Rangoli - 2 in Gujarati Anything by Tr. Mrs. Snehal Jani books and stories PDF | રંગોળી - ભાગ 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રંગોળી - ભાગ 2

લેખ:- રંગોળી ભાગ 2
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



રંગોળી ભાગ 1 હું રજુ કરી ચૂકી છું. આશા રાખું છું કે પસંદ પડ્યો હશે. બીજું કે બીજો ભાગ આટલો મોડો રજુ કરવા બદલ ક્ષમા🙏

આજે જોઈએ ભારતનાં જુદા જુદા વિભાગોમાં/પ્રાંતોમાં થતી રંગોળી.

ભારતનાં મધ્ય ભાગમાં, ખાસ કરીને છત્તીસગઢમાં રંગોળી CHAOOK તરીકે ઓળખાય છે, જેને ઘરનાં, મંદિરનાં કે અન્ય મકાનનાં આંગણામાં કરવામાં આવે છે. CHAOOK દોરવા માટે કરોટી, ચોખાનો લોટ કે પછી કોઈ પણ પ્રકારનો સફેદ પાવડર વાપરવામાં આવે છે. CHAOOKની પરંપરાગત ભાત સિવાય પણ એને દોરનારની કલ્પનાશક્તિ પર એની અલગ અલગ ભાત આધાર રાખે છે. આ રંગોલીને ત્યાંના લોકોની માન્યતા મુજબ ઘર અને ઘરનાં લોકો માટે શુકનવંતી માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ સવારમાં વહેલી ઊઠીને આંગણું વ્યવસ્થિત રીતે સાફ કરે છે, પાણીથી ધુએ છે અને આખા ઘર તેમજ રંગોળી કરવાનાં વિસ્તારને ગૌ મૂત્રથી પવિત્ર કરે છે. ત્યારબાદ રંગોળી દોરે છે.

તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનાં ઘણાં ખરાં ભાગોમાં Kolam તરીકે ઓળખાતી રંગોળી દરરોજ કરવામાં આવે છે. રંગોળી માટે ભૌમિતિક ભાત કે મુક્ત હસ્ત ચિત્રનો ઉપયોગ થાય છે. ઘરની સ્ત્રીઓ ઘરનાં આંગણામાં દરરોજ જ રંગોળી કરે છે. કરોટી, ચોખાનો લોટ કે પછી લોટની લુગદી જેવા પદાર્થોથી રંગોળી દોરવામાં આવે છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એવું માનવામાં આવે છે કે ઘરનાં આંગણામાં દોરેલી રંગોળી ઘરને નકારાત્મક બાબતોથી દૂર રાખે છે.

રાજસ્થાનમાં વિવિધ તહેવારો, મોટા ઉત્સવો, ધાર્મિક પ્રસંગો કે ઋતુ પ્રમાણે આવતાં તહેવારોને આધારે રંગોળી નક્કી કરવામાં આવે છે. રાજસ્થાનની રંગોળી 'મંડાલા આર્ટ' તરીકે ઓળખાય છે. રંગોળીનું કદ પ્રસંગની મહત્તાને આધારે નક્કી કરાય છે. Kumaon તરીકે ઓળખાતી લેખન પદ્ધતિ, Thapa તરીકે ઓળખાતા સંકેતો, Bellbutaon તરીકે ઓળખાતી ભાત કે પછી વિવિધ ડિઝાઈનનો ઉપયોગ રંગોળી કરવા માટે થાય છે.

કેરળમાં દસ દિવસ સુધી ચાલતો ઓણમનો તહેવાર ત્યાંનો મુખ્ય તહેવાર છે. આ દસે દસ દિવસ તેઓ રંગોળી કરે છે. જેમ જેમ ઓણમ નજીક આવે છે તેમ તેમ રંગોળીનું કદ વધતું જાય છે. ઓણમની રંગોળી વર્તુળ આકારમાં કરવામાં આવે છે. તેમાં રંગો પૂરવા માટે ફૂલોનો ઉપયોગ થાય છે. ક્યારેક આંબો કે આસોપાલવ કે પછી અન્ય કોઈ ઝાડનાં પાન પણ વપરાય છે. ઓણમનાં અંતિમ દિવસે રંગોળી ખૂબ મોટી અને આકર્ષક હોય છે.

ઓડિસામાં Murja તરીકે ઓળખાતી રંગોળી કરવામાં આવે છે. Murjaનો તહેવાર કારતક મહિનાની પૂનમે આવે છે. ઘરનાં આંગણામાં આવેલ તુલસી ક્યારાની સામે અથવા તેની આજુબાજુ રંગોળી કરવામાં આવે છે. આ રંગોળીને ક્યારેક Tulsi Chahura પણ કહે છે. રંગોળીની ડિઝાઈન મોટા ભાગે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન જગન્નાથને સમર્પિત હોય છે.

રંગોળીનાં આકાર/ડિઝાઈન:-

રંગોળી કરવા માટેનો આકાર, ભાત અને તેને માટે વપરાતી સામગ્રી વિસ્તાર પ્રમાણે જુદી જુદી હોય છે. ઉત્તર ભારતમાં રંગોળી ચોરસ આકારમાં થાય છે, જ્યારે દક્ષિણ ભારતનાં મોટા ભાગના પ્રદેશોમાં ષટકોણ આકારમાં થાય છે. કેરળમાં વર્તુળ દોરીને તેમાં વિવિધ ભાતની રંગોળી થાય છે.

ઉત્તર ભારતમાં રંગોળી માટે વપરાતો રંગ જીપ્સમની મદદથી તૈયાર થાય છે. આથી રંગોળી લાંબો સમય સુધી ટકી રહે છે. દક્ષિણ ભારતમાં ચોખાના લોટનો ઉપયોગ થાય છે, પરંતુ અગાઉ ચર્ચા કરી તે મુજબ ઓણમ દરમિયાન ફૂલોનો જ ઉપયોગ થાય છે.

આમ, દરેક પ્રાંતમાં પોતપોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે રંગોળી થાય છે. પરંતુ હવે નોકરી કે ધંધા માટે માનવી પોતાનું રાજ્ય, પોતાનો પ્રાંત છોડી સ્થળાંતર કરતો હોવાથી આખાય દેશમાં દરેક પ્રકારની રંગોળી જોવા મળે છે. ઉપરાંત કોઈ એક પ્રદેશની પારંપરિક રંગોળીને બદલે જે તે વિસ્તારની રંગોળી સાથેનું મિશ્રણ પણ જોવા મળે છે. કોઈ ચોક્ક્સ આકાર કે ડિઝાઈન ભાગ્યે જ જોવા મળે છે, સિવાય કે એ વ્યક્તિ ક્યારેય પોતાનાં પ્રદેશની બહાર નીકળી ન હોય.

રંગોળી કરવાની પદ્ધતિ:-

દરેક પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી રંગોળી થાય છે. મોટા ભાગે રંગોળી બે રીતે થાય છે - ભીની અને સૂકી, જેનો આધાર રંગોળી કરવા માટે વપરાતાં પદાર્થો પર છે.

સૌ પ્રથમ ચૉક, પાવડર, રેતી, કલર, લોટ કે અન્ય કોઈ વસ્તુની મદદથી રંગોળીની આકૃતિ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં વિવિધ રંગો કે ફૂલો કે પછી પાંદડાંઓનો ઉપયોગ કરી આકર્ષક બનાવવામાં આવે છે. સામાન્ય રીતે કુદરતી દ્રશ્યો કે મોરનાં આકારવાળી રંગોળી વધારે પ્રચલિત છે. આ ઉપરાંત, દીવો, કમળનું ફૂલ, કેરી, માછલી, વિવિધ પક્ષીઓ, માનવ આકૃતિઓ કે પછી દેવી દેવતાઓના ચિત્રો પણ રંગોળી તરીકે દોરવામાં આવે છે. દિવાળીના દિવસે રંગોળીની અંદર દીવડા પ્રગટાવવામાં આવે છે.

મહાભારત અને રામાયણકાળમાં પણ આંગણામાં રંગોળી કરવાનો ઉલ્લેખ છે. હવે તો બજારમાં તૈયાર રંગોળી પણ મળે છે. કાગળ કે પ્લાસ્ટિકમાં કાણાં પાડી રંગોળી તૈયાર કરાય છે. એને જમીન પર ફેલાવી તેની ઉપર કરોટી ફેરવી કાગળ ઉઠાવી લેવામાં આવે છે. ત્યારબાદ બધાં ટપકાંઓ જોડીએ એટલે રંગોળી તૈયાર. માત્ર રંગ પૂરવાનો જ બાકી રહે.

દિવાળી સમયે કે પછી કોઈ ખાસ પ્રસંગે કે પછી કોઈ મહાન વ્યક્તિનાં જન્મદિવસ પર ખુશી વ્યકત કરવા માટે રંગોળી કરવામાં આવે છે. કોઈ મહાન વ્યક્તિ મૃત્યુ પામેલ હોય તો જન્મતિથી કે મૃત્યુતિથી પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રંગોળી કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સ્થળોએ રંગોળી સ્પર્ધા કે રંગોળી પ્રદર્શન પણ રાખવામાં આવે છે, જેમાં રંગોળીમાં રસ ધરાવનાર સ્પર્ધકો પોતાનું કૌશલ્ય બતાવે છે.

આમ, વાર તહેવારે રંગોળી એ ઉજવણીનું એક અભિન્ન અંગ બની રહે છે.

વાંચવા બદલ આભાર.🙏


- શ્રીમતી સ્નેહલ રાજન જાની