Gujarati kahevato ane teno arth-gammat sathe - 3 in Gujarati Comedy stories by Yuvrajsinh jadeja books and stories PDF | ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3

(1) પ્રથમ ગ્રાસે મક્ષિકા

● આપણે નક્કી કરી લીધું હોય કાલથી તો વજન ઉતારવા મહેનત કરવી જ છે, સવારે ઉઠતા વેંત કસરત કરશું , બહારનું જમવાનું બંધ , નાસ્તામાં બાફેલા કઠોળ એકાદ જીમ વીશે પણ તપાસ કરી આવીશ... અને સવાર સવારમાં મમ્મી કહે બેટા નાસ્તામાં આલુ પરોઠા બનાવ્યા છે....પછી આપણા વૈરાગ પામી ગયેલા મહીંલા ને ફરી સંસારમાં રસ પડવા લાગે... ને આપણને થાય આમ તો આલુ પરોઠા પૌષ્ટિક હોય છે નહીં... હવે કાલથી કસરત કરશું અને આમ આપણે બે-ચાર આલુ પરોઠા ઠપકારી જાઈએ તો આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા...

■ અર્થ : - આ સંસ્કૃત કહેવત છે જેનો અર્થ થાય છે પ્રથમ કોળીયે માખી એટલેકે કોઈ કાર્યની શરુઆતમાં જ વિઘ્ન આવવું...

(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

● જ્યારે પહેલાના જમાનામાં ગામડાઓમાં પુરતું શીક્ષણ ન્હોતું ને એમાં એકાદ મગન જેવો છોકરો બાજુના શહેર જઈ દશમુ ધોરણ પાસ કરી આવે અને ગામમાં એના હાર-તોરા થાય , સન્માન થાય લોકો દુર દુર થી એની પાસે પત્રો વચાવવા આવે ને કોઈ ઓફીસરનુ હોય એટલું માન આ મગનીયાનું હોય . તો આને કહેવાય ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

■ અર્થ : - જે સમુહ કે સ્થળના લોકોમાં આવડત નથી ત્યાં ઓછી આવડત વાળો પણ વખણાય છે અથવા માન પામે છે....

(3) દુષ્કાળમાં અધિક માસ

● મહીનાના અંતે મધ્યમવર્ગીય મોભી કરિયાણાના બીલ , દુધના બીલ લઈને બેઠો હોય અને એમ વિચારતો હોય કે હવે જલ્દી મહીનો પૂરો થાય ને નવો પગાર થાય તો સારું ને ત્યાં બારણે ટકોરા પડે અને મહેમાન પધારે . બીચારો કહે પણ ખરા જમીને જાજો હો ત્યાં તો મહેમાન કહે અરે અમે તો બે-ચાર દિવસ રોકાવાના છઈએ . બીચારો મધ્યમવર્ગી માણસ વીચારે કે આ મહેમાન છે કે માવઠા...આને કહેવાય દુષ્કાળમાં અધિક માસ...

■ અર્થ : - મુશ્કેલ પરિસ્થિતિમાં ઉપરથી વધુ મુસીબત આવવી...

(4) કાગ નો વાઘ કરવો

● મમ્મીએ તમને દુકાને બટેટા લાવવા કહ્યું હોય અને તમે ભુલી જાવ . પછી ઘરે જે તમારું સ્વાગત થાય . તમે બોલો કે હા મમ્મી એટલી વાતમાં શું ? લઈ આવીશ પછી . અને મમ્મી જે ડાયલોગ શરૂ કરે કે "શું થાશે આ છોકરાનું" , "આને કોઈની કાંઈ પડી નથી" , "અમે તો કાલ વયા જાશું તમને કોણ રાખશે?" , "કોણ જાણે શું થશે આના ભવિષ્યનું" અને તમને એક બટેટા લાવવાનું ભુલી ગયા બદલ તમારું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગે તો આને કહેવાય કાગ નો વાઘ કરવો...

■ અર્થ : - નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવું આવી જ બીજી એક કહેવત છે વાતનું વતેસર કરવું...

(5) આડે લાકડે આડો વાઢ

● ટ્યુશન માસ્તર ઘરકામ માંગે ને ટીન્યો કહે કે સાહેબ હું ઘરકામ કરેલી નોટબુક ઘરે જ ભુલી ગયો છું . હવે સાહેબ અને ટીન્યા બંન્નેને ખબર હોય કે ટીન્યાએ ઘરકામ કરેલું નથી એટલે સાહેબ ટીન્યાને કહે કે જા ઘરેથી નોટબુક લઈ આવ અને જો બુક ના લાવે તો મમ્મીને તેડી લાવજે . અને ટીન્યો છેક ઘરેથી ટ્યુશન સુધી માર ખાતો ખાતો આવે તો આને કહેવાય આડે લાકડે આડો વાઢ...

■ અર્થ : - સામેની વ્યક્તિના સ્વભાવ પ્રમાણે તેની સાથે તેવું જ વર્તન કરવું . ગુજરાતી ભાષામાં આ અર્થ માટે વધુ પ્રચલિત કહેવત છે "જેવા સાથે તેવા"

(6) ખાડો ખોદે તે પડે

● કોઈ ઘરમાં દેરાણી-જેઠાણી સાથે રહેતા હોય . દેરાણીને ખબર હોય કે આજે કપડા ધોવાનો વારો જેઠાણીનો છે . એટલે એ બધા કપડાં , ટુવાલ , પગ લુછણીયા બધું ભેગું કરી મોટો ઢગલો કરે . ત્યાં સાસુમા કહે " નાના વહુ , આજે હું ને તમારા દીદી બહાર જવાના છઈએ તો કપડા તમે જ ધોઈ નાંખજો" ને દેરાણીના મોતિયા મરી જાય તો આને કહેવાય ખાડો ખોદે તે પડે...

■ અર્થ : - પોતાના કરેલા કર્મના ફળ પોતે ભોગવવા પડે છે . આ પરિસ્થિતિ માટે બીજી કહેવત છે હાથના કર્યા હૈયે વાગ્યા....

(7) નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ

● બીચારા નાથાભાઈ ને નાણાં ની ભીડ હોય માથે દેવું થઈ ગયું હોય ને સગો ભાઈ પણ ભાવ પુછતો નો હોય . ચા ની કીટલી વાડો પણ નાથ્યો કહીને બોલાવતો હોય . અને ભગવાન કરે ને નાથાભાઈ ના દિવસ ફરે . ઘરમાં પૈસા આવે પોતાની ફેક્ટરી ચાલતી થઈ જાય . પછી દુર દુર ના કાકા મામા ભત્રીજા પણ સંબંધ કાઢતા નાથાલાલ શેઠ નાથાલાલ શેઠ કરતા આવે તો આને કહેવાય નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ...

■ અર્થ : - ધન પરથી કોઈ વ્યક્તિનું મુલ્ય આંકવુ

(8) પાકા ઘડે કાંઠા ન ચડે

● કોઈ ઘરમાં છોકરાઓ નવી મોપેડ ગાડી લઈ આવે . ને ભૂરાં બાપા જીદ્દ કરે કે મારેય ગાડી હલાવવી છે . છોકરાઓ ના પાડે પણ બાપા નો માને તે નો જ માને અને ગાડી હાથમાં લે . ને રમ રમતી ગાડી ડિવાઈડર પર ચડાવી દે . ને ઓય માડી ઓય બાપા કરતા પડે ને રાડા રાડી કરે " મુઆવ નખ્ખોદ જાય તમારું ને તમારા કુટરનું" આને કહેવાય પાકા ઘડે કાંઠા ન ચડે...

■ અર્થ : - અમુક વસ્તુ શીખવાની અમુક ચોક્કસ ઉંમર હોય છે . પછી તે વસ્તુ શીખવી મુશ્કેલ છે...

(9) વડ એવાં ટેટા બાપ એવા બેટા

● કોઈ મુસાફર રસ્તે જતો હોય ને એના માથા પાસેથી સમ કરતો પત્થરો નીકળી જાય પણ તે સ્હેજ બચી જાય અને પછી મુસાફર પત્થરો મારનાર છોકરાની ફરિયાદ કરવા એના ઘરે જાય અને એ છોકરાના પપ્પા કહે "તમે સ્હેજ બચી ગયા ? તો તો ઈ અમારો છોકરો નહીં હોય....અમારો તો આંટી જ દે.." અને મુસાફર ને એમ થઈ જાય કે આમાં છોકરાની શું ફરિયાદ કરવી ?

■ અર્થ : - બાળકો પોતાના પપ્પા અથવા વડિલો પાસેથી શીખી તેમના જેવા થાય છે...

(10) કોલસાની દલાલીમાં હાથ કાળા...

● ડાહ્યો ડમરો ચકો તોફાની ટીન્યા ભેગું રખડવાનુ ચાલુ કરે . ટીચર ના પાડે તોય ચકો માને નહીં ને ટીન્યા ભેગો રખડે . એક દિવસ ટીન્યો સ્કૂલના આંબા માંથી કેરી પાડતો હોય ને ચકો બીચારો બાજુમાં ઉભો જ હોય . બીજા દિવસે પટાવાળા કાકા મેડમને ફરિયાદ કરે કે આ બે છોકરા કેરી પાડતા તા . ટીન્યા ભેગી બે-ચાર ફૂટપટ્ટી ચકાને પણ પડે આને કહેવાય કોલસાની દલાલીમાં હાથ કાળા .

■ અર્થ : - કુસંગી ના સંગમાં રહેવાથી બદનામી થાય છે અને નુકસાન વેઠવું પડે છે.