Angat Diary - thaak in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - થાક

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અંગત ડાયરી - થાક


શીર્ષક : થાક
©લેખક : કમલેશ જોષી

મારા જિજ્ઞાસુ ભાણીયાએ લેસન કરતા કરતા ‘થાકી ગયો’ની ફરિયાદ કરી. બદલામાં એની મમ્મીએ કહ્યું "લેસન કરવામાં થાકી જાય છે, ક્રિકેટ રમવામાં કેમ નથી થાકી જતો?” મનેય વાત વિચારવા જેવી લાગી. જવાબ ભાણીયાએ જ આપ્યો, "લેસન કરવું મને નથી ગમતું, જયારે ક્રિકેટ તો મારી ફેવરીટ ગેમ છે એટલે તમે કહો તો હું બે કલાક નહીં, આઠ કલાક પણ ક્રિકેટ રમી શકું.” સીધો સાદો મંત્ર. સામાન્ય રીતે કોઈ કાર્યમાં લાગેલી આપણી એનર્જી લૉ લેવલે પહોંચે ત્યારે આપણા તન-મનને જે અહેસાસ થાય એને થાક કહેવાય. પરંતુ ગમતી ઍક્ટિવીટી કરતી વખતે પેલી એનર્જી તેના નિયમ વિરુદ્ધ વર્તન કરતી હશે? લૉ લેવલે પહોંચવાને બદલે હાઈ લેવલે જતી હશે? ઘટવાને બદલે વધતી હશે?

મારા ભાણીયાએ મને પકડ્યો. મેં કહ્યું, "સમજ, આપણી એનર્જી એટલે એક પ્રકારનું પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ ખાલી થાય એટલે ગાડી ઉભી રહી જાય, એમ આપણામાં એનર્જી ખાલી થાય એટલે આપણે ઉભા રહી જઈએ. થાકી જઈએ.” એ તરત બોલ્યો, “પણ લેસન કરવામાં કેમ હું વહેલો થાકી જાઉં છું અને ક્રિકેટમાં નહીં?” મેં કહ્યું, “ગાડીને પણ ઢાળ ચઢવામાં વધુ પેટ્રોલ જોઈએ અને ઢાળ ઉતરવામાં ઓછું. એમ તારા માટે ક્રિકેટ રમવું એ ઢાળ ઉતરવા જેવું અને લેસન કરવું એ ઢાળ ચઢવા જેવું કામ છે એટલે.”

કેટલાક સંબંધો સાચવવામાં આપણે થાકી જઈએ છીએ. કેટલાક પ્રસંગો પાર પાડવામાં આપણે ખલાસ થઈ જઈએ છીએ. કેટલાક વ્યક્તિઓને સંભાળવામાં આપણે અધમૂઆ થઈ જઈએ છીએ. જીવનમાં આવા કપરા ચઢાણ ચઢતી વખતે જે થાકનો અનુભવ થાય છે, એ અસહ્ય હોય છે. મનગમતી વ્યક્તિ ઉતરતા ઢાળ જેવી હોય છે. એની સાથે વીતાવેલી સાંજ આખી જિંદગી એનર્જી આપતી હોય છે. મનગમતી જગ્યાએ કલાકો સુધી બેસી રહીએ તોયે થાક લાગતો નથી. એક મિત્ર ખૂબ પૈસા કમાયો, પણ એના ચહેરા પર સતત ગંભીરતા, અણગમો અને ખીજ આખી જિંદગી રહી. એક સ્પોર્ટ્સમેન મિત્ર બહુ સફળ તો ન થયો પણ એના ચહેરા પર ફ્રેશનેસ, ચમક અને આનંદ હંમેશા રમતા રહ્યા.

કેટલાક શબ્દો જ તમારો થાક ઉતારી દે એવા હોય છે. એક સાસુ-સસરાએ પોતાના પુત્ર અને વહુને કહ્યું, “આટલી બધી મુશ્કેલી છતાં તમે બન્ને ખૂબ સમજદારીથી જીવો છો. ખરેખર તમારા બંને માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ.” ત્યારે પતિ-પત્ની બંનેની ભીતરે અનેરો શક્તિસંચાર થયો. એક પુત્રએ માતા-પિતાને કહ્યું, “મમ્મી, પપ્પા, આઈ લવ યુ. તમે બંનેએ મને ખૂબ સરસ રીતે ઉછેર્યો, આવા સરસ સંસ્કાર આપ્યા, સમજણ આપી, શક્તિ આપી, એ બદલ થેંક્યુ વેરી મચ.” ત્યારે વૃદ્ધ માતાપિતાની થાકી ગયેલી આંખોમાં અનોખી ચમક આવી ગઈ. એક બોસે એના કર્મચારીઓને કહ્યું “કંપની તમને પગાર આપે છે એના કરતા તમે કંપનીને ઘણું વધુ આપો છો. આ કંપની અત્યારે જે કાંઈ છે, એ માટે જેટલો યશ મેનેજમેન્ટને આપીએ એટલા જ યશભાગી તમે સૌ પણ છો.” ત્યારે કમર્ચારીઓની છાતી ગજ ગજ ફૂલવા માંડી. મૌન જેમ એક શક્તિશાળી શસ્ત્ર છે એમ શબ્દો પણ બહુ તાકાતવાન અને મૂલ્યવાન હોય છે. આપણે નક્કી કરુવાનું છે કે આપણે કેવા શબ્દો બોલવા, કોઈને થકવી દે એવા કે કોઈનો થાક ઉતારે એવા.

આપણી પોતાની કેટલીક શરતો હોય છે: માન્યતા, સ્ટાઈલ અને ચોઈસ હોય છે. આ બધા ભેગા મળીને આપણી જિંદગીનો એક મનપસંદ રોડમેપ બને છે. જ્યાં સુધી આ રોડમેપ મુજબ જિંદગી જીવાય છે ત્યાં સુધી થાકનો અનુભવ થતો નથી. જેવા આપણે રસ્તો બદલીએ, કોમ્પ્રોમાઈઝ કરીએ કે ગોટે ચઢીએ છીએ કે તરત જ થાક લાગવો શરુ થઈ જાય છે. કાયદેસર રજા હોવા છતાં અને કોઈએ કહ્યું ન હોય એમ છતાં ઓફિસે જવાની જો તમને ઝંખના જાગે તો તમે સાચા રસ્તે છો. કશું જ દુઃખ ન હોવા છતાં, અને કશું જ માંગવાનું ન હોવા છતાં મંદિરે પ્રભુ દર્શન કરવાની, એકાદ સુંદર ભજન ગાવાની તમને તાલાવેલી લાગે તો તમે સાચા ભક્ત છો. આવો વ્યક્તિ થાકે નહિ એની ચિંતા ખુદ કૃષ્ણ કનૈયો કરતો હોય છે.

મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન કનૈયો પણ ક્યારેક થાક અનુભવતો હશે. આખા ગામને મૂર્ખ બનાવી, છેતરીને, લુંટીને કોઈ વ્યક્તિ જયારે મંદિરના પગથિયાં ચઢતો હશે ત્યારથી જ કાનુડાને કંટાળો ચઢવાનો શરુ થઈ જતો હશે. જયારે કોઈ ગરીબના આંસુ લૂછીને, કોઈ તરસ્યાને જળ પીવડાવીને, કોઈ ભૂખ્યાને ભોજન જમાડીને, કાનુડાની સન્મુખ કોઈ સાધારણ છગન-મગન પણ જઈને ઉભો રહેતો હશે ત્યારે કાનુડાની રગેરગમાં એનર્જીનો સંચાર થતો હશે.

તમારી હાજરીની, શબ્દોની, વિચારોની, હાવભાવની તમારી આસપાસના લોકો પર શી અસર થાય છે? એ લોકો તમને માણે છે કે સહન કરે છે? એના પરથી નક્કી થાય કે તમે જિંદગી સાચી રીતે જીવ્યા કે કોમ્પ્રોમાઈઝ કર્યું? જો જિંદગીનો થાક લાગતો હોય તો સમજી લેજો કે એકાદ ખોટો વળાંક આવી ગયો છે. એક વાર કાનુડાને યાદ કરી, હિમ્મત કરી ફરી સાચો વળાંક લેવામાં મોડું ન કરતા. કાનુડો સાચા રસ્તે જનારની મદદ કરવા હંમેશા વાંસળી વગાડતો અને ખોટા રસ્તે જનાર માટે સુદર્શનચક્ર લઈને ઉભો જ છે.

બસ, શરૂઆત પરિવારજનોનો થાક ઉતરી જાય એવી કરો.. એટલે ભયો ભયો.

kamlesh_joshi_sir@yahoo.co.in