VEDH BHARAM - 33 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 33

Featured Books
Categories
Share

વેધ ભરમ - 33

રિષભે બધા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા પછી છેલ્લે સુરતનો ખ્યાતનામ પત્રકાર જૈનમ ઉપાધ્યાય ઊભો થયો અને બોલ્યો “સર, શું એ સાચુ છે કે દર્શનની પત્નીના દર્શનના મિત્ર કબીર સાથે કોઇ સંબંધ છે? અને તે બંને દર્શનનું ખૂન થયુ ત્યારે સાથે હતા?”

આ સાંભળી બધા જ પત્રકારો ચોંકી ગયા કેમકે આ માહિતી એકદમ નવી હતી. રિષભ પણ આ વાત સાંભળી થોડો અચકાયો પણ પછી તરતજ તે બોલ્યો “હા એ વાત સાચી છે કે દર્શનનુ ખૂન થયુ તે દિવસે કબીર દર્શનની પત્નીને મળ્યો હતો. અને અમને એ પણ માહિતી મળી છે કે તે બંને એકબીજા સાથે સંબંધમાં હતા. આ ઉપરાંત જે રાત્રે દર્શનનું ખૂન થયુ તે રાત્રે ફાર્મ હાઉસ પર ગયેલા માણસોની માહિતી પણ અમારી પાસે છે પણ હજુ તેના પર અમે કામ કરી રહ્યા છીએ એટલે હું તમને તેના વિશે કશુ કહી શકુ એમ નથી. પણ એટલુ જરુર કહીશ કે હવે અમે આ કેસ સોલ્વ કરવાની એકદમ નજીક પહોંચી ગયા છીએ. અમે અમારી પૂરી તાકાત લગાવી દઇશુ પણ આ કેસ સોલ્વ કરીને જ રહીશું.” ત્યારબાદ કોઇ પત્રકાર કઇ પૂછે એ પહેલા જ કમિશ્નર સક્શેનાએ માઇક હાથમાં લઇને મિટીંગની પૂર્ણાહુતિ કરતા કહ્યું “તમે બધા અહી આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. જો કંઇ માહિતી મળશે તો અમે તમને જાણ કરીશુ. આભાર.” એમ કહીને કમિશ્નર ઊભા થયા એટલે રિષભ પણ ઊભો થયો અને કમિશ્નર સાથે ચાલવા લાગ્યો. બ્રેકીંગ ન્યુઝ પર આ સમાચાર બધી જ ન્યુઝ ચેનલ પર લાઇવ બતાવવામાં આવ્યા હતા. બધાને જ રિષભની વાત અને કામ કરવાની ઝડપથી સંતોષ થયો હતો. રિષભ રાતો રાત હિરો બની ગયો હતો. મિટીંગ પૂરી કરી રિષભ કમિશ્નર સાથે તેની ઓફિસમાં ગયો એટલે કમિશ્નરે કહ્યું “વેલડન બોય તે સારી રીતે હેન્ડલ કર્યુ. મને તારામાં મારુ પ્રતિબિંબ દેખાય છે. પણ એકવાત યાદ રાખજે કોઇ પણ કેસમાં સેન્ટીમેન્ટલ નહી થવાનું. હમણા સુધી તો કોઇ પ્રોબ્લેમ નથી પણ કાલે ઊઠીને કોઇ પ્રોબ્લેમ આવે તો આ કેસ છોડવો પણ પડે. જો કે આ કેસ તે બચાવી લીધો છે બાકી મને તો લાગતુ હતુ કે આ કેસ પણ આપણા હાથમાંથી સી.બી.આઇ લઇ જશે.”

“થેંક્યુ સર પણ આ કેસ તો આપણે સોલ્વ કરીશું જ કેમકે આ આપણી ઇજ્જતનો સવાલ છે હવે.” રિષભે મક્કમતાથી કહ્યું.

આ સાંભળી કમિશ્નર હસી પડ્યા અને બોલ્યા “ઓકે બોય આઇ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારામાં મારી જવાની દેખાય છે. એક સમય હતો જ્યારે હું પણ તારી જેમ જ ઝનૂનથી કામ કરતો હતો પણ પછી આ સિસ્ટમ સાથે લડતા લડતા હું પણ તેનો ભાગ બની ગયો પણ ડોન્ટ વરી તને મારો પુરો સપોર્ટ છે. ગો અહેડ.” આ સાંભળી રિષભે ઊભા થતા કહ્યું “સર તમારા સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. જેમ બને તેમ જલદી હું તમને સારા ન્યુઝ આપીશ.” ત્યારબાદ રિષભ ત્યાંથી નીકળી ગયો.

રિષભ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેની ટીમ રાહ જોઇ રહી હતી. રિષભ ઓફિસમાં જઇ બેઠો એ સાથે જ બધા દાખલ થયા. હેમલે જ વાતની શરુઆત કરતા કહ્યું “સર, તમે ખરેખર જોરદાર કામ કર્યુ છે. આ પ્રેસ કોન્ફરન્સ એ આપણા માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થવાની છે.” આ સાંભળી રિષભે કહ્યું “થેન્કયુ પણ આ કોન્ફરન્સ પછી હવે આપણી જવાબદારી વધી જાય છે. આપણે ગમે તેમ કરીને ખૂબ ઝડપથી આ કેસ સોલ્વ કરવો પડશે.”

“સર, અમે તમે કહેશો તે રીતે કામ કરવા તૈયાર જ છીએ. તમે ખાલી હુકમ કરો અમે અમારુ પુરુ જોર લગાવી દઇશું.” અભયે કહ્યું.

“ઓકે તો પહેલા એ કહો કે શું માહિતી લાવ્યા છો?” રિષભે કેસ પર આવતા કહ્યું.

“સર, કૉલેજમાંથી તો અમે તમને કહ્યું હતુ એમ એટલી માહિતી મળી છે કે છોકરીનું નામ કાવ્યા પાઠક હતુ અને તે જુનાગઢની હતી. તેનુ એડ્રેસ પણ મળ્યુ છે. બાકી કોઇ વધારાની માહિતી કૉલેજમાંથી મળી નથી.” અભયે ખુલાસો કરતા કહ્યું.

“હા એ તો તમે મને કહેલુ પણ તેના કોઇ ફ્રેન્ડ્સ કે રિલેટીવ વિશે કંઇ જાણવા મળ્યુ છે?” રિષભે પૂછ્યું.

“હા તેના ક્લાસમાં જે છોકરીઓ હતી તેના વિશે તપાસ ચાલુ કરી છે. છોકરીઓમાં ઘણી બધી ગુજરાત બહારની હતી. માત્ર ત્રણ છોકરીઓ જ ગુજરાતની હતી. તેમાંથી બે છોકરીઓ સુરતની હતી. તેના ઘરે જઇ અમે તપાસ કરી તો ખબર પડી કે આ બંને છોકરીઓ અત્યારે અમેરીકા છે. હવે જે ત્રીજી છોકરી બાકી રહી તેનુ એડ્રેસ બરોડાનુ છે.” હેમલે માહિતી આપતા કહ્યું.

“કાવ્યાના ફેમિલી મેમ્બર વિશે કોઇ માહિતી કોલેજમાંથી નથી મળી?” રિષભે પુછ્યું.

“ના માત્ર તેના પપ્પાનું અને મમ્મીનું નામ મળ્યુ છે બાકી બીજી કોઇ માહિતી મળી નથી.” હેમલે કહ્યું.

આ સાંભળી રિષભે વસાવા સામે જોઇ કહ્યું “હા તો બોલો વસાવા સાહેબ તમારી પાસે શું માહિતી છે.”

“સર પેલો ગ્લાસ મે ફોરેન્સીક લેબમાં પહોંચાડી દીધો છે તે કાલે રિપોર્ટ આપશે.” વસાવાએ કહ્યું.

“ઓકે, તો હવે આપણે કામ વહેંચી લેવુ પડશે. કાલે હું જુનાગઢ જઇશ. હેમલ તુ અને અભય બંને બરોડા કાવ્યાની ફ્રેન્ડ વિશે તપાસ કરવા જશો.” આટલુ બોલી પછી વસાવા સાહેબ સામે જોઇ રિષભે કહ્યું “ અને વસાવા સાહેબ તમે અહી સ્ટેશન સંભાળશો કેમકે શિવાની અને કબીર બંનેના વકીલ કાલે આવશે. તે લોકોને સોમવારે કોર્ટમાં હાજર કરવાના છે એટલે તેના રિમાન્ડ લેવાની તૈયારી કરશો.” ત્યારબાદ બધા સામે જોઇ બોલ્યો “ઓકે, કોઇને કાંઇ પ્રશ્ન છે?”

આ સાંભળી બધાએ એકસાથે કહ્યું “ના સર, કોઇ પ્રોબ્લેમ નથી.” ત્યારબાદ રિષભ ત્યાંથી નીકળી ક્વાર્ટર પર ગયો અને જીપમાંથી ઉતરતા તેણે ડ્રાઇવરને જમવા માટે પાર્સલ લઇ આવવાનુ કહ્યું અને ક્વાર્ટર પર જઇ ફ્રેસ થયો. થોડીવાર બાદ પાર્સલ આવી જતા તે જમ્યો અને પછી ડ્રાઇવરને સવારે છ વાગે આવી જવાનુ કહી જવા દીધુ. ડ્રાઇવર ગયો એટલે રિષભ બેડમાં લાંબો થયો અને વિચાર કરવા લાગ્યો. કાલે તે જુનાગઢ જવાનો હતો આ એ જ જુનાગઢ હતુ જ્યાં તેનુ બાળપણ વિત્યુ હતુ. આ જુનાગઢના રસ્તા પર મિત્રો સાથે સાઇકલની રેસ લગાવી હતી. દશ દશ રુપીયા કાઢી નાસ્તો કર્યો હતો, ક્રિકેટ રમ્યા હતા. પિક્ચર જોયા હતા. આ એ જ જુનાગઢ હતુ જેની ઘણી બધી મીઠી મધુરી યાદો અત્યારે પણ યાદ હતી. આ એ જ જુનાગઢ હતુ જ્યાં તેણે બાળપણથી યુવાની સુધીનો સમય વિતાવ્યો હતો. તે જ જુનાગઢમાં કાલે તે એસ. પી ત્રિવેદી સાહેબ તરીકે જવાનો હતો. અત્યારે પણ જુનાગઢની શાળા અને કોલેજ તેની આંખો સામે તાદૃશ્ય થઇ ગઇ હતી. આ એ જ જગ્યાઓ હતી જ્યાં તેણે જિંદગીના અમૂલ્ય પાઠ ભણ્યા હતા. છેલ્લે તેની મમ્મીને મળવા તે જુનાગઢ ગયો હતો. જાણે મમ્મીની સાથે જ જુનાગઢ સાથેનો તેનો સંબંધ પણ જતો રહ્યો હોય તેમ પાંચ વર્ષથી તે જુનાગઢ ગયો નહોતો. જુનાગઢ નામ સાંભળતા જ એક ભાવ વિશ્વ ઊભુ થઇ જતુ હતુ. જુનાગઢ એક એવુ શહેર જેમાં નથી કોઇ મોટી કંપનીઓ આવેલ કે નથી કોઇ મોટુ હિલ સ્ટેશન છતા આ જુનાગઢ રિષભ માટે તો એક સપનાના નગર સમાન હતુ. આમ તો જુનાગઢને ત્યાના લોકલ માણસો બાવાનુ ગામ કહે પણ આ બાવાનુ ગામ રિષભ માટે તો દુનિયાના બધા શહેર કરતા શ્રેષ્ઠ હતુ. આ જ જુનાગઢ જ્યારે આ કેસ સાથે જોડાયુ ત્યારે રિષભે નક્કી કરી લીધુ કે જુનાગઢ તો તપાસ માટે હું જ જઇશ. તપાસ તો એક બહાનુ હતુ જુનાગઢ જવાનું. રિષભનુ મન તો ઘણા સમયથી જુનાગઢ જવાનુ હતુ પણ હવે ત્યાં જવાનુ કોઇ કારણ રહ્યુ ન હોતુ. જોકે અત્યારે જ્યારે હવે જુનાગઢ જવાનુ નક્કી થયુ છે તો તેની સામે ઘણા એવા ચહેરા આવી ગયા છે કે જે જુનાગઢમાં તેને મળવા માટે આતુર છે. તેના મિત્રોમાં ઘણા હજુ જુનાગઢમાં હતા. આમ છતા રિષભ માટે અત્યારે આ કેસ પ્રાયોરીટીમાં હતો એટલે તેને જેમ બને તેમ જલદી પાછુ આવી જવાનુ હતુ. રિષભને અચાનક કઇક યાદ આવતા તેણે મોબાઇલ હાથમાં લીધો અને ગૌતમને ફોન લગાવ્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે રિષભે વાતની શરુઆત કરતા કહ્યું “હાલો, ગૌતમ શું ચાલે છે?”

“બસ મજા છે અને તારો ફોન આવ્યો એટલે વધુ મોજ પડી ગઇ.” ગૌતમે તેના મજાકિયા અંદાજમાં કહ્યું.

“કાલે શું કરે છે?” રિષભે પુછ્યું.

“કાલે તો રવિવાર છે એટલે ફ્રી છું, બોલને શું કામ હતુ?” ગૌતમે કહ્યું.

“કામ તો કઇ નહોતુ પણ હું કાલે આવુ છું તો મળવુ હતુ?” રિષભે કહ્યું.

“અરે શું વાત કરે છે. તુ આવતો હોય તો તો કામ હોય તો પણ છોડી દવ.” ગૌતમે ઉત્સાહથી કહ્યું.

“જો સાંભળ મારે એક કેસની તપાસ માટે જુનાગઢ જવાનું છે. જો તુ ફ્રી હોય તો તને સાથે લેતો જાવ. એ બહાને સાથે રહેવાશે અને જુનાગઢમાં તુ સાથે હોય તો મજા જ કાંઇ અલગ હોય.” રિષભે એકદમ લાગણીથી કહ્યું.

“અરે, યાર આવી વાતમાં પુછવાનુ થોડુ હોય. આવુ જ ને યાર. જ્યારે પણ જુનાગઢ જાવ છું ત્યારે તને યાદ કરુ છું. એમા જો તારી સાથે જુનાગઢમાં રહેવાનું મળતુ હોય તો એ મોકો થોડો છોડુ.” ગૌતમે પણ સામેથી લાગણીનો પડઘો પાડતા કહ્યું.

“ઓકે, તો કાલે અહીથી 6 વાગ્યે નીકળીશ અને તને ત્યાંથી પીકઅપ કરી લઇશ.” રિષભે કહ્યું.

“ના, બપોરે મારા ઘરે જમીને નીકળીશું. તારી ભાભીને તારી સામે ઘણી ફરીયાદો છે ભાઇ તારે જવાબ આપવા પડશે.” ગૌતમે કહ્યું.

“અરે શેની ભાભી મારી તો જુનીયર છે. પણ હા ફરીયાદોના જવાબ તો આપવા પડશે. સાચુ કહુ તો યાર એ જ તો પ્રોબ્લેમ છે કે તેની ફરીયાદોના મારી પાસે કોઇ જવાબ નથી. ઓકે ચાલ કાલે બપોરે તારા ઘરે જમીશ.” રિષભે સંમતિ આપતા કહ્યું. ત્યારબાદ થોડી આડા અવળી વાતો કરી ફોન મુકી દીધો.

ફોન મુકી રિષભને ગૌતમની છેલ્લી વાત યાદ આવી. તારી ભાભીને ઘણી ફરીયાદો છે. ગૌતમની પત્ની મિતલ કોલેજમાં રિષભ અને ગૌતમની જુનીયર હતી. રિષભ અને ગૌતમ મિતલ કરતા એક વર્ષ આગળ હતા. આ યાદ આવતા જ રિષભની સામે બહાઉદ્દીન કોલેજની યાદો ઉમટી પડી. તે જુની યાદોમાં ખોવાવા લાગ્યો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM