પ્રકરણ-2
મોબાઈલની રીંગ સાંભળી રાજની આંખ ઉઘડી.. જોયું તો મોહા.. "ગૂડ મોર્નિગ. જાનુ. "
"મોર્નિગ. તું પપ્પાને લઈને જઈ આવ્યો.. ?".. "ક્યાં" .. "અરે, ડોક્ટર પાસે. ?"
"હજુ હમણાં તો ઉઠ્યો. રાતના કેટલું મોડું થયું હતું.. ".. ". ભલે.. ભલે.. હવે ઉઠી ગયો છે. તો ફટાફટ પહેલા પપ્પાને ડોક્ટર પાસે લઈ જા. તને ખબર છે ને. પપ્પાનો સ્વભાવ. બહારથી રૂદ્ર જેવાં છે,પણ અંદરથી ભોળા શંભુ.. પોતાની જરાય પરવાહ નહીં. બસ, બીજા માટે જીવવાનું. " મોહાનો કંઠ ભરાઈ ગયો.
"ઓકે.. ઓકે. ,કેમ આજે ઢીલી થઈ જાય છે. હજુ તો મહિનો કાઢવાનો છે મારા વગર. "
"રાજ,અમારું એવું જ.. ઘર પરિવાર અમારાથી છૂટતું નથી.. ગમે તેટલી કોશીશ કરીએ.. એમાં પપ્પાની ચિંતા.. "
"તું કશી ચિંતા ન કર. હું છું ને. હમણા જ પપ્પાને લઈને જાઉં છું. તું થોડી વાર સૂઈ જા. ત્યાં પહોંચીને તરત કામે લાગીશ.. પાછો જેટલોગ.. "ફોન મૂકી રાજ ઉભો થયો. વૈદેહી રસોડામાં હતી. "મમ્મી, પપ્પા ક્યાં. ?"
"એ.. એ તો સનીને લઇ ગાર્ડનમાં ગયા છે. "
"ખરા છે ! ત્યાં એની છોકરી ફ્લાઈટમાં પણ તેની ચિંતા કરે છેને પપ્પા ગાર્ડનમાં ફરવા ગયા છે. મમ્મી, તમે તૈયાર થઈ જાઓ. આપણે હમણા જ ડોક્ટર પાસે જઈએ.. પપ્પાને નીચેથી જ લઇ લઈશું.. "
"એ તો ના પાડતા હતા, ડોકટર પાસે જવાની. કહે.. મોહા તો બોલ્યા કરે. કાલે અમદાવાદ જઇને પછી બતાડી દેશું. "
" પપ્પા ભલે બોલતા, પેલી વાઘણને ખબર પડશે.. તો મને કાચી ખાઈ જશે. "
રાજ તેમને લઇ પોતાના ફેમિલી ડોક્ટર પાસે ગયો. ડો. શેટ્ટીએ પગ બરાબર તપાસ્યો. "તમને દુઃખે છે. ".. ના, જરાય નહીં. ".. "આ આખો અંગુઠો લાલ ઘૂમ થયો છે, તમને જરાય દુખતું નથી. ?"
"ના સર, કોઈક વાર એકદમ સબાકો મારે. બાકી આમ દુખતું નથી. "
"તમારી ડાયાબિટીઝ કેસ હિસ્ટ્રી જોઈ, મને લાગે છે.. તમારા થોડા ટેસ્ટ કરાવી લઈએ. "
"પણ અમે આજે રાતના તો અમદાવાદ માટે નીકળીએ છીએ. " ડોકટરે પ્રશ્નસૂચક નજરે રાજ સામે જોયું.. "હા ડોક, મોહા કાલે ઓફીસના પ્રોજેક્ટ પર એક મહિના માટે અમેરિકા ગઈ.. તેઓ મોહાને મળવા આવ્યા હતા. રાતની ફ્લાઈટમાં તો નીકળે છે. "
"ભલે, તો હું સલાહ આપીશ કે ત્યાં પહોંચી તરત જ બધા ટેસ્ટ કરાવજો. જરાય ડીલે નહીં કરતા. "
"હા જી, કાલ સવારે જ જશું. "
આખો દિવસ ક્યાં નીકળી ગયો. ખબર ન પડી. સનીને ખૂબ વ્હાલ કરી બંને નીકળ્યા. રાજ મૂકવા આવ્યો હતો. " પપ્પા, કાલે ડોક્ટરને બતાવી આવજો. "
"હા ભઈ હા.. મારે ન જવું હોય, તો આ તારી મમ્મી મને છોડવાની છે. ? તું સનીનું ધ્યાન રાખજે. મા વગર હિજરાય નહીં. "
" પપ્પા, તમે સનીની જરાય ચિંતા નહીં કરતા. આઈ એમ એ ગુડ ફાધર. " વૈદેહી હસી પડી.. "તો જ મોહા આવી રીતે જઈ શકે ને.. "
મોડી રાતે તેઓ અમદાવાદ પહોચ્યાં.
વહેલી સવારે પરવારી વૈદેહીએ ઘરનું કામ પતાવ્યું. ફોન પર ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. ”મોહા જેવી જીદ્દી થઈ ગઈ તું. ”. આશુતોષને જવું નથી. એ ટાળવાની કોશિશમાં હતો. પણ વૈદેહી માની નહીં. "ઉઠ ઉભો થા. આજે કોઈ નાટક નહીં ચાલે. "
ડો. રાવળે અંગુઠો તપાસ્યો.. એક કામ કરો. તમે આ એન્ટીબાયોટીક દવાનો કોર્સ ચાલુ કરો. પાંચ દિવસની દવા છે. પછી જોઈએ..
"જો, મેં કહ્યું હતું ને.. કઈ નથી. પેલો ડોકટર અમથો બધાં ટેસ્ટ કરાવવાની વાતો કરતો હતો. તું એ અમથી ગભરાઈ જાય છે. "
જો કઈ નથી તો સારું જ છેને.. વૈદેહી બારીની બહાર જોતી હતી. આશુતોષની કેસ હિસ્ટ્રી એવી હતી કે વૈદેહી કોઈ ચાન્સ લેવા નહોતી માંગતી. કઈ ના હોય ને અચાનક બહુ બધુ થઈ જાય.
"જો હવે ઘરમાં આરામ કર.. બહાર નથી જવાનું.. "પલંગમાં પડ્યો પડ્યો આશુતોષ ન્યુઝ જોયા કરતો. એમાં હમણાં તો ચેનલો પાસે હોટ ન્યુઝ હતા. આખો દિવસસ્ક્રીન પર લાલ ફૂમતાં વાળો કોરોના વાઇરસ ડોકિયા કર્યા કરતો. ટીવી એન્કર ગળું ફાડીને બોલતી રહેતી...
ચાઇનામાં હજારોની સખ્યામાં લોકો સંક્રમિત થયા છે. આ વાઇરસની હજી દવા શોધાઈ નથી. લોકોને સંક્રમણથી બચવા ઘરમાં જ રહેવાની સુચના આપવામાં આવેલી છે. ડબ્લ્યુ. એચ. ઓ. 'હુ' ના સદસ્યો આ રોગની સંક્રમણની તપાસ કરવા વુહાન શહરની મુલાકાત લેવા ગયા છે.
આ રોગના લક્ષણ સામાન્ય ફ્લુ જેવાં છે.. જેમ કે તાવ,કફ. ગળામાં દુખાવો.. વગેરે.. આ વાયરસ ફેફસામાં અસર કરે છે.. રોગીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
"તું કંટાળતો નથી, એકના એક ન્યુઝ જોઈ'.. જોકે હવે આશુતોષને ટીવી જોવાનીએ સૂધ નહોતી.
ત્રીજો દિવસ થતા થતા તો આશુતોષને જોરદાર તાવ ભરાઈ ગયો. પગ એકદમ સોજી ગયો હતો. એન્ટીબાયોટીકનો ડોઝ હેવી પડ્યો હશે કે કેમ... સાંજના તો યુરિન બંધ થઈ ગયું. !
વૈદેહી બેબાકળી થઈ ગઈ. શું કરું. હવે કોઈ બીજા ડોકટરને બતાવવું પડશે.. ક્યાં લઇ જાવું.. કેવી રીતે લઇ જાવું.. ? મોહા અને પલાશ બંને છોકારાઓ વિદેશમાં... કોને વાત કરું. ?
અંધારામાં આશાની કિરણ દેખાઈ.. અભય.. યસ્સ અભયને ફોન કરું.. ? પણ એ ફોન ઉપાડશે મારો.. ? એને બા સામે જોયું. " હા, કર ને. એમાં વાંધો નહીં. "
નાછૂટકે એને અભયને ફોન લગાડ્યો.. અભયે તરતજ ફોન રીસીવ કર્યો.. 'હલો ભાભી,આજે કેમ મને યાદ કર્યો ? કેમ છો. ?"
"હું તો સારી છું.. આ આશુને.. " "પાછું શું પરાક્રમ કર્યું ભાઈએ . " વૈદેહીએ બધી વાત કરી. અભય ગંભીર થઈ ગયો. "તમે આશુભાઈને લઇ સીધા 'એમ્સ'માં પહોંચો. હું સીધો ત્યાં મળું છું તમને. "
"પણ આવા તાવમાં.. ? કોઈ ડોક્ટર જો ઘરે આવે.. ?"..
"મને લાગે છે.. તેમને દાખલ કરવા પડશે. રાત સુધીમાં ટ્રીટમેન્ટ મળી જાય તો સારું. તમે જલ્દી પહોંચો. હું ત્યાંના ડોકટર સાથે વાત કરું છું. " અભય એનેસ્થેટીક ડોક્ટર હતો. એણે ફોન ઘુમાવવાના શરું કર્યા. ટોપ ડોકટર સાથે વાત કરી.. રૂમ બૂક કર્યો. પછી ઝડપથી નીકળ્યો.. પહેલા થયું, મમ્મીને વાત કરું.. પછી માંડી વાળ્યું. ખબર નહીં તેમનું વલણ કેવું હોય..
વૈદેહીએ જટપટ થેલીમાં થોડો સામાન ભર્યો. કબાટમાંથી પૈસા લીધા. બા પાણીની બોટલ લઈને આવ્યા. "આવા તાવમાં તું એકલી કેવી રીતે લઈ જઈશ.. ?."મેં ટેક્સી બોલાવી છે. તમે તમારું ધ્યાન રાખજો. "
"તું મારી ચિંતા ન કર દીકરા. તું નીકળ. હું માતાજીને દીવો કરું છું. " આંખમાં ઝળઝળીયાં સાથે નીલાબહેન પૂજાઘરમાં ગયા.
"બા, હું પછી ફોન કરું છું. ".. વૈદેહી આશુતોષને ટેકો આપી નીચે ઉતરી. આશુતોષનું શરીર તાવમાં ધખધખતું હતું. ટેક્સી કરી બંને એમ્સમાં પહોંચ્યા.
અભયે બધી ગોઠવણ કરી રાખી હતી. વૈદેહીને આવતા જોઈ કે સ્ટ્રેચર લઇ તે બહાર આવ્યો. તરત આશુતોષને એડમિટ કરવામાં આવ્યો.
રાત પડતા પડતા તો આશુતોષની તબિયત બહુ બગડી ગઈ. તેને આઇસીયુમાં ખસેડવામાં આવ્યો. વૈદેહી બહુ મૂંઝાઈ ગઈ હતી.. ને પલાશનો ફોન આવ્યો... "મમ્મા, કેમ છે પપ્પાને. "
"જરાય સારું નથી બેટા,આઇસીયુમાં દાખલ કર્યા છે. " વૈદેહીથી રડી પડાયું.
પલાશ સ્તબ્ધ થઈ ગયો. કાલ સુધી તો એવું કઈ વધારે નહોતું. મમ્મીનો અવાજ આટલો ઢીલો.. મમ્મી તો ક્યારેય આવી ઢીલી નથી થતી. તેને તરત સેજલને ફોન લગાડ્યો..
"સેજુ , પપ્પાની તબિયત જરાય સારી નથી.. મને .. મને થાય છે કે હું અત્યારે ઇંડિયા માટે નીકળી જાઉં. મમ્મીને મારી જરૂર છે. "
"અત્યારે.. ?ટિકિટ મળશે.. ?"
"મેં જોઈ રાખી છે. મળે છે.. અત્યારે નીકળી જાઉં તો મોડી રાતે સુધી પહોંચી જઈશ. તું તારું ને માહીનું ધ્યાન રાખજે.. હવે ઘરે આવવાનો ટાઇમ નથી હું અહીથી સીધો જ નીકળું છું. "
"પણ તારી બેગ.. ?". "બેગ લેવા આવવાનો સમય નથી. પાસપોર્ટ ઓફિસમાં છે. "
ફ્લાઈટમાં બેસી એને ફોન કર્યો.. મા, તું મૂંઝાતી નહીં. હું આવું છું..
"અભય, પલાશ આવે છે અત્યારે દુબઈથી. તું એક ફેવર કરી શકે.. ? એ આવે કે એને તરત આશુને મળવા જવા દે, એવું કરી શકે. "
અભયે વૈદેહી સામે જોયું. "ભલે ભાભી, હું ઉપર સુચના આપી દઉં છું. "
પલાશ પહોંચ્યો ત્યારે રાતનો એક વાગ્યો હતો. પપ્પાને જાત જાતની નળીઓ લગાડેલી હતી. આ શું થઈ ગયું અચાનક..
ચાર દિવસ બહુ કટોકટીમાં ગયા.. પગ તો એક બાજુ રહ્યો .... કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. બે વાર લોહી ચડાવવું પડ્યું. જરાક ભાન આવ્યું.. ને પલાશને આવેલો જોઈ આશુતોષની આંખ વરસી પડી.. બેટા, હવે હું ઘરે નહીં પહોંચું. તારી મમ્મીનું.... "
પલાશે તેના મોઢે હાથ દીધો. ". એવું નહીં બોલો પપ્પા, હું આવી ગયો છું. તમને કઈ નહીં થવા દઉં.. હજુ તો તમારે દુબઈ.. આપણા ઘરે આવવાનું છે. માહીને રમાડવાની છે. "
સંતાનો.. સુસંસ્કારી સંતાનોમાબાપની જીવાદોરી સમાન હોય છે. એમનું મોઢું જોઈ તેમને જીવવાનું બળ મળે છે. પલાશને જોઈ આશુતોષમાં નવું જોમ આવ્યું. ડોકટરના પ્રયત્નો, દવા અને દુઆએ કામ કર્યું.. ને આશુતોષ બેઠો થયો. પગમાં સોજો હતો ત્યાં એક નાનકડી સર્જરી કરી પસ કાઢી લેવામાં આવ્યું.
"મેં આઈ કમ ઇન. ".. "અભય તારે રૂમમાં આવવાની પરમીશન ન લેવાની હોય. " અભય કેક લઈને આવ્યો હતો.. "હેપી એનીવર્સરી યુ બોથ.. "
"તને યાદ હતી અમારી એનીવર્સરી ?".. " આ એનીવર્સરીની તો ઘણી કેક ખાધી જ છે. ભાભી.. આ કેવી રીતે ભૂલાય. ભાઈ, આજે તમને રજા આપવામાં આવે છે. પણ તમારે ઘરે ઉઠવાનું બિલ્કુલ નથી. પગ ઉંચો કરીને જ રાખજો.. તો રૂઝ જલ્દી આવશે. હવે બેચાર દિવસે ડ્રેસિંગ માટે આવવું પડશે. "
"થેન્ક્સ બેટા, તું હતો તો તરત ટ્રીટમેન્ટ મળી ગઈ. " વૈદેહીએ એનો આભાર માન્યો.
"આ શું બોલ્યા. તમે મને લજ્જિત કરો છો. એટલો હક તો તમારો છે મારા પર.. "બધાં નીચે આવ્યા.. પલાશ બહાર જ મળ્યો.. ચાલો મમ્મી ટેક્સી આવી ગઈ.
"બેટા.. મેં તને વાત કરીને.. અભયે બહુ મદદ કરી છે. ".. "હલો પલાશ".. અભયે ઉમળકાથી હાથ લંબાવ્યો... "થેન્ક્સ અભય. " પલાશ ઔપચારીક રીતે બોલ્યો.
"ચાલો હું નીકળું. કઈ જરૂર હોય તો વગર સંકોચે ફોન કરજો".. અભય જતો રહ્યો.
"પલાશ, હવે વીતેલી વાતોને ભૂલી જવામાં જ મજા છે. તારે અભય સાથે સારી રીતે વાત કરવાની જરૂર હતી. "
આજે આશુતોષ-વૈદેહીની લગ્નતિથી હતી. "હેપી એનીવર્સરી પપ્પા.. મા,તારી ગીફ્ટ પેન્ડિંગ.. દુબઈ આવીશ, એટલે તું કહે તે આપીશ.. હવે દુબઈ અવાશે ?.. બાર તારીખની ટિકિટ છે. શું લાગે છે તને.. પપ્પાનો પગ સારો તો થઈ જશે આટલા દિવસમાં?"
વૈદેહીએ આકાશ તરફ આંગળી ચીંધી.. એને ખબર.. હજુ મારી પરિક્ષા લેવાની બાકી હશે.. પલાશ માને ભેટી રડી પડ્યો.
પલાશને હવે જવું છે.
"આજે જ નીકળીશ ?"
બા, આફીસેથી સીધો જ આવ્યો છું. સેજલ એકલી છે... ઓફિસમાં પછી કેટલી રજા લઉં. હવે પપ્પાને ઘણું સારું છે.
જતા જતા પલાશ બધાને પગે લાગ્યો. "થેંક્યું બેટા.. આવી કટોકટીમાં તું આવી ગયો. "
"આવું શું બોલે છે મા. ખરી રીતે તો મારે જવાય જ નહીં. તારી અને પપ્પાની સેવા કરવાનો આ જ સમય છે. પણ સમય અને સંજોગ એવા છે કે"... પલાશ રડી પડ્યો..
"બસ હવે રડ્યા વગર હસતો હસતો જા. " નીલાબહેને તેના વાંસા પર હાથ ફેરવ્યો. "અમને તારું હસતું મોઢું યાદ રહેવું જોઈએ.. એજ યાદ અમને જીવવાનું બળ આપે છે.
ને પલાશ ગયો... વૈદેહી બાલકનીમાં ઉભી ટેકસીની ટેલ લાઈટને દૂર દૂર જતા જોઈ રહી.. ત્યાંજ મોહાનો ફોન આવ્યો.. કેમ છે હવે પપ્પાને.. ?