Deal of seven rounds - 2 in Gujarati Fiction Stories by Ayesha Yusuf books and stories PDF | સાત ફેરાનો સોદો - ૫

Featured Books
Categories
Share

સાત ફેરાનો સોદો - ૫

"રિધિમા હતી મતલબ?તે જોઈ એને?"આશિષ ગૂંચવાયો.
"અમમમ હા..કદાચ... મનન, યાદ છે એ દિવસે મે કહેલુ કે કોઇનો અવાજ મે સાંભળ્યો."-હું મનન તરફ ફર્યો.
"કયારે?"-મનન આશિષ કરતા પણ વધારે ગૂંચવાયેલો હતો.
"અરે પેલુ સુસુ વાળુ યાર.મોન્ટુ વાળુ."-મે ટચલી આંગળીથી સુસુનો ઈશારો કર્યો.એ બંનેના મુંઝાયેલા ચહેરાએ મને મુંઝવી નાંખ્યો અને જયારે જયારે હું મુંઝાઉ ત્યારે મારી વાત રજુ કરવામાં ભયંકર રીતે ધબડકો કરતો.
મોન્ટુની કપાળની કરચલી ઓછી થઈ. શાયદ તેને વાત સમજાવા માંડી હતી જયારે આશિષનો ચહેરો જોઈને લાગતુ કે કોઈ આર્ટસના વિધ્યાર્થીને ફિઝિક્સ ના કલાસમાં બેસાડી દીધો હોય.
"યાર એ રાત્રે ગયેલા આપણે ટાઈગર પાસે.જયુસ લેવા જયુસ."-મારો અંગુઠો મારી વાત પૂર્ણતઃ રીતે સમજાવવામાં સફળ થયો.
"બે એમ ભસને. હા યાદ આવ્યુ."-મનન હર્ષાવેશમાં તાળી પાડી ઊભો થયો.
"તમે રિધિમાને જોઈ?"
"ના.જોઈ નથી પણ સાંભળી છે.એ ગાતી હતી.શાયદ."
"કયાં?ધાબા ઉપર?"
"ના.અવાજ તો દિવાલમાંથી આવતો હતો."
"બે તારી બહેન તો મોર્ડન અનારકલી નીકળી જેને ટાઈગરે દિવાલમાં જીવતી ચણી નાખી છે."-ખોટા સમયે ખોટી કોમેન્ટ ન કરે તો મનનના ડીએનએ સ્યુસાઇડ જ કરી લે. મે મનનને ચૂપ રહેવા ઈશારો કર્યો. આશિષ મનનની આ કોમેન્ટ બદલ એને ધાબા પરથી જરૂરથી ધકકો મારી દેશે એવુ મને આશિષનો ચહેરો જોઈ લાગ્યું.
"તમને બંનેને આ મજાક લાગે છે?"-આશિષ ગુસ્સાથી બરાડયો.ગુસ્સામાં લોકો ભાન ભૂલી જાય છે એ ત્યારે સમજાયુ જયારે મારી ઑફિસની કેન્ટીનમાં કામ કરતા વેઈટરે એના બોસનો કૉલર પકડયો.
"હુ સાચુ કહુ છુ યાર.અવાજ ખરેખર દિવાલની બીજી બાજુથી આવી રહ્યો હતો."-મે આશિષના હાથ તરફ જોતા કહ્યું.એ હાથ જેમાં મારા બ્રાન્ડેડ શર્ટનો કૉલર હતો.
"હિંસા નહી.એ સાચુ કહે છે."-મનને આશિષના ખભા પર હાથ મૂકતા કહ્યું.આશિષના ખભા પર હાથ મૂકી એને સાંત્વના આપવાનુ હુ સમજયો પણ વાણીથી હત્યાકાંડ કરતા મનનની જીભ ઉપરથી સરેલો અહિંસા શબ્દ મારા કાનને રુચ્યો નહી.
"તને વિશ્ર્વાસ ન હોય તો ચલ હાલ જ ટાઈગરની ગુફામાં."-મારી જાતને સાચી સાબિત કરવી હવે જરૂરી થઈ ગયેલુ કારણકે આશિષ સામે મારા આત્મસન્માન નો ડૂચો વળી જાય એ હુ ઈચ્છતો ન હતો.
"અબે ઓય ટોપા.આયો મોટો ગૂફાવાળો.શાંતિલાલ ને ઝાલીને બેસી રે."
"હા ચલો. મને પણ જાણવુ છે કે રિધિમા કેવી હાલતમાં છે?"
"કેમ તને નથી ખબર તારી બહેન કેવી હાલતમાં છે જે અમને સાથે લઈ જઈને ટેલી કરવુ છે?"
"મને ખબર છે પણ એ ખબર નથી કે એ કોઈ દિવાલની અંદર કેદ છે?"-આશિષના ચહેરાને જોઈને મને લાગ્યું કે જો એની વાત નહીં માનીએ તો એ રડી પડશે.
"પણ હજુ સમય નથી થયો યાર."-મનને મારી સામે જોઈ કહ્યું.
"સમય થઈ તો ગયો.એ આવતી જ હશે હમણાં."-આશિષે ટાઈગરના ઘર તરફ જોતા કહ્યું.
"તે એને અહિંયા બોલાવી છે?ટાઈગર આવવા દેશે એની અનારકલીને?"-ખોટા સમયે ખોટી કમેન્ટરીના અભૂતપૂર્વ વરદાન સાથે જન્મેલો મનન બોલ્યો.
"બિહેવ યોર લેન્ગવેજ મનન.રિધિમા માટે ટાઈગર એનો ભાઈ છે,એનો સલીમ નહિ."-આશિષે દાંત કચકચાવીને કહ્યું.
"નોનસેન્સ સાલા.તારૂ મોઢું બંધ કરી દે તું નહીં તો આશિષ પહેલા હું તને ધકકો મારી દઈશ."
"પણ તે નોટિસ કર્યું?"-મનને મમરો મૂક્યો.
"શું?આવી ગઈ એ?"-મે તરત ફોનનો કેમેરો ખોલી ટાઈગરના ઘર તરફ ઝૂમ કર્યું.
"એ જ કે આશિષે પણ મનોમન સ્વીકારી લીધું છે કે એની બહેન અનારકલી છે."મને ખરેખર થયું કે મને આશિષને મનનને ધકકો મારવાનો ગોલ્ડન ચાન્સ આપવો જ જોઈએ.
"હેલો ભાઈ, એક કામ છે.મળવુ‌ છે મને.તમે ફકત પાંચ મિનિટ આપી શકશો?"-અમારી મનની વાતો ચાલતી હતી ત્યાં જ ઉતાવળા બનેલા આશિષે ટાઈગરને ફોન જોડી દીધો.બીજી જ મિનિટે આશિષે મનનનો હાથ ઝાલ્યો.
"ચાલ,તને આજે તો દર્શન કરાવવા જ પડશે."
"પણ પ્રસાદની મને સહેજ પણ ભૂખ નથી."-મનનને જોઈ મને હસવું આવી ગયું.
"હા તો દર્શન કરીને ધન્યતા અનુભવજે તું."-આશિષે કટાક્ષમાં કહ્યું.
"ખાલી દર્શન જ કરાવજે.અમને ભોગ બનાવીને ન પરોસી દેજે."-મનને કપાળે રૂમાલ ફેરવતાં કહ્યું.
પાંચ મિનિટ બાદ અમે ટાઈગરના આશિયાના સામે ઊભા હતાં.