Jahanvi no khuni kon - 2 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 2

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 2

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-2

ખૂનની તપાસ


હરમન સીમા મલ્હોત્રાની આખી વાત સાંભળ્યા બાદ થોડી મિનિટો માટે વિચારતો રહ્યો હતો. ત્યારબાદ એકવાર એણે જમાલ સામે જોયું અને પછી સીમા મલ્હોત્રા સામે જોઇ બોલ્યો હતો.

"સારું, હું આપના પતિનો આ કેસ મારા હાથમાં લઉં છું અને શક્ય એટલું ઝડપથી તમારા પતિ પર જાન્હવીના ખૂનનો જે આરોપ છે એ આરોપમાંથી એમને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરું છું. જો એ નિર્દોષ હોય તો જ એમને હું આ કેસમાંથી છોડાવીશ. તમારે પણ એના માટે તમારા પતિ મને સહયોગ આપે એ માટે એમને સમજાવવા પડશે." હરમને સીમા સામે જોઇ કહ્યું હતું.

"મારા પતિ બધો જ સહયોગ તમને આપવા માટે તૈયાર છે અને જે વાત ખરેખર સાચી હશે એ વાત જ તમને કહેશે. તમે એમના ઉપર વિશ્વાસ રાખજો." સીમાએ રડતાં રડતાં હરમનને કહ્યું હતું.

સીમાના ગયા બાદ હરમને આખા કેસને સામે મુકેલા ગ્રીન બોર્ડ ઉપર અલગ-અલગ મુદ્દાઓમાં વહેંચીને એ મુદ્દા લખેલી ચિઠ્ઠીઓને ગ્રીન બોર્ડ ઉપર લગાવી દીધી હતી જેથી તપાસ કરતી વખતે મળેલા સબુતને એ મુદ્દાઓ સાથે ચોક્સાઇ કરી શકાય.

"જમાલ, સૌથી પહેલા આપણે તપાસ પોલીસ સ્ટેશનથી શરૂ કરીએ. આપણે પહેલા ઇન્સ્પેક્ટર પરમારને અને કસ્ટડીમાં રહેલા રાજ મલ્હોત્રાને પણ મળી લઇએ." હરમને જમાલ સામે જોઇ કહ્યું હતું.

હરમન અને જમાલ પોતાની ઓફિસમાંથી નીકળી આંબાવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. હરમનને પોલીસ સ્ટેશનમાં અંદર આવતો જોઇ ઇન્સ્પેક્ટર પરમારનું મોઢું જરા બગડી ગયું હતું પણ એમણે એમનો અણગમો હરમનને દેખાવા દીધો ન હતો.

"આવો મી. હરમન, આજે અમારા પોલીસ સ્ટેશનમાં ભૂલા પડ્યા તમે?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનને ટોન્ટ મારતા પૂછ્યું હતું.

"પરમાર સાહેબ, અમારે તો રોજીરોટી માટે બધેય જવું પડે પણ તમારી જોડે કામ કરવાની બહુ મજા આવશે. હું મી. રાજ મલ્હોત્રાને જે ખૂનના આરોપમાં પકડવામાં આવ્યા છે એની F.I.R. જોવા માંગુ છું અને એમને મળવા માંગુ છું, જો તમને વાંધો ના હોય તો કારણકે હું એક વકીલ પણ છું." હરમને પરમારને હસતાં હસતાં કહ્યું હતું.

"હા ચોક્કસ, હું F.I.R.ની કોપી તમને વાંચવા માટે આપું છું અને તમે રાજ મલ્હોત્રાને કસ્ટડીમાં મળી શકો છો પણ આ કેસમાં બહુ ખાસ દમ નથી. રાજ મલ્હોત્રાએ જ એના ત્યાં કામ કરતી જાન્હવીનું ખૂન કર્યું છે. એમાં કોઇ શંકા છે નહિ છતાં તમે એમને મળી શકો છો." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને રાજ મલ્હોત્રાને મળવાની પરમીશન અને F.I.R.ની કોપી આપી હતી.

હરમન રાજ મલ્હોત્રાને કસ્ટડીમાં મળ્યો હતો અને એમની પાસેથી બધી માહિતી લીધી હતી. એ બધી માહિતી સીમા મલ્હોત્રાએ આપી હતી એ પ્રમાણેની જ હતી. ફક્ત એમાં એક જ વાત નવી હતી કે રાજ અને જાન્હવી વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો હતો. જાન્હવી રાજની પાસે પાર્ટનરશીપ માંગી રહી હતી અને રાજ એને પાર્ટનરશીપ આપવા માટે તૈયાર ન હતો પણ પગાર વધારી આપવા માટે તૈયાર હતો.

હરમને લગભગ અડધો કલાક જાન્હવી વિશેની નાનામાં નાની માહિતી રાજ પાસેથી લીધી હતી અને એમના બુટીક પર કામ કરનાર લોકોની જોડે પૂછપરછ કરવા માટેની ઇચ્છા રાજને જણાવી હતી, જેથી જાન્હવીના ખૂનનું પગેરું મળી શકે.

"તમારે જે કંઇ પણ મારા સ્ટાફને પૂછવું હોય તો એ તમે આરામથી પૂછી શકો છો. મારી પત્ની સીમા તમારી જોડે આવશે જેથી તમને કોઇ પૂછપરછમાં તકલીફ પડશે નહિ. પરંતુ મેં જાન્હવીનું ખૂન કર્યું નથી. એ મારી બેસ્ટ ડીઝાઇનર હતી. એના મોતથી મારા ધંધા પર પચાસ ટકા અસર પડશે અને એનાથી મારું દુબઇમાં બુટીક ખોલવાનું સપનું હાલના સંજોગોમાં પૂરું નહિ થઇ શકે. માટે જાન્હવીના મૃત્યુથી સૌથી મોટું મારું જ નુકસાન છે એટલે હું જાન્હવીનું ખૂન ના કરી શકું." રાજ મલ્હોત્રાએ હરમન સામે જોઇ પોતે બેગુનાહ છે એવું કહ્યું હતું.

જમાલ, રાજ મલ્હોત્રાના આપેલા બયાનને પોતાની ડાયરીમાં ટપકાવી રહ્યો હતો. હરમન ઇન્સ્પેક્ટર પરમારનો આભાર માની પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા બાદ એણે સીમાને ફોન કર્યો હતો અને એમના બુટીક પર મળવા માટે કહ્યું હતું.

હરમન અને જમાલ જ્યારે રાજ મલ્હોત્રાના બુટીક પર પહોંચ્યા ત્યારે સીમા મલ્હોત્રા પહેલેથી જ ત્યાં આવી ગઇ હતી.

"આવો મી. હરમન, હું તમારી જ રાહ જોતી હતી. સૌથી પહેલા હું તમને અમારા સ્ટાફ સાથે પરિચય કરાવી દઉં જેથી પૂછપરછ દરમિયાન તમને થોડી માહિતી રહે. આ શીતલ શાહ છે. આ જાન્હવીની આસીસ્ટન્ટ હતી અને જાન્હવીએ બનાવેલી ડીઝાઇનો પ્રમાણે કપડાં બનાવડાવવાનું કામ શીતલ કરતી હતી. શીતલ અમારા બુટીકમાં ખૂબ મહત્ત્વનું અને આજના સમય પ્રમાણે દુનિયામાં ચાલતી કપડાંની ફેશનની ખૂબ જ જાણકાર છે. અમદાવાદ અને મુંબઇના નામાંકિત લોકો રાજ પાસે એટલા માટે એમના કપડાં ડિઝાઇન કરાવે છે કારણકે રાજ બેસ્ટ કપડાં બનાવી આપે છે અને શીતલનો એમાં ખૂબ મોટો રોલ છે. હવે આ મેઘના દેસાઇ છે. આ મેઘના અમારા ત્યાં સેલ્સ ગર્લ છે અને છેલ્લા દસ વર્ષથી અમારા બુટીકમાં કામ કરે છે. અમારા શો-રૂમમાં આવતા વોકઇન કસ્ટમરને ફેશનેબલ કપડાં બતાવવાનું કામ અને વેચવાનું કામ મેઘનાના માથે છે અને આ દિવ્યા છે. દિવ્યા પોતે ફેશન ડીઝાઇનર પણ છે અને અમારા બુટીકમાં સેલ્સ હેડ તરીકે કામ કરે છે. છેલ્લાં બે વર્ષમાં દિવ્યાએ અમારા બુટીકના નામને આગળ વધારવામાં મારા પતિનો ખૂબ સાથ આપ્યો છે. આ ઓફીસ બોય સુનીલ છે. જે છેલ્લા વીસ વર્ષથી અમારા બુટીકમાં કામ કરે છે. જાન્હવી મારા પતિ સિવાય આ ચાર લોકો જોડે કામથી જોડાયેલી હતી. અમારું મેન્યુફેક્ચરીંગ યુનિટ ચાંગોદરમાં આવેલું છે અને એ યુનિટનો વહીવટ રાજ પોતે જ કરતો હતો માટે જાન્હવીને એ યુનિટ અથવા ત્યાંના સ્ટાફ સાથે કોઇ સંપર્ક હતો નહિ." સીમાએ હરમનને બધાં સાથે ઓળખાણ કરાવતા કહ્યું હતું.

"હવે આપ સૌની જોડે હું વારાફરતી વાત કરીશ. તો શરૂઆત સૌથી પહેલા શીતલજીથી કરું છું." હરમને કહ્યું હતું.

"હા તો શીતલજી, તમારા અને જાન્હવીના સંબંધ કેવા હતાં?" હરમને શીતલ સામે જોઇ પૂછ્યું હતું.

"મારા અને જાન્હવી વચ્ચે સારા સંબંધો હતાં. ઘણીવાર કામના કારણે અમારા બંન્ને વચ્ચે ઝઘડા થતા રહેતા હતાં પરંતુ એ ઝઘડા કામ પુરતા જ મર્યાદિત હતા. અમે બંન્ને એકબીજા માટે પુરક હતાં. અમે બંન્ને ભેગા થઇને જ કામ સારું કરી શકતા હતાં. જાન્હવીના મૃત્યુથી મને ખૂબ દુઃખ થયું છે અને મેં એક સારી મિત્ર ગુમાવી છે." શીતલે આંખમાં આંસુ સાથે કહ્યું હતું.

"હવે તમે બહાર જઇ શકો છો અને મેઘનાબેનને કેબીનમાં અંદર મોકલો." હરમને શીતલ સામે જોઇ કહ્યું હતું.

"હા તો મેઘનાજી, તમારે જાન્હવી જોડે કેવા સંબંધો હતાં? તમારે એની સાથે કોઇ અણબનાવ થયો હતો?" હરમને મેઘનાને પૂછ્યું હતું.

"આ બુટીકમાં મારે દસ વર્ષ થઇ ગયા અને જાન્હવી મારા કરતા વધારે સમયથી અહીં જોબ કરતી હતી. જાન્હવી જે ડીઝાઇનર ડ્રેસ બનાવડાવે એને વેચવાનું કામ મારું હતું અને એના કારણે મારે અને જાન્હવી વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતાં. જાન્હવીને એવું લાગતું હતું કે હું એણે બનાવેલા ડ્રેસનું માર્કેટીંગ બરાબર કરતી નથી અને કસ્ટમરોને ડ્રેસની ખૂબીઓ સમજાવતી નથી. બાકી અમારા બંન્ને વચ્ચે કોઇ પ્રોબ્લેમ હતો નહિ. અમે બંન્ને કાયમ જોડે લંચ પણ કરતા હતાં." મેઘનાએ કહ્યું હતું.

"સારું મારે કોઇ બીજો પ્રશ્ન હશે તો ફરીવાર આવીને તમને પૂછીશ. તમે હવે બહાર જાઓ અને દિવ્યાબેનને અંદર મોકલો." હરમને કહ્યું હતું.

દિવ્યા કેબીનમાં અંદર આવી એટલે હરમને દિવ્યા તરફ જોયું હતું.

"દિવ્યાજી, તમારા અને જાન્હવી વચ્ચે કેવા સંબંધો હતાં?" હરમને પૂછ્યું હતું.

"મારે હજી આ બુટીકને જોઇન્ટ કરે બે વર્ષ જ થયા છે અને વચ્ચે ત્રણ મહિના હું દુબઇ બુટીક ખોલવા માટે બધી માહિતી લેવા ગઇ હતી એટલે મારો અને જાન્હવી વચ્ચે પરિચય બહુ ટૂંકો રહ્યો છે." દિવ્યાએ ટૂંકમાં કહ્યું હતું.

હરમન દિવ્યા સાથે કેબીનમાંથી બહાર આવ્યો હતો.

"સીમાજી, જાન્હવી જે જગ્યાએ બેસતી હતી એ જગ્યા મને બતાવો." હરમને સીમાને કહ્યું હતું.

"તમે જે ખુરશી ઉપર બેઠાં હતાં એ ખુરશી જાન્હવીની જ છે અને એ ટેબલ જાન્હવી સિવાય કોઇ ઉપયોગ કરતું ન હતું. ડ્રોઅરમાં જાન્હવીની વસ્તુઓ પડેલી છે. પરંતુ અમારી પાસે ચાવી ન હોવાથી અમે એ ખોલ્યું નથી." સીમાએ કહ્યું હતું.

હરમને જમાલ સામે જોયું અને ઇશારાથી ડ્રોઅર ખોલવાનું કહ્યું હતું. જમાલે પોતાના પોકેટમાંથી ડુપ્લીકેટ ચાવીઓનો એક ગુચ્છો કાઢ્યો અને એક મિનિટમાં ડ્રોઅર ખોલી નાંખ્યું હતું. ડ્રોઅર ખોલતા જ હરમનની આંખો ડ્રોઅરમાં પડેલી વસ્તુને જોઇ પહોળી થઇ ગઇ હતી. હરમનની સાથે જમાલ પણ આશ્ચર્યચકિત થઇ એ વસ્તુને જોઇ રહ્યો હતો.

ક્રમશઃ......

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું.... લિ.ૐ ગુરુ ....)