Ek Poonamni Raat - 105 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૫

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૫

એક પૂનમની રાત

પ્રકરણ - ૧૦૫

 

અને ...ઝંખના બોલી રહી હતી એ સિદ્ધાર્થ એનાં ખોળામાં સૂતો એક ચિત્તે ઉત્સુકતાથી સાંભળી રહેલો. ઝંખનાનાં સંવેદનશીલ શબ્દો એનાં હૈયે ઉતરી રહેલાં અને વાળમાં એનાં હળવા ફરતા હાથ એને સેહલાવી રહેલાં એને ખુબ સારું લાગી રહેલું .એ શબ્દો સાંભળીને આવનાર ક્ષણો સમયનો જાણે...સિદ્ધાર્થની આંખો ભરાઈ આવી...એક મજબૂત પોલીસનો યોદ્ધો સાવ ગાય જેવો થઇ ગયો. ઝંખનાનાં એક એક શબ્દ સમજી રહેલો. આટલી મજબૂત તાંત્રીક અઘોરી શક્તિ ધરાવતી પ્રિયતમા જે પ્રેતયોનિમાં છે છતાં એનીજ અનેક શક્તિઓથી એ સિદ્ધાર્થને પ્રેમ કરી રહી છે એની સાથે જાણે વિવાહિત સામાન્ય જીવન જીવી રહી છે.

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ આવનાર પૂનમનાં દિવસે જે વિધી થવાની છે એ "સંયુક્ત શક્તિ અઘોરી પીઠ"  પ્રમાણે થવાની એમાં જેટલાં પ્રેત કે અન્ય યોનીમાં ભટકતાં જીવો હોય કે જીવતાં માણસો હોય બધાની ભેગી વિધી એમાં બધાની જીવન કથનીનાં ભૂતકાળનાં પુષ્ઠ ખુલ્લા થઇ જવાનાં છે કોઈ કંઈ નહીં છુપાવી શકે એમાં રાજા હોય કે રંક કોઈ નહીં આ હવનયજ્ઞનો ખુબ મોટો પ્રભાવ છે એક વાત તને અંગત રીતે કહી દઉં એમાં તમારાં કમીશ્નરનો પુત્ર દેવાંશ વ્યોમા હું અને તું મુખ્ય પાત્રો છીએ...બીજા પાત્રો નગણ્ય છે.      

સિદ્ધાર્થ આવું સાંભળી ચકિત થઇ ગયો એણે કહ્યું તું આ શું બોલે છે ? હું અને તું ? દેવાંશ અને વ્યોમા ?બીજા નગણ્ય છે એટલે ?

ઝંખનાએ આંખથી રડતા અને હોઠથી હસતાં કહ્યું હાં તેં બરાબર સાંભળ્યું આપણે બંન્ને ખાસ બસ મારી મારાં અઘોરી ગુરુ અને ભગવાન મહાદેવને એટલીજ પ્રાર્થના છે કે મને આ યોની થકી પણ તારો મેળાપ કરાવ્યો...હવે આ સાથ ના છૂટે મારે મારી મુક્તિ કે સદ્દગતિ નથી જોઈતી બસ તારી સાથેજ આમ જ જીવવું છે. નથી મને ધન, સંતાનની ભૂખ કે ઘેલછાં બસ તને ખુબ પ્રેમ કરવો છે એ પણ પુરી પવિત્ર પાત્રતા સાથે આવી યોનીમાં પણ હું તારી વફાદાર પ્રિયતમા રહું તને એવો એટલો પ્રેમ કરું કે ખુદ મહાદેવ આવીને આપણને અર્ધનારીશ્વરનાં આશિષ આપે.

       આમ બોલતાં બોલતાં ઝંખનાની આંખોમાં આંસુ ધસી આવ્યા અને સિદ્ધાર્થને વળગી ગઈ. ઝંખનાનું સૂક્ષ્મ શરીર હોવા છતાં જાણે સિદ્ધાર્થનાં અંગ અંગને અણુએ અણુને એ વળગી હતી એને છોડવા નહોતી માંગતી આંખમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી સાથે સાથે એ બોલી રહી હતી..એનાં આંસુ સિદ્ધાર્થની છાતીને ભીંજવી રહ્યાં હતાં. સિદ્ધાર્થનાં એક એક કોષ એનાં આંસુનાં દરેક ટીપાને શોષીને જાણે એને આશ્વાસન આપી રહેલાં એનાં અંગથી કણ અંશ સુધી પ્રેમ વ્યાપી ગયેલો. આજે બંન્ને જણાં પ્રેમના એક અનોખો એહસાસ અનુભવી રહેલાં.

 

શ્રુષ્ટિ પરનો પુરુષ અને સૂક્ષ્મ સૃષ્ટિની સ્ત્રી બન્નેનનું આ અનોખું મિલન હતું પ્રેમની પરાકાષ્ઠા જીવન અને મૃત્યુ બંન્નેની ઉપર હોય છે ના જન્મ કે મરણ એને રોકી શકે ના બાંધી શકે પ્રેમ તો દરેક અવસ્થા અને વ્યવસ્થામાં પ્રિયજનોનાં એકબીજાંનાં પ્રેમ મિલનમાં અહેસાસમાં વ્યાપ્ત હોય છે પ્રેમ એક ખુદ ઈશ્વરનું સ્વરૂપ છે એને કોણ રોકી શકે ? પ્રેમની વિરાટતાં એવી બતાવે કે બીજા બધાં ગણિત ગૌણ થઇ જાય એવો પ્રેમ એવી સંવેદના આજે સિદ્ધાર્થ અને ઝંખના અનુભવી રહેલાં.

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ તને તો તારો ગયા જન્મનો ઇતિહાસ કે ભૂતકાળ કંઈ યાદ નથી નથી તને એ યાદ કે આપનો પ્રેમ કેવો હતો....આપણે ક્યાં કેવી રીતે મળેલા ? તારો એ પ્રેમનો એહસાસ હજી મારાં કણ કણમાં ધબકે છે આજે મારી પાસે સ્થૂળ શરીર ના હોવા છતાં મારાં સૂક્ષ્મ અસ્તિત્વમાં એ વ્યાપ્ત છે મારાં આ સૂક્ષ્મ સ્વરૂપમાં બધેજ તારોજ પ્રેમ વ્યાપેલો છે તારાં એ અમાપ અને અપાર પ્રેમે મને તારી પાછળ પાગલ બનાવેલી ...હું કોણ તું કોણ છે એનું કોઈ મહત્વજ નહોતું રહ્યું મારાં માટે બસ તુંજ હતો તારો પ્રેમ હતો. મારી પ્રેમની પાત્રતાને પિતાજીએ ઘેલછા નામ આપેલું આપણે ના મળી શકીએ એનાં માટે કેટલાં પ્રપંચ રચાયાં હતાં.              

કુતુહલતાથી સિદ્ધાર્થ ઝંખનાને સાંભળી રહેલો. ઝંખનાનાં એક એક શબ્દ એની જીજ્ઞાસાને ઉશ્કેરી રહેલાં એ પોતાનાં જીવનનાં ભૂતકાળમાં ધકેલાઈ રહેલો આ જીવન પછી...એનાં પહેલાનાં જીવન તરફ જવા હવાતીયાં મારી રહેલો એને એની પીડા થઇ રહેલી એણે કહ્યું ઝંખના, ઝંખના મારી ઝંખના આટલો તને પ્રેમ કર્યો તનેજ વફાદાર રહ્યો ચોક્કસ ગત જન્મે તેજ પ્રેમ કરેલો પણ મને એની સફરે લઇ જા મારી મદદ કર એ વખતની એક એક પળને જીવંત કર જાગૃત કર મારે જાણવું છે મારે તને એનાંથી વધુ પ્રેમ કરવો છે એવી શું વિગત છે એવી કહાની છે વાર્તા છે જે કલ્પનાથી પરે છે છતાં વાસ્તવિક થઇ ચુકી છે કયા સંજોગો એવાં બન્યા કે આપણે છુટા પડી ગયાં?

મારુ અંતરમન અંદરથી વલોવાઈ રહ્યું છે ઝંખના મને પીડામાંથી મુક્તિ અપાવ બધું યાદ કરાવ હવે હું બધુંજ જાણવા તરસી રહ્યો છું આઈ લવ યુ ઝંખના સિદ્ધાર્થ બોલતાં બોલતાં રડી પડ્યો.

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ હું તને બધુંજ યાદ કરાવીશ અને એ યાદગીરી તાજી થતાં તારી આંખ સામે આવતાં બધુંજ સત્ય સમજાઈ જશે. તું કોણ હતો હું કોણ હતી કેવી રીતે મળ્યાં બધુંજ ત્રાદ્શ્ય થઇ જશે.

સિદ્ધાર્થ ઝંખનાને વળગીને એને ચૂમી રહેલો બંન્ને પ્રિયજનો પ્રેયસી એકબીજાનાં આંસુ આગળ જઈને મળી જતાં હતાં જાણે બે નદીઓનાં પવિત્ર સંગમ...                    

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ તારું ગત જન્મમાં પણ સિદ્ધાર્થ જ નામ હતું પણ એક કડવી વાસ્તવિકતા પણ છે કે તારાં બે જન્મ પહેલાનાં છે એની વચ્ચે પણ ૫૦ થી ૬૦ વર્ષનો ગાળો પડી ગયેલો તને અંદાજ આવશે હું કેટલાં વર્ષોથી તડપી રહી છું. એ ગાળા દરમિયાન જ મારાં ગુરુએ મારાં ઉપર ક્રિયા કરી મને જ્ઞાન આપ્યું સિદ્ધીઓ મેળવવા પાત્રતા મેળવી આપી તને ખબર છે આ અઘોરી સિદ્ધીઓ મેળવવા માટે પણ મારે આ દેહનાં ચિથરાં પહેરવાની જરૂર નાં રહી...મારાં ગુરુની કૃપા...એ મારો તારાં માટેના પ્રેમ જાણતાં હતાં કે એમણે સિદ્ધીઓ અપાવી પણ મારી સદ્દગતિ નાં કરાવી તારાં બીજા જન્મનાં ગણિતમાં પણ હું પ્રેતયોનિમાં રહી એનાં પણ કારણ છે.

સિદ્ધાર્થ તારાં સંચિત સંસ્કાર, પ્રારબ્ધ કર્મ અને એનો ભોગવટો કુદરતનાં નિયમ પ્રમાણે કામ કર્યા કર્યું તેં પરસ્ત્રી તરફ નજર નાં કરી બ્રહ્મચર્યનું પાલન કર્યું તને એનું કારણ ખબર નહોતી પણ તું એ તપ કરતો રહ્યો. તારાં જીવન દરમ્યાન આજ સુધી તું ફરજને વળગી રહ્યો નાં તને કોઈ ભોળવી શક્યું નાં આકર્ષિત કરી શક્યું. તું આટલો હિંમતવાન, હુંશિયાર અને હેન્ડસમ હોવાં છતાં આવાં હળહળ કળીયુગમાં પણ તેં પાત્રતા સાચવી.

મારાં સિદ્ધાર્થ એ સંચિત સંસ્કાર અને ગુરુમાંની કૃપા છે અને એનાં થકીજ આપણો ફરીથી મેળાપ થયો..સિદ્ધાર્થે કહ્યું મને ક્યારેય બીજી સ્ત્રીનો વિચાર નથી આવ્યો નથી આકર્ષાયો પણ જયારે તું સામે આવી અને મારી બધીજ કાબુ કરતી ગ્રંથિઓ છૂટી ગઈ તને જોતાંજ દિલમાં ઘંટડી વાગી ગઈ હું ફક્ત તારાં તરફ આકર્ષાયો છું.

જયારે મેં તને જોઈ આકર્ષાયો ત્યારે તો મને ખબર પણ નહોતી કે તું પ્રેતયોનિમાં જીવતી સ્ત્રી છું. તારી સિદ્ધીઓને કારણે મને શક પણ નાં થયો તારું આટલું બધું અમોધ સૌંદર્ય કોઈ સામાન્ય સ્ત્રીનું નાજ હોય પણ મારી ઈન્દ્રી ઈન્દ્રીએ એટલું ચોક્કસ કીધેલું કે આ કોઈ ખાસ છે.

પછી તારું બધું જણાવવાથી બધી હકીકતનો સામનો કર્યો બધું જાણ્યું પણ ઝંખના મારી પ્રિયતમાં ગતજનમનો શું ઇતિહાસ છે એ તો કહે એટલું ચોક્કસ જ છે કે આપણે માત્ર એકબીજા માટે છે. બીજો પ્રશ્ન દેવાંશ - વ્યોમા અને ત્રીજું પ્રેત હેમાલી અધ્વર્યની શી કથા છે ?

 

ઝંખનાએ કહ્યું મારાં સિદ્ધાર્થ તું ગતજન્મમાં...

 

વધુ આવતાં અંકે પ્રકરણ :- ૧૦૬