*આમ કદાચ* ટૂંકીવાર્તા ૧૮-૭-૨૦૨૦. શનિવાર ...
અંજલિને નાનપણથી જ જીતેશ ભાઈ અને એનાં પપ્પા વિજય ભાઈએ મોટી કરી હતી..
કારણકે એનાં જન્મ પછી તરતજ એની મમ્મી નું દેહાંત થઈ ગયું હતું...
વિજયભાઈ અને જીતેશભાઇ એ લાડ લડાવીને મોટી કરી અને ભણાવી ગણાવી..
અંજલિ વીસ વર્ષની જ હતી અને એનાં લગ્ન નાતના છોકરાં પ્રકાશ સાથે નક્કી કર્યા...
અંજલિ એ પ્રકાશને જોયા વગર જ પપ્પા ની ખુશી માટે હા કહી અને લગ્ન કર્યા અને સાસરે આવી....
સાસરીમાં સૌથી મોટી વહુ હતી અને પિયરમાં નાની હતી..
લગ્ન પછી કિસ્મત એવી પલટી કે પ્રકાશ નો પોતાનો ધંધો એકદમ જ ખોટમાં ગયો અને માથે દેવું થઈ ગયું...
નાનાં દિયર નાં લગ્ન થયા..
અંજલિ બે સંતાનો ની માતા બની એક દિકરી મેઘા અને દિકરો જય..
આ બાજુ અંજલિ નાં પપ્પા ને એટેક આવ્યો અને એ પણ પ્રભુધામ જતાં રહ્યાં અંજલિ પર તો જાણે દુઃખનું આભ જ ટૂટી પડ્યું કારણ કે માતા નું તો સુખ મળ્યું જ નહોતું એક પપ્પા જ હતાં એ પણ છોડીને જતાં રહ્યાં...
હવે ઘરમાં પણ સભ્યો વધી ગયાં
એટલે સાસુ,સસરાએ અંજલિ અને પ્રકાશ ને જુદા રેહવા મોકલ્યા..
અંજલિ નોકરી કરીને ઘર ચલાવતી હતી..
પ્રકાશ દશ ધોરણ ભણેલા હતા એટલે નોકરી મળતી નહોતી..
અંજલિ તોરણ બનાવવાનાં ગૃહ ઉદ્યોગ માં નોકરી કરતી હતી અને બાકીના સમયમાં ડોર ટુ ડોર બોરીયા, બકલ વેચતી હતી પણ છોકરાઓ ને ભણાવવાના અને ઘર ચલાવવા માં એટલાં રૂપિયા રેહતા નહીં તો ઘણી વખત આખરી તારીખો માં એક ટંકનું જમી ને દિવસો પૂરાં કરતાં...
જીતેશભાઇ કુંવારા જ હતાં એમને ગળામાં તકલીફ થઈ ગઈ એ ખાઈ શકતાં નહોતાં એટલે એ અંજલિ પાસે આવ્યા..
અંજલિ એ દોડાદોડી કરી ને ડોક્ટર ને બતાવ્યું અને રીપોર્ટ કરાવ્યાં તો ગળાનું કેન્સર આવ્યું..
અંજલિ ખુબ જ રડી...
એણે ડોક્ટર ને પુછ્યું કે ઓપરેશન થી સારું થઈ જશે...
ડોક્ટર કહે બહેન.. એક સાચી સલાહ આપું આ રીપોર્ટ જોતાં અને આ ભાઈ ની હાલત જોઈને એમને વગર ઓપરેશને જ જેટલું જીવે એટલું શાંતિ થી જીવવા દો..
ઓપરેશન કરાવશો તો પણ ત્રણ મહિના અને રીબાશે એ અલગથી..
અને વગર ઓપરેશને પણ ત્રણ મહિના જીવશે પણ શાંતિથી થોડું ઘણું જમી શકશે અને ઓછી પીડા સાથે...
બાકી દુવા કરજો બહેન...
અંજલિ તો ખુબ જ રડી પણ હવે કોઈ ઉપાય નહોતો...
જીતેશભાઇ પાછાં ગામડે જતાં રહ્યાં...
અંજલિ ફોન થી ખબર અંતર પૂછતી રેહતી...
એવામાં દિવાળી આવી એટલે ભાઈબીજના એણે જીતેશભાઇ ને જમવાનું કહ્યું એણે ઘરમાં હતું એ પ્રમાણે દાળ, ભાત, ભજીયા,શાક, શીરો, પુરી બનાવ્યું...
જીતેશભાઇ આવ્યાં અને જમવા બેસાડ્યાં કપાળમાં ચાંદલો કર્યો અને અંજલિ થાળી પીરસી ને લાવીને ભાઈને કોળિયો ધર્યો..
જીતેશભાઇ એ કોળિયો પરાણે ઉતાર્યો..
એમણે કહ્યું કે બહેન હું જમી નથી શકતો ગળામાં ખૂબ દુઃખે છે જો રસ મલાઈ હોત તો ખાઈ લેત મને બહુ ભાવે છે અને હવે ફરી ક્યારે ખાઈશ..
અંજલિ વિચારમાં પડી અને રૂમમાં દોડીને ગઈ અને બધું ફંફોસી જોયું પણ દશ પંદર રૂપિયા થી વધુ કંઈ નાં નિકળ્યું હવે એ વખતે દિવાળી આખરી તારીખમાં જ હતી...
એણે જીતેશભાઇ ને રડતાં રડતાં નાં કહી કે ભાઈ માફ કરજો મને..
પણ કદાચ અંજલિ એ જ્યાં નોકરી કરતી હતી એ વર્ષા બહેન પાસે ઉછીના રૂપિયા અથવા એડવાન્સ પેટે માંગ્યા હોત તો જીતેશભાઇ ને રસ મલાઈ ખવડાવી શકી હોત...
ત્રણ મહિના પછી જીતેશભાઇ મૃત્યુ પામ્યા...
અંજલિ રસ મલાઈ ખાતી નથી...
અંજલિ ને આજે પણ થાય છે કે કદાચ મેં રૂપિયા માંગ્યા હોત તો જીતેશભાઇ ની આખરી ઈચ્છા રસ મલાઈ ની પૂરી કરી શકી હોત...
પણ આ કદાચ નડી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ