Kon Samajdar – Divyesh Trivedi in Gujarati Moral Stories by Smita Trivedi books and stories PDF | કોણ સમજદાર? – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

કોણ સમજદાર? – દિવ્યેશ ત્રિવેદી

એક લગ્ન નિમિત્તે વડોદરા જવાનું થયું ત્યારે બે દિવસના રોકાણ દરમ્યાન ગમે તેમ સમય કાઢીને પણ બિહારીભાઈને મળવું એવું મનોમન નક્કી કર્યું. વડોદરા આવતાં અગાઉ બિહારીભાઈ અમારી સોસાયટીમાં જ રહેતા હતા. એમના પત્ની અનસૂયાબહેન અમારા ગામના અને વળી એક જ નાતનાં. કોલેજમાં એક વર્ષ આગળ પહેલેથી જ ભાઈ કહીને બોલાવે. એમના બન્ને બાબા સુનિલ અને અનિલ પણ ‘મામા’ કહે. અમારો સંબંધ દિવસે દિવસે ગાઢ થતો જતો હતો. એવામાં બિહારીભાઈએ કેટલાક કૌટુંબિક કારણોસર વડોદરા બદલી કરાવીને વડોદરામાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું. એ વખતે એમનો મોટો દીકરો સુનિલ લગભગ પાંચ વર્ષનો હતો.

એમના વડોદરા ગયા પછી પણ સારો એવો સમય અમારો સંપર્ક જળવાઈ રહ્યો. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી અમારો કૌટુંબિક સંપર્ક કપાઈ ગયો હતો. વચ્ચે માત્ર એક જ વાર મોટા દીકરા સુનિલના લગ્ન નિમિત્તે ઊભા ઊભા વડોદરા જવાનું થયું હતું. સુનિલે પરનાતની છોકરી પસંદ કરી હતી. સુનિલે તો એક જ વર્ષ કરીને કોલેજ છોડી દીધી હતી. પરંતુ એણે પસંદ કરેલી છોકરી એ વખતે કૉલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપી રહી હતી. બિહારીભાઈએ હસતાં હસતાં કહ્યું હતું કે કદાચ ભણેલી પત્ની મેળવીને સુનિલને ભણવાની ચાનક ચડશે. જો કે સુનિલે થોડો સમય નાની મોટી નોકરી કર્યા પછી ખૂબ નાના પાયે કૉમ્પ્યુટર એસેસરીઝ અને સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધીમે ધીમે એ વ્યવસાયમાં જ સ્થિર થવા માંગતો હતો. એટલે એની ભણવાની ઈચ્છા જાગે એવું લાગતું નહોતું.

અમે ગયાં ત્યારે અનસૂયાબહેન પૂજાના રૂમમાં હતા અને બિહારીભાઈ ડ્રોઇંગરૂમમાં સોફા પર બેઠા બેઠા ટીવી જોતા હતા. અમને જોઈને એમણે ટીવી બંધ કર્યું, ઊભા થઈને અમને આવકાર આવ્યો અને જોરથી બૂમ પાડી, “અનુ, બહાર આવ તો! ભગવાન આપણું કશું સાંભળવાનો નથી. અમથી પૂજા કરવાને બદલે જો તો કોણ આવ્યું છે?” બિહારીભાઈના અવાજમાં હંમેશ જેવી તાજગી નહોતી સામાન્ય રીતે તો એ એમ જ કહેતા કે, “અનુ, જો તો મારાં સાસરિયા આવ્યા છે!”

અમે ઘરમાં આમ તેમ નજર કરી. સુનિલ, એની પત્ની કે અનિલ કોઈ દેખાતું નહોતું. એટલામાં તો અનસૂયાબહેન બહાર આવ્યાં. અમને જોઈને એમને પણ આનંદ તો થયો. પરંતુ એમનું મન પણ ભારે હોય એવું દેખાઈ આવ્યું.

ઔપચારિક ખબર-અંતર પૂછતાં પૂછતાં જ પૂછાઈ ગયું, “સુનિલ… અનિલ…?”

અમારા પ્રશ્નના જવાબમાં બિહારીભાઈ અને અનસૂયાબહેને એક બીજાની સામે જોયું અને પછી નજર નીચી ઢાળી દીધી, પરંતુ બિહારીભાઈ કૃત્રિમ સ્વસ્થતા એકઠી કરીને બોલ્યા, “અનિલને મુંબઈમાં સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મળી ગયું છે. ગઈ કાલ રાતની ટ્રેનમાં જ એ મુંબઈ ગયો છે.” અમને લાગ્યું કે, કદાચ આ કારણે જ એમના મન પર થોડો ભાર હશે. પરંતુ સુનિલ અને એની પત્ની ભૈરવી દેખાતાં નહોતાં. છતાં એ લોકો જ કંઈક કહેશે એમ માનીને આગળ પૂછ્યું નહીં. પરંતુ ઘણી વાર સુધી એમણે સુનિલના નામનો ઉલ્લેખ જ ન કર્યો એટલે છેવટે પૂછી જ નાખ્યું.

થોડી વાર તો કોઈ કંઈ જ બોલ્યું નહીં. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “આ જન્મે તો અમે કોઈ પાપ કર્યું હોય એવું અમારી જાણમાં નથી. કદાચ ગયા ભવના પાપની જ સજા ભોગવીએ છીએ…”

અનસૂયાબહેન બિહારીભાઈની પાછળ આવીને ઊભાં રહી ગયાં. અનસૂયાબહેન કંઈક બોલવા જતાં હતાં. એમણે ‘સુનિલ અને…’ એટલું જ કહ્યું ત્યાં બિહારીભાઈ એમને અટકાવીને બોલ્યા, “સુનિલ ઘર છોડીને જુદો થઈ ગયો છે. હવે એને મા-બાપ નથી દેખાતાં, પત્ની જ દેખાય છે. મા-બાપનો નિસાસો લઈને કદી કોઈ સુખી થયું નથી. અમે તો એના નામ પર ચોકડી જ મારી દીધી છે. બધાં જ સગાં-સંબંધીને કહી દીધું છે કે, સુનિલ સાથે અમારે કોઈ સંબંધ નથી. તમારે એની સાથે સંબંધ રાખવો હોય તો અમારી સાથેનો સંબંધ પૂરો”

“પણ આવું કઈ રીતે થયું? સુનિલ છોકરો તો હોંશિયાર અને ડાહ્યો છે. સમજદાર પણ છે. લાગણીવાળો પણ છે. તો પછી આવું શી રીતે થયું? મને કહો, હું એને સમજાવીશ. મને ‘મામા’ કહે છે અને એ મારું તો માન રાખશે જ!”

બિહારીભાઈ તરત જ બોલ્યા, “ના, તમારે એને મળવાની કે સમજાવાની જરૂર નથી. એનાં કરમ એ ભોગવશે!”

છતાં થોડો આગ્રહ કર્યો એટલે બિહારીભાઈ બોલ્યા, “પહેલાં તો પરનાતની છોકરી સાથે એને લગ્ન કરવાની મંજૂરી આપીને અને રંગેચંગે એનાં લગ્ન કરાવી આપીને જ અમે ભૂલ કરી હતી. સુનિલે ખોટું પાત્ર પસંદ કર્યું છે એ વાત હજુ ય એને સમજાતી નથી. એ છોકરી જ કંકાસના મૂળમાં છે!”

“એવું તે શું છે એ છોકરીમાં?”

“જવા દો ને વાત, બાંધી મુઠ્ઠી લાખની! છોકરીના બાપે બે વખત દેવાળું ફૂંક્યું છે. એનો ભાઈ લફંગો છે અને જેલમાં જઈ આવ્યો છે. પાછું એને એના રૂપનું અને ભણતરનું અભિમાન બહુ છે. સુનિલ પર તો એણે એવો જાદુ કર્યો છે કે સુનિલ એની જ આંખે જુએ છે!”

“બહુ કહેવાય!”

“અમને એમ હતું કે કંઈ નહીં, છોકરો તો આપણો છે ને! પણ છોકરો ય એની આંખે જ જોતો હતો. એની મમ્મી ભૈરવીને કોઈક વાતે કામ માટે ટોકે તો એ સામે થઈ જતી અને સુનિલ પણ એનો જ પક્ષ લઈને એની મમ્મી સાથે ઝઘડતો.”

“કંઈ નહીં. હવે જુદો થઈ જ ગયો છે તો એને ઘેર સુખી થાય એવા આશીર્વાદ જ તમારે આપવાનાં હોય.” અમે વાતને વાળી લેતાં કહ્યું.

પરંતુ બિહારીલાલ બોલ્યા, “એણે તો આશીર્વાદ લેવા જેવું ય નથી રાખ્યું. મને તો એને શાપ આપવાનું મન થાય છે…”

“કેમ એવું બોલો છો?”

“ત્યારે શું? તમને ખબર છે, ભૈરવીએ એની મમ્મીને ધક્કો માર્યો તો એની મમ્મીએ ભૈરવીને ગળચીએથી પકડી એટલે સુનિલે એની મમ્મીને થપ્પડ લગાવી દીધી. મને પણ જેમ તેમ બોલ્યો અને પછી ઘરમાંથી નીકળી ગયો. કહેતો ગયો કે તમે બન્ને અમારા નામનું નાહી નાંખજો!”

“ઉછળતું લોહી છે એટલે કદાચ વિવેક ચૂકી જાય પણ બિહારીભાઈ, તમારે મોટું મન રાખવું જોઈએ. આપણામાં કહેવત છે ને કે છોરું કછોરું થાય. પણ માવતર કમાવતર ન થાય.”

“હવે મોટું મન રાખવાનો સવાલ જ નથી. હું તો એને કદી માફ કરવાનો નથી.” બિહારીભાઈ અંદર ને અંદર ઘૂંઘવાતા હતા.

“એનો બિઝનેસ તો સારો ચાલે છે ને?”

“આમ તો સારો ચાલે છે. હમણાં બે – ત્રણ મોટી કંપનીઓનું એને સારું કામ મળ્યું છે. એટલે પણ ભાઈ તાનમાં આવી ગયા છે. એમાંથી એક કંપનીના પરચેઝ મેનેજર મારી ઓફિસમાં કામે આવ્યા હતા. એમની સાથે મેં થોડીક ગોઠવણ કરી આપી તો ઉપકાર માનવાને બદલે મારી સાથે ઝઘડો કર્યો અને મને કહેવા માંડ્યો કે ‘આજ પછી તમારે મારા કામમાં દખલગીરી કરવી નહીં.’ એ પરચેઝ મેનેજર સાથે ગોઠવણ પણ એણે રદ કરી અને મોટું કામ ગુમાવ્યું. આમ જ કરશે તો એનો ધંધો લાંબો ચાલવાનો નથી…” બિહારીભાઈના ચહેરા પર અણગમાના ભાવ ઊપસી આવ્યા.

પછી તો ઘણી બધી વાતો થઈ. લગભગ બધી જ વાતનો મુખ્ય વિષય સુનિલ અને ભૈરવી જ હતાં મનમાં થયું કે સુનિલને પણ મળવું જ જોઈએ. અમે ઈચ્છા વ્યક્ત કરી તો બિહારીભાઈએ અમને રોક્યા, “કદાચ તમે એની સાથે અમારી વાત કરવા જશો તો એ તમારું પણ અપમાન કરશે…”

“ના, ના! એવું નહીં કરે! અને કરશે તો અમે તરત પાછાં વળી જઈશું.”

બિહારીભાઈ ચૂપ રહ્યા. અનસૂયાબહેન પણ ચૂપચાપ ઊભાં હતાં. પરંતુ એમનો ચહેરો જાણે કહી રહ્યો હતો કે, “ભાઈ તમે એક વાર સુનિલને મળો!” બહુ કહ્યું ત્યારે બિહારીભાઈએ કમને સુનિલનું સરનામું આપ્યું. અનાયાસ જ સંત ઓગસ્ટીનનું પેલું વિધાન યાદ આવી ગયું, ‘ઓડી ઓલ્ટરેમ પાર્ટેમ’ – બીજા પક્ષને પણ સાંભળો.

અમારા મૂળ કાર્યક્રમ પ્રમાણે તો સાંજે રિસેપ્શન પતાવીને રાત્રે જ નીકળી જવાનું હતું. પરંતુ હવે સુનિલને મળ્યા વિના જતા રહીએ તો વાત અધૂરી રહી જાય. એથી રિસેપ્શનમાંથી વહેલાં નીકળી સુનિલને ઘેર ગયાં.

સુનિલ અમને જોતાં જ હરખ ઘેલો થઈ ગયો. એની પત્ની ભૈરવી ખરેખર રૂપાળી હતી. લગ્ન વખતે તો માત્ર એને અછડતી જોઈ હતી. એય સુનિલની સાથે અમને પગે લાગી અને તરત પાણી લઈ આવી. સુનિલે પૂછ્યું, “મામા, શું જમશો? આજે આવ્યા છો તો જમ્યા વિના જવાનું નથી.”

“બેટા, અમે રિસેપ્શનમાં દબાવીને ખાઈને આવ્યા છીએ. આજે તો માત્ર તને મળવા જ આવ્યા છીએ. ભૈરવીને પણ મળાયું નહોતું…”

“મામા, તમે આવ્યા એ મને ખૂબ જ ગમ્યું. મને ખાતરી છે કે તમે તમારી મેળે જ આવ્યા હશો. મમ્મી-પપ્પાએ તો ઊલટું તમને અહીં આવવાની જ ના પાડી હશે. ખરું ને?”

અમે કંઈ જવાબ ન આપ્યો એટલે એણે જ પૂછ્યું, “ખેર, મમ્મી-પપ્પા મજામાં છે ને? એમનો લાડકો દીકરો એમની પાસે છે એટલે એમને શેની ચિંતા હોય?”

“અનિલની વાત કરે છે ને? તને ખબર નથી એ તો ગઈ કાલે જ મુંબઈ ગયો. એને બિઝનેસ એડમિ…”

“એમણે મને જણાવવાની શી જરૂર? એમણે તો મને ઘરમાંથી કાઢી મૂક્યો છે!” સુનિલના અવાજમાં નિસાસો હતો.

“અલ્યા, તને કાઢી મૂક્યો છે કે તું જ ઘર છોડીને નીકળી ગયો છે?” વાતનો અચાનક દોર પકડાઈ ગયો.

સુનિલ તરત જ બોલી ઊઠ્યો, “મામા, હું તમને એક જ વાત કહી દઉં? એમણે તમને બધું જ કદાચ ખોટું નહીં કહ્યું હોય તો સાચું પણ નહીં જ કહ્યું હોય!”

“એટલે? હું તારી વાત બરાબર સમજ્યો નહીં!”

“મામા, મને ખબર છે કે તમે એમની વાત સાંભળીને જ અહીં આવ્યા છો. મારી વિનંતી છે કે મને પણ તમે સાંભળો એનું કારણ છે કે એ બધાંને સંબંધ કાપી નાંખવાની ધમકી આપીને અહીં આવતાં અટકાવે છે. તમને કેવી રીતે સરનામું આપ્યું એનું જ મને આશ્ચર્ય થાય છે!” સુનિલ પ્રમાણમાં ખૂબ સ્વસ્થ હતો. એણે ભૈરવી તરફ ફરીને કહ્યું, “મામા માટે ચા તો મૂક!”

પછી એણે આગળ ચલાવ્યું, “એમને ભૈરવી પ્રત્યે કોઈક પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. મામા, ભૈરવી મારા કરતાં વધુ ભણી છે એનો મને કે ભૈરવીને કોઈ વાંધો નથી, તો એમને શા માટે વાંધો હોવો જોઈએ? અને એમને એમ છે કે ભૈરવીને એના રૂપ અને ભણતરનું અભિમાન છે. હું એ વાત માનતો નથી. અને કદાચ હોય તો પણ એની પાસે રૂપ અને ભણતર બન્ને છે. અભિમાન કરવાનો એને હક છે.” સુનિલ સહેજ જુસ્સાથી બોલી રહ્યો હતો.

“ચાલ એ વાત જવા દે…”

“ના, ના! આગળ સાંભળો. મમ્મી આટલા વખત પછી પણ એના જુનવાણી સ્વભાવમાંથી બહાર આવી નથી. એણે તો વહુને વહુ તરીકે પણ સ્વીકારી નથી. સાસુપણું બજાવવાનો એનો મોહ છૂટતો નથી. મામા, નાની નાની વાતમાં ટોક્યા કરે એ કોને ગમે? હું મમ્મીને સમજાવવા જઉં તો એ મને ગમે તેમ બોલે અને પપ્પા તો એમ કહીને મહેણાં જ મારે ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ એમ કહીને એ મારા ઓછા ભણતર અને ભૈરવીના વધુ ભણતર પર જ પ્રહાર કરે”

“પણ એ તો કહે છે કે …”

“એ શું કહેવાના હતા? એમની નજરમાં ભૈરવીની જ્ઞાતિ અમારા કરતા ઊતરતી હતી. મેં એમને કહ્યું કે આજના જમાનામાં તમે ગધેડાને તાવ આવે એવી વાત કરો છો. તો મને કહે કે તે મને ગાળ આપી!”

“બીજું બધું તો બરાબર. પણ તે મમ્મી પર હાથ ઉપાડ્યો હતો એ વાત સાચી?”

“મામા, એ આખી વાત તમને કહું. ભૈરવી રસોડામાં ઊભી ઊભી કાતરી તળતી હતી. મમ્મી છેક એની નજીક જઈને કાતરી કેવી રીતે તળાય એની શિખામણો આપતી હતી. ગેસ પરની કડાઈ સહેજ હાલી એટલે ભૈરવીને થયું કે, કડાઈ હમણાં પડશે. એટલે એણે મમ્મીને આઘા ખસવા ધક્કો માર્યો. કડાઈ તો પડતી બચી ગઈ, પણ મમ્મી વિફરી. ભૈરવીની ગળચી પકડીને મોટેથી બોલવા માંડી, “લે, મને મારી નાંખ.” હું એ જ વખતે રસોડામાં આવ્યો અને આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયો હું ગુસ્સામાં આવીને ભૈરવીને લાફો મારવા ગયો ત્યાં મમ્મીએ આડો હાથ કર્યો અને થપ્પડ એના હાથ પર વાગી ગઈ. એણે ફરી બૂમો પાડી, “આ સુનિલ મને મારે છે!” આ સાંભળીને પપ્પા દોડી આવ્યા અને મને કહેવા લાગ્યા, “તું અબ ઘડી આ ઘરમાંથી નીકળી જા.” મામા, મેં ઘર નથી છોડ્યું. એમણે જ મને ઘર છોડી દેવા કહ્યું છે.”

“આ બધું તો બરાબર, પણ તને તારા પપ્પા બિઝનેસમાં મદદ કરે એની સામે તને શું વાંધો હતો? એમાંય તે એમનું અપમાન કર્યું હતું એ સાચું?”

“મદદ…? હં…અં…!” સુનિલના પ્રતિભાવમાં તુચ્છકાર હતો.

“કેમ, એમણે એક કંપનીના પરચેઝ મેનેજર સાથે ગોઠવણ કરી આપે એ પણ તે રદ નથી કરી?”

“કરી છે! પણ કેમ કરી છે એ હવે હું તમને કહું. જુઓ મામા, હું સત્યવાદી હરીશ્ચન્દ્રનો અવતાર નથી. પરંતુ હું બને એટલો પ્રામાણિકતાથી ધંધો કરવા માગું છું. એમની એવી માન્યતા છે કે, ‘બાંધછોડ’ વિના ધંધો થાય જ નહીં. એમણે પેલા મેનેજર સાથે એવી ગોઠવણ કરી હતી કે આખા વર્ષ દરમ્યાન તેઓ મારી પાસેથી જેટલી ખરીદી કરે એના દસ ટકા મારે એમને આપવા. મને બે પૈસા ઓછા મળે એનો વાંધો નથી. પણ મારે આ રીતે પૈસા નથી કમાવવા!”

સુનિલની વાતો સાંભળ્યા પછી એને શું કહેવું એ જ સમજાતું નહોતું. એથી એટલું જ કહ્યું, “બેટા ઘર હોય ત્યાં વાસણ તો ખખડે. મા-બાપ જન્મ આપીને ગુનેગાર નથી બની જતાં એમના પ્રત્યેની ફરજ આપણે ચૂકવવી જ જોઈએ.

સુનિલ પાસે એનો પણ જવાબ હતો. ખૂબ ઊંડેથી શબ્દો આવી રહ્યા હોય એમ તે બોલ્યો, “મામા, વધારે પડતું બોલાઈ જાય તો પહેલેથી જ માફી માંગી લઉં છું. ખરી વાત તો એ છે કે અમને જન્મ આપીને એમણે કોઈ ગુનો નથી કર્યો. તો અમારા પર કોઈ ઉપકાર પણ નથી કર્યો. અમને જન્મ આપવો છે, એવા કોઈ શુભ સંકલ્પના પરિણામે અમારો જન્મ નથી થયો. વળી એમણે એ પણ સમજવું જોઈએ કે એમણે કોઈ ગુલામને જન્મ નથી આપ્યો. એક સ્વતંત્ર વ્યક્તિત્વને જન્મ આપ્યો છે. ભણવું કે ન ભણવું, મારી પત્નીની કાળજી કેવી રીતે રાખવી અને કેવા સિદ્ધાંતો સાથે ધંધો કરવો એ મારે નક્કી કરવાનું છે…”

ખાસ્સું મોડું થઈ ગયું હતું. વાતોમાં ચા પણ એમની એમ ઠરી ગઈ હતી. અમે ઊભાં થતાં હતાં ત્યાં સુનિલ બોલ્યો, “મામા, મારે તમને એક ખાસ વાત કહેવાની છે… જો એ મને બોલાવશે અથવા એમને કોઈક મુશ્કેલી હશે તો હું તરત જ એમની પાસે પહોંચી જઈશ. પણ હવે એક જ ઘરમાં તો અમે સાથે નહીં જ રહી શકીએ. મારી સ્વતંત્રતાનો ભોગ આપીને હું મારી ફરજ કેવી રીતે બજાવું!”

આખા રસ્તે મનમાં એક જ સવાલ ઘોળાતો હતો. કોણ વધુ સમજદાર – બાપ કે દીકરો?