Ego - 3 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | અહંકાર - 3

Featured Books
Categories
Share

અહંકાર - 3

અહંકાર – 3

લેખક – મેર મેહુલ

“તું છો ક્યાં જાડીયા…?” હાર્દિકે ફોન પર ગુસ્સામાં લાંબા લહેકે કહ્યું. પાંચની જગ્યાએ છ વાગી ગયા હતા પણ હર્ષદ હજી નહોતો આવ્યો. બાકી બધા દોસ્તો અત્યારે ચાની લારીએ ઊભા હતા. બધા છેલ્લી અડધી કલાકથી હર્ષદની રાહ જોઈ રહ્યા હતા. બધા મિત્રોએ વારાફરતી ફોન જોડ્યા હતા. હર્ષદ અડધી કલાકથી ‘પાંચ મિનિટમાં પહોંચું છું’ એમ કહીને ફોન કટ કરી દેતો હતો. આખરે ગુસ્સે થઈને હાર્દિકે જ ફોન કર્યો.

“સામેની સાઈડ જો..” હર્ષદે કહ્યું.

હાર્દિકે પાછળ ફરીને જોયું. હર્ષદ બાઇક પર સવાર થઈને ઊભો હતો. તેણે ફોન કટ કર્યો અને બંને બાજુ નજર ફેરવ્યા બાદ રોડ ક્રોસ કર્યો. જેવો એ બાઇક સ્ટેન્ડ પર લગાવીને નીચે ઉતર્યો એટલે હાર્દિકે તેને વધાવી લીધી.

“ક્યાં મરાવતો હતો અલા..?”

“તારા માટે મનોજનાં તળિયા ચાંટતો હતો..” કહેતાં હર્ષદે ખભે રહેલું બેગ નીચે લીધું અને તેમાંથી એક ફાઇલ કાઢીને હાર્દિક તરફ ધરીને કહ્યું, “આ રાઠોડ રાકેશની ફાઇલ..”

“થઈ ગયું ?” હાર્દિકે ખુશ થઈને કહ્યું.

“હા…પેલાં સુવરનાં બચ્ચાને કેવી રીતે પટાવ્યો એ તો મારું જ મન જાણે છે…”

“એક..એક..મિનિટ” હાર્દિકે હર્ષદને અટકાવ્યો, “પાછળ ફરતો…”

“કેમ શું થયું ?” કહેતાં હર્ષદ પાછળ ફર્યો.

“ના.. બધું બરાબર છે..” હાર્દિક મૂછમાં હસ્યો.

“શું થયું પણ ?” હાર્દિકનાં મજાકથી અજાણ હર્ષદે પૂંઠાને ખંખેરતાં પૂછ્યું.

હર્ષદની આ હરકત જોઈને બધા હસવા લાગ્યા એટલે હર્ષદને પોતાની મૂર્ખામી સમજાઈ ગઈ. તેણે ગુસ્સામાં હાર્દિકને લાત મારી.

“વાત વાતમાં લાત શું કામ મારે છે ?” હાર્દિકે હસીને કહ્યું, “જેની તાકાત વધુ છે એનો ઉપયોગ કરને…”

“બસ હવે…”શિવ વચ્ચે પડ્યો, “મોડું થઈ ગયું છે.. પ્લાન શું છે ?”

“મારે આઠ વાગ્યે પેલી આવે છે એટલે મને કોઈ પ્લાનમાં ઉમેરતા નહિ…” મોહિતે પહેલા જ જણાવી દીધું.

“મોહિત નહિ પીવે…ભાર્ગવ પણ નથી પીવાનો..તો એક બોટલ થઈ રહેશે..” હાર્દિકે કહ્યું.

“ઓ કંજૂસોનાં દેવતાં…આ ગટર તરફ નજર ફેરવીને બોલ..” હર્ષદે શિવ તરફ ડંભાસ દેતાં કહ્યું, “એક બોટલ તો આ એકલા મહાશયને જ જોઈશે”

“સારું તો બે જ લઈ આવીએ…” હાર્દિકે કહ્યું, “હું અને જાડીયો બોટલ લેવા જઇએ છીએ…શિવ તું અને જય બંને જમવાનું અને બાઈટિંગ લઈ આવો…અને મોહિતી, તું તારું કામ પતાવ”

“સારું…હું નીકળું છું” કહેતાં મોહિત પોતાની બાઇક તરફ ચાલ્યો.

“ચાલો તો આપણે પણ નીકળીએ હવે..” કહીને હાર્દિકે કાંડાઘડિયાળ પર નજર ફેરવી, સાડા છ થવા આવ્યાં હતાં, “કલાકમાં રૂમે મળીએ”

બધાએ હાકારમાં માથું ધુણાવ્યું. અહીં બધા પાસે પોતાની બાઇક હતી એટલે બધા પોતાની બાઇક પર સવાર થયાં.

“તમે લોકો નીકળો….હું મુન્નાને ફોન કરીને આંબેડકર ચોકે બોલાવી લઉં છું” હાર્દિક કહ્યું અને શિવ સામે જોયું, “તું પણ આંબેડકર ચોકે પહોંચી જા…પોલીસ હોય તો મને કૉલ કરજે…”

એક સાથે ત્રણ બાઇક દવે સર્કલ તરફ અગ્રેસર થઈ ગઈ. ત્યારબાદ હાર્દિકે ત્રણ વ્યક્તિને કૉલ કર્યા. જેમાં પહેલો કૉલ મુન્નાને કર્યો હતો. બીજો કૉલ કોઈ છોકરીને કર્યો હતો અને છેલ્લો કૉલ મોહિતને કર્યો હતો.

ત્યારબાદ હાર્દિક પણ આંબેડકર ચોક તરફ જવા રવાના થઈ ગયો. સદનસીબે આંબેડકર ચોક પર પોલીસ નહોતી. ચોકથી થોડે આગળ સુમસાન ગલીમાં મુન્ના ઉભો રહેતો. હાર્દિક ત્યાં પહોંચ્યો અને ‘McDowell's No.1’ ની બે બોટલ બેગમાં નાંખીને મુન્નાને રૂપિયા ચૂકવી એ ફરી ચોક તરફ આવ્યો. ત્યાં જઈને તેણે પોતાની બેગ શિવને આપી દીધી.

ઘણીવાર પોલીસને બાતમી મળી જાય તો એ બાઈકનાં નંબર પરથી તેનો પીછો કરે એ વાત હાર્દીકને ખબર હતી એટલે હાર્દિકે બેગની અદલાબદલી કરી લીધી અને જુદા જુદા રસ્તેથી તુલસી પાર્કે પહોંચવાનું નક્કી કર્યું હતું.

તુલસી પાર્ક – 2 પહેલાં આરધાન સોસાયટીનો ગેટ પડતો હતો. એ ગેટની બાજુમાં જ આરાધના હાઇટ્સ નામનો પાંચ માળનો એપાર્ટમેન્ટ હતો. રોડ ટચનો એપાર્ટમેન્ટ હોવાથી આ એપાર્ટમેન્ટમાં નીચે દુકાનો હતી. તેમાં મેટ્રો નામની પાન-મસાલા તથા ચાની એક દુકાન હતી. જેનાં માલિકનું નામ દિપક હતું. બેન્કમાં નોકરી કરતાં લોકોમાં જૂજ લોકો જ એવા હશે જે ચાનાં બંધાણી નહિ હોય.

આ પાંચેય દોસ્તો ચા બંધાણી સાથે સિગરેટ-મસાલાનાં પણ બંધાણી હતા એટલે બધાનું અહીં નામું ચાલતું. શિવે મેટ્રોની બાજુમાં બાઇક ઊભી રાખી. ઉતાવળથી દીપકને ચ આપવા કહ્યું. તેની બેગમાં દારૂની બે બોટલ હતી. જો ભુલથી પણ કોઈને આ વાતની ભણક લાગી તો પોતાનાં માટે મુશ્કેલી પેદા થશે એની શિવને ખબર હતી.

શિવે ઉતાવળથી ચા પીધી. ત્યારબાદ બે સિગરેટનાં પેકેટ લીધાં અને તુલસી પાર્ક તરફ નીકળી ગયો. શિવે જ્યારે ઘર બહાર બાઇક સ્ટેન્ડ કરી ત્યારે ત્યાં અન્ય ચાર બાઇક હાજર હતી, જેનો મતલબ તેનાં અન્ય દોસ્તો ઘરે પહોંચી ગયા છે એવો થતો હતો.

શિવે ઉતાવળથી ગેટ ખોલ્યો અને બારણાં પાસે આવીને શૂઝ કાઢ્યાં. ત્યારબાદ એ ઘરમાં પ્રવેશ્યો. ઘરનો ભૂગોળ કંઈ આવી રીતે હતો. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ પડતો હતો જ્યારે ગેટ પશ્ચિમ દિશા તરફ પડતો હતો. ગેટ અને દરવાજા વચ્ચે પાંચેક ફૂટની લોબી હતી. એ લોબીમાં ખૂણામાં પાણીનો અન્ડર ગ્રાઉન્ડ ટાંકો હતો અને કપડાં ધોવાની ચોકડી હતી. ઘરમાં પ્રવેશતાં પહેલો હોલ હતો જે ફર્નિચર કરેલો હતો. હૉલથી ઉત્તર તરફ એક દરવાજો પડતો હતો. એ દરવાજા પાસે ઊભા રહેતા ડાબી બાજુ રસોડાનો દરવાજો પડતો હતો, જ્યારે પાંચ કદમ આગળ ચાલતાં ઉપરનાં રૂમમાં જવા માટે લોખંડનો ગોળ દાદરો હતો. દાદરાથી થોડે આગળ સંડાસ-બાથરૂમ હતું જ્યારે બાથરૂમનાં દરવાજા સામે જ દક્ષિણ દિશા તરફ મુખ ધરાવતાં રૂમનો દરવાજો પડતો હતો.

રૂમમાં પ્રવેશતાંની સાથે પહેલાં ડાબી બાજુ દરવાજા પાસે ડ્રેસિંગ કાચ હતો, જે એક દરવાજો હતો. ડ્રેસિંગ કાચનો દરવાજો ખોલતાં પાછળ ચાર સળંગ ખાના હતાં, જેમાં હાલ થોડી પરફ્યુમની બોટલો, બે વ્યક્તિનાં બેન્કનાં આઇડી કાર્ડ, એક તેલની બોટલ, કાંસકો તથા અન્ય કોસ્મેટિક વસ્તુઓ પડી હતી. ડ્રેસિંગ કાચની બાજુમાં જ ફર્નિચર કરેલી બે અલમારી હતી. જેમાં કપડાં અને અંદરનાં ડ્રોવરમાં થોડી ફાઈલો હતી. રૂમનાં દરવાજાની સામે, ઉત્તર તરફની દીવાલે એક ડબલ બેડ હતો. બેડની ચાદરમાં હાલ સિગરેટનાં ફુલ્લાને કારણે ઘણાબધા કાણા પડી ગયાં હતાં. બેડની બાજુમાં દીવાલને અડીને એક લાકડાની બે ખાનાવાળી ટીપાઈ હતી. ટીપાઈની સપાટીએ પારદર્શક કાચ હતો. જેનાં પર એક સ્વીચ બોર્ડ હતું. બોર્ડમાં ત્રણ ચાર્જર લગાવેલા હતાં. સ્વીચ બોર્ડની બાજુમાં એશસ્ટ્રે તરીકે ઉપયોગમાં લેવાતો તમાકુનો ડબ્બો પડ્યો હતો.

ટીપાઈનાં પહેલાં ખાનામાં સિગરેટનાં પેકેટ, એક લંબગોળ આર્મીના રંગનું મોટું બ્લુટુથ અને ચાનાં કપ પડ્યા હતાં. ટીપાઈનાં બીજા ખાનામાં મેલા મોજા થતા કોન્ડોમનાં થોડાં પેકેટ પડ્યા હતાં. બેડની ડાબી બાજુની દીવાલે એક બારી હતી. રૂમની રૂફ પર પણ લાઇટિંગ ફર્નિચર હતું, જેની એક સ્વીચ દરવાજા પાસે હતી અને રિવર્સ સ્વીચ બેડની પાછળ હતી. બેડ પૂરો થતો ત્યાં એક બીજો દરવાજો પડતો હતો જે પાછળની ત્રણ ફુટ લંબાઈ ધરાવતી લોબીમાં પડતો હતો. લોબીમાં અત્યારે બે ખુરશીઓ અને એક મોટું ચોરસ લાકડાનું પાટિયું પડ્યું હતું, તેની સિવાય એક દોરીમાં થોડી નિકર, બનીયાન અને ટુવાલ લટકતાં હતાં.

લોબી જ્યાં પુરી થતી ત્યાં આ ઘરનો વ્યાસ પૂરો થતો હતો. લોબી પછી બે માળનું ભાર્ગવનું મકાન શરૂ થઈ જતું. ટૂંકમાં લોબીમાં પૂર્વ-પશ્ચિમ તરફ બે માળની દીવાલ હતી અને ઉત્તર-દક્ષિણ તરફ છ ફૂટ ઊંચી દીવાલ હતી. ઘરની ઉત્તર તરફ એક ખાલી પ્લોટ હતો અને દક્ષિણ તરફ આ ઘર જેવી જ રચનાં ધરાવતું બીજું ઘર હતું જે હાલ બંધ હાલતમાં હતું.

બીજા માળે એક માસ્ટર રૂમ જ હતો. જેમાં ત્રિપલ બેડ હતો. બંને રૂમનું ફર્નિચર એક જેવું જ હતું. ઉપરનાં રૂમમાં પણ એક બીજો દરવાજો હતો, જે પશ્ચિમ દિશામાં પડતો હતો. એ દરવાજો નીચેનાં હોલની અગાસીમાં પડતો હતો. એ અગાસી પરથી ઉપરનાં માળની અગાસી પર જવા એક દાદરો હતો. નીચેનાં રૂમમાં શિવ અને મોહિત બંને રહેતાં હતાં, જ્યારે ઉપરનાં રૂમમાં હાર્દિક, હર્ષદ અને જય રહેતાં હતાં. બહારનાં હોલમાં પણ અત્યારે બે ગાદલાં પડ્યાં હતાં, જે મકાન માલિકનાં JCB ડ્રાઇવર રાજુભૈયા અને સંદીપનાં હતાં. રાજુ ઉત્તરપ્રદેશનો હતો સંદીપ છત્તીસગઢનો હતો. બંનેનાં કામનો સમય નક્કી ન હોવાથી તેઓ ક્યારે આવતાં અને ક્યારે જતાં તેનું પણ નક્કી નહોતું.

શિવ હોલમાં થઈને નીચેનાં રૂમમાં પ્રવેશ્યો. નીચેનાં રૂમનાં બેડ પર અત્યારે હાર્દિક, હર્ષદ અને જય બેઠા હતા. ત્રણેય ફોન મચેડવામાં વ્યસ્ત હતાં. રૂમમાં આવીને શિવે ખભેથી બેગ નીચે ઉતાર્યું, ત્યારબાદ ગળામાં લટકતું આઈડી કાર્ડ કાઢીને ડ્રેસિંગ કાચનાં પાછળનાં ખાનામાં રાખ્યું. બેડ પાસે આવીને તેણે પગનાં મોજાં કાઢ્યાં અને ટીપાઈનાં નીચેનાં ખાનામાં રાખ્યાં.

“ચાલો ભાઈઓ…શું વાર છે હવે ?” શિવે કમરને બંને બાજુએ ઘુમાવીને ચુસ્ત અવાજે કહ્યું.

“મોહિતનાં મહેમાનને તો આવી જવા દે” હાર્દિકે ફોનમાં જ ધ્યાન રાખીને કહ્યું. શિવે સમય જોયો. પોણા આઠ ઉપર થયાં હતાં. એ પણ બેડ પર આવીને દીવાલને ટેકો દઈને બેસી ગયો.

“હું ભાર્ગવને પણ બોલાવી લઉં..”કહેતાં હાર્દિકે કૉલ કરીને ભાર્ગવને આવવા કહ્યું.

આ તરફ મોહિતે ઉપરનો રૂમ સાફ કરી દીધો હતો. રૂમમાં સિગરેટનાં ઠૂંઠા, નાસ્તાનાં રેપર અને બીજી બધી વસ્તુઓ આમતેમ પડી રહેતી. કોઈ મહેમાન આવે ત્યારે એ છોકરો બધું સાફ કરતો. અહીં મહેમાનનો અર્થ છોકરી લઈને આવે એવો થાય છે.

રૂમ સાફ કરીને મોહિતે ડ્રોવરમાંથી રૂમ ફ્રેશનર કાઢ્યો અને ચારેય બાજુઓ સ્પ્રે કર્યો. ત્યારબાદ એ બાથરૂમમાં જઈને હાથપગ ધોઈ આવ્યો અને બેડ પર આવીને બેઠો. સહસા તેનો ફોન રણક્યો. મોહિતે કૉલ રિસીવ કર્યો.

“હું મેટ્રોએ પહોંચી છું” સામેથી કોઈ છોકરીએ કહ્યું.

“તુલસી પાર્કનાં ગેટે ઉતરી જજે…ગેટમાં પ્રવેશતાં જ થોડે આગળ ડાબી બાજુએ એક કારીયાણાની દુકાન આવશે..દુકાન પછી ખાલી પ્લોટ છે અને પછી મારું ઘર.. ઘરની બહાર પાંચ બાઇક હશે. એ બાઇક પાસેનાં ગેટને ખોલીને અંદર આવી જા..” મોહિતે કહ્યું. એ ઉભો થઈને દાદરા ઉતરવા લાગ્યો.

“ક્યાં પહોંચી ?” મોહિતે હોલમાં આવીને પૂછ્યું.

“મહાદેવ પંજાબી ઢાબા..”

“બરાબર…” કહેતાં દરવાજો ખોલીને મોહિત બહાર નીકળ્યો. શિયાળાનો સમય હતો એટલે અંધારું થઈ ગયું હતું. આમ પણ આ ઘરની સામે એક જ એવું ઘર હતું જેનો દરવાજો સામસામે પડતો હતો, એ ઘરમાં એક વૃદ્ધ દંપતી રહેતાં હતાં એટલે મોહિતને તેઓની કોઈ ચિંતા નહોતી.

બે મિનિટ પછી ગેટ ખુલ્યો. મોઢા પર સ્કાફ બાંધેલી એક છોકરી લોબીમાં પ્રવેશી.

“અંદર આવી જા..” મોહિતે કૉલ કટ કરતાં કહ્યું.

છોકરીએ હોલમાં આવીને પોતાનાં શૂઝ ઉતાર્યા. એ સમય દરમિયાન મોહિતે દરવાજો બંધ કર્યો અને હૉલમાં થઈને દાદરા પાસે પહોંચ્યો.

“આ બાજુ…” મોહિતે એ છોકરી તરફ જોઈને કહ્યું.

છોકરી દાદરો ચડવા લાગી. મોહિત પણ તેની પાછળ દાદરો ચડી ગયો.

*

“મહેમાન આવી ગયાં લાગે છે..” દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો એટલે હાર્દિકે કહ્યું. રૂમનાં એક પણ દરવાજામાં સ્ટોપર નહોતી. બધાં દરવાજા હેન્ડલથી ખુલતાં હતાં, જ્યારે દરવાજો અંદરથી બંધ કરવા ચકલીઓ રાખવામાં આવી હતી. જેને બે વાર ફેરવતાં દરવાજો બારસાંખ સાથે લૉક થઈ જતો. ઉપરનાં રૂમમાં આ લોક જામ હતો. અંદરથી કોઈ ચકલી ફેરવે એટલે કરરર…કરરર.. એવો અવાજ આવતો. હાર્દિકે આ અવાજ સાંભળીને જ અનુમાન લગાવ્યું હતું.

“તો શરૂ કરો…” શિવે કહ્યું.

“એક મિનિટ…” કહેતાં હર્ષદ ઊભો થયો, “હું વોશરૂમ જઈ આવું”

“તારું રોજનું નાટક છે..” હાર્દિક ખિજાયો,. “એન્ડ ટાઈમે જ તને વોશરૂમ લાગે છે”

“હેહેહે…” બત્રીસી બતાવીને હર્ષદ ઊભો થયો અને દરવાજો ખોલીને બહાર ગયો. થોડીવાર પછી એ રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેનાં હાથમાં કાળી, મોટી પ્લાસ્ટિકની બેગ હતી.

“હેપ્પી બર્થડે ડાર્લિંગ…” હર્ષદે રૂમમાં પ્રવેશીને બૂમ પાડી. હર્ષદ પાછળ ભાર્ગવ પણ ઊભો હતો.

હાર્દિક બેડ પરથી નીચે કુદ્યો. હર્ષદ પાસે જઈને હાર્દિક તેને ભેટી પડ્યો.

“ચલ ચલ હવે…આયો મોટો ઇમોશનલફૂલ..” હર્ષદે તેને દૂર હટાવતા કહ્યું.

“આ બધું કેવી રીતે ગોઠવ્યું ?” હાર્દિકે પૂછ્યું.

“પેલાં મનોજવાળી વાત બનાવટી હતી, ત્યારે હું કેક અને ગિફ્ટ લેવા ગયો હતો…આ અમારો પ્લાન હતો..” હર્ષદે કહ્યું.

હાર્દિકે જય અને શિવ પર ઊડતી નજર ફેરવી. બંને મુસ્કુરાઈ રહ્યાં હતાં.

“સાલાઓ તમે તો એક્ટર નીકળ્યાં…નાટકમાં તમને ઓસ્કર મળવો જોઈએ..” હાર્દિકે કહ્યું.

“એ છોડ હવે…જલ્દી કેક કાપી લે…પીધાં પછી કોઈ ભાનમાં નથી રહેવાનું અને અત્યારે મારી તરસ વધતી જાય છે…” હર્ષદે કહ્યું.

જય ઉભો થઈને ગેલેરીમાંથી પાટીયું લઈ આવ્યો, એ સમય દરમિયાન શિવે કેકનું બોક્સ ખોલ્યું અને હર્ષદે ટીપાઈને ખેંચીને વચ્ચે રાખી દીધી. ટીપાઈ પર પાટીયું રાખવામાં આવ્યું અને એનાં પર કેકનું બોક્સ.

હર્ષદે ટીપાઈનાં ખાનામાંથી બ્લુટુથ કાઢ્યું અને તેમાં પોતાનો મોબાઈલ કનેક્ટ કર્યો. ત્યારબાદ ‘બાર બાર દિન યે આયે…બાર બાર દિલ યે ગાયે…તુમ જીયો હજારો સાલ યે મેરી હે આરજુ…હેપ્પી બર્થડે યુ.. હેપ્પી બર્થડે યુ…” નું સંગીત રૂમમાં રેલાયું. એ સાથે જ હાર્દિકે કેક કાપીને બધાને ખવરાવી. અડધી કેક બચી હતી એમાંથી અડધો ભાગ મોહિત અને તેનાં મહેમાન માટે સાઈડમાં રાખવામાં આવ્યો અને બાકીનાં ભાગને હાથમાં લઈને હર્ષદે, હાર્દિકનો ચહેરો રંગી દીધો. ત્યારબાદ હર્ષદે પાછળથી હાર્દિકને પકડી લીધો અને જમીન પર સુવરાવી દીધો. હાર્દિક ‘છોડી દે જાડીયા…તારાં બર્થડે પર હું બોઉં મારીશ..’ ની બૂમ પાડતો રહ્યો પણ અત્યારે તેનું સાંભળવાવાળું કોઈ નહોતું. ભાર્ગવે અને હર્ષદે, હાર્દિકનાં હાથ પકડ્યા અને શિવે તથા જયે પગ પકડ્યા. ચારેયે મળીને હાર્દિકને ઊંચો કર્યો અને પછી વારાફરતી પૂંઠા પર લાત મારવા લાગ્યાં. હાર્દિક રાડો પાડતો રહ્યો અને તેને કારણે તેને વધુ લાત પડતી રહી.

આ પ્રોગ્રામ અડઘી કલાકથી વધુ ચાલ્યો હતો. હાર્દિક ઠૂંગાતો ઠૂંગાતો બાથરૂમમાં ગયો અને ચહેરો ધોઈને પાછો આવ્યો.

“ચાલો તો હવે કોની રાહ છે..!!” શિવે કહ્યું, “આવી જાઓ સર્કલમાં”

બધાં બેડ પર બેઠી ગયાં. હર્ષદ અને શિવ દીવાલને ટેકો આપીને બેઠાં હતાં. જય અને ભાર્ગવ ગેલેરીમાં પડતાં દરવાજા તરફ બેઠાં હતાં, જ્યારે હાર્દિક બેડનાં ઉપરનાં ભાગમાં ટેકો આપીને બેઠો હતો. વચ્ચે પાટીયું રાખવામાં આવ્યું, પાટિયા પર હાલ એક બોટલ પડી હતી, બાઇટિંગ વેફર્સ, શીંગ, વટાણા, ચણાદાળનાં બે-બે પેકેટ પડ્યાં હતાં. તેની બાજુમાં એક કોલ્ડડ્રીંક અને એક પાણીની બોટલ તથા ચાર ગ્લાસ પડ્યા હતાં. ગ્લાસની બાજુમાં પાટીયા પર મીઠું અને જલજીરા પડી હતી.

(ક્રમશઃ)