Personal Diary - Liberation Bond in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - મુક્તિ બંધન

Featured Books
  • बड़े दिल वाला - भाग - 5

    अभी तक आपने पढ़ा कि अनन्या वीर के पत्र को पढ़कर भावुक हो गई औ...

  • Age Doesn't Matter in Love - 24

    आन्या कमरे में थी ।   आन्या ने रेड कलर का लहंगा पहना हुआ था...

  • मझधार

      प्रेमी युगल अपने-अपने घरों में करवटें बदल रहे थे, नींद किस...

  • The Book of the Secrets of Enoch.... - 5

    अध्याय 22, XXII1 दसवें स्वर्ग पर, {जिसे अरावोथ (Aravoth) कहा...

  • रामेसर की दादी

    रामेसर अब गाँव का भोला-सा लड़का नहीं रहा। समय ने उसे माँजा,...

Categories
Share

અંગત ડાયરી - મુક્તિ બંધન

*અંગત ડાયરી*
============
*શીર્ષક : મુક્તિ-બંધન*
*લેખક : કમલેશ જોષી*
*ઓલ ઈઝ વેલ*
લખ્યા તારીખ : ૦૩, જાન્યુઆરી ૨૦૨૧, રવિવાર

તમે કહી શકશો? ફ્રીઝરમાં પડેલી આઈસ ટ્રે ના ચોરસ ખાનામાં જામીને બરફનો ટુકડો બની ગયેલા પાણીના ટીપાંઓ અને કોઈ ગિરિમાળામાં વહેતાં ઝરણાં કે ધોધ સ્વરૂપે પંદર પચ્ચીસ કે પચાસ મીટર ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પાણીના ટીપાંઓ માંથી કોનું કરિયર વધુ સારું કહેવાય? તમે પાણીનું ટીપું હો તો કયું કરિયર પસંદ કરો? એક તરફ ઊંચાઈ છોડવાની છે, છલાંગ લગાવવાની છે, કાળમીંઢ પથ્થર પર ટીંચાવાનું છે, જોખમ, જખમ અને બેશુમાર દોટ છે અને બીજી તરફ સાવ સ્થિર, શાંત, સલામત ચોકઠામાં હાલ્યા ચાલ્યા વિના શાંતિથી પડ્યા રહેવાનું છે.
મોટી કંપનીમાં નોકરી કરતા એક મિત્રે હમણાં પોતાની સહીસલામત નોકરી એટલા માટે છોડી દીધી કે હવે એ કામમાં કોઈ નવીનતા નહોતી, ચેલેન્જ નહોતી, બધું રૂટિન હતું, યંત્રવત્. એ એક્ટિવ મિત્રે એવું કામ કરવાનું વિચાર્યું કે જેમાં સમયાન્તરે કંઈક નાવીન્ય આવતું હોય, કશુંક જાણવા જેવું, શીખવા જેવું. ઘણા લોકો ભજીયા તળી-તળીને, કરિયાણું જોખી -જોખીને, ઇફની કન્ડીશન અને ફોરની લૂપ મૂકી મૂકીને, આલ્ફા-બીટા-ગામા કે કોસ-સાઈન-કોસેક કરી કરીને થાક અનુભવવા લાગ્યા છે. એવું નથી કે એમાં રૂપિયા નથી મળતા, પણ પહેલા-બીજા કે પાંચમા વર્ષે જે મજા આ કામોમાં આવતી એ બારમાં-પંદરમાં કે પચ્ચીસમાં વર્ષે નથી આવતી. એમને લાગે છે કે જો હજુ બે પાંચ વર્ષ આ જ ધંધો કરીશું તો પાગલ થઈ જઈશું. ચેન્જ, પરિવર્તન, નવીનતા માટે થોડું ટીચાવું પડે તો ભલે પણ હવે વહેવું છે.
એકત્રીસ ડીસેમ્બરની રાત્રે તમે ગમે તેટલા સંકલ્પો કરો, રેઝોલ્યુશન સેટ કરો, નવા વર્ષની બીજી-ત્રીજી કે પાંચમી તારીખે ફરી જૂનું જીવન શરૂ થઈ જ જાય છે. ૨૦૨૧ ના પહેલા રવિવારે આપણે એ જ કરવા માંડીએ છીએ જે ૨૦૨૦ના કે ૨૦૧૮ના કે ૨૦૧૫ના પહેલા રવિવારે કર્યું હતું. ફ્રીઝરમાં પડેલું થીજી ગયેલું બરફનું ટીપું ગમે તેટલું જોર કરે, નવી પ્રતિજ્ઞાઓ કરે, ફ્રીઝની કૃત્રિમ ઠંડી એને ટસ-થી-મસ થવા નથી દેતી. એક બેટલ જ સમજી લો, યુદ્ધ. આખી જિંદગી આ કૃત્રિમ ઠંડક એને જકડી રાખે છે. પહેલી કે ત્રીજી તારીખે થતો પગાર, એકત્રીસ માર્ચે સરવૈયામાં દેખાતો નફો એની ભીતરે જાગેલા સ્વતંત્રતાના સ્વપ્નોને હાલરડાં ગાઈ સુવાડી દે છે. એવું નથી કે એ ટીપાંને કુદરતના ખોળે મુક્તરમણ કરવાની ઈચ્છાઓ નથી જાગતી, એનેય પોતાના મનની વાત કરવાની, પોતાનો અભિપ્રાય પહાડોમાં પડઘા પડે એટલા ઊંચા અવાજે બોલવાની, સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની, પોતાનું સ્વાભિમાન, આત્મગૌરવ, ઈચ્છાઓ, સંવેદનાઓ વ્યક્ત કરવાની - એનેય તીવ્ર લાગણીઓ જન્મે છે. મનોમન એય મુક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને તક મળે ત્યારે પેલા મારા મિત્રની જેમ હિમાલયની ટોંચ પર જામી ગયેલો બરફ જેમ પીગળીને સમુદ્ર તરફ વહેવા માંડે એમ એય.. નીકળી પડે છે.
બંને ટીપાંઓ, ફ્રીઝ વાળાં અને ઝરણાં વાળાં - બંને ટીપાંઓ અંતે તો સમુદ્રમાં ભળી જાય છે, કેવળ એમનો માર્ગ અલગ રહે છે. ફ્રીઝ વાળું ટીપું, બરફ સ્વરૂપે, શરબત બની છેલ્લે ગટરમાં જાય છે અને ગટર વહેતી વહેતી છેલ્લે સાગરમાં. જયારે પેલું ઝરણાંવાળું ટીપું, નદીના પ્રવાહમાં ભળી છેલ્લે દરિયામાં ભળી જાય છે. બંનેનો અંત એક સરખો જ છે, મૃત્યુ. પરંતુ બંનેનું જીવન જુદું જુદું છે. એક કુદરતના ખોળે હસતું રમતું જીવે છે અને બીજું આખી જિંદગી કેદમાં કાઢે છે.
કચ્છના સફેદ રણની વિશાળ ચાદર, માંડવી બીચનો ઘૂઘવતો દરિયા કાંઠો, ગિરનારના ઉત્તુંગ પર્વતની ટોચ કે શિયાળામાં તાપણામાં સળગતી અગ્નિની જ્વાળાઓ આપણને ભીતર સુધી સ્પર્શી જાય છે. કૂતુહલ અને આનંદનો ભાવ પ્રગટે છે. એક મિત્રે સમજાવ્યું. માણસ કુદરતમાંથી બન્યો છે. જેમ કોલસો અગ્નિમાંથી બન્યો છે એને આગમાં પાછો નાખો તો એ ઝળહળી ઉઠે એમ માણસને પણ કુદરતમાં નાખો એટલે એ પણ ઝળહળી ઉઠે, જીવી ઉઠે, જીવંત બની જાય.

અને હા,
કુદરતનો એ કરિશ્માઈ નઝારો આપણા ફળિયામાં ઉગેલા જાસૂદ, કરેણ, ગુલાબના ફૂલ સ્વરૂપે કે શેરીમાં રમતા ગલૂડિયાઓ કે ડાળીએ બેઠેલી ચકલી કે તળાવે આવેલા પક્ષીઓ કે ફળીયામાં પડતા હુફાળા તડકા સ્વરૂપે આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે. બસ, હિમ્મત કરી, ફ્રીઝના ડોર જેવો આપણા ઘરનો અને મનનો દરવાજો ખોલી એમની સાથે નવા વર્ષની કેટલીક મિનીટો કે કલાકો સેલિબ્રેટ કરીએ તો કેવું..?
હેપી ન્યુ યર...
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)