14 August 1947 in Gujarati Anything by bhagirath chavda books and stories PDF | 14 August 1947

Featured Books
Categories
Share

14 August 1947

14 ઓગસ્ટ 1947 ની સવાર ઊગી અને ભારતની આઝાદીને આખરી ઓપ આપવા આખા દેશના ચક્રો ગતિમાન થયા. સાંજ પડતા સુધીમાં બધી તૈયારી થઈ ચૂકી હતી. ત્યાં સુધીમાં વરસાદ પડવાનું શરૂ થઈ ચૂક્યું હતું. વરસાદ પણ જાણે આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બનવા માંગતો હતો. રાતના નવેક વાગ્યા સુધીમાં તો દિલ્લીના રાયસીના હિલ્સ પર પાંચેક લાખ લોકો એકઠા થઈ ગયા. આખરે દેશની જનતાને પણ પોતાના આઝાદ દેશના રાષ્ટ્રધ્વજને લહેરાતો જોવો હતો. દસના ટકોરા પડ્યા અને પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને માઉન્ટ બેટન રાષ્ટ્રપતિ ભવનમાં હાજર થયા. બાર વાગવામાં આંગળીના વેઢે ગણાય એટલી જ મિનિટો બાકી હતી અને જવાહરલાલ નહેરૂજીનું એ ટૂંકું અને ઐતિહાસિક ભાષણ શરૂ થયું, “we made a tryst with destiny; and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.” આ ભાષણ 20 મી સદીનું ઉત્તમોત્તમ ભાષણ હતું. પહેલાંથી નક્કી થયા મુજબ 12 વાગ્યા પહેલાં ભાષણ પૂરું થયું અને 14 ઓગસ્ટની બરાબર અડધી રાત્રે ભારતની આઝાદીનો શંખનાદ થયો. એ પછી આઝાદ ભારતમાં પ્રથમ વખત તિરંગો લહેરાવવામાં આવ્યો. લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા. હાજર રહેલ દેશની જનતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. આંસુ તો દેશભરની જનતાની આંખોમાં હતા પણ બદ્નનસીબે એ બધા હરખના આંસુ નહોતા! ક્યાંક દુ:ખના આંસુઓ પણ સરી રહ્યા હતા. અને એ આંસુઓ માટે કારણભૂત હતા આઝાદીની સાથે દેશને ભેટમાં મળેલ એ કાળમુખા ભાગલા!

દિલ્લીમાં આઝાદીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો પણ ત્યાંથી 1500 કિલોમીટર દૂર એક વૃધ્ધ શરીરમાં દેદીપ્યમાન મહાન આત્મા ઘવાઈ રહ્યો હતો! કેટલાક લોકોની અલગ દેશની માંગે દેશના ભાગલા કર્યે જ છૂટકો કર્યો હતો. અને આ ભાગલાના પગલે દેશમાં હિન્દુ-મુસ્લિમ દંગા ફાટી નીકળ્યા હતા. મહાત્માના વૃદ્ધ શરીરથી આ સહેવાતું નહોતું. અને એટલે જ આઝાદીના ઉત્સવમાં સામેલ થવાની જગ્યાએ તેઓ કલકત્તામાં આ અફરાતફરીને શાંત કરવા રોકાયેલા હતા. એમનો માહ્યલો કદાચ પોકારી પોકારીને પૂછતો હશે કે, શું આ દિવસ માટે એમણે આખી જિંદગી ખર્ચી નાંખેલી? શું આ દિવસ જોવા માટે ભગતસિંહ જેવા યુવાનો ફાંસી પર ચડ્યા હતા? શું આ દિવસ જોવા માટે એક સો નેવું વર્ષ સુધી ભારતા સ્વાતંત્ર્ય સેનાનિઓ લડ્યા હતા? દંગા થવા પાછળ વાંક ના તો હિન્દુઓનો હતો કે ના મુસ્લિમોનો. વાંક હતો એ ખંધા અંગ્રેજોનો. એમણે જેટલા દેશોને પોતાની ચૂંગાલમાંથી આઝાદ કર્યા છે એ બધાને આવી રીતે ટૂકડા કરીને જ છોડ્યા છે. જેથી પાછળથી એ લોકો અંદરોઅંદરના ઝઘડામાં પોતાના પર થયેલા અત્યારોનો બદલો લેવાનું જ ભૂલી જાય! 14 મી ઓગસ્ટના રોજ જ્યારે દેશ આઝાદીની મંઝીલથી માત્ર થોડા કલાકો જ દૂર હતો, જ્યારે દેશની અણસમજુ જનતા એકબીજાના લોહીની તરસી બની હતી, ચારેય તરફ લોહીની નદીઓ વહેતી હતી અને આખો દેશ ભડકે બળી રહ્યો હતો. એ સમયે લોર્ડ માઉન્ટ બેટન પોતાની પત્નિ સાથે અમેરિકન એક્ટર બોબ હોપની ફિલ્મ "My favorite Brunette" નો આનંદ લઈ રહ્યો હતો! અંગ્રેજો માટે શું ભારતની આઝાદી કરતા પણ એના ભાગલા મહત્ત્વના હતા? શું ભારતના ભાગલાના બીજ પહેલાંથી વવાઈ ચૂક્યા હતા? આઝાદી અને ભાગલાની આખી સ્ક્રીપ્ટ મહિનાઓ પહેલાં બ્રિટનમાં લખાઈ ચૂકી હતી. અને એ સ્ક્રીપ્ટના દિગ્દર્શનની જવાબદારી માઉન્ટ બેટનને સોંપાઈ હતી. કેટલાક સત્તા લાલચુ અને ધર્માંધ લોકો ભાગલાની આ કહાનીના મુખ્ય અભિનેતા બન્યા. અને દેશની ભોળી પ્રજાને દંગા કરવાનો રોલ મળ્યો!

ઈ.સ. 1945માં બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને સાથી દેશોની જીત થઈ પણ આર્થિક હાલત કફોડી થઈ ગઈ. આખરે કંટાળીને એણે પોતાના તાબા હેઠળ રહેલા દેશોને ધીમેધીમે આઝાદ કરવાનું નક્કી કર્યું. આમ પણ હવે એમણે લૂંટાય એટલું લૂંટી લીધેલું. તો હવે આ ગરીબ દેશોની ખાલીખમ તિજોરીઓની રખેવાડી કરીને સત્તા પર બેસી રહેવાનો પણ કોઈ મતલબ નહોતો. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની સેનાનું સુકાન સંભાળનાર માઉન્ટ બેટનને ઈ.સ. 1947 ના ફેબ્રુઆરી મહિનામાં ભારતના છેલ્લા વાયસરૉય તરીકે નીમવામાં આવ્યા. આ સાથે એમને ભારતની આઝાદીની જવાબદારી પણ સોંપાઈ. 20 ફેબ્રુઆરી 1947 ના રોજ બ્રિટનના પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલી એ (Clement Attlee) ભારતને આઝાદ કરવા માટે 3 જુન 1948 નો સમય પસંદ કર્યો. પણ, અંગ્રેજોએ લગાવેલી હિંસાની ચિનગારીને ઝીણાની અલગ દેશની માંગે બરાબરની હવા આપી. આ ચિનગારી સમય કરતા વહેલી જ આગ બનીને ભભૂકી ઊઠી! આ અફરાતફરીના માહોલમાં એ નક્કી કરવું મુશ્કેલ હતું કે દંગાના લીધે દેશના ભાગલા થઈ રહ્યા છે કે ભાગલાના લીધે દંગા? તારીખ 3 માર્ચ 1947 ના રોજ જ્યારે દેશના ભાગલાનો વાયરો વાઈ રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીનો આત્મા દ્રવી ઊઠ્યો, "દેશના ભાગલા મારી લાશ પરથી પસાર થઈને જ થશે." એક તરફ મહાત્મા જીદે ચડ્યા છે તો બીજી તરફ સરદાર પટેલ અને નહેરૂજીને દેશમાં થઈ રહેલા દંગા જોતાં આ ભાગલા હવે અનિવાર્ય લાગે છે. તો આ તરફ માઉન્ટ બેટનને પણ બ્રહ્મજ્ઞન ફૂટી નિકળ્યું કે, ભારતમાં થઈ રહેલી હિંસાની કાળી ટીલીથી બ્રિટનના કપાળને બચાવવું હોય તો શક્ય એટલી જલદી એને ભાગલા પાડીને આઝાદ કરી દેવું. આથી પહેલાંથી નક્કી કરેલી તારીખને દસ મહિના આગળ ખસેડવામાં આવી.

ભારતના બે ટુકડા કરીને વચ્ચે સરહદની રેખા ખેંચવાની જવાબદારી બ્રિટનના પ્રખ્યાત વકીલ સિરિલ રેડક્લિફના (Cyril Redcliffe) ખંભે નાંખવામાં આવી. પણ આ જવાબદારીનો ભાર એમનો ખંભો ખમી ન શક્યો! એક તો ચાર-પાંચ અઠવાડીયાનો જ સમય અને ઉપરથી આ પહેલાં એમણે ક્યારેય ભારત ભાળ્યું જ નહોતું. એમને ભારતની સંસ્કૃતિ, રાજનીતિ, વેપાર, ધર્મો અને લોકોના પરસ્પર સંબંધો, નદીઓ અને ગામડાઓની સ્થિતિની બિલકુલ ગતાગમ નહોતી. એમના માટે એક વાત સ્પષ્ટ હતી કે એમણે આ રેખા એવી રીતે ખેંચવાની હતી કે જેથી મુસ્લિમ બહુમતીના વિસ્તારો પાકિસ્તાનમાં અને હિન્દુ બહુમતીના વિસ્તારો ભારતમાં રહે. આ કામ પણ અઘરું હતું. ખરેખર તો આ કામ માટે ભારતને જેણે પૂરેપૂરું આત્મસાત કર્યું હોય એવા વ્યક્તિની જરૂર પડે. જ્યારે અહીં તો ભારતની ભૂગોળ પણ સરખી ન જાણતા વ્યક્તિને આ કામ સોંપાયું. રેડક્લિફે દોરેલી રેખાએ પચાસ લાખ શીખ અને હિન્દુઓને પાકિસ્તાનના પંજાબમાં રઝળાવ્યા અને એટલા જ મુસ્લિમોને ભારતાના પંજાબમાં છોડી દીધા! તો બંગાળની સરહદ પર પણ આવો જ ઘાટ ઘડાયો. રેડક્લિફના આ કામનો બંન્ને દેશના લોકોએ વિરોધ કર્યો. આખરે ભયભીત અને નારાજ રેડક્લિફે આ કામના મહેનતાણાની 2000 પાઉન્ડની રકમ લીધા વગર જ રાતોરાત બ્રિટન તરફ ઉચાળા ભર્યા!

રેડક્લિફ તો જતો રહ્યો પણ એને દોરેલી એ કાળમુખી રેખા છોડતો ગયો. જમીન પર એક રેખા દોરાઈ અને ભારતના બે ટુકડા થઈ ગયા. એક જ ઝાટકે ભારતે 346737 ચોરસ કિલોમીટર જમીનની સાથે લગભગ સવા આઠ કરોડ લોકો પણ ગુમાવી દીધા! પણ સરહદો પર જે રેખા દોરાઈ એની એક ઊંડી છાપ લોકોના દિલોમાં પણ પડી. ભાગલા માત્ર કોઈ દેશની સરજમીનના જ નહીં પણ લોકોની લાગણીઓના પણ પડતા હોય છે! એ દિકરીની મનોસ્થિતિ કેવી હશે કે જેનું સાસરું ભારતમાં અને પિયર પાકિસ્તાનમાં રહી ગયું હશે? એ ઘરનું શું કે જેના ઓરડા ભારતમાં અને ફળીયું પાકિસ્તાનમાં રહી ગયું? શું વિભાજન આવું હોય? ખેર, વાત વસ્તુઓના ભાગ પાડવાની આવી તો ટેબલ-ખુરશીથી માંડીને સિક્કાઓ, બેંકમાં રહેલું નાણું અને લાઇબ્રેરીમાં રહેલા જ્ઞાન સુધી બધાનું વિભાજન થયું! સિવાય કે ગુપ્તચર વિભાગની ફાઈલો. કેટલાંક લોકો એ તો તાજમહેલ તોડીને પાકિસ્તાન લઈ જવા સુધીના ગાંડપણનું પ્રદર્શન પણ કર્યું. તો કેટલાક લોકોને સિંધુ નદી કોઈપણ ભોગે પાકિસ્તાનમાં નહોતી જવા દેવી. પણ એ બેમાંથી એકેયની માંગ પૂરી થાય એવી નહોતી. સૌથી વધારે નાટકીય વિભાજન થયું વાયસરૉયની ઘોડાગાડીઓનું. 12 ઘોડાગાડીઓમાં 6 ચાંદીના અને 6 સોનાના શણગારવાળી હતી. બન્ને દેશ ઇચ્છતા હતા કે એમને સોને મઢેલી ઘોડાગાડીઓ મળે. છેલ્લે સિક્કો ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો. એ સિક્કો જ્યારે જમીન પર પડ્યો ત્યારે ભારતીય અધિકારોના ચહેરા મલકી ઊઠ્યા. કારણ કે સોને મઢેલી ઘોડાગાડીઓ ભારતના ભાગે આવી હતી. આ બધાની વચ્ચે હજુ એક ભાગ પડવો સૌથી કઠીન હતો, ભારના ફોજી જવાનોનો. જવાનોએ નિર્ણય કરવાનો હતો કે એમણે પાકિસ્તાનની ફોજમાં જવું કે ભારતની. ભારતમાં રહેતા અન્ય ધર્મના ફોજી માટે તો કદાચ આ નિર્ણય આસાન હતો પણ મુસ્લિમ જવાનો માટે એક મોટું ધર્મસંકટ ઊભું થયું. કેટલાક જવાનો પાકિસ્તાનની ફોજમાં જતા રહ્યા. પણ કેટલાક જવાનોએ પોતાની વતનપરસ્તી બતાવી અને ભારતને જ પોતાની માભોમ માનીને ભારતની ફોજમાં જ રહેવાનો નિર્ણય કર્યો. આજે પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ પર એ જવાનોને સો સો સલામ.

ભાગલા વખતે થયેલી હિંસાનો કોઈ જ હિસાબ નહોતો. મૃત્યુ પામેલા લોકોનો આંકડો 2 થી 20 લાખ સુધીનો આંકવામાં આવે છે અને દોઢ કરોડ લોકો ઘર વિહોણા થઈ ગયેલા. સૌથી ખરાબ હાલત સ્ત્રીઓ અને બાળકોની થયેલી. આ વિશ્વનું સૌથી મોટું સ્થાળંતર હતું. આ બધી અફરાતફરી માટે જેટલો જવાબદાર રેડક્લિફ હતો એનાથી પણ વધારે જવાબદાર હતું એમના રિપોર્ટનું મોડું પ્રકાશિત થવું. એમણે ખેંચેલી સરહદની રેખાનો ફાઇનલ રિપોર્ટ જે 9 થી 12 ઓગસ્ટની વચ્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં આઝાદીના બે દિવસ પછી છેક 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયો. છેલ્લે સુધી લોકોને ખબર જ નહોતી કે કયો વિસ્તાર ભારતમાં અને કયો પાકિસ્તાનની હદમાં આવે છે. ત્યાં સુધી પોતાની મંજિલ શોધતા ભયભીત લોકો આમતેમ ભટકતા રહ્યા! એટલે જ બ્રિટનના પ્રખ્યાત પત્રકાર અને ઇતિહાસકાર લિયોનાર્ડ મોઝલી (Leonard Mosley) લખે છે કે, જો રેડક્લિફ રિપોર્ટ આઝાદી પહેલાં પ્રકાશીત થઈ ગયો હોત તો પૂર્વતૈયારી રૂપે ફોજ તૈયાર રાખી શકાઈ હોત અને દેશમાં આટલી અંધાધૂંધી ન ફેલાઈ હોત. સૌ દેશબંધુઓને પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય હિન્દ.



ભગીરથ ચાવડા.
bhagirath1bd1gmail.com