From Singapore with Love .. in Gujarati Comedy stories by Writer Unknown books and stories PDF | ફ્રોમ સિંગાપુર વિથ લવ..

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ફ્રોમ સિંગાપુર વિથ લવ..


ફ્લાઇટ ૩૩૮A નાં યાત્રીઓને વિનંતી કરવામાં અાવે છે કે કન્વેયર બેલ્ટ નં ૬ ઉપરથી પોતાનો સામાન લેવા માટે કતારમાં ઉભા રહો. અાભાર..

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પગ મુકતાં જ મારું બત્રીસીવાળું હાસ્ય ફુટી નીકળ્યું. દોઢ વર્ષે ઘરે પાછો ફરેલો હું ક્યાંય સુધી કન્વેયર બેલ્ટ પાસે ઉભા ઉભા સેંકડોની ભીડ જમાવીને બેઠેલાં અા એરપોર્ટને જોતો રહ્યો. છેવટે પાછળથી એક ભાઇનો ગુસ્સાથી ભરેલો અવાજ અાવતાં સામાન લઇને બહાર નીકળ્યો...

હોટેલ મેનેજરની પદવીને રજેરજ સાર્થક ઠેરવતો હોય એમ ઘરમાં પહોંચતાં જ મારી નજર સૌથી પહેલાં રસોડામાં બની રહેલી વાનગી ઉપર પડી. સિંગાપુરની ભાગદોડથી દુર પોતાનાં શહેરની શાંતિ અને ઘરનો અા સ્વાદ..!! અાહાહા..કમનસીબે મારી અા ખુશી ઝાઝું ના ખેંચી શકી અને મમ્મીએ એ જ દિવસે જમતાં જમતાં ઘોષણા કરી દીધી કે હું હવે પરણવા લાયક થઇ ગયો હતો અને મારી માટે યોગ્ય છોકરી શોધવાનું કામ અાવતીકાલથી જ શરું કરી દેવામાં અાવે. પપ્પાએ પણ મમ્મીની વાતને લઇ હકારમાં માથું હલાવ્યું. સામાન્ય રીતે બીજું કાંઇ કરવાનું દુ:સાહસ પપ્પા ઓછું જ બતાવતાં..

"હા કાલનાં જ છાપામાં છપાવવાનું છે. લખજો કે સિંગાપુરમાં હોટેલ મેનેજર તરીકે કામ કરતાં સારું કમાતા છોકરા માટે સુંદર, સુશીલ અને ભણેલી કન્યા જોઇએ છે. અને હા...સિંગાપુરને જરા ઘાટા અક્ષરોમાં લખજો..!" મે બીજા જ દિવસે પપ્પાને મોટા અવાજે સ્થાનિક છાપાનાં જાહેરખબર મેનેજર સાથે ફોન ઉપર વાતો કરતાં સાંભળ્યાં અને હું સમજી ગયો કે મારા લગ્નનું અભિયાન પુરજોશમાં છે. ચિડાઇને મે બહાર અાંટો મારવા જવાનું પણ માંડી વાળ્યું. પપ્પાનું ચાલે તો અજાણ્યાઓને પણ કહેતાં ફરે કે એમનો દિકરો સિંગાપુરમાં છે..!!

થોડા દિવસોમાં જોકે અા મહેનત રંગ લાવી અને મમ્મીએ કહ્યું કે ચાંદખેડામાં રહેતાં રાઠોડ સાહેબની મોટી દિકરી માટે સંબંધની વાત અાવી છે. રાઠોડ સાહેબ અાર્મીમાં ઓફિસર હતાં અને હવે રીટાયર્ડ છે. વાતવાતમાં મમ્મીએ ફોટોવાળું કવર કાઢીને મારી સામે મુક્યું. ફોટોગ્રાફમાં દેખાતી સુંદર છોકરીને જોઇ હું પણ મારા હમણાં લગ્ન નહીં કરવામાં વિચારને ફેરવી તોળવા લાગ્યો..

"દિવ્યા નામ છે છોકરીનું..અહિયા અમદાવાદની જ કોઇક હોટેલમાં એક્ઝિક્યુટિવ શેફ છે. તારે કોઇ કામ ના હોય તો રવિવારે મળવાનું ગોઠવી દઇએ." મમ્મીએ અવસરનો લાભ ઉઠાવીને ફટકાર્યું. મે શક્ય હોય એટલાં તટસ્થ ભાવો રાખીને હામાં હા કર્યે રાખી. જોકે અા સુંદર છોકરીને જોઇને જ મારા ઉછળકુદ કરતાં દિલમાં શરણાઇઓ વાગવા લાગી હતી !! મે તો નક્કી પણ કરી લીધું હતું કે હનીમુન માટે શિમલા જઇશ..!! હા એ જ શિમલા જ્યાં કોલેજનાં દિવસોમાં તેરે નામ જેવી હેરસ્ટાઇલ કરાવીને મારી ગર્લફ્રેન્ડ સાથે રામલાલનાં કેફેમાં ક્લાસ બંક કરીને શેખીઓ મારતો હતો..મનોમન મે કોઇ જુએ નહીં એ રીતે ઠહાકો લગાવી લીધો. રાહ જોવાતી હતી તો બસ રવિવારની..

રવિવાર અાવી પણ ગયો. હું નવા ખરીદેલા શર્ટ-પેન્ટ અને ચમકતાં જુતા પહેરીને તૈયાર હતો. ચાંદખેડા સુધીનું લાંબુ અંતર કાપીને અમારી ગાડી બે માળનાં સુંદર બંગલા પાસે અાવી પહોંચી જેનાં દરવાજા ઉપર લખ્યું હતું : કર્નલ ફતેહસિંહ રાઠોડ - ભુતપૂર્વ અાર્મી ઓફિસર..!!

દરવાજો ખુલ્યો અને મોટી મોટી મુંછો વાળા એક રુઅાબદાર પડછંદ માણસ બહાર અાવ્યા. હું સમજી ગયો કે અા દિવ્યાનાં પપ્પા છે. અાવકારનાં નામે એમણે મારો હાથ જરા જોરથી દબાવ્યો અને હું દયામણું હસ્યો..

"અરે ભાઇ નાસ્તો પાણી તો થતું રહેશે. અમે તો અમારા અા સિંગાપુરવાળા દિકરા માટે તમારી દિકરીને જોવા માંગીએ છે..!" પપ્પા હસતા હસતા ચાનો કપ ઉઠાવતા બોલ્યાં પણ હું અા સિંગાપુર સાંભળીને ભડક્યો..

"અરે શું પપ્પા તમે પણ સિંગાપુર સિંગાપુર ? થોડી શાંતિ રાખો યાર !" મે રાઠોડ અંકલનું ધ્યાન ના જાય એ રીતે પપ્પાને હળવેથી કોણી મારીને કહ્યું..રાઠોડ અંકલ એમની બહાદુરીનાં કિસ્સાઓ સંભળાવ્યે જતાં હતાં અને ત્યાં જ અાછા ભુરા રંગની કુર્તીમાં સજ્જ દિવ્યા અંદરથી એનાં મમ્મી સાથે અાવીને અમારી બાજુમાં બેઠી. હું રાઠોડ અંકલથી સાવચેતી રાખીને ત્રાંસી અાંખે એને જોઇ રહ્યો હતો.

"એક વાત તો કહેવી પડે કે અમદાવાદ હવે પહેલાં જેવું નથી રહ્યું. અરે જ્યાં જુઓ ત્યાં ચોરી અને છેડતીનાં બનાવો બન્યા કરે છે. થોડા દિવસો પહેલાની જ વાત લઇ લો. એક લફંગો દિવ્યાનો પીછો કરતો કરતો ઘર સુધી અાવી પહોંચ્યો. એવો ફટકાર્યો કે ના પુછો વાત..!" રાઠોડ અંકલ ગુસ્સામાં લાલ પીળા થતાં બોલી ઉઠ્યાં. મે તરત જ અાગમચેતી વાપરીને દિવ્યા ઉપરથી નજર ફેરવી લીધી.

"અરે બેટા સચીનને તારા પેઇન્ટિંગ્સ તો બતાવ." દિવ્યાનાં મમ્મી બોલ્યા એટલે એ હળવેકથી હકારમાં માથું હલાવીને ઉભી થઇ. હું પણ ચુપચાપ એની પાછળ દોરવાયો. છોકરીઓનાં ઓરડાઓ સાધારણ રીતે હોય એમ અા ઓરડો પણ અાછા ગુલાબી રંગથી સજાવેલો હતો.

"તો તમે શેફ છો ?" થોડી વારની શાંતિ બાદ પણ દિવ્યા કાંઇ બોલી નહીં એટલે મે જ વાતની શરુઆત કરવાનું ઠીક માન્યું.

"હા હોટેલ ઓરીએન્ટમાં. મે જાણ્યું તમે હોટેલ મેનેજમેન્ટ કરેલું છે." દિવ્યા સહેજ હસીને બોલી.

"હા શિમલાની ઇમ્પિરિયલ કોલેજ માંથી. જાણીતી છે હોટેલ મેનેજમેન્ટ માટે"

"ઇમ્પિરિયલ કોલેજ ? અરે મારી દોસ્ત શેફાલી પણ એ જ કોલેજમાં હોટેલ મેનેજમેન્ટ કરતી હતી. હવે અમે બંને એક સાથે કામ કરીએ છીએ ઓરીએન્ટમાં." દિવ્યા હસીને બોલી પણ મારું ધ્યાન શેફાલી નામનાં ઉલ્લેખ અાગળ ચોંટેલું હતું..

"શેફાલી ? કોણ શેફાલી ?" હું સહેજ બેબાકળો થયો.

"અા શેફાલી. એ ઓરીએન્ટમાં મેનેજર છે અને હું એક્ઝિક્યુટિવ શેફ" દિવ્યાએ ફોનમાં પાડેલો ફોટો કાઢીને બતાવ્યો અને હું ચમક્યો. અા મારી કોલેજની ગર્લફ્રેન્ડ શેફાલી જ હતી. અરે એ જ શેફાલી જેની સાથે કોલેજનાં દિવસોમાં તેરે નામની હેરસ્ટાઇલ કરેલો હું બંક મારીને રામલાલનાં કેફેમાં શેખીઓ મારતો હતો..!!

"શું થયું કોઇ પ્રોબ્લેમ છે ?" મને શિયાળાની ઠંડીમાં પણ પરસેવો વળી ગયો અને ચિંતામાં અાવી ગયેલી દિવ્યા પુછી બેઠી.

"ના ના હું ઠીક છું. મને લાગે છે હવે નીચે જવું જોઇએ." કહીને હું જવાબ સાંભળ્યા વિના જ નીકળી ગયો.

રાઠોડ અંકલમાં ઘરેથી પાછા અાવ્યા બાદ પણ મારા વિચારો શેફાલીની અાસપાસ ચકરાવા લેતાં રહ્યાં. કેટલાં પ્રયત્નો કર્યાં હતાં શેફાલીને શોધવાનાં !! કોલેજનાં છેલ્લા વર્ષની ફેરવેલ પાર્ટીમાં હું શેફાલીને બદલે બીજી છોકરી સાથે ગયો હતો એ વાતને લઇને કેટલી ગુસ્સે થઇ ગઇ હતી એ !! મને કશું પણ કહ્યાં વિના જતી રહી. મે પણ ત્રણ મહિનાનાં અથાગ પ્રયાસો બાદ શેફાલીને શોધવાનાં અભિયાનને તિલાંજલી અાપી દીધી. અા રીતે વર્ષો બાદ મને શેફાલી અહિયા અમદાવાદમાં મળશે એવું મે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું..

"તો શું વિચાર છે તારો દિવ્યા વિશે ? ભાઇ અમને તો છોકરી ગમી ગઇ" મમ્મીને એમની વહુની શોધ દિવ્યા ઉપર અાવીને સાર્થક થયાનું લાગતું હતું.

"હમ્મ ? છોકરી થોડી જાડી લાગી પપ્પા...જરા પાતળી હોત તો સારું થાત " મે ચલાવ્યું પણ બીજી જ ક્ષણે મને ગુસ્સામાં ઘુરી રહેલાં પપ્પાનાં ચહેરા ઉપર મારું અા અફલાતુન બહાનું સાંભળીને જ્વાળામુખી ફાટવા લાગ્યો અને મે પોતાની સલામતી માટે મોઢું બંધ કરી દીધું.

અાખી રાત મનોમથંન કર્યા બાદ છેવટે મે નક્કી કરી જ લીધું કે દિવ્યાને લગ્ન માટે હા પાડતા પહેલાં શેફાલીને એક વખત મળવું જરુરી હતું. અા રીતે કોઇને કશું પણ કહ્યાં વિના જતી રહી હતી પાગલ..! કેટલો હેરાન થયો હતો એનાં કારણે ?? અાજે પણ જો શેફાલી જુની વાતો ભુલીને નવસેરથી શરુઆત કરવા માંગતી હોય તો હું તૈયાર હતો. મનોમન મે ઓરીએન્ટ હોટેલ જઇને શેફાલીને મળવાનું નક્કી કર્યું. એની સાથે વાત કરવા માટે બીજો કોઇ રસ્તો નહોતો મારી પાસે..

વહેલી સાંજે જ ઓરીએન્ટ હોટેલની નજીક અાવેલાં ચાનાં નાના ગલ્લા ઉપર મે મારી બેઠક જમાવી અને સૌ કર્મચારીઓનાં નીકળવાની રાહ જોતો રહ્યોં. મારા અજંપા અને અાશ્ચર્યની વચ્ચે શેફાલી અને દિવ્યા બંને એક સાથે હોટેલ માંથી બહાર નીકળતા દેખાયાં. હું બુમો પાડતો રહ્યો પણ ટ્રાફિકનાં ઘોંઘાટની વચ્ચે બંને પહેલાથી બોલાવી રાખેલી કેબમાં બેસીને ચાલતા થયાં.

કોઇ ઉપાય ના રહેતાં મે પણ મારું બાઇક પુરજોશમાં ઉપાડ્યું. માસ્ક નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસ પાંચસો રુપિયાનો ચાંદલો ચઢાવે એ પહેલાં જ મે મોઢે રુમાલ બાંધી દીધો. કેબ રાઠોડ અંકલનાં બંગલાનાં કંપાઉન્ડમાં દાખલ થઇ અને હું કફોડી સ્થિતિમાં મુકાયો. અંદર જઇને શેફાલી સાથે વાત કરવી કે નહીં એ વિચારતો જ હતો ત્યાં મારા ખભે કોઇક વજનદાર ધોકા જેવો હાથ પડ્યો. મે પાછળ ફરીને જોયું તો ગુસ્સામાં રાતાચોળ થઇ ગયેલાં રાઠોડ અંકલ ઉભા હતાં.

"નાલાયક ફરી અાવી ગયો મારી દીકરીને હેરાન કરવા ?" હું કાંઇ બોલી શકું એ પહેલાં મારા મોઢા ઉપર મુક્કો પડ્યો અને હું તમ્મર ખાઇને પાછળ લથડાયો.

મે ઉભા થવાનો પ્રયત્ન કરું એ પહેલાં જ એમને મને કોલર પકડીને ઉભો કર્યો. હું સમજી ગયો હતો કે અાજે મારો મંગળ ભારે છે. રાઠોડ અંકલ મને લાતો અને મુક્કા મારતાં રહ્યાં. જોકે મારું સઘળું ધ્યાન મારા ચહેરા ઉપરનો રુમાલ ના નીકળી જાય એ જોવામાં હતું.

અરે અો નિર્દયી માણસ સહેજ તો દયા ખા..મને બુમો પાડવાનું મન થઇ અાવ્યું.

'હાડકાનું કચુંબર ભલે બની જાય, ઇજ્જતનું ફાલુદા ના બનવા દેતો સચીન '..મારું માર ખાઇ રહેલું દિલ પોકારી ઉઠ્યું અને હું બંને હાથે રુમાલ પકડી જીવ બચાવીને ભાગવા જતો જ હતો કે રાઠોડ અંકલે પાછળથી મારો પગ પકડી લીધો.

"ભાગે છે ક્યાં નાલાયક ? મોઢું તો બતાવ તારું. પોલીસમાં ના પકડાવ્યો તને તો મારું નામ રાઠોડ નહીં " કહીને એમણે ફરીથી પોતાનાં પોલાદી હાથે મારા પગ ખેંચ્યાંં.

"મારજો પપ્પા બરાબર મારજો અાને. અઠવાડિયા પહેલાં પણ અા રીતે જ કોઇક છોકરો રુમાલ બાંધીને અાવેલો અને મને હોટેલની બહાર જોયા કરતો હતો." દિવ્યાએ વળી બળતામાં ઘી હોમ્યું અને રાઠોડ અંકલને વધારે જોમ ચઢ્યું. મરણિયો બનેલો હું બંને હાથે રુમાલ મોઢે કચકચાવીને ઉભો હતો. મારું માથું એમનાથી વિપરિત નીચે જમીન તરફ હતું એનો ફાયદો ઉઠાવીને મે બંને મુઠ્ઠીઓમાં માટી ભરી અને રાઠોડ અંકલની અાંખોમાં નાખી.

હું માંડ માંડ બચ્યો. રાઠોડ અંકલ અાંખો ચોળવામાં વ્યસ્ત હતાં અને દિવ્યા મને કોસવામાં. બાજુમાં ઉભા રહીને મારા કરુણ નાટકની મજા લઇ રહેલી શેફાલી હાસ્ય દબાવીને બેઠી હતી. હું હારેલાં યોધ્ધાની જેમ જીવ અને રુમાલ બંને બચાવીને ઘરે ભાગ્યો. જતાં જતાં રાઠોડ અંકલનાં બહાદુરીનાં કિસ્સામાં બધું એક કિસ્સો ઉમેરાઇ ગયો હતો એટલું નક્કી હતું.

રાઠોડ અંકલના હાથે બરાબરનો માર ખાધા પછી હું રસ્તામાં જે પહેલી રીક્ષા મળી એમાં બેસીને ભાગ્યો. મે બાઇક લેવાની મુર્ખામી કરવાનું રહેવા દીધું. રખેને અંકલને ખબર પડી જાય અને મારા અા કાંડની વાર્તા ઘરે પપ્પા સુધી પહોંચી જાય. ફાટેલી શર્ટ, સુજેલી અાંખો અને ચીંથરેહાલ વાળમાં હું કોઇ મજનું કરતાં ઓછો નહોતો લાગી રહ્યો. જેની માટે અા બધું કર્યું હતું એ ત્યાં ઉભી ઉભી નાટકનો અાનંદ લઇ રહી હતી...ભાઇ વાહ..!!

"હે ભગવાન અા શું થયું?" મમ્મીએ મને જોઇને રીતસરની ચીસ પાડી. પપ્પા પણ ઉપરથી નીચે અાવી ગયાં.

"બાઇક લઇને અાંટો મારવા નીકળેલો એમાં કુતરાનાં ટોળા સાથે અથડાઇ ગયો." મે ચલાવ્યું. અામ પણ થનારા સસરાનાં હાથે મેથીપાક ખાઇને અાવ્યો છું એમ કહેવાનું મને કાંઇક ઉચિત ના લાગ્યું.

મમ્મી રસોઇમાં જઇને મીઠા હળદરનો લેપ લઇ અાવી અને પપ્પા હાંફળાહાંફળા ડોક્ટરને ફોન કરવામાં લાગ્યાં. ક્ષણિક મને મારી બાઇકની ચિંતા થઇ અાવી. ભલું પુછવું રાઠોડ અંકલ મને ફરીથી પાઠ ભણાવવા બાઇક કબજે ના કરી લે..!!

"હા સરનામું લખી લીધું ને તમે બરાબર? મારો છોકરો જે સિંગાપુરમાં મેનેજર છે એને જ વાગ્યું છે. જલ્દી અાવો." પપ્પા અા અજાણ્યા ડોક્ટરને પણ મારા સિંગાપુર રીટર્ન હોવાનું કહેવું ચુક્યા નહીં. બીજો કોઇ દિવસ હોત તો હું ચોક્કસ ચીડાઇ જાત પણ અાજે તો દયામણી હાલતમાં હું પોતે જ પડ્યો હતો.

"અાવું કુતરાઓ સાથે બાઇક અથડાવીને કેવી રીતે પડાય ? અને એમાં અાંખો થોડી સોજી જાય?" ડોક્ટરે પોતાની અાંખો ઝીણી કરીને મારી અાંખોમાં જોયું અને હું થોથવાયો.

"અરે એમાં એવું થયું કે કુતરા ઉપર પડ્યો અને કુતરો પોતે ડરીને ભાગી ગયો એટલે હું નીચે પથ્થર ઉપર પટકાયો. અત્યારે હું તમને સમજાવી નથી શક્તો. એક વાર ઠીક થઇ જાઉં પછી પ્રેક્ટીકલ કરીને બતાવીશ." મે અામતેમ ડાફોડિયા મારતાં કહ્યું અને બિચારા ડોક્ટરે કાંઇ પણ પુછવાનું ટાળ્યું.

છેવટે એક અઠવાડિયાનાં અારામ બાદ મને ઉભા થવાની પરવાનગી મળી અને મે શરું કર્યું મારું 'મિશન શેફાલી'. જોકે ગયા વખતે મે દિવ્યાનાં ઘરે પહોંચી જવાનો જે ગોટાળો કર્યો હતો એવી કોઇ પણ મુર્ખામી કરવાનું અા વખતે ટાળ્યું.

વહેલી સવારે હું હોટેલ ઓરીએન્ટ પહોંચ્યો અને સ્ટેશનરીથી ખરીદી લાવેલાં સુંદર કાર્ડ અને સ્કેચપેનથી એક નાનકડી કવિતા લખીને નીચે શેફાલીનું નામ લખ્યું. સમજાતું નહોતું કે અા રીતે મારા સંબંધની વાત બીજી છોકરી સાથે ચાલતી જોઇને શેફાલી મારા વિશે શું વિચારશે? દિવ્યાનું નામ પડતાં જ મને ભુતાવળની જેમ એની અાસપાસ ડંડો લઇને ફરતા રાઠોડ અંકલ યાદ અાવ્યા - બેકગ્રાઉન્ડમાં લાતો અને મુક્કાનાં ઢીશુમ ઢીશુમ અવાજ સાથે. મે મારા મગજનો સ્ટીરીયો બંધ કર્યો અને કોઇક ઓફિસ બોયને પકડી પાડ્યો.

કવિતા વાળી ચિઠ્ઠી ઓફિસ બોયનાં હાથે પકડાવી હું એ જ ચાનાં ગલ્લે ગોઠવાયો. ઓફિસ બોય અાટલો કો-ઓપરેટીવ હશે એવું તો મે વિચાર્યું જ નહોતું. હું મનોમન મલકાયો અને પાસો ફેંકાવાની રાહ જોવા લાગ્યો. ત્રીજી ચા પુરી થતાં સુધીમાં તો મારા ધૈર્યએ જવાબ અાપી દીધો અને હું જવા ઉભો થયો જ હતો કે સામેથી એ અાવતી દેખાઇ..દિવ્યા અાવતી દેખાઇ મારા અાપેલાં કાર્ડ સાથે.

મને સમજાતું નહોતું કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરું? જે છોકરી સાથે મારા લગ્નની વાત ચાલતી હતી એનાં હાથમાં મે લખેલો પ્રેમપત્ર હતો પણ એનાં માટે નહીં કોઇક બીજા માટે. હું ચુપચાપ ઉભો રહ્યો. રાઠોડ અંકલનો થોડોક પણ વારસો એમની દીકરીને મળ્યો હશે તો અાજે મારું ફરીથી બાઇક લઇને કુતરા સાથે અથડાવવાનું નક્કી હતું.

"અા કાર્ડ શેફાલી માટે છે?" દિવ્યાએ શાંતિથી પુછ્યું. હું મોઢું નીચે નાખીને ઉભો હતો. મે હળવેકથી હામાં માથું હલાવ્યું.

"તારે મને પહેલાં જ કહી દેવાનું હતું સચીન. એ દિવસે કદાચ પપ્પાનાં હાથે મેથીપાક પણ તને જ પડ્યો હતો." કહીને એ કાર્ડ લઇને જતી રહી. મને સમજાયું નહીં કે શું બની ગયું? મારું શેફાલીને લખેલું કાર્ડ દિવ્યાનાં હાથમાં કેવી રીતે અાવી ગયું અને એ કાંઇ બોલી કેમ નહીં ?

વિચારોમાં ખોવાયેલો હું ઘરે પહોંચ્યો. હવે અાગળ કદાચ મારે કશું જ કરવાની જરુર નહોતી. શેફાલીએ ચોક્કસ મારું કાર્ડ વાંચી લીધું હશે અને મળવા નહીં માંગતી હોય એટલે જ દિવ્યાને મોકલી. જોકે હવે દિવ્યા પણ અા લગ્ન માટે હા નહોતી પાડવાની એ લગભગ નક્કી હતું. સામેથી સંબંધની વાત મોકલાવીને અમે સામેથી કાપી રહ્યાં હતાં. હું થોડા દિવસ વધારે અહિયાં રોકાઇને સિંગાપુર ચાલ્યો જઇશ એવું મનોમન વિચારીને હું અાડો પડ્યો. અડધો કલાક થયો ના થયો ત્યાં જ ઘરની ડોરબેલ વાગવાનો અવાજ અાવ્યો.

મે દરવાજો ખોલ્યો. સામે રાઠોડ અંકલ ઉભા હતાં શેફાલી અને દિવ્યા સાથે. એમની સાથે અાધેડ ઉંમરનું દેખાતું એક દંપતિ પણ હતું. મારી કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ હતી. લાગ્યું તો હતું કે વાત અહિયાં જ અટકી જશે પણ ના..!! મારા અાશ્ચર્યની વચ્ચે રાઠોડ અંકલ હસીને અંદર અાવ્યા અને સોફા ઉપર ગોઠવાયાં.

"અરે બેટા અા કેટલું વાગ્યું છે તને?" અંકલે મને ઉપરથી નીચે સુધી જોયો. દિવ્યા અને શેફાલી હાસ્ય દબાવીને બેઠા હતાં. સાથે અાવેલાં દંપતિએ પોતાનો શેફાલીમાં માતા-પિતા તરીકે પરીચય અાપ્યો અને મારા કાન સરવા થયાં.

"ના અંકલ કાંઇ નહીં અા તો જરા કુતરા સાથે અથડાયો હતો બાઇક લઇને એટલે.!" મે માથું ખંજવાળતાં અામતેમ જોયું. દિવ્યાથી વધારે સહન ના થતાં એ પોતાનું હાસ્ય છુપાવવા માટે મોબાઇલમાં મોઢું પરોવીને બેસી ગઇ. શેફાલીનાં હાથમાં મારું લખેલું કાર્ડ હતું જે જોઇને મારા ચહેરા ઉપર ચમક અાવી ગઇ..

"અરે બેટા જરા જોઇને બાઇક ચલાવવાનું રાખ." કહીને રાઠોડ અંકલે મારી પીઠ ઉપર ધબ્બો માર્યો અને હું પરાણે હસ્યો.

"હા હું પણ કહું છું કે બાઇક જોઇને ચલાવવાનું રાખ. અા તો સિંગાપુરમાં કુતરાઓ અા રીતે રસ્તે ના ફરે અને અમારો છોકરો સિંગાપુર રીર્ટન છે એટલે બિચારાને અાદત નથી." કહીને પપ્પા પણ જોડાયાં.

રાઠોડ અંકલે ચાનો કપ બાજુમાં મુક્યો અને શેફાલીનાં હાથમાં રહેલું કાર્ડ કે જેમાં મે એની માટે કવિતાઓ લખી હતી એ હાથમાં લીધું. હું ધ્યાનપુર્વક જોવા લાગ્યો.

"સચીન હવે પછી છોકરીને મનાવવાની હોય ત્યારે સીધો હોટેલમાં અંદર જજે. ઓફિસ બોયનાં હાથે ચિઠ્ઠીઓ પકડાવીશ તો અાની ચિઠ્ઠી પેલાનાં હાથમાં પહોંચી જશે અને તારે મારા હાથનો માર...મારો મતલબ કુતરા સાથે બાઇક અથડાવવી પડશે. " રાઠોડ અંકલ હસીને બોલી પડ્યાં અને મે છેલ્લી વીસ મિનિટમાં પહેલી વાર રાહતનો શ્વાસ લીધો. બાજુમાં બેઠેલી શેફાલીનાં ચહેરા ઉપર રતુંબડી ઝાંય અાવી ગઇ હતી જેને જોઇને હું પણ હસી પડ્યો..