Shabdonu Sarnamu - 2 - 3 in Gujarati Short Stories by Secret Writer books and stories PDF | શબ્દોનું સરનામું - (Part - 2, 3)

Featured Books
Categories
Share

શબ્દોનું સરનામું - (Part - 2, 3)

શબ્દોનું સરનામું (Part - 2)

ત્યાં જ કમળા બાનો અવાજ તેના કાને સંભળાયો, "બેટા, બહુ મોડું થઈ ગયું છે.આજે તમે અહીંજ રોકાઇ જાઓ . મીરા પણ અહીં બેઠી બેઠી સૂઈ ગઈ છે." "ના બા ! અમે ઘરે જઈએ . એમ પણ નવરાત્રી છે એટલે રસ્તા પર ચહલપહલ તો હશે. એટલે વાંધો નહીં આવે." કહી આરતી ભૂતકાળમાંથી પાછી ફરીને ઊભી થઈ અને મીરાને ઉઠાડીને જવાની તૈયારી કરવા લાગી. તેટલામાં ફરી કમળા બા બોલ્યાં " બેટા ! કાલે સમયસર આવી જજે. મોડું ના કરીશ ." અને પછી હાથ વડે તેને અને મીરાને નજીક આવવા કહ્યું . જેવા બંને નજીક આવ્યા કમળા બાએ આરતી અને મીરાના કપાળ ચૂંમ્યા .બંનેના ચહેરા પર સ્મિત આવી ગયું અને બંને કમળા બાને ભેટી પડ્યાં . કમળા બા હંમેશા આરતીને તેના દાદી રાખી બાની યાદ અપાવી દેતાં.

રાખી બાને યાદ કરીને આરતી અને મીરા વૃદ્ધાશ્રમથી નીકળીને તેમના ઘર તરફ ઉપડ્યાં . ઘરે પહોંચીને ફ્રેશ થઈ બંનેએ બેડ પર લંબાવ્યું . મીરાં તો બેડમાં જતાની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડી . પરંતુ આરતીને ઊંઘ નહોતી આવતી . વારે ઘડીયે તે પડખા ફેરવતી રહી પરંતુ બધું વ્યર્થ . રાત્રે ઊંઘ ના આવતા કેટલીય રાતો તે તેના ભૂતકાળને યાદ કરવામાં જ ખરચી નાંખતી અને પછી દુઃખી થતી . આજે પણ એ જ બન્યું.

એની આંખોમાંથી ઊંઘ લાખો કિમી દૂર હતી. બેડ પરથી ઊઠીને તે બાલ્કની માં ઊભી રહી. આકાશમાં ચાંદ ખીલ્યો હતો. પૂનમ આવવાની હોવાથી તે તેની કળામાં વધારો કરતો હતો.જ્યારે આરતીનો ચહેરો ભૂતકાળને યાદ કરીને મૂરજાતો જતો હતો . તે ચંદ્રને જોવામાં વ્યસ્ત થઈ ગઈ અને 15 વર્ષ પહેલાનાં ભૂતકાળમાં પહોંચી ગઈ.

* * * *

"બા, મને બહુ ઊંઘ આવે છે. સૂવા દેને." નાનકડી આરતી બેડમાં સૂતી સૂતી બોલી . "અરે, હજી કેટલું સૂવું છે. સાળા નવ થવા આવ્યા છે. હવે તો ઊભી થાય ." કિચનમાંથી રાખી બાએ બૂમ પાડીને કહ્યું.

આરતી ત્યારે 10 વર્ષની હતી. પોતાની જન્મદાતા માતાના ગયા બાદ રાખી બાએ જ તેને સંભાળીને મોટી કરી હતી. આરતી ત્યારે સ્વભાવે ખૂબ જ નટખટ હતી . નાનપણથી બાની સાથે મોટી થયેલી આરતી તેમને તું કહીને જ બોલાવતી.

જન્મદાતા માતાના મૃત્યુની ગુનેહગાર તે પોતાને જ માનતી હતી. થોડા દિવસ પછી તેની શાળામાં વાર્ષિકોત્સવ હતો જેમાં સારી કૃતિ રજૂ કરનાર બાળકોને ઈનામ આપી વધાવી રહ્યાં હતાં.

ત્યાં જ

"બા મને તેમની જેમ ઈનામ જોઈએ. " કહીને આરતી રડવા માંડી. "બેટા, શાંત થઇ જા હું તને લાવી આપીશ." રાખી બાએ તમે છાની રાખતા કહ્યું. "ના , મને તો હમણાં અને અહીંથી જ જોઈએ." કહી ફરી રડવા માંડી. છેવટે કેટલું સમજાવ્યા બાદ તે માની ગઈ. આરતી રાખી બાનું સૌથી વહાલું વ્યાજ હતું. કહેવાય છે કે માતા પિતાને પોતાના બાળકો કરતાં બાળકોના બાળકો વધુ વ્હાલા હોય. રાખી બાના કુટુંબમાં આરતી બધાથી નાની હતી. એટલે બધા તેને ખૂબ પ્રેમ કરતાં. તેની બધી ઇચ્છાઓ શીરો માન્યા રહેતી.

ધીમે ધીમે આરતીને તેના સ્કુલના દિવસો યાદ આવવા માંડ્યાં. તે પાંચ વર્ષની હતી ત્યારે જ તેની જન્મદાતા તેની સામે તેને છોડીની ચાલી ગઈ હતી. સ્કુલના દિવસોમાં જ્યાં સુધી રિક્ષાવાળા કાકા લેવાના આવે ત્યાં સુધી બાળ મંદિરે આવતાં નાના નાના ટેણીયા બાળકોની સાથે તેમની મમ્મીઓને જોઈને આરતીને ખૂબ દુઃખ થતું. ક્યારેક ક્યારેક તો તે રડી પણ પડતી. ત્યારે મીરા તેને હંમેશા શાંત કરતી. પિતાની એકની એક દીકરી હોવાથી તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કરતાં. નાનપણથી પિતા તરીકે અને માતા તરીકેની આરતી પ્રત્યેની બધી ફરજો પૂરી કરતાં. તેને નવડાવતાં, સ્કુલે લઈ જવા આવતી રિક્ષા સુધી મૂકવા આવતાં, ક્યારેક ક્યારેક પોતે પણ લેવા આવતાં, તેને ખાવાનું ખવડાવતાં, સાથે સાથે સાંજે ઓફિસથી આવીને થાકેલા હોવા છતાં આકૃતિને નજીકના ગાર્ડનમાં એક કલાક રમાડવા લઈ જતાં. ખુશી ખુશી જીવન ચાલતું હતું. સાથે સાથે આરતીના પિતા માટે હમસફર શોધવાની શરૂઆત થઇ ગઇ હતી.પણ તેના પિતાને એવી પત્ની જોઈતી હતી જે આરતીને પણ ખૂબ સારી રીતે સાચવે અને ઘરને પણ સંભાળે.

આખરે જોઈએ તેવી વ્યક્ત મળીપણ ગઈ. તે વ્યકિતને જોઈને આરતીને પોતીકાપણું લાગ્યું. તેને થતું હતું કે તેની બાળપણની વધી અધૂરી ઇચ્છાઓ પૂરી થશે. મા તેને લેવા મૂકવા સ્કૂલ પર આવશે, તેને વ્હાલ કરશે. તેને લાગતું હતું કે તેના જીવનમાં હવે જઈની સાથી રોશની આવી હતી.

પરંતુ કહે છે ને કે ખુશી લાંબો સમય ટકતી નથી. આરતીની ધારણા કરતાં વિધાતાનું કંઈ બીજું જ ષડ્યંત્ર હતું. ભાગ્યને કોઈ બદલી નથી શકતું. આરતીને તેની બા હંમેશા એક જ વાત કહેતા કે શબ્દોને તેના સાચા સરનામે પહોંચાડવાની આવડત જેનામાં હોય તેને ક્યાંય પણ, કોઈ પણ દુઃખ નહીં પહોંચાડી શકે. આ એક જ વાતથી તેના મનને ઘણી રાહત મળતી.

ચારે તરફ ખુશીયો જ હતી. દુઃખ માટે તો ક્યાંય જગ્યા જ ન હતી. પરંતુ સુખ જ્યાં હોય ત્યા દુ:ખ પણ આવે જ છે. હમણાં તો બધા જ મસ્તીમાં હતાં. પરંતુ આગળ આવવા વાળા તોફાનથી બધા જ બેખબર હતા.

રાખી બા અને આરતીના જીવનમાં શું તોફાનમાં આવવાનું છે તે જાણવા માટે વાંચતા રહો ' શબ્દોનું સરનામું ' .. તમારા અમુલ્ય પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર...


Part - 2 complete

શબ્દોનું સરનામું (Part - 3)

રાખી બાને એકનો એક દીકરો હતો. આરતીની માતાની ઘટના પછી તેઓએ આરતીના પિતા સાથે જ રહેવાનું નક્કી કર્યું. તે પહેલા તેઓ તેમના ગામના બંગલામાં એકલા જ રહેતા . આખરે ઘણી મહેનતના અંતે જોઈએ તેવી વહુ રાખી બાને મળી ગઈ.

ધીમે ધીમે લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. અને લગ્નના દિવસે ધામધૂમથી લગ્ન થયાં. આરતી તો પહેલા દિવસથી જ તેમને મા કહીને બોલાવવા લાગી હતી. જેમ જેમ દિવસો વિતતા ગયા આરતીની સાવકી માએ આરતીના જીવનની ખુશિઓ પર રોક લગાવવા માંડી. આરતી રાખી બાના રાજમાં બે કલાક રમવામાં ગાળતી. જયારે સાવકી મા તેને અડધો કલાક જ રમવા માટે આપતાં. છેલ્લે કંટાળીને આરતીએ રમવા જવાનું બંધ કરી દીધું. ત્યાર બાદ સાવકી માએ ટીવીનું કનેકશન પણ કઢાવી નાંખ્યું. જેનાથી આરતી નારાજ થઈ પણ છતાં નિયમમાં સુધારા ના કર્યા તે ના જ કર્યા. બાકીના સમયમાં તેને ભણવા માટે અને સારા માર્કસ લાવવા માટે પ્રેશર કરવામાં આવતું. આરતીને જાણે એમ થતું હતું કે ભણવાનું ભણવાનું નહીં એક બોજ બનીને રહી ગયો હતો. એવું નહોતું કે આરતી ભણવામાં હોશિયાર ના હતી, ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી. આરતીને તેના મિત્રો સાથે મળવા અને તેમના સાથે વાત કરવા પર પણ રોક લગાવવામાં આવ્યો. શાળામાં જ એ પોતાના મિત્રો સાથે વાત કરી શકતી. રાખી બાને ફરવાનો ખૂબ શોખ હોવાથી લગ્નના અઠવાડિયામાં જ તેઓ યાત્રા કરવા જતાં રહ્યાં હતાં.

અહીં આરતી ભણવા બેસતી તો તેને વારે ઘડીયે બોલાવીને તેને નાની-નાની વાત પર સાવકી મા હેરાન કરવા માંડ્યા. ક્યારેક ઘરમાં કોઈ પણ જાતનું નુકશાન થાય તો તેનો દોષ સાવકી મા આરતીને જ આપતી અને સાથે સાથે કેટલું બધું સંભળાવતી. એવું પણ નહોતું કે આરતીને ગુસ્સો નહીં આવતો. તેને ઘણી વખત ખૂબ જ ગુસ્સો આવતો. પણ હંમેશા તે તેના ગુસ્સાને આંસુઓમાં રૂપાંતર કરી વહાવી દેતી.

તેના પિતાની જેમ આરતીનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હતો, તે જાણતી હતી કે ગુસ્સામાં જો એ કંઈ ના બોલવાનું બોલી જશે તો ઝગડો વધશે એમ વિચારીએ ચૂપ રહેવા માંડી. આરતીના પરિવારમાંથી કોઈપણ એને કંઈપણ કહી જતાં તો તે ચૂપ જ રહેતી. મીરાએ તેને ઘણી વખત સમજાવી પણ પોતાના પરિવારજનોની ઉપર ગુસ્સો નહીં કાઢી શકું એમ કહી તે મીરાને તેનો આખરી નિર્ણય જણાવી દેતી.

યાત્રા પરથી પરત ફર્યા બાદ રાખી બાથી આરતીની આ હાલત ન જોવાતાં તેમણે પ્રિતી જે આરતીની સાવકીમા હતી. તેમને ઠપકો આપ્યો. રાખી બાએ પણ આરતીને સામે બોલવાની સલાહ આપી. પરંતુ હવે આરતીની જીભ જ ના ઉપડતી હતી. દિવસે દિવસે પ્રિતીમા અને રાખીબા વચ્ચે અંતરો આવી ગયાં. આરતી પોતાની જાતને તે માટે જવાબદાર માનતી હતી. તેનાથી નાનું કે મોટું કોઈ પણ તેના પર ગુસ્સો કરી જાય તો પણ તે ચૂપ જ રહેતી. હવે તો આ વાતો તેણે મીરાને જણાવવાનું પણ છોડી દીધું હતું. ક્યારેક મોડી રાત સુધી રડતી રહેતી અને પોતાની જાતને ગુનેહગાર માનીને પોતાની જાતને ઇજા પહોંચાડતી.

તે અંદર અંદર ઘૂટાતી હતી. અંદર અંદર ઘૂટાતાં ઘુટાતાં તે ક્યારે માનસિક રોગી બની ગઈ તેને જ ખબરના પડી. તેને જુદા જુદા અનુભવો થવા લાગ્યા. ક્યારેક ચક્કર આવવા તો ક્યારેક આંખે અંધારા આવવા, ક્યારેક અમુક સેકન્ડ માટે દુખાવો થયો તો ક્યારેક છાતીમાં અચાનક દર્દ થવું. આ બધુ થવા છતાં તેણે તેના મનમાં દબાવીને રાખી. આરતીના બદલાતા વર્તનને કળી ગઈ હોય તેમ એક દિવસે મીરાએ સામેથી પૂછ્યું, "આરુ , તને કંઈ થાય છે?કેટલા દિવસથી જોઉ છું. ના તો તું કંઈ બોલે છે કે ના કંઈ સાંભળે છે. બસ આકાશમાં ઉડતા પંખીઓને અને ક્ષિતિજ પર અસ્ત થતાં સૂર્યને જ નીહાળ્યા કરે છે. શું થયું ?"

આરતીએ એક નજર આકાશમાં કરી અને પછી મીરા તરફ જોવા લાગી. તેની આંખમાં ઝળઝળીયાં હતાં. થોડી વાર પછી તે બોલી, "જે પ્રેમ હું બાળપણથી એક મા પાસેથી મેળવવા માંગતી હતી. તે નથી મળતો. બાળપણ જાણે મારું છીનવાઈ ગયું હોય એવું લાગે છે. એવું લાગે છે કે પ્રેમ જેનાથી આ દુનિયા ચાલે છે એ તો બસ મારી કલ્પના જ છે. કોઈ નથી સમજી શકતું મને. મારા મનની વ્યથા કોઈ સમજી નથી શકતું. મારી પોતાની માતાને પાંચ વર્ષની હતી ત્યારે મારી જાન બચાવતા પોતાની જાન આપી દેતા જોઈ છે. બીજા વ્યક્તિઓને મદદ કરવું એ આપણો ધર્મ છે. પણ તું તો પ્રિતી માને ઓળખે છે ને? કોઈની મદદ કરું એટલે એમ જ કહે કે બીજાના માટે પોતાની જાત ના ઘસવી. એવું લાગે છે જાણે આકાશ રૂપી જીવનમાં રહેલી ખુશિયોનો સૂરજ ડૂબી ગયો છે. હવે બધે ફક્ત અંધકાર જ દેખાય છે." બોલતાં બોલતાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી. તે મીરાને વળગીને રડી પડી. મીરા તેના માથે પ્રેમથી હાથ ફેરવવા માંડી. "જીવન જીવવાનો કોઈ આધાર નથી. બધાએ પોતાનું ધાર્યું કરાવવવું છે. મારીશું ઇચ્છા છે તે તો મને કોઈએ પૂછ્યું જ નહીં. શું કરું સમજ નથી પડતી. ક્યારેક એમ થાય કે ભગવાને શા માટે મને જન્મ આપ્યો. જો ભગવાને આટલી બધી પીડા આપવી હતી. તો કાંઈ વાંધો નહી અને પીડા આપી તો આપી પણ મજબૂર કેમ બનાવી. મજબૂત કેમ ના બનાવી ?" આરતીની વાત સાંભળીને મીરાની આંખોમાં પણ આંસું આવી ગયા. તેણે તેની આંખાના આંસુઓ સાફ કર્યા.પછી આરતીને પોતાનાથી અળગી કરીને કહ્યું ," હું છું ને તારી સાથે હું તારી બધી વાતમાં તારો સાથ આપીશ. ક્યારેય તને એકલી નહીં પડવા દઉં. જો.. તું મને તારી બહેન માને છે ને ? તો તું મને બધી જ વાત કરીશ અને અંદર એકલી એકલી ઘૂટાઈશ નહીં. પ્રોમીસ મી..." હવે તો મીરા થી પણ ડૂસકું નીકળી ગયું.

આરતીએ સ્વસ્થ થઈને થોડા દિવસ અગાઉની વાત કરી. પ્રિતી મા અને રાખી બા વચ્ચે ઝગડો થયો એ પણ જણાવ્યું. "હમમ... આવું છે, આપણે કંઈ તો કરવું પડશે. હું તને પછી વિચારીને જણાવું. હમણાં તું ઘરેજા નહીં તો તારી હિટલર પ્રિતીમા તને પાછા બોલશે. જે મારાથી સહન નહીં થાય." મીરાએ મજાકીયા મૂળમાં કહ્યું. આરતી પણ ફિક્કુ હસી. પછી બંને છૂટા પડ્યાં.

હવે, જેમ જેમ દિવસો વિતતાં ગયાં. પ્રિતમા નાની વાત ભૂલ જવા પર કે ખોટું કામ થવા પર આરતીને ઘણું બધુ સંભળાવી દેતાં. રાખી બાથી આ વાત સહનના થતાં તેમણે ફરી પ્રિતીને સમજાવવાની કોશિશ કરી પણ તેઓ ના માન્યાં. જ્યારે આરતી બિમાર પડતી ત્યારે પ્રિતીમા તેનું ખૂબ જ ધ્યાન રાખતાં. કેટલીક વાર આરતીને લાગતું કે સત્ય શું અને ઢોંગ શું છે? જે કાળજી લેય છે તે સત્ય છે કે પછી વારે વારે ટોકે છે તે સત્ય છે. બાળકોને સુધારવા અને ખોટા રસ્તે જતાં રોકવા માટે માતા પિતાઓ તેમને ટોકવા જરૂરી છે પરંતુ બધી જ બાબતોમાં વધુ પડતી રોકટોકને કારણે જો બાળકનો પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી જાય તો તે પ્રેમને પુનઃ સ્થાપિત કરવો પણ ખૂબ જરૂરી છે. નાની નાની વાતે પ્રિતી માએ આરતીને ટોકવું હવે તેના માટે અસહ્ય બનતું જતું હતું. તે તેના ગુસ્સાને નિયંત્રિત કરવા પણ સક્ષમ નહોતી થઈ શકતી. ઘણીવાર કંટાળીને તે પોતાને જ ચોટ આપતી. અને હંમેશા એ જ વીચારતી

જિસ્મ પર લગે ઘાવ તો
કભી ના કભી ભર હી જાતે હૈ
પર
દિલ પર લગે ઘાવ પૂરી જીંદગી
બિત જાને પર ભી નહી ભરતે.


સવારના સાડા છ વાગવા આવ્યા હતાં છતાં આરતીને ઊંઘ નહોતી આવતી. સૂર્યના પ્રથમ કિરણોના સ્પર્શથી જાણે ભૂતકાળમાંથી એક જ ક્ષણમાં તે પાછી ફરી. બેડ પર જોયું તો મીરા હજી સૂતી હતી. તેને જોઈને આરતીએ પણ બેડ પર લંબાવ્યું. અને ભૂતકાળની યાદો સાથે તેણે આંખો મીચી.

માંડ અડધો કલાક થયો હશે ત્યાં...

આરતી હવે શું કહેશે? હવે આરતી પોતાની જાતને આ બંધનોમાંથી કઈ રીતે મુક્ત કરશે? જાણવા માટે વાંચતા રહો. શબ્દોનું સરનામું... તમારા અમુલ્ય પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર...


નોંધ:
પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી.