Liberation in Gujarati Short Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | મુક્તિ

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

મુક્તિ

લાલ ચટાક સાડી, લીલાં અને સોનેરી રંગનું આભલાં ભરેલું બ્લાઉઝ, અણીયારી સુરમઈ આંખો, હોઠો ઉપર ઘાટ્ટા લાલ રંગની લિપસ્ટિક, અને કપાળે શોભતી લીલા રંગની જરીવાળી બિંદી. કાળા ભમ્મર વાળ ઓળતી તે તૈયાર થઈ રહી હતી ત્યારે સામે રહેલા અરીસામાં પડતા તેના પ્રતિબિંબથી અરીસો ખુદ શરમાઈને લાલચોળ થઈ ઊઠ્યો. તેની ઝગારા મારતી સુંદરતા આગળ ઓરડામાં પ્રસરેલા બલ્બની રોશની પણ સંકોચાઈ રહી હતી.

નાનકડી મુક્તિ રોજની જેમ તૈયાર થતી માને સ્નેહભરી આંખોએ અપલક જોઈ રહી. મા જેવી સુંદર સ્ત્રી તેણે આખા મહોલ્લામાં ક્યાંય જોઈ નહોતી. પણ મુક્તિને તે સમજાતું નહોતું કે આખો દિવસ આમ લઘરવઘર ફરતી મા રોજ રાતનાં જ કેમ આમ સરસ રીતે શણગાર સજી તૈયાર થાય છે?

મુક્તિની નાનકડી આંખોમાં ઘણા સવાલો હતા.
કેમ આખો દિવસ સૂમસામ લાગતી તેના ઘર આગળની આ ગલી રાત પડતાં જ ધમધમી ઊઠે છે?
તેના મહોલ્લામાં રહેતી સ્ત્રીઓ સજીધજીને મોડી રાત સુધી કેમ બહાર ઉભી રહે છે?
તે મા સાથે ક્યારેક દિવસના સમયે બહાર નીકળતી ત્યારે, મા આમ કેમ પોતાનો ચહેરો છૂપાવી રાખતી?
અને આ મોટા સાહેબો જ્યારે રાતના મહોલ્લામાં આવતા ત્યારે કેવા તાકી તાકીને જોઈ રહે છે અને મહોલ્લાની સ્ત્રીઓ સાથે લળી લળીને મીઠી વાતો કરતા હોય છે, પણ તે લોકો જ્યારે બહાર ક્યાંક બીજે ભટકાઈ જાય તો મોં બગાડીને રસ્તો કેમ બદલી નાખે છે?

ક્યારેક તે પોતાની માને મનમાં ઉદભવતા સવાલો પૂછી લેતી, પણ દર વખતની જેમ મા "તને ન સમજાય, તું હજી નાની છે" એવા બહાના કરીને વાત ટાળી દેતી. હવે આ માને કેવી રીતે કહું કે જ્યારે પણ પેલો પહેલવાન ગણેશા જે આ મહોલ્લાંનો સરદાર હતો, તે માને મળીને નીકળતો ત્યારે પોતાને જોઈને કહેવા લાગ્યો છે કે "લોંડિયા હવે તું પણ ઉગી નીકળી છે, બઉ જલ્દી તારી માનો ધંધો સંભાળતી થઈ જઈશ".

"શું વિચારી રહી છે મુક્તિ", અચાનક માનાં આવજથી તે સવાલોની દુનિયામાંથી પાછી ફરી.

"મા મારા નામનો અર્થ શું?" મુક્તિ માની આંખોમાં જોતી મીઠું હાસ્ય રેલાવતી બોલી.

"મુક્તિ એટલે આઝાદી", એવાજ મીઠા હાસ્ય સાથે તેની મા મીનાએ જવાબ વાળ્યો.

"પણ મા, આઝાદી એટલે? પેલો બાજુવાળા રસીલા દિદીનો સોનું છે ને, આજે મને તે એવું જ કઈક કહેતો હતો કે આવતીકાલે ૧૫મી ઓગસ્ટ છે અને આ દિવસે આપણો ભારત દેશ અંગ્રેજી બાબુઓની પકડમાંથી આઝાદ થયો હતો." મુક્તિને આ આઝાદી શબ્દ નવાઈ પમાડતો લાગ્યો.

"આપણા ભારત દેશમાં બીજા દેશના લોકો એટલે કે અંગ્રેજોએ આવીને અહીંના લોકોને પોતાના ગુલામ બનાવી દીધા હતા."

"તો હે મા, ગુલામ એટલે?" માની વાત અધવચ્ચે જ અટકાવતા મુક્તિ બોલી.

"ગુલામ એટલે એવા લોકો જેમને દરેક વાત માટે પોતાના માલિક ઉપર નિર્ભર રહેવું પડે છે. પોતાના માલિક માટે કામ કરવું પડે છે, તેમના દરેક આદેશનું પાલન કરવું પડે છે અને તેમની પરવાનગી વગર કઈ પણ કરી શકાતું નથી કે ક્યાંય જઈ શકાતું નથી." આ બોલતા જ મીનાથી એક નીસાસો નંખાઈ ગયો.

"પછી આપણા દેશના ઘણા લડવૈયાઓ તે અંગ્રેજો સામે લડ્યા અને આપણને આઝાદી એટલે કે અંગ્રેજોની કેદમાંથી મુક્તિ અપાવી, તે દિવસ એટલે ૧૫મી ઓગસ્ટ. તેને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ." દીકરીની આંખોમાં જાગતાં સવાલને જોઈ મીના આગળ બોલી.

"તો મા, આપણે કેમ હજુ ગુલામ છીએ? આપણને પેલા બદમાશ અને ડરાવનાં ગણેશાથી ક્યારે આઝાદી મળશે?" મુક્તિની નિર્દોષ આંખોમાં એક વેદના છલકાઈ ઊઠી.

મીના પાસે દીકરીના આ સવાલનો કોઈ જવાબ નહોતો. આટલી નાની છોકરી કેટલી આસાનીથી પોતાની આ દુનિયાની સચ્ચાઈ સમજી ગઈ હતી તે વિચારતી મીનાની આંખોમાં દિકરી પ્રત્યે હમદર્દી જાગી ઊઠી.

"મા મને તારી જેમ ક્યારે આમ સરસ મજાની તૈયાર કરીશ? મને પણ તારી જેમ સુંદર લાગવું છે". તૈયાર થયેલી માનો ગોરો ચહેરો જોઇને હરખાતી મુક્તિ આટલું વાક્ય પૂરું કરે, તે પહેલા જ તેના ગુલાબી ગાલ ઉપર સટ્ટાક કરતી એક થપ્પડ પડી એને તેના એક ગાલ ઉપર રાતો રંગ ઉપસી આવ્યો.

માએ મારેલી થપ્પડની અસરમાંથી નાનકડી મુક્તિ જલ્દી બહાર નીકળી શકી નહિ. આખરે પોતે એવું તો શું કહી નાખ્યું કે આટલી જોરથી થપ્પડ ખાવી પડી, તે વાત તેના ભોળા દિમાગને સમજાઈ રહી નહોતી.

ત્યાં જ દરવાજાની સાંકળનો ખખડાટ થતાં રડું રડું કરતી મુક્તિની આંખોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. હવે પોતાને રોજની જેમ મા મોટી ચોકલેટ આપશે અને આખો દિવસ આ અંધારિયા રૂમમાં ભરાઈ રહેવાથી છુટકારો મળશે. આ સમય જ હતો જ્યારે તે નાનકડી અંધારી કોટડીમાં ભરાઈ રહેવાની સજામાંથી આઝાદ થતી અને પોતાના રૂમની બહાર ઢાળી રાખેલી ખાટલીમાં પડી પડી રાતની ઝળમગતી રોશનીમાં મહોલ્લાની રોનક માણતી.

દરવાજો ખુલતા જ મોગરાની સુગંધથી આખો રૂમ ભરાઈ ગયો અને લથડિયાં ખાતા બે પગ રૂમમાં પ્રવેશ્યા. અંદર આવેલા આદમીને માથું ઉંચકીને મુક્તિ જુએ તે પહેલાં જ માએ ચોકલેટ આપી તેને દરવાજાની બહાર હડસેલી દીધી. તે સાથે જ રૂમનાં દરવાજા ભીડાઈ ગયા અને કીચૂડ કિચૂડ અવાજ ઉત્પન્ન કરતા પલંગ ઉપર કચડાતા મોગરાની ખુશ્બુ સાથે બે શરીરના રેબઝેબ પસીનાની હળવી મીઠાશ પૂરા રૂમમાં ભળતી ગઈ.

બહાર બેઠેલી મુક્તિના કાનોને આજ સુધી રૂમમાંથી બહાર સુધી સંભળાતા અજીબ અવાજનું કારણ સમજાયું નહોતું. મુક્તિએ શરૂઆતમાં ઘણીવાર મા પાસેથી તેનું રહસ્ય જાણવા પ્રયાસ કર્યો પણ રાતની રોશનીમાં તે દરવાજો જેટલી વાર ખૂલતો થોડી ક્ષણો પછી તરત ભીડાઈ જતો. આખરે જ્યારે મા તેને અંદર લેતી ત્યારે થાકથી લથપથ બેજાન જેવી બની ગયેલી માને જોઈ મુક્તિને આગળ કઈ પૂછવાની હિંમત રહેતી નહિ, અને તે માનાં પડખામાં લપાઈને સૂતી ત્યારે તેનાં શરીરમાંથી આવતી અજીબ પ્રકારની ખુશ્બુ પોતાના શરીરમાં ભરતી મુક્તિ સપનાની દુનિયામાં ખોવાઈ જતી.

રાતના ભીડાઈ ગયેલા દરવાજાની અંદરથી આવતા તે અવાજોની આદત પડી ગઈ હોય એમ મુક્તિને હવે તે અવાજ, મહોલ્લામાં મોટા અવાજે સંભળાતા ફિલ્મી ગીતોની લય સાથે ધીમે ધીમે દબાઈ ગયેલા લાગવા લાગ્યા હતા.

રોજ રાતના આમ બહાર બેસી રહેતી નાનકડી મુક્તિની નજર, એકદિવસ અચાનક પોતાની ખોલીની સામે નાના ગલૂડિયાં સાથે અડ્ડો જમાવીને બેઠેલી એક કુતરી ઉપર પડી. થોડા દિવસો મુક્તિએ તે કુતરી અને તેના ગલૂડિયાંને જોવામાં અને ગણવામાં નીકાળ્યા. રોજ ખાટલીમાં બેઠેલી મુક્તિની નજરો તે કુતરી સાથે મળતી અને બંને વચ્ચે દૂરથી જ આંખોથી વાતો થવા લાગી.

આ કુતરી પોતાના માટે હાનિકારક નથી તેનો વિશ્વાસ આવતા હવે મુક્તિ કઈ ને કઈ ખાવાનું લઈ તેની પાસે પહોંચી જતી, અને તેના ગલૂડિયાં સાથે રમવા લાગતી. કુતરી અને તેના ગલૂડિયાં જાણે હવે મુક્તિની એકલી રાતના સાથી બની ગયા હતા. ક્યારેક ક્યારેક મહોલ્લાના કૂતરાઓ તે કૂતરીને ઘેરીને લઈ જતા અને જ્યારે તે હાંફતી પાછી ફરતી ત્યારે મુક્તિને તે કુતરીની હાલત પણ પોતાની માની જેમ લોથપોથ લાગતી.

દિવસો વીતતાની સાથે પેલા ગલૂડિયાં હવે મોટા થઈ રહ્યા હતા. તેમાંથી કેટલા સડક પર ફરતી ગાડીઓ નીચે આવીને કચડાઈ ગયા છે તેની જાણ મુક્તિને રાતના કરાતી ગલૂડિયાંની ઓછી થતી જતી ગણતરી ઉપરથી પડી જતી. આખરે હવે ફક્ત એક ગલુડિયું બચ્યું હતું જે અદ્દલ તેની માના જેવું જ દેખાતું હતું. મુક્તિ તેને ખૂબ સાચવીને રાખવા લાગી હતી. ક્યાંક તે પણ પોતાના ભાઈ બહેનોનોની જેમ કોઈ ગાડી નીચે કચડાઇ ન મરે તેના માટે તે ગલૂડિયાંને પોતાની નજર સામેથી ખસવા દેતી નહિ.

છેલ્લા ઘણા દિવસોથી મુક્તિને મા વધારે થાકેલી અને બીમાર લાગતી હતી. વાત વાતમાં તેને ખાંસી ચડતી અને થાક વર્તાતા હતા. થોડું ચાલવામાં પણ એને હાંફ ચડી જતી હતી. રાતના રૂમની અંદરથી આવતા અવાજની સાથે ખૂલતાં અને ભિડાતા દરવાજાના અવાજ પણ હવે ધીમા પડી રહ્યા હતા. પેલો ગણેશા પહેલવાન પણ હવે બીમાર માની ઉપર ગુસ્સે રહેવા લાગ્યો હતો. જ્યારે તેની ગુસ્સાથી રાતી પડેલી આંખો પોતાના ઉપર આવી સ્થિર થતી ત્યારે મુક્તિને તે ગણેશાની આંખોમાં અજીબ સળવળાટ દેખાતો, તેના પાન ખાઇને લાલ થયેલા હોઠ દાંત નીચે ભીડાઈ જતા ત્યારે એક અજાણી કંપારી મુક્તિના પૂરા શરીરમાં છૂટી જતી.

મુક્તિને સમજાતું નહોતું કે હવે પેલી કુતરી પણ કેમ આમ સુકાતી જતી લાગી રહી હતી. તેનાથી જાણ્યે અજાણ્યે તેની તુલના પોતાની મા સાથે થઈ જતી.

"ચાલને મા આ ગંદા ગણેશાની પકડમાંથી આપણે આઝાદ થઈ જઈએ. હું તેમની સામે લડીશ અને તને બચાવીને ક્યાંક દૂર લઈ જઈશ." એક દિવસ તાવમાં ધગધગતી માને તરફડતી જોઈ મુક્તિ માનાં આંસુ લૂછતાં બોલી.

"બેટા આ ગુલામીની બેડીઓ તો મારા આખરી શ્વાસ સુધી મારા પગમાં બંધાઈ ગઈ છે. તેમાંથી આપણે ઇચ્છવા છતાં જીવતે જીવ ક્યારેય આઝાદ નહિ થઈ શકીએ." મુક્તિના માથે વ્હાલથી હાથ ફેરવતી મીના બોલી.

એટલું બોલતાં જ મીનાના ગળે ડૂમો બાઝી ગયો અને જોરથી આવેલી ખાંસીને કારણે તેનું સમગ્ર શરીર ખેંચાઈ ગયું, તેના દર્દથી તે બેવડ વળી ગઈ અને પથારીમાં જઈ બેસી પડી. માનું આ દર્દ સહન ન થતાં મુક્તિની આંખો ભરાઈ આવી પણ રખેને મા પોતાને આમ રડતી જોઈ ન જાય એટલે તે આંસુ છુપાવતી આડી ફરી ગઈ.

ત્યાં જ અંધારી થતી રાતની સાથે દરવાજાની સાંકળ ખખડી અને તે સાથે મા દીકરી બન્નેના જીવ ફફડી ઉઠયા. આજે મા પાસે આપવા ચોકલેટ પણ નહોતી કે પછી ઊભા થઈ દીકરીને બહાર હડસેલવા માટે તાકાત! તે વાત પામી જતા એ કામ પણ અંદર દાખલ થતાં પેલા લથડિયાં ખાતા પગે પૂરું કરી દીધું. મોગરાની સુગંધને પોતાનામાં ભરે તે પહેલાં જ છાતી ફરતા જોરથી ભીંસાતાં હાથોએ અડપલાં કરી મુક્તિને એક ઝટકે રૂમની બહાર ફેંકી અને પોલા પડી ગયેલા દરવાજા બંધ થતી વખતે જાણે ખખડી ગયા.

રડતી મુક્તિ જ્યારે ખાટલીમાં પડી ત્યારે સામે બેઠેલી પેલી કુતરીની આસપાસ કૂતરાઓએ ઘેરો તાણ્યો હતો, અને બધા તેના ઉપર હુમલો કરવાની તૈયારીમાં હતા. શરીરથી સાવ સુકાઈ ગયેલી તે કુતરીમાં આટલા કૂતરાઓ સામે લડવાની શક્તિ બચી નહોતી. છતાં તેણે તે કૂતરાઓના પ્રહારથી બચવા માટે બનતા અથાગ પ્રયત્નો કર્યા,પણ ક્રૂર બનેલા તે કૂતરાઓ જાણે આજે બળવો કરવા આવ્યા હોય તેમ પેલી કુતરી ઉપર તૂટી પડ્યા. આખરે તે ભૂખ્યા કૂતરાઓ, લોહીલુહાણ થઈને હારેલી કુતરીમાં રહેલો જીવ આઝાદ ન થયો ત્યાં સુધી તેને કોતરતા રહ્યા. આ જુલ્મી દુનિયાની બેડીઓમાંથી સદાય માટે આઝાદ થતી કુતરીએ બીજી દુનિયાની અનંત સફરની વાટ પકડી ત્યારે તે કૂતરાઓ રણસંગ્રામમાં જીતી આવ્યા હોય એવો રોફ કરતા ત્યાંથી કૂચ કરી ગયા. ત્યાજ ધડામ કરતું પેલું ખખડી ગયેલું બારણું ખુલ્યું અને તે એટલું જોરથી અથડાયું કે અડધા તૂટેલા નકૂચાની ગુલામીમાંથી તે પણ આઝાદ થઈ ગયું હોય એમ એક સાઇડથી છુટ્ટું પડી ગયું.

તે અડધા તૂટી ગયેલા દરવાજાની આરપાર ડોકિયું કરતાં મુક્તિની આંખો નિસ્તેજ પડેલી માને જોઈ ફાટી ગઇ. થોડી જ વારમાં તેની માના અવાજના પડઘા તેને ઘેરી વળ્યા, જે અટ્ટહાસ્ય કરતા કહી રહ્યા હતા
"બેટા આ ગુલામીની બેડીઓ તો મારા આખરી શ્વાસ સુધી મારા પગમાં બંધાઈ ગઈ છે. તેમાથી આપણે ઇચ્છવા છતાં જીવતે જીવ ક્યારેય આઝાદ નહિ થઈ શકીએ."

એકતરફ આઝાદ થયેલી માનો દેહ ગુલામીની બેડીમાંથી મુક્ત થઈ રહ્યો હતો, ત્યાં બીજી તરફ ખોલી પર આવી પહોંચેલા ગણેશાની નજર મુક્તિના દેહને જંજીરોમાં જકડવા તરસી રહી હતી.

દૂરથી સંભાળતા પેલા એકલા પડેલા મા વિનાના ગલૂડિયાંનો રડવાનો અવાજ ઘેરાયેલા કૂતરાઓની ગુલામીમાંથી આઝાદ થવા તરફડી રહ્યો હતો. અને સાથે આઝાદ દિવસના વહેલી પરોઢે શરૂ થઈ ગયેલા રાષ્ટ્રીય ગાનના અવાજ તળે બે અનાથ પડી ગયેલા બાળકોનું રુદન ગૂંગળાઈ રહ્યું હતું.

** સમાપ્ત **

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)