shokya in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | શોકય

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

શોકય

"અરે કહું છું સવારસવારમાં નીચે ઉતરી જુનાં લેંઘો શર્ટ પહેરી શું કરો છો?" મેં કહ્યું.

"આપણું સ્કૂટર સાફ કરું છું. પ્લગમાં રોજ કચરો આવી જાય છે" પતિએ કહ્યું.

"પણ ચાલુ થયું? ચા ઠંડી થઈ જાય છે. ઓફીસનું મોડું થઈ જશે."

"ના. પ્રયત્ન ચાલુ છે. રહેવા દે, ચા પછી ગરમ કરજે. ચાલુ નહીં થાય તો ઓફિસ કેવી રીતે જઈશ?"

એમના શરીરે પરસેવો, હાથ પર કાળા ડાઘા, જુનાં શર્ટ પર ડાઘને.. 'ભ્રઓં..' અવાજ. પતિ વિજયી મુદ્રામાં રામ લંકા વિજય કરીને આવ્યા હોય તેમ સ્મિત કરતા ઘરમાં આવ્યા.

મારે માટે રોજનું હતું. વખતની વાત છે જયારે બજાજ સ્કુટરની એટલી મોનોપોલી હતી કે પાંચ વર્ષે મળતાં અને પણ બ્લેકમાં. સરકારી વિજય સુપરનાં રેડી, પોષાય તેવાં સ્કૂટર મને-કમને વસાવવાં પડતાં. પછી બીજાં સ્કુટર આવતાં મોનોપોલી તૂટી પણ મધ્યમ વર્ગીય માનસિકતા, 3-4 વર્ષ વાપરેલું સ્કુટર ભંગારના ભાવે ફેંકી દેતા જીવ ચાલે. અને છાશવારે બગડ્યા વગર સ્કુટરને ન ચાલે.

એક રવિવારે મેં એમને કહ્યું, "અરે સાંભળો છો? પેલા મોલમાંથી અગત્યની ખરીદી કરી આવીએ, મારી મિત્રને મળી આવીએ.તેઓ ટીવીમાં ક્રિકેટ જોતા ઉભા થયા. ત્વરાવાળા તો હતા . સ્કૂટરે ફિટ રાખેલા! અવારનવાર રસ્તે બંધ પડી જતાં તેને દોરવું પડતું. તકલીફો થતી ને મિકેનિકોને તો રીપેર કરવા કરતાં ભંગારના ભાવે પડાવી, હજાર બેહજાર ઉમેરી બીજાને ફટકારી મારવામાં રસ હતો, તેમ પતિનું માનવું હતું.

અમે સ્કુટર સહેજ નમાવી સ્ટાર્ટ કર્યું. "નમે સહુને ગમે" પતિએ જોક કરી. ગયાં. વળતાં થેલાથેલીઓ સાથે કોઈ સિગ્નલ પર એકદમ 5-6 સેકંડ બાકી હતી, સામેનો ટ્રાફિક શરૂ થઈ જતાં વચ્ચોવચ્ચ પતિએ બ્રેક મારી, ગિયર ન્યુટ્રલ કરવા જતાં ક્લચ વાયર તૂટી ગયો. મને કહે "રીક્ષામાં ઘેર જા. રવિવારે સાંજે મિકેનિક નહીં મળે."

પતિ સ્કૂટર ઢસડતા વીલા મોઢે ઘેર આવ્યા.

મેં તેમની ભાવતી ભેળની ડીશ ધરી, મિત્રના ઘરની મસાલેદાર હસવાની વાત કરી. પતિનું મોં હજુ વીલું હતું. વાતમાં ધ્યાન હતું.

"શું થાય છે તમને? ક્યાં ધ્યાન છે?" મેં પૂછયું.

"કાલે સવારે મિકેનિકો 9.30 પહેલાં બેસશે નહીં. 10 વાગે તો ઓફિસ છે. બસ માટે 9 વાગે નીકળવું પડે. તો રીપેર ક્યારે કરાવું?"

ઠીક. ઈશ્વર મિકેનિક બની સાડા આઠે બેસી ગયેલા, 'એમની પ્રિયા' એમનો ભાર ઉપાડી ઓફિસ લઈ ગઈ, હેમખેમ લઈ આવી.

વળી એક દિવસ હાથમાં કપડું, પાણીની ડોલ, ખોતરવાની તણી.. તેમનો શ્રમયજ્ઞ ચાલુ! ઘસીઘસીને સ્કૂટર ધોયું, પ્લગ સાફ કર્યો, સીટ કવર ટાઈટ કર્યું, અરીસો એડજસ્ટ કર્યો. સાલું ધોયેલું લાગતું હતું તો રૂપાળું હોં! પણ કામ આપે ત્યારે સારૂં આપે અને અટકે ત્યારે કાલે કે હવે શું થશે તેના વિચારે પતિ પણ અટકે.

હું શોલેની બસંતી જેવી બોલકી તો નહીં પણ સારા વિષયોની વાત કરવી મને ગમે. પાડોશણો સાથે કૂથલી કરવા કરતાં હું કોઈ વાનગી, નવો ફેશન ટ્રેન્ડ, કોઈ અવનવી સ્ટોરી - આવી વાતો કરતી. પતિને આવી વાતો કરૂં તો તેઓ રસ પુરાવે, તેવી બીજી વાત ઉમેરે. પણ ક્યારેક ઓચિંતા ઉભા થઇ 'અરે, 11 વાગે પમ્પ બંધ થાય, 10.30 તો વાગ્યા. ચાલ પેટ્રોલ ભરાવી આવું' કરતા થાય ચાલતા! હું મારૂં બોલતી રહી જાઉં!

એક રાત્રે બાજુમાં સુતેલા પતિ સામે મેં જોયું. સવારના 5 વાગ્યા હશે. તેમની આંખો ખુલ્લી, છત સામે નજર. મેં પૂછ્યું, "કેમ ઊંઘ નથી આવતી? શા વિચારમાં છો?"

એમણે કહ્યું, "રાતે આવતાં હવા ઓછી લાગી. હમણાં ટ્યૂબે નખાવી છે. પંચર તો નહીં હોય ને? સવારે ચિક્કાર ગીર્દી, આપણું વચ્ચેનું સ્ટેન્ડ. ઓફિસ કેમ કરી જઈશ?"

અરે, 'ગુલાબી કેમ કરી જાશો ચાકરી' એમ તો મારે પૂછવાનું હોય!

મેં ચિડાઈને કહ્યું "તમે મારા કરતા એ નિર્જીવ સ્કૂટરનો વિચાર વધુ કરો છો. મારી સામે હું કેવી તૈયાર થઈ છું જોઈ પ્રતિભાવ આપવાને બદલે સ્કૂટર કેવું ચકાચક લાગે છે એ જ જોતા રહો છો. મારી રસોઈ વખાણવાને બદલે સ્કૂટર કેવી એવરેજ આપે છે એની વાત કર્યા કરો છો. હું તમારો પડછાયો બની ફરૂં છું તેના વખાણ કરવાને બદલે હમણાં સ્કૂટર તકલીફ નથી આપતું તમને વધુ મહત્વનું લાગે છે. મારી શોક્ય છે એ. તમે મને નહીં, સ્કૂટરને પરણ્યા છો."

હમણાં હમણાં ખુશ રહેતા. ઓફિસમાં બરાબર ચાલતું હશે. સ્કૂટર તકલીફ દેતું હતું. એક દિવસ રાત્રે સામેથી કહે, 'ચાલ થોડી લોંગ ડ્રાઈવમાં પવનમાં આવીએ.'

વળી જઈજઈને શોક્ય સાથે જવાનું ને? એમનું ધ્યાન પણ મારા કરતાં એમાં જ રહેતું હોય. મેં કહ્યું, "ચાલો, આપણે બે ચાલતાં જઈએ."

પણ એમને મારા વગર ચાલે, મારી એ શોકય વગર નહીં. તેમણે તો સ્કૂટર જ લીધું. નમાવીને કીક મારી ચાલુ કર્યું. મને પાછળ બેસાડી 'મારી શોકય'ના હેંડલ રૂપી હાથ પંપાળતા તેઓ ચાલ્યા. રસ્તો પણ ખુલ્લો ને એમનું ફેસ્સીનેશન સ્પીડ પકડવાનું. અને હા, કંટ્રોલ તો પુરો. જીવનમાં પણ કેટલાક માઇલસ્ટોન સ્પીડ પકડીને કવર કરવા પડે. કંટ્રોલ પણ રાખવો પડે, ગતિ પણ જાળવવી પડે. પણ એમાં માહેર હતા. કહેતા કે થોડી સબ્ર કર. સાઈ મંદિરની બહાર લખ્યું છે, 'શ્રદ્ધા, સબૂરી, ભક્તિ'. એરીયર, ઇન્ક્રીમેન્ટ આવે એટલે સેકંડહેંડ કાર લઈ લઈએ. વખતે ઘેરઘેર કાર હતી. લોકો થોડી જૂની ફિયાટ કે રોલો પાડનારાઓ બેચાર વર્ષ ફેરવેલી મારુતિઓ વેંચવા કાઢતા અને નોકરિયાતો પાડોશીઓ પર રોફ જમાવવા 'neighbour's envy owner's pride' એવી કાર ખરીદતા.

મને વાંધો પતિ સામે હતો કે જો સ્કૂટરમય કે એની તકલીફમય થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તેમનું ધ્યાન બીજે ક્યાંય પણ દોરે.

એક વખત હું માંદી પડી. કમર, ગળાંનો દુખાવો. મેં કહ્યું, "મારે ડોક્ટર પાસે જવું પડશે."

એમણે કહ્યું, "પેલા ઓર્થોપેડિકની એપોઇન્ટમેન્ટ લઇ લે. સ્કૂટર ભગાવશું, પહોંચી જાશું."

અરે, એનાં ગયેલાં જમ્પરના ઉછાળે તો થતો હોય તો પણ દુખાવો થાય! ક્યારેક છાને ખૂણે થતું, માણસ મને સ્કૂટર પાછળ બેસાડી બંપ આવતાં મને ઉછાળે છે તેના કરતાં એના હાથમાં ઊંચકી ક્યારેક ઉછાળતો હોય તો હું પડતાં પડતાં તેમના ગળે હાથ ભરાવી 'બાહોં કે હાર તુમ્હેં હમને બરસોં પહલે પહેનાયે થે' ગાઉં તો ખરી!

કહો ના કહો, બહાર પડેલાં, ઠીક ચાલે કે રગડતું, પોલિશ કરેલાં સુંદર ચકાચક રંગનાં સ્કૂટરની મને ઈર્ષ્યા આવતી. તેના અરીસામાં હું મારી મધ્યમ વર્ગની થપાટો ખાધેલું સહેજ ઢળતું યૌવન જોઈ મનોમન ક્ષોભ પામતી. તેઓની મજબૂરી કે જે પણ હતું- 18 કી.મી. જવું ને આવવું. એક કલાક એના ઘુરકાટમાં મગ્ન. પણ મારી સાથે એક કલાક તો શું, દસ મિનિટ પણ નોનસ્ટોપ ભાગ્યે વાત કરી હશે. મને ‘મારી શોક્ય’ની ઈર્ષ્યા આવતી પણ લગ્ન પછી તુરતનો ચાંચમાં ચાંચ પરોવી બેસવાનો ઉમંગ ક્યાં સુઘી ટકે?

એક દિવસ કોઈ તહેવાર હતો. મારે પિયર જલ્દી જવાનું હતું. જમાનો ઓલા કે ઉબેરનો નહીં. 'વાતચીત ભાઈ' રીક્ષાવાળાને કહી રાખેલું કેમકે સામાન તો હતો . ગાડીને એક કલાક બાકી. 'વાતચીત ભાઈ' એની બેનડીની વહારે આવ્યો. દ્રૌપદીનાં ચીર કૃષ્ણએ પૂરેલાં પણ અહીં તો પેટ્રોલ પુરાવવા પણ કોઈ ભાઈ ન આવ્યો. અમે બહાર ઊભાં. રીક્ષા કાં તો ભરેલી આવે, કાં તો મળે નહીં. હવે માત્ર 25 મિનિટ. મારૂં હૃદય જે ધડકે? જે ધડકે?

પતિ કહે "એક રસ્તો છે, તારી શોક્ય!"

મને હસવા સાથે ખીજ ચડી. અત્યારે એનો ભરોસો થાય? કાલે કાર્બ્યુરેટર ઓવરફ્લો થતાં ધક્કા મારેલા. પરંતુ પતિએ મારી ઈર્ષ્યા સાથે મારાં ફાટેલાં બ્લાઉઝથી એના પર હાથ ફેરવ્યો. નમાવ્યું. 'નમે તે સહુને ગમે' કહી દસ, બાર, પચીસ, ત્રીસ કી મારી, કોલ્ડ સ્ટાર્ટ આપ્યું. અને એણે ઘરરર.. કર્યું. પતિનું મુખ સોળે કળાએ ખીલી ઉઠ્યું. કહે , "ચાલ બેસ".

"પણ સામાન?" મેં કહ્યું

"રખાય એટલું ખોળામાં, હું હેન્ડલ સુધી ખસી બેસું છું. ઉભી રહે, બીજી બેગ ફૂટરેસ્ટ પર રાખી ભરાવી દઉં."

હું બિચારી ભારતીય નારી પતિને તો ઠીક, મારી શોક્યને શરણે ગઈ.

માત્ર વીસ મિનિટ બાકી !! 'હે મારા રામ! હે મારી શોક્ય, લાજ રાખજે.' મેં પ્રાર્થના કરીને અમે ઉપડ્યાં, કહો કે ઊડ્યાં. ટ્રાફિકમાં પણ ડાબે, જમણે ઘુસાડતાં કાંટો 35, 40, 45.. ખુલ્લા રસ્તે 60.. 80!! વળી બંપ પરથી કુદવું, મારૂં કચ્ચીને સ્પેરવ્હીલ પકડવું.. પતિનો સ્પર્શ તો શક્ય હતો. મોટી બેગ સામાન સાથે અથડાઈ.

અને.. જોતજોતામાં સ્ટેશનનાં પગથીએ!

એમણે સધિયારો આપ્યો, “હજુ 5 મિનિટ બાકી છે. ચિંતા નહીં કરતી."

"અરે મજુર, બેનને ... નંબરનાં પ્લેટફોર્મ પર સામાન સાથે મૂકી આવ. જલ્દી." તેમણે અમારા સ્કૂટર તરફ નવાઈભર્યું જોતા મજૂરને કહ્યું.

"ચાલ. આવજે. મને ને તારી શોક્યને યાદ કરજે." કહેતાં ઘુરરર.... ઘૂરકાટી.

પતિએ યુ ટર્ન માર્યો. પાછળ શ્વેત ધુમ્ર સેર દેખાઈ. આજે તો મને પણ 'મારી શોક્ય' પર વહાલ ઉપજ્યું. મારા 'એ' નો ભાર વહન કરતી. એ શોક્યએ આજે મારી લાજ રાખી હતી તો પોતાની આબરૂ પણ મારી પાસે ઊંચી કરી હતી. મેં મનમાં ગાયું, 'ગડ્ડી ચલી રે છલાંગા મારતી, મેનુ યાદ આયે મેરે યાર કી..' છલાંગ તો બંપની!

મને ખાતરી હતી કે મારી ગેરહાજરીમાં એમને એકલું નહીં લાગે. શોક્ય છે ને? રોજ ધોવાશે, ઘસી ઘસીને લુછાશે, પ્લ પોઈંટો એડજસ્ટ થશે, વહાલથી પંપાળાશે..ને બગડશે તો 'કાલે શું થશે' ના વિચારમાં ખોવાયેલા રહેશે પણ મારા વિના સૂના તો નહીં પડે.

મારી શોક્યને ભળાવીને જાઉં છું ને?

-સુનીલ અંજારીયા

22 બિરવા રો હાઉસ બોપલ અમદાવાદ

9825105466