Viteli Xanonu Punaragaman – Divyesh Trivedi in Gujarati Moral Stories by Smita Trivedi books and stories PDF | વીતેલી ક્ષણોનું પુનરાગમન – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

વીતેલી ક્ષણોનું પુનરાગમન – દિવ્યેશ ત્રિવેદી

રાતના લગભગ અઢી વાગવા આવ્યા હતા મંદાબહેનની આંખમાં ઊંઘ નહોતી. ક્યારનાં એ પાસાં ઘસતાં હતાં. એમના પતિ સુધીર દેસાઈનાં નસકોરાં બોલતાં હતાં. આજે પહેલી વાર એવું બન્યું હતું કે સુધીરભાઈ ઘસઘસાટ ઊંઘતા હોય અને મંદાબહેન હજુ જાગતાં હોય. બાકી વર્ષોથી એવો ક્રમ ગોઠવાઈ ગયો હતો કે જમ્યા પછી તરત જ મંદાબહેનને બગાસાં આવવા માંડે. એ સૂઈ જાય પછી કલાકેક રહીને સુધીર દેસાઈ બેડરૂમમાં પહોંચે. આજે રાત જ નહીં, દિવસ પણ અપવાદરૂપ હતો. બપોરે રૂપાએ વાત કરી ત્યારથી મંદાબહેન વિચારે ચડ્યાં હતાં.

એમના ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે લોકશાહીયુક્ત હતું. રૂપા એમની એકની એક દીકરી હતી. ઘરમાં પતિપત્ની, માતા-પિતા કે પુત્રી-માતાના નહીં, પરંતુ મૈત્રીના સંબંધો હતા. રૂપા અને મંદાબહેનને જોઈને કોઈ કહે પણ નહીં કે બન્ને માતા -પુત્રી હશે. દેસાઈ બહારગામ ગયા હોય ત્યારે બન્ને સાથે ફિલ્મ જોવા પણ જાય અને ભઠ્ઠા કે લો ગાર્ડન નાસ્તો કરવા પણ જાય. રૂપાની બહેનપણીઓ પણ કહે કે તારી મમ્મીને જોઈએ ત્યારે અમને તારી ઈર્ષા આવે છે.

રૂપા કોલેજથી આવે ત્યારે કોલેજમાં જે કંઈ બન્યું હોય એ બધું મંદાબહેનને સવિસ્તાર કહે. મંદાબહેન એ બધું ધ્યાન દઈને સાંભળે પણ ખરાં. વચ્ચે વચ્ચે પોતાના કોલેજ જીવનની વાત પણ કરે. પોતાની સખીઓ, મિત્રો, સહાધ્યાયીઓ, અધ્યાપકો વગેરે વિષે પણ વાત કરે. આટલી છૂટ હોય ત્યાં ઝાઝો છોછ પણ ન જ હોય. છેલ્લા બે વર્ષથી રૂપા અને હેમલ વચ્ચે લાગણીનો સંબંધ બંધાયો હતો. હેમલ એની સાથે જ ભણતો હતો. એ પણ સારા ઘરનો છોકરો હતો અને પ્રતિભાશાળી હતો. એની ઉંમર કરતાં એનામાં થોડી વધુ પરિપક્વતા હોય એવું દેખાઈ આવતું હતું. રૂપાએ મમ્મી સાથે એની મુલાકાત પણ કરાવી હતી. મંદાબહેનને પણ હેમલ ગમ્યો હતો.

મંદાબહેન રૂપાને વારંવાર હેમલ વિષે પૂછતાં નહીં. એ એવું માનતાં કે કોઈ પણ વ્યક્તિને કેટલુંક તો એવું અંગત હોવું જોઈએ અને એ જાણવાનો અધિકાર સ્થાપવાની કોઈ ચેષ્ટાઓ કરે તો પણ એ ચલાવી લેવી જોઈએ નહીં. તેમ છતાં મંદાબહેન એ જોઈ શક્યાં હતાં કે દિવસે દિવસે રૂપા અને હેમલ વધુ ને વધુ નજીક આવી રહ્યાં હતાં. રૂપા પર હેમલની ચોક્કસ અસર વરતાતી હતી. એના બોલવા ચાલવાની ઢબ બદલાઈ હતી. એની પહેરવા ઓઢવાની અને તૈયાર થવાની પદ્ધતિઓએ ખાસ વળાંક લીધો હતો. જાણે રૂપા સતત હેમલની હાજરીને જીવી રહી હોય એવું લાગતું હતું.

વચ્ચે એક દિવસ મંદાબહેને જ રૂપાને પૂછ્યું હતું, “રૂપા, તું પરણીને જઈશ પછી તો હું સાવ એકલી પડી જઈશ! તું ગ્રેજ્યુએટ થઈ ગઈ. હવે તો…”

“એવું ન બોલ, મમ્મી! હું તને એકલી નહીં પડવા દઉં…” રૂપા બન્ને હાથ મંદાબહેનના ગળામાં નાંખીને બોલી હતી.

“બેટા, એ તો બધું કહેવાય, થાય નહીં, વાસ્તવિકતા તો સ્વીકારવી જ જોઈએ ને! ખેર, હેમલ શું કહે છે? હવે લગ્ન ક્યારે…?”

રૂપા કંઈ બોલી નહીં. મંદાબહેનને એનું આવું મૌન કંઈ સમજાયું નહોતું. છતાં એમણે વાતને આગળ ન વધારી. રૂપાને પણ લાગ્યું કે એણે આમ એકાએક મૌન થઈ જવું જોઈએ નહીં. એટલે એણે કહ્યું, “મમ્મી હજુ અમારી વચ્ચે લગ્નની વાત જ નથી થઈ. શી ઉતાવળ છે, વિચારીશું પછી…”

મંદાબહેને એ જ વખતે કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા હતા, પરંતુ પછી જીભ ઉપાડવાનું માંડી વાળીને હોઠ પાછા ભીડી દીધા હતા.

આ બધું એમને અત્યારે પાસાં ઘસતાં ઘસતાં યાદ આવતું હતું. ભૂતકાળને યાદ નહીં કરવાનું વલણ કેળવ્યું હોવા છતાં આજે ભૂતકાળ ડંખી ડંખીને યાદ આવતો હતો. કોલેજના જ દિવસો…. ગૌરાંગ સાથેની મૈત્રી…. હા, મંદા અને ગૌરાંગનું નામ ભલે કૉલેજની ભીંતો પર લખાતું હતું, પરંતુ એ બન્ને તો એને મૈત્રી જ કહેતાં હતાં. મૈત્રી વિકસતી ગઈ. સખીઓ અને સહાધ્યાયીઓ પણ પૂછવા લાગ્યાં કે, “લગ્ન ક્યારે કરશો?” વારંવાર આવું પૂછ્યું ત્યારે એક વખત મંદાએ કહી દીધું હતું, “તમે લોકો કેમ આટલી બધી ચિંતા કરો છે? હજુ અમારી વચ્ચે જ લગ્નની વાત નથી થઈ ને!”

પાસાં ઘસતાં ઘસતાં એ બધું આજે યાદ આવી રહ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માએ લખ્યું છે, ‘ગયા સમય આતા ન લૌટ કર, મૈંને ઝૂઠા પાયા!’ એવું જ કંઈક આજે મંદાબહેનને લાગતું હતું. ભૂતકાળ જાણે રૂપા રૂપે પુનરાવર્તિત થઈ રહ્યો હતો.

બપોરે રૂપાએ આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું હતું, “મમ્મી, આજે સવારે હેમલ મળ્યો હતો. એણે કહ્યું કે…”

“શું? કેમ અટકી ગઈ?”

“એણે કહ્યું કે એણે આજે એક છોકરી જોવા જવાનું છે. એનાં મમ્મી-પપ્પાને પણ એ છોકરી ગમી છે…”

“તેં શું જવાબ આપ્યો?”

“કંઈ નહીં! મેં કહ્યું કે જોઈ આવ… તને ગમે તો…”

મંદાબહેન કંઈ બોલ્યા નહીં. ગૌરાંગે પણ આવું જ કહ્યું હતું અને એણે પણ આવો જ જવાબ મળ્યો હતો. એ પછી બન્ને છૂટાં પડી ગયાં. ગૌરાંગ છોકરી જોવા જાય જ કેમ? એનો અર્થ એ કે એને મંદા સાથે લગ્ન કરવાની ઉત્કટતા તો ઠીક, ઈચ્છા પણ નથી. નહિતર એ આવી વાત જ શા માટે કરે? એ પછી મમ્મી-પપ્પાએ જ્યારે સુધીર દેસાઈ માટે વાત ચલાવી ત્યારે મંદાબહેને તરત હા પાડી દીધી. એમને બહુ મોડી ખબર પડી હતી કે ગૌરાંગે હજુ લગ્ન નથી કર્યા. પરંતુ એ દિવસે મંદાબહેને છેલ્લી વખત આંસુ સારી લઈને કાયમને માટે ભૂતકાળને ઢબૂરી દીધો હતો.

એ રૂપાને સમજાવવા માંગતાં હતાં કે પ્રેમ એ તો પરસ્પરના સમજદારીભર્યા અધિકારનો સંબંધ છે. અણસમજમાં જ્યારે અહમ્ વચ્ચે આવી જાય ત્યારે અકારણ અનર્થ સર્જાઈ જતો હોય છે. છોકરી એમ ધારે કે લગ્નનો પ્રસ્તાવ એણે મૂકવો જોઈએ અને છોકરો એમ ઈચ્છે કે છોકરીએ સામેથી લગ્નની વાત કરવી જોઈએ. તો બન્ને નજીક આવવાની ક્ષણ ચૂકી જાય છે. પાછળથી ગૌરાંગે કહ્યું હતું કે મેં જ્યારે એમ કહ્યું કે હું છોકરી જોવા જવાનો છું ત્યારે મંદાએ કેમ એવું ન કહ્યું કે …

હેમલ એ રૂપાનો અંગત સવાલ હતો. પરંતુ મંદાબહેનને લાગતું હતું કે જો રૂપા આ જ કારણસર હેમલથી દૂર રહી જશે તો એમને ખુદને ગૌરાંગને ગુમાવ્યાનો અફસોસ તીવ્રતમ કક્ષાએ અનુભવ્યો હતો તેમ અનુભવશે. એ પથારીમાંથી બેઠાં થઈ ગયાં અને રૂપાની રૂમમાં પહોંચ્યાં. રૂપાના ઓશિકે બેસીને એના માથે હાથ ફેરવવા લાગ્યાં. રૂપા અચાનક જાગી ગઈ, “અરે મમ્મી! અત્યારે? શું થયું તને?”

“કંઈ નહીં! રૂપા, તું…રૂપા, એક વાર હેમલને મળીને તારે એને કહેવું જોઈએ કે લગ્ન તો …કંઈ નહીં તો તારે પ્રસ્તાવ મૂકવો જોઈએ. નાના સરખો અહમ્…”

“મમ્મી! તું કેમ આવો આગ્રહ કરે છે? લગ્ન કરવાની ઈચ્છા મારી એકલીની જ છે?”

“ના, એની પણ છે… એટલે જ તો એણે તને…”

“તું કેવી રીતે કહે છે કે એની પણ ઈચ્છા છે? તો પછી એણે મને આવું કેમ કહ્યું?”

મંદાબહેન જવાબ ન આપી શક્યાં. આંખમાંના ઝળઝળિયાં આંસુ બનીને નીચે ઊતરી આવ્યાં. મંદાબહેને એટલું જ કહ્યું, “રૂપલી, તને મારા સમ!” રૂપા ઘડીભર મંદાબહેનનો ચહેરો વાંચવાનો પ્રયત્ન કરી રહી. પછી જાણે કશુંક વંચાઈ ગયું હોય તેમ વળગી પડતાં બોલી, “ઓ.કે. મમ્મી!”

મંદાબહેને રૂપાને જોરથી ભીંસીને ચૂમી લીધી.