને હુ આગળ ચાલવા લાગ્યો. આગળ જતા કોઈક વાસણ ખખડવાનો અવાજ આવતો હોય એવુ મને લાગ્યું. અમે પગનો અવાજ ના થાય એની કાળજી રાખીને ધીમે ધીમે આગળ વધ્યા. થોડે આગળ જતા જ અમને હૈયું કંપી જાય એવુ દ્રશ્ય જોવા મળ્યું. ગુફા પુરી થઈ અને અમે એક બંધ રૂમ જેવી જગ્યા પર આવી ગયા હતા, જ્યા ઉપર પર્વતને કાપીને અંદરથી ગુંબજ જેવું બનાવવામાં આવ્યું હતું જેના કારણે રૂમની જગ્યામાં ખુબજ વધારો થયો હતો. અમે ગુફાના દરવાજા પાસે પડેલા લાકડાના એક ઢગલા પાછળ કોઈ જોઈ ના લે એવી રીતે છુપાઈને બેસી ગયા. મે મારી ટોર્ચ બંધ કરીને બેગ માં મુકી. એ રૂમ માં એક નાની ફેક્ટરી જેવું ઉભું કરવામાં આવ્યું હતું. નાનામોટા ઘણા બધા વાસણ હતા, જેમાં ખરડાયેલું લોહી જામી ગયું હતું. રૂમના દરેક ખૂણામાં એક એક મશાલ સળગી રહી હતી એટલે આખા રૂમમાં અજવાળું ફેલાયેલું હતું. એકબાજુના ખૂણામાં નાના નાના અમીન બાળકોના હાડપીંજર નો ઢગલો હતો. ઉપરની તરફ અપહરણ કરીને લાવેલા બાળકોને ઉલ્ટા બાંધેલા હતા, જેની નીચે એક મોટુ વાસણ રાખવામાં આવ્યું હતું. હજી બાળકો તો જીવિત હતા પરંતુ ક્યાં સુધી એ કહી શકાય તેમ નહોતું. બીજી બાજુ એક ખૂણામાં જાદુગર બેઠો બેઠો કંઈક વિધિ કરી રહ્યો હોય એવુ લાગ્યું. દેખાવમાં એકદમ પૃથ્વીના જાદુગર જેવો જ લાગતો હતો. લાંબી સફેદ દાઢી, ચપટું નાક, છેક પગ સુધી લંબાય એવડો મોટો લીલા કલરનો કોટ, મોટી કાળી આંખોની ઉપર વધી ગયેલા નેણ, માથે ફુમકા વાળી પાઘડી, હાથ માં એક લાકડી, જમણાં હાથની વચ્ચેની મોટી આંગળી માં પહેરેલી ચમકદાર પીળા રંગની અંગૂઠી, દુબળો-પાતળો પણ મજબૂત લાગતો એ જાદુગર મોટા મોટા દાંત બતાવીને બહુજ ખરાબ રીતે ખડખડાટ હસી રહ્યો હતો.
મને એનો ચહેરો જોઈને જ ગુસ્સો આવતો હતો. તેની સાથે ઝઘડો કરીને ટાઈમ બગાડવા કરતા પેલા બાળકોને છોડાવવા વધારે જરૂરી હતા, એટલે જેવો હુ પેલા બાળકો તરફ આગળ વધ્યો કે તરતજ ભગવાને મને રોક્યો અને કહેવા લાગ્યા, " જો દિપક, આ જાદુગર પણ પહેલા ઓસ્ટ્રોમેટ પર રહેતો એક અમીન જ છે પરંતુ, ત્યા જાદુ કરતા કરતા એની લાલચ એટલી બધી વધી ગઈ કે જે જાદુગર પહેલા સામાન્ય ઉંદર જેવા જનાવરનો આત્મારસ જાદુ માટે વાપરતો એ જ વ્યક્તિ જાદુ માટે અમીન બાળકો નો દુશ્મન બની બેઠો. એ જાદુગર પણ પહેલા જયારે ઓસ્ટ્રોમેટ પર રહેતો ત્યારે પેલા અમીન જાતિના લોકોના કદનો જ હતો પરંતુ જ્યારે થી તેને આ ગ્રહ પર રહેવાનુ ચાલુ કર્યું ત્યારથી આ ગ્રહ ખુબ ઝડપી હોવાના લીધે તેની લંબાઈ, કદ, તાકાત અને હિંમત બધું જ વધી ગયું છે. જો ત્યા ઉપર પેલા બાળકોને બાંધવામાં આવ્યા છે અને એની નીચે જ એક વાસણ રાખવામાં આવ્યું છે, એક પ્રહર જેટલો સમય બાળકોને એવી રીતે ઉલ્ટા લટકાવી રાખવામાં આવશે જેથી બાળકોનું કદ અમુક સમય સુધીમાં વધી જશે અને સાથે સાથે બ્લડ પણ વધી જશે પછી જયારે તેમનું બધું જ બ્લડ નીચેની તરફ ભેગું થશે એટલે તે નરાધમ તેમને નીચેથી ચીરીને પેલા વાસણ માં બ્લડ એકઠું કરશે. ત્યાર બાદ તેમાં અમુક ભાગ તૈયાર કરેલો આત્મારસ ઉમેરશે જેથી આત્મારસ ઝડપથી તૈયાર થાય અને પછી તેને જાદુ કરવા માટે ઉપયોગ કરશે. જાદુ કરવા માટે તે આત્મારસ ને એના હાથની આંગળીમાં પહેરેલી વિન્ટી ના મણકાની જગ્યાએ ભરશે અને પછી જ તે એ વિન્ટી વડે જાદુ કરે છે, એટલે તારા માટે પેલા બાળકો સાથે સાથે આ જાદુગર પણ એટલો જ જરૂરી છે એ યાદ રાખજે." "હમમ, ઠીક છે." એમ ખુબ ધીમાં અવાજે કહીને મે એક અલગ જ પ્લાન બનાવ્યો.
"ઓય, મિસ્ટર જાદુગર, કેમ છો?" મે અચાનક જ પેલા જાદુગર સામે ઉભા રહીને જોરથી મોટા અવાજે બોલાવ્યો જેથી તેનું ધ્યાન મારા તરફ જાય. પેલા જાદુગરે મારી તરફ જોયું અને જોરથી બરાડ્યો. "કોણ છે તુ અને અહીં કેવી રીતે આવ્યો..?" એમ કહી જાદુગરે મારી તરફ વિન્ટી પહેરેલો હાથ લાંબો કર્યો જેથી મારા પર જાદુ કરી શકે. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો અને તે એકદમ ડરી ગયેલો લાગી રહ્યો હતો કેમકે તેના મનમાં દૂર દૂર સુધી ક્યાય એવો વિચાર પણ નઈ આવ્યો હોય કે કોઈ માણસ તેની આ ગુફા સુધી આવી જશે અને આમ અચાનક જ તેની સામે ઉભો હશે. ડરમાં ને ડરમાં જ તેનાથી ભૂલથી તેને પહેરેલી વિન્ટી માંથી જાદુનો ભરેલો એક ધમાકો છૂટી ગયો જે મારા માથા પાસેથી જ ગયો અને ગુફાના એક ખૂણામાં જઈ પડ્યો જેથી ત્યા મોટો એક ખાડો પડી ગયો. મને લાગ્યું જો આજે આ હુમલો મારા પર થયો હોત તો તો હુ ગયો જ હોત પરંતુ હુ બચી ગયો કેમકે જાદુગર એનું નિશાન ચુકી ગયો હતો.
નિશાન ચુકી ગયેલો જાદુગર વધારે ગુસ્સામાં ફરી વાર મારી ઉપર હુમલો કરે એ પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવીને જોરથી બોલ્યા," કેમ છો મહર્ષિ વેદભટ્ટાચાર્ય, તમારી જિંદગી તો મજામાં ચાલી રહી છેને..?" એ સાંભળીને પેલો જાદુગર જાણે ડરના લીધે ડઘાઈ જ ગયો, જાણે એના પગ નીચેથી જમીન સરકી રહી હતી. તે ત્યાંજ ફસડાઈ પડ્યો અને તે રડવા લાગ્યો. તે જાદુગર જેટલો તો નઈ પણ તેનાથી ઓછો પણ નઈ એવો મને પણ ઝટકો લાગ્યો. આ જાદુગર, મહર્ષિ વેદભટ્ટાચાર્ય ..!
" હા દિપક, આ જ જાદુગર છે મહર્ષિ વેદભટ્ટાચાર્ય." ભગવાન કહેવા લાગ્યા. "તેઓ જાણતા હતા કે જો મહર્ષિ દિવ્યાદગ્ધી ની તપસ્યા પૂર્ણ થશે તો તેમના જેટલું પ્રભાવશાળી તપસ્વી બીજું કોઈ નહી હોય અને આસપાસના રાજ્યોમાં જેટલું માનસમ્માન મહર્ષિ વેદભટ્ટાચાર્ય ને મળે છે એ ઘટી જશે અને તે જ સમ્માન મહર્ષિ દિવ્યદગ્ધીને મળવા લાગશે, એટલે તેમની તપસ્યા ભંગ કરાવવા માટે તેઓએ એક ખુબ જ ભયંકર પાપ કર્યું, જેના કારણે અનેક લોકોએ તેમજ અસંખ્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને અહીં આ શ્રાપથી પીડાય છે તેની પાછળ મહર્ષિએ કરેલું પાપ જ જવાબદાર છે."
હુ પેલા જાદુગર તરફ જોઈ રહ્યો હતો જે અત્યારે એકદમ ઉદાસ થઈને નીચું માથુ કરીને ધીમે ધીમે રડી રહ્યો હતો અને ભગવાનની વાત જેમ જેમ આગળ વધી રહી હતી તેમ મારી નવાઈમાં વધારો થઈ રહ્યો હતો. હુ આંખો ફાડી ફાડીને પેલા જાદુગર તરફ જ જોઈ રહ્યો હતો.
ભગવાન આગળ કહેવા લાગ્યા, "ઈર્ષ્યામાં બળી રહેલા મહર્ષિ વેદભટ્ટાચાર્ય એ જ પેલા ઓસ્ટ્રસ હાથીને કાળી વિદ્યાનો ઉપયોગ કરીને ગાંડો કર્યો અને એના મનમાં તે પોતે જ સમગ્ર વિશ્વનો સ્વામી છે એવો વિચાર પણ નાખ્યો જેથી તે મદમસ્ત હાથીએ અનેક જીવ લીધા અને તે હત્યાકાન્ડમા થયેલી ગૌહત્યા નું પાપ પણ તમારા માથે જ આવશે મહર્ષિ વેદભટ્ટાચાર્ય.." ભગવાને પેલા જાદુગર તરફ પોતાની આંગળી ચીંધીને જોરથી કહ્યું.
"તમે જ મહારાજ અમીરાજને પણ એ વિશ્વાસ અપાવ્યો કે જો મહર્ષિ દિવ્યદગ્ધીની તપસ્યાનો ભંગ થાય તો તેઓ હાથીને શ્રાપ આપશે અને તેનો નાશ થશે, પરંતુ તમે એ કેમ ભૂલી ગયા કે તેઓ તો મહાજ્ઞાની છે જો તેઓની તપસ્યા ભંગ થશે તો તેઓ શ્રાપ ખાલી હાથીને જ નહી પરંતુ તેની પાછળ રહેલા મહારાજ અમીરાજને અને સાથે તેમની પ્રજાને તેમજ આ બધાની પાછળ જેનું દિમાગ છે એવા તમને પણ એ શ્રાપમાં આવરી લેશે."
હવે જાદુગરનું ધીમે ધીમે રડવાનું બંધ થઈને એક ખડખડાટ હાસ્ય માં બદલાઈ ગયું હતું. એક વાર તો તેને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે તેના વિશે એટલું સાચું સચોટ બોલનાર કોઈ મહાન જ્ઞાની જ હશે, છતાં તે જોરથી બોલવા લાગ્યો. " ભલે તે મહર્ષિએ મને પણ શ્રાપ આપ્યો હોય, પરંતુ હુ મારી આવડત અને કાળા જાદુ વડે જ આટલા સમયથી જીવિત છું અને આગળ પણ જીવિત રહીશ." એમ કહી તે જેવો અમારા ઉપર હુમલો કરવા જઈ રહ્યો હતો કે મે એને રોકીને કહ્યું. "થોડી વાર ઉભા રહો, આ શુ વાતવાતમાં જાદુના ગોળા ફેંકવા લાગો છો. તમારે જાદુ કરવા માટે આત્મારસ જ જોઈએ છે ને?" પેલા જાદુગરે બે વાર માથું હકારમાં હલાવીને હામી ભરી. હુ આગળ બોલવા લાગ્યો. " ઠીક છે, તો તમે આ નાના નાના અમીન બાળકો માંથી વધીને કેટલો આત્મારસ કાઢી શકશો, એના કરતા એક સોદો કરીએ. તમે એ બાળકોને અમને સોંપી દો અને એના બદલે મારા શરીરમાંથી આત્મારસ કાઢી લો, આમેય મારા શરીરમાંથી ખુબ વધારે લોહી પણ મળશે તમને, તો શુ કહો છો બોલો." હુ થોડી વાર માટે જાદુગરનો જવાબ સાંભળવા માટે અટક્યો. તે મનમાં થોડું વિચાર્યા પછી મલકાઈ ને બોલ્યો " શુ તુ સાચે જ પોતાને મને સોંપી દઈશ? પછી પોતાની વાતમાંથી ફરી તો નઈ જાયને?" "નહી, હુ સાચું જ કહુ છું. તમે આ બાળકોને અમને સોંપી દો અને મને એમની જગ્યાએ બાંધી દો બસ" મે કહ્યું.
મે એક વાર ભગવાન સામે જોયું, તેઓ મારી સામે જોઈને કંઈક વિચાર્યા પછી થોડું મલકાયા. મે વિચાર્યું કે સ્વયં જાદુગરો નો જાદુગર મારી સાથે છે પછી હુ શુ કામ કાઈ ચિંતા કરું, જે થશે એ ભગવાન શ્રી કૃષ્ણ સંભાળી લેશે. જો તેઓ ધારે તો એક જ ક્ષણમાં પેલા જાદુગરનો સર્વનાશ કરી શકે પરંતુ તેમના કહેવા પ્રમાણે તે જાદુગરને મારે હરાવવાનો હતો અને આ બાળકોને બચાવવાની જવાબદારી મારી હતી, એનું કરણ શુ હતું એ તો મને પણ ખબર નહોતી. આ બધું કેમ થશે એ તો મને ખબર નહોતી પરંતુ જે થશે એ જોયું જશે એમ વિચારીને હુ આ ખેલમાં કૂદી પડ્યો હતો.
મે પેલા જાદુગર સામે જોયું. તેને કંઈક વિચારીને તરત જ જાદુ વડે એક જ ક્ષણ માં મને પેલા અમીન બાળકોની જગ્યાએ અને તે બાળકોને ભગવાન પાસે મારી જગ્યાએ બદલી નાખ્યા. હવે હુ પેલા બાળકોની જેમ જ ઉલટો બંધાયેલો હતો. પેલા બાળકો માંડ બચ્યા એમ વિચારીને અને પેલા જાદુગરથી ડરીને ભગવાનને એકદમ ચીપકીને તેમના પગ પાસે ઉભા હતા એ જોઈને મને ખુશી થઈ. ભગવાને પેલા બાળકોને પોતાના હાથમાં ઉપાડી લીધા, અને મારી સામે જોઈને થોડુંક મુસ્કુરાયાં. મે પણ મારી આંખોની પલક જબકાવીને મારી ખુશી વ્યક્ત કરી.
હવે પેલો જાદુગર વધારે આત્મારસ મળશે એની ખુશીમાં પોતાની બીજી તૈયારીઓ કરવા લાગ્યો. ભગવાન હજી પેલા અમીન બાળકો સાથે ત્યા જ ઉભા હતા. થોડો સમય જતા હવે મને મારા પગમાં થોડું ખાલી ખાલી જેવુ લાગવા લાગ્યું. નીચેથી લોહી હવે ઉપર જવાને બદલે ધીમે ધીમે નીચે ખેંચાતું હોય એવુ લાગી રહ્યું હતું. આંખો સાથે માથુ પણ ભારે ભારે લાગતું હતું. આ ગ્રહની ગુરુત્વકર્ષણ શક્તિ હવે મારા પર હાવી થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. ધીમે ધીમે ચક્કર પણ આવી રહ્યા હતા અને એવુ લાગી રહ્યું હતું કે હમણાં હુ બેભાન થઈ જઈશ. ભગવાન આ બધું જોઈ રહ્યા હતા. ધીમે ધીમે ભગવાન અને બાકીનું બધું દેખાવાનું જાંખું થવા લાગ્યું. આંખે અંધારા આવવા લાગ્યા અને અંતે હુ બેભાન થઈ ગયો.

(અમુક સમય પસાર થયા બાદ)

મારી પીઠમાં કંઈક ચુભી રહ્યું હતું. હુ અચાનક જ હોશમાં આવી રહ્યો હતો અને મને પીડાનો અનુભવ થઈ રહ્યો હતો. મે ધીમે રહીને પીઠ નીચે હાથ ફેરવ્યો તો મારા હાથમાં કંઈક લાકડી જેવું આવ્યું. મે જોયું તો તે કોઈ લાકડી નહોતી પરંતુ એક નાનકડું હાડકું હતું જે અમીન બાળકોના હાડકા હતા તેમાનું એક. મે આજુબાજુ નજર કરી તો મને પેલો જાદુગર દેખાયો. તે ખુશ હતો, ખુબ જ ખુશ. ભરપૂર માત્રામાં તેને આત્મારસ મળ્યો હતો. ભગવાન હજી પણ ત્યા જ ઉભા હતા જ્યા મે તેમને બેભાન થતા પહેલા જોયા હતા. તેમના હાથમાં હજી પણ ડરેલા અને સહેમેલા અમીન બાળકો હતા. મારી પાસે જ મારું બેગ પડ્યું હતું જેમાંથી મારી અમુક વસ્તુઓ બહાર આવી ગઈ હતી. કદાચ મને બેગ સાથે જ ફેંકી દીધો હશે જયારે મારા શરીરમાનું બધુજ લોહી કાઢી લેવામાં આવ્યુ હશે ત્યારબાદ, પરંતુ મારા મનમાં અત્યારે હુ જીવતો કઈ રીતે બચ્યો એ બહુ મોટો પ્રશ્ન હતો. તેમ છતાં હવે પેલા જાદુગરને હરાવવો ખુબ જ જરૂરી હતો. મે મારું બેગ ધીમેથી હાથમાં લીધું, અંદર હાથ નાખ્યો તો મારા હાથમાં પેલું ચાકુ આવ્યું જે મે ઘરે થી નીકળતા પહેલા બેગમાં મૂક્યું હતું. જરાય પણ અવાજ ના થાય એ રીતે મે પેલું ચાકુ ખોલ્યું અને આગળ વધ્યો. પેલા અમીન બાળકો મને જોઈને ખુશીમાં જ ભગવાનના હાથ પર કૂદવા લાગ્યા. ભગવાન મારી સામે જોઈને થોડું મલકાયા અને ગરદન નમાવીને મને પેલા જાદુગર સાથે લાડવા માટેની પરવાનગી આપી. જરા પણ સમય વેડફ્યા વિના હુ પેલા જાદુગર ની સામે આવીને ઉભો રહ્યો. જાદુગર મને જોઈને એકદમ ભોચક્કો રહી ગયો, તેની આંખો એકદમ પહોળી થઈ ગઈ અને તરત જ બરાડ્યો,"અસંભવ, તુ જીવિત કઈ રીતે બચી શકે..? આ બની જ ના શકે. મે તારા શરીરમા એક બુંદ પણ લોહી બચવા નહોતું દીધું તો તુ કેવી રીતે બચી ગયો?"
પોતાના જાદુ વડે મારા પર વાર કરવા માટે તેને પોતાનો મુઠી વળેલો હાથ લાંબો કર્યો. તે કોઈ હુમલો કરે તે પહેલા જ મે મારા હાથમા રહેલી છરી વડે જોરથી વાર કર્યો. જાદુગરના મોઢેથી એક દર્દભરી ચીસ નીકળી કેમકે તેના જમણાં હાથની આગળની બે આંગળીઓ કપાઈને નીચે પડી હતી. આ બે આંગળીઓ માં એક આંગળી વિન્ટી વાળી હતી જેની સાથે હજી પણ વિન્ટી ચોટેલી હતી. જાદુગરની વિન્ટી વાળી આંગળી કપાતાની સાથે જ એક જોરદાર ધમાકો થયો જે કદાચ આખા ગ્રહ પર મેહસૂસ થયો હશે. હુ ગુફાની દીવાલ સાથે અથડાઈને જમીન પર પડ્યો. ભગવાનના હાથમાં પેલા બાળકોએ નીચા નમીને પોતાનો બચાવ કર્યો.
અચાનક જ જાણે જમીન ધ્રુજવા લાગી, ગુફાની છત અને દીવાલો પડવા મંડી. મને લાગ્યું કદાચ ઓસ્ટ્રોમેટ આ તરફ આવી રહ્યો હશે પણ મારું અનુમાન ખોટું હતું, આ પેલા જાદુગરના જાદુ ની અસર ખતમ થઈ રહી હતી. તેને જાદુથી બનાવેલી ગુફાઓનો અંત થઈ રહ્યો હતો મે જાદુગર તરફ નજર કરી તો તે નીચે પડ્યો હતો અને હવે તેનું કદ્દ અચાનક ઘટવા લાગ્યું અને થોડીજ ક્ષણોમાં તે પેલા અમીન ના કદ્દ નો થઈ ગયો, એકદમ એક ઘરડો અમીન માણસ જ જોઈ લો. ભગવાને મને ભાગવા માટે ઈશારો કર્યો. મે તરત જ પેલા અમીન જાદુગરને હાથમાં ઉપાડીને ભાગવાનુ ચાલુ કર્યું. આગળ ભગવાન અને એમની પાછળ હુ એમ અમે ઝડપથી પેલી ગુફાઓમાંથી બહારની તરફ ભાગવા લાગ્યા. કઈ દિશામાં જઈ રહ્યા હતા એ અમને ખ્યાલ નહોતો પરંતુ જે તરફથી ગુફાની છત કે દીવાલ નીચે પડતી એની બીજી તરફથી અમે ઝડપથી નીકળી જતા. એમ ભાગતા ભાગતા અમે છેલ્લી ગુફાની દીવાલ પડે એ પહેલા જ બહાર એક ખુલા મેદાન જેવી જગ્યાએ આવી ગયા. મે પાછળ નજર કરી તો પેલા પર્વતો ની જગ્યાએ હવે કોઈ ગુફા કે કઈ જ નહોતું દેખાતું, ઉડી રહેલી ધૂળમાં પણ મને આખા અને ચોખા પર્વતો જ નજર આવી રહ્યા હતા જેની ઉપર હવે નાનકડું ઘાસ ઉગી રહ્યું હતું. અમે ગુફાઓની બહાર આવી ગયા હતા. દૂર પર્વતો ની જમણી બાજુએ સુરજ ઉગી રહ્યો હતો. મે મારા હાથમાં જોયું તો પેલો અમિન જાદુગર એકદમ ગુસ્સામાં લાલપીળો થઈ રહ્યો હતો અને અમીન ભાષામાં કંઈક કહી રહ્યો હતો જે મને સમજાતું નહોતું પણ જરૂર મને ગુસ્સામાં ગાળો જ આપી રહ્યો હશે કદાચ. મે ભગવાન સામે જોયું તો તેઓ હસવા લાગ્યા, કદાચ તેઓ જાણતા હતા કે જાદુગર મને શુ કહી રહ્યો હતો. હવે અમે ઓસ્ટ્રોમેટ પાસે જવા માટે રવાના થયા. રસ્તામાં મે ભગવાનને પૂછ્યું, "તમે મને જીવતો કર્યો, સાચુંને પ્રભુ." ભગવાન મારી સામે જોઈને હસ્યા અને પછી બોલ્યા, "ના, તને પાછો લાવવામાં મારો કોઈ જ હાથ નથી મિત્ર. તે પોતે જ પોતાને બચાવ્યો છે, તુ સાચે જ ખુબ હોશિયાર અને બહાદુર છે. મને તારી બહાદુરી પર ગર્વ છે દિપક." મને કાઈ જ સમજાઈ નહોતું રહ્યું એટલે હુ આશ્ચર્ય સાથે બોલ્યો," કૃપા કરીને મને થોડુંક સમજાવશો..?" ભગવાન મારી સામે મલક્યા અને કહેવા લાગ્યા. "જયારે મહર્ષિ દિવ્યદગ્ધીએ તેમની તપસ્યા ભંગ થવાના લીધે મહારાજ અમીરાજ અને તેમની સેના ને શ્રાપ આપ્યો ત્યારે બધા ખુબજ વિનંતી કરવા લાગ્યા કે અમને ક્ષમા કરી દયો, કેમ કે આ પાપમાં તેમનો કોઈ જ પ્રકારનો સ્વાર્થ નહોતો, તેઓ તો તેમની પ્રજા અને રાજ્યની પેલા મદમસ્ત હાથીથી રક્ષા કરવા માટે અને ગુરુ વેદભટ્ટાચાર્ય ના કહેવા મુજબ જ આ કામ કર્યું હતું. એટલે મહર્ષિ દિવ્યાદગ્ધીને તેમના પર દયા આવી, ત્યારે તેમને કહ્યું કે તેઓ પોતાનો શ્રાપ તો પાછો ના ખેંચી શકે પરંતુ તે શ્રાપ માંથી મુક્ત થવાનો એક ઉપાય જરૂર બતાવશે. ઉપાય બતાવતા મહર્ષિએ કહેલું કે જ્યારે તેમના બચાવ માટે કોઈ પોતાની આત્માનો ત્યાગ કરશે ત્યારે જ તેઓ આ શ્રાપ માંથી મુક્ત થશે." "વાહ, તો મે કરેલા ત્યાગ થી એ ઓસ્ટ્રોમેટ અને તેની ઉપર રહેતા અમીન લોકો પેલા મહર્ષિએ આપેલા શ્રાપમાંથી મુક્ત થશે એમ જ ને." એક ખુશી સાથે કહ્યું. "પરંતુ જો મે મારી આત્માનો ત્યાગ કર્યો હતો તો હુ પાછો જીવિત કેવી રીતે થયો, એ જ તો સવાલ મને મુંજવી રહ્યો છે..!" મે વિસ્મય સાથે પૂછ્યું.
"જાદુની દુનિયામાં એક કહેવત છે- 'જયારે આત્મસમર્પણ વડે જાદુ કરવામાં આવે છે ત્યારે જાદુનો અંત થઈ જાય છે અને ત્યારે થયેલો ત્યાગ, વ્યક્તિના ત્યાગનું રુણ ચૂકવે છે.'
એમ કહી ભગવાન મને જાદુની દુનિયાની એ કહેવત નો અર્થ સમજાવવા લાગ્યા. "પરંતુ, મહર્ષિ વેદભટ્ટાચાર્ય આ કહેવત થી અજાણ છે એટલે જયારે તે સામે થી આત્મારસ માટે પોતાની જિંદગી દાવ પર લગાવી અને તેમને તે કરેલો સોદો ગમ્યો, ત્યારે જ હુ સમજી ગયો કે હવે મારે તને અને અમીન લોકો સાથે ઓસ્ટ્રોમેટ ને જાદુગરની કેદ માંથી બચાવવા માટે કોઈ જ મેહનત કરવી નહી પડે, એટલે જ તો હુ એકદમ ચુપચાપ એક જ જગ્યાએ કાઈ પણ બોલ્યા વગર જ ઉભો હતો, કેમ કે જો બીજો કોઈ પ્લાન બનાવ્યો હોત તો તને બચાવવા માટે મારે મહેનત કરવી પડેત પરંતુ તારો પ્લાન એકદમ પરફેક્ટ હતો. એના માટે મારે તારો આભાર માનવો જોઈશે મિત્ર." એટલું કહી ભગવાને મારા ખભે એક હાથ રાખ્યો અને મારી સામે જોઈને મુસ્કુરાયા. "ઓહ, એમ છે. અરે એમાં કાઈ આભાર માનવાની કોઈ જરૂર ના હોય પ્રભુ, મને તો આમેય તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે કદાચ જો મને કંઈક થઈ જશે તો પણ તમે મને જરૂર બચાવી લેશો, એટલે જ તો હુ કાઈ પણ વિચાર્યા વિના જ મારું કામ કર્યે જતો હતો." એમ કહી હુ પણ હસી પડ્યો. હવે અમે આગળ ચાલ્યા. દિવસ ના અજવાળામાં હવે ચાલવામાં કે રસ્તો શોધવામાં કોઈ તકલીફ નહોતી થતી એટલે અમે ઝડપથી ઓસ્ટ્રોમેટ પાસે પહોંચી ગયા. ત્યા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ એ સૌથી પહેલું કામ પેલા અમીન બાળકોને તેમની માતાઓને સોંપવાનું કર્યું. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રોમેટ સાથે તેમની મૌન ભાષામાં કંઈક વાત કરવા માટે ચાલ્યા ગયા. હુ પેલી અમીન માતાઓને પોતાના બાળકો પાછા મળી જવાની ખુશી સાથે રડતી જોઈ રહ્યો હતો. પેલા અમીન લોકો જે અમને અહીંથી દૂર જવા માટે જે નારા લગાવી રહ્યા હતા એના બદલે હવે બે હાથ જોડીને અમારો આભાર માની રહ્યા હતા. એ જોઈને મને ખુબ જ આનંદ થયો.
થોડી જ વાર માં અમારી સામે જ જાણે ઓસ્ટ્રોમેટ અને તેની ઉપર રહેલા અમીન લોકોની એક અજીબ અને રહસ્યમય દુનિયા હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી. ભગવાન એ જોઈને મારી સામે જોવા લાગ્યા.
"દિપક, આજે તારા કારણે જ આ એક શ્રાપ થી પીડાતા લોકો આઝાદ થઈ શક્યા. એના માટે તારો ખુબ ખુબ આભાર મિત્ર." ભગવાને એમ કહ્યું અને મારી પાસે આવ્યા.
"ઓહ, યાદ આવ્યું, હવે આપણે આ જાદુગરનું શુ કરીશું?" એમ કહી મે ભગવાનની સામે મારા હાથમાં રહેલો અને ગુસ્સાથી ભરેલો નાનકડો અમીન જાદુગર બતાવ્યો. "શ્રાપ માંથી મુક્તિ સારા કર્મ કર્યા હોય તેને મળે છે, જેણે હંમેશા ખરાબ કર્મ કર્યા હોય તેને નહી. એટલે મહર્ષિ વેદભટ્ટાચાર્ય ને આપણે અહીં જ રહેવા દઈએ, જોઈએ કે એ પોતાના કાળા જાદુ વડે કેટલો સમય જીવિત રહે છે..?" એમ કહી ભગવાને પેલા અમીન જાદુગરને મારા હાથમાંથી લઈને નીચે જમીન પર મુકી દીધો. તરતજ પેલો અમીન જાદુગર ત્યાંથી ધીમે ધીમે ચાલતો થયો, અમે તેને દૂર જતો જોઈ રહ્યા.
"મને લાગે છે કે હવે જ મહર્ષિ વેદભટ્ટાચાર્ય ની સાચી સજા ચાલુ થઈ છે, હવે આપણું અહીં કોઈ કામ નથી એટલે હવે આપણે અહીંથી રવાના થઈ જવું જોઈએ." એમ કહીને ભગવાને મને બધો સમાન પેક કરવા માટે ઈશારો કર્યો. "ઓહ હા, જરૂર." હુ બધું જ સમેટવા લાગ્યો. થોડી વારમાં અમે હવે જવા માટે તૈયાર થઈ ગયા હતા. એક વાર ફરીથી અમે પેલા અદ્રશ્ય એવા દૈવી રથમાં સવાર થઈને આ ઝડપી ગ્રહ છોડીને ચાલતા થયા.
અમે જયારે ગ્રહ છોડીને જઈ રહ્યા હતા ત્યારે મે રથમાંથી નીચે નજર કરી તો એક ખુબજ અદભુત દ્રશ્ય નજરે ચડ્યું. હુ જોઉ તેમ તેમ આખા ગ્રહ પર બધે જ લીલા વૃક્ષો અને હરિયાળી ઝડપથી વધવા લાગ્યા અને આખો ગ્રહ સ્વર્ગ ની જેમ સુંદર દેખાઈ રહ્યો હતો.
"શું આ સ્વર્ગ હતું?" મારા મનમાં એકાએક આ સવાલ થયો. વિચારતો હતો કે પૂછી લવ ભગવાન ને. ત્યાં જ ભગવાન કહેવા લાગ્યા, "ના આ સ્વર્ગ ન્હોતું." આપણે અહી ના રમણીય અને સુંદર વાતાવરણ ને જોઈ ને આપણે શું કામે નીકળ્યા હતા એ પણ ભૂલી ગયા, કેમ દિપક..?" "હમમ", હું અચાનક જાણે ભાન માં આવ્યો હોવ એમ વર્તન કરવા લાગ્યો. ભગવાન હસવા લાગ્યા. મને આજનો દિવસ હંમેશા યાદ રહેશે. હું ખુશ હતો. આજની આ રહસ્યમયી સફર અને મે જોયેલા અદ્વિતીય સ્થાનો મને ક્યારેય નઈ ભૂલાય. હું વિચારતો હતો કે મને આવા સ્થળો જોયા પછી જો એટલો આનંદ મળ્યો, તો પછી જ્યારે હું સ્વર્ગ જોઈશ ત્યારે કેટલી ખુશી મળશે..!!!!

હવે અમે સ્વર્ગ ની શોધ કરતા થાક્યા હતા, પણ ક્યાંય સ્વર્ગ ની કોઈ ભાળ મળી નહિ...




થોડા જ દિવસોમાં સ્વર્ગ ભાગ-૨ રજૂ કરવા જઈ રહ્યો છું. બસ તમારા જેવા વાચકમિત્રો ના સાથ અને સહકાર ની આશા રાખું છું.. ધન્યવાદ.