Anamica - 1 in Gujarati Moral Stories by Parul books and stories PDF | અનામિકા - 1

The Author
Featured Books
Categories
Share

અનામિકા - 1

ભાગ - 1

"રેવા…., મારી.. ચા..ક્યાં છે…?"

"રેવા…., મારાં.. કપડાં..ક્યાં છે…?"

રેવા…, મારી..પૂજાની થાળી..ક્યાં છે..?'

જે દિવસથી રેવા ધર્મેશને પરણીને એનાં સાસરે આવી એ દિવસથી ઘરમાં બધાં લોકોની રોજની સવાર આ સવાલોથી શરૂ થાય. ને રેવાની સવાર હસતાં મોઢે એ સવાલોનાં જવાબ આપવાથી થાય.

"પપ્પાજી…., લાવી તમારી..ચા.."

"ધર્મેશ…., તમારાં કપડાં બેડ પર રેડી છે.."

"મમ્મીજી…, તમારી પૂજાની થાળી મંદિર પાસે મૂકાઈ ગઈ છે."

દરરોજ સવારે નિયમિત રીતે રેવા પોતાનાં કામ કરી લેતી હોય છે છતાં બધાં રોજ સવારે રેવા…, રેવા….કરતાં હોય. લગ્ન કરીને આવ્યા પછી રેવાએ આ ઘરને અને પરિવારને એવું સંભાળી લીધું કે એનાં વગર ઘરની સવાર અને પરિવારની સંભાળ અકલ્પ્ય લાગે. ઘરને લગતું કે પોતાને લગતું કોઈ પણ કામ હોય તો  ઘરનાં બધાં લોકોનાં મોઢાં પર રેવાનું નામ જ પહેલાં નીકળતું. રેવા હસતાં ચહેરે બધાંને અને બધાંનાં કામને વધાવી લેતી.

રેવા ઘરનાં બધાં જ કામમાં નિપુણ, પરિવારને સાચવવામાં સુશીલ, વરને ખુશ રાખવામાં માહિર હતી. રેવા ભણવામાં પણ ઘણી હોશિયાર હતી. ભણીને એને નોકરી કરવી હતી એટલે જ ગ્રેજુએશનની સાથે - સાથે કોમ્પ્યુટર કોર્સ પણ કર્યો હતો. પણ નોકરી કરવાનું એનું સપનું પુરું થઈ શક્યું નહિ. એનું ભણવાનું પત્યું ને ત્યાં તો એક ખૂબ જ સારાં છોકરા સાથે એનાં લગ્નની વાત ચાલી. ઘર, પરિવાર અને છોકરો બધું જ રેવાનાં પિતાને રેવા માટે  ખૂબ જ યોગ્ય લાગ્યું હતું. આટલું સરસ ઘર અને આવાં સરસ માણસો જવા ન દેવાય એવું રેવાનાં પિતાને લાગતાં રેવાનાં લગ્ન એ નોકરી કરે એ પહેલાં જ ગોઠવાઈ ગયાં.

લગ્ન પછી એક દિવસ એણે ધર્મેશને વાત કરી,

"ધર્મેશ…., મારે તમને એક વાત કહેવી છે."

"હં.., શું છે બોલ…"

"મારે નોકરી કરવી છે."

"શ્..શ્..શું કીધું તેં?"

"મારે નોકરી કરવી છે."

"ગાંડી થઈ ગઈ છે તું. તને પૈસા કમાવવાની શી જરૂર છે? હું સારી એવી કમાણી કરું છું. પપ્પા પણ કમાણી કરે છે. આપણે ક્યાં પૈસાની ખોટ છે! તને વધારે પૈસા જોઈતાં હોય  તો તું મારી પાસે માંગને.."

"સવાલ પૈસાનો નથી..  "

"તો….?"

"સવાલ મારાં ભણતરનો છે. મને એમ થાય છે કે હું આટલું ભણી છું, મેં કોમ્પ્યુટર કોર્સ કર્યો છે તો એનો સદુપયોગ થાય."

"તારાં ભણતરનો સદુપયોગ તો થઈ જ રહ્યો છે ને… "

"કેવી રીતે…?"

"તું આટલું સરસ ઘર સંભાળે છે, મને સારી રીતે સાચવે છે, મારાં માતા - પિતાની આટલી દરકાર કરે છે એમાં જ તો તારાં ભણતરનો સદુપયોગ છે રેવા. અને હા…, આપણું બાળક થશે એનાં ઉછેરમાં, એને ભણાવવા માટે પણ તો તારાં જ ભણતરનો સદુપયોગ થશે."

"ઠીક છે…"

"તું જોજેને આપણું બાળક આવશે પછી તો તારી પાસે સમય જ નહિ હોય."

ધર્મેશની વાત સાંભળી રેવા શરમાઈને હસી પડી. ધર્મેશની વાત સાચી પણ પડી. એમનું બાળક થયાં પછી રેવાને સમય રહેતો જ નહોતો. રેવાનો મોટાં ભાગનો દિવસ એ બાળકની પાછળ જ જતો રહેતો હતો. એ લોકોએ પોતાનાં બાળકનું નામ રીધમ પાડ્યું. રીધમનાં થોડાંક મોટા થયાં પછી સવારે રેવાનાં નામની એક નવી હાક ઉમેરાઈ હતી,

"મમ્મી…, મારું ટિફિન ક્યાં છે?"

ને રેવાનો જવાબ હોય, "બેટા…, ટેબલ પર રાખ્યું છે."

રીધમ શાળાએ જતો થયો પછી રેવાને નોકરી કરવાની ઈચ્છા પાછી થઈ આવી. આ વખતે એણે સાસુજી સમક્ષ પોતાનાં મનની વાત કહી,

"મમ્મીજી…..મારે તમને કંઈક કહેવું છે."

 

"બોલ…., શું કહેવું છે?"

"મમ્મીજી…, મારે નોકરી કરવી છે."

"લે…! મારો દીકરો.., ધર્મેશ આટલાં બધાં પૈસા કમાઈ છે તોય તને ઓછા પડે છે…!!!!"

"ના…, મમ્મીજી…"

"તો પછી તને નોકરી કરવાનો વિચાર આવ્યો..કેમ..?"

"મારે પૈસા માટે નોકરી નથી કરવી."

"તો પછી શેના માટે કરવી છે?"

"મને મારાં માટે, મારાં સ્વ - વિકાસ માટે નોકરી કરવી છે."

"એટલે… ?"

"મને મારી આવડત, મારી નિપુણતા, મારી લાયકાત બહાર લાવવી છે, મારે મારી જાતને નિખારવી છે."

"જો.. બેટા.., હમણાં તું જે આ બધાં અઘરાં શબ્દો બોલી ને એ મને સાંભળવામાં તો સારાં લાગ્યાં, પણ ઘર, વર, પરિવાર, રીધમ ને નોકરી બધું એકલે હાથે તું સંભાળી શકીશ ખરી..? "

"મમ્મીજી બધું મેનેજ થઈ જાય…"

"પણ ઘરની વહુ બહાર નોકરી કરવા જાય એ આપણાં ઘરમાં કે કુટુંબમાં હજી સુધી બન્યું નથી ને કદાચ બનશે પણ નહિ. માટે નોકરી કરવાના તારાં વિચારને પડતો મૂક."

"મને તો એમ હતું કે તમને મારો વિચાર ગમશે કારણ જમાનો હવે ઘણો બદલાઈ ગયો છે. કેટલાંય ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરતી થઈ ગઈ છે ને કેટલીય મહિલાઓ પુરુષો કરતાં ઉચ્ચ હોદ્દા પર રહીને કામ સંભાળતી થઈ ગઈ છે એ પણ પરિણીત."

"જમાનો ભલે બદલાઈ ગયો હોય, એ પણ ખરું કે ઘણાં ક્ષેત્રોમાં મહિલાઓ આજે કામ કરે છે, ને માન્યું મહિલાઓ પુરુષો કરતાં આગળ વધી રહી છે, પણ આપણાં ઘરનાં અમુક રીતિ - રિવાજો છે જે વર્ષોથી ચાલી રહ્યાં છે જેમાં આજ સુધી કોઈ બદલાવ થયો નથી. આપણાં ઘરની વહુઓને બહાર નોકરી કરવા માટે મોકલવામાં આવતી નથી. સ્ત્રીઓ કુંવારી હોય ને ત્યાં સુધી જ પોતાનાં સપનાં પૂરા કરી શકે, પોતાની જિંદગી જીવી શકે, પોતાનાં કેરિયર માટે વિચારી શકે. લગ્ન પછી તો વર, ઘર, પરિવાર ને સંતાન જ એનાં સપના, એની જિંદગી અને એનું કેરિયર બની જતાં હોય છે."

"પણ…, મમ્મીજી…"

"ઘરની સંભાળ રાખવી, વર માટે હાજર રહેવું, સાસુ - સસરાની દરકાર કરવી, રીધમનું ધ્યાન રાખવું વગેરે કામ જે તું કરે છે એ પણ એટલાં જ મહત્ત્વનાં છે જેટલાં ઓફિસમાં બેસીને કરાતાં કામ મહત્તવનાં હોય છે. રીધમ હજી નાનો છે,એનું સતત ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. માતા - પિતા બેય જો ઘરની બહાર નોકરી કરવાં જતાં હોય તો છોકરાઓ વંઠેલ થઈ જાય છે. માટે માતા કે પિતા બેમાંથી એક જણનું ઘરમાં રહેવું ફરજિયાત બની રહે છે. નહિ તો બાળકનાં ઉછેરમાં કંઈક કમી રહી જતી હોય છે. એટલે આ નોકરી કરવાનો વિચાર મનમાંથી કાયમ માટે દૂર કરી રીધમનાં ઉછેર પર ધ્યાન રાખજે."

"હા…, ભલે..મમ્મીજી…"

સાસુજીનાં જુનવાણી વિચારો સામે રેવાનાં આધુનિક વિચારોએ નમતું જોખવું પડ્યું. પેલા દિવસે વરની વાતો સામે પોતાની વાત રાખી શકી નહિ ને આજનાં દિવસે સાસુજીની દલીલ સામે પોતે વધુ દલીલ કરી શકી નહિ.

એનો અર્થ એ નહોતો થતો કે રેવા પોતાની વાત મનાવવા માટે નબળી પડી હતી કે પોતાનાં માટે વધુ દલીલો કરવા માટે કાચી સાબિત થઈ હતી કે પોતાનાં માટે પ્રયત્નો કરવામાં એ પાછી પડી હોય. એણે ત્યારે પતિનું માન સાચવવા માટે આગળ વાત વધારી નહોતી ને અત્યારે સાસુજીની આમાન્યા જળવાઈ રહે એ માટે ચૂપ થઈ ગઈ હતી. એણે ત્યારે પણ સમજદારી દેખાડી હતી ને એણે અત્યારે પણ સમજદારી જ દાખવી હતી.

એક દિવસ ધર્મેશ, રેવા અને રીધમ ત્રણેય એક રેસ્ટોરન્ટમાં ગયાં હતાં જ્યાં રેવાને પોતાનાં કોલેજ કાળની એક બહેનપણી મળી ગઈ હતી. જેનું નામ હરિતા હતું. રેવાએ એની સાથે ઘણી વાતો કરી. એની સાથે વાતો કરતાં - કરતાં રેવાએ જાણ્યું કે હરિતા જેની સાથે આવી હતી એ એનો બીજી વારનો હસબન્ડ હતો. પહેલા હસબન્ડ સાથે એણે  છૂટાછેડા લઈ લીધાં હતાં કે જે એક પ્રેમલગ્ન હતાં. હરિતાનાં પહેલા પતિએ લગ્ન પછી એને જીન્સ કે એનાં બીજાં મોડર્ન કપડાં પહેરવાની મનાઈ કરી હતી ને એટલે હરિતાએ એની સાથે છૂટાછેડા લીધાં હતાં. કારણ વિચારોમાં મતભેદ હોય તો લગ્ન જીવન ખેંચી તો શકાય છે પણ માણી શકાતું નથી એવું હરિતા દૃઢપણે માનતી હતી. પહેલાં તો રેવાને લાગ્યું કે આવી નજીવી બાબત માટે એણે છૂટાછેડા લઈ લીધાં પણ પછી એને હરિતાની વાતમાં ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ તો લાગી. હરિતાએ પત્નીઓ પરનાં પતિઓનાં વધુ પડતાં વર્ચસ્વને નકાર્યો હતો. રેવાએ મનોમન એનાં ક્રાંતિકારી વિચારને વધાવી લીધો હતો. રાત્રે સૂતી વખતે રેવાનાં મનમાં હરિતાએ વિચારોમાં મતભેદ અંગે કહેલી વાત વારંવાર ચાલ્યા કરતી હતી. એ કશાક ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ હતી. બહુ મોડી રાત્રે એની આંખ સૂવા માટે બિડાઈ હતી.

(ક્રમશ:)

----------------------