Dhyan paddhationu vaividhya - 1 - Various meditation practices in Gujarati Human Science by Jitendra Patwari books and stories PDF | ધ્યાન પદ્ધતિઓનું વૈવિધ્ય - 1 - મૂલાધારચક્ર ધ્યાન.

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ્યાન પદ્ધતિઓનું વૈવિધ્ય - 1 - મૂલાધારચક્ર ધ્યાન.

'ઘ્યાનવિશ્વમાં વિહાર' શીર્ષક અંતર્ગત ધ્યાન સંબંધિત વિવિધ મુદ્દાઓ ચર્ચી રહ્યા છીએ જેમ કે,

1) આ વિષયમાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ, તેની સામે હકીકત
2) ધ્યાનના ફાયદાઓ, સાંપ્રત વિજ્ઞાનની દ્રષ્ટિએ તેનાં લેખાં-જોખાં, કોરોના ઉપલક્ષ્યમાં ધ્યાનના ફાયદા
3) ધ્યાન બાળકો કે ઉંમરલાયક, સ્ત્રી કે પુરુષ દરેક માટે કેમ ઉપયોગી છે
4) સમાજના ક્યા વર્ગ માટે અનિવાર્ય છે
5) ધ્યાન દરમ્યાન થતા અનેરા અનુભવો
6) નિયમિત ધ્યાનના પરિપાકરૂપે, થોડી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી મળતી આશ્ચર્યજનક ઉપલબ્ધીઓ (Psychic Powers),
7) ધ્યાન અંગે લોકોના મનમાં ઉઠતા સામાન્ય સવાલો (FAQ)
8) મગજના તરંગો (Brain Waves) પર ધ્યાનની અસર
9) પ્રગતિના માપદંડ
10) ધ્યાનમાં સફળતાનાં સૂત્રો

'ધ્યાન પદ્ધતિઓનું વૈવિધ્ય' શીર્ષક હેઠળ આજથી વિવિધ ધ્યાન પદ્ધતિઓની ચર્ચા શરૂ કરીએ છીએ કારણ કે અનેક પ્રકારની પઘ્ધતિઓમાંથી સમાજમાં બહુ ઓછી પ્રચલિત છે. અત્યંત અસરકારક પ્રાચીન ધ્યાન પદ્ધતિઓ જેમ કે લવિંગ કાઈન્ડનેસ મેડિટેશન, ટોન્ગલૅન્ગ ધ્યાન, મૃત્યુ ધ્યાન વિગેરે વિષે સમાજમાં ઓછી માહિતી હોવાનું જણાય છે. શરૂઆત એક પછી એક ૭ ચક્રોના ધ્યાનથી કરીએ છીએ, કારણ કે ૭ ચક્રોમાં જ પૂર્ણ જીવન સમાવિષ્ટ છે. 'સમગ્ર જિંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા' શીર્ષક હેઠક એક બીજી લેખમાળા આ પોર્ટલ પર ચાલુ છે જેમાંથી ચક્રો વિષે માહિતી મળી શકશે. અત્યંત વિગતવાર માહિતી 'ચક્રસંહિતા' નામક આગામી પુસ્તકમાંથી મળશે હે આશરે ૧૫ દિવસમાં પ્રિન્ટ થશે.

વિવિધ ધ્યાન પદ્ધતિઓની ચર્ચા 'અધ્યાત્મ લિમિટેડ ૧૦' અને 'વિસ્મય' નામક ડિજિટલ પેટફોર્મ પર અત્યારે ચાલુ જ છે જેને દેશ-વિદેશમાં અતિ વ્યાપક પ્રતિસાદ મળેલ છે

🌈 શરૂઆત કરીએ છીએ સૌથી નીચેના મૂલાધારચક્રથી. લેખમાં યુ ટ્યુબ લિંક સામેલ હશે જેની સાથે જે તે ચક્રનું ધ્યાન થઈ શકશે. કોઈ વખત એવો ફીડબેક મળે છે કે લેખમાં દર્શાવેલ લિંક સીધી ખુલતી નથી. આ સંજોગોમાં તેને બ્રાઉઝરમાં Copy Paste કરવાથી સાંભળી શકાશે.

🌈 કોઈ ૭ મજલી ઇમારત ચણવાની હોય તો સૌથી અગત્યનું શું હોય? પાયો? પાયો હચમચતો હોય અને ઉપર સુંદર ઇમારત ઉભી કરી હોય તો એક નાનો સરખો ભૂકંપ અને સંપૂર્ણ ઇમારત ધરાશાયી થઈ જાય. આ જ વાત ૭ ચક્રોરૂપી ઇમારતને લાગુ પડે. બધાં ચક્રોના પાયામાં છે મૂલાધારચક્ર - Root Chakra. નામ જ છે મૂળ+આધાર = મૂલાધાર. સામાન્ય રીતે જયારે ધ્યાનની વાત આવે ત્યારે આજ્ઞાચક્ર કે હૃદયચક્રના ધ્યાન વિશે વાત કરવામાં આવે છે. પાયો નબળો હોય અને ઉપર સુંદર મજાનું મકાન ઉભું કરી દઈએ તેના જેવી આ વાત છે. મૂલાધારચક્રને અવગણી ન શકાય. વળી આ ચક્રનો સીધો સંબંધ સહસ્ત્રારચક્ર (સૌથી ઉપરનું ચક્ર) સાથે છે. માટે પણ તેનું વિશેષ મહત્ત્વ છે.

🌈 મૂલાધારચક્રનું ધ્યાન કરતાં પહેલાં તેના વિષેની પ્રાથમિક માહિતી યાદ કરી લઈએ જે આ ધ્યાન દરમ્યાન મદદરૂપ બનશે.

🌈 મૂલાધારચક્રનો રંગ લાલ છે, પૃથ્વીતત્ત્વ સાથે સંકળાયેલ ચક્ર છે, શરીરના વિસર્જનતંત્ર તેના પ્રભાવમાં છે, જનનાંગો અને ગુદાદ્વાર વચ્ચે, જ્યાં બંને પગ મળે છે, જેને શિવની અથવા Perineum કહેવાય છે તે ભાગ મૂલાધારચક્રનું સ્થાન છે. ઓવરી અને ટેસ્ટિકલ્સ સાથે જોડાયેલું આ ચક્ર છે; આ બંને ભાગ પર તેની સીધી અસર છે. હાડકાં, દાંત, નખ, પ્રોસ્ટેટ, મોટું આંતરડું, ગુદા; ગોનાડ (સેક્સ ગ્રંથિ) અને એડ્રિનલ ગ્રંથિ તેના અધિકારક્ષેત્રમાં છે.

🌈 મૂલાધારચક્રનું અસંતુલન ખરજવું, પગમાં ખેંચાણ (Cramps), સ્થૂળતા, કરોડરજ્જુના મૂળમાં દુખાવો, પ્રોસ્ટેટ અને ગુદામાર્ગ સંબંધિત રોગ, સાયટીકા, પગની ઘૂંટી પર સોજો, નબળા પગ, વજનની સમસ્યાઓ. હાડકાં અને સ્નાયુ સંબંધિત રોગ, કેલ્શિયમમાં ઘટાડો, સાંધાના રોગ, રુમેટોઇડ આર્થરાઈટીસ, ઘૂંટણનો ઘસારો, કેન્સર, યુરિક એસિડમાં વધારો, પાઈલ્સ, ફિશર, ભગંદર વિગેરે તકલીફ ઉભી કરી શકે; ભાવનાત્મક રીતે અસલામતીની લાગણી અને કોઈ પણ પ્રકારનો ભય જન્માવી શકે.

🌈 ધ્યાનની પ્રક્રિયા


♦️ મૂલાધારચક્રના ધ્યાનમાં ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, જે પ્રાથમિક માહિતી ઉપરના પેરેગ્રાફમાં આવી તેનો ઉપયોગ એફર્મેશન, વિઝયુઅલાઈઝેશન અને હિપ્નોટિક કમાન્ડના રૂપમાં કરવાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકાય. જ્યાં સુધી પ્રાવીણ્ય ન આવે ત્યાં સુધી ગાઇડેડ મેડિટેશનનો ઉપયોગ વધુ લાભદાયક સિદ્ધ થશે. અહીં આપેલ લિન્કના ઉપયોગથી આ ધ્યાન કરી શકાશે, રેકોર્ડિંગમાં હિન્દી ભાષાનો પ્રયોગ થયેલો છે.

https://youtu.be/NNBcUS9VsuA

♦️ આશરે ૩૦ મિનિટ સુધી કોઈ ખલેલ ન પહોંચે તેવું સ્થાન શોધી, અનુકૂળતા મુજબ જમીન પર બેસી અથવા સૂતાં સૂતાં (ઊંઘતાં ઊંઘતાં નહિ) ધ્યાન શરુ કરીએ. ખુરશી પર બેસવું જ પડે તો પગ જમીનને સ્પર્શ કરે તેમ રાખીએ. ખભા અને કમર સીધા રહે (એકદમ સખત નહિ કે જે સ્થિતિમાં લાંબો સમય બેસી ન શકાય) તેમ બેસવાનું છે.

♦️ ધ્યાન માટે અનુકૂળ હળવું સંગીત વગાડી શકીએ.

♦️ હથેળી આકાશ તરફ રહે તેમ ગોઠણ પર રાખીશું. આંખ સ્વાભાવિક રીતે બંધ કરી, હથેળી જ્યાં પુરી થાય અને કાંડુ શરુ થાય તે ભાગના મધ્યમાં ધ્યાન લઈ જઈશું. આ ભાગ હથેળીમાં સ્થિત મૂલાધારચક્ર છે. એ જાણવું રસપ્રદ રહેશે કે તમામ ચક્રોની પ્રતિકૃતિ હથેળીમાં પણ છે.

🔻 પાંચ-છ શ્વાસ સ્વાભાવિક રીતે ચાલુ રાખી, ત્યાર બાદ પાંચ-સાત વાર ઊંડા શ્વાસ નાકથી લઈશું, મોઢામાંથી બહાર કાઢીશું.

કલ્પના કરીશું, બંધ આંખે નજર સમક્ષ લાવીશું:

🔺 નાકમાંથી શુદ્ધ ઊર્જા પ્રવેશી રહી છે, સંપૂર્ણ શરીરમાં ફરી રહી છે, મોઢા વાટે શરીરનાં બધાં દુઃખ દર્દ મિશ્રિત વિચારો અને ઊર્જા બહાર જઈ રહી છે. જયારે પહેલી વખત આ ઊર્જા મોઢામાંથી બહાર આવશે ત્યારે તે ધૂંધળી છે, પછીના દરેક ઉચ્છવાસ વખતે વધુ શુદ્ધ થતી જઈ રહી છે, પાંચ શ્વાસ સુધીમાં તો એ સ્થિતિ આવી પહોંચી છે કે જેટલી શુદ્ધ, પારદર્શક ઊર્જા નાકમાંથી પ્રવેશી રહી છે તેટલી જ શુદ્ધ, પારદર્શક ઊર્જા બહાર જઈ રહી છે, કારણ કે અશુદ્ધ ઊર્જાનું પૂર્ણ શુદ્ધિકરણ થઈ ચૂક્યું છે, તમામ તકલીફદાયક વિચારો બહાર વહી ગયા છે, તમામ શારીરિક તકલીફો શમી ગઈ છે.

🔺 મૂલાધારચક્રના સ્થાન પર એક લાલ કલરનો ગોળો દેખાઈ રહ્યો છે, હવે તે ફરી રહ્યો છે, તેમાંથી ઊર્જાના તરંગો પ્રકાશના રૂપમાં બહાર ફેંકાઈ રહ્યા છે, તે તરંગો નીચે ઉતરી રહ્યા છે, પગના તળિયા સુધી પહોંચ્યા, તળિયું જમીન સાથે ચીપકી ગયું છે, લાલ થઈ ચૂક્યું છે, પંજો લાલ થઈ ચુક્યો છે, તરંગો ઉપર ગતિ કરી રહ્યા છે, ગોઠણ સુધી બધો ભાગ લાલ છે, સાથળ લાલ થઈ ગયા છે, નિતંબ લાલ થઈ ચુક્યા છે નીચેનું શરીર હવે સંપૂર્ણપણે લાલ છે.

🔺 આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું છે કે જે ભાગ લાલ થયો તે તમામ ભાગ અચાનક એકદમ મજબૂત થયેલો જણાય છે, વધુ ને વધુ મજબૂત થતો જાય છે, પર્વત જેવો મજબૂત અને શક્તિશાળી થયેલો મહેસૂસ થાય છે; એક અલગ પ્રકારની તાજગી અને ઊર્જાનો અનુભવ થઈ રહ્યો છે.

🔺 ધ્યાન પડે છે કે તે ગોળો મૂલાધારચક્રના સ્થાન પર અંદર જતો રહ્યો છે, તેમાંથી નીકળતા તરંગો શરીરનાં વિસર્જનતંત્રના અવયવો પર પહોંચી રહ્યા છે, તે તમામ અવયવોને મજબૂત કરી રહ્યા છે, જોતજોતામાં વિસર્જનતંત્ર અતિ કાર્યક્ષમ થઈ ચૂક્યું છે, મનમાં અહેસાસ થઈ રહ્યો છે કે આ ઘડીથી જ ઓવરી (પુરુષ માટે ટેસ્ટિકલ્સ) હાડકાં, દાંત, નખ, પ્રોસ્ટેટ, મોટું આંતરડું, ગુદા સંપૂર્ણ નિષ્ઠા અને કાર્યક્ષમતાથી પોતપોતાની ફરજ બજાવવા લાગ્યાં છે, ગોનાડ અને એડ્રિનલ ગ્રંથિ પણ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરવા લાગી છે.

🔺 ઉપરોક્ત બધાં જ અંગોએ આટલાં વર્ષથી જે કામગીરી બજાવી, અસ્તિત્વને ટકાવી રાખ્યું, હજી ઉત્સાહથી કામ કરી રહયાં છે તે માટે મનમાં કૃતજ્ઞતાની લાગણી ઉદ્ભવી રહી છે.

🔺 દૃશ્ય ફર્યું,, નજર સમક્ષ આવી રહ્યું છે કે ચારે તરફ લાલ ગુલાબનો ઢગલો છે જેની વચ્ચે તમે બેઠા છો. ગુલાબની ખુશ્બૂ થી દિલ તરબતર થઈ ગયું છે. સાથે જ ચંદનની સુગંધ પણ વાતાવરણમાં પ્રસરી રહી છે.

🔺 અંતરમાંથી અવાજ ઊઠી રહ્યો છે, 'હું સલામત છું, સંપૂર્ણ સ્વસ્થ છું, મારુ મૂલાધારચક્ર પૂર્ણ સંતુલિત છે, મારી તમામ જરૂરિયાત કુદરત પુરી કરી રહી છે, જીવનને સંપૂર્ણપણે જીવવા માટે જરૂરી બધું જ મારી પાસે છે.' કમરામાં ચારે તરફ આ અવાજના પડઘા પડી રહયા છે, ફરી ફરી આ વાક્યો સંભળાઈ રહ્યાં છે, અર્ધજાગૃત મનમાં ઊંડે ઉતરી રહયાં છે.

🔺 આ હકારાત્મક ગોળામાંથી પ્રવાહિત થતી ઊર્જા છેક માથાના તાળવા સુધી પહોંચી ગઈ છે, મૂલાધારચક્ર અને સહસ્રારચક્ર વચ્ચે સજ્જડ જોડાણ થઈ ચૂક્યું છે. પૂરું શરીર એક દિવ્ય પ્રકાશથી દૈદિપ્યમાન થઈ રહ્યું છે.

🔺 આ પ્રક્રિયા દરમ્યાન કોઈ તબક્કે મન વિચારોના પ્રવાહમાં તણાઈ જતું લાગે ત્યારે મનમાં અથવા ધીરા અવાજે 'લં' મંત્રનું ૫/૭ વાર ઉચ્ચારણ કરી શકાય, ગણગણી શકાય. ઉચ્ચારણ કઈ રીતે કરવાનું છે તે આ ક્લિપ પરથી ખ્યાલ આવશે. https://www.youtube.com/watch?v=EdZbK62mj3Y

🔺 સમયની અનુકૂળતા મુજબ ધ્યાનની સ્થિતિમાં રહ્યા બાદ ધીરે ધીરે આંખ ખોલી બહાર આવીએ. આંખ ખોલ્યાં પછી રોજિંદી પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં ૫/૧૦ મિનિટ ધ્યાન દ્વારા પ્રાપ્ત થયેલી સ્થિતિનો મૌન રહી અનુભવ કરીએ. ધ્યાન દરમ્યાન બદલાયેલા મગજના તરંગોનો સંપૂર્ણ લાભ ઉઠાવવા આ સમયગાળો અતિ મહત્ત્વનો છે.

🌈 અંતે, પુનરાવર્તનને ભોગે યાદ કરવું જરૂરી છે કે 'જીવ્યા કરતાં જોયું ભલું' તેમ જ 'માહિતી કરતાં અનુભવ્યું ભલું'. માહિતી ખરા અર્થમાં લાભપ્રદ તો નીવડશે, જો અનુભવ કરીશું તો (અને તો જ). જે વાચકો અનુભવ કરવાનો પ્રયત્ન કરે તે પ્રતિભાવ આપી શકે છે. હવેના હપ્તે સ્વાધિષ્ઠાનચક્રના ધ્યાનની ચર્ચા કરીશું.


(ક્રમશ:)

✍🏾 *જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegarm Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: