Fari Malishu. - 12 in Gujarati Fiction Stories by ભાવેશ રોહિત books and stories PDF | ફરી મળીશું !! - પ્રકરણ - ૧૨

Featured Books
Categories
Share

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૨

ફરી મળીશું !!
પ્રકરણ - ૧૨


આજે રવિવાર હોવાથી થોડું મોડો ઉઠ્યો હતો. સિગારેટ પિતા પિતા હું ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો. ન્યૂઝ પેપર વાંચતા મને અચાનક લોપનો વિચાર આવ્યો. આજે અગિયાર વાગે તેણે મને ઇનોરબીટ મોલમાં મળવા માટે કહ્યું હતું. પહેલા તો મને તેને આમ મળવા જવું થોડું અજુગતું લાગતું હતું. પણ મેં તેને મળવા માટે હા પાડી હતી હવે નહિ જાવ તો પણ સારું નહીં લાગે. આમ વિચારી હું જવા માટે તૈયાર થયો. મેં ઘડિયાળમાં જોયું તો દસ વગીને દસ મિનિટ થઈ હતી. મોલ પહોંચતા મને અડધો કલાક થશે એમ વિચારી મેં થોડીવાર પછી નીકળવાનું વિચાર્યું.

હું રિક્ષામાં બેસીને અગીયાર વાગ્યા પહેલા મોલ પહોંચી ગયો. ઇનોરબીટ મોલ વિશે મેં સાંભળ્યું હતું આજે પહેલીવાર હું અહીંયા આવ્યો હતો. ખૂબ વિશાળ અને આકર્ષક મોલ હતો. માણસોની ભીડ પણ ખૂબ વધારે પ્રમાણમાં હતી. હું રહ્યો ગામડાનો સીધો સાદો માણસ મને આમ મોલમાં ભરવાનો ઝાઝો અનુભવ નહીં. મેં થોડી ઘણી આવી જગ્યાઓ જોઈ હતી એ પણ ઈશા સાથે એ સીવાય હું ક્યારેય ક્યાંય ગયો નહતો.

હું મોલના એન્ટ્રન્સ આગળ જતો હતો એટલામાં મારા ખભા પર કોઈએ હાથ મુક્યો. મેં પાછળ ફરીને જોયું તો લોપા તેની મોટી સ્માઈલ સાથે ઉભી હતી. તેને બ્લૂ કલરની ફ્રોક પહેરી હતી. તેના રેશમ જેવા કાળા વાળ ઊંચી પોનીમાં બંધાયેલા હતા. તેના હોઠ ઉપર ઘાટા લાલ કલરની લિપસ્ટિક લગાવેલી હતી. તે ખૂબ આકર્ષિત લાગી રહી હતી, પણ મને તેની સુંદરતાની ઝાઝી અસર થઈ નહિ. મને હજુ પણ ઇશાનો ચહેરો જ યાદ રહયો હતો. લોપા ઈશા કરતા તદ્દન વિરોધી ભાસ દેખાઈ રહી હતી.

"ગુડ મોર્નિંગ. કેમ છે?" લોપાએ તેની એ મોટી સ્માઈલ આપતા મને પૂછ્યું. તેનો અવાજ વધારે મીઠો લાગી રહ્યો હતો.

"ફાઈન, તું કેમ છે?" મેં પણ તેને ઉપચારિકતા કરતા પૂછ્યું. હું પોતે હજુ મુંઝવણમાં હતો, હું અહીંયા શા માટે હતો તે મને નહોતી ખબર.

" ફાઈન, આજે હું ખૂબ ખુશ છું. અને થેન્ક યુ સો મસ મારા માટે સમય કાઢવા માટે. હું ઘણા સમયથી તને મળવાનું કહેવા વિચારતી હતી" લોપાએ ઉતાવળમાં કહ્યું.

" તો આટલા દિવસ સુધી તે કહ્યું કેમ નહીં?" મેં પણ સામે પ્રશ્ન કર્યો. કારણ કે મને પણ જાણવાની જિજ્ઞાસા હતી કે આ છોકરીને અચાનક મારામાં આટલો બધો રસ કેમ છે.

લોપા થોડા સમય માટે કઈ બોલી નહીં, બસ મને જ જોઈ રહી.

"સાચું કહું તો હું તારી રાહ જોઈ રહી હતી કે તું મને ક્યારે મળવા માટે કહે છે. આખરે હાર માની ને મારે સામેથી કહેવું પડ્યું" લોપાએ થોડી નજાકત થી જવાબ આપ્યો.

લોપાની વાતો પરથી થોડું મને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું. આ છોકરી સામેથી આટલી બિન્દાસ બનીને તેની લાગણી વ્યક્ત કરે છે પણ આ લાગણી પારસ્પરિક નથી. મને લોપા વિશે ક્યારેય એવો વિચાર નથી આવ્યો.

"સારું, ચાલ અંદર જઈએ. કોઈ કેફેમાં બેસીએ" લોપાએ મને કહ્યું.

ઇનોરબીટ મોલ અંદરથી ખૂબ વિશાળ હતો. પાંચ માળની ઇમારતમાં બનેલ આ મોલ અદભુત લાગી રહ્યો હતો. ત્યાં જાત જાતની દુકાનો હતી. અલગ અલગ રેસ્ટોરન્ટ, કાફે અને પાર્લર હતા. એટલો જ મોટો ગેમિંગ ઝોન પણ હતો. લોપા મને ફૂડ કોર્ટમાં લઈને આવી. ત્યાં એક ટેબલ લઈને અમે બંને બેઠા.

" ધવન તું શું ખાઈશ?" લોપાએ મને પૂછ્યું.

" તને જે ઠીક લાગે એ ઓર્ડર કર. મને આમ પણ બહુ ખ્યાલ નથી અહિયાનો" મેં લોપને કહ્યું.

હું બહુ ઓછો જતો હતો આવા બધા કાફેમાં માટે મને આ બધામાં ખ્યાલ ઓછો આવતો હતો.

"સારું હું ઓર્ડર આપીને આવું છું" આટલું કહીને તે ખુરશીમાંથી ઉભી થઇને કાઉન્ટર તરફ ચાલવા લાગી. હું મારી ખુરશી પર બેઠા બેઠા નિહાળી રહ્યો હતો. તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તે જેની સાથે વાત કરતી તેનું ધ્યાન લોપા પરથી હટતું નહોતું.

લોપા બર્ગર અને કોલ્ડડ્રિન્ક લઈને આવી. અમે ત્યાં એ ટેબલ પર બેસી ને ખાધું.

" ધવન એક વાત પૂછું?" લોપાએ પ્રશ્ન કર્યો.

" હા બેશક પૂછી શકે છે." મેં કહ્યું.

" તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?" લોપનો આ પ્રશ્નએ મને હચમચાવી નાખ્યો.

મારી ગર્લફ્રેંડ વિશે જાણીને આને શુ કામ હશે. આ છોકરીના મનમાં શુ ચાલી રહ્યું હશે એ મને નહોતી ખબર પડી રહી. મેં કાઈ જવાબ આપ્યો નહીં. હું મુંઝવણમાં હતો કે અત્યારે ઈશા વિશે વાત કરવી યોગ્ય નહીં લાગે.

" હા, છે " મેં ખૂબ ટૂંકમાં જવાબ આપ્યો.

" ખરેખર " જાણે તેના માટે આ આશ્ચર્યની વાત હોય તેવી પ્રતિક્રિયા આપી. તરત એ વાતને ત્યાં છોડી લોપા મને કંપની વિશે પૂછવા લાવી.

"ધવન, તને કેવું લાગે છે આપણી કંપનીમાં?" લોપાએ મને પૂછ્યું.

" સારું છે, મને હવે કંપનીમાં મજા આવી રહી છે. ધીરે ધીરે હું કામ પણ શીખી રહ્યો છું." મેં પણ તેને સામે જવાબ આપ્યો.

" છતાં પણ તું ટૂંક સમયમાં પ્રણવસર નો ખાસ માણસ બની ગયો છે. જ્યારે હોય ત્યારે પ્રણવસર દરેક કામ તને જ આપતા હોય છે. તે એમનો ભરોસો જીતી લીધો છે." લોપાએ કહ્યું.

આ સાંભળીને મને થોડો આશ્ચર્ય લાગ્યો કે અત્યારે આ કંપની વિશે કેમ પૂછે છે છતાં પણ મેં આ વાત પર ખાસ ધ્યાન ન આપ્યું. હવે અમારો નાસ્તો પણ પૂરો થઈ ગયો હતો.

"મને લાગે છે હવે આપણે નીકળવું જોઈએ" મેં કહ્યું.

" જો તારી પાસે ટાઈમ હોય તો થોડો વધારે સમય આપણે સાથે વિતાવી શકીએ છીએ" લોપના આ શબ્દો કઈક અલગ જ લાગી રહ્યા હતા.

હવે મને લોપા પ્રત્યે થોડી વધારે શંકા થવા લાગી હતી. આટલા ઓછા સમયમાં આટલી બધી નિકટતા કોઈ કારણ વગર ના હોઈ શકે. હવે મારે આનું નિરાકરણ શોધીને રહેવું પડશે.

" રોકાઈ જાત, પણ હું કૃણાલને સમય આપીને આવ્યો છું. જેથી મારે જવું પડશે." મેં હવે ત્યાંથી નીકળવા માટે બહાનું કર્યું.

"સારું, જેવી તારી ઈચ્છા કાલે ગુપ્તાજી ટ્રેડર્સમાં મળીયે" આટલું કહી લોપા તેના સ્મિત સાથે બહાર જવા માટે નીકળી.
લોપા ખૂબ ઓછા સમયમાં મારી નજદીક આવવા માંગતી હોય તેમ લાગી રહ્યું હતું.

*

પ્રણવસરે કામ સોંપે 2 અઠવાડિયા જેટલો સમય થઇ ગયો હતો પણ હજુ કાંઈ સુરાગ મળ્યા ન હતા. હું કોઈને કોઈ રસ્તાની શોધમાં હતો.

"ધવન તારી તપાસ ક્યાં સુધી પહોંચી?" પ્રણવસરે કહ્યું. શુ જવાબ આપવો એ મુંઝવણમાં હતો. હજુ તો મને કોઈ નક્કર પુરાવા મળ્યા નહતા.

" સર, તપાસ ચાલુ છે. મેં બધી ફાઇલનો અભ્યાસ કર્યો છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. મને લાગે છે ત્યાં સુધી ડુપ્લીકેટ ચલણ દ્વારા માલ ગોડાઉનથી બહાર નીકળી રહ્યો છે. અને એ ચલણ આપણી ઓફિસથી કોઈના દ્વારા પહોંચી રહ્યું છે" મેં કહ્યું.

"એતો મને પણ શંકા છે. મેં તારા જેવો બીજો એક માણસ ગોડાઉનમાં ગોઠવ્યો હતો. તેણે મને માહિતી આપી છે કે મિશ્રા આ કૌભાંડમાં પૂરેપુરી મિલીભગત છે. પણ જો આપણે સીધો મિશ્રાને પકડીશું તો તે તેના સાથીદારનું નામ નહિ આપે અને એ દગાબાજ આપણા હાથમાંથી છટકી જશે" પ્રણવસર કહેવા લાગ્યા.

આ સાંભળીને મેં ઉતાવળમાં ફાઇલ કાઢીને બતાવતા કિધુ. "જોવો આ ડુપ્લીકેટ ચલણ તેમાં જે સાઈન છે એ મિશ્રાની છે. હું આજે તમને કહેવાનો હતો".

" આપ મને મંજૂરી આપોતો હું ઓફિસનો સમય પત્યા પછી બધા કર્મચારીઓના ટેબલ ખાનગીમાં તપાસ કરવા માગું છું. કદાચ ત્યાંથી કોઈ સુરાગ મળી રહે" મેં તરત ઉમેર્યું.

"તને ઠીક લાગતું હોય તો તું એ કરી શકે છે. પણ ખાસ ધ્યાન રાખજે સ્ટાફમાં આ બાબતની કોઈને જાણ ન થવી જોઈએ નહિતર એ સતર્ક થઈ જશે. અને આપણી મહેનત માથે પડશે" પ્રણવસરે આટલો જવાબ આપી તેમના કામમાં પરોવાયા.

એ દિવસે હું મોડા સુધી કામ કરતો રહ્યો. લગભગ સાત વાગ્યાની આજુબાજુ ધીરે ધીરે બધા જવા લાગ્યા. હવે હું, લોપા અને શંભુકાકા અમારા પટાવાળા ત્રણ જણ રહ્યા હતા. હું લોપા અને શંભુકાકાની જવાની રાહ જોવા લાગ્યો.

" આજે ઘરે જવાની ઈચ્છા નથી કે શું?" થોડા સમય પછી લોપા મારા ટેબલ પર આવીને કહેવા લાગી.

" ના, બસ તૈયારી જ છે થોડું કામ બાકી છે. માર્ચ એન્ડિંગ છે માટે પ્રણવસરે બધી ફાઇલ પુરી કરવા માટે કહ્યું છે જેથી આજે થોડું મોડું થઈ જશે" મેં બહાનું બતાવતા જવાબ આપ્યો.

" તું કેમ આટલી મોડા સુધી છે...હમ્મ..?" મેં પણ વળતો પ્રશ્ન પૂછ્યો.

"હું તારી રાહ જોઈ રહી હતી. આજે મારુ એકટીવા ખરાબ થઈ ગયું છે. મને થયું કે તું મને છોડી જઈશ". લોપાએ કહ્યું.

" જરૂર તને મૂકી જાત, પણ આજે મારે ખૂબ જ કામ છે અને મોડું પણ વધારે થી જશે". હું સીધી રીતે ના ના કહી શક્યો.

"કોઈ વાંધો નહિ. નસીબમાં આજે રિક્ષાની સવારી લખી હશે" આમ બોલતા હસવા લાગી. આજની સ્માઈલ તેની પ્રાકૃતિક નહોતી લાગતી. લોપા કોઈ મુંઝવણમાં હોય તેમ લાગી રહી હતી. તેના મનમાં કઈ વિચારો ચાલી રહ્યા હતા.

આજ વસ્તુ મેં હું અને લોપા મોલમાં મળ્યા ત્યારે પણ નોટિસ કરી હતી પણ મેં પૂછ્યું ન હતું. આજે થયું પૂછી જોઉં પછી વિચાર્યું કે મારે બને એટલું લોપાથી દૂર રહેવાનું છે.

લોપાના ગયા પછી થોડીવાર બાદ શંભુકાકા પણ નીકળી ગયા. હવે હું એકલો હતો ઓફિસમાં. મેં એક પછી એક બધાના ટેબલ ચેક કરવાનું વિચાર્યું. એક કલાક સુધી બધાના ટેબલ તપાસ્યા બાદ મને કાંઈ મળ્યું નહીં. હું ઉદાસ થઈ ગયો. મારે કઈ પણ કરીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવો હતો.

કંટાળીને મારા ટેબલ પર આવીને બેઠો. મગજને જોર આપી વિચારવા લાગ્યો પણ કંઈ જડતું ન હતું. આખરે હાર સ્વીકારી ઘરે જવા નીકળ્યો. ઓફિસમાંથી બહાર નીકળતો હતો એટલામાં યાદ આવ્યું કે મેં હજુ લોપાનુ ટેબલ તપાસ્યું નહતું.

પાછો ઓફિસમાં આવીને લોપાના ટેબલની જળતી લેવા લાગ્યો. તેની બધી ફાઇલ અને કાગળો તપાસતા મને ઘણું બધું જાણવા મળ્યું. તેના ટેબલના છેલ્લા ડ્રોવરમાં મને એક બુક મળી જેમાં ઓફિસના નામના ડુપ્લીકેટ ચલણ હતા. આ જોઈ મારી આંખો ખુલ્લી રહી ગઈ. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ ષડયંત્રની પાછળ લોપનો હાથ હશે. ત્યાંથી હું બધા અગત્યના કાગળો મારી બેગમાં લઈને ફટાફટ ઓફિસથી બહાર નીકળી ગયો.

મેં ઓફિસથી બહાર આવીને પહેલા પ્રણવસરને ફોન કર્યો.
" હેલ્લો, સર શું આ યોગ્ય સમય છે તમારી સાથે વાત કરવાનો?" મેં વાત કરતા પહેલા તેમની મંજૂરી માંગી. હું નહોતો ઇચ્છતો કે તેઓ ડીસ્ટર્બ થાય.

"હા, ધવન બોલ. શુ થયું?" પ્રણવસરે કહ્યું.

"મેં આ આખા ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે. હવે તમે રૂબરૂ સવારે ઓફિસમાં મળો એટલે આરોપી તમારી સામેં હશે." મેં કહ્યું.

"કોણ છે તું જણાવીશ તો મને થોડું ક્લિયર થશે" પ્રણવસર આતુરતાથી પૂછવા લાગ્યા. તેમની અધીરાઈ પણ વ્યાજબી હતી.

"અત્યારે નહીં હું સવારે તમને બધી માહિતી વિસ્તારમાં આપીશ" આટલું કહી મેં ફોન મૂકી દીધો.

રૂમ પર પહોંચી ગયો હતો પણ હજુ પણ મારું મગજ ઓફિસમાંથી બહાર નહોતું આવી રહ્યું. હું મુંઝવણમાં હતો કે શું લોપા આમ કરી શકે છે. તેને આમ કરવા પાછળ કોઈ મજબૂરી હશે. પથારીમાં પડ્યો હતો પણ મને ઊંઘ નહોતી આવી રહી. એકવાર તો વિચાર્યું કે સીધા જ લોપાને ફોન કરીને બધી ચર્ચા કરી લઉ પછી થયું કે આ ચર્ચા કરવી અત્યારે યોગ્ય નહીં રહે. હવે જે થશે એ સવારે.

શુ લોપાને કોઈએ મજબુર કરી હશે આમ કરવા માટે? મારા વિચારો હજુ પણ રોકાતા ન હતા. પથારીમાંથી ઉભો થઈને બાલ્કનીમાં ગયો. ત્યાં ઉભા રહીને સિગારેટ સળગાવી. સમસમાટી ભર્યો ઠંડો પવન મારા શરીરને સ્પર્શી રૂમમાં પ્રવેશી રહ્યો હતો. ખબર નહિ કેમ પણ અત્યારે મારા હદયમાં એક અલગ જ પ્રકારની ધ્રુજારી થવા લાગી. શુ લોપા આ કારણથી મારી નજીક આવી હશે?







................................( ક્રમશઃ ).................................

- રોહિત ભાવેશ