My 20years journey as Role of an Educator - 22 - 1 in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 1

Featured Books
Categories
Share

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 1

મારી શિક્ષણ યાત્રાની 2 દાયકાની સફરે 22 (ભાગ 1)

વિશ્વાસ

બેન, મારી સાથે વાત કરે છે તો મને સારું લાગે છે અને જેએક છોકરી બીજી છોકરી સાથે વાત કરે ને એમ જ હું એ છોકરા સાથે વાત કરૂ,એમાં બધાયને આટલો હોબાળો મચાવવાની શું જરૂર છે? એ મને નથી સમજાતું?” તરુણ અવસ્થાની નાનકડી એવી દીકરી બાજુના ગામથી અપડાઉન કરતી જિગીષાના એક પ્રશ્નએ મને એટલું તો જરૂર સમજાયું કે, વિજાતીય મિત્રતા ન સ્વીકારનાર એવા રૂઢિચુસ્ત સમાજમાંથી ઉદ્ભવેલો આ પ્રશ્ન છે! જિગીષાની મોટી ભોળી આખોનો નિહાલસ પ્રશ્ન મારા હરદાયને સ્પર્શી ગયો.

વાત એમ હતી કે એનાથી થોડો મોટો એવો કોલેજીયન યુવાન એના જ ગામનો હોવાથી બસમાં રોજ સાથે હશે અને હાસ્યની આપ લે પછી સામન્ય વાતો કરી હશે ... પણ બંને એક જ ગામના હોવાથી ગામના કોઈ વડીલે એ જોઈને જીગીશા ના પિતા ને કહ્યું અને ગામમાં પણ કહ્યું કે ભાનુપ્રસાદએ દીકરીને ગામ માં ભણવા મૂકી એ બહુ ખોટું કર્યું. જોયું અત્યારથી જ કેટલી છૂટ થઈ ગઈ છે? દીકરી પર પુરુ વિશ્વાસ છતાં ભાનુપ્રસાદએ પ્રેમથી દીકરીને પાસે બેસીને એક દિવસ સમજાવ્યું કે બેટા મને તો તારા પર પૂરો વિશ્વાસ છે જ પણ તું ધ્યાન રાખજે અને હવે બસમાં જિગર સાથે વાતો નહિ કરવાની. એક યુવાન થતી દીકરીની ચિંતામાં અને સમાજની બીકે કહેલી પિતાની આ વાત મને કહેતા જિગીષાએ કહ્યુંકે મારા પપ્પાને મારા પર પૂરો વિશ્વાસ છે તો ગામના લોકોને શું વાંધો છે? અને બહેન અમે કાંઈ છાના છપના તો મળતા નથી કે લોકોને કંઈ કહેવાનું મળી જાય ?બસ માં જાહેર માં બેઠા હોઈએ છીએ અને ક્યારેક મને કાંઈ ન સમજાતું હોય તો તે મને સમજાવે અથવા એ પોતાની કોલેજ ની વાતો મારી સાથે કરી અને મને હસાવે અને અમારે ટાઇમ પાસ થાય તો શું બહેન એમાં કાંઈ ખોટું છે?

તરુણાવસ્થાની દીકરીનો આ પ્રશ્ન વ્યાજબી હતો. ઉમર ના હિસાબે સહજ રીતે છોકરા પ્રત્યે આકર્ષણ થાય અને વાતો કરવાનું મન થાય એ સ્વાભાવિક છે પણ ઉંમર કરતાં વધુ પરિપક્વ એવી દીકરી કંઈ ખોટું ન કરે તેવું મને અને તેના માતા-પિતાને વિશ્વાસ હતો. એટલે મેં તેને કહ્યું કે તારી વાત સાથે હું બિલકુલ સહમત છું પણ બેટા આપણો ભારતીય સમાજ છે જેમાં અમુક નિયમો રહેતા હોય છે અને આપણે સહુએ , તારા મમ્મી પપ્પા એ એ જ સમાજમાં જીવવાનું હોવાથી આપણે થોડું ઘણું વિચારવુ પડે છે... ત્યારે જિગીષા નો બળાપો થોડો શાંત થયો પણ મને એ તો જરૂર ખ્યાલ આવ્યો કે એના મનને સંપૂર્ણ શાંતિ તો નથી જ થઈ. મારી હંમેશની આદત મુજબ રીશેષમાં સ્ટાફ રૂમ ની બહાર, પાળી પાસે ઉભા રહીને આ દીકરીની વાતો શાંતિથી સાંભળી લીધી અને પછી બધા પાસાંઓનો વિચાર કરીને બીજે દિવસે એને જવાબ આપવનું કહ્યું. એ જમાનામાં મોબાઇલની શરૂઆત હતી,એટલે એનો વ્યક્તિગત ફોન ન હોતો.જો કે એના લેન્ડ લાઈન નંબર હતા મારી પાસે, પણ બપોર પછી હું એક સામાજિક કાર્યમાં વ્યસ્ત હતી એટલે એની સાથે વાત કરવી શક્ય નહોતું.રાતે મને થયું કે એને ચકાસી લેવી જરૂરી છે,કેમકે આ ઉમરે વિજાતીય આકર્ષણ પણ થતું હોય છે, જેના પરિણામે ક્યાંક આ દીકરી ને છોકરી કરતા છોકરા સાથે વાતો કરવાની વધુ મન થાય છે એવું તો નથી ને? અને એનાથી એક ડગલું આગળ વિચાર્યું કે તે દીકરા પ્રત્યે તેને સોફ્ટ કોર્નર તો નથી થઈ ગયો ને ?

આ બધું ચકાસવા માટે બીજા દિવસે મેં એને અમુક પ્રશ્નો પૂછ્યા જેના જવાબમાં મને એવું લાગ્યું કે;હું કદાચ સાચી છું. જિગીષાએ કહ્યું કે એ ક્યારેક જીગર મને લેન્ડ લાઇનમાં ફોન કરે છે,ત્યારે મમી પણ હાજર હોય છે. અને અમે વાતો કરીએ છીએ તો મને સારું લાગે છે,મે કહ્યુ કે તમારી વાતો કરવામાં કોઈ વાંધો નથી, પણ અમુક ઉમર પછી વાલીને દિકરી ની ચિંતા હોય તે સ્વાભાવિક છે.તો એવું કર કે થોડો વખત માટે એને તારી સાથે વાત કરવાની અને ફોન કરવાની ના પાડી દે. બસમાં પણ તમે અલગ બેસો અને જરૂર કરતા વધુ વાતો ન કરવી. અને આમ પણ આ વર્ષ તારું બોર્ડની પરીક્ષાનું છે તો મારી ઈચ્છા છે કે તું થોડું ભણવા ઉપર વધારે ધ્યાન આપ. અને તારા પપ્પાની લાડકી છો, એમને દુઃખ થાય એવું કંઈ ન કરવું એ તારી સવિશેષ જવાબદારી છે. બાપ દીકરી ના પ્રેમ ની વાતે મારું મિશન પાર પડ્યું અને એ મારી વાત માની ગઈ. એના ચહેરા પર થોડું સ્મિત હતું પણ તે કરતા સારા મિત્ર થી દુર જવાનું દુઃખ પણ હતું એવું મને લાગ્યું. પણ મેં વિચારી કે જોઈએ આગળ શું થાય છે? એ પછીના થોડા દિવસે બોર્ડની પરીક્ષા નજીક હોવાથી તે તૈયારીમાં લાગી ગઇ પણ વચ્ચે વચ્ચે રિશેષ માં આવીને મને રિપોર્ટ કરી જાય કે પપ્પાને વાત કરી તેથી પપ્પા ખુશ થયા છે.

હવે આ દીકરીને બીજો પ્રશ્ન થયો કે મારે મોબાઈલ લેવો છે અને પપ્પા અપાવતા નથી. મેં કહ્યું બેટા તારે અત્યારે મોબાઇલ ની શું જરૂર છે? અને તારા પિતા એ અત્યાર સુધી તારી દરેક વાત માની છે તો કોઈ વખત તારે પણ એમની વાત માનવી જોઈએ અને તું એમને એટલો વિશ્વાસ દેવડા, એમની ઇચ્છા મુજબ બધું કર કે એક દિવસ એ સામેથી આવીને તને મોબાઈલ જરૂરથી આપશે મારી એ વાતનો તું વિશ્વાસ રાખજે. થોડા અવિશ્વાસ સાથે એણે આ વાત પણ માની. ભણવામાં સામાન્ય એવી આ દીકરીના પિતાએ એની પાસે શરત મૂકી કે જો તું ૮૦ ટકાથી ઉપર ગુણ લાવી તો હું તને મોબાઈલ જરૂર આપવાનું સામાન્ય રીતે ૬૫ ટકા ગુણ મેળવતી આ દીકરી અત્યારે મારી વાત માની, ખૂબ સારી મહેનત કરવા લાગી. થોડા દિવસ પછી આવીને મને કહ્યું કે બહેન તમારી વાત એ તો જાદુ કર્યો મારા મમ્મી પપ્પા મારા બહુ જ વખાણ કરે છે અને મારાથી ખુશ છે હું એ છોકરા થી વાત પણ નથી કરતી, અને ભણવામાં ખૂબ ધ્યાન આપું છું હું 80% જરૂર લાવીશ. મને બહુ આનંદ થયો કે ચાલો, ગાડી પાટા પર ચડી ગઈ છે! બોર્ડનું પરિણામ આવ્યું, દસમા ધોરણમાં એ દીકરી સારા ગુણ મેળવી શકી. પિતાની ઈચ્છા પૂરી કરી અને પિતાએ પણ વાયદો પૂરો કર્યો એને એક સરસ મજાનો મોબાઇલ લઇ આપ્યો. મોબાઈલ મેળવી,એકદમ ખુશ થઈ ગઈ.મને કહે, તમે કહ્યું એ જ પ્રમાણે કર્યું હતું તો સારું થયું. હું પણ એની ખુશીમાં ખુશ થઈ પણ એની આંખમાં એક અલગ ચમક જોઈ. વળી મને જીગર યાદ આવી ગયો અને થયું કે કદાચ આ કારણસર તેણે મોબાઇલની જીદતો નહીં કરી હોય ને? પણ એણે મારી સાથે ઘણા દિવસથી જીગર વિશે કોઈ વાત કરી નહોતી એટલે મને થયું કે કદાચ બધું થાળે પડી રહ્યું છે.

પણ અગિયારમાં ધોરણમાં આવ્યા પછી થોડી ડિસ્ટર્બ હોય એવું મને લાગતું. એક બે વખત કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે પ્રવાહ બદલાવાની કારણે અમુક બહેનપણીથી છૂટી પડી ગઈ છે જેથી મૂડ થોડો change રહે છે.એ વાત સાચી હશે કદાચ પણ મૂળ કોઈ બીજી વાત છે કે કંઈક ગરબડ છે! પણ હું રાહ જોઈ રહી હતી કે તે તેના મોઢે જ મને કહેશે.

અગિયારમું ધોરણ પૂરું થવા આવ્યું એકવાર પાસે આવી કહે કે બહેન મને એ તો કહો કે છોકરા સાથે વાત કરવામાં શું વાંધો છે ?” ફરી એ જ શરૂઆતનો પ્રશ્ન આવ્યો અને મારી શંકા સાચી પડી. મેં કહ્યું કેમ બેટા શું થયું? તો આંખો માં આંસુ સાથે મને કહ્યું કે બેન મને જીગર કહે છે કે તું મારી સાથે વાત કર પણ ઘરમાં મમ્મી પપ્પા ની એ ગમતું નથી. તો મારે શું કરવું ? મારી વરસ પહેલાની શંકા સાચી પડી. જિગર જિગીષાને એકબીજા પ્રત્યે જરૂર સોફ્ટ કોર્નર થયું છે. મેં તેને શાંતિથી સાંભળી તેની બધી વાતો પરથી સામાન્ય તારણ નીકળતું હતું કે તે પોતે પણ સમજતી હતી કે માતા-પિતાની દુઃખ ન થાય એમ મારે કરવું જોઈએ, પણ ઉંમર સહજ આકર્ષણથી જીગર તેને ગમવા લાગ્યો હતો. મે એની આંખમાં આંખ પરોવીને પૂછ્યું કે બેટા તો સાચું કે તને એની સાથે વાત ન કર તો મજા નથી આવતી ને? ત્યારે પોતાની આંખની પાંપણ ઢાળી દીધી અને મને મારો જવાબ મળી ગયો.ત્યાં રિસેસ પૂરી થયાનો ઘંટ વાગ્યો અને મેં તેને કહ્યું કે સારું આજે તો વર્ગમાં જા કાલે આપણે વધારે વાત કરી એ... એ શરમાતી પોતાના વર્ગમાં જતી રહી અને મારા મનમાં વિચાર વાયુ .... હવે જો એમ કહું કે આ યોગ્ય નથી, ને એવી સુફિયાણી સલાહો આપું તો એને મારા પરથી વિશ્વાસ ઉઠી જાય અને વધુ વાતો મારી સાથે ન કરે. પણ જો અત્યારે એની સાચી વાત જાણી વધુ આગળ વધતી ન અટકાવી તો એની કારકિર્દી પણ બગડી જાય! તે ઉપરાંત એ જીગર એના માટે યોગ્ય છે કે નહીં તે પણ જાણવું જરૂરી હતું.

બીજા દિવસે એ મારી પાસે આવી પણ મારી આંખોમાં આંખો મેળવી શકતી નહોતી મેં કહ્યું કે બેટા હું આખી વાત સમજી ગઈ છું. જો તને એવું લાગતું હોય કે જીગર ને તારા પ્રત્યે પ્રેમ છે તો તું એક પ્રયત્ન કર અને એને સમજાવ કે આપણે બંને આપણી કારકિર્દી બનાવીએ, ત્યાં સુધી રાહ જોઈએ અને જો આપણો પ્રેમ સાચો હશે તો આપણે જરૂર મળીશું. એટલે યુવાનીના ઉંબરે પગ મૂકતી દીકરીએ મને પ્રશ્ન કર્યો કે, બેન એટલે શું હું એની સાથે વાત પણ ન કરું? મેં કહ્યું કે બેટા સાવ વાત બંધ કરવાની નહીં પણ થોડી મર્યાદા રાખવી જરૂરી છે. અને મમ્મી-પપ્પાને વિશ્વાસ અપાવ કે હું તમારો મારામાં રહેલ વિશ્વાસ નહિ તોડું.. થોડા હિચકિચાટ સાથે તેણે મારી આ વાત માનવા ની સંમતિ દર્શાવી. તે જ દિવસે ઘરે જઈને પપ્પાને વચન આપ્યું કે તેમની ઈચ્છા મુજબ સારા ટકા લાવશે અને ભણવામાં ધ્યાન આપશે. હવેથી જીગર સાથે બહુ વાત નહીં કરું. મને થયું કે ચાલો થો ડો પ્રશ્ન હળવો થયો પણ એના મનમાં જે વાવાઝોડું ઉદ્ભવ્યું હતું. ( જીગર સાથે ઓછી વાતો કરવા બાબતે) તે હું બરાબર અનુભવી શકતી હતી. તે છતાં ક્યારેક દીકરી ના સારા ભવિષ્ય માટે તેની કડવી ગોળી પીવડાવવી પડે તો કોઈ વાંધો નહિ એવા મારા વિચાર સાથે હું બહુ સ્પષ્ટ હતી અને મને આશા હતી કે સારું પરિણામ જ આવશે.

આમ થોડા દિવસો નીકળી ગયા એ કહેતી કે બહેન, જિગરનો પ્રેમ મારા માટે સાચો જ છે, એટલે તો મેં જે કહ્યું તે બધી વાત માને છે.તે પણ ખૂબ મહેનત કરે છે અને કહે છે કે જલ્દી સારી નોકરી મેળવી સેટ થવું છે. હું ખુશ હતી કે સારું ચલો કંઈક તો સારું થઈ રહ્યું છે.બંને પોતાની પરિક્ષાની તૈયારી માં વ્યસ્ત થઈ ગયા હતા.એ વખતે મારા પણ માનવામાં ન આવે એવી એક વાત બની ગઈ. બારમા ધોરણની બોર્ડની પરીક્ષા નજીક હતી ત્યાં થોડા દિવસ અગાઉ મારી પાસે આવી એ ખૂબ ખુશ હતી કે ને મને પગે લાગી અને ભેટી પડી. ( ક્રમશ:)