ભાગ્યહીન તનયા
સુરેખા તેને વીસ વરસની દીકરી આલિયા સાથે વ્યસ્ત હતી. તે આજે તેના ઘરમાં તેના કબાટમાં રહેલ સાડીઓ તડકામાં મુકવાના ઇરાદાથી ઘરની સાફ સફાઈ કરી રહેલ હતી.
“શું મમ્મી આજે તો તે ઘર પૂરું કબાડખાના જેવું કરી નાખ્યું છે.” સુરેખાના ચોવીસ વર્ષના દીકરા તરૂણે કહ્યું.
“અરે બેટા હું મારું કબાટ સરખું કરી રહી છું. આ મારી આટલી મોંઘી મોંઘી સાડીઓ છે તો તેની દેખરેખ રાખવી પડે ને.”
“આટલી બધી સાડીઓ તમે લોકો કેવી રીતે સંભાળી શકો છો ?” તરુણે કહ્યું.
“અરે બેટા આ આપણી સંસ્કૃતિની નિશાની છે.” સુરેખા એ તેને કહ્યું.
“અરે મમ્મી સાડીઓમાં વળી આપણી સંસ્કૃતિ ક્યાંથી આવી. સાડીઓને અને આપણી સંસ્કૃતિને શું લેવાદેવા ? એક શરીર ઢાંકવા માટે પાંચ મીટર લાંબી સાડી પહેરવી એમાં વળી કઈ સંસ્કૃતિ સાબિત કરવાની આવે ?” તરુણે થોડા ગુસ્સામાં અને મજાકના ટોનમાં કહ્યું,
“હવે તારા મોઢે ક્યાં વાત કરવાની. જ્યારે તારી પત્ની આવે ત્યારે આ બધી વાત તારી પાસે કરીશ. સુરેખાએ હસતા હસતા કહ્યું.
તરુણ બેંકમાં કેશીયરના હોદ્દા પર કામ કરી રહ્યો હતો, અને તેને તેની સાથે કામ કરતી સહ કર્મચારી માધવી સાથે તેને પ્રેમ હતો. બંને એકબીજાને જીવનભર સાથે રહેવાનું મનોમન નક્કી કરેલ હતું. આમ છતાં માધવીની સાથે લગ્ન કરવાની બાબતમાં તરુણ હંમેશા શંકા ધરાવતો રહેતો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે માધવી નવા જમાનાની એક બિન્દાસ છોકરી હતી. તેને મોટરસાયકલ ચલાવવાનો ઘણો શોખ હતો અને તે પોતાનો અવાજ સારી રીતે પ્રદર્શિત કરવા ઝંખના રાખતી હતી. તેની આ બધી બાબત તરુણ મનમાં શંકાના બીજ રોપતી હતી. તેને મનમાં ને મનમાં એમ હતું કે તેની મમ્મીની પસંદમાં માધવી પસંદ પડી શકશે નહીં.
“આજકાલની છોકરીઓને જોઈએ તો ફેશન કપડા પહેરવા તેમને કોઈ નાનમ આવતી નથી. અગાઉનો સમય એવો હતો કે સ્ત્રીઓ- છોકરીઓ કપડાં પહેરવામાં ઘણોજ સંયમ રાખતી હતી.”
માધવીના પિતા બીમાર હતા અને તેઓને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. જેના પરિણામે માધવીનું લગ્ન તેઓ જલ્દી કરવા ઇચ્છતા હતા. જેને કારણે માધવી પણ તરુણ ઉપર લગ્ન કરવા બાબતમાં દબાણ કરતી હતી અને કહેતી હતી કે તુ લગ્ન બાબતે તારા ઘરમાં ચર્ચા કરી ફાઇનલ કર.
માધવીના વારંવાર કહેવા ને કારણે એક દિવસ તરુણે તેની મમ્મીને માધવીનો ફોટો બતાવ્યો અને તેની બાબતમાં વિગતવાર ચર્ચા કરી અને તે માધવી સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમ જણાવ્યું.
ફોટો જોઈને તેની મમ્મીએ કંઈ કહ્યું નહીં પરંતુ તેમના વર્તન ઉપરથી એમ લાગ્યું કે માધવી જેવી મોર્ડન છોકરીને પોતાના ઘરની કુળવધુ બનાવવા ઈચ્છા રાખતા નથી.
“મમ્મી, એમ માધવી સામાન્ય છોકરી છે. હા તેની રેહણી કરણી અને તેના વર્તનથી એમ લાગે કે તે મોર્ડન અને હાલના જમાનાની છોકરી હોય,” માધવીના બાબતે તેના પક્ષે તરુણે બાબત તેની મમ્મી ને જણાવી.
તરુણના પિતા તેના બાળપણના સમયમાં જ અવસાન પામેલ હતા. ત્યારથી આજ સુધી તેની મમ્મી તેની દીકરી આરવી અને તરુણ ને માટે તેનો સમય વિતાવી રહેલ હતી.
તરુણની મમ્મી તેની બધી જ પસંદ-નાપસંદનો પૂરેપૂરૂ ધ્યાન રાખતી હતી. યુવાનીના ઉંબરે પ્રવેશ કરી ચૂકેલ બંને દીકરા-દીકરીની ભાવનાઓનો ખ્યાલ રાખતી હતી. અને તેઓ માટે કંઈ પણ કરી છૂટવા તે તત્પર રહેતી હતી.
સુરેખાએ તેની દીકરી આરવીને એક પ્રશ્ન ભરી નજરમાં પૂછેલ હતું કે, “ જો આ છોકરી તારી ભાભીના સ્વરૂપમાં કેવી લાગશે ?” આરવીએ ઈશારામાં જ જવાબ આપી દીધો. આરવીના ઇશારાનો આ જવાબ તેની મા સુરેખા સારી રીતે સમજી ચૂકી હતી.
આરવી એમ પણ એક મૃદુ અને ઓછું બોલનાર છોકરી હતી. તેના આ સ્વભાવને બીજા ઘમંડી માનતા હતા, પરંતુ ખરેખર એમ ન હતું.
આરવીની માધવી અને તરુણની લગ્ન અંગેની બાબતમાં મૂક સંમતિ મળ્યા બાદ સુરેખાએ તરુણ અને માધવીના લગ્ન અંગેની સ્વીકૃતિ આપી.
તરુણ પણ ખુશ ખુશ થઈ ગયો અને બે દિવસ પછી માધવીને તેને ઘરે લઈને આવ્યો. માધવી આજે પીળા રંગના સલવારસુટ સાથે આવેલ હતી, તેના વાળ છુટ્ટા હતા જેને લીધે થોડી થોડી વારે આગળ આવતા હતા જેને તે અલગ જ અંદાજથી પાછા લઈ જતી હતી.
માધવીને સુરેખાએ બે-ચાર સવાલ-જવાબ કર્યા અને તેના ઘરની હાલત બાબતમાં જાણકારી મેળવી. માધવીએ તેમને કહ્યું કે ઘરમાં તેના માતા-પિતા અને પોતે રહે છે. તેના પિતા કેન્સરના રોગથી પીડાઈ રહેલ છે. આને પરિણામે ઘર ચલાવવાની જવાબદારી પૂરેપૂરી તેની પર છે.
આ પ્રકારની ઔપચારિક વાતો કરી અને ત્યાંથી માધવી પરત પોતાને ઘરે આવી.
માધવીના ગયા બાદ તરુણ પોતાની મમ્મીનો નિર્ણય જાણવા ભારે ઉત્સુક હતો. પરંતુ એની મા સુરેખાએ તેનો નિર્ણય થોડો સમય સસ્પેન્સ રાખવા યોગ્ય લાગ્યું હતું. પરંતુ તરુણની ઉત્સુકતા જોયા પછી અને તેની હાલત જોયા પછી સુરેખાએ હસતા હસતા બંનેના લગ્નના પ્રસ્તાવને મંજૂરી આપી.
મમ્મીની વાત સાંભળ્યા બાદ તરત જ તરુણે માધવીને તેના મોબાઇલ ઉપર મેસેજ મોકલીને તેની મમ્મીએ આપણા લગ્ન માટે સ્વીકૃતિ આપી દીધેલ છે તેની જાણ કરી. તરુણનો મેસેજ જોઈ માધવી પણ ખુશ ખુશ થઈ ગઈ કારણ કે, તરુણની મમ્મીની સ્વીકૃતિને કારણે માધવીના માતા-પિતાનો જે બોજ હતો તે ઓછો થઈ ગયો હતો.
બીજા દિવસે બેન્કમાંથી નીકળવાના સમયે માધવી અને તરુણ પાસેના એક કોફી હાઉસમાં ગયા અને પોતાના ભવિષ્યની તમામ યોજનાઓ અંગે બંને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરતા હતા. બંનેની આંખોમાં રોમાન્સ અને રોમાન્ચ બંનેનો સમન્વય થયેલ હતો.
પરત આવતા સમયે અંધારું થઈ ગયેલ હતું. તરુણે માધવી ને તેના ઘર સુધી છોડી આવવા માટે નક્કી કરેલ હતુ અને તે તેની મોટરસાયકલની પાછળ બેસાડી નીકળ્યો હતો.
બેંકથી માધવીના ઘરની તરફ જતા જતા રસ્તામાં થોડી અવરજવર ઓછી હતી અને ત્યાં જ તેની મોટર સાયકલ માં પંચર પડ્યું.
“અરે યાર, મોટરસાયકલમાં પંચર થઈ ગયેલ છે. મિકેનિકને શોધવો પડશે.” આજુબાજુ નજર નાખવા છતાં કોઈ પંચર બનાવી શકે તેવો મિકેનિક દેખાઈ રહેલ ન હતો. ત્યાં જ ત્રણ-ચાર બદમાશ જેવા દેખાતા વ્યક્તિઓ આવી ગયા. તેમના વર્તન ઉપરથી ચોક્કસપણે એમ લાગતું હતું કે, તેઓ દારૂના નશામાં હતા. તરૂણ તેમને જોઈ એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો હતો, અને ત્યાં જ તેને કોઈએ માથાના પાછળના ભાગે ડંડો મારેલ જેને કારણે તે ત્યાં ને જ બેહોશ થઈ ઢળી પડેલ હતો. આ બધી બીના બની ગઈ તે દરમિયાન આવેલ બદમાશો માધવીને પકડીને સડકના કિનારે રોડ ઉપર ઉભી રાખેલ કારમાં લઈ ગયા હતા અને બળજબરીથી તેની ઉપર આ નરાધમોએ બળાત્કાર કરેલો હતો.
તરુણ બેહોશ હતો. માધવી બીજા ગુંડાઓના હવસનો શિકાર બની હતી. બંને જણા ત્યાં ને ત્યાં જ એ જ પરિસ્થિતિમાં પડી રહેલા હતા. જ્યારે ભાન આવ્યું ત્યારે, માધવી ને ખબર પડી કે, તેનું સર્વસ્વ લૂંટાઇ ગયેલ છે. આવતા જતા કેટલાક વ્યક્તિઓ રાહદારીઓ આ બની ગયેલ ઘટનાના વિડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. પરંતુ કોઈને આ પીડિત વ્યક્તિઓની મદદ કરવાનો સમય નહોતો. આ તો સારું થયું કે એ જ સમયે પોલીસની પેટ્રોલિંગની જીપ નીકળી, તેઓને ખ્યાલ આવી ગયેલ કે કાંઈક તો અઘટિત બીના બની ગયેલ છે.
બંને જણાને ત્યાં ને ત્યાં કેટલાક સવાલ જવાબો પછી, માધવીને હોસ્પિટલમાં દાખલ કરી, અને તરુણને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘરે જવા રજા આપી.
તરૂણના મગજ ઉપર જોરદાર ઝટકો વાગી ગયો હતો. જેને પરિણામે દસેક દિવસ સુધી તેને ઘરે રહેવું પડેલું હતું. પછી તેણે પોતાની નોકરી પર જવાનું અગાઉની જેમ શરૂ કરેલ હતું. આ બધા સમય વચ્ચે તેણે ક્યારેય પણ માધવીના ખબર અંતર પૂછવાની તસ્દી લીધી ન હતી.
માધવી જબરજસ્ત આઘાતમાં સરી પડી હતી. કેમે કરીને તેની સાથે બની ગયેલ ઘટનાને તે ભૂલી શકતી નહોતી. પંદર વીસ દિવસ સુધી ઘરે રહ્યા બાદ તેના સીરે તેના ઘરની પૂરેપૂરી જવાબદારી હોવાને કારણે તેની બેંકની નોકરી નિયમિત રીતે ચાલુ કરેલ હતી. પરંતુ તેના માટે આ નવુંજીવન હતું. અગાઉની જેમ તેના જીવનમાં તરુણનો જે સાથ સહકાર હતો તે તેને પ્રાપ્ત થતો ન હતો. તરુણ તેની સાથે વાત કરવાની તો દૂર પરંતુ તેની સામે જોતો પણ નહોતો.
માધવીએ તેના સ્ત્રી હદયથી બહુ જ થોડા સમયમાં તરુણ તેની સાથે કેમ આવો વ્યવહાર કરે છે તે મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી. શું તે એક બળાત્કાર પીડિતા હતી તેને કારણે તે આમ કરે છે ? પરંતુ ચૂપચાપ તે પોતાને પોતાના કામમાં વ્યસ્ત રાખતી હતી.
થોડો સમય વીતી ગયેલ હતો. એક દિવસ તરુણને તેની માતા સુરેખાએ માધવીની બાબતોમાં પૂછતાછ કરી, “ કેમ આજકાલ તું માધવી અંગે કોઈ ચર્ચા જ કરતો નથી. તમે બંનેએ લગ્નની તારીખ ફાઇનલ કરી કે નહીં ?”
“ અરે મમ્મી, કેવી વાત કરું છું તું ! હવે શું તેની સાથે લગ્ન કરીશ ? મારો કહેવાનો ઉદ્દેશ એ છે કે તેની ઉપર બળાત્કાર થયેલ છે. અને તે બળાત્કાર પીડિતાની સાથે હવે કેવી રીતે લગ્ન શક્ય બને ? હું સમાજમાંથી છું કઈ અલગ તો નથી ને ?”
તરુણની વાત સાંભળી તેની મમ્મીના ચહેરા પર અનેક પ્રકારના વિચારોના તરંગો આવી ગયા.
“ મને ચોક્કસ પણે એમ લાગે છે કે, તરુણના ઉછેરમાં ચોક્કસપણે મારી કાંઈક કમી રહી ગઈ,” મનમાં ને મનમાં તેને માધવીની ચિંતા કોરી ખાતી હતી. અને તરૂણનું બે જવાબદારી ભર્યું બોલવાનું તેને પસંદ આવતું ન હતું.
“ બળાત્કાર જેવી ઘટના કોઈની પણ સાથે થઈ શકે છે. આરવીની સાથે પણ થઈ શકે. તો શુ તે સમયે તરુણ આવી જ રીતે તેને એક બહેન તરીકેના વ્યવહારમાંથી ભાઈ-બહેનના સંબંધમાંથી મુક્ત કરી શકશે. જે રીતે તેણે માધવીને છોડી દીધી ? આ બધા વિચારો તેના મગજમાં આવે જ જતાં હતા. છેવટે તો તરુણ પણ એક પુરુષ જ હતો ને, શું એમ હશે કે બધા પુરુષો દૂધના ધોયેલા ચોખ્ખા હોય ?”
આવા કેટલાય પ્રકારના સવાલો સુરેખાના મગજમાં આવતા જતા હતા. અને તે ભૂતકાળની કેટલીક વીતી ગયેલ યાદોમાં ગરકાવ થઈ જતી હતી.
પાંચ વરસ પહેલાંની વાત હતી. તે દિવસોમાં સુરેખા અને તેની દીકરી ઘરે એકલા હતા. તરુણ તેની બેંકની તાલીમમાં શહેરની બહાર ગયેલ હતો. આ સમય દરમ્યાન એક દિવસે આરવીને બહુ જ તાવ આવી ગયો. તેને લઈને સુરેખા દવાખાને ગઈ ડોક્ટરને બતાવીને દવા લઈ આવી. દવા લેવાને કારણે બે દિવસમાં તેને સારું થયું. ત્યાં જ ત્રીજા દિવસે પાછો અચાનક તેને તાવ બહુ ચઢી ગયો. ઘરેથી દવાખાનું દૂર હતું જેને કારણે સુરેખાએ ટેલિફોનિક ચર્ચા કરી ડોક્ટરે તેને એક ટેબ્લેટ નું નામ મેસેજ કરી જણાવ્યું કે આ ટેબલેટ લાવી દિવસમાં ત્રણ વખત આપી દો, બે દિવસમાં જ તેને સારું થઈ જશે.
ઘરે બંને એકલા જ હતા. ટેબલેટ લેવા માટે તેમના ઘરની નજીકમાં સુરેખા મેડિકલ સ્ટોરમાં ગયેલ હતી અને આરવી ઘરે એકલી હતી. આ જ સમય દરમિયાન તેમના ઘરના દરવાજે કોઈએ ડોરબેલ વગાડ્યો. ના છૂટકે આરવી ઊભી થઈ દરવાજો ખોલવા ગઈ. સામે જોયું તો તેમની નજીક રહેતા પચાસેક વર્ષની આયુ ધરાવતા વ્યક્તિ સામે ઉભેલ હતા. તેઓ પૂરેપૂરા માહિતગાર હતા કે ઘરમાં આરવી એકલી છે. તેમણે ધીમે રહીને દરવાજો બંધ કરી દીધો. અને બીક બતાવીને આરવીની સાથે ના કરવાનું કૃત્ય કરેલ હતું જેને બળાત્કાર ગણી શકાય. આરવી એક તો તાવથી પીડાતી હતી અને તેની ઉપર આ પ્રકારનું બેરહમ કૃત્ય કરતા તે માનસિક રીતે પણ ગભરાઈ ગઈ હતી.સુરેખા ઘરે આવી અને જોયું તો આરવી નીચે ફર્સ પર પડેલ હતી, તેની હાલત જોતાં જ તેને ખ્યાલ આવી ગયેલ કે આરવી સાથે કઈક અઘટિત કૃત્ય થયેલ છે.
ધીમે રહી સુરેખાએ આરવીના માથે હાથ મૂકતાં જ તે એકદમ ચોંકી ગઈ અને તેની માતાના ખોળામાં માથું મૂકી કુબજ રડી અને તેની બની અઘટિત કૃત્ય બાબતમાં તેણે તેની માતાને જાણ કરી. આરવી એક તો નવજુવાન હતી તે બે એકલા હતાં અને આબરૂ જવાની દહેશતને કારણે કોઈને કાંઈ પણ કહ્યા વગર ચાર જ દિવસમાં તેમણે ફ્લેટ ત્યાંથી ખાલી કરીને તરુણને પણ કોઈ જાતની જાણ કર્યા સિવાય બીજે ફ્લેટ રાખી રહેવા જતાં રહેલ હતાં. આજે તે બની ગયેલ બીના માધવી સાથે બનેલ ઘટના અને તરુણના બેજવાબદારી ભર્યા વર્તનને કારણે ફરીથી મગજમાં ઘર કરી રહેલ હતી.
આવી બની ગયેલ અઘટિત ઘટનાને આજે આટલાં વર્ષો સુધી પોતાની રીતે મનમાં સંઘરી રાખનાર માતા આજે બની ગયેલ ઘટનાને યાદ કરીને અફસોસ વ્યક્ત કરી રહેલ હતી. મનમાં ને મનમાં તેણે એક નિશ્ચય કરેલ હતો કે હું કોઈપણ સંજોગોમાં તરુણને માધવીની બાબતમાં મનાવ્યાં સિવાય નહિ રહું.
ફરીથી એક દિવસ તેણે તરુણને પાસે બોલાવી કહ્યું, “બેટા શું માધવી પર બળાત્કાર જેવી ઘટના બનવાને તે શારીરિક રીતે તે અભડાઈ ગયેલ ગણાય એમ ? શું તે હવે પહેલાં જેવી માધવી નથી રહી ?”
“હા મમ્મી મને ખબર છે મારી જાતની હાજરીમાં તેની પર બળાત્કારની ઘટના ઘટી ગયેલ છે. તો હવે તેને હું કેવી રીતે સ્વીકારી શકું ?” તરુણ પોતાની લાપરવાહી તેની માતા સમક્ષ બતાવી રહેલ હતો.
“હા બેટા પણ તેમાં બિચારી માધવીનો શું વાંક ગુનો ?”
“હા, જો મમ્મી આ બધી વાતો છે ને ફિલ્મમાં સારી લાગે, વાસ્તવિક રીતે નહીં. મને પોતાને બધી વાતની ખબર છે, તેમ છતાં શું મારે જાણીજોઈને કૂવામાં કૂદકો મારવાનો ?
“ પરંતુ બેટા ભૂલ તો એ નરાધમ રાક્ષસોની હતી જેમણે માધવી સાથે આવું બેહુદુ કૃત્ય કરેલ હતું. અને એમાં માધવી તો કોઈપણ રીતે જવાબદાર ન હતી તેનાથી તું તો પૂરેપૂરો વાકેફ છે.
માતા અને તરુણની વચ્ચે આ બાબતોમાં ચર્ચા ચાલતી હતી. કદાચ તરુણને સમજાય તે પ્રકારની કોશિશ તેની માતા કરી રહી હતી. બહુ સમય પછી પણ તરુણ તેની વાત ઉપર મક્કમ હતો.
ના છૂટકે એક દિવસ તરુણને પોતાની પાસે બેસાડીને તેની માતાએ તરુણની ગેરહાજરીમાં પાંચ વરસ અગાઉ તેની બહેન આરવી સાથે જે કંઈ ઘટના બની ગયેલ હતી તે બધી જ ઘટનાની વાત વિસ્તાર પૂર્વક તરુણને કહી આ બધી વાત સાંભળીને તરુણ નવાઈ પૂર્વક તેની માતાની સામે જોતો જ રહ્યો. અને તેનું હૃદય પીગળી ગયું. મનોમન તેણે નક્કી કર્યું હું જે કંઈ માધવી માટે કરી રહેલો હતો તે બિલકુલ ખોટું હતું.
તરુણ ખુણામાં ઉભી રહેલ આરવીની તરફ આગળ વધ્યો, તેની આંખોમાંથી આશું વહી રહેલ હતા.તેણી તરુણને તેની તરફ આવતો જોઈ એકદમ જ તેના રૂમમાં ચાલી ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.
તરુણ કોઈક સમય તેની માતાનો રડતો ચહેરો જોઈ રહ્યો હતો, તો કોઈ સમયે એની રૂમમાં બંધ આરવીના રૂમના દરવાજા તરફ નજર કરી રહેલ હતો. તેના મગજમાં માધવીનો ચહેરો તેની આંખો સમક્ષ આવી ગયો હતો.
બીજે દિવસે સાંજના સમયે તરુણનો તેની બેન્કમાંથી ફોન આવ્યો, “ મમ્મી મને સાંજે ઘરે આવતા મોડું થશે. આજે સાંજે હું અને માધવી લગ્નનું નક્કી કરવા માટે જઈ રહેલ છે.’’
Dipak Chitnis(DMC) dchitnis3@gmail.com