Adikavi Narsingh Mehta in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | આદિકવિ નરસિંહ મહેતા

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

આદિકવિ નરસિંહ મહેતા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 23 આદિકવિ નરસિંહ મહેતા
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી ભાષાનાં આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ખૂબ જ ભક્તિભાવથી લોકો એમનાં રચેલ પદો ગાય છે.

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. 1414માં વડનાગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ હાલનું જુનાગઢ કે જે તે સમયે જુર્ણદુર્ગ તરીકે ઓળખાય છે, ત્યાં સ્થાયી થયા હતા. ખૂબ જ નાની ઉંમરે, માત્ર પાંચ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. આથી તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો. તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા નહોતા.

વિક્રમ સંવત ૧૪૮૫ (ઈ.સ. 1429)મા એક સંસ્કારી, અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવા આવ્યા. લગ્નના થોડા વર્ષો બાદ નરસિંહ મહેતાને ત્યાં બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુવરબાઇ પુત્રનું નામ શામળશા(શામળદાસ) રાખવામાં આવ્યા, આ સમયગાળા દરમ્યાન તેમના દાદીનું મૃત્યુ થયું. પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી. માણેકબાઈ એક પતિવ્રતા નારી હતા. તેથી પોતાના પતિ ની ભક્તિમાં કોઈ બાધા ના આવે તેની કાળજી રાખતા. નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહિ માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈ પોતાના માથે લીધો. નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતા.

તેમનાં કુટુંબીજનોનો પરિચય મેળવીએ.

દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
દાદી - જયગૌરી
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ વિ.સં. 1497 મૃત્યુ વિ.સં. – 1507)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ વિ.સં. 1495 લગ્ન વિ.સં. – 1504)
કાકા – પર્વત મહેતા
ભાઈ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતા

નરસિંહના પિતા અને દાદા શિવપંથી હતા. દાદી નરસિંહને નરસિંહના પિતાના મોટાભાઈના પુત્ર બંસીધરને ત્યાં જુનાગઢ લઈ આવ્યા. હવે નરસિંહ આઠ વર્ષનો થવા આવ્યો હતો, પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો. “બ્રાહ્મણનો દીકરો મૂંગો હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકશે, પોતાની આજીવિકા કેવી રીતે મેળવશે?” એમ વિચારીને નરસિંહના દાદી સતત ચિંતામાં રહેતાં. તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની એવા નરસિંહની ખૂબ જ ચિંતા થતી. લોકવાયકા મુજબ એકવાર જયારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત-કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા, ત્યારે એમને રસ્તામાં એક તપસ્વી સંતનો મળ્યા. નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી, એ તપસ્વી સંતને બાળક નરસિંહની સમસ્યા વિશે જણાવ્યું. સંતે નરસિંહની આંખોમાં જોઈ તેનાં કાનમાં એક મંત્ર ફૂક્યો - “રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ”. નરસિંહને “રાધે ગોવિંદ”નું નામ બોલવાનું કહ્યું, ધીરે-ધીરે જોતજોતામાં તો મૂંગો બાળક નરસિંહ “રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ” નામનું રટણ કરવા લાગ્યો. આ જોઈ સહુ કોઈ ચકિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતાનો તો કોઈ પર ના રહ્યો. ત્યારથી નરસિંહના જીવનમાં શ્રીકૃષ્ણની ભક્તિનો આરંભ થયો, જેણે નરસિંહ મહેતાને નરસિંહ ભગત બનાવી દીધા.

નરસિંહ મહેતાનાં પદો કે કાવ્યો કે પ્રભાતિયાં જે ભાષામાં ગવાયા હતાં તેવાં જ સચવાયા નથી. ઉપરાંત મોટા ભાગની રચનાઓ મૌખિક રીતે સચવાયેલ છે. તેમણે 22000થી વધુ રચનાઓ કરી છે. નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઈ.સ. 1612ની આસપાસ રચાયેલી છે, જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.

તેમની રચનાઓ મોટા ભાગે ઝુલણ છંદ અને કેદારો રાગમાં છે. નરસિંહ મહેતાનાં સર્જનને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચી શકાય - આત્મકથાનક, અવર્ગીકૃત અને શૃંગાર આધારિત.

દીકરી કુંવરબાઇનો વિવાહ

દીકરી કુંવરબાઈ ઉંમરલાયક થતાં માણેકબાઈને તેનાં લગ્નની ચિંતા થવા લાગી. આ વાત તેમણે મહેતાજીને કીધી અને નરસિંહ જવાબ આપ્યો “કુંવર તો મારા નાથની દીકરી તેની ચિંતા કરીશ મા, મહેતી તેની ચિંતા કરશે મારો નાથ”, અને થયું પણ એવું જ! સામે ચાલીને કુંવરબાઇ માટે માંગું આવ્યું. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇ ના લગ્ન ઉનાના નિવાસી શ્રીરંગ મહેતાના પુત્ર સાથે નક્કી થયા. વિક્રમ સંવત 1502(ઈ.સ. 1445- 47ની આસપાસ)માં લોકો એ ક્યારેય કલ્પના ન કરી હોય એવા ધામધૂમથી કુંવરબાઈનાં
વિવાહ થયાં. લોકોને એમ હતું કે ‘આ દરિદ્ર નરસૈયો કરીયાવરમાં પોતાની પુત્રીને વળી શુ આપવાનો?’ પરંતુ લોકોની કલ્પનાની વિરુદ્ધ લોકો આંખો ફાડીને જોતા રહી જાય એવો મોભા વાળો કરિયાવર હતો. કુંવરબાઈ પોતાની માતાની પાસેથી મળેલ શિખામણો અને પિતાના સંસ્કારોનો વારસો લઈને સાસરે ગઈ.

પુત્ર શામળદાસનો વિવાહ

વડનગરના મદનમહેતાની પુત્રી માટે તેમના પુરોહિત એક યોગ્ય ગુણવાન મુરતિયાની શોધમાં હતા. એમની આ શોધ નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ પર આવીને પૂર્ણ થઈ. નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ વડનગર ના શ્રીમંત પ્રધાન મદનમહેતાની પુત્રી સુરસેના સાથે નક્કી થયાં. પરંતુ મદનમહેતાના પત્નીને પોતાની દીકરીની ખુબ ચિંતા થવા લાગી. તેમને થયું કે મારી ફૂલ જેવી દીકરી ગરીબ કુટુંબમાં કેવી રીતે સુખી થશે? માટે તેમણે નરસિંહની પરીક્ષા લેવા એક પત્ર લખ્યો. થોડા દિવસો બાદ મદનમહેતાને ત્યાંથી પત્ર આવ્યો જેમાં લખ્યું હતુ કે, ”અમારા માન અને મોભાને યોગ્ય હોય એવી જાન લઈને આવો તો જ અમારી દીકરીને સાસરે વળાવીએ, નહીતર શામળદાસ સાથે ના લગ્ન ને ફોગટ કરીશું.” આવા પ્રસંગે નરસિંહ મહેતાની અવસ્થા એવી નહી કે તે આવી જાન લઈને જઈ શકે. પરંતુ આ પ્રસંગે પણ નરસિંહ મહેતા ને પ્રભુ કૃપાથી અણધારી મદદ મળતી રહી. સમગ્ર પંથકમાં લોકો જોતા રહી જાય તેવી રૂડી જાન લઈને નરસિંહ મહેતા પોતાના પુત્રના લગ્ન મંડપમાં પહોંચ્યા અને શામળદાસના લગ્ન પૂર્ણ કરાવ્યા. લગ્ન બાદ નરસિંહ મહેતા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે પોતાના ગામ પાછા ફર્યા.

પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈનું મૃત્યુ

લગ્નને થોડો સમય જ વીત્યો હતો ત્યાં જ એક દુર્ઘટનામાં નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ અને પુત્રવધુ સુરસેના મૃત્યુ પામ્યા. નરસિંહ મહેતાની પત્ની માણેકબાઈને પોતાનાં એકના એક પુત્રનાં મોતની ઘટનાનો ખુબ જ મોટો આઘાત લાગ્યો. નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ આ પીડા સહન ના કરી શક્યા અને થોડા દિવસોમાં જ પુત્રના મૃત્યુના દુઃખની પીડામાં મૃત્યુ પામ્યા. નરસિંહ મહેતાના જીવનમાં તો દુઃખોના ડુંગરો તૂટી પડ્યા. પહેલા પોતાના કુળનો દિપક સમાન પુત્રના મૃત્યુથી પોતાના કુળનો નાશ થયો અને પોતાની પત્નીના અવસાનથી જાણે સમગ્ર સંસારનો જ અંત થઈ ગયો હોય એવું થયું. પરંતુ આવા પ્રસંગે પણ નરસીંહ મહેતા એ પોતાની ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવા ના દીધી. જેવી એમની સમાનતા એવી સમતા, અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, પ્રશંસા કે નિંદા કશાથી તેઓ ચલિત ન થયા. પત્નીના અવસાન સમયે તેમની જીભેથી સરી પડ્યું, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ”. સંસારમાં રહીને પણ નરસિંહની વૈરાગ્ય ભાવના આ પંક્તિમાં જોવા મળે છે.

દિકરી કુંવરબાઇનું મામેરું

પત્ની, પુત્ર અને પુત્રવધૂનાં અવસાન પછી નરસિંહ મહેતા પોતાનો સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે. તેમની વધતી જતી લોકપ્રિયતાથી હવે તેમનો વિરોધ કરનાર ઈર્ષાળુ લોકોની સંખ્યામા પણ વધારો થયો. આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહ ને બદનામ કરવાનો, અપમાનિત કરવાનો, નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેતા હતા. એવા જ સમયગાળામાં નરસિંહના પુત્રી કુંવરબાઈનો સીમંત પ્રસંગ આવ્યો. પોતાની પુત્રીનો પત્ર નરસિંહને મળ્યો. નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના સીમંતવિધિના પ્રસંગમાં જવા માટે નિકળ્યા. દીકરીના સાસરિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની ભેટોની યાદી નરસિંહે ભગવાનના ચરણોમાં ધરી દીધી. પોતાના ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ હતો એમને. આથી જ યાદીમાં લખેલી ભેટો કરતાં પણ વિશેષ વસ્તુઓ કુંવરબાઈનાં મામેરામાં હતી. કોઈએ ના કર્યું હોય એવું ભવ્ય મામેરું નરસિંહ મહેતા એ કર્યું હતું. આ પ્રસંગે પણ નરસિંહને ઈશ્વરની અણધારી મદદ મળી રહી. દીકરીના મામેરાનો પ્રસંગ સુખેથી પૂરો કરી તેઓ જુનાગઢ પાછા આવ્યા અને કુંવરબાઈનાં મામેરાનાં પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખુબ વધવા લાગી.
નરસિંહ મહેતાના પિતાનું શ્રાધ્ધ

એકવાર જયારે નરસિંહ મહેતાના પિતાના શ્રાધ્ધનાં પ્રસંગ માટે બે-ત્રણ બ્રાહ્મણને જમવાનું નિમંત્રણ આપવા માટે ગયા ત્યારે અમુક લોકોએ નરસિંહ મહેતાને વાતોમાં ભોળવીને આખી નાગર નાતને જમવાનું નિમંત્રણ નરસિંહ મહેતા તરફથી છે એવો પ્રચાર કરી દીધો. જેથી સમગ્ર નાગર બ્રાહ્મણની નાતને જમાડવાનું કાર્ય નરસિંહ મહેતા પર આવી ચડ્યું, જેની પાસે સ્વયં પોતાના અને પોતાના પરિવારના ભોજન માટે પૈસા અને અનાજ ન હોય તે આખી નાત કઈ રીતે જમાડે? પરંતુ આ પ્રસંગે પણ કોઈ ચમત્કારી રીતે અણધારેલી મદદથી નરસિંહએ પ્રસંગને પાર પાડ્યો.

નરસિંહ મહેતાનું મૃત્યુ

નરસિંહ મહેતાના મૃત્યુ અંગે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ લોકવાયકા પ્રમાણે નરસિંહ મહેતાનું મૃત્યુ ઈ.સ.1488માં 79 વર્ષની ઉંમરની આસપાસ કાઠિયાવાડનાં માંગરોળ નામનાં ગામમાં થયું હતું. આ ગામમાં હાલમાં એક ‘નરસિંહ મહેતા સ્મશાન’ નામનું સ્મશાનગૃહ છે. એવું કહેવામાં આવે છે કે આ જ સ્થળ પર નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આત્મકથાનક રચનાઓ:-

શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ. હરિજનોનો સ્વીકાર કરતી રચનાઓ, હારમાળાના પદો, માનલીલા, રુક્મિણીવિવાહ, સત્યભામાનું રુસણું, દ્રૌપદીની પ્રાર્થના, પિતાનું શ્રાદ્ધ.
આ તમામ રચનાઓમાં ભગવાન દ્વારા તેમને થયેલ સાક્ષાત્કારરૂપી ચમત્કારોનો પણ ઉલ્લેખ છે.

અવર્ગીકૃત રચનાઓ:-

સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સુરત સંગ્રામ અને શ્રીમદ્ ભાગવદ ગીતાનાં અમુક પ્રસંગોને વર્ણવતાં પદો.

શૃંગાર આધારિત રચનાઓ:-

આ રચનાઓમાં રાધા કૃષ્ણનાં પ્રેમની લીલાઓનું વર્ણન કરતાં ગીતોનો સમાવેશ થાય છે.

ભજનો

વૈષ્ણવજન(જે ગાંધીજીનું પ્રિય છે), શ્રીકૃષ્ણજન્મ વધાઈ, ભોળી ભરવાડણ, આજની ઘડી રળિયામણી.

પોતાના સંપૂર્ણ જીવનમાં અનેક સાહિત્યનુ સર્જન કરનાર, જે આજે આટલો સમય વિતી ગયો હોવા છતાં આજે પણ સંભાળનારને પરમ આનંદનો અનુભવ કરાવે છે એવા પરમ પ્રભુ ભક્ત શ્રી નરસિંહ મહેતાનાં ચરણોમાં વંદન🙏

- શ્રીમતી સ્નેહલ રાજન જાની