The Next Chapter Of Joker - 13 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 13

Written By Mer Mehul

અવિનાશ ગુસ્સામાં બહાર નીકળ્યો હતો, પાર્કિગમાંથી તેણે બાઇક બહાર કાઢી એટલે વોચમેન તેની પાસે આવીને ઉભો રહ્યો.

“મજા આવી કે નહીં છોકરા ?, હું પણ ઘણીવાર જઈ આવ્યો છું. મારી પત્ની કરતાં હજાર ગણું સુખ અહીં મળે છે નહીંતર મારી જેવાં નોકરને આવું ફૂલ ક્યાંથી નસીબમાં હોય ?” વોચમેને હસીને કહ્યું.

અવિનાશ બાઇક નીચે ઉતર્યો. તેણે ગુસ્સામાં જ વોચમેનને બે પગ વચ્ચે લાત મારી. વોચમેન અંગ્રેજી આઠડો થઈને નીચે ઢોળાઈ ગયો અને કણસવા લાગ્યો. અવિનાશે તેનાં ગજવામાં હાથ નાંખ્યો અને પાંચસોની બે નોટ લઈને બાઇક પર સવાર થઈ બહાર નીકળી ગયો. બહાર આવીને એ બાપુનગર ચાર રસ્તા તરફ આગળ વધ્યો. રસ્તો એકદમ સુમસાન હતો. ક્યારેક કોઈક બાઇક તેને સામે મળતી હતી.

અવિનાશની આંખોમાં અત્યારે લોહી ભરાઈ આવ્યું હતું. બાપુનગર ચાર રસ્તાથી એ ડાબી તરફ વળ્યો અને મેઘાણીનગર તરફ આગળ વધ્યો. મેઘાણીનગર બ્રિજ પહેલાં ડાબી બાજુનો એક રસ્તો ફાટતો હતો. એ રસ્તે પાંચસો મીટર સીધાં ચાલતાં ડાબી બાજુએ એક ગલી પડતી હતી અને એ ગલીનાં છેડે રમણિક શેઠનો બંગલો આવેલો હતો.

બાપુનગર એરિયામાં રમણિક શેઠને લગભગ બધા જ ઓળખતાં હતાં. ઇન્ડિયા કોલોનીમાં તેની મોટી બે સોનાનાં ઘરેણાની દુકાનો આવેલી હતી. તેઓની દુકાનની લાઈનમાં જ ત્રીજી દુકાન જનકભાઈ એટલે કે અવિનાશનાં પિતાની હતી તેથી અવિનાશને રમણિક શેઠનાં બંગલાનાં સરનામાની ખબર હતી.

અવિનાશે ફૂલ સ્પીડે શેઠનાં બંગલા તરફ બાઇક ચલાવી. પંદર મિનિટમાં એ બંગલા પહેલાં આવતી ગલી સુધી પહોંચી ગયો. તેણે બાઇકની લાઈટ બંધ કરી દીધી અને ફોનમાં સમય જોયો. સાડા અગિયાર ઉપર પાંચ મિનિટ થઈ હતી. તેણે ગલીમાં બહાર એક કાર પાર્ક કરેલી હતી તેની પાછળ પોતાની બાઇક પાર્ક કરી અને બંગલા તરફ આગળ વધ્યો. રમણિક શેઠનો બંગલો કોર્નરમાં હતો, જેનાં બંને બાજુએ ગેટ પડતાં હતાં. અવિનાશ જે તરફ હતો એ ગેટ ગલીમાં પડતો હતો અને બીજો ગેટ મુખ્ય રસ્તા તરફ પડતો હતો. મુખ્ય રસ્તા તરફનાં ગેટ પાસે મોટું પરસાળ હતુ. પાછળનો ગેટ જ્યાં અવિનાશ ઉભો હતો એ જૂજ કામ માટે જ ઉપયોગમાં લેવામાં આવતો એ વાતની જાણ અવિનાશને હતી. ગેટની દીવાલ પણ માત્ર પાંચ ફૂટ જ ઊંચી હતી. અવિનાશ એ દિવાલ કૂદીને અંદર પ્રવેશી ગયો.

*

(વર્તમાન)

બાપુનગર પોલીસ સ્ટેશન બહાર મિડિયાનો જમાવડો હતો. ગઈ કાલની આગળની રાત્રે એક ઘટનાં બની હતી જેને કારણે પોલીસ તંત્ર એક્ટિવ થઈ ગયું હતું. રમણિક શેઠ નામનાં વ્યક્તિની બહેરહમીથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાં કંઈક આવી રીતે બની હતી,

એ રાત્રે બાપુનગર ચોકીનો ચાર્જ હિંમત ત્રિવેદી નામનાં સબ ઇન્સ્પેક્ટર પાસે હતો. હિંમત ત્રિવેદી અને તેનો સાથી કોન્સ્ટેબલ કેયુર ચાવડા બહાર પેટ્રોલીંગ માટે ગયાં હતાં. એ જ સમયે ચોકીમાંથી એક કૉલ આવે છે. સાગર તડવી નામનાં કોન્સ્ટેબલને એક રેન્ડમ કૉલ આવેલો અને કૉલમાં રમણિક શેઠ નામનાં વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. સાગર તડવી આ વાતની જાણ હિંમત ત્રિવેદીને કરે છે.

હિંમત ત્રિવેદી પુરા કાફેલા સાથે ઘટનાં સ્થળ પર પહોંચી જાય છે. જે સમયે એ ઘરમાં પ્રવેશે છે ત્યારે જ તેને એક વ્યક્તિ પાછળનાં દરવાજેથી દોડતો નજરે ચડે છે. સબ ઇન્સ્પેક્ટર અને તેનાં સાથી કોન્સ્ટેબલો એ વ્યક્તિનો પીછો કરે છે અને થોડે દુર જતાં એ વ્યક્તિને ઝડપી લેવામાં આવે છે.

ત્યારબાદ હિંમતસિંહ ફરી ઘટનાં સ્થળ પર પહોંચે છે. એવિડન્સ ભેગાં કરે છે અને જોકરનાં કાર્ડ પાછળ જુવાનસિંહનું નામ જોઈને ઉપરી અધિકારી ચંદ્રકાન્તસિંહ ઝા સાથે વાત કરે છે. ચંદ્રકાન્તસિંહ ઝાનાં હુકમથી જુવાનસિંહને એક ટ્રાન્સફર આપતો પત્ર મોકલવામાં આવે છે અને આ કેસ તેઓને સોંપવામાં આવે છે.

“આજે આ છોકરાને કોર્ટમાં હાજર કરવાનો છે...” હિંમત ત્રિવેદીએ કહ્યું, “એ ગુન્હો નહિ કબૂલે તો સાત અથવા ચૌદ દિવસની રિમાન્ડ લેવી પડશે.”

“બધાં પુરાવા તેની વિરુદ્ધ છે સર….ઘટનાં સ્થળ પર તેની હાજરી હોવી એ જ તેનાં અપરાધની સાક્ષી પૂરે છે.” કોન્સ્ટેબલ કેયુર ચાવડાએ કહ્યું.

“તો પણ..જ્યાં સુધી હકીકત શું છે એ જાણવા નહિ મળે ત્યાં સુધી મને ચેન નહિ મળે…તે દેડબોડીને જોઈ હતીને, ચહેરો ઓળખાય નહિ એવી રીતે તેને ચૂંદી નાંખવામાં આવ્યો છે અને ગરદનથી લઈને કમર સુધી છરો માર્યાનાં નિશાન છે. આટલી ક્રુરતાથી માત્ર બે જ વ્યક્તિ વાર કરી શકે. એક બદલાની આગમાં સળગતો માણસ અને બીજો કોઈ માથા ફરેલો આશિક.” હિંમત ત્રિવેદીએ કહ્યું.

“વિસ વર્ષનો છોકરો છે સર…આશિક જ હશે ને !, બદલો લેવા માટે એની પાસે કારણ પણ શું હોય શકે ?”

સહસા બહાર રહેલી મીડિયાનો અવાજ વધુ સંભળાવવા લાગ્યો. બહારથી એક કોન્સ્ટેબલ દોડીને આવ્યો અને એડીથી ઊંચો થઈને, છાતી ફુલાવી કહ્યું, “જુવાનસિંહ આવી રહ્યાં છે.”

હિંમત ત્રિવેદી ઉભો થયો, ટેબલ પર રહેલી કેપ પહેરી અને દરવાજા તરફ જતાં પેલાં કોન્સ્ટેબલને સંબોધીને કહ્યું, “જુવાનસિંહ સર બોલ….”

“સૉરી સર….” પેલાં કૉન્સ્ટબલે નીચી નજર રાખીને કહ્યું.

હિંમત ત્રિવેદીએ અડધી કલાક પહેલાં એક કૉન્સ્ટબલને જીપ લઈને જુવાનસિંહને લેવા મોકલ્યો હતો. હિંમત ત્રિવેદી બહાર આવ્યો ત્યારે એ જ જીપ તેને સામે ઊભેલી દેખાય. તેમાં આગળ જુવાનસિંહ બેઠા હતાં. હિમતે દોડીને દરવાજો ખોલ્યો. જુવાનસિંહ બહાર આવ્યા એટલે તેણે સલામી ભરીને જુવાનસિંહનું સ્વાગત કર્યું,

“હું સબ ઇન્સ્પેક્ટર હિંમત ત્રિવેદી, બાપુનગર પોલીસ ચોકી તરફથી આપનું સ્વાગત કરું છું…આશા રાખું છું આપને આવવામાં કોઈ તકલીફ નહિ થઈ હોય.”

જુવાનસિંહે પણ સામે સલામી ભરી.

“આવો સર….” હિંમત ત્રિવેદીએ હાથ વડે ઈશારો કરીને કહ્યું.

જુવાનસિંહ હિંમત ત્રિવેદી પાછળ ચાલ્યાં એટલે મીડિયાવાળાઓએ બંનેને ઘેરી લીધાં.

“આ કેસ વિશે તમારું શું કહેવું છે સર ?, એક નામદાર શેઠની હત્યા થઈ છે…કાતિલ જેલમાં છે સર..તમે કેવી રીતે આ કેસને જુઓ છો ?” કોઈ xyz ન્યૂઝ ચેનલનાં રિપોર્ટરે પૂછ્યું.

“સરે હજી કેસની ફાઇલ તપાસી નથી…તમે લોકો પછી આવો.” હિંમત ત્રિવેદીએ મીડિયાવાળાઓને સાઈડમાં જવા ઈશારો કરીને કહ્યું. હિંમત ત્રિવેદીની વાત કોઈએ સાંભળી નાં હોય એવી રીતે બધાં એકસાથે પોતાનાં સવાલો પુછવા લાગ્યાં.

“કેયુર…આ બધાને હટાવ...” હિંમતે મોટા અવાજે કહ્યું. કેયુર થોડાં કૉન્સ્ટબલો સાથે આવ્યો અને બધાને બહાર ધકેલ્યા.

“સૉરી સર…આ મિડિયાવાળાઓ બ્રેકીંગ ન્યુઝનાં ચક્કરમાં કંઈ પણ બોલતાં હોય છે, તમે આવો અંદર.”

“ઇટ્સ ઑકે...” કહેતાં જુવાનસિંહ હિંમત પાછળ ચાલ્યાં. જુવાનસિંહ ચોકીમાં પ્રવેશ્યાં ત્યારે ચોકીનાં બધાં જ કૉન્સ્ટબલો, ઇન્સ્પેક્ટર અને કામ કરતાં લોકો ઉભા થઇ ગયા. હિંમતે વારાફરતી બધાનો ઇન્ટ્રો આપ્યો, સૌએ જવાબમાં જુવાનસિંહને સલામી ભરી.

“આ બાજુ….” હિંમતે ફરી હાથ વડે ઈશારો કરીને કહ્યું.

હિંમત આગળ અને જુવાનસિંહ તેની પાછળ હતાં. હિંમત એક રૂમમાં પ્રવેશ્યો. રૂમની બહાર ‘નાયબ પોલીસ અધિક્ષક’ ની પ્લેટ લગાવેલી હતી.

“આ તમારી ઑફિસ….” હિંમતે કહ્યું. જુવાનસિંહ આગળ ચાલીને ટેબલ પાસે પહોંચ્યા. ટેબલની સપાટી પર એ જ સાઇઝનો પારદર્શક કાચ રાખવામાં આવ્યો હતો. તેનાં પર થોડી ફાઈલો પડી હતી. ફાઇલની બાજુમાં ગોળ કાચનો બોલ પડ્યો હતો, તેની બાજુમાં પેનબોક્સ હતું. પેનબોક્સની બાજુમાં પાણીની એક બોટલ હતી. જુવાનસિંહે પાણીનો બોટલ હાથમાં લીધી અને કેપ ખોલીને થોડું પાણી પીધું.

“બેસો...” જુવાનસિંહે ટેબલની સામે રહેલી ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું.

“પહેલાં તમે….” હિંમતે સસ્મિત કહ્યું. જુવાનસિંહ પણ હળવું હસ્યાં અને ખુરશી પર બેઠક લીધી. હિંમત ચાલીને ખૂણામાં રહેલા લાકડાનાં કબાટ પાસે પહોંચ્યો. કબાટમાંથી તેણે એક ખાખી રંગનું બોક્સ કાઢ્યું.

“આ બોક્સમાં રમણિક શેઠનાં બંગલેથી મળેલા બધા એવિડન્સ છે….” બોક્સને ટેબલ પર રાખીને હિંમતે કહ્યું, “ત્યાંથી મળેલા બીજા એવિડન્સ ફોરેન્સિકમાં મોકલી આપ્યા જેમાં બારણેનાં હેન્ડલેથી ફિંગરપ્રિન્ટ છે, બ્લડનાં સેમ્પલ છે તથા ડેડબોડી પાસેથી મળેલી દારૂની બોટલ છે. દારૂની બોટલ વડે શેઠનાં ચહેરા પર વાર કરવામાં આવેલ છે પણ મારી તપાસ મુજબ માત્ર મર્ડરમાં એક જ હથિયારનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. દારૂની બોટલ ઉપરાંત તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાં વડે તેની છાતી પર વાર કરવામાં આવેલા છે. તદુપરાંત, ચહેરા પર કોઈ ભારે વસ્તુથી વાર કરીને ચહેરો બેડોળ કરી દીધેલો છે.”

“તમે જે છોકરાની વાત કરો છો એ કોણ છે ?, એને જોઈને એવું લાગે છે કે તેણે આવું કર્યું હશે ?”

“અમે પૂછપરછ કરવાની કોશિશ કરી છે પણ એ છોકરો એક જ વાત કહે છે કે તેણે આ હત્યા નથી કરી.” હિંમતે ખુરશી પર બેઠક લેતાં કહ્યું, “અને કોઈનો ચહેરો જોઈને અનુમાન ન લગાવી શકાયને સર…રમણિક શેઠની જ વાત લઈ લો…તેને જોઈને એ વ્યક્તિ રંગીલા મિજાજનો હશે એવું કોઈ ના કહી શકે. ધાર્મિક લોકોમાં તેનું સ્થાન ટોચ પર હતું. મહિને એ દસ લાખનો તો ધર્માદો કરતો. તહેવારોમાં રસ્તા પર ભટકતાં ભીખારીઓને કપડાં અને જમવાનું આપતો.”

“વાત તો તમારી સાચી છે, કોઈનો ચહેરો જોઈને તેનાં મનમાં શું ચાલે છે તેનું અનુમાન ન લગાવી શકાય.” જુવાનસિંહે કહ્યું, “ખેર..ફોરેન્સિક રિપોર્ટ આવે એટલે મને જાણ કરો..કોઈની પાસેથી મોબાઈલ મળ્યા છે કે નહીં ?”

“હું પણ એ જ વિચારું છું. રમણિક શેઠ પાસેથી મોબાઈલ નથી મળ્યો, છોકરાં પાસેથી પણ મોબાઈલ નથી મળ્યો અને અજુગતી લાગે એવી વાત તો એ છે કે રમણિક શેઠનાં ઘરે રહેલો લેડલાઈન ફોન પણ ગાયબ છે. કોઈએ વાયર કાપીને ફોન છુપાવી દીધો છે.” હિંમતે કહ્યું.

“એની ચિંતા કરવાની જરૂર નથી. શેઠનાં બંને ફોનનાં નંબર મેળવો અને ટેલિકોમ ઓફિસમાંથી બંનેની કૉલ હિસ્ટ્રી મેળવો. શેઠે કોને કેટલા કૉલ કરેલા છે, કેટલો સમય વાત થઈ છે એ બધી જ માહિતી એકઠી કરો.” જુવાનસિંહે કહ્યું.

“જી સર….” હિંમતે કહ્યું અને ટેબલ પર રહેલી ફાઈલોમાંથી એક બ્લ્યુ ફાઇલ ખેંચીને બહાર કાઢી, “આ રમણિક શેઠનાં મર્ડરની ફાઇલ.છે, જેમાં આજુબાજુમાં રહેતા લોકોનાં તથા તેઓનાં નોકરોનાં સ્ટેટમેન્ટ લીધેલા છે.”

“હું વાંચી લઈશ.” જુવાનસિંહે કહ્યું.

“ચા-નાસ્તો કે સિગરેટ મંગાવું સર ?”

“હું સિગરેટ નથી પીતો.” જુવાનસિંહે કહ્યું, “એક કપ ચા મળશે તો કામ કરવાની મજા આવશે.”

“જરૂર….” કહેતાં હિંમત ઉભો થયો, પગની એડીથી ઊંચા થઈ તેણે છાતી ફુલાવી અને રજા લઈએ બહાર નીકળી ગયો.

જુવાનસિંહે એવિડન્સનું બોક્સ ખોલ્યું. બોક્સમાં પ્લાસ્ટિકની બેગમાં જુદાં જુદાં એવિડન્સ હતાં. જુવાનસિંહે વારાફરતી બધા એવિડન્સ બહાર કાઢ્યાં. સૌ પ્રથમ તેનાં હાથમાં લાઈટરની બેગ આવી, એ બેગ બાજુમાં રાખી તેણે બીજી બેગ બહાર કાઢી, જેમાં સળી જેવી લાંબી સિગરેટ હતી. સિગરેટમાં ટિપિંગ રોલ અને હાલ્ફ રોડ હતો. જુવાનસિંહે એ બેગ પણ બાજુમાં રાખી. ત્યારબાદ તેનાં હાથમાં જે બેગ આવી તેને જોઈ જુવાનસિંહની જિજ્ઞાસા એકદમથી વધી ગઈ. એ બેગમાં જૉકરનું કાર્ડ હતું અને કાર્ડ પાછળ ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની(જુવાનસિંહ)’ લખ્યું હતું. જુવાનસિંહે કાર્ડની બંને સાઈડનો ફોટો પાડી લીધો અને બેગ બાજુમાં રાખી દીધી. ત્યારબાદ તેણે બોક્સમાં હાથ નાંખ્યો અને બીજી બેગ બહાર કાઢી. એ બેગમાં પણ ‘માઇલ્સ’ સિગરેટનું ટિપિંગ પેપર હતું. જુવાનસિંહ વિચારે ચડી ગયાં.

‘મોંઘી સિગરેટ છે એ શેઠની હશે અને માઇલ્સ સિગરેટ કાતીલની હોય શકે’

સહસા રૂમનો દરવાજો ખુલ્યો. એક કૉન્સ્ટબલ જુવાનસિંહ માટે ચા લઈ આવ્યો હતો. તેણે અંદર આવીને ચાનો કપ ટેબલ પર રાખ્યો અને ટટ્ટાર ઉભો રહ્યો.

(ક્રમશઃ)