grahak raja in Gujarati Thriller by SUNIL ANJARIA books and stories PDF | ગ્રાહક રાજા

Featured Books
Categories
Share

ગ્રાહક રાજા

ગ્રાહક રાજા

ગલ્ફ કન્ટ્રીની શુક એટલેકે બઝાર હતી. ભીડ ભારતની સામાન્ય ગલીકુંચી જેટલી, ભારતમાં જેને આવનજાવન કહે એટલી. અહીં એ ભીડ લાગે. સાંજનો સમય હતો. LED લેમ્પ રંગબેરંગી પ્રકાશ આપતા હતા, ત્યાંના રાહદારીઓના દિસદાશા કહેવાતા સફેદ ઝબ્બાપરથી મેઘધનુષના સાત રંગો પરાવર્તિત થતા હતા. નજીક એક દુકાનોની હારમાં ગોલ્ડ સુક એટલે કે સોનીબજાર હતી, જ્યાં એકદમ ચળકતા જાડા સોનેરી હાર, સુંદરીઓનાં ઉભારવાળાં બસ્ટ પર પહેરાવેલા સેટ, કાનમાં એરિંગ વગેરે લોકોનું ધ્યાન ખેંચતાં હતાં.


એક ખૂણામાં આગળપાછળ કરી પાર્કિંગમાં બને એટલી રાજમાર્ગ નજીક કાર પાર્ક કરી એક કુટુંબ ઉતર્યું. સ્ત્રીએ બુરખો પહેરેલો. આ દેશમા સ્ત્રીઓ આબાયા નામે ઓળખાતો કાળો ઝબ્બો પહેરે છે પણ મોં ખુલ્લું રાખે છે. સ્ત્રીનું ગોળ ગોરું મોં જોકે ઢંકાયેલું હતું. બદામ જેવી તીક્ષ્ણ અણીયાળી આંખો બહાર ડોકાતી હતી. બે પુરુષ એક નાનું બે અઢી વર્ષનું શિશુ વારાફરતી તેડતા આમથી તેમ જોતા ફરતા હતા. સ્ત્રી એક કારના ટેકે ઉભી.

બે પુરુષોમાં એક યુવાન હતો, એક થોડો પ્રૌઢ. તે પ્રૌઢ માથે આગળ તાલ, પગમાં કાળી પટ્ટીવાળાં સેન્ડલ, સફેદ કુર્તા પજામામાં હતો. યુવાન પેન્ટશર્ટમાં હતો અને ટ્રીમ કરેલી દાઢીવાળો હતો. બાળકને શો ફેર પડે, દુનિયાભરમાં એ ઝભલાં પહેરે, કાંઈ ન પહેરે તો પણ એને શો ફેર પડવાનો હતો?


પ્રૌઢ આમતેમ જોઈ આખરે એક ગોલ્ડની દુકાનમાં ગયો.


”અસ્સલાંમ આલેકું” એણૅે કહ્યું.

“વાલેકું સલામ” દુકાનદારે કહ્યું ને 'આશા ભર્યા તે તમે આવીયા' મનમાં બોલી કહ્યું “ફરમાઈએ જનાબ."

પ્રૌઢે એક નાની ચેઇનોની બોક્સ તરફ આંગળી કરી. કહ્યું કે એ મુસ્લિમ છે પણ બહારના દેશનો. તે અહીંની ભાષા નહીં સમજે. સામાન્ય રીતે ગંભીર લાગતા દુકાનદારે પોતે હિન્દી, ઉર્દુ પણ જાણે છે એમ બતાવતાં ઉત્સાહથી કહ્યું. "ગ્રાહક હમારા રાજા હૈ. ઉસકી ભાષા હમારી ભાષા, ઉસકી પસંદ હમારી પસંદ."

આમ કહેતાં તેણે સોનાની ચેઇનો રાખેલી બોક્સ કાઢી. પ્રૌઢ, યુવાને તેડેલા શિશુને ચેઇનો પહેરાવી, નીચે ઉતારી મુકવા લાગ્યો.

દુકાનદારે પૂછ્યું “કોના માટે?”

પ્રૌઢે શિશુ તરફ આંગળી કરી 'પોતા' એમ કહ્યું.


ચેઇનો બતાવાઈ. આજના ભાવ 20, 22, 24 કેરેટના કહેવાયા. અહીં ત્રણ જાતનાં સોનાનાં ઘરેણાં મળે.

પ્રૌઢ બાળકને સોનાની ચેઇનો પહેરાવતો રહ્યો અને યુવાને બાળકને કાઉન્ટર પર બેસાડ્યો.

એક કહાવા એટલે કે ત્યાંની સ્ટ્રોંગ કોફીની પ્યાલીઓવાળો છોકરો આવ્યો. યુવાનને પ્યાલી ધરી. ભારત હોત તો પહેલા પ્રૌઢને આપત. યુવાને પ્યાલી પીધી, એક વૃદ્ધને આપી. બાળક નીચે ઝુક્યો. યુવાને એને ખાલી પ્યાલી ધરી લઇ લીધી. બાળકે ઝુકીને યુવાનની પ્યાલી પર ઝાપટ મારી, પકડી એક નાનો સીપ તો લઈ જ લીધો. પછી કડવું લાગતાં મોં બગાડ્યું. યુવાને સેલ્સમેન પાસે ટીસ્યુ પેપર માંગી બાળકનું મોં લૂછયું અને હવે પહેરેલી ચેઇન સાથે તેને અરીસા સામે ઉભાડયો.

સેલ્સમેન કાઉન્ટર છોડી અરીસા પાસે ગયો. 'અચ્છા લગતા. પેક?" એમ પૂછ્યું.

યુવાને ચેઇન બે હાથમાં ફેરવી. પ્રૌઢે બીજી ચેઇન બતાવવા કહ્યું.

યુવાને કહાવો સર્વ કરતા છોકરાને પૂછ્યું ”પાકિસ્તાન સે?”

છોકરો નકારમાં સહેજ ડોકું હલાવી નીકળી ગયો.

ગ્રાહકો સાથે પર્સનલ વાતો નહીં કરવા સ્ટાફને સૂચના હતી. બાળક એક ચેઇન તરફ ઝુક્યો, એને હાથમાં લઈ લીધી અને નીચે ફેંકી. એને તેડીને ઉભેલા બાપે ‘સોરી’ કહી નીચે ઝૂકી એ પાછી આપી. બાળકે સોનીના કબાટ પર ધમધમ વગાડ્યું, કઈંક હાથ અડાડી જોવા ગયો. દુકાનદાર ચેઇનો બતાવતો એક ક્ષણ થંભી ગયો પછી યુવાનને બહાર જવા ઈશારો કર્યો. તે પહેલાં બાળકે કઈંક ખેંચવા કોશિશ કરી. યુવાન બાળકને તેડી જલ્દી બહાર જઈ ઉભો રહ્યો.

હવે પ્રૌઢે એક ચેઇનનું વજન કરવા કહ્યું. તેણે થોડી રકઝક કરી. ફરી યુવાનને બોલાવ્યો. કંઈક મસલત કરી ચેઇન પાછી મૂકી દઈ બેય બહાર નીકળી ગયા. દુકાનદારનો સેલ્સમેન આશાભર્યો જોઈ રહ્યો. દુકાનદારે આમતેમ તેની બાજ નજર ફેરવી, બીજા ગ્રાહકોમાં ધ્યાન પરોવ્યું, એ સાથે એક નજર CCTV પર નાખી લીધી. બધું બરાબર લાગ્યું.


હવે પેલી આબાયાવાળી સ્ત્રીએ છોકરું તેડ્યું અને એ કુટુંબ થોડું આમતેમ ફર્યું. થોડી દુકાનો ફર્યા બાદ યુવાન સાથે એ સ્ત્રી બાળક તેડી બીજા સ્ટોરમાં ગઈ. યુવાન પુરુષે સેલ્સગર્લને બંગડી કાઢવા કહ્યું. સેલ્સગર્લ સ્ત્રીનું માપ લઇ નાની મોટી સાઈઝ બતાવવા લાગી. એટલામાં કોલ્ડ ડ્રીંકનો ગ્લાસ લઇ દુકાનની બહાર યુનિફોર્મ પહેરી ઉભેલો પહેરેદાર જ આવ્યો. એને કદાચ થોડા ગ્રાહકો થાય એટલે અંદર આવી કોલ્ડડ્રીંક સર્વ કરવાનું હશે. દુકાનદાર કરકસરમાં માનતો હોઈ તેની ચોકીદાર કમ વેઈટરની ટુ ઇન વન ડ્યૂટી હશે.

દુકાનમાં બોર્ડ મારેલું- “ગ્રાહક અમારો રાજા છે.” એ રાજાનું ધન ઓછું વપરાય એટલે તો સ્ટાફમાં કરકસર કરેલી.


સ્ત્રીએ કોલ્ડડ્રીંકનો એક ગ્લાસ પીધો, પછી બાળક તેડ્યું, પુરુષે બીજો પીધો. આસપાસ જોઈ સ્ત્રીએ ફરી એક ગ્લાસ પીધો અને બંગડી જોવા લાગી. પુરુષ આજના સોનાના ભાવ અને મજૂરી વિશે કોઈ ચર્ચા કરતો હતો. બંગડી નક્કી થઈ હોય એમ લાગ્યું. ત્યાં બાળક નીચે ઝૂકી, મરડાઈ રોવા લાગ્યો. તેણે પોતાની મુઠ્ઠીમાં એક બંગડી પકડી ફેંકી. સ્ત્રીએ હળવેકથી એ પાછી મૂકી. પુરુષે બહાર ઉભેલા પ્રૌઢને બોલાવ્યો, તે બાળકને તેડી, તેના પેટ આડો હાથ રાખી થાબડતો ને ઝુલાવતો બહાર લઈ ગયો. પુરુષ બહાર જતો હતો ત્યાં દુકાનદારે સ્ત્રીને પૂછ્યું કે બંગડી ગમી હોય તો પેક કરે, એ જાણતો હતો કે સ્ત્રી મન કરે અને એ જાહેર કરે તો પુરુષ ના પાડી શકશે નહીં. સ્ત્રીએ યુવાનને બોલાવ્યો, યુવાન સાથે પ્રૌઢ આવ્યો. એણે પુરુષને વીંટી પોતાને માટે જોવા કહ્યું. પુરુષ વીંટીના કાઉન્ટર પર ઉભો રહી પોતાની આંગળીનું માપ લેવા લાગ્યો. સ્ત્રી બંગડી લઇ વજન કરાવવા ગઈ, પ્રૌઢ બાળકને હાથમાં ઝુલાવતો સેલ્સમેન સાથે કોઈ વાત કરવા લાગ્યો. એણે બહાર જોયું, હવે ફરીથી કોલ્ડડ્રીંક આવવાની શક્યતા ન હતી. ગ્રાહકો ઓછા હતા ને યુનિફોર્મવાળો ચોકીદાર કમ વેઈટર બહાર મૂછો ચાવતો એમને એકધ્યાનથી જોતો હતો.

કદાચ પૈસા ખૂટયા, કદાચ કાર્ડ ન ચાલ્યું. પ્રૌઢે પોતાનું પાકીટ કાઢ્યું. એ યુવાનનો બાપ, સ્ત્રીનો સસરો લાગતો હતો. કુટુંબીની અધૂરી ઈચ્છા પૂરી કરે એમ હતો. એ લોકોએ વીંટી ખરીદી. થોડી વાત દુકાનદાર સાથે હાથ મિલાવતાં કરી. થોડી બહાર નીકળતા મુછાળા વેઈટર કમ ચોકીદાર સાથે. આ દુકાનમાં સ્ટાફ લોકો જરૂર પૂરતીજ વાત કરતા હતા પણ પગથીયાં ચડતા ગ્રાહકને કઈંક પરખાવ્યા વિના ઉતરવા દે એમ ન લાગ્યા.


હવે થોડે દુર એક સર્કલ પાસે એ ત્રણેએ આંટા માર્યા. તેઓ એક થોડા નાના શોરુમમાં ગયાં. યુવતીએ મારકણું મીઠું સ્મિત આપી દુકાનદારને ઘાયલ કર્યો. દુકાનદાર વાતોડીયો લાગ્યો. યુવતીએ બાળક પ્રૌઢને આપ્યું. દુકાનદારે પ્રૌઢને પૂછ્યું ”તમે હમણાં આ બાજુ થઈ નીકળેલા?” પ્રૌઢે હા પાડી. દુકાનદારે કહ્યું “કદાચ કાલે પણ નીકળેલા?”

પ્રૌઢે હા પાડી કહ્યું કે કાલે મેળ પડેલો નહીં એટલે ફરીથી આવ્યા. સ્ત્રી અંદર ગઈ. યુવાન એની સાથે જોડાયો. બન્નેએ સેટ તથા બંગડીઓ બતાવવા કહ્યું.

દુકાનમાં સફેદ ઝબ્બા વાળો શેઠ અને એક વાણોતર જ હતા. બાકી બીજે માખી ઊડતી હોય, પણ આ દેશમાં તો વગર અભિયાને સ્વચ્છતા હોય. માત્ર ધૂપની સુગંધ પ્રસરેલી હતી.

પ્રૌઢે શેઠને ઝુકીને 'અસ્સલામ આલેકુમ' કહ્યું. દુકાનદારે તેનો જવાબ આપ્યો. દુકાનદાર કહે "બોલો જનાબ, કયા ખીદમત કરેં?"

પૌઢ કહે વહેવાર કરવો છે. હળવે હળવે તે દુકાનદાર સાથે વાતોએ વળગ્યો. જ્વેલર એની ભાષા સમજતો હતો. આ ગ્રાહક રાજાને તે જવા દેવા માંગતો ન હતો. લોકલ કરતાં બહારનાનું જલ્દી 'કરી નંખાય'.

એનો વહેવાર 'કરી નાખવા' ઉત્સુક બની તે પ્રૌઢને એ જે કહે તે બધું બતાવવા લાગ્યો.

સ્ત્રીએ એક સેટ બતાવી વજન કરવા કહ્યું. પ્રૌઢે એ વખતે પેલી વીંટી બતાવી વજન અને કેરેટ ચેક કરવા કહ્યું. “બીજી દુકાનનું છે પણ આ તો ડબલ ચેકીંગ માટે.”

દુકાનદાર કહે ”અમારા પર ભરોસો નથી? અમારે તો ગ્રાહક અમારો રાજા.”

પ્રૌઢ કહે “છે. આપ પર તો છે જ. એટલે તો તમારી પાસેથી ખરીદી કરીએ છીએ.” પ્રૌઢ બહાર ગયો. દુકાનદારે વજન કરી સેટ પેક કરવા આપ્યો, પેમેન્ટ માટે યુવાનને કહ્યું.


પ્રૌઢ ઓચિંતો બાળકને લઇ દોડતો અંદર આવ્યો. યુવાનને કહે “કાર સરખી રીતે પાર્ક નથી થઈ, સહેજ બહાર આવ.”

યુવાન તેની સાથે બહાર ગયો. સ્ત્રી આમતેમ ઘરેણાં જોતી રહી. દુકાનદારને મીઠું શુક્રિયા અદા કરી “હમણાં એ લોકોને લઇ આવું છું“ કહી નીકળી ગઈ.

કોણ જાણે વાતોડિયા જ્વેલરનાં નસીબ મોળાં હશે. તેઓ પાછાં આવ્યાં નહીં. સામે રસ્તો ક્રોસ કરી એ લોકોએ ફરી આમતેમ આંટા માર્યા.


હવે તેઓ એક ભવ્ય એરકન્ડિશન શોરૂમમાં દાખલ થયાં. પ્રૌઢ આગળ થયો. એક સેલ્સમેને કમરથી બેલેન્સ જાય ત્યાં સુધી ઝૂકી સત્કાર કર્યો. એની ટાઈ હાથીની સૂંઢની જેમ ઝૂલી રહી. “વેલકમ ટુ .. શો રૂમ સર, કસ્ટમર ઇઝ અવર કિંગ. વ્હોટ કેન વી ડુ ફોર યુ?” પૂછ્યું.


પ્રૌઢે થોડાં ઘરેણાં પર નજર ફેરવી, યુવાન અને તેની સ્ત્રી સાથે ચર્ચા કરી. શોરૂમના મેઈન માણસને ડાયમંડ જ્વેલરી બતાવવા કહ્યું. એ મેઈન માણસે મનમાં “ડાચાં જોયાં છે? ડાયમંડ ખરીદવા હાલી નીકળ્યા છે!” કહી ચૂંકથી શરૂઆત કરી. પ્રૌઢે ઘેર શાદી હોઈ જરૂર છે કહી એરિંગ તથા બુટ્ટીઓ બતાવવા કહ્યું. થોડી વારે બાળક સાથે સ્ત્રી આવી. એણૅ વચ્ચે નાના હીરા વાળી પાતળી બંગડી માંગી. મેઈન માણસે આઈસ્ક્રીમ મંગાવતાં પ્રૌઢ અને યુવાન શું કરે છે, ક્યાં રહે છે એ પૂછ્યું. પ્રૌઢે પોશ વિસ્તાર અને પોતાનો સારો ધંધો કહ્યો. વચ્ચે બાળક કોઈ ચીજ પર ઝુક્યું. સેલ્સગર્લએ “સોરી મેમ” કહી કોઈક આઈટમ સહેજ દૂર ખસેડી. એક કર્મચારી હળવેથી બાળકને તેડી બહાર દૂર લઈ ગયો.


પ્રૌઢે ડિઝાઇન પસંદ કરી જુદી રાખવા, કાલે ડિલીવરી લઇ જશે એમ કહ્યું. મેઈન માણસે વગર કાર્ડ સ્ક્રેચ કર્યે ઉધાર આપવા, કાલે ઘેર મોકલી આપવા સુધ્ધાં તૈયારી બતાવી જેનો અત્યંત નમ્રતાથી અસ્વીકાર થયો. ત્રણે દાદરા ઊતર્યાં અને કાર તરફ ચાલ્યાં. ત્યાં વળી એક માજી જેવી સ્ત્રી, કદાચ પ્રૌઢની બાનુ ત્યાં ઉભી હતી. એણે પર્સમાં કઈંક મુક્યું, આસપાસ જોયું અને રિમોટથી કારનાં ડોર ખોલ્યાં. ત્રણે એ કારમાં બેઠાં અને રિવર્સ લઇ મેઈન રસ્તે કાર દોડાવી મૂકી.

***


પ્રૌઢે દાઢી ઉતારી. તેની બાનુએ ‘આની જરૂર ન પડી’ કહી પર્સમાંથી ખોટી પણ સાચા જેવી દેખાતી ગન કાઢી સીટ પર મૂકી આબાયા પહેરી રાખ્યો. પોતે જ કાર ચાલુ કરી. ભગાવી. એ પ્રૌઢાના લેબાશ નીચે ઠીંગણો, જાડો પુરુષ હતો. ચાલુ કારે યુવતીએ આબાયા ઉતારી આંખના અણિયાળા ખૂણા લૂછયા. યુવાને “કૈસા રહા બીબીજી!" કહી એને ધબ્બો માર્યો.

એ યુવતી નહીં, 17-18 વર્ષનો કિશોર હતો! યુવાને એની પર્સ લઇ કાર મેઈન રોડ પર 120 કિ.મી.ની ઝડપે દોડતી હતી એ દરમ્યાન માલમત્તા એક કપડાં પર ઠાલવી. બધું આવ્યું તો છે એ ગણ્યું. ચેન, બંગડી, નાનો સેટ, ડાયમંડની એક બુટ્ટી. "હત્ત તેરેકી. બીજી બુટ્ટી રહી ગઈ. પેલી સાલી .. એ ‘સોરી મેમ‘ કહી લઇ લીધી."


'માજી' લોભ ન રોકી ન શક્યાં. કાર પાછલી શેરીમાં રાખી ફરી છોકરું તેડી દુકાનમાં દોડ્યાં. બીજા એક સેલ્સમેનને એક બુટ્ટી બતાવી. કહ્યું “મારું ફેમિલી એનું પેમેન્ટ કરે છે. આ એક રહી ગઈ.”

સેલ્સમેન બીજા સેલ્સમેનને કઈંક કહેવા ગયો. મેઈન શેઠ આવે ત્યાં 'માજી'એ સેલ્સગર્લને એની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહેતી જોઈ. “ઓહ. સોરી મારા હસબન્ડ પાસે જ છે. કાર્ડ લેવા ગયા છે.” કહી બીજા સેલ્સમેનને બુટ્ટી બતાવી કહે, “આની જોડ, પેલા મેડમ વાળાં કાઉન્ટર પરથી લીધેલી."

સેલ્સમેન એ તરફ ગયો. માજી કહે “ જોઉં, પેક થતાં કે પેમેન્ટ કરતાં પર્સમાં જ પડી હોય તો.” માજી પર્સ ફંફોસવા માંડયાં. બાળક સાથે એને તકલીફ તો પડતી હતી. એટલી વારમાં મેડમ પાસે કોઈ ગ્રાહક આવ્યો. તે એને એટેન્ડ કરવા રહી. માજીએ કહ્યું કે પેકમાં બીજી બુટ્ટી નથી.

“જુઓ. અહીં જ ક્યાંક કાઉન્ટર પર હશે. એક બુટ્ટીનું તમારો શો રૂમ પણ શું કરશે? લાવો હું લઈ લઉં. બિલ તો જોડીનું જ ચૂક્વ્યું હોય ને!” કહી એક બુટ્ટીવાળી નાની બોક્સ બતાવી. આમથી તેમ જોતાં એક નાની બુટ્ટી એ કાઉન્ટર નજીક કાચ પર પડેલી બતાવી.


સેલ્સમેને સાઈડમાં મુકેલી એ એક બુટ્ટી કેશ કાઉન્ટર લઇ જવા મંડી. માજીએ 'વ્હાલપૂર્વક' એની ઉભરેલી પોચી છાતી સર્લ્સમેનને સહેજ અડાડી. ધીમેથી કહે, “તમારે ગ્રાહકો મૂકી એટલે દુર શા માટે જવું? પેમેન્ટ તો થઇ ગયું છે. એટલે તો એક બુટ્ટી મારી પાસેની બોક્સમાંથી નીકળી. આ જ બીજી છે. લાવો હું જ આપી આવું.” સહેજ આજુબાજુ જોઈ કેશકાઉન્ટરની દિશામાં જતાંજતાંબહાર જવા લાગ્યાં. સેલ્સમેન તેમની પાછળ 'કાઉન્ટર ધીસ સાઈડ, મેડમ'કહેતો દોડ્યો. પાછળ ચોકીદાર. માજી ફટાફટ છોકરું રોતું છાનું રાખવા કેડમાં ઝુલાવતાં નીકળી ગયાં. બહાર દોડી ત્યાં ડોરનું હેન્ડલ ખેંચી ઝડપથી રોંગ સાઈડમાં કાર દોડાવી. આબાયા ઉતારવા પણ ના રહ્યાં. જાન બચી તો લાખો પાયે.

**

કલાકેક રહી દુકાન વધાવવાનો સમય થતાં પહેલા ગંભીર દુકાનદારે કાવાની પ્યાલી પાસે ખુલ્લી નાની બોક્સ જોઈ. ચેઇન વિનાની ખુલ્લી રહી ગયેલી. એણે સેલ્સમેનને પૂછ્યું, સીસી ટીવીમાં એક નાનો છોકરો કઈંક નીચે ફેકતો જોયો, એની માએ વસ્તુ ઉપર મૂકી. એ કાવાનો પેપર કપ હતો, ચેઇન એ પેપર કપમાં ઉઠાવાયેલી હશે. ચેઇન ગઈ. એણે રાડારાડ કરી મૂકી. માણસે એને કાવાની પ્યાલી ધરી. એણે એ માણસના મોં પર ફેંકયો. "ક્યા ખયાલ રખતે હો *** ?" કહી બૂમ પાડી.

ગ્રાહક રાજાને આગતાસ્વાગતા માટે ધરેલો કાવો 200 રિયાલ એટલે 34000 રૂ. નો પડ્યો! 'ગ્રાહક રાજા'ની કૃપા.


એનાથી ચોથી દુકાનમાં સ્ટોક મળતો ન હતો. વેઈટર કમ ચોકીદાર કહે એણે પેલી છોકરાં વાળી બાઈને ભાગતી અટકાવેલી, એણે રોતાં બાળકને લઇ બિલ હાથમાં રાખી, બુટ્ટી બતાવી ચાલતી પકડેલી. કદાચ જૂનું બિલ કોઈ સાથે બ્લેકમાં ધંધો કરવા માલિકે જ બનાવીને ફેંકી દીધેલું. એ કદાચ એ બાઈએ ઉપાડી બતાવેલું. બાળક ધમધમ મારતું હતું એ શોકેસની કલીપ અંદર તરફ જ હતી પણ સહેજ ત્રાસી, બહારથી ખોલી બંધ કરી હોય એવી. દુકાનદારે એલાર્મ બજાવી, વેઈટર કમ ચોકીદારને આસપાસ પાર્કિંગ તરફ દોડાવ્યો. પોલીસને તો કહેવાય નહીં, દરોડો પડે તો ઉલટો મરો થાય. ઘણું દુબઇ અને આસપાસથી વગર બીલે દાણચોરીથી લાવેલા.

ચોકીદાર અને અન્ય કર્મચારી આસપાસ જોઈ વીલા મોંએ પાછા આવ્યા. ના મળે વીંટી કે ના મળે બોક્સ કે પેમેન્ટના સગડ.


ત્રીજી દુકાનમાં વાતોડીયો સોની એના વાણોતરને કહે પેલા કાકા અને વહુ દીકરો આવ્યાં નહીં. ચેન, સેટ જોતાં હતાં ત્યારે તો એણે કઇં અજુગતું જોયું નહીં. “અરે, એક બોક્સ બીલિંગ કાઉન્ટર પાસે પડી છે. એમ ને એમ.” એણે દુકાનના નામની કોથળી લીધી. પેક કરતાં ખોલ્યું.. અંદર નજીકની શુકમાં રસ્તા પર વેંચાતો સસ્તો 2 રિયાલનો મેટલનો સેટ હતો. એનો 700 રિયાલનો સેટ ગાયબ! સવા લાખના અહીં તો બાર હજાર શું, બાર રૂ. પણ ના રહયા.

'લાખ રૂપિયાની વાત' સત્સંગમાં સાંભળેલી પણ પોતાની જ વાતો પોતાને સવાલાખમાં પડશે એમ ધાર્યું ન હતું. એણે ઓળખીતા પોલીસને ફોન ઉઠાવી 'સલામ આલેકુમ' કહી વાતો વિસ્તારથી શરૂ કરી. પોલીસ ને ખબર તો પાડવી જોઈએ ને કેવી રીતે શુ થયું? પોલીસનું લાંબી વાતમાં ધ્યાન રહ્યું નહીં હોય. એણે ફોન મૂકી દીધો. ફરિયાદ કદાચ લીધી.


હવે સર્કલ સામે પેલી મોટી શોપમાં સેલ્સ ગર્લ, ઝુકતો ટાઈવાળો, મેઈન શેઠ આમથી તેમ દોડતાં હતાં. ડાયમંડની ચીજ ગુમ હતી! મેઈન શેઠે પોલીસને ફોન કરવા ઉઠાવ્યો. પાછલી શેરીમાં પાર્કિંગ પાસેથી કોઈએ લાઈન કાપી નાખેલી. એણૅે સીસી ટીવી ફૂટેજ જોયા. એક નાનું બાળક વાયર મોંમાં નાખી ઝુલાવતું હતું, એક બાઈ એને તેડી ઉભેલી, બીજી વાયર છોડાવતી હોય એમ લાગ્યું. બાકી ખબર પડી નહીં.

મેઈન શેઠને એટેક આવે એમ ધબકારા વધી ગયા. એ પાર્કિંગ તરફ પોતાની કારમાં પીછો કરવા દોડ્યો. આડી બીજી કાર પેરેલલ પાર્કિંગને નામે રસ્તો રોકી ઉભેલી. એ ઘાંઘો થઈ હોર્ન પર હોર્ન વગાડવા માંડ્યો. પેલી કાર આવતાં જ 5 મિનિટ થઈ ગઈ. જબ ચીડિયાં ખેત ચુગલ જાવે ફિર પછતાવે ક્યાં હોવત હૈ ?

**

'યુવતી'એ બાળકની પીઠ થાબડી.. “વાહ મેરે હુશીયાર.. જ્યાં કઈંક બતાવીએ ત્યાં હાથ નાખવાની, હાથમાં વસ્તુ મૂકી મુઠી દબાવીએ એટલે એ ચીજને અમારા હાથમાં મૂકી મુઠીને બટકા ભરવાની, ચીટીયો ભરીએ એટલે જોરથી રોવાની, કેડથી ઝુલાવીએ એટલે મુઠી વાળી હાથ ભીડી દેવાની તાલીમ કામ આવી. તું બધે મૂંગો પણ રહ્યો. તું મોટો ડોનનો પણ ડોન બનશે.“

'માજી' કહે "એને મારી પાસે રહી ગયેલી બુટ્ટી જ કાઉન્ટર પર મૂકી એની જોડ કઢાવી ભાગવું પડ્યું. અચ્છા હુઆ બાલબાલ બચે."


કાર પુરપાટ ભાગતી ગોલ્ડશુક અને માર્કેટ એરિયા છોડી આગળ નીકળી ગઈ. એક ક્રોસિંગ પાસે કાર ઉભી, એક સ્ત્રી કે એના વેશમાં કોઈ પુરુષ આવ્યો. એણે બાળક તેડી, રિયાલની થોકડી પકડી બાળકની પીઠ થપથપાવતાં ચાલતી પકડી. રાત્રીનાં અંધારાં ચીરતી કાર શહેરને વીંધતા રાજમાર્ગ પર 140 ઉપરની સ્પીડે, ટ્રાફિક માટેનાં રડારની નજર ચુકાવતી ઊડતી દૂર જઇ ચુકી હતી.

જ્વેલરીના વેપારીઓ સાથે 'વહેવાર' થઈ ચુકેલો.

ડુંગરાઓની હાર આવી. ત્યાં એ કાર હાઇવે નજીક છોડી બીજી ત્યાં તેમને માટે ઉભેલી લેન્ડરોવરમાં ચારેય 'કુટુંબીઓ' ચડી ગયા.

દૂર ક્યાંક બહાર પોલીસની કાર સાયરન વગાડતી દોડતી હતી. આ વિશાળ કારમાં અંદર 'ગ્રાહક રાજાઓ' રાજાપાઠમાં આવી ગયેલા.

-સુનીલ અંજારીયા