Mansion of the mind in Gujarati Comedy stories by શિતલ માલાણી books and stories PDF | મનની હવેલી

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મનની હવેલી

"એવી થાકી હતી કે શું વાત કરું તમને ! ક્યાં હતીને હું શું કરવા નીકળી હતી એ ભાન જ ન રહ્યું ને !"
અચાનક ધડામ એવા અવાજ સાથે તો હું ઊલળી.. માથામાં કશુંક વાગ્યું પણ ખરા ! ઓહહહહ... 'ના,ના અવાજ ન નીકળ્યો મારો'.....હ્રદયના ધબકારા જરૂર વધી ગયા. એક મોટી હવેલીમાં મેં જાણીજોઈને કે પછી ભૂલથી પ્રવેશ લઈ લીધો હતો એવું લાગ્યું. એકસાથે કેટલા લોકો બોલતા હોય એવા અવાજ આવી રહ્યાં હતા. મને બહુ ગંદી વાસ પણ અનુભવાઈ. જે મારા શ્વાસમાં પ્રવેશી કે હું ગભરામણ અનુભવવા લાગી. હું મને એકદમ અસ્વસ્થ થઈ હતી. શું કરવું એ નહોતું સમજાતું. ચારેકોર અંધકાર અને સતત વધઘટ થતા અવાજો. ભાગી જાવ અહીંથી એ એક જ વિચાર આવી રહ્યો હતો. ત્યાં જ ક્યાંક ગાય ભાંભરતી હોય એવા અવાજ અને એકથી વધારે કૂતરા ભસતા હોય એવા પણ અવાજ કાનને અકળાવી રહ્યા હતા. ત્યાં જ અચાનક કોઈ લાકડી પછાડતું મારી એકદમ જ નજીકથી જ પસાર થયું. મને એમ થયું કે ચીસ પાડી કોઈને મદદ માટે બોલાવું. અરે, મારી આસપાસ કોઈ દેખાતું ન હતું. અવાજ પણ ગણગણાટ જેવો જ આવી રહ્યો હતો. ત્યાં જ 'ટણણણણ,ટણણણણણ, ટણણણણણણ' એવો અવાજ સાવ કાનની નજીકથી પસાર થયો ઠંડક ચડી જાય એવા પવન સાથે...વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ હોય એવો છ.......પા.........ક...અવાજ ગુંજી ઊઠયો.પણ......હું તો સાવ કોરી જ હતી..એક બુંદ પણ ક્યાંય નહીં પાણીનું..

અરે....અરે...અરે..રેરેરે , હું તો આમ ડાબી-જમણી ઝુલતી હોય એવું કાં ? ત્યાં જ કોઈ બાળક ચીસો પાડી રડતું હોય એવો ભાસ થયો સાથે સાથે એક સ્ત્રી મોટેથી હસતી હોય એવું પણ લાગ્યું. હું હવે ખરેખર ડરી રહી હતી.. આ શું કોઈ ગરમ શ્વાસો લેતું અને છોડતું હોય એવો અહેસાસ......
છી.....છી...છી................આટલો બધો પસીનો..મને........
હું કઈ જગ્યાએ ફસાણી છું? ત્યાં જ મારા પગ પર કોઈ વજન આવ્યો પણ હું પગ ન ઊંચકી શકી.. ઓહહહ, હું શું કામ આટલું સહન કરી રહી છું? એ વિચાર પણ આવ્યો.
ફરી પાછી હું ઊલળી અને હવે તો કમરના ભાગે જે દર્દ થયું છે એ વાત કેમ સમજાવવી? ફરતી બાજુ અંધારું અને હું એકલી.. ખરેખર એકલી જ હોવ તો ગણગણાટ શેનો? અચાનક જ શું થયું કે એકઝાટકે મને કોઈએ પાછળ ધકેલી અને એ ગતિમાં સ્થિરતા આવી. મેં અર્ધ ખુલ્લી આંખે જોવા પ્રયાસ કર્યો પરંતુ, આંખે સાથ ન આપ્યો. હજી તો આટલું વિચારું જ છે કે કાચની બોટલ સાથે કંઈક અથડાતું હોય એવા પડઘા પડયા. ફરી બદબૂદાર માહોલ......
મારી ડોક, કમર અને માથું જાતે તોડી નાંખુ એવી પીડા પ્રદાન કરી રહ્યાં હતા..ત્યાં જ મારા કાન પાસે લોખંડી અવાજ
'ઠક...ઠક..ઠક...ઠક..' અવાજ આવ્યો. હું ડરને લીધે લપાતી ગઈ મારી જગ્યાએ..ફરી કોઈ તાળી પાડી મને બોલાવતું હોય એવું લાગ્યું પણ મેં મારી જાતને એ અંધારામાં સંકેલી લીધી.
અંતે જે થવાનું હતું એ જ થયું...મારા ખભા પર કોઈનો હાથ હોય અને મને બોલાવી રહ્યું હોય એવું મેં એવું અનુભવ્યું... ત્યાં જ કોઈક બોલ્યું,

" એ મેડમ, ક્યાં જવું છે ? જવાબ તો આપો.."

" આ હવેલીમાંથી નીકળવું છે મારે." (બંધ આંખે જ ડર સાથે)

"આંખ ખોલીને જુઓ તમે હવેલીમાં નહીં ..એસ.ટી.ની બસમાં છો.. ક્યાંની ટિકિટ આપું? જલ્દી જલ્દી બોલો."

" ઓહહહ, હું તો સલામત સવારી, એસ.ટી.અમારીમાં હતી. તો આ હવેલીનો ડર મને એસ.ટી.એ કરાવ્યો કે પછી-"

હું વિચારતી જ રહીને કંડકટર આગળ નીકળી ગયો..