ઉનાળાની સવારનો પીળો સૂરજ મારી આંખમાં ધુમ્મસ પૂરી રહ્યો હતો. ઝાંખા ઝાંખા પ્લેટફોર્મ પરથી મારી ટ્રેન કાળી કાળી વ્હિસલ મારીને અલ્હાબાદ છોડી રહી હતી. જાત જાતના અવાજો આવતા હતા. બધા જ અવાજો સડેલા હતા. એક ખૂશ્બુદાર અવાજ વારંવાર લીલી લીલી ઠંડી-શીતળ અને માદક હવા વેરતો અથડાતો હતો. ‘આવજો’ – એની પાછળ એક મધૂરું સ્મિત હિલોળાં લેતું હતું. એ સ્મિત હતું. હાસ્ય ન હતું – હોઠ અને આંખનો સંબંધ પણ સ્પષ્ટ તરી આવતો હતો. આંખોમાં તરવરતી ભીનાશ પણ કુંવારી હતી. મારા માટે કુંવારી હતી. કારણ કે મેં એ આર્દ્રતા કદાચ પહેલી વાર જ જોઈ હતી. નિહાળી હતી. ના – અનુભવી હતી. એ આર્દ્રતા હતી. પણ પણે ભૂરા ભૂરા પાણીનો સમુદ્ર હોય એમ લાગતું હતું. સમુદ્ર એટલા માટે કે શ્વેત કાળી સપાટી સ્પષ્ટ દેખાતી હોવા છતાં એમાં ઊંડાણ દેખાતું હતું અને એ પહેલી સોનેરી રંગની સવાર હતી કે હું એ ઊંડા શ્વેત-કાળી તળિયાની સપાટીવાળા અને નીલરંગી પાણીવાળા સમુદ્રમાં સ્નાન કરી શક્યો હતો. જો કે સ્નાન કરીને હું ઘઉંવર્ણો જ રહ્યો. કોરો જ રહ્યો. એ આર્દ્રતા સ્પર્શી શકી એ પણ ખરું, પરંતુ કેસરી અગનઝાળથી એ આર્દ્રતા ટકી ન શકી. હું કોરો જ રહી ગયો. આર્દ્રતામાં એક પ્રકારનો ગરમાવો હતો. કડક ચાની જેમ લોહી થીજી ગયું. અને કલાકેક પછી સોનેરી સવારનો રંગ પીળો પડી ગયો. પ્લેટફોર્મ છોડ્યા પછી અલ્હાબાદના સ્ટેશન પરના પીળા પાટિયા પર લખેલા કાળા અક્ષરો જ દેખાતા રહ્યા. અર્જુનની જેમ મને પીળું પાટિયું ન દેખાયું – માત્ર કાળા અક્ષરો જ દેખાયા. પછી તો અક્ષરોની માત્ર કાળાશ જ દેખાઈ. અર્જુનનું વર્તન સહેતુક હતું. મારું….. નહોતું જ!
ટ્રેન ઉપડી જ ગઈ હતી. હું તો ટ્રેનમાં જ હતો. સ્ટેશન પર આવ્યા પછી ક્ષણ વાર પણ ટ્રેન ઊભી રહે એમ ઈચ્છા ન હતી. છતાં ટ્રેન તો એનો સમય થતાં સુધી ઊભી જ રહી. બીજું સ્ટેશન આવ્યું. પાણી પીધું. પ્યાલો ભર્યો. ખાલી પણ કર્યો. કેટલી વાર લાગી? અલ્હાબાદ આવ્યો. માત્ર અગિયાર મહિનામાં પાછો? કેટલા જલ્દી આ અગિયાર જતા રહ્યા! અને એમાં પણ છેલ્લો મહિનો તો કેવો જલ્દી પસાર થઈ ગયો! પાણીનો પ્યાલો ભર્યો. પી ગયો. ખાલી થઈ ગયો. માત્ર અગિયારમો મહિના આવ્યો ત્યારે એમ જ લાગ્યું કે અગિયાર મહિના કેવી રીતે પસાર થશે? જતાં જતાં એમ લાગ્યું કે કદાચ અગિયાર મહિના પૂરા નહીં થયા હોય – દસ પૂરા થયા હશે – અગિયારમો પૂરો નહીં થયો હોય, ગણતરીમાં ગફલત હશે. પ્યાલો ભરાતા વાર લાગી. પાણી ભર્યું એટલો ખ્યાલ છે. પીધું…ના. એટલી વારમાં? માન્યામાં નથી આવતું. જો કે પેટમાં ૨૦૦ મિલી લીટર પાણીનું વજન કહે છે કે પીધું, પણ મને નથી લાગતું કે ક્ષણ વારમાં જ પાણી પી જવાય. પાણીનો પ્યાલો અલ્હાબાદના અગિયાર મહિના લાલ ટ્રેનની કાળી વ્હિસલ અને ડબ્બામાં બેસી ગયો. ટ્રેન ઉપડી.
ટ્રેન ઉપાડ્યા પછી પ્રવૃત્તિ ન થઈ. પેપર કાઢ્યું. એ જ શ્વેત કાગળ અને કાળા અક્ષર – શ્વેત કાગળ પરથી ખસતી ખસતી કાળા અક્ષર પર બેઠી. અક્ષર ભૂલાઈ ગયા. માત્ર કાળી શાહી સફેદ કાગળ પર સૂકાઈ ગયેલી કાળી શાહી – સૂકાઈ ગયેલી કાળી શાહીનો કાળો રંગ જ દેખાયો. કાળા રંગથી દૂર જવાની જરૂર ખરી? ઉત્તર શોધવા કરતાં સફેદ આકાશ તરફ જોયું. સૂરજ! સહેજ નીચે નજર મારી. દૂર દૂર લીલા રંગના પેલા પહાડો – પછી લીલું ઘાસ - ખેતરો – સિલ્વરી રંગના થાંભલા - લીલા ઝાડ અને છીંકણી રંગની ડાળીઓ – થડ- નજર – સ્થિર ન રહી શકી. ફરી પાછી નજર - સફેદ આકાશ – પીળા સૂરજ અને માટીના પહાડ પર અને ત્યાંથી સિલ્વરથી રંગેલા થાંભલા ઈલેક્ટ્રિક ટ્રેનના દોરડાં – ફરી પાછો કાળો રંગ! પેલી આંખોની આર્દ્રતામાં વલોવાતો હતો. ઠંડી ચાનો ગરમાવો, કેસરી કાળો અને સ્નાન કરીને કોરા રહેવાની પ્રતિક્રિયા યાદ આવી. બીજું સ્ટેશન આવી ગયું.
ફરી પાણીનો પ્યાલો ભર્યો. આ વખતે તો અનુભૂતિ કરવી હતી કે મેં પાણી પીધું છે. બે ઘૂંટડા જ ભર્યા – પછી એ રંગવિહીન પાણીમાં દ્રષ્ટિ ઝબોળી દીધી. ફરીથી પેલું સફેદ ગગન – પીળો સૂરજ – માટીના પહાડો – લીલા ઝાડ – ઘાસ – ખેતરો – છીંકણી ડાળીઓ – સિલ્વરના રંગે રંગેલા થાંભલા – ટ્રેનના થાંભલા – કાળા દોરડા – અટક્યો નહીં – કેસરી અગન ઝાળો – આંખની આર્દ્રતા – રોમાંચકારી સ્મિત – અને અગિયાર મહિના જે ફૂલને દસ મહિના નિહાળ્યું નહોતું – એનો માત્ર આંખમાં વસતી આર્દ્રતા એક જ મહિના માટે પરિચય થયો. અલ્હાબાદ આવ્યો, ટ્રેનિંગ માટે. ખબર હતી કે અગિયાર જ મહિના. માત્ર અગિયાર જ મહિનાની ટ્રેનિંગ છે – સવારે વહેલા નીકળીને રાત્રે મોડા આવવાનું – દસ મહિના તો વીતી ગયા. છેલ્લો મહિનો માત્ર, દિવસમાં ચાર કલાક જ કામ રહેતું. રૂમનું બારણું ભાગ્યે જ ખોલતો. વાંચવાનો શોખ હતો. એટલે દિવસે પૂરો થઈ જતો. પણ એક, બે – ચાર પાંચ દિવસ જ! એક જ દિવસ એ સ્મિતની વસંત મેં અનુભવી અને જાણે કેસરી – પીળી – સફેદ – લાલ કળીઓની વસંત મહોરી ઊઠી. લાલ ટ્રેનના કાળા એજિંનના ગર્ભમાંથી કાળી વ્હિસલ વાગી. ગળે એક ઘૂંટડો અટકી ગયો. પાણી પી ગયો. થોડી ઘણી અનુભૂતિ થઈ કે મેં પાણી પીધું છે. રંગવિહીન પાણી પીધું છે!
ટ્રેન સ્ટેશન છોડીને આગળ ગઈ – નદી આવી – વહેતી નદી પુલ પણ હતો – નદી ઉપર પુલ હતો – નદીની નજીક છતાં નદીથી દૂર – નદી ઉપર પુલ હતો – ઊંડો ઊંડો ઘુમ્મસ જેવો કાળો ગુલાબી અવાજ આવતો હતો. ડહોળાયેલું પાણી દેખાતું હતુ. કથ્થાઈ લાગતું હતું. લાલ લાલ પથ્થરો પણ હતા પણ પુલ પૂરો થઈ ગયો. ગુલાબી અવાજ ફેક્ટરીમાં ટીપાતા લોખંડ જેવો લાલ અને પછી રાખોડી અને પછી કાળો પડી ગયો. ફરીથી સ્ટેશન આવ્યું – ટ્રેન ઊભી રહી – ફરીથી પાણીનો પ્યાલો ભર્યો. બે ઘૂંટડા ભર્યા – અને ફરી એ જ રંગવિહીન પાણીની સપાટીમાં દ્રષ્ટિ ઝબોળી દીધી. પેલી વસંત પર જ નજર પડી. કળીઓને સ્પર્શ કરવા જતો પણ મારી ઘઉંવર્ણા હાથની લાલ લાલ આંગળીઓ પેલી કેસરી – પીળી – સફેદ - લાલ કળીઓને સ્પર્શ કરી શકતી નહોતી. માત્ર સ્મિતને જ જોતી. અનુભવતી – માણતી પણ એ આંગળીઓને હજુ એની પૂરી કિંમત સમજાઈ નહોતી. કારણ કે એ તો પેલી કળીઓ તોડવા ઈચ્છતી હતી. પણ કોઈક બળ એ આંગળીઓને રોકતું હતું. કારણકે, આંગળીઓને મારી કાળી ભ્રમરથી ઢંકાયેલી આંખો સાથે સંબંધ હતો. મારી આંખો એ કેસરી – પીળી – લાલ – સફેદ – કળીઓને જોવા જ ઈચ્છતી હતી. તોડવા નહીં. પરિચય – એ કળીઓ સાથે મૌનના પુલ ઉપર વિહાર અને ચાર દિવાલોની શુષ્ક હવામાં રાત્રે ટ્યુબ લાઈટના સફેદ પ્રકાશમાં પાણીના પ્યાલામાં પડતા પ્રતિબંબ સાથે વાતો ફરીથી લાલ ટ્રેનના કાળા એંજિનના ગર્ભમાંથી કાળી કાળી વ્હિસલ વાગી હું ટ્રેનમાં બેસી ગયો.
બીજા સ્ટેશને ફરીથી પ્યાલો ભર્યો. એક જ ઘૂંટડો ભર્યો. રંગવિહીન પાણીમાં દ્રષ્ટિ ડૂબાડી દીધી. દાટી દીધી. ફરીથી બધા જ રંગો જોયા – છેલ્લા દિવસ સુધી – એ કેસરી – પીળી – સફેદ – લાલ – કળીઓ સાથે એવી જ વાતો અને વિહાર – આંગળીઓ અને આંખો વચ્ચે સંઘર્ષ – છેલ્લે દિવસે સવારે મૌનના પુલ પર પૂરઝડપે દોડતી બે લાલ લાલ ટ્રેનો અથડાઈ – પુલના બે ટુકડા થઈ ગયા – ગેબી અવાજ થયો – આંખોમાં પહેલી વાર આર્દ્રતા છલકાઈ – ગેબી અવાજમાંથી માત્ર સ્મિત સાથે ખૂશ્બુદાર – લીલો – લીલો – ઠંડો – અને શીતળ અવાજ કાનના પડદા(રંગ ખબર નથી) સાથે અથડાયો – ‘આવજો’ – અને તરત જ મોમાં બ્રશ પેસી ગયું – ‘આવજો’નો જવાબ મેં એ આંખોમાં છલકાતા શ્વેત-કાળી તળેટીવાળા નીલરંગી પાણીના સમુદ્રમાં નાહીને – કેસરી અગનઝાળથી સૂકાઈ – કોરા પડી જઈને જ આપ્યો. ‘આવજો’ પણ ક્યાં? ક્યારે? કેવી રીતે? આટલે શક્ય છે? વગેરે પ્રશ્નોના જવાબ મનોમન આપતાં આપતાં જ ‘શરૂઆત’નો અંત આવી ગયો – પીળો સૂરજ મારી આંખમાં ઘુમ્મસ પૂરવા લાગ્યો. ઝાંખા ઝાંખા પ્લેટફોર્મ પરથી લાલ લાલ ટ્રેનના કાળા કાળા એંજિનની કાળી કાળી વ્હિસલ વાગવા માંડી. સડેલા અવાજો પણ કાને પડ્યા – એક ખૂશ્બુદાર – માદક – લીલો - લીલો – ઠંડો – શીતળ અવાજ પાછો કાને આવી પડ્યો – ‘આવજો’ કેસરી – પીળી – સફેદ – લાલ કળીઓ ફૂલ થતાં રહી ગઈ. અગિયાર મહિનાની પૂર્ણાહૂતિ – લાલ લાલ આંગળીઓ એક બીજા સાથે ચડભડવા લાગી – બધા જ રંગો. . . ફરીથી આ ત્રીજા સ્ટેશને લાલ લાલ ટ્રેનના કાળા કાળા એંજિનના ગર્ભમાંથી કાળી કાળી વ્હિસલ વાગી. જે પ્યાલામાં દ્રષ્ટિ દાટી દીધી હતી. એ જ પ્યાલામાંના રંગવિહીન પાણીમાં બધા જ રંગો ઘોળીને ગટગટાવી ગયો – અગિયાર મહિનાનું પ્યાલામાંનુ રંગવિહીન પાણી મેં પીધું છે એવી અનુભૂતિ થઈ… ન થઈ… ખબર નથી – પણ રંગો ધોળાઈ ગયા. પીવાઈ ગયા અને રંગવિહીન ટ્રેન એના રંગવિહીન એંજિનની રંગવિહીન વ્હિસલ મારતી ઊપડી ગઈ--