Unique relationship in Gujarati Classic Stories by CA Aanal Goswami Varma books and stories PDF | અનોખો સંબંધ

Featured Books
Categories
Share

અનોખો સંબંધ

અનોખો સંબંધ

નેહા ના લગ્ન ને દસેક વર્ષ થવા આવ્યા. આ ૧૦ વર્ષ માં એને ઘણા બધા ચઢાવ ઉતાર જોઈ લીધા. મુગ્ધ યુવતી માંથી ઘરરખ્ખું ગૃહિણી ની એની આ સફર માં એ ઘણી સફળ નીવડી હતી અને એમાં એ જેટલો યશ પોતાની માં ના સંસ્કાર ને આપતી એટલોજ યશ એ પોતાના પતિ શિવાય અને સાસુ ને પણ આપતી.

પણ આ બધા સિવાય એક બીજી વ્યક્તિ હતી મોહન, એમ નો ઘરઘાટી, જેને ભૂલી જવાય તો અપકાર કર્યો કહેવાય. આ મોહન આમ તો નેહા જેટલો હશે ઉંમર માં. સ્વભાવ માં મીઠડો, સામાન્ય દેખાવ અને કદ કાઠી ધરાવતો મોહન પેન્ટ, બુશર્ટ અને ખભા પર નાખેલા કપડાં સાથે આખા ઘર માં ફરતો દેખાય. રાજેશ ખન્ના ના ગીતો ગાતો જાય અને ઘર નું કામ કરતો જાય. એ નેહા ના પરણ્યા પહેલાથી આ ઘર માં કામ કરતો હતો. ઘર ના માળીયા થી માંડી ને દરેક વ્યક્તિના સ્વભાવ વિશે સરસ રીતે માહિતગાર. અરે સોસાયટી ના ઘણા ખરા સભ્યો વિશે પણ માહિતગાર . નેહા, મોહન ને રાખડી બાંધતી.

આ મોહન સવાર ના સાત વાગ્યા થી કામ શરૂ કરે તો રાતના નવ સુધી. વચ્ચે બે ઘડી નો આરામ નહીં. નેહા અને એના સાસુ કેટલું કહે આરામ કરવાનું, પણ નવ વાગ્યા પહેલા આરામ કરે તો એ મોહન નહીં. હા નવ વાગ્યા પછી એને કઈ કરવા મનાવવો બહુ અઘરો. આ સમયે એ રેડિયો સાંભળે. એનું સૌથી માનીતું કામ.


મોહન, નેહા ની સંકટ સમય ની સાંકળ. અચાનક વસ્તુ ખતમ થઇ જતા દોડવાથી માંડી, માળીયા પર ચઢવા નું હોય કે વરસાદ પડતા કપડાં લેવા ભાગવાનું હોય,વાંદરા થી ધાબે મુકેલો છૂંદો બચાવાનો હોય કે પછી નેહા ના લોટ- મસાલા વાળા હાથ હોય તો ફોન સ્પીકર પર મુક્વાનો હોય, આ બધું કામ મોહન પોતાના રૂટિન કચરા, પોતા, વાસણ કપડાં ના કામ ઉપરાંત કરતો. બપોરે ના સમયે ભાજી સાફ કરી આપતો કે તુવેર વટાણા ફોલી આપતો. અથાણાં માટે કેરી ધોવાથી લઇ ને છીણવાં/ કાપવાનું કામ એનું. મસાલા ની સીઝન માં હળદર મરચા સૂકવવા થી માંડી કૂટવાનું અને ભરવાનું કામ મોહન નું. ઘર ઘંટી પણ ચલાવી જાણે. એકટીવા શીખી ગયેલ એટલે જે કામ સોંપો એ ફટ ફટ કરી દે.જેમ પિયર માં બહેન ને ભાઈ ની હૂંફ હોય એમ નેહા ને મોહન ની હૂંફ.


એની નજર પણ ખુબ જ નિર્મળ. ઘણી વાર નેહા અને મોહન ઘર માં એકલા હોય પણ રખે ને એની નજર માં મેલ દેખાયો હોય. નેહા બેન બોલતા એની જીભ ના થાકે. શિવાય ને એ ભાઈ કહેતો. શિવાય ઘણી વાર કહેતો કે હું ભાઈ તો મારી પત્ની તારી બહેન કેવી રીતે. તો મોહન કહે એ મારી અને નેહા બેન ના વચ્ચે ની વાત છે શિવાય ભાઈ. તમે એમાં ના પડો . શિવાય અને મોહન પણ ખુબ સારા દોસ્તાર. બંને ક્રિકેટ સાથે રમીને મોટા થયેલ . હજી આજે પણ શિવાય ઘરે હોય અને ટીવી પર ક્રિકેટ મેચ આવતી હોય તો એની જોડે મોહન પણ જુવે અને ચા બનાવાનુ નું કામ નેહા નું કે પછી એના સાસુ નું. મોહન ને કોઈ ક્રિકેટ જોતા ન ઉઠાડે. શિવાય ઉઠાડવા પણ ન દે.


આ મોહન આમ તો ડુંગરપુર નો એટલે પંદર દિવસે ઘેર જઈ આવે. શુક્રવારે રાતે જાય અને રવિવારે બપોર સુધી પાછો. એને ઘેર ખેતી હોવાથી પત્ની અને બાળકો ગામડે રહેતા. વેકેશન માં મોટો છોકરો રહેવા આવે અને નેહા પાસે અંગ્રેજી શીખે. એને મોબાઇલ ઓપરેટ કરતા પણ નેહા એ જ શીખવ્યું. નેહા ને સારા દિવસો પછી અંશ આવ્યો ત્યારે એક સગા મામા ને થાય એટલી જ ખુશી મોહન ને થઇ હતી. નેહા ને પૂરો સમય આરામ કરવાનો હતો ત્યારે મોહન એ નેહા ની ચાકરી કરવામાં કોઈ કચાસ ન રાખી હતી. સમય પ્રમાણે ફળ દવાઓ અને ફળોના રસ બનાવી ને આપતો. નેહા ને સારું લાગે એટલે રોજ બપોરે કાનુડા ની વાર્તા કહીને સંભળાવતો.


કદાચ મોહન હતો એટલેજ શિવાય નેહા ને અહીંયા ડિલિવરી કરવા માટે રાખી શક્યો. બધું સારી રીતે પાર પડ્યું. નેહા ના સાસુ તો ઘણી વાર કહેતા ય ખરા કે આ મોહન તો આપણો રહ્યો જ નથી. જાણે નેહાના પિયર થી આવ્યો હોય એમ એની આગળપાછળ ફરે છે. પણ એ તો બે ઘડી નો મજાક માત્ર, બાકી તેમને પણ મોહન બહુ ગમતો. એમના ઘૂંટણ પર એ સરસીયા ની માલિશ કરતો. પોતાની માં ની જેમ સાચવતો, મંદિર લઇ ને જતો. એમની કોઈ વાત નું ખોટું ન લગાડતો.

જીવન સરસ રીતે ચાલી રહ્યું હતું કે, શિવાય જેને દવા ની દુકાન હતી એણે એક દિવસ ઘેર આવી ને કહ્યું કે એક નવી બીમારી આવી છે એનું નામ કોરોના. જે ઘર માં એક ને લાગે એટલે બીજા ને અચૂક થાય એટલે બધાએ સાચવવાનું અને હાથ વારે વારે ધોતા રહેવાના. માસ્ક પહેરવાના અને હાથ મોં અને નાક પાસે નહિ લઇ જવાનો.

એણે આ વાત કર્યા ને હજી અઠવાડિયું માંડ થયું હશે કે રોજ છાપા માં આજ સમાચાર આવવા લાગ્યા. મોહન પણ બધાની માફક આ બધા નિયમો નું પાલન કરવા માંડયો. એ ફેબ્રુઆરી માં ઘરે ગયો ત્યારે એણે ઘરે પણ બધાને આના વિશે વાત કરી અને નેહા એ મોકલેલ માસ્ક બધાને આપ્યા. ૨૩ માર્ચ એ જયારે લોકડાઉંન થયું ત્યારે, બધાને આની ગંભીરતા સમજાઈ. જોકે શિવાય ની દવાની દુકાન હોવાથી, બીમારી વિશે તો એ લોકો માહિતગાર હતા જ. માર્ચ માં થયેલ લોકડાઉંન એ બધાને માનસિક રીતે તોડી નાખ્યા પણ એ લોકો જે પોતાના પરિવાર જનો થી દૂર હતા એમની હાલત કફોડી થઇ ગઈ.

મોહન પણ એમાં થી બાકાત ન રહ્યો. એના ઘર વાળા ના ફોન હવે દિવસ માં પાંચ/છ વાર આવતા અને એ લોકો એને ઘેર આવી જવા તાકીદ કરતા. એ આશ્વાસન તો આપતો પણ અંદર થી એ પણ પોતાની પત્ની અને બાળકો વગર સોરાતો હતો. એને પણ ઘર યાદ આવ્યું હતું. પંદર દિવસે દોઢ દિવસ માટે ઘરે જતા મોહને ૨ મહિના થી સોસાયટી ની બહાર પગ મૂકયો ન હતો. એનું મન હવે ઘેર પહોંચવા બેચેન થઇ રહ્યું હતું. નેહા એને સમજાવતી, વિડિઓ કોલ કરી આપતી. એના ઘર ના સભ્યો ને પણ સમજાવતી કે તમારી આવી વર્તણુક થી મોહન ને વધારે એકલું લાગશે અને શું અમે એને પારકો ગણીએ છીએ પણ આ બધું કલાક એક સુધી સારું લાગતું. વળી પાછી એજ હતાશા. હવે તો મોહન એ રાત્રે રેડિયો સાંભળવાનું પણ બંધ કરી દીધું હતું.


એવામાં લોકડાઉન લંબાયું ત્યારે એના ઘર વાળા બોલ્યા ડુંગરપૂર ક્યાં દૂર છે. આવી જા. આપણે પૈસા નથી કમાવા. અમારે અમારો માણસ જોઈએ. જો ચાલી ને આવવું પડે તો એમ કર, પણ આવી જા. આવી રોજ બરોજ ની થતી વાતો અને ડર ના માહોલ માં કોઈ માણસ ક્યાં સુધી ટકી રહે. વળી શિવાય તો કોરોના પછી દવા ની દુકાન માં ઘણો વ્યસ્ત થઇ ગયો હતો.


નેહા પણ અંશ માં વધારે વ્યસ્ત રહેતી. માંડ ત્રણ એક વર્ષ ના થયેલા અંશ ને લઈને નેહા વધારે પ્રોટેકટિવ થઇ ગઈ હતી. આ બધું જોઈને મોહન ને થતું કે એ પણ પોતાના ઘરે જતો રહે. અને ત્રીજી એપ્રિલ એ એણે નક્કી કર્યું કે એ ડુંગરપુર જવા ચાલીને નીકળી જશે. નેહા એ ઘણું સમજાવ્યું કે મોહન, ભાઈ તું આમ ન કર. આટલી વાટ જોઈ છે તો હજી થોડી વધારે. પણ મોહન ન માન્યો અને એણે જવાનો નિર્ણય લઇ લીધો. બસ કે કોઈ બીજી વ્યવસ્થા તો થયા એવી ન હતી અને ગાડી કરાવી પણ શક્ય ન હતી. હવે મોહન માં ધીરજ રહી ન હતી. એને કોઈ પણ રીતે ઘરે પહોંચવું જ હતું.


નેહા એ મોહન ને તાકીદ કરી કે ઘરે પહોંચીને મને ફોન કરજે . મોબાઇલ ફુલ ચાર્જ કરી ને આપ્યો. નેહા એ મોહન ને પાવર બેંક પણ આપી જેથી એ મોબાઈલ ચાર્જ કરી શકે. સોસાયટી માં જ કામ કરતા પોતાના મામેરા ભાઈ કાળું સાથે એ ચાલીને જવા નીકળ્યો.ચાર થી પાંચ દિવસ લાગશે એ નક્કી હતું કારણકે ગરમી ના દિવસો હતા. વચ્ચે રોકાવાનું , સુવા માટે ની કે હાથ ધોવા માટે ની કોઈ વ્યવસ્થા વિશે પણ ખબર નહિ . વચ્ચે કોઈ દુકાન તો ખુલ્લી હશે નહિ . અને પાણી પણ કેટલું ઉંચકી જવાય. નેહા નું મન ઉચાટ અનુભવી રહ્યું હતું. એ મોહન ને વારે વારે સમજાવી રહી હતી કે, ભાઈ ,રોકાઈ જા જેવું લોકડાઉન ખુલશે હું અને શિવાય તને ગાડી માં ઘરે મુક્વા આવીશુ પણ સાંભળે એ બીજા . મોહન હવે થાક્યો હતો કદાચ ડરી ગયો હતો. એને પોતાના થી જુદા પડી જવાની શંકા ઘેરી વળી હતી. એ બસ જવા જ માંગતો હતો.


નેહા એ પાંચ લિટર ની ચાર બોટલ , એ નવી સાયકલ , ORS ના પેકેટ અને ઘરે બનાવેલ થેપલા ના પેકેટ મોહન ને આપ્યા.સાયકલ માં આ બધો સમાન બાંધી ને મોહન અને એનો જ કાળું ડુંગરપુર જવા નીકળ્યા. પાંચ એક દિવસ થઇ ગયા, નેહા એ પહેલા બે દિવસ સુધી મોહન સાથે વાત કરી હતી. પછી તો મોહન નો ફોન લાગ્યો જ નહિ. આ બાજુ એ મોહન ના ઘરે સામેથી ફોન કરીને એ લોકો ની ચિંતા માં વધારો કરવા ન માંગતી હતી. આમ ને આમ અઠવાડિયું થઇ ગયું. હવે નેહા થી ન રહેવાયું. એણે મોહન ના ઘરે ફોન કર્યો પણ ફોન બંધ આવ્યો. એ કરે તો શું કરે . એને મોહનની ચિંતા થવા લાગી.

ઘર ના દરેક ખૂણા માં એની ગેરહાજરી વર્તાતી હતી. શિવાય પણ કહેતો કે મોહન ક્યારે પાછો આવશે. નેહા ના સાસુ પણ રોજ એક વાર નેહા ને પૂછતાં કે મોહન ના કોઈ સમાચાર આવ્યા ? અંશ પણ મોહન ના રૂમ માં જઈ જઈ ને ડોકિયાં કરતો અને મોહન મામા એમ બૂમો પાડતો. અંદરથી કોઈ અવાજ ન આવતા પાછો આવીને બેસી જતો.


પંદર દિવસ પછી મોહન ના ઘરે થી મોટા છોકરા નો ફોન આવ્યો. નેહા એ સ્ક્રીન પર નંબર જોતા ફોન તરત જ ઉપાડી લીધો. ફોન પર મોહન નો પુત્ર સુરજ બોલ્યો કે પપ્પા હજી ઘરે નથી પહોંચ્યા. અને અમારા ફોન માં બેલેન્સ પતી ગયું હતું. બજાર માં જઈ ચાર્જ કરાવે એવું કોઈ ન હતું એટલે ફોન બંધ થઇ ગયો હતો. આજે એક મામા આવતા એમ ને કોઈ ભાઈબંધ ને કહીને દશ રૂપિયા નું બેલેન્સ કરાવ્યું. નેહા સુરજ સાથે વાત કરતા રડી પડી. એણે તરત સુરજ ના ફોન માં પાંચશો રૂપિયા નું બેલેન્સ કરાવ્યું. મોહન અને એનો પિતરાઈ ભાઈ કાળું બંને ક્યાં હતા એની કોઈ ને ખબર ન હતી.એ લોકો સલામત છે કે નહિ એ પણ એક સવાલ હતો.


વળી ધીરે ધીરે કોરોના પોતાનો કહેર મચાવી રહ્યો હતો . ચારે બાજુ સમાચાર માં મૃત્યુ આંક સતત વધી રહેલો બતાવતો હતો. હૉસ્પિટલ માં જગ્યા ન હોવાના સમાચાર આવતા હતા. અમદાવાદ ની તો શ્રેય હોસ્પિટલ જે કોવીડ હોસ્પિટલ જાહેર થઇ હતી એમાં આગ લગતા ૧૦ જણ ના મૃત્યુ થયા હતા. નિરાશા અને હતાશા ની ચરમ સીમા એ પહોંચેલા આ વાતાવરણ માં કોઈ આશા નું કિરણ દેખાતું ન હતું. ચારે કોર લોકો વ્યથિત અને દુઃખી હતા. માણસ નો માણસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. જે હાથ ક્યારે આશ્વાસન આપવા ખભે મુકવામાં આવતા એ હાથ સેનિટાઇઝર અને હેન્ડ વોશ માં વ્યસ્ત રહેવા માંડ્યા હતા. હોઠો નું સ્માઈલ માસ્ક ની પાછળ છુપાવા લાગ્યું હતું.

મોહન ને નીકળે આજે સવા મહિનો થઇ ગયો હતો પણ એના કોઈ સમાચાર ન હતા. કેટલીય વાર નેહા રાત્રે ઊંઘ માં થી ઉઠી જતી. એને સપના માં દેખાતું કે મોહન એને નેહા બેન કહીને બોલાવી વરહ્યો છે.


આવા માં એક વાર સવારે નવ વાગ્યે ફરીથી સુરજ ના મોબાઈલ માં થી ફોન આવે છે . વિડિઓ કોલ હતો પીક કરતા જ સામે સ્ક્રીન પર મોહન દેખાય છે . અહીંયા થી ગયો એ મોહન ની જગ્યા એ થાક અને માંદગીને લીધે નંખાઈ ગયેલા દુબળા નબળા મોહન ને જોતા જ નેહા ની આખો માં થી આંસુ વહેવા લાગ્યા. તો આ બાજુ મોહન પણ રડતો હતો. નેહા એ પૂછ્યું, ભાઈ મોહન , તું ઠીક તો છે ને ? ત્યારે મોહને જવાબ આપ્યો કે નેહા બેન તમારી વાત માની હોત તો સારું થાત. કોઈક સારા કર્મો ને કારણે જ હું બચી ગયો.

વિસ્તારથી પૂછતાં મોહને જણાવ્યું કે રાજસ્થાન ની બોર્ડર પાસે એની સાયકલ ને છીનવી લેવા માટે ચાર એક લોકો એ એની અને કાળું ની સાથે ઝપાઝપી કરી હતી .આ ઝાંપા ઝાંપી માં મૂઢ માર વાગ્યો હતો વળી એમાં એક જણ કોરોના વાળો હશે જેનો ચેપ મને અને કાળું ને લાગ્યો હતો. સાયકલ ની સાથે અમારો ફોન અને બીજો સમાન પણ એ ચોર લઇ ગયા હતા . આ તો ભલું થજો એક આંધળી માઇ નું જેને આટલા દિવસ અમને એની ઝૂંપડી માં રહેવા દીધા અને રોટલા બનાવી આપ્યા . તોય હું કાળું ને ના બચાવી શક્યો. એનો તાવ ઉતારતો જ ન હતો અને આખરે તાવ આવવાના ૫ માં દિવસે એ મરી ગયો. પચીસ દિવસે બોલવાના અને સમજવાના હોશ આયા. એ માઇ ની મદદ થી અંદર ગામમાં ગયો અને એના ઓળખીતા ના ફોન પરથી સુરજ ને ફોન કરતા , મારા ગામ ના લોકો ગાડું લઈને મને લેવા આયા. નેહા એ માઇ વિશે પૂછતાં મોહને માઇ ની આગળ ફોને ધર્યો . એ બોલ્યો કે પછી હું માઇ ને અહીંયા લઇ આવ્યો. મારી માં તો છે નહિ તો હવે આ માઇ મારી સાથે જ રહેશે. નેહા એ માઇ ને "રામ રામ " કહ્યા .


નેહા એ મોહન ને કહ્યું કે જે થયું એ ભૂલી જા અને હવે જલ્દી થી સારો થઇ જા. એણે ૨૦ હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરી આપ્યા મોહન ના બેન્ક એકાઉન્ટ માં અને ખુબ આરામ કરવાનું કહ્યું. સારો ગરમ ખોરાક લે અને પૈસા ની ચિંતા ના કરતો એવી ભલામણ પણ કરી. ફોન મૂક્યા પછી એણે ઘર માં સાસુ માં ને,અને શિવાય ને ફોન કરીને કહ્યું. એના સગા ના WA ગ્રુપ માં પણ મોહન જીવિત હોવાની વાત કરી. નેહા અંશ ને મળી અને એને ગોળ ગોળ ફુદરડી ફેરવતા બોલી કે અંશુ તારા મોહન મામા જીવે છે.


નેહા વિચારતી હતી કે મોહન સાથે શું સંબંધ છે મારો પણ છતાં એના માટે જીવ બળે છે . પેલા ચોર એવા કેવા મજબૂર હશે કે સાયકલ ની ચોરી માટે આટલો માર મારી ગયા અને પેલા આંધળા માજી . માણસાઈ ની મિશાલ બની રહ્યા . અને આપણા જેવા લોકો જે ખરેખર કંઈક કરી શકે છે એ તમાશો જોતા બેસી રહ્યા.


સાંજે શિવાય ના આવ્યા પછી ફરીથી બધી સલાહ અને સૂચનો આપતો ફોન કર્યો અને સાથે બીજી કેટલીય દવા ઓ ના નામ કહ્યા. જે લઇ શકાય અને ત્યાં સરળતા થી મળી જાય. તેને અને શિવાય એ નક્કી કર્યું કે એ લોકો કોવીડ ના દર્દી ઓ ને વધારે ડિસ્કાઉન્ટ આપી ને દાવો વેચશે અને નેહા એ દિવસ થી પાંચ જણ નું ખાવાનું બનાવી ને ઘર થી થોડે દૂર આવેલ ઝુપડપટ્ટી માં વહેંચવાનું નક્કી કર્યું. એની સાથે સોસાયટી ના બીજા ઘર પણ જોડાયા અને હવે એમ કરતા સો માણસ નું જમવાનું રોજ એમની સોસાયટી માં થી જવા લાગ્યું જે હજી આજે પણ ચાલુ છે.


દિવાળી પછી હવે મોહન પાછો આવી ગયો છે અને દિવાળી પછી વધેલા કેસ ને જોતા હવે એના ઘર વાળા એને ખાસ કહે છે કે જ્યાં છે ત્યાંજ રહેજે અને ઘેર આવાની ઉતાવળ ન કરતો . મોહન અને અંશ રોજ સાંજે માસ્ક પહેરીને સોસાયટી ના કોમન એરિયા માં પાંચ રાઉન્ડ સાયકલ પર લગાવે છે અને આશા કરે છે કે જલ્દી એમને એ રાઉન્ડ લગાડવા માટે માસ્ક ન લગાડવા પડે.


સમાપ્ત