[અસ્વીકરણ]
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
**************
આપણાં સમાજમાં આજે પણ દિકરાની ભૂલને બહુ જ સામાન્ય માનીને અવગણી દેવામાં આવે છે અને તેને સૌની સામે ઢાંકી દેવામાં આવે છે. સમયની સાથે આ ભૂલમાં હકારાત્મક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક આ ઘટના આજે પણ નજરે ચડી આવે છે.
મધ્યમ વર્ગનાં પરિવારમાં જન્મેલી, માતા પિતાની આજ્ઞાનું પ્રામાણિક રીતે પાલન કરતી, સુંદર અને સુશીલ, નિખાલસ સ્વભાવ ધરાવતી " શ્રેયા " આજે ઓગણીસ વર્ષ પૂરાં કરીને વીસમાં વર્ષમાં પ્રવેશી છે.
સતરંગી સપનાંઓ સાથે શ્રેયા પણ આ મળેલાં સુંદર જીવન અને સમય ને ખૂબ સમજણ સાથે જીવી રહી છે શાળા નાં ભણતરને પૂરું કરીને સાયન્સ પ્રવાહ માં Bsc.( Micro) વિષય માં અભ્યાસ શરૂ કર્યો. આ ઉંમર જ કંઈક એવી છે જેમાં આકર્ષણ અને કોઈ માટે મોહ જન્મે પણ શ્રેયાની વાત જ કાંઈક અલગ હતી.
તેના જીવનમાં આ બધાં વિષયો નું સ્થાન મૂલ્યવાન હતું પણ અત્યારે તો માત્ર ભણતર અને કારકિર્દી બસ આ હેતુ સાથે જ તે જીવન માણી રહી હતી.
ખૂબ સરસ અને સારાં પરિણામ સાથે શ્રેયા એ તેની કોલેજ પૂરી કરી ત્યારબાદ એક હોસ્પિટલ માં લેબ આસીસ્ટન્ટ તરીકે ની ફરજ બજાવી રહી હતી. માતા પિતાને હંમેશા એક ચિંતા સતાવતી હોય છે કે પોતાની દીકરી માટે એક યોગ્ય છોકરો શોધી તેનાં વિવાહ કરાવવાં. કંઈક આવી જ ચિંતા કિશોર ભાઈ અને રેવતીબેનને પોતાની આજ્ઞાંકિત દીકરી શ્રેયા માટે હતી.
બંને એ વાતો વાતોમાં એક દિવસ શ્રેયા પાસે થી પોતાનાં લગ્ન વિશે ચર્ચા કરી અને કહ્યું કે " બેટા, શ્રેયા તને કોઈ યુવક પસંદ હોય તો જણાવ જે કારણકે આ જીવન નું એક મહત્વ નું પગલું છે જેમાં અમે કોઈ પણ રીતે તારાં સાથે કે તારી લાગણી સાથે વિરોધ કરવા નથી માંગતા. " આટલું સાંભળતા જ શ્રેયા એ બંને નાં હાથ પોતાનાં હાથમાં લઈ ને કહ્યું, " તમે મને મોટી કરી મારી આટલી સુંદર માવજાત કરી મારા જીવન જે યુવકો છે એ મારાં સારા મિત્રો તરીકે છે, તમે બંને જે યુવક વિષય માં વાત કરો છો એ યુવક મારાં જીવન માં નથી અને મને હંમેશા તમારાં પર વિશ્વાસ અને શ્રધ્ધા છે કારણકે તમે મારાં ભગવાન છો મારું સારું ખરાબ તમે મારાથી સવિશેષ રીતે જાણો છો એટલે જીવનનાં આ મહત્વનાં નિર્ણયમાં પણ તમારે મારો સાથ આપવાનો જ છે.
શ્રેયાનાં આ સુંદર સંસ્કાર નું સિંચન જોઈને બંનેની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં અને કહ્યું કે અમે જે રીતે તને સમજીએ છીએ એવી જ રીતે તને કોઈ સમજે એવાં યુવક ની શોધખોળ શરૂ કરી દઈએ. શ્રેયા આ સાંભળીને શરમાય ગઈ અને પોતાનું માથું પિતાનાં ખોળામાં રાખી દીધું.
બે - ચાર છોકરાનાં બાયો ડેટા જોઈ ને એક યુવક ની પસંદગી કરી અને એકબીજાં નો પરિચય થઈ શકે અને વાત આગળ વધી શકે એટલે મુલાકાત ગોઠવી.
શ્રેયા નાં પરિવાર ની જેમ જ મધ્યમ વર્ગમાં ઉછેરેલો, દેખાવડો અને CA તરીકે પ્રાઇવેટ નોકરી કરતો , માતા પિતાનો એક નો એક સંતાન " રવિ " તેના પિતા રમણ ભાઈ અને માતા વીણા બેન સાથે શ્રેયા નાં ઘરે સગપણની વાત આગળ વધારવા આવે છે.
આજે મુલાકાત કરવાની છે એટલે સૌ પૂર્વ તૈયારી માં જ હતાં. ત્યાં જ બારણે કોઈ આવ્યું હોય તેવો અવાજ આવ્યો,
અરે આવો આવો જય શ્રી ક્રિષ્ના, ખૂબ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું રવિનાં પરિવારનું, સૌ સાથે બેસીને ચા નાસ્તો કર્યો પછી કિશોરભાઈ કહે બેટા, તમારે બંને ને કોઈ વાત ચીત કરવી હોય તો તમે કરી શકો છો હો એમ હસતાં હસતાં કહ્યું. બેટા, રવિ ને આપણો બગીચો બતાવ અને એ સાથે તમારે વાત ચીત પણ થઈ જશે એમ કહીને રેવતી બેન એ શ્રેયા ને રવિ સાથે બગીચામાં જવા કહ્યું.
શ્રેયા અને રવિ બંને બગીચામાં ફરતાં ફરતાં સુંદર ઘાસ માં નીચે સાથે બેઠા. બંને એ એકબીજાંનાં અભ્યાસ વિશે, પરિવાર અને પોતપોતાના સ્વભાવ વિશે ચર્ચા કરી અને થોડીવાર બાદ બંને રૂમ તરફ જવા નીકળ્યા.
જવાબ ટૂંક સમયમાં આપીશું એવું કહી રવિ અને રવિનાં પરિવારને વિદાય આપી. બપોરે ત્રણેય જણાં જમતા જમતા રવિ વિશે ચર્ચા કરતાં હતાં.
બેટા, રવિ સાથે વાત ચીત થઈ તને કેવું લાગ્યું તારાં માટે એ યોગ્ય છે..?, તને તે ગમ્યો..?, આવા ઘણા સવાલ જવાબ સાથે શ્રેયા એ રવિ સાથે સગપણની હા પાડી.
બ્રાહ્મણે મુહૂર્ત જોયાં અને કહ્યું કે આજે નવરાત્રિ નો પહેલો દિવસ છે આવતાં મહિને દિવાળી પછી લાભપાંચમ એ શુભ મુહૂર્ત છે તો ત્યારે સગાઈ રાખીએ.
સૌને આ શુભ મુહૂર્ત ગમ્યું અને ગણતરી નાં દિવાસો બાકી હોવાથી તૈયારીઓ શરૂ થઇ ગઈ. શ્રેયા અને રવિ રોજે ફોન પર વાત ચીત કરતાં. એકદિવસ વાતો વાતો માં થોડી અંગત વિષય પર ચર્ચા થઇ અને વાતની મધ્યમાં શ્રેયા કહે, રવિ મને શરમ આવે છે આ વિષય પર વાત કરતાં. રવિ એ તેને વિચારો અને સમજણ સાથે સમજાવી શ્રેયા એ ખાસ પ્રતિસાદ ના આપ્યો. પછી તો રોજ અંગત વિષય પર વાત સાથે રવિ ની અપેક્ષાઓ અને માંગ વધવા લાગી શ્રેયા ને તેનું આ વર્તન યોગ્ય નહોતું લાગતું પણ તે પોતે પણ મૂંઝાય રહી હતી.
દશેરા નિમિત્તે રવિ અને તેનો પરિવાર રિવાજ મુજબ દશેરા)લઈને શ્રેયા નાં ઘરે આવે છે, સૌ લોકો બપોરે સાથે જમીને આરામ કરે છે ત્યારે શ્રેયા અને રવિ રૂમમાં બેઠાં બેઠાં વાતો કરે છે, ચારેય તરફ જોઈને રવિ એ શ્રેયાને પોતાનાં તરફ ખેંચી અને આલિંગનમાં લીધી, શ્રેયા થોડી ગભરાય ગઈ પણ તે સ્વાસ્થ્ય પણ થઈ અને આલિંગનને માણી રહી હતી. શ્રેયા નું યૌવન જોઈ રવિ પોતાનાં પર કાબૂ ના કરી શક્યો અને તેણે શ્રેયાનાં હોઠ ચૂમવા લાગ્યો. શ્રેયા માટે આ થતી હર એક અંગત ક્ષણ એક નવો અનુભવ હતો પણ સાથે સાથે એ પોતાની જાતને સ્વાસ્થ્ય રાખી રહી હતી.
રવિ એ દરવાજો બંધ હોવાનો અને સૌ કોઈ સૂતા છે એ વાત નો ફાયદો જોતાં શ્રેયા સાથે લગ્ન પહેલા જ શારીરિક રીતે એક થવાં દબાવ કર્યો અને તેની પરવાનગી વગર તેની સાથે આવેગ માં આવી બળજબરી કરવા લાગ્યો, શ્રેયા એ ખૂબ પ્રામાણિક પ્રયત્નો કર્યા પણ રવિ આવેગમાં ને આવેગમાં શ્રેયા ને સમજવા ને બદલે તેની સાથે જબરજસ્તી કરવાં લાગ્યો.
શ્રેયા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા જતા શ્રેયા એ તરત ચીસ પાડીને તેનાં માતા પિતા ને અવાજ કર્યો અને સૌ ગભરાય ને રૂમ તરફ દોડી આવ્યાં.
શ્રેયા એ બધી વાત સૌની હાજરી માં કરી સંકોચ વગર, પૂરી વાત સાંભળતા ની સાથે રમણ ભાઈ એ રવિને સૌની હાજરી માં તમાચો ઝીંકી દીધો અને માફી પણ માગી.
શ્રેયા આ બળજબરી ના આઘાતને સહન ના કરી શકીએ અને માનસિક રીતે થોડી ડિસ્ટર્બ થઈ ગઈ. થોડાં દિવસો વીતી ગયાં, માતા પિતાની સાથે જમતા જમતા ખૂબ આત્મવિશ્વાસ સાથે તેણે ફરી જે ઘટના બની તેનાં વિશે ચર્ચા કરી અને કહ્યું " જે વ્યક્તિ મારી લાગણી, પ્રેમ અને ઈચ્છાને આવાં અંગત વિષય માં સમજવાને બદલે ભાન ભૂલીને પોતાનું ધાર્યું કરે છે તે મને બીજાં વિષયો માં શું સમજી શકશે..?, સારું થયું હજી સગાઈ નથી થઈ માણસની પરખ વહેલાં જ થઈ ગઈ નહીંતર આજીવન મારે બધી વાત માં તેની બળજબરીનો શિકાર..... આટલું બોલતાં તે રડી પડી.
રવિ અને તેનાં પરિવાર એ લાખ કોશિશ કરી, માફી માગી પણ શ્રેયા અને તેનાં પરિવારે એ આ સગાઈ કરવાની ના પાડી અને શ્રેયા ને અને તેનાં સુંદર ભવિષ્યને બરબાદ થતાં પહેલાં જ બચાવી લીધી.
સમાપ્ત.
આપનો પ્રતિભાવ આપ મને ( Star Rate & comment) દ્વારા આપી શકો છો આપનો પ્રતિભાવ મને લેખન કાર્ય પ્રત્યે પ્રોત્સાહન આપશે.
આપના પ્રતિભાવ ની રાહ રહેશે.
- જયદીપ એન. સાદીયા ( સ્પર્શ )