Angat Diary in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - તકલીફોને આવકારો

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગત ડાયરી - તકલીફોને આવકારો


શીર્ષક : તકલીફોને આવકારો
લેખક : કમલેશ જોષી

લાઈફ ઇઝ અ ગેમ. જીવન એક રમત છે. શેરીમાં બાળકો રોજ અવનવી રમતો રમતા હોય છે. રમતમાં કેટલાક ફિક્સ બનાવો બનતા હોય. બે ટીમ પડે. એક ટીમ દાવ લે, બીજી આપે. એક જીતે બીજી હારે. મારો ભાણીયો ક્રિકેટમાં આઉટ થાય એટલે ભારે નિરાશ થઈ જાય. બેટ અને દડા ઉપર ગુસ્સો ઉતારે. એક દિવસ એને ક્રિકેટ રમવા જવું હતું. એ દડો શોધતો હતો. મેં કહ્યું: "આ દડો ન હોય તો કેવું સારું નહિ! ન ગુગલી પડે કે ન દાંડી ડુલ થવાનો ડર લાગે." એ મારી સામે તાકી રહ્યો. થોડી વાર કલ્પના કરી એ બોલ્યો, "પણ મામા, દડો જ ન હોય તો ક્રિકેટ રમવું કેવી રીતે?" મેં કહ્યું, "પણ આ દડો તારી વિકેટ પાડે છે ત્યારે તું રડવા માંડે છે. દડો જ ન હોય તો, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી... તારી વિકેટ જ ન પડે." હું ગંભીરતાથી બોલ્યો એટલે એને અચરજ થયું. પછી એ બોલ્યો, "મામા, દડો માત્ર દાંડી ડુલ કરવામાં જ નહિ, ચોગ્ગા,છગ્ગા મારવામાં પણ કામ આવે છે." એની આંખોમાં ચમક હતી.

લાઈફ ઇઝ અ ગેમ. જે મુશ્કેલીઓ તમારી દાંડી ડુલ કરતી હોય છે એ જ મુશ્કેલીઓ તમારી ભીતરી શક્તિ, આવડત, સૂઝબૂઝને બહાર આવવાની તક પણ આપતી હોય છે. પેલું કહ્યું છે ને:
‘સાગર વો સાગર ક્યા, જિસમેં ગહરાઈ ન હો,
પ્યાર વો પ્યાર ક્યા જિસમેં તન્હાઈ ન હો,
શાદી વો શાદી ક્યા જિસમેં શહનાઈ ન હો,
ઔર ઝિંદગી વો ઝિંદગી ક્યા જિસમેં કઠિનાઈ ન હો’
છીછરા હોય એને તો ખાબોચિયા કહેવાય. હું દડા ફેંકુ અને મારો ભાણિયો રમે એ છીછરી ગેમ કહેવાય. બાળકને એમાં બહુ મજા ન આવે. મોટા મેદાનમાં દુશ્મન બોલર પોતાની તમામ તાકાત વાપરી દડો ફેંકે અને બેટ્સમેન એ દડાને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દે તો જ પેવેલિયનમાં તાળીઓનો ગડગડાટ થાય. લાગવગ વિના, ઓળખાણ વિના, ચિઠ્ઠી વિના, માત્ર અને માત્ર પોતાના ક્વોલિફીકેશન અને ઈન્ટરવ્યૂના આધારે સિલેક્ટ થતો ઉમેદવાર જે તાળીઓનો ગડગડાટ મેળવે છે એ લાગવગીયાને કદી નહીં સમજાય. નક્કી કરેલા સવાલ જવાબ એટલે ગલીમાં બાપ-દીકરા વચ્ચે રમાતી ક્રિકેટ. એનું ટીવીમાં પ્રસારણ ન થાય. કેટલાક લોકો આવી ડમી જિંદગી, મુશ્કેલીઓ વગરની જિંદગી જીવી રહ્યા છે. મુશ્કેલીઓ વચ્ચે જ્યાં સુધી તમે જુસ્સાથી નહિ કૂદી પડો ત્યાં સુધી તમારી ભીતરી જીવંતતા ખીલશે નહિ, ખુલશે નહિ. પેલું કહ્યું છે ને! "
ફેંકી દો અમને સળગતી આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરી સૌ મોરચા, મોતને આવવા તો દો લાગમાં."

કઠોપનિષદમાં નચિકેતાની વાત આજના યુવાનોએ પૂરેપૂરી બુદ્ધિ અને તર્ક લગાવી વાંચવા જેવી છે. જીવતો જાગતો નચિકેતા મૃત્યુને મળવા નીકળી પડે છે. દરેક યુવાને એકાદવાર તો જીવ જોખમમાં મૂકાઈ જાય એવું ઍડવેન્ચર કર્યું જ હશે અથવા ભૂલથી થઈ ગયું હશે. બાઈક પર નાનું મોટું સ્ટંટ કરવામાં કે ઓવર સ્પીડે જવામાં ક્યારેક જીવ દાવ પર લાગી જતો હોય છે. એ સમયે મોત લાગમાં જ આવી ગયું હોય છે. પણ એ ક્ષણે ભીતરે સાતેય ચક્રો એક સાથે ઉઘડી ગયા હોય, તમામ ખોટી માન્યતાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ હોય અને ખોટો ફાંકો નીકળી ગયો હોય, જિંદગીનું અને પરિવારનું મૂલ્ય સમજાઈ ગયું હોય એવું પણ બન્યું હશે. હોસ્પિટલના ખાટલે પાટો બાંધી સૂતેલો યુવાન થોડો સ્વચ્છ, સમજુ અને ડાહ્યો બની જાય છે. મોતનો કે મુશ્કેલીનો આવો એકાદ સાક્ષાત્કાર જિંદગીને અનોખો ઉઘાડ, ઉજાસ અને ઉત્સાહ આપી જતો હોય છે.

લાઈફની ગેમમાં મુશ્કેલીઓના ગુગલી આપણને આઉટ કરવા જ નથી આવતા, આપણને ચોગ્ગા છગ્ગા ફટકારવાની તક આપવા પણ આવતા હોય છે. ભૂતકાળ પર નજર કરશો તો તમને તમારી જિંદગીમાં કેટલીક સફળતાઓ મુશ્કેલીઓને લીધે મળી હોય એવું ચોક્કસ દેખાશે. કૃષ્ણ કનૈયાનો તો જન્મ જ જેલમાં થયો, બાળપણથી જ એને મારી નાખવાના પ્રયત્નો થયા. જેમ જેમ મુશ્કેલીઓ આવતી ગઈ એમ એમ એ વધુને વધુ ખીલતો ગયો. કૃષ્ણ કનૈયાએ કરેલી બેટિંગ જો સમજી જઈએ તો મુશ્કેલીઓના ગુગલી રમવાની મજા આવવા માંડે. તમે વિચાર તો કરો કૃષ્ણની વિકેટ પાડવા કેવા કેવા બોલરોએ પ્રયત્ન કર્યા! એના મામા કંસથી શરુ કરી છેક શિશુપાલ, જરાસંધ જેવા એ સમયના ખતરનાક ચેમ્પિયન બોલરોએ ગુગલીથી શરુ કરી ફૂલટોસ ફેંક્યા. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ જેવા એ સમયના તમામ વર્લ્ડકપ વિનર્સ કૃષ્ણની સામે બાંયો ચઢાવી ઊભા હતા. શકુનિ જેવા કાવતરાબાજોએ પણ તમામ દાવ અજમાવ્યા. તેમ છતાં કૃષ્ણએ ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત’ ના મેચમાં ‘ધર્મ સંસ્થાપના’ કરીને જ ‘આખરી સૌ મોરચા જીતી બતાવ્યા’.

એક મિત્રે મસ્ત મજાક કરી : આપણી અંદર પણ કૃષ્ણ જેટલું જ ઈશ્વરત્વ છે, પણ આપણા દુશ્મનો, આપણી મુશ્કેલીઓ બહુ નાની છે એટલે આપણી ભીતરે રહેલા એ ઈશ્વરત્વને પ્રગટ થવાનો અવસર નથી મળતો. આપણી મુશ્કેલી કેવડી? સાયકલમાં પંચર થયું છે, દીકરી પરણાવવા જેવડી થઈ છે, તબિયત નરમ ગરમ રહે છે, પગાર બહુ ટૂંકો છે. શું આવા પ્રશ્નો કે મુશ્કેલીઓથી ભીતરી કૃષ્ણત્વ પ્રગટે ખરું? મંદિરે ભગવાનની સન્મુખ ઊભા રહી તમે શું માંગો છો એ યાદ કરશો તો હસવું આવશે. પરીક્ષામાં પાસ થવું છે, એકાદ પુસ્તક છપાવવું છે, સરકારી નોકરી જોઈએ છે, સારો મુરતિયો જોઈએ છે. આવા અને આવડાક કામો માટે કાનુડો ખુદ આવે? શું નરસિંહ મહેતા કે મીરાંબાઈ જેવા ભક્તોએ કાનુડા પાસે આવું માંગ્યું હશે? મોટી મુશ્કેલીઓ કે ચેલેન્જીસને ટાળી ટાળીને આપણે આપણી ભીતરે રહેલી શક્તિઓ, શ્રેષ્ઠતાઓ અને સંભાવનાઓને ક્ષીણ કરી રહ્યા છીએ એવું નથી લાગતું?

એક વાર મુશ્કેલીઓ સામે આંખોમાં આંખો નાખી તો જુઓ, ભીતરે ચિનગારી ચોક્કસ સળગશે. મુશ્કેલીઓને વેલકમ કરી તો જુઓ, ભીતરે સૂતેલો વિનર સો ટકા એક્ટિવ થશે. મુશ્કેલીઓ સામે બાણ ચઢાવી તો જુઓ, કૃષ્ણ કનૈયો ભીતરે સુદર્શન ચક્ર ફેરવતો નાચી ઉઠશે. લાઈફની આ ગેમમાં તમે ચેમ્પિયન, મેન ઓફ ધી મેચ સાબિત થાઓ એવી શુભકામનાઓ.

kamlesh_joshi_sir@yahoo.co.in