Talash - 44 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 44

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

તલાશ - 44

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"ભીમ સિંહ, થોડીવારમાં આપણે ગોમત ગામમાં આંટો દેવા જવું છે." પોખરણ ની એક નાનકડી હોટલમાં ઉતરેલા જીતુભાએ ચા-નાસ્તો કરતા કરતા કહ્યું.

"ભલે જીતુભા, હું નીચે ગાડીમાં બેસું છું. તમે તૈયાર થઈને નીચે આવો."કહીને ભીમસિંહ ઉભો થયો, અને જીતુભા ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. ભીમસિંહ આવા કોઈ મોકા ની જ રાહ જોતો હતો એણે બહાર જઈને ફોન જોડ્યો.

xxx

"હા બોલ ભીમ, શુ ખબર છે."

"અમે પટવારીના ઘરે ગયા હતા. એના બાપુ અહીં ડોક્ટર તરીકે લગભગ 40 વર્ષથી લોકોની સેવા કરે છે. ભગવાનના માણસ છે. ઘરના બધા પણ બહું સરળ છે. આ યોગેશ એટલે કે યોગેન્દ્ર મીણા 4-5 વર્ષ પહેલા પટવારી (તલાટી) બન્યો છે જીતુભાએ બ્લન્ડરથી કહ્યું એની બેગમાં નકલી પેપર છે. એ સાંભળીને એને પરસેવો છૂટી ગયો. એના માં-બાપ એને ઘરમાંથી કાઢવા અને એની પત્ની-બાળક એને છોડી જવા તૈયાર થઈ ગયા.એટલી હદ સુધી સીધા છે. અમે માંડ મામલો શાંત પાડ્યો છે. હવે જમીનના માલિકી હક માં તો એ ફેરફાર નહિ કરે."

"તો હવે ત્યાં કોઈ મોટી ધમાલ થાય કે જીતુને કોઈ મદદની જરૂર પડે એવું લાગતું નથી. બરાબર?"

"ના એવું નથી અમે આપણા 'લક્ષમી પાનવાળા' પાસે પાન ખાવાને સિગારેટ લેવા ગયા હતા પટવારીને ઘરેથી નીકળીને, એણે ખબર આપ્યા છે કે મારો જૂનો બોસ મોતિયો 2-3 દિવસથી આ વિસ્તારમાં પાછો ફર્યો છે. અને પોખરણ ની આજુબાજુમાં ફરો દેખ્યો છે. સાથે એના 4-5 સાગરીત પણ હોય છે."

"ઓહ્હ... એતો નિવૃત થઇ ગયો હતો. પોલીસના ડંડાઓ ખાય ખાય ને, પાછો ફિલ્ડમાં આવ્યો છે? "

"સાંભળ્યું છે કે ગોમત ગામમાં એક સરાફ છે કોઈ ત્રિલોકી નામનો. એણે મોતિયાની જામીન ભરીને પોલીસના સકંજામાંથી છોડાવ્યો હતો.પાનવાળા નું કહેવું હતું કે એની વાડીમાં જ મોતિયાનો ઉતારો છે."

"કદાચ આ ત્રિલોકી એ જ હોય જે જીતુભાનાં થનારા સસરાને પ્રેશર કરે છે. જો એવું હોય તો .."

"ચિંતા ન કરો હુકમ, મારુ નામ ભીમ અમસ્તું નથી પડ્યું એ મોતિયાને કૂતરાની જેમ ઘસડી ઘસડીને મેં માર્યો હતો."

"પણ તોયે, ચોકન્ના રહેવું સારું હું કંઈ મદદની વ્યવસ્થા કરું છું."

"એની જરૂર નથી ચાલો ફોન મૂકું જીતુભા આવી ગયા છે" કહી ભીમસેને ફોન કટ કર્યો ત્યારે જીતુભા એની પાસે પહોંચ્યો એના હાથમાં ફોન જોઈને પૂછ્યું. "ભીમ આજે તારા કેટલા બધા ફોન આવે છે. વારથી 4-5 વાર કોઈની સાથે વાત કરતા જોયો તને, કોણ આટલા ફોન કરે છે?"

"પરબત, મારા મામાનો દીકરો, એ ગામડેથી જેસલમેર જોવા મારા ઘરે આવ્યો છે. ઉંમરમાં મારાથી નાનો છે. પણ બહુ હોશિયાર છે. એને ક્યાંક કામ નો મેળ કરાવી દેજો."

"જોઈશું. એક વખત વાત કરાવી દે હમણાં. "

"અત્યારે તો એ પિચ્ચર જોવા હમણાં જ ટોકીઝમાં ઘુસ્યો. રાત્રે વાત કરાવીશ કહીને ભીમસેને વાત ટાળી દીધી.

xxx

વાડીમાં ખાટલો ઢાળીને આડા પડેલા મોતી ઠાકુરે એના ચમચાને રાડ નાખીને કહ્યું. "અમરું ને બોલાવ." એ દોડીને અમરને બોલાવી લાવ્યો."સાંભળ અમરું, માન્યું કે ત્રિલોકીના મારા પર અહેસાન છે. પણ તું અમને આમ કોરે કોરા રોટલા ખવડાવી ને સુવડાવી દે એ યોગ્ય નથી. કૈક જલસો કરાવ, કંઈક ગળું ભીનું કરાવ, કંઈક તીખું તમતમતું ખવરાવ કૈક નાચ-ગાન તો મોજ પડે."

"મોતી કાકા કાલ નો દી વીતી જવા દો એક વાર કાલે મારી સુહાગરાત થઇ જાય એટલે તમને બધાને દારૂમાં નવડાવીશ. અને કાલે આમેય મુજરો કરનારી 3-4 જણી ને બોલાવી છે. પણ આજની રાત ને કાલનો દી શાંતિ થી વીતી જવા દો"

"તો હું ક્યાં તારી સુહાગરાત ની આડો આવું છું. અને નાચનારી ભલે કાલે આવતી, પણ આજે કઈ મુર્ગા મસાલા અને દેશી ઠરરો મળી જાય તો મોજ પડે આ મારા સાથીઓ કોરે કોરા પોતપોતાના ઘરે જવા ઉતાવળા થયા છે."

"આ લો 1000 રૂપિયા તમારા માણસને મોકલીને મંગાવી લો"
"ઠીક છે. અમારે સવારે પટવારી ની ઓફિસ આવવાનું છે?"

"હા પણ, આમેય તમે લોકો અંદર આવશો તો મુશીબત થશે, બહારથી ચોકી દેજો અને કોઈ ધમાલ કરે એવું લાગે તો એને તોડી નાખજો."

xxx

ચા પાનની કેબીને કાર ઉભી રાખીને જીતુભા ને ભીમસેન ચા પીવા ઊભા રહ્યા હતા. ત્યાં જીતુભાનો ફોન રણક્યો. સ્ક્રીન પર જોયું તો મોહિનીનું નામ હતું. મુસ્કુરાઇને જીતુભાએ ફોન ઊંચક્યો અને કહ્યું "બોલ મોહિની. હું અત્યારે ક્યાં હોઈશ?"

"મને શું ખબર મને બહુ ચિંતા થાય છે પપ્પા કહેતા હતા કે કૈં પેપરમાં સહી સિક્કા થઇ જાય પછી ગામના વડીલો નો આગ્રહ છે કે ગામના અમારા ઘરે નહીં તો એટલિસ્ટ અમારી વાડીએ ગામના વડીલો સાથે એકવાર નાનકડું સ્નેહમિલન અને ચા-નાસ્તાનો પ્રોગ્રામ ગોઠવવો."

"સરસ"

"સુ સરસ મને એમ હતું કે પોખરણમાં તલાટી ઓફિસમાં સહી સિક્કા કરાવીને સીધા જેસલમેર ભેગા થઇ જાશું પછી જેસલમેરમાં 2-3 કલાક ટાઈમ પાસ કરીને ફરીશું ત્યાં અમારી રિટર્ન ફ્લાઈટનો ટાઈમ થઇ જશે એટલે કઈ ટેન્શન નહિ,"

"તું ટેન્શન ના લે, ને વિચાર કે અત્યારે હું ક્યાં હોઈશ?"

"મને કઈ સમજાતું નથી તું જ કહે ક્યાં છે, તું?"

"હું અત્યારે ગોમત ગામમાં રજવાડી ચા-નાસ્તો કેન્દ્ર પર ચા પીવા ઉભો છું."

"અરે વા ત્યાંથી તો મારુ ઘર અને ત્રિલોકી અંકલનું ઘર જમણી બાજુ જે ગલી છે એમાં છેવાડે સામ સામે જ છે. તો તું ત્યાંજ રોકવાનો છો?"

"ના હમણાં નીકળી જઈશ, પાછો પોખરણમાં જઈશ."

"પણ તું આજુબાજુમાં જ રહેજે, અને ઓલા ડ્રાઈવરનું નામ શું છે?"

"ખબર નથી,"

"શું તું અમને જેની સુમોમાં આવવાની ભલામણ કરે છે એનું નામ પણ તને નથી ખબર? હદ છે તું તો. અચ્છા. એ ડ્રાઈવર કેવો દેખાય છે?"

"ખબર નથી."

"તું પાગલ છો કે શું. જેનું નામ નથી ખબર અને કેવો દેખાય છે એ પણ નથી ખબર એવા માણસને ભરોસા લાયક કેવી રીતે ગણી શકે."

"કેમ કે મારી અહીંની ઓફિસના સૌથી સિન્સિયર ડ્રાઇવરનો એ ભરોસાપાત્ર છે. અને મને એના પર ભરોસો છે. ચાલ હવે ફોન મૂકું છું ચા ઠંડી થાય છે. તું આરામથી સુઈ જજે અને ચિંતા ન કરતી હું તારી આજુબાજુ માં જ હોઈશ." કહી જીતુભાએ ફોન કટ કર્યો એ જ વખતે મોહિનીએ કહી હતી એ ગલી માંથી એક બેવડો લથડીયા ખાતો એ લોકો ઉભા હતા એ દુકાને આવ્યો અને બીડીની એક ઝૂડી માંગી દુકાન વાળાએ બીડી આપી એટલે ત્યાં જ ઊભીને પેકેટ ફાડી એક બીડી સળગાવી અને ત્યાંથી હાલતો થયો. દુકાન વાળાએ પૂછ્યું કે 'પૈસા?" જવાબમાં પેલા દારૂડિયાએ ગાળ દીધી અને કહ્યું. મોતી ઠાકુરના માણસ પાસે રૂપિયા માંગે છે? મરવું છે તારે?" જીતુભા આ સાંભળીને ઉશ્કેરાઈને એને રોકવા જતો હતો. પણ ભીમસિંહે એનો હાથ પકડીને રોક્યો.

xxx

"હેલો, અમર જો સાંભળ એક બહુ મોટી ગરબડ છે. યોગેન્દ્રએ ફોનમાં કહ્યું.

"શું વાત છે. પટવારી સાહેબ,"

"ઓલી જમીન ના પેપરનું કઈ નહીં થઈ શકે." કહીને પોતાના ઘરે આવેલા દિલ્હીના અધિકારી વિશે. બધું કહ્યું અને પોતાના માં-બાપ અને પત્નીનું રિએક્શન પણ જણાવ્યું.

"આ તો સોદા માંથી ફરી જવાની વાત થઇ પટવારી, મારી સાથેની દુશમની મોંઘી પડશે હો" અમરે ઉશ્કેરાટથી કહ્યું.

"દુશમનીની વાત જ નથી હું ફસાયો છું. ઉપરાંત મેં તારી પાસેથી કઈ એડવાન્સ લીધા પણ નથી વળી. એ લોકો ને ખાલી જમીનના દસ્તાવેજ વિષે જ ખબર છે. તારા મેરેજ રજિસ્ટ્રેશનની વાત એ લોકો નથી જાણતા અને એક વાર તમારા લગ્ન થઇ જશે પછી જમીન તારી જ છે ને." વાત ને સમજ મેં માંડ મારા ઘરના લોકોને સુધરી જવાનું વચન આપીને ટાઢા પાડ્યા છે. એ લોકો 2 જણા મારા ઘરે આવ્યા હતા. કદાચ બીજા લોકો પણ એમની સાથે હોય એ કાલે બપોરે પ્રમોદ શર્માએ ત્રિલોકી અંકલને આપેલા પાવર કેન્સલ થઇ જાય ત્યાં સુધી પટવારી ઓફિસમાં જ હશે."

"ઠીક છે. એ લોકો ક્યાં રોકાયા છે એ કહ્યું છે?"

" હા પોંખરણ ની રેત સમંદર હોટલમાં ઉતર્યા છે"

"ઠીક છે. હવે તને કઈ રૂપિયા નહીં આપું. અને મેરેજ રજીસ્ટ્રાર ફોન કરીને ભડકાવ તો નહીં તારે સુખ શાંતિ થી જીવવું હોય તો."

"ભલે હું તમને લોકોને ક્યારેય નહીં નડું. અને ઓલા મેરેજ રજિસ્ટ્રેશન ના પેપર?"

"એમાં તારે જ સહી કરાવવી પડશે નહિતર તારો દીકરો કાલ સાંજ પહેલા ગાયબ થઇ જશે. તને ખબર છે ને મોતી ઠાકુરની ગેંગ વિશે." કહીને અમરે ફોન કટ કર્યો અને પછી બીજો એક ફોન લગાવ્યો.

xxx

સવારે લગભગ પોણા છ વાગ્યે જીતુભા પોતાની રૂમમાંથી બહાર નીકળ્યો. એના હાથમાં મોબાઈલ હતો. એ હલ્લો હલ્લો બોલી રહ્યો હતો પણ કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હતો એ હોટેલના વરંડા થી બહાર આવ્યો. અને સામેના રસ્તા તરફ આગળ વધ્યો. 6.30 વાગ્યે ભીમસિંહ ઉઠ્યો. એને જોયું તો જીતુભાની રૂમ ખાલી હતી. એણે ફ્રેશ થઈને ચા પાણી પીને કાઉન્ટર પર તપાસ કરી કે જીતુભા ક્યાં છે. જવાબમાં રિસેપ્શન પર બેઠેલા કાકાએ કહ્યું કે "લગભગ એકાદ કલાક પહેલા તેઓ પોતાની રૂમમાંથી બહાર આવ્યા અને એમના હાથમાં મોબાઈલ માં કોઈ સાથે વાત કરવાની ટ્રાય કરતા કરતા સામા રોડ પર ગયા હતા. પણ મેં એમને પાછા આવતા જોયા નથી હું જાગતો જ બેઠો છું. મને એમ કે મોર્નીગ વોક માટે ગયા હશે." આ વાત સાંભળીને ભીમસિંહને પરસેવો વળવા માંડ્યો એ સામેના રોડ તરફ ભાગ્યો આટલા જાડા મોટા માણસને આમ સવાર માં રોડ પર ભાગતો જોઈને આવતા જતા લોકો કુતુહલથી એને તાકી રહ્યા. દસેક મિનિટ પછી એ રોડ પૂરો થયો અને આગળ હવે મિલિટરી રિસ્ટ્રિક્ટેડ એરિયા હતો. હાંફતા હાંફતા નિરાશ અવાજે. ભીમસિંહે ફોન જોડ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે કહ્યું કે "જીતુભા ગાયબ થઇ ગયો છે." બરાબર એ જ વખતે પ્રદીપ શર્મા હેમા અને મોહિનીની મુંબઈ જેસલમેરની ફ્લાઇટ સાંતાક્રુઝ એરપોર્ટ થી હવામાં ઉડી હતી.

xxx

"ભીમ લાલચમાં મને દગો કરતો હો તો યાદ રાખજે તારા જ હાથે તારા ટુકડા કરાવીને કૂતરાને ખવરાવીશ." ખતરનાક અવાજમાં પૃથ્વી કહી રહ્યો હતો.

"પણ હું શું કામ દગો કરું. તમે મને નવું જીવન આપ્યું. સમાજમાં ઈજ્જત અપાવી મારી તૂટેલી ઘરગૃહસ્થી ફરીથી વસાવી આપી. અને ઈજ્જતની નોકરી અપાવી હું દગા નું તો સ્વપ્નમાં પણ ન વિચારી શકું."

"ઠીક છે દગો છે કે નહીં એ તો હું તપાસ કરીશ એટલે ખબર પડશે જ. અને દગો નહીં તોયે તારી બેકાળજી તો કહેવાય જ ને. મેં તને કહ્યું હતું કે 24 કલાક એની સાથે રહેજે."

"પણ એણે જ જીદ કરીને મને અલગ રૂમમાં ઉતરવા મજબૂર કર્યો અને ગઈ કાલની રાતની ભાગ દોડીમાં મને સવારમાં માં ઉઠવામાં થોડું મોડું થઇ ગયું. મને સજા જરૂર દેજો પણ હવે શું કરવું છે એ કહો."

"હું વિચારી ને ફોન કરું છું."

xxx

"આ જીતુડો ફોન કેમ નથી ઉંચકતો?" સોનલે બરાડો પડતા જીતુભાની માં ને કહ્યું.

"દીકરી તને કેટલી વાર સમજાવ્યું કે તમે બેય આપસમાં ગમે એ નામે એક બીજાને બોલાવો પણ બીજા બધાની સામે એક બીજાને માનપૂર્વક જ બોલાવાય."

"સોરી ફઈબા,"

"એ બિચારો વેવાઈના કામમાં પડ્યો હશે. સાંજ સુધીમાં કામ પતાવીને ફોન કરશે દીકરી, તું શાંતિ રાખ"

"ફઈબા એ તો મોહિનીના ગામ માં કાલે રાતે જ પહોંચી ગયો હતો એવું મને મોહિનીએ કહ્યું. પણ જ્યારે એ લોકો ફ્લાઇટ પકડવા નીકળ્યા ત્યારે મોહિનીએ એને ફોન કર્યો તો નેટવર્ક બરાબર ન હતું. ખાલી એનો હેલો હેલો એટલો અવાજ સંભળાતો હતો. કંટાળીને મોહિનીએ ફોન કરવાનું બંધ કર્યું પછી એરપોર્ટથી એને લગાતાર ફોન કરતી હતી પણ જીતુભાનો ફોન માં રિંગ જ વાગે છે. એટલે એણે મને ફોન જોડવા કહ્યું હું લગભગ અડધા કલાકથી ટ્રાય કરું છું. પણ એ ફોન નથી ઉપાડતો."

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર