My country and I ... - 5 - Eklavya in Gujarati Motivational Stories by Aman Patel books and stories PDF | મારો દેશ અને હું... - 5 - એકલવ્ય

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

મારો દેશ અને હું... - 5 - એકલવ્ય

એકલવ્ય


આજ નો એકલવ્ય...


અતિ પછાત કહીશ શકાય તેવું ખરોપટ ધરાવતું નાનું ગામ... પાણી જ્યાં ઓછું અને પાણીમાં ભેળવીને પીવાનું વધુ મળે એવો વિસ્તાર... ભણતર... આઝાદી... શિક્ષણ... સંસ્કાર... 'વિકાસ ' જેવા શબ્દો જ્યાં હજુ પહોંચ્યા જ નથી... એવા ગામડા ગામની નિશાળના એક શિક્ષક કોરોના કાળની બંધ નિશાળમાંથી બાળકોને ઓનલાઇન ભણાવવાં માટે ગામ માં નીકળ્યા...


આમાં તો ગામ અને ત્યાંની પદ્ધતિ થી પૂર્ણ રૂપે પરિચિત શિક્ષક ગામ ની દુર્દશા જોવા ટેવાયેલા એટલે કઈ ખાસ જોવાની તો આશા પણ ન હતી... કયાંક ઊંડે ઊંડે કોઈ બાળક ને થોડી ઘણી કરીશ શકાય તેવી મદદ, માર્ગદર્શન આપવાની ભાવના હતી... આ સાથે સમાજ માં 'નકામો અને બીચારો' કહેવાતો માસ્તર થોડી આશા લઈને પણ નીકળ્યો... જે ઘણી ખરી તો નકામી જ નીવડી... કારણ કે બાલ મજૂરીનો કાયદો બનાવનારે એ જ બાળક કે તેના પરિવારને રોજી રોટી મળે એ માટે કઈ જ કર્યું ન હોવાથી તેમાણસ મોટા ભાગના બાળકો કોઈને કોઈ કામ માં રોકાયેલા હતા... શહેરના જે ધોરણ 8 ના કહેવાતા 'નાના' બાળકો આ ગામના જવાબદાર છોકરા બની કામે એટલે કે દાડિયે ગયેલા...


જો કે આ દાડી પાછળ પણ ઘણા કારણ હતા જ કારણ તો એવા કે કોઈ ના પિતા માટે પાણી એકલું પીવા માટે ચાલે એમ નહતું...કોઈને પોતાને કે પરિવારના કોઈ સભ્ય માટે ફિલ્મોની બતાવેલ ફેશન કે સમાજ માં કહેવાતો મોભો મેળવવા કે મોજ કરવા માટે કોઈ પૂરતા રૂપિયા ન હતા...રોજિંદા જીવન માં આજ નુ આજ અને કાલનું કાલ કરવાની વિચારધારા તો આમાં પણ હતી જ... વળી સમાજ ના દેખીતા ઉદાહરણો તો સામે જ હતા કે ભણેલા ખાલી નોકરી કરે અને અભણ આખા દેશ દુનિયા ચલાવે.. ગુંડા માન પામે અને પોલીસ એને સલામ મારે... અભણ નેતા ભણેલાને ભણાવે... ગામનો ઉતાર અને બેજવાબદાર માણસ ગામના મસ્તરોને ગાળો આપે કારણ કે તે એના છોકરાને શિષ્યવૃતિ એ બાળકના જ ખાતામાં નાખવાનું કહે... કોઈ સાચી વાત કરે તો બહુ બોલે તો કોઈ ખોટા આરોપસર કાયદાનો ઉપયોગ કરીશ ફસાવાનું કરે કે કોઈ જ્ઞાતિવાદની ધમકી આપે...


છતાં પેલો અણસમજુ અને ગણતરી બાજ માસ્તર એક આશા થી ગામમાં ચક્કર મારવા નીકળ્યો... ઘણા બાળકો ઘેર હાજર ન હતા... જે હતા તે રમતો કે નાના ભાઈ બહેનો ને કે ઘરના વૃદ્ધ કે ઢોર ને સાચવવા -ખવડાવા રોકાયેલા હતા છતાં મળતા અનુકૂળ થોડા ઘણા સમય માં કરીશ શકાય અને થઇ શકે તેવી મહેનત થી ભણતા...


બનાવેલા મસમોટા પુસ્તકો ને ભાર વગરના કહેવાતા ભણતર માં બીજા બોજ ની સાથે આને પણ વેંઢારતા... છતાં શિક્ષકની મુલાકાત થી થોડા ડરતા, થોડા હરખાતા... થોડા શરમાતા... પોતાના અભ્યાસની વાત કરતા.... શિક્ષક આ બધું જોતા જોતા... એક એવા ઘર પાસે અટકી ગયા... જે પરિવારની તમામ મિલકત ક્દાચ વેચે તો પણ એક મહિનાનું કરિયાણું ન થાય... એમના પરિવારમાં ભણતા ચાર ચાર સભ્યોની માહિતી જાણમાં હતી અને એ પણ ખબર હતી કે એમાંથી એક કે બેન સીવાય ઘરે કોઈ નહિ મળે... ઘરે હશે એણે પણ અભ્યાસમાં કઈ કરીશ શકી નહિ હોય... મગજ પ્રભાવિ હોવા છતાં ઘરની પરિસ્થિતિ મુજબ મોટી બહેનો અને માતા મજૂરી માટે ગયેલ હશે જ... નાની બહેન પણ કાઇને કઈ કરીને નાના ભાઈની સંભાળ અને ઘરનું ધ્યાન રાખતા રાખતા શક્ય એટલું ઘર કામ તેમજ નામનો ખોરાક બનાવની તૈયારી કરતી હશે... સરકારી દ્વારા મળતી દરેક સહાય જેને મેળવી જ જોઈએ એવા આ પરિવારને છતાં પણ કોઈ સહાય કોઈ કારણોસર નથી જ મળતી... કારણ કે સરકારી કામ માટે કરવા પડતા દોડા... ખોટા કાગળ... કે ભ્રષ્ટાચાર એમની પાસે નથી... અને ક્દાચ કોઈ અધિકારી જો કોઈ સહાય કરે તો પણ આ પરિવારના કહેવાતા કેટલાક સગા એ ખાઈ જાય... અને છતાં આ ભોળા પરિવારને એ સગા પોતાના જ લાગે....


આ બધો વિચાર વીજળીવેગે આવી ગયો હોવા છતાં પેલા શિક્ષકને આ ઘર તારવવું યોગ્ય ન લાગ્યું અને શક્ય એટલી પ્રેમાળતા અવાજમાં ઘોળી આનંદથી બોલાવી...;"માની, સુ કરે છે? "


અંદરથી સાહેબનૉ અવાજ ઓળખી ગયેલી તે સાત વર્ષની તે બાળકી પોતાના પાંચ વર્ષના ભાઈને રમાડતી પટાવતી બહાર લઈને આવી... સાહેબ ને જોઈને તે બાળકીના મોઢા પર એક અપ્રતિમ આનંદ આવી ગયો... આજે એની શાળાનો સાહેબ એને ત્યાં એને મળવા આવેલો... જે સમાજ માટે નકામો હતો, કામચોર કે મફતિયો હતો તે આ બાળક માટે લાગણીનું સ્થાન હતો... માઁ તો બિચારી પરિવારના પાલન માં મગન રહેતી... પિતાનો ભાઈના જન્મના મહિના દિવસે જ દેવ થઇ ગયેલા...જ્યાં પેટનું પણ માંડ પૂરું થાય ત્યાં હૃદયનું તો કોણ પૂરું કરે... પણ આજ એ બાળકી હસતી... આનંદ થી બહાર આવી.... એને જોઈને જ પેલા શિક્ષકને તો એના અભ્યાસ નુ તમામ પરિણામ મળી ગયું...


"આવો આવો, સાહેબ,બેસો બેસો સાહેબ..."


આટલુ કહેતા કહેતા પોતાના ભાઈને એક બાજુ મૂકી ઘરમાંથી એક ખુરશી લાવી અને મૂકી... શિક્ષક ના પાડતા રહ્યા પણ દોડીને પાણી ભરી આવી... એનો આનંદ જોઈને તે શિક્ષક બે ગ્લાસ પાણી પી ગયા...એમાં પણ જયારે બીજો ગ્લાસ પાણીનો માંગ્યો ત્યારે જાણે એ એના સાહેબને અમૃત પાવું હોય એવો ઉમળકો આવી ગયો... સાહેબે થોડી અભ્યાસ ની વાતો કરી... થોડા ઘરના સભ્યોની વાતો કરી... પછી ઉભા થવા ગયા ત્યાં એ બોલી...

"હે સાહેબ, ચા પીશો?"


સાહેબને તો ખબર જ હતી કે ચા તો ક્યાંથી બને આ ઘરે જ્યાં કાવો બનાવવા ભૂકી પણ નહિ હોય... છતાં સીધી ના પાડવાના બદલે કીધું...
"ના ના બેટા, ચા તો હમણાં પીધી..."પણ બીજી વાતે ચડાવા "હે બેટા તો તને ચા આવડે બનાવતા...?"


"અરે સાહેબ મને તો ચા, રોટલા, અમુક અમુક શાક એવુ બધું બનાવતા આવડે... સાંજે બધા આવે ત્યારે મારાં હાથનુ જ બધા ખાય...બધાને બહુ ભાવે... પણ સાહેબ તમે ચા નહીં પીશો?"

વળી પાછો એજ પ્રશ્ન આવ્યો,
"ના બેટા, મારે મોડું થાય છે વળી બીજા બાળકોને ત્યાં પણ જવાનુ છે અને તારે તો કેટલું કામ છે, તારા ભાઈને પણ સાચવવાનો છે... ભણવાનું છે... એટલે અત્યારે નહિ હું પાછો આવીશ ત્યારે બનાવજે..."


"કેમ એમ સાહેબ, તમે ક્યારેય ચા નથી પીતા અમારે ત્યાં...દૂધ વગરની ન ફાવે એટલે... પણ આજે અમારે ત્યાં દૂધ પણ છે... આ મારાં નાનકા એ આજ વેન કર્યું તો હું મારાં ભાગને બદલે દૂધ લઈને આવી પણ એને તો ચાખ્યું પણ નથી...એટલે કહુ છું સાહેબ... તમે ચા પીઓને..."


"ના બેટા એવુ નથી... પણ આજે હમણાં મારે ગામમાં બીજા બાળકોને ત્યાં જવું છે... બીજા શિક્ષકો મારી ત્યાં રાહ જુએ છે... એટલે ફરીવાર..."


આ શબ્દો ની અસર તેના પર શારડી ની જેમ કરી ગઈ... તેનું મુખ નિસ્તેજ થઇ ગયું.... એ મુખ જોઈને પેલા શિક્ષકને પણ હૃદયઘાત લાગ્યું એક બાળકનો હરખ...એનું વહાલ... એ ભાવ એ તોડવું એમને યોગ્ય ન લાગ્યું... અને એમને એના પર હાથ મૂકી કહ્યુ...


"ચાલ એક કામ કર બેટા, ચા તો નથી પીવી..."


હજુ નિસ્તેજ ચહેરા સામે જોઈને એમને વાક્ય ઉમેર્યું


"પણ આજે મને કાવો પીવો છે..."


તે વચ્ચે જ બોલી ગઇ, " પણ સાહેબ, દૂધ છે અમારે... "

"અરે પણ મારે આજે કાવો પીવો છે, આજે વાડીયે જઈને પીવાની ઈચ્છા હતી પણ બનાવતા મને નથી આવડતુ તો કોણ બનાવે...

લીંબુના પાન નાખીને તને આવડે તો બનાવી આપીશ...ન આવડતો હોય તો વાંધો નહિ હું બહાર પી લઈશ..."


અને એજ નિસ્તેજ ચહેરો પૂનમ કે ઈદ ના ચાંદ ને ઝાંખો પડે એટલો ઝગમગી ગયો... એનો આનંદ જોઈને પેલા શિક્ષકને સંતોષ થઇ ગયો... પણ છતાં આજ તો આ બાળકનૉ પૂર્ણ સંતોષ મેળવીને જ જવું છે એવુ નક્કી કર્યું... તે દોડીને અંદર ગઇ અને સાથે ઘરમાં રોપેલ લીંબુડી ના પાન લેતી ગઇ...બહાર બેઠેલા શિક્ષકે બીજા સાથી શિક્ષકને ફોન કરી અહીં જ બોલાવ્યા... આ અમૃતનો લાભ લેવા...

થોડી વાર માં બીજા એક શિક્ષક મિત્ર અને આચાર્ય સાહેબ આવી પહોંચ્યા... ઈશારામાં અંદરોઅંદર વાત થઇ અને સમજનો સેતુ રચાઈને મૌન થઇ સમજમાં ઉતરી ગયો...

ત્યાં પેલી દીકરી અંદર થી કાવો લઈને આવી પણ મહેમાનોની સંખ્યા જોઇ થોડી ઝાંખી પડી... પણ ત્યાં જ બીજા આવેલ શિક્ષકે બાબત સમજી જતા બોલ્યા... "તને શું એમ હતું કે તું આ એક સાહેબને પીવડાવી દઈશ અને અમે એમ ચલાવી લઈશુ... (બનાવટી ગુસ્સા થી... પછી હસતા હસતા)અમારે પણ પીવો છે, કેટલો વખત થી ઈચ્છા હતી આ સાહેબે ફોન કર્યો એટલે અમે આવી ગયા..."

પેલી હજુ મૂંઝવણમાં જ હતી... "પણ સાહેબ આતો એક સાહેબ ને થાય એટલો જ છે "


ત્યાં તો બીજા સાહેબ સાથે આવેલ પ્રિન્સિપાલ સાહેબ બોલ્યા, "એ સાહેબ ને એકલાને બધો પીવડાવે એના કરતા આ કાવો અમને પણ થોડો પીવડાવ... એ સાહેબ ના પડે તો હું એનો પ્રિન્સિપાલ છું... એટલે હું કહુ એમ અમને ત્રણેયને પીવડાવો..."


પેલી બાળકી ની મૂંઝવણ થોડી ઘટી એટલે તેણે ત્રણેય ને થોડો કાવો આપ્યો અને એ સ્વાદ ક્દાચ ફાઇવસ્ટર કોફીશોપ ની કોફીમાં પણ ન હોત... ક્દાચ આ જ એકલવ્યની ગુરુદક્ષિણા હશે...થોડો વધુ બનાવડાવ્યો હોત તો મજા આવત... આ સ્વાદ અને આ ભાવ ફરી મળવો મુશ્કેલ... ફરી નજર મળી ત્રણેયની....

કાવો પીધા પછી... પ્રિન્સિપાલ સાહેબે કિસ્સામાંથી 5-6ચોકલેટ અને પોતાની ગાડીમાં લટકાવેલ બેગ માંથી નાસ્તાના બે પેકેટ એને આપીને કહ્યુ "આજ મારો જન્મદિવસ છે એટલે આલે હું આ દેવા જ આવતો હતો.."

પેલી દીકરીએ આ વાત સાંભળી થોડી રકઝાક પછી સાહેબનું માન રાખવા ખુશીથી તે લીધું...

પેલા ત્રણેય બહાર નીકળ્યા...

થોડે દૂર કોઈ બોલ્યું નહિ પછી શાળા એ જઈને પહેલા શિક્ષકે કહ્યુ, "સાચવી લીધું... બરાબર...હું કંઈક રસ્તો વિચારતો જ હતો આ બાળકીને કંઈક આપવાનો, પણ એનું માન જાળવી આપવાનું કાંઈ સૂઝતું ન હતું...તમે જન્મદિવસ નુ બહાનું કરીને એનું મન રાજી રાખી આપી દીધું...વળતર તો આપી શકાય એમ નથી પણ એનો ભાગ તો આપવો જોઈએ ને! "

પ્રિન્સિપાલ,"કરવું જ પડે ને, તમારી ઈશારામાં થયેલ વાત, તે બાળકીના ભાવ અને એની પરિસ્થિતિએ એ બધું સમજાવી દીધેલ,એટલે જ મારી ટેણી નૉ નાસ્તો યાદ આવતા.. એને આપી દીધો.."

" સારૂ થયું સાહેબ, બાકી આ સરકારી પગાર કરતા આજ આ દક્ષીણા નો ભાર ઉપાડવો બહુ અઘરો લાગતો હતો મને..."

આટલુ બોલતા ત્રણેય ની આંખો પલળી ગયેલ... પણ એ ક્યાં જાણતા હતા કે આજ ની આ એકલવ્ય એના ભાઈને સમજાવતી હતી કે -"ભાઈ, મને ખબર છે કે આજે સાહેબ નૉ જન્મદિવસ નથી, મેં શાળામાં બોર્ડ પર એમની જન્મતારીખ વાંચેલ... પણ સાહેબે જે રીતે એ નાસ્તો આપ્યો એ જોઈને મને પણ થયું કે ક્દાચ સાચે જ આજ એમનો જન્મદિવસ હશે...એમનું વેણ પણ ન તોડાય ને? ખબર નય એમણે આપણને જ કેમ આ આપ્યું હશે?"અને બન્ને ભાઈ બહેન આ એક બીજાને થોડું વહેંચતા વહેંચતા... બીજા ભાઈ બહેન અને માતા માટે થોડું રાખતા ફરી રમવા લાગ્યા...


જયારે પણ ગુરુ અને શિષ્યની વાત નીકળે છે ત્યારે સર્વશ્રેષ્ઠ શિષ્યમાં એકલવ્યનું નામ લેવાય છે... ઘણા લોકો તેની બાબતમાં વિવાદ કરે છે... એતો જે હોય તે પણ... એકલવ્ય ની ગુરુદક્ષીણા તો ત્યારે જે હોય તે પણ જયારે આજના એકલવ્યની વાત આવે તો આથી મોટી ગુરુદક્ષીણા તો હોય જ ન શકે...


શું માનવું છે તમારું?...


- અમન પટેલ
-🅰︎🅼︎🅰︎🅽︎ 🅿︎🅰︎🆃︎🅴︎🅻︎...


મિત્રો, યોગ્ય પ્રતિભાવ જરૂરી થી આપશો... આ ઘટના થોડી જીવાયેલી પણ છે અને થોડી કાલ્પનિક પણ... પણ આ એજ ભારતના ચિત્રણનૉ એક પ્રયત્ન જ છે જેમાં આપણે રહીએ છીએ...


અને આ ભારત જીવતું રહેવું જોઈએ... દરેકના હૃદયમાં... હંમેશા...