The Next Chapter Of Joker - Part - 37 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 37

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 37

The Next Chapter Of Joker

Part – 37

Written By Mer Mehul

“જય હિન્દ સર, મારે બની શકે એટલી વધુ પોલીસ ફોર્સની જરૂર છે.” જુવાનસિંહે કૉલમાં કહ્યું. સામે કૉલમાં ગુજરાતનાં ડીજીપી હતાં. સામે છેડેથી ડીજીપી સરનો જવાબ મળ્યો એટલે જુવાનસિંહે વાત આગળ ધપાવી, “ના સર, અમદાવાદ નથી મોકલવાના, મુંબઈમાં જરૂર છે.”
“ઑકે સર, થેંક્યું !” કહેતાં જુવાનસિંહે કૉલ કટ કરી દીધો.
જૈનીત અને જુવાનસિંહ વિસ્ટા હોટેલનાં રૂમમાં હતાં. રાતનાં નવ વાગ્યા હતા.
“ડીજીપી સરે મંજૂરી આપી દીધી છે.” જુવાનસિંહે કહ્યું.
“મેં પણ મહેતા સાહેબ સાથે વાત કરી લીધી છે. પ્રજ્વલ્લા સંસ્થામાંથી પણ મદદ મળી રહેશે.” જૈનીતે કહ્યું.
ત્યારબાદ જુવાનસિંહે થોડાં કૉલ જોડેલાં. જૈનીતે પણ તેનાથી બનતાં પ્રયાસ કર્યા હતાં. હવે એ સમય આવી ગયો હતો જ્યારે વિક્રમ દેસાઈની જેમ જ અનુપમ દીક્ષિતને પણ ખુલ્લો પાડવાનો હતો.
*
7 માર્ચ,
સ્થળ – કાસ્કરવાડી ફાર્મહાઉસ, વર્સોવા બીચ નજીક, અંધેરી વેસ્ટ.
સમય – 10.30 pm
કાસ્કરવાડી ફાર્મ હાઉસ મુંબઈ શહેરની પશ્ચિમ દિશામાં સ્થિત વર્સોવા બીચની નજીકનું સ્થળ છે. આ ફાર્મ હાઉસની ઉત્તર દિશા તરફ ‘પંચ માર્ગ’ આવેલો છે, દક્ષિણ દિશા તરફ ‘નીલગીરી ફાઉન્ડેશન ગાર્ડન’ તરફ જતો માર્ગ છે. પૂર્વ દિશા તરફ ફાર્મ હાઉસનું મુખ આવેલું છે અને એ તરફ જ ‘કાર્નેશન એપાર્ટમેન્ટ’ આવેલા છે. ફાર્મહાઉસનાં પાછળનાં ભાગમાં ‘પોપકો કોલોની રોડ’ આવેલો છે અને એ રોડ પછી નર્સોવા બીચ શરૂ થઈ જાય છે. કાસ્કરવાડી ફાર્મ હાઉસથી ઈશાન ખૂણા તરફ ‘સત્યાર્થી પ્રતીક’ નામનો બગીચો આવેલો છે.
ફાર્મહાઉસનાં બંગલામાં અત્યારે અનેક લોકોની હલચલ નોંધાય રહી હતી. બે માળનાં આ બંગલામાં એક અન્ડરગ્રાઉન્ડ રૂમ હતો. રૂમમાં હાલ અનુપમ દીક્ષિત અને હિના સાંગલી(ભોહરિયા) ઉપસ્થિત હતાં.
“હું તને જ્યારે પણ જોઉં છું ત્યારે હું અંજાઈ જાઉં છું. તારું રૂપ અનુપમ છે.” સહેવાસનાં તબક્કા બાદ બંને વચ્ચે વાર્તાલાપનો તબક્કો શરૂ થયો હતો.
“તારા નામ અને વ્યક્તિત્વ જેવું જ અનુપમ.” હિનાએ દીક્ષિતનાં ગાલ પર હાથ ફેરવીને કહ્યું.
સહસા દીક્ષિતનો મોબાઈલ રણક્યો. કૉલમાં વાત કરીને દીક્ષિત બેડ પરથી ઊભો થયો.
“હેરી આવી ગયો ?” હિના પણ બીજી તરફથી નીચે ઉતરી.
“હા અને બસો પણ મુંબઈમાં પ્રવેશી ગઈ છે.”
“અનુપમ,” હિનાએ ગંભીર અવાજે કહ્યું, “તું તારા વચન સાથે વળગી રહીશને ?”
“હા, મને યાદ છે. આ ડીલ થાય પછી આપણે લંડન જવાનાં છીએ અને થોડા દિવસોમાં લગ્ન કરવાનાં છીએ.”
“મને પેલા લોકોનો ડર લાગે છે.” જુવાનસિંહ અને જૈનીતને ઉદ્દેશીને હિનાએ કહ્યું.
“તે જ એને જુદા સ્થળની માહિતી આપી છે. આપણી ડીલ સમયે કોઈ પ્રૉબ્લેમ ન થાય એ માટે જ આપણે આ રમત રમ્યા છીએ અને જો એ લોકો આપણાં સુધી પહોંચી ગયા તો પણ પુરા ફાર્મમાં ઠેર ઠેર જગ્યાએ આપણા માણસો તેઓનું સ્વાગત કરવા તૈયાર છે. બધું થઈ જશે, તું ઉપર આવ જલ્દી.” કહેતાં દીક્ષિત દરવાજા તરફ ચાલ્યો.
આ બંગલો સાતસો વારમાં પથરાયેલો ભવ્ય હવેલી જેવો હતો. બંગલાનાં મુખ્ય દરવાજાથી બંને બાજુએ બે-બે રૂમ આવેલા હતાં. બંને તરફ વિશાળ બેઠકરૂમ હતાં. ડાબી તરફનાં બેઠકરૂમમાં હાલ સોફા પર હેરી અને બેલા બેઠા હતાં. અનુપમ આ બેઠક રૂમમાં પ્રવેશ્યો. આગળ ચાલીને તેણે બંને સાથે હાથ મેળવ્યા.
“આ વખતે જો કોઈ પ્રૉબ્લેમ થઈ છે તો આ આપણી છેલ્લી ડીલ સમજજે દીક્ષિત.” હેરીએ ચેતવણી ભર્યા શબ્દોથી શરૂઆત કરી.
“તું ચિંતા ના કર હેરી. આ વખતે એવું કાંઈ નહિ થાય. એ લોકો આપણાં સુધી નહિ પહોંચી શકે,” દીક્ષિતે બિન્દાસ અવાજે કહ્યું, “અને જો પહોંચી જશે તો પણ તેઓનાં સ્વાગતની વ્યવસ્થા મેં કરી લીધી છે.”
“તારા અવાજ પરથી તું મોટી રમત રમ્યો હોય એવું લાગી રહ્યું છે. ખેર, મને તો ડીલ સાથે નિસ્બત છે.” હેરીએ કહ્યું.
“થોડીવારમાં બસો પહોંચી જશે. મારું પેમેન્ટ ચૂકવી, છોકરીઓને તારી બસો ખસેડીને આપણે બંને છુટ્ટા. પછી એક વર્ષ સુધી આપણે એકબીજાનો સંપર્ક નહિ કરીએ.” દીક્ષિતે કહ્યું.
“મને મંજુર છે.” હેરીએ કહ્યું.
હિના બેઠકરૂમમાં પ્રવેશીને દીક્ષિત પાસે બેસી ગઈ. હેરીએ એક ઊડતી નજરે હિના પર ફેરવી. હિનાએ હેરી સામે સ્મિત વેર્યું.
“આપણી બીજી ડીલ પણ યાદ છે ને દીક્ષિત ?” હેરીએ પૂછ્યું.
“હા, આ ડીલ સાથે જ એ ડીલ પણ થઈ જશે.”
“બીજી કંઈ ડીલ છે ?” હિનાએ પૂછ્યું.
“એ તો બે પુરુષો વચ્ચેની ડીલ છે.” હેરીએ હસીને કહ્યું.
બેઠકરૂમનો દરવાજો ખુલ્યો એટલે બધાનું ધ્યાન એ તરફ ગયું. દરવાજા પર હસમુખ ઊભો હતો. અમદાવાદથી પોલીસનાં શિકન્જામાંથી છટકીને હસમુખ સીધો મુંબઈ આવી ગયેલો. ત્યારથી એ અહીં જ હતો. હસમુખને જોઈને દીક્ષિત ઊભો થયો અને બહાર તરફ ચાલ્યો.
“બધું બરાબર છે ને ?” દીક્ષિતે પૂછ્યું.
“હા બોસ. બધું બરાબર છે અને બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે,” હસમુખે કહ્યું, “પેલા લોકો આવી રહ્યા છે એટલે તમને જાણ કરવા આવ્યો છું.”
“એ લોકો આવે એટલે છોકરીઓને ખસેડવાનું કામ શરૂ કરી દ્યો.” દીક્ષિતે કહ્યું.
“જી બોસ.” કહેતાં હસમુખ બહાર તરફ ચાલ્યો.
હસમુખ જ્યારે બંગલાનાં પરસાળમાં પ્રવેશ્યો ત્યારે ફાર્મહાઉસનાં ગેટમાં ત્રણ બસો પ્રવેશી હતી. હસમુખે તેઓને ઈશારો કરીને બંગલાની પાછળનાં ભાગમાં બસો લઈ જવા ઈશારો કર્યો. ત્યારબાદ તેણે ફજલને ફોન જોડ્યો. ફજલ પહેલા માળે બધી વ્યવસ્થા સંભાળી રહ્યો હતો.
“બસો આવી ગઈ છે. તું બધો સામાનનીચે ફેરવાવી લે.” હસમુખે કહ્યું.
દસ મિનિટમાં બધો સામાન બંગલાની પાછળની સાઈડમાં શિફ્ટ થઈ ગયો હતો. જે બસો ફાર્મહાઉસમાં આવી હતી, એમાં બેહોશ છોકરીઓ હતી. આ લોકોનું કામ આ મુજબ હતી, છોકરીઓનાં કપડાં બદલાવી તેઓને કાળો નકાબ પહેરાવવો અને દવાનાં ઇન્જેક્શન આપી બીજી બસમાં ખસેડવી. ત્રણ બસોમાં બસ્સો જેટલી છોકરીઓ હતી. આટલી છોકરીઓનાં કપડાં બદલાવ, દવાનાં ઇન્જેક્શન આપવા અને બીજી બસમાં ખસેડવા માટે વધુ માણસોની જરૂર હતી. આ કામ માટે પચાસેક માણસોને રોકવામાં આવ્યા હતાં. ફજલ એક બસમાં ચડ્યો. તેણે બધી સીટો પર ઊડતી નજર ફેરવી. છોકરીઓ હાલ નિંદ્રાવસ્થામાં હતી, તેઓએ અત્યારે સાદા ડ્રેસ, જીન્સ-ટીશર્ટ, સાડી પહેરેલી હતી. ફજલ વારાફરતી બધી છોકરીઓનાં ચહેરા જોઈ રહ્યો હતો. બધામાંથી જે છોકરીનો ચહેરો સફેદ અને ખૂબસૂરત હતો તેની પાસે જઈને એ ઊભો રહ્યો.
તેણે એ છોકરીનાં ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવી. ત્યારબાદ તેનાં ગળા પાસેથી થઈને એ પોતાનો હાથ નીચે સરકવાતો ગયો. એ સમય દરમિયાન હસમુખ તેની પાસે આવીને ઊભો રહ્યો.
“પહેલા કામ પૂરું કરીએ, પછી બીજું કામ હાથમાં લઈએ.” હસમુખે કહ્યું. ફજલે પોતાની ધૂનમાં જ ડોકું હલાવ્યું. તેણે એ છોકરીને બંને ભુજા પકડી અને ઊંચી કરી. હસમુખ તેનો ડ્રેસ કાઢવા જતો હતો એ જ સમયે એકસાથે બે ઘટનાં બની હતી.
એક ગોળી બસનો કાચ તોડીને સીધી ફજલનાં કપાળનાં મધ્યભાગમાં લાગી હતી. ફજલનાં કપાળે ચાંલ્લા જેવું ગોળ નિશાન થઈ ગયું હતું. ગોળી વાગતા ફજલની છોકરીની ભુજાઓ પરની પકડ ઢીલી પડી. એ સાથે તે નીચે પટકાયો હતો.
જ્યારે ફજલ બધી છોકરીઓ પર નજર ફેરવતો હતો ત્યારે તેણે છોકરીને ઉઠાવી હતી તેની બાજુની સીટમાં રહેલી છોકરીની આંખો ખુલ્લી હતી. એ છોકરી ફજલ અને હસમુખ વચ્ચેનો વાર્તાલાપ સાંભળી રહી હતી. ફજલને ગોળી મારવામાં આવી અને ફજલ જ્યારે નીચે પટકાયો ત્યારે છોકરીને હસમુખની પીઠનો ભાગ દેખાતો હતો. છોકરીએ તકનો લાભ લઈને હસમુખનાં બે પગ વચ્ચે લાત મારી. હસમુખનાં બંને હાથ આપમેળે બે પગ વચ્ચે આવી ગયા. એ પણ ફજલની માફક નીચે પટકાયો.
થોડીવાર થઈ એટલે એક વ્યક્તિ એ બસમાં પ્રવેશ્યો. એ વ્યક્તિને આવતો જોઈ છોકરી સચેત થઈ. તેણે આજુબાજુ નજર કરી પણ કોઈ ભાનમાં નહોતું. ધીમે ધીમે એ વ્યક્તિ છોકરી તરફ આગળ વધતો જતો હતો. છોકરીએ પોતાની આંખો બંધ કરી દીધી અને ચહેરો બાજુમાં ઢાળી દીધો, જેથી આવનાર વ્યક્તિને પોતે ભાનમાં છે એવું માલુમ ન પડે.
“હું છું ક્રિશા !” એ વ્યક્તિએ ક્રિશાનાં ખભા પર હાથ રાખીને કહ્યું.
*
7 માર્ચ,
સ્થળ – અંધેરી વેસ્ટ મુખ્ય પોલીસ મથક.
સમય – 6 pm
ડીજીપીનાં કહેવાથી જુવાનસિંહને અહીંની લોકલ પોલીસની મદદ મળી હતી. તેની સાથે જુવાનસિંહે પોતાનાં પોલીસ કાફલાને પણ એક દિવસ પહેલા બોલાવી લીધો હતો. ડીજીપીએ ખાસ ઓપરેશન માટે બ્લેક કમાન્ડોની બે ટુકડી પણ જુવાનસિંહની મદદ માટે મોકલી હતી. ઉપરાંત પ્રજ્વલ્લા સંસ્થા તરફથી મહેતા સાહેબ પચાસ લોકોની ટુકડી સાથે મુંબઈ પહોંચી ગયા હતાં. મહેતા સાહેબ સાથે ખુશાલ અને ક્રિશા પણ હતાં.
આજથી ત્રણ વર્ષ પહેલાં આ જ દિવસે જૈનીત દ્વારા શરૂ કરવામાં આવેલા મિશનને અંજામ આપવામાં આવ્યું હતું. આ મિશન પણ એવી જ રીતે વિજય સાથે પૂરું થાય એવું સૌ ઇચ્છતા હતાં.
6 માર્ચની રાત્રે ‘શેખ યતીમખાના’ નાં સંચાલકનો ફોન આવેલો અને ડીલ ‘સેટેલાઇટ ક્લબ’ માં થવાની છે એવું જણાવેલું. બીજા દિવસની સવારથી સેટેલાઇટ ક્લબ પર નજર રાખવાનું કામ શરૂ થઈ ગયું હતું. સાંજ સુધીમાં ક્લબમાં કોઈ હરકત નહોતી નોંધાય તેથી જુવાનસિંહ નિરાશ થઈ ગયેલા. પણ થોડીવાર પહેલા આવેલા એક કૉલને કારણે જુવાનસિંહનાં શરીરમાં ઉર્જાનો નવો સંચાર થયો હતો.
એ કોલ જુવાનસિંહનાં ‘શુભચિંતક’ નો હતો. જુવાનસિંહને જરૂર પડ્યે અણધારી મદદ કરનાર શુભચિંતકે આ વખતે પણ એવું જ કામ કર્યું હતું. તેણે કોલ કરીને ‘હિનાએ ખોટું સ્થળ જણાવ્યું છે અને ડીલ ‘કાસ્કરવાડી ફાર્મ હાઉસ’ માં થવાની છે’ એવું જણાવેલું. જુવાનસિંહને જે વ્યક્તિ મદદ કરતો હતો તેણે પહેલા જેટલીવાર કોલમાં વાતો જણાવેલી એ બધી સત્ય હતી એટલે તેની વાતો પર શંકા કરીને જુવાનસિંહ મુર્ખામી કરવા નહોતા ઇચ્છતાં.
જુવાનસિંહ, જૈનીત, ખુશાલ અને મહેતા સાહેબ વચ્ચે તત્કાલ મિટિંગ મળી હતી અને પ્લાન - બી ઘડાયો હતો. પ્લાન મુજબ પહેલાનાં મિશન માફક ચાર ટુકડીઓ પાડવામાં આવી હતી. આ ચાર ટુકડી આગેવાની જુવાનસિંહ, જૈનીત, ખુશાલ અને મહેતા સાહેબ કરવાનાં હતાં. જુવાનસિંહની ટુકડીમાં ‘બાપુનગર પોલીસ સ્ટેશન’ નાં પુરા કાફલા ઉપરાંત અંધેરી વેસ્ટની લોકલ પોલીસ શામેલ હતી. જૈનિત સાથે બ્લેક કમાન્ડોની એક ટુકડી તથા પ્રજ્વલ્લા સંસ્થાની દસ લોકોની એક ટુકડી હતી. ખુશાલ સાથે ક્રિશા ઉપરાંત જૈનીતની જેમ જ બ્લેક કમાન્ડો અને પ્રજ્વલ્લા સંસ્થાની ટુકડીઓ હતી. આ બધાને માર્ગદર્શન આપવાનું કામ મહેતા સાહેબ અને તેની સાથે રહેલા પ્રજ્વલ્લા સંસ્થાનાં પાંચ સભ્યો કરવાનાં હતાં.
ત્રણ વર્ષ પહેલાંની જેમ જ આ મિશનનો હેતુ પણ એકદમ સાફ હતો. દીક્ષિતનાં શિકન્જામાં ફસાયેલી છોકરીઓને બચાવવાની હતી અને દીક્ષિતની ધરપકડ કરવાની હતી.
આ કામને યોગ્ય રીતે અંજામ આપવા માટે અંધેરી વેસ્ટની લોકલ પોલીસની મદદથી ‘કાસ્કરવાડી ફાર્મ હાઉસ’ અને તેની આજુબાજુનાં સ્થળોનો નક્શો મંગાવવામાં આવ્યો હતો. સમય ઓછો હતો અને વ્યૂહરચના જલ્દી ઘડવાની હતી. આ વ્યૂહરચના ઘડવામાં જુવાનસિંહ અને જૈનીતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વ્યૂહરચના મુજબ જુવાનસિંહ તેની ટુકડી સાથે પૂર્વ દિશામાં આવેલા કાર્નેશન એપાર્ટમેન્ટની છત પરથી પરિસ્થિતિનો તાગ મેળવવાનાં હતા અને ત્યારબાદ ગેટમાંથી પ્રવેશવાનાં હતાં. જૈનીત અને તેની ટુકડી પંચ માર્ગે થઈને ઈશાન ખૂણામાં આવેલા નાળિયેરનાં બગીચામાં થઈને ફાર્મહાઉસમાં પ્રવેશવાનાં હતાં. મહેતા સાહેબ તેની ટુકડી સાથે નીલગીરી ફાઉન્ડેશન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટની છત પરથી બધાને માર્ગદર્શન આપવાનાં હતાં. ખુશાલ તેની ટુકડી સાથે ‘પોપકો કોલોની રોડ’ તરફની દીવાલ કૂદીને પ્રવેશવાના હતાં.
આઠ વાગ્યા સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ચારેય ટુકડીઓ નીકળવા માટે તૈયાર હતી. બરાબર એ જ સમયે ફરીવાર જુવાનસિંહ પર તેનાં ‘શુભચિંતક’ નો કૉલ આવ્યો. શુભચિંતકનાં કહ્યા મુજબ એક બસ બોરીવલી, માલાડ વેસ્ટ થઈને ઓશિવરા પોલીસ ચેકપોસ્ટ પાસે આવવાની હતી. આ ચેકપોસ્ટ પર ફરજ નિભાવતાં ઇન્સ્પેક્ટરને દીક્ષિતે રીશ્વત આપેલી હતી. બસ ચેકીંગની ફોર્મલિટી પુરી કરવા માટે દસ મિનિટ સુધી એ બસ ત્યાં થોભાવાની હતી.
આ વાત જાણીને જુવાનસિંહનાં મગજમાં ફરી એક વિચાર આવ્યો. મુંબઈ વેસ્ટનાં પી.એસ.આઇ. સાથે વાતચીત કરીને જુવાનસિંહે ચેકપોસ્ટ પર ફરજ નિભાવતાં ઇન્સપેક્ટરને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધો અને એની જગ્યાએ બીજા ઇન્સ્પેક્ટરને મોકલી દીધો. બસ ચેકીંગ માટે જ્યારે બસ ઊભી રહે ત્યારે પોતાનાં માણસોને એ બસમાં ચડાવી દેવાનો જુવાનસિંહનો વિચાર હતો. મહેતા સાહેબે દલીલ કરતાં કહ્યું, “આવી રીતે કરીશું તો દીક્ષિતને ગંધ આવી જશે અને એ ડીલ કેન્સલ કરી દેશે.”
જુવાનસિંહે પોતાનાં માણસોની જગ્યાએ છોકરીઓને મોકલવાની વાત કરી ત્યારે મહેતા સાહેબ સહમત થયા હતાં. ક્રિશા સાથે બીજી ત્રણ છોકરીઓને એ બસમાં મોકલવી એવું નક્કી કરવામાં આવ્યું અને જ્યારે બસ ચેક પોસ્ટ પર ઊભી રહી ત્યારે આસાનીથી આ યોજનાને અંજામ આપવામાં આવ્યું હતું.
દસ વાગ્યે લગભગ બસ્સો લોકોએ કાસ્કરવાડી ફાર્મહાઉસને ઘેરી લીધી હતી. જુવાનસિંહ અને મહેતા સાહેબ એપાર્ટમેન્ટની છતો પર હતાં એટલે તેઓને પૂરું ફાર્મહાઉસ દેખાતું હતું. સૌથી પહેલું કામ ફાર્મહાઉસમાં કેટલા માણસો છે એ નક્કી કરવાનું હતું.
ફાર્મહાઉસમાં પ્રવેશતાં સાથે જ ખૂણાની ઓરડી પાસે દસેક જેટલાં હથિયારબંધ માણસો ઊભા હતાં. ત્યારબાદ 44 રસ્તે દરેક વૃક્ષ નીચે એક-એક ગાર્ડ હાથમાં રાઇફલો લઈને ઊભા હતાં. ફાર્મહાઉસનાં પરસાળમાં થોડા માણસો એક બોલેરોમાંથી સમાન ખસેડતાં હતાં. જુવાનસિંહે એ લોકોની પણ ગણતરી કરી. સાથે ઉપરનાં માળે જે બારી ખુલ્લી હતી તેમાં પણ ગતિવિધિ નોંધાય રહી હતી. જુવાનસિંહની ગણતરી મુજબ બંગલામાં ત્રીસેક અને બહાર ચાલીસ, મળીને કુલ સિત્તેર જેટલા લોકો હતાં.
જુવાનસિંહની જેમ મહેતા સાહેબે પણ લોકોની ગણતરી કરી હતી. મહેતા સાહેબને બંગલાનો સાઈડનો ભાગ અને પાછળનો દેખાતો હતો. બંગલાની પાછળનાં ભાગમાં પણ બગીચો હતો. આ બગીચામાં સફાઈ ન થઈ હોવાથી બગીચો વેરાન હતો અને વૃક્ષોની ડાળીઓ નીચેની તરફ પણ નમેલી હતી. બગીચામાં પણ પાંચ હથિયારબંધ લોકો આમતેમ આંટા મારતા હતાં.
ફાર્મહાઉસમાં કેટલા લોકો છે એની ગણતરી થઈ અને તેનો રિપોર્ટ બધાને મોકલવામાં આવ્યો. ચારેય ટુકડીનાં આગેવાનો કોનફરન્સ કોલમાં હતાં.
સાડા દસ થયા એટલે એક બ્લેક મર્સીડી ફાર્મહાઉસમાં પ્રવેશી. તેમાંથી એક પુરુષ અને એક સ્ત્રી નીચે ઉતર્યા. દૂરબીન વડે જુવાનસિંહ આ નજારો જોઈ રહ્યા હતાં. એ બંને હેરી અને બેલા હતાં. બંને પરસાળમાં થઈને બંગલામાં પ્રવેશ્યાં. જુવાનસિંહે આ વાતની જાણ સૌને કરી દીધી.
થોડીવાર પછી ત્રણ બસો ફાર્મહાઉસમાં પ્રવેશી એટલે જુવાનસિંહે બધાને તૈયાર રહેવા કહ્યું. હસમુખનાં કહેવાથી બસોને બંગલાનાં પાછળનાં ભાગમાં લઈ જવામાં આવી હતી. આ સાથે જ મહેતા સાહેબે સૌને આગળ વધવાની સૂચના આપી.

(ક્રમશઃ)