No means no in Gujarati Moral Stories by Jayesh vaghela books and stories PDF | ના એટલે ના

Featured Books
Categories
Share

ના એટલે ના

એ રાતે મારી પાંચ વર્ષની દીકરીના સૂઈ ગયા પછી હળવેથી મેં મારી પત્નીને કહ્યું, ‘તને ખબર છે, આજે સુરતમાં શું બન્યું ? રીજેક્શન મળવાને કારણે એક યુવકે જાહેરમાં એક છોકરીનું ગળું કાપી નાંખ્યું.’ આ વાત સાંભળીને મારી પત્નીના ચહેરા પર આવેલા એક્સપ્રેશન્સ હું ક્યારેય ભૂલી નહીં શકું. સ્તબ્ધ હાલતમાં ક્યાંય સુધી એ મારા ચહેરા સામે જોતી રહી. પછી ખૂબ બધી શંકા, ડર, અસલામતી અને ચિંતા સાથે તેણે એક નજર અમારી સૂતેલી દીકરીના ચહેરા પર કરી. કશું જ બોલ્યા વગર તેણે ફરી એકવાર મારી સામે જોયું અને સૂઈ ગઈ. પણ એની એ આંખો મને હજી પજવે છે. એ આંખોમાં ખૂબ બધા સવાલો હતા, જેમાંથી એક પણ સવાલનો જવાબ અત્યારે મારી પાસે નથી.એ રાતે હું મોડે સુધી જાગતો રહ્યો. મારા અશાંત મનને સાંત્વના આપવા માટે ગુગલ પર ‘એન્ટી-રોમિયો સ્કવોડ ઈન ગુજરાત’, ‘મહિલા હેલ્પલાઈન નંબર’ અને આવું તો કેટલુંય સર્ચ કરતો રહ્યો. વિચારતો રહ્યો કે સુરતની….. સોરી ગુજરાતની એ દીકરીને એક્ઝેક્ટલી શેની સજા મળી ? એક છોકરી હોવાની ? સુંદર હોવાની ? કે પછી યુવાન હોવાની ? જવાબ બહુ સ્પષ્ટ હતો. એને સજા મળી, ‘ના પાડવાની’.એ વિડીયો મેં નથી જોયો. અને એ જોવાની મારામાં હિંમત પણ નથી. મારામાં એટલી સંવેદના તો હજી બાકી છે કે હું માનવતાનું ગળું કપાતા નથી જોઈ શકતો. છેલ્લા બે દિવસથી આ સમાચાર મને ડિસ્ટર્બ કરી રહ્યા છે. પણ શું લખવું ? શું કહેવું ? એ મને સુઝતું જ નહોતું. અને અત્યારે પણ, આઈ એમ નોટ ક્લીઅર. આ કઈ રીતે અટકાવી શકાય ? આનું સોલ્યુશન શું ? એ સાચ્ચે મને નથી ખબર પણ હું એટલું જાણું છું કે કંઈક તો કરવું પડશે. નહીં તો આ દુર્ઘટના એક ‘Just another story’ બનીને રહી જશે.જે રીતે સ્યુસાઈડ, મર્ડર કે એક્સિડન્ટ્સના રેકોર્ડ હોય છે, એ રીતે આપણી પાસે શું ‘Rejection killing’ કે ‘Rejection violence’ નો રેકોર્ડ છે ? નથી, તો બનાવવો પડશે જેથી ખબર પડે કે રિલેશનશિપ માટે ‘ના’ પાડવા અથવા તો તેમાંથી નીકળી જવા બદલ કેટલી દીકરીઓને આવી હેરાનગતિ ભોગવવી પડે છે. ઈન ફેક્ટ, એ નંબર્સ રેપ કે મોલેસ્ટેશન કરતા વધારે હશે. કારણકે જે સમાજમાં સ્ત્રીઓના શરીર, સેક્સ્યુઆલિટી, એટેન્શન અને ટાઈમને પુરુષ પોતાની માલિકી કે અધિકાર સમજતો હોય, એ સમાજમાં ડગલેને પગલે ઘવાયેલા મેલ ઈગો રસ્તા પર પડેલા મળશે. એક પુરુષના મોઢામાંથી નીકળતા ‘She is beautiful’ થી લઈને ‘She is a bitch/slut’ જેવા વાક્યોનો આધાર, એ સ્ત્રી તરફથી મળતા રિસ્પોન્સ પર રહેલો હોય છે.
‘રિજેક્શન’ મળ્યા પછી કયો પુરુષ કેવી રીતે વર્તશે ? એ તો કઈ રીતે Predict કરી શકાય. પણ એક ‘સિવિલાઈઝ્ડ’ સોસાયટીના સભ્યો હોવાને નાતે આપણે એટલી વ્યવસ્થા તો કરવી જ રહી કે આપણી દીકરીઓ નિર્ભય બનીને ‘ના’ પાડી શકે. આપણે આટલી બધી નકામી એપ્સ ડિઝાઈન અને ડાઉનલોડ કરીએ છીએ. તો શું એક એવી એન્ડ્રોઇડ એપ્લીકેશન ન બનાવી શકીએ, જે દરેક દીકરીના ફોનમાં હોય અને જે તેમને ડાયરેક્ટલી એન્ટી-રોમિયો સ્કવોડ કે લોકલ ક્રાઈમ બ્રાંચ સાથે સંપર્ક કરાવી આપે. બગીચામાં બેઠેલા નિર્દોષ અને જીન્યુઈન પ્રેમી યુગલોને હેરાન કરવાને બદલે સ્કુલ કે કૉલેજની આસપાસ આવા ડેડીકેટેડ રેસ્ક્યુ સ્ક્વોડ ડિપ્લોય ન થઈ શકે ? જો 31st નાઈટની પાર્ટી કે નવરાત્રી દરમિયાન દીકરીઓની સુરક્ષા માટે આપણે બાઉન્સર્સ રાખી શકીએ, તો આ જ વાત કૉલેજ ઓથોરિટીઝને લાગુ ન પડે ?હોસ્પિટલ બનાવતી વખતે તો અમને સત્તર જણ આવીને પૂછે છે કે ફાયર સેફ્ટી છે કે નહીં ? બેકઅપ ઈલેક્ટ્રીસીટી, એમ્બ્યુલન્સ, લીફ્ટ, B.U સર્ટિફિકેટ છે કે નહીં ? તો આપણી દીકરીઓ જે સ્કુલ કે કૉલેજમાં ભણતી હોય, એને આપણે એટલું ન પૂછી શકીએ કે દીકરીઓની સુરક્ષા માટે તમારી કૉલેજમાં શું વ્યવસ્થા છે ? જો વાત જીવન-સુરક્ષાની હોય, તો એ બધે એક સરખી જ લાગુ પડવી જોઈએ. એ દર્દી હોય કે દીકરી.સુરતની ઘટનામાં પેલો છોકરો ફેનિલ છેલ્લા એક વર્ષથી ગ્રીષ્મા (મૃતક)ને હેરાન કરતો’તો. (આ વાત તેના ભાઈએ FIR માં લખાવેલી છે.) આ જાણીને મારું ફર્સ્ટ રીએક્શન એ હતું કે ‘તમે અત્યાર સુધી ક્યા હતા ?’. એક વર્ષ તો બહુ લાંબો ગાળો કહેવાય. એક કલાક માટે પણ કોઈએ હેરાનગતિ શું કામ સહન કરવી જોઈએ ? આ ઘટના પરથી દરેક દીકરીને બે હાથ જોડીને મારી વિનંતી છે કે તમારો ગમે તેટલો નજીકનો મિત્ર કેમ ન હોય, અરે તમારો બોયફ્રેન્ડ પણ કેમ ન હોય, જો એ તમારી સાથે શારીરિક કે શાબ્દિક દુર્વ્યવહાર કરે છે તો એ ‘રેડ ફ્લેગ’ છે.કોઈ તમારો પીછો કરતું હોય, પરાણે મૈત્રી કરવાનો પ્રયત્ન કરતું હોય, તમારી ઈચ્છા વિરુદ્ધ તમને ફોન, મેસેજીઝ કે ગિફ્ટ્સ મોકલતું હોય, તો એ વ્યક્તિનો રીપોર્ટ અનેક સ્થળો પર થવો જોઈએ. ઘરમાં, પડોશમાં, કૉલેજમાં, મિત્રવર્તુળમાં, પોલીસ કે ક્રાઈમ બ્રાંચમાં એ વ્યક્તિની નોંધ લેવાવી જોઈએ. કારણકે એક વાર ‘ના’ પાડ્યા પછી પણ જો કોઈ તમને ચેઝ કરે છે, તો એટલું તો નક્કી છે કે એ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે.એ ડેટ માટે હોય, કિસ માટે કે પછી એક કપ કોફી માટે, છોકરીની ના સાંભળ્યા પછીનું છોકરાનું વર્તન એનું કેરેક્ટર બતાવતું હોય છે. સેક્સ્યુઅલ ફેવર મેળવવા માટે Desirable Behavior કરનારા દરેક પુરુષનો મૂળ સ્વભાવ, ‘ના’ સાંભળ્યા પછી જ સપાટી પર આવતો હોય છે. આમ તો સામેવાળી વ્યક્તિને પરખવાની Sixth Sense દરેક સ્ત્રીમાં જન્મજાત હોય છે પણ તેમ છતાં ઈમોશનલી વલ્નરેબલ લોકો બહુ જલ્દી થાપ ખાઈ જતા હોય છે. હું એટલું જ કહીશ કે, જે અસ્વીકારનો સ્વીકાર કરી શકે, એનો જ સ્વીકાર કરવો.અને યુવકોએ એક વાત સમજવી પડશે કે ‘No’ is a full sentence. એક છોકરીની ‘ના’માં ‘ના’ જ રહેલી હોય છે. અને એ ‘ના’નો સ્વીકાર અને આદર કરવો પડશે. બાળકના ઉછેર માટે ખૂબ બધી ‘ના’ની જરૂર હોય છે. જો કોઈ બાળકના ઉછેર સમયે, તેનામાં વિટામીન ‘No’ની ઉણપ રહી જાય તો મોટું થઈને એ બાળક એવું જ સમજવા લાગે છે કે આ જગતમાં એને ગમતું બધું જ એના એક ઈશારે મળી જશેઆપણું બાળક ગણિત-વિજ્ઞાન શીખે કે ન શીખે, એટલું તો એણે શીખવું જ પડશે કે એને ગમતું બધું જ આપવા માટે, આ જગત બંધાયેલું નથી. અહીંયા ડગલેને પગલે રિજેક્શન છે. નોકરીમાં, બિઝનેસમાં, કલા-સાહિત્ય-સંગીતમાં, પ્રેમમાં, મિત્રતામાં. કેટલાના ગળા કાપશો ? ગ્રેસફુલી એ રિજેક્શનને હેન્ડલ કરતા શીખો. સ્કુલ-કૉલેજ તો આપણા બાળકને ફક્ત ફોર્મલ એજ્યુકેશન જ આપી શકશે, એને ઈમોશનલ એજ્યુકેશન તો આપણે જ આપવું પડશે.
એવું શું કરી શકાય જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકીએ ? એ બાબતે હજીયે હું સ્પષ્ટ નથી. મને કશું જ સૂઝી રહ્યું નથી. Overwhelming ઈમોશન્સ ક્યારેક આપણી બુદ્ધિ અને વિચાર-ક્ષમતાએ ભ્રષ્ટ કરી નાખતા હોય છે. પણ આ લખાણ મેં એમ વિચારીને લખ્યું છે કે ગુજરાતની દીકરીઓની ચિંતા કરવાવાળો, હું એકલો તો નહીં જ હોઉં. ઘણા બાહોશ અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ અને રાજ્યના સંચાલકો પણ આ વિશે વિચારતા હશે. એન્ડ બાય ધ વે, સ્ત્રીસશક્તિકરણ ની વાતો ત્યારે કરી શકાશે જ્યારે કોઈપણ જાતના ડર કે ખુલાસા વગર દીકરીઓ ‘ના’ પાડી શકશે.