The Plight of students scrambling for government jobs in Gujarati Magazine by Parth Prajapati books and stories PDF | સરકારી નોકરી માટે વલખાં મારતાં વિદ્યાર્થીઓની વ્યથા

Featured Books
Categories
Share

સરકારી નોકરી માટે વલખાં મારતાં વિદ્યાર્થીઓની વ્યથા

શાળાના વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન આવી જાય તે માટે અનેક સેમિનાર કરવામાં આવતાં હોય છે. એમાંય બોર્ડના વિદ્યાર્થીઓ માટે તો વિશેષ રીતે સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. આપણા વડાપ્રધાનશ્રી પણ પરીક્ષા પહેલાં ' પરીક્ષા પે ચર્ચા ' નામનો કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારતાં જોવા મળે છે. જો બાળક પરીક્ષામાં નિષ્ફળ જાય તો એને નિષ્ફળતામાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય તેવી ફિલ્મો પણ બનતી હોય છે. જેથી વાલીઓ પોતાના સ્વપ્નો બાળકો પર ઠોકી ન બેસાડે અને બાળકને યોગ્ય માર્ગદર્શન આપે. બાળકોને ઘરમાં જ યોગ્ય વાતાવરણ મળી રહે એ માટે વાલીઓને પણ સમજાવવામાં આવે છે.

આ બધાની વચ્ચે કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની તો વાત જ નથી કરતું. તેમને તો કોઈ વિદ્યાર્થી તરીકે પણ ગણતરીમાં નથી લેતું? આવું કેમ? ફરક માત્ર એટલો જ ને કે તેઓ કોઈ શાળામાં કે કોલેજમાં નથી ભણતાં! તેઓ તો માત્ર ને માત્ર એક ઉમેદવાર જ હોય છે. સરકારી નોકરી માટે અરજી કરતો એક બેરોજગાર ઉમેદવાર...

વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી. જે વિદ્યા મેળવવા માટે પ્રયત્નશીલ હોય તેને વિદ્યાર્થી જ કહેવાય. આ વ્યાખ્યામાં ક્યાંય એવું લખેલું નથી જણાતું કે વિદ્યાર્થી એટલે શાળા કે કોલેજમાં જ ભણતો હોવો જોઈએ. જે પણ વ્યક્તિ વિદ્યા મેળવવા પ્રયત્નશીલ હોય તે વિદ્યાર્થી કહેવાય. ફરક માત્ર એટલો જ છે કે શાળા કે કોલેજમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીને આગળના વર્ગમાં જવાની તક મળે છે અને સરકારી પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીને નોકરીની તક મળે છે. એમાંય કેટકેટલાંય સ્ટેજ હોય છે. આ બધા સ્ટેજમાંથી જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય એ જ સરકારી નોકરી માટે લાયક ગણાય છે. શાળા કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ કરતાં તો સરકારી નોકરીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ વધુ મહેનત કરે છે. આખો દિવસ ચોપડીઓમાં આંખો ફોડી હોય ત્યારે પરીક્ષામાં પાસ થવાય છે. માત્ર પાસ થવાય છે. અહીં ટોપ પર આવવાની ઘેલછા કોઈનામાં હોતી નથી. અહીં તો માત્ર મેરીટમાં આવવાનું હોય છે. બુદ્ધિકસોટીની ચારણીમાં ચારથી પાંચ લાખ વિદ્યાર્થીઓ ચાળીને માત્ર સો કે બસો વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે. હવે વિચારો, કેટલી અઘરી હશે પરીક્ષા!!!

બોર્ડનો વિદ્યાર્થી માર્ચમાં કોઈ પરીક્ષામાં નાપાસ થાય તો જુલાઈમાં પરીક્ષા આપીને પાસે થઈ શકે છે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું નથી હોતું. અહીં તો બે થી ત્રણ વર્ષથી રોજના બારથી અઢાર કલાક મહેનત કરી હોય અને જો કોઈ પરીક્ષામાં નાપાસ થવાય તો કારકિર્દી પર જોખમ આવી જાય છે. ફરીથી એ પરીક્ષા કાં તો આવતાં વર્ષે આવે અને કદાચ બે કે ત્રણ વર્ષે પણ આવે એનું કંઈ નક્કી નહિ. હવે આ તૈયારી કરતો વિદ્યાર્થી સામાન્ય રીતે સ્નાતકની પરીક્ષા પાસ કરી ચૂક્યો હોય છે એટલે શક્ય છે કે તેની ઉંમર ૨૨ થી ૨૫ વર્ષની હોવાની. કેટલાકની ઉંમર તો ૨૫ થી ૩૦ વર્ષની હોય છે. આટલી ઉંમરે જો કોઈ નાપાસ થાય અને તેને બે કે ત્રણ વર્ષ બીજી પરીક્ષાની રાહ જોવી પડે તો એ ક્યારેય ન પોસાય.

પરીક્ષામાં પાસ થઈને નોકરી મળી જાય તો ઠીક છે પરંતુ બધા સંજોગોમાં એવું નથી હોતું. ભ્રષ્ટાચારનો અજગર જે રીતે આજે દેશના વિકાસને ધીરે ધીરે ગળી રહ્યો છે, તે રીતે તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓને પણ બાકાત નથી રાખી. ઘરથી દૂર રહીને, ટિફિનના ભોજન અને બીજી મર્યાદિત વ્યવસ્થાઓ સાથે સમજૂતી કરીને, અથાક પરિશ્રમ કરીને જે પરીક્ષાની તૈયારી કરી હોય તે પરીક્ષાનું પેપર ફૂટી જાય ત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાય છે. કોઈને કાંઈ પણ કહી નથી શકાતું અને પોતાની જાતને બીજાને સમજાવી પણ નથી શકાતી. જેમ જેમ તૈયારીનો સમય વધતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીના દિમાગ પર પ્રેશર વધતું જાય છે. સગાવહાલાઓ વાતવાતમાં ટોકતાં હોય છે, કે ક્યારનો તૈયારી કરે છે, હજુ સુધી મેળ કેમ નથી પડતો? ચારે તરફથી બસ હતોત્સાહ પ્રાપ્ત થાય છે. મિત્રો સાથે પણ સંપર્ક ઓછો થઈ જાય છે. મિત્ર વર્તુળમાં હાંસીનું પાત્ર બની જવાય છે. જાણે સમાજથી અને સંબંધોથી વિખૂટા પડી ગયા હોઈએ એવું લાગ્યાં કરે છે. હૃદયનાં ઊંડાણમાં બસ એક જ આશ હોય છે કે એક વાર નોકરી મળી જાય પછી શાંતિથી મિત્રો સાથે ગપ્પાં મારીશું. નોકરી મળી જશે પછી બધું ઠીક થઈ જશે. જે સંબંધોને ઓછો સમય આપવાને કારણે બગડ્યા છે તે નોકરી મળ્યાં પછી પાછા હતા એવા થઈ જશે. બસ એક વાર પરીક્ષામાં પાસ થઈ જાઉં, નોકરી મળી જાય પછી બધું સારું થઈ જશે.

આંખોનું આ એક જ સ્વપ્ન હોય છે જે હાર માનવા નથી દેતું. અનેક પરીક્ષાઓમાં સતત નિષ્ફળતાઓ મળ્યાં કરે છે છતાં એવું લાગે છે કે, વાંધો નહિ, આ કોઈ છેલ્લી પરીક્ષા નથી. હવે જે પરીક્ષા આવશે એમાં નક્કી પાસ થઈ જઈશ. અહીં દરેક વિદ્યાર્થીની પોતાની આગવી કહાની હોય છે. દરેક વિદ્યાર્થીની પોતાની સંઘર્ષગાથા હોય છે. દરેક વિદ્યાર્થી પાસે તૈયારી ચાલુ રાખવાનાં અને છોડી દેવાનાં પોતાનાં આર્થિક કે સામાજિક કારણો હોય છે. ઘણા વિરલાઓ એવા હોય છે કે, જેઓ પોતાની મહેનતનાં જોરે વિધિનું વિધાન પણ બદલી નાખવાની હિંમત ધરાવતાં હોય છે. વારંવાર મળતી નિષ્ફળતા અને હતોત્સાહિત વાતાવરણ વચ્ચે પણ પોતાને પ્રોત્સાહિત રાખવાની કળા તો આ પરીક્ષાર્થીઓ પાસેથી શીખવી જોઈએ. જ્યાં સામાન્ય માણસની હિંમત જવાબ આપી દે છે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીની હિંમત મુશ્કિલ ઘડીમાં પણ ચટ્ટાનની માફક ટક્કર આપવા ઊભી હોય છે. અહીં સફળતા એને જ નામે થાય છે, જેની પાસે મજબૂત મનોબળ અને નિરંતર અભ્યાસ કરતાં કરતાં દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાની ત્રેવળ હોય છે.

લેખક :- પાર્થ પ્રજાપતિ