Harsh-Harshita ni Tanvi - 2 in Gujarati Love Stories by સંદિપ જોષી સહજ books and stories PDF | હર્ષ- હર્ષિતા ની તન્વી - 2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

હર્ષ- હર્ષિતા ની તન્વી - 2

ભાગ - 2

મિત્રો આપણે જોયું કે હર્ષિતા ખૂબ ચિંતામાં છે, અને હર્ષને જાણે કંઇ પડીજ નથી એમ મફતિયું વાઉચર વાપરવા બહાર જમવાનો પ્લાન બનાવી દીધો છે. જોઈએ આગળ શું થાય છે.

હર્ષિતા વિચારોના સરી ગઈ, શું હર્ષ અમારી દીકરી પ્રત્યે આટલો બેદરકાર છે કે પછી જવાબદારી નું કંઈ ભાન જ નથી, કે પછી એ પણ તન્વી ની સાથે પહેલેથી મળી ગયેલો છે કે પછી હર્ષ પણ કોઈ બીજી ના ચક્કરમાં છે?

હર્ષનું આવું બેદરકારી ભર્યું વર્તન યોગ્ય તો ન જ હતું, પણ શું કરે? હર્ષિતા પાસે હાલ તો લડવાની શક્તિ ન હતી એટલે સુઈ ગઈ.

સવારની હળવી કસરત, ચા અને નાસ્તો પતાવી ફ્રેશ થઈ હર્ષ થોડીવારમાં આવું છું એટલું જ કહીને બહાર ગયો.

હર્ષિતા પણ ફટાફટ ઘરનું કામ પતાવી થોડી ઘરની વસ્તુની ખરીદી કરવાની હતી એટલે એ માટે મોલમાં જતી હતી ત્યારે તન્વીએ પૂછ્યું, મોમ હું પણ આવું શોપિંગ કરવા જોડે? મનેકમને હર્ષિતાએ હા પાડી એટલે બંને નજીકના મોલમાં પહોંચી ગયા.

મોલ પર પહોંચી તન્વીએ કહ્યું, મોમ હું એક્ટિવા નીચે પાર્ક કરીને આવું છું અહીં બહાર તડકામાં ગરમ પણ થશે અને રસ્તા પર પાર્કિંગ યોગ્ય નથી. સારું કહી હર્ષિતા મોલમાં જાય છે ને તન્વી નીચે પાર્કિંગ કરવા.

ભોંયરામાં પાર્કિંગમાં ઓછી લાઈટ હોય એટલે તન્વી સ્કુટરની લાઈટ ચાલુ કરી દે છે અને અંદર તરફ જવા જાય છે ત્યાંજ એની નજર મોલને અડીને બાજુમાં કોમ્પ્લેક્સમાં પડેલી કાર પર જાય છે. તે કારમાં બીજુ કોઈ નહિ પણ હર્ષ અને બીજી કોઈ સુંદર સ્ત્રી બેઠા હતા અને બેઠા બેઠા હસી હસી ને હાથ મિલાવી વાતો કરી રહ્યા હતા અને એકવાર તો ગળે પણ મળ્યા. તન્વીને અજુગતું લાગ્યું પણ એણે મગજ ચલાયું. મારા અફેર વિશે મોમે ડેડ ને વાત કરીજ હશે તોય ડેડ કાલે રાતે જમવામાં કે પછી પણ કંઈજ ન બોલ્યા ને ઉલટાનું આજે બહાર જમવાનું પ્લાન બનાવી દીધો.

તન્વી વિચારી રહી, નક્કી ડેડનું કઈંક ચક્કર લાગે છે એટલે જ તો ક્યારના આવું છું કહીને બહાર જતા રહ્યા અને રહી વાત બહાર જમવાની, એ તો મફતિયું વાઉચર આવ્યું એટલે લઈ જાય છે બાકી ડેડ આમ કારણ વગર બહાર નથી લઈ જતા જમવા. જે રીતે ઘરે કહ્યાં વગર ડેડ બહાર કોઈ સુંદર સ્ત્રીને આટલી આત્મીય રીતે મળી રહ્યા છે એટલે નક્કી ડેડનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. તન્વી અચરજ અને ખુશીની મિશ્ર લાગણી અનુભવવા લાગી. એને થયું ડેડ પોતે જ લફરાં કરે છે અને હું તો સાચો પ્રેમ કરું છું એટલે મને ડેડ તો રોકીજ નહીં શકે મારી પસંદગીની જગ્યાએ લગ્ન કરતા એટલે થોડા દિવસોમાં મારા લગ્ન ચોક્કસ થઈ જ જશે.

અચાનક મોલના કર્મચારીથી એક ખોખું પડયું એનો અવાજ સાંભળી તન્વી વિચારોમાંથી બહાર આવી ફટાફટ નીચે બેઝમેન્ટમાં પાર્કિંગ કરી એની મોમ પાસે મોલમાં પહોંચી ગઈ.

ઉપર જઈ હર્ષિતાને ગોતી એની સાથે હલીમળીને ઘરની જરૂરી વસ્તુનું શોપિંગ કરવા લાગી. ડેડની વાત સમય આવે ફાઇનલ પંચની જેમ ઉપયોગમાં લઈશ તેવું વિચારી તન્વીએ હર્ષિતાને અત્યારે કઈં વાત ન કરી.

આ બાજુ હર્ષિતા ખુશ હતી કેમ કે કાલ સુધી એકદમ દિકરીને ખુશ જોઈને પણ એને પણ નવાઈ લાગી કે કરમાઈ ગયેલા ફૂલ જેવું મોઢું કરીને બેસેલી તન્વી અચાનક ખીલી ઉઠેલા ફૂલની જેમ કેમ દેખાય છે? વાતનું વતેસર નથી કરવું એમ વિચારી હર્ષિતા પણ ચૂપ રહી. જરૂરી શોપિંગ કરી બંને ઘરે પહોંચ્યા.

તન્વી અને હર્ષિતાના ઘરે આવ્યાંના લગભગ અડધો કલાક પછી હર્ષ ઘરે આવ્યો.

તન્વી એના ડેડને આટલી બધી વાર લાગી એ જોઈને ખુશ હતી કેમ કે એને તો અમોઘ શસ્ત્ર મળી ગયું ડેડની વિરુદ્ધમાં. હર્ષિતા આ બંનેનું વર્તન જોઈ બહુ ચિંતામાં હતી પણ વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી કે એના ચહેરા પણ ના દેખાય.

હર્ષ તો જાણે એની જ મસ્તીમાં હતો રોજની જેમ. હર્ષિતાને તન્વી કરતા હર્ષનું વર્તન વિચિત્ર લાગતું હતું.

બપોરનો સમય થયો એટલે..

હર્ષ: તન્વી બેટા, હર્ષિ તમે બંને જલ્દી તૈયાર થાવ હું ક્યારનો તૈયાર થઈને બેઠો છું. રેસ્ટોરન્ટમાં ભીડ થઈ જશે પછી નઈ મજા આવે.

તન્વી સરસ તૈયાર થઈ રહી હતી અને ખુશ પણ હતી અને ખુશી નું કારણ તો તમને ખબર જ છે.

હર્ષિતા ને બીલકુલ મન ન હતું અને હવે તો હર્ષ પર થોડો ગુસ્સો પણ આવવા લાગ્યો હતો કેમ કે એકતો આવી અસમંજસ ભરી પરિસ્થિતિમાં બહાર જમવાનું ગોઠવ્યું અને પાછો અત્યારે રૂમમાં અંદર આવીને કેવીરીતે તૈયાર થવાનું એ કહી ગયો. બહાર જવાનું હતું એટલે જરૂર પૂરતું તૈયાર થઈ રહી.

તૈયાર થઈ ને આવ્યા એટલે હર્ષે તન્વી અને હર્ષિતા ના વખાણ કર્યા. તન્વી યુવાન ઉર્જામય અને સરસ સ્મિત સાથે મોહક દેખાઈ રહી હતી. હર્ષિતા ભલે જરૂર પૂરતું તૈયાર થઈ હતી પણ એની મારકણી આંખો, જોઈને જ મોહિત થઈ જવાય એવું સ્મિત અને સુંદર ગૌર ચહેરા પર હર્ષ જાણે ફિદા થઈ ગયો અને નજીક આવી હળવે થી વાળમાં હાથ ફેરવી હર્ષિતા અને તન્વી બંને ને ગળે મળ્યો.

તન્વી અને હર્ષિતા માટે આ કઈં નવું ન હતું, આમ તો રોજ હર્ષ રોમેન્ટિક જ હોય પણ જ્યારે પણ બહાર જવાનું હોય કે હર્ષિતા તૈયાર થઈ હોય ત્યારે હર્ષનો ઉત્સાહ બમણો થઈ જતો.

હર્ષિતા: ચલ હવે બહુ પટુંડા ના કર, મોડું થશે તો રેસ્ટોરન્ટમાં ભીડ થશે અને એ તને નહિ ગમે.

હર્ષ: હા જઈએ જ છીએ, આ તો તને જોઈને ક્યાં ખોવાઈ જવ છુ ખબર જ નથી રહેતી. રેસ્ટોરન્ટમાં ભીડ થાય ને બધા તને જોઈ રહે એ મને કેમ ગમે.

આ સાંભળીને હર્ષિતા હસી પડી ને કહેવા લાગી ઓકે સારું ચલ હવે.

તન્વીએ પણ મોકો જોઈને જાણે પોતાના શસ્ત્રની ટ્રાયલ લેતી હોય એમ હર્ષને પૂછી રહી.

ડેડ જો મોમ ને બધા જોવે એવું તમને ના ગમે તો, મોમ ને પણ તમને બીજી કોઈ સ્ત્રી જોવે કે તમારી પાસે આવે એ ન જ ગમે ને.

આ સાંભળીને હર્ષિતા તો એકક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ પણ એ કંઈ બોલે તે પહેલાં જ હર્ષ બોલી ઉઠ્યો, હા તન્વી બિલકુલ સાચી વાત છે અને હું તો એમજ ચાહું કે મારીપર હર્ષિ નો એકાધિકાર રહે. હર્ષિ જ મારો પ્રેમ ને મારી પ્રેરણા છે.

તન્વી: વાઉ ડેડ વેરી રોમેન્ટિક એન્ડ ડેડીકેટેડ. (તન્વી બૉલીને ભલે વખાણ કરી રહી હતી પણ મનમાં તો એવું વિચારી રહી કે કેવુ ડબલસ્ટાન્ડર્ડ છે ડેડ નું, બોલે છે કેવું સારું સારું પણ હકીકતમાં તો બહાર લફરાં કરે છે.)

હર્ષ: ખૂબ આભાર તન્વી બેટા. ચાલો હવે આપણે નીકળીએ નહીંતો ..........

ભીડ થઈ જશે - ત્રણે જણા સાથે બોલી પડ્યા અને હસી પડ્યા.

ફટાફટ ટ્રાફિકને વીંધતા તેઓ હાઇવે પર આવેલી રેસ્ટોરન્ટમાં ટાઇમસર પહોંચી ગયા. ગાડીમાંથી ઉતરતા જ હર્ષિતા બોલી ઉઠી, હર્ષ આ તો ....

હર્ષિતા વાક્ય પૂરું કરે તે પહેલાં જ હર્ષે કહ્યું, હા.

તન્વી: વાઉ ડેડ! શું મસ્ત રેસ્ટોરન્ટ છે!

આમજ વાતો કરતા ત્રણે જણા અંદર જાય છે જે ટેબલ ખાલી છે તેમાંથી મનપસંદ ટેબલ પર બેસી જાય છે.

હર્ષિતા સૌથી વધુ ચિંતામાં હોય છે ચલો જોઈએ રેસ્ટોરન્ટમાં હર્ષિતા અને તન્વી ને કેમનું રહે છે, હર્ષનો તો સવાલ જ નથી, એ તો એની મસ્તીમાં જ મસ્ત છે.

ક્રમશઃ

પ્રસ્તુતિ: સંદિપ જોષી ( સહજ)

.......................