Blood engagement in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | લોહીની સગાઈ

Featured Books
Categories
Share

લોહીની સગાઈ

-: લોહીની સગાઈ :-

DIPAK CHITNIS(dchitnis3@gmail.com)

કોલવણ ગામના ચોરા (ગ્રામ પંચાયત કચેરી)ઉપર મામલતદાર સાહેબની વિઝીટ હતી. ગામના ખેડૂતો વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા.

મામલતદાર સાહેબ ગાદી-તકિયે બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ (ગામના મુખી) બેઠા હતા. આજુબાજુ ગામના ખેડૂતો બેઠા હતા. તેમજ વેપારીઓ પણ બેઠા હતા.બે કોશના પાકા કુવા તથા કુંડી બાંધેલી એક વાડીની ૧૦૦ વીઘા ની જમીન બિનવારસે જતા આજે હરાજી થવાની હતી. વાડીમાં એક મકાન હતું. ઢોર ના ઢોરવાડીયા હતા. ૭૫ આંબાના ઝાડ હતા. નાળિયેરી મોસંબી અને ચીકુ તેમજ બીજા ફળોના પણ ઝાડ હતા. જમીનની ફરતે દીવાલ બાંધવામાં આવેલ હતી શ્રીમંત માણસ હતા. તેમણે શોખ ખાતર આ બધું કરેલું હતું. પણ અચાનક તેમનું અવસાન થતાં અને તેમાં કોઇ વારસ ન હોઈ ‘ દરબાર દાખલ’ દાખલ તેની આજે હરાજી હતી.આ જમીન લેવા ઇચ્છનારાઓની, અને કોના ભાગ્યમાં લોટરી લાગે છે તે જોવા આવનારાઓની ઠઠ જામી હતી.

મામલતદાર સાહેબે કાગળોનો નિકાલ કરવા માંડ્યું.હરાજી જેમ મોડી થાય તેમ લોકો વધારે એકત્ર થાય એ માટે શરૂ કર્યું. તલાટી નામ બોલતા જતા હતા. અને ખેડૂતો જવાબ લખાવતા હતા અને આમ જ કામ ચાલે જતું હતું.

“ કાના ગોવા !” તલાટીએ નામ પોકાર્યું, અને એક જુવાન ઊભો થયો, શ્યામ રંગના શરીરવાળો, કૃશ થઈ ગયેલું શરીર, મારો એક ચોરણો અને શીર ઉપર ફાળીયુ ધારણ કરેલી માનવ કાયા ‘જી’ કહી આવી ઉભી રહી.

“ કાનો તારું નામ ?”

“ જી , હા .”

“ તારો ભાઈ ગોપો ?”

“ જી , હા .”

“ક્યાં છે ?”

અને ગોપો ઊભો થયો.

મામલતદાર સાહેબે બંનેના સામું જોયું. વસ્ત્રોમાં, દેખાવમાં, રંગમાં અને મુખાકૃતિ માં બદલ્યા બદલાય એવા સહોદર(સગા) ભાઈઓ તરફ એમણે મીટ માંડી. પછી સાહેબે પૂછ્યું :

“ તમે તલાટી સાહેબ પાસે વહેચણ નોંધાવી છે તે બરાબર છે ?”

“ જી, હા” બંનેએ જવાબ આપ્યો.

“ જુઓ, હું ફરી વાંચું છું. હજી પણ તમે ફેરફાર કરી શકો છો. હું એકવાર મંજૂર કરીશ પછી ફરી નહીં શકો તે તમને ખબર છે ને ?”

“જી હા.. .. .. “

“ ત્યારે સાંભળો : ખીજડા વાળું ખેતર 10 વીઘાનું તથા કોલવણ ગામનો ખાધું ઉત્તર-દક્ષિણ દસ હાથ, પૂર્વ-પશ્ચિમ છ હાથ : એ બંને નાનાભાઈ ગોપાને ભાગે બરાબર?”

“જી, હા..”

“ રામપરાની માર્ગે વાડી છ વીઘાની, જ્યાં એક કૂવો છે, તે કાનાને ભાગે બરાબર ?”

“જી,.. હા”

“ ત્યારે મંજૂર કરી દઉં ?”

“ જી, હા.... અહીં બંને જણાએ એક સાથે ઉત્તર આપ્યો. મામલતદાર સાહેબે સહી કરવા કલમ ઉપાડી ત્યાં પાછળથી અવાજ આવ્યો :

“ એ મા બાપ, રહેવા દ્યો..: જલમ કરો મા,-” એક સ્ત્રી, અમાસની મેઘલી રાત જેવા વર્ણની, કાખમાં એક એવા જ વર્ણના બાળકને તેડીને માથેથી પડતા છેડીને ખેંચતી આગળ આવી.

“બાપા, આ દીકરો તો ગાંડો થયો સે .-” છોકરાને કાંખમાં ઊંચી ચડાવતી જાય છે, છોકરો રોતો જાય છે, અને લાંબા હાથ કરી મામલતદાર તરફ કોપાયમાન ભકૂટી કરી બાઈ આગળ વધી રહી હતી.

“રહેવા દેજો , હું ખોરડું નહીં દઉ, નહી દઉ, ને નહી દઉ ! મારા છોકરાને મારે મારી નાંખવા ક્યાં -”

“ આ કોણ છે ?” મામલતદાર સાહેબે પ્રશ્ન કર્યો .

“ મારી જીવલેણ, સાહેબ !” કાના એ એક જ શબ્દમાં પોતાની પત્નીનો પરિચય આપી દીધો.

“જીવ લેવા તો તું બેઠો છ-ભાઈને દે બધુ ! આજ તો ખેતર ને ખોરડું દે છ, ને કાલે મને પણ દઈ દેશે..” સ્ત્રીઓના હાથમાં જે અંતિમ શસ્ત્ર છે તેણો ઉપયોગ કરતાં બાઈ રોવા માંડી.

“પણ ભાઈને અર્ધો ભાગ દેવો જોઈએ ને ?” તું સમજતી નથી ને ભર્યા માણસમાં મારી આબરૂ લેછ ! જા જા, હાલતી થા-” પતિદેવ ગરજ્યા.

પટેલ હવે વચમાં પડ્યા. “ઊભો રે, કાના, ખીજા મા, મને વાત કરવા દે. જો દીકરી, તારે મોટાને ખેતર ન દેવાં હોય તો વાડી ગોપાને દઈ દે -”

“કાંઈ નહીં, વાંઢો રુંઢો છે, ગમે ત્યાં ગદરી ખાય ! હું છોકરાંછૈયાંવાળી મારો માંડ માંડ વાડી ને ખેતરમાંથી ગુજારો થાય, એમાં ગોપલાને શું દઉં - ડામ ?” મામલતદાર જોઈ રહ્યા. ગામલોકોને આ અન્યાય વસમો લાગ્યો.

“સાહેબ, મારું રાજીનામું, મારે કાંઈ ન જોઈએ ; લખી લ્યો, મારો ભાઈ ને ભાભી ભલે બધું ભોગવે-” હવે ગોપો બોલ્યો.

“ અરે, એમ હોય ? ? તું મારા બાપનો દીકરો, ને ભાગ તો માગ ને !” કાના એ ગોપાનો હાથ રોક્યો. “આનો તો દી ફરી ગયો છે.”

“દી તો તારો ફર્યો છે તે બાવો થાવા અમને કરવા નીકળ્યો છે ....” બાઈ રડી પડી.

“સાહેબ મે કહ્યું ઈ માંડોને, બાપા. મારે કાંઈ ન જોવે. મારો ભાઈ સુખી તો મારે બધું છે ; હું ક્યાંક ગુજારો કરી લઇશ.”

“અરે, પડને પાટામાં, મારા રોયા ! લૂંટવા બેઠો છે ભોળા ભાઈને ! સમજાવીને પડાવી લેવું છે. આ તો ઠીક થયું કે મને ખબર પડી ગઈ, નહિતર મને ઘરબાર વગરની કરત ને ! હું તને કાંઈ નહી દેવા દઉ, હા વળી....-”

“અરે, પણ મારે જોવે છે પણ કયાં ? તમે બે જણા સુખે રોટલો ખાવ તો હું આઘે બેઠો બેઠો રાજી થાઈશ, પણ આ ભર્યા માણસમાં તું ભલી થઈ અમારી આબરૂ પાડ મા, મારે કાંઈ ન ખપે..”

“ ઈ તો વાતું. હમણાં ડાયરામાં પોરસીલો થાછ , પણ પછી આવીશ બાઝવા. ગોપલા, તને તો નાનપણથી ઓળખું છ....”

ગોપો હસ્યો, પોતાના પિતાની મિલકતનો અડધા ભાગનો હિસ્સેદાર અને હકદાર હતો, ભાઈ ભાગ દેવા તૈયાર હતો, પણ તેના સંસારને સળગાવી પોતે ભાગ લેવા તૈયાર ન હતો. ભાઈનું સુખ તેને મિલકતથી વિશેષ હતું.

“તો સાંભળ, આ ભાગ, ખેતર, ખોરડું કે ઘરવખરી એમાંથી મારે કાંઈ ન ખપે ! આ પહેર્યા લુગડા હક છે, બાકી મારે કાંઈ જોતું નથી. બસ, હવે રાજી-”

“ હા હા-” લોકોમાંથી અવાજ આવ્યો.

“ ગોપા, વિચાર કરી લેજે : કાયદો તને મદદ કરશે, અડધો ભાગ બરાબર મળશે.” મામલતદારે કહ્યું.

“ સાહેબ, બાપા, મેં મોઢેથી કહી દીધું પછી હિંદુના છોકરાને બસ છે ને ! મારો ભાઈ ને ભાભી રાજી તો હું સો દાણ રાજી.”

અભણ કોળી યુવાને તેના ભાઈ ના સુખ ખાતર સર્વસ્વ નું બલિદાન આપ્યું. સૌની આંખો તેના તરફ મંડાઇ રહી. એક નીચું માથું કરી જોઈ રહ્યો અને આંસુ સારી રહ્યો કાનો.

મામલતદારે મૌન ધારણ કર્યું. ગોપાની હક છોડી દેવાની આ કબૂલાતમાં સહી લીધી. સર્વત્ર મૌન છવાઈ ગયું.

“ ચાલો, હવે વાડીની હરાજી કરીએ.” મામલતદાર સાહેબે મુખ્ય અને અગત્યના કામનો પ્રારંભ કર્યો અને લોકો પણ જરા આનંદમાં આવી ગયા.

તલાટીએ વિગતો તથા શરતો વાંચી સંભળાવી. મામલતદાર સાહેબે તેની કિંમત હજારો ઉપર જાય તેમ સમજાવ્યું અને લોકોને માગણી કરવા આગ્રહ કર્યો. પણ કોઈ પહેલ કરતું નથી. મોટા મોટા માણસો માગણી કરવા આવ્યા છે. પહેલી માગણી કોણ કરે તે જોવા એકબીજાના મુખ સામું જોઈ રહ્યા હતા. ઘણીવાર થઈ કોઈ માંગણી કરતું નથી. મામલતદારે ગામના અગ્રગણ્ય નાગરિકો મૂળચંદ શેઠને કહ્યું ; “ શેઠ, માગણી કરો ને ? કોક શરૂ કરશે પછી ચાલશે.”

“હા- હા,” શેઠ હસ્યા, “ સાહેબ કોકે પગ તો માડવો જોઈએ : આપ ગમે તેની માગણી મુકો પછી ચાલશે.

“ તો કોની મુકુંશું ?”

“ગોપાની-” માંડલામાંથી અવાજ આવ્યો તેમાં ગોપાની હમદર્દી હતી કે મશ્કરી તે સમજાયું નહીં. પહેરેલ લૂગડે બહાર નીકળેલા ગોપા પાસે પાંચ હજારનું નજરાણું ભરવાની ક્યાં ત્રેવડ હતી ?

“તો ભલે- લયો, ગોપાનો સવા રૂપિયો, “ મામલતદારે માગણી લીધી.

“સાહેબ, પણ-” ગોપો બોલી ન શક્યો.

“ ગભરા મા, ગોપા તારા હાથમાં આ શેઠિયાં આવવા નહિ દે, હજી તો આંકડો ક્યાંય પહોંચશે.”

પણ માગણી થતી નથી. મામલતદાર સાહેબ સમજાવીને થાક્યા.

“ હબીબ સેઠ, પૂછપરછતો ઘણા દિવસથી કરતા હતા હવે કાં ટાઢા પડી ગયા ?” એમણે બીજા શેઠ ને કહું.

“ સાહેબ-” મુલચંદ શેઠ બોલ્યા. “ આપે ભુલ કરી એ વાત આપને કોણ કહે !”

“ કેમ ! મારી ભૂલ ?”

“હા.. આ દેવ જેવા ગોપાની ઉપર કોણ ચડાવો કરે ? જમીન તો મળી રહેશે પણ આવો ખેલદિલ જોવા નહીં મળે, જેણે બાપ ની મિલકત ભાઈના સુખ સારું હરામ કહી, એની ઉપર ચઢાવો હોય નહીં, આપો, સાહેબ સવા રૂપિયામાં આ વાડી ગોપાને આપો !”

આખા માંડલામાં આનંદ પ્રસરી ગયો. મુલચંદ શેઠના શબ્દોને જ અનુમોદન મળવા માંડ્યું. કોઈ ચઢાવો કરવા તૈયાર નહોતું.

“ગોપા, ત્યારે ‘ત્રણ વાર ‘ કહી દઉ ? દસ વિઘાનું ઘાસખેતર છોડયુ તેના બદલામાં તને આવી અફલાતૂન વાડી મળી. રાજી ને ? “ મામલતદારે ‘ એક વાર, બે વાર....’ બોલતા કહ્યું.

“બાપા,” ગોપાની આંખોમાં આંસુ આવ્યા. “ગામ લેવા દે, ને આપ માવતર આપો તો રાજી ; પણ હું એકલો શું કરું ? એમાં મારા ભાઈ કાના નું પણ નામ નાખી દ્યો-”

મામલતદાર, મહાજન અને ગામ આખું તેનું આ છેલ્લુ વાક્ય સાંભળી અવાક થઈ ગયા. આને કહેવાય સાચી લોહીની સગાઈ......