RUTUO PAN RANG BADLE CHHE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ઋતુઓ પણ પાટલી બદલે છે..!

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ઋતુઓ પણ પાટલી બદલે છે..!

ઋતુઓ પણ પાટલી બદલે છે..!

ઋતુઓ પણ સ્વચ્છંદી બનતી જાય છે દાદૂ..! અઠવાડિયાનો પ્રવાસ હોય તો ત્રણેય મૌસમનો સામાન બેગમાં પેક કરીએ તો મેળ પડે. માશૂકાની માફક મૌસમના પણ છણકા વધતા ચાલ્યા. જેમ ચૂંટણી આવે તે પહેલાં નેતાઓ પાટલી બદલીને કોઈપણ પાટલા ઉપર ગોઠવાય જાય, એમ મૌસમનો પણ ભરોસો નહિ. નેતાઓ ખેસ બદલે ને ઋતુઓ પ્રકૃતિની ઓઢણી બદલે. શિયાળામાં ઉનાળો ઘુસી જાય, ઉનાળામાં ચોમાસું ઘુસી જાય, ને ચોમાસાની બુજી ઋતુઓમાં બધી ઋતુઓ થોડી-થોડી ઘુસીને કુંભ-ઋતુ બનાવે. સવારે વરસાદમાં ભીનેવાન થવાનું, બપોરે પરસેવાન થવાનું, ને સાંજે ટાઈઢમાં ઠંડેવાન થવાનું..! ગજબની છે આ ઋતુઓ..! નવરાતના દિવસોમાં માતાજી ની શરમ પણ નહિ રાખે..! શું કરીએ યાર..? વાઈફને કોઈ નાથી શક્યું નથી, તો, આ તો મૌસમ છે. કોરોનાની રસી કદાચ શોધાય, પણ ઋતુઓને નાથવાની પકડ શોધવી અઘરી..! એ જેમ નચાવે તેમ નાચવાનું, ને માતાજીના ગુણ ગાવાનું..! જેમ કોરોનાના વાયરસ સહેવાની ફાવટ આવી ગઈ. એમ બેફામ બનેલી મૌસમમાં પણ મસ્ત રહેવાની ફાવટ આવી ગઈ. કહો કે ઓટોમેટીક ‘ઈમ્યુનીટી’ આવી ગઈ. મૈસમની મૌજ છે દાદૂ..! એ કોરોનાની કીટ સાથે ગરબા પણ ગવડાવે, ને છત્રી સાથે ગરબાના સ્ટેપ પણ કઢાવે..! જીના ઉસીકા નામ હૈ..!

અમુક તો એવી હવાઈ મિસાઈલ છોડે કે, કાગનો વાઘ કરી નાંખે. વરસાદનું ટીપું પડ્યું હોય ને, ટીપુસુલતાન જેવી હવા છોડે. એમાં જાહેરાતવાળા તો હદ કરે. કુદરત કરતા મૌસમને તો એ લોકો જ વધારે બદલે. ઋતુ પ્રમાણે છાપા-રેડીઓ-ટીવીની જાહેરાતો બદલાય તો માણસ કેમ ના બદલાય? ઉનાળો જવાની જ રાહ જોઈ, એટલે પંખા-કુલર-એસીની જાહેરાતો ખતમ, શિયાળામાં બામના બાટલા ને ચામડીએ ચોપડવાના લોશનની જાહેરાત શરુ..! ક્યા પ્રકારના લપેડા કરવાથી, બરછટ ત્વચાને મુલાયમ બનાવી શકાય ને, કયો બામ કે આયુર્વેદ તેલ ઘસવાથી સાંધાના દુખાવા સુંવાળા બનાવી શકાય, એનું બધું નોલેજ જાહેરાતવાળા ઘર બેઠાં આપતા થઇ જાય. કહો જોઈએ, આટલી કાળજી તો આપણી વાઈફ પણ નહિ રાખતી હોય દાદૂ..?

ઋતુ કોઈપણ હોય, કુદરતની રચના જ એવી સુંદર કે, દરેક ઋતુની સવાર આહ્લાદક જ હોય. છતાં, શિયાળાની સવાર ને ઉનાળાની બપોર ઉપર શિક્ષકે એટલાં બધાં નિબંધ લખાવેલા કે, આજે પણ એના આંટણ આંગળી ઉપર સ્મારકની માફક ચોંટેલા છે. એક નિબંધ લખવામાં આખી એક નોટ ભરી દેતા. એટલા માટે કે, એમાં મગજ કરતાં, કલ્પનાના ઘોડા જ વધારે દોડાવવાના હોય..! એમાં શિયાળાની સવાર ઉપર નિબંધ લખવાનો આવતો, ત્યારે તો કાઠી ઘોડીના અસવાર હોય એમ ઉડતા. જાણે કે ગર્લફ્રેન્ડને પ્રેમપત્ર લખતા હોય એવો પવન ફૂંકાતો..! આજેપણ વાંચીને ૧૦ માંથી ૧૦ માર્ક્સ આપવાનું મન થાય એવું લખતાં..!

“રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય, આજુબાજુનું વાતાવરણ શીતાગારમાં ફરી ગયું હોય, પ્રકૃતિ મંદ-મંદ રીતે ભળભાંખળી થતી હોય., પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાતા હોય, પ્રકૃતિઓ હસુ-હસુથઈ રહી હોય. આકાશમાં હમણાં જ જાણે રંગરોગાન કરાવ્યું હોય એમ, આકાશ ભૂખરું મટીને સોનેરી બની ગયું હોય. એ વખતે તો શિયાળો એવો આહલાદક લાગે કે, પ્રેમિકા એના વાળની લટ ખસેડતી હોય એમ, પ્રકૃતિની વાછટ માણસના મનને જાણે ભીંજવતી ના હોય..! શીઈઈઈટ, પણ આવું બધું, નિબંધમાં જ શોભે. બાકી વાસ્તવમાં તો ત્યારે કાગડાઓ કોલાહોલ જ કરતા હોય..!“ બાકી સુરજે કોઈ ઋતુ સાથે ક્યારેય વેઢોવંચો રાખ્યો નથી. એના રોજના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નથી. વરસાદ હોય તો, ઉગવાનું માંડવાળ કર્યું નથી. ટાઈઢ પડતી હોય તો આળસ કરી નથી. ઋતુઓ તો એના ઠેકાણે જ હોય, પણ મીડીયાવાળા ધારે તેવું નર્તન કરાવે. ઉનાળાની જાહેરાતમાં ઓછાં કપડે સૌંદર્યવાન કેમ દેખાવું, એ માટે એકાદ ઓછાં કપડાવાળી ‘ઉઘાડી’ ને શોધી લાવે, તો શિયાળામાં ત્વચાની સુંદરતા માટે લોશનના લપેડા કેમ કરવા એના માટે પડદાની પરીને તાણી લાવે. પણ આ તો ઋતુઓ છે. પ્રેમલા-પ્રેમલીની માફક એ પણ કરવટ બદલતી થઇ ગઈ.. મૌસમે મૌસમે એના નિખાર અલગ. શિયાળાની સવાર હોય, નવરાત્રીનો માહોલ હોય, ને છૂટાછેડા આપેલી વાઈફ જાણે પુન: ગૃહપ્રવેશ કરવા માટે મથામણ કરતી હોય એમ, ક્યારેક તો એવી અગનઝાળ કાઢે કે, ગરબાને બદલે, શરીરમાંથી પરસેવા વધારે કઢાવે..! માણસ મીણબત્તીની માફક ઉભો-ઉભો જ તવાય જાય..!

મૌસમ-મૌસમની વાત છે દાદૂ..! શ્રીશ્રી ભગાને તો તમે ઓળખો છો. શ્રીશ્રી ભગો એટલે ચમનીયાનો સાવકો સાઢુભાઈ..! મને કહે, “ રમેશીયા..! મરવા પડેલા પાણીના સરકારી નળ નીચે, જુદા જુદા ઘરના રેઢીયાળ પડેલા વાસણોના ઢગ જોઉં છું, ને મારું હૃદય મીણ જેવું થઇ જાય છે દોસ્ત..! જાણે પીઠી ચોળીને પરણેતરની રાહ જોઇને બેઠેલા બધા મુરતિયા ના બેઠાં હોય? ઉનાળો જાલિમ બને અને પાણી ખેંચાય જાય, એમાં આ લોકોની કેવી વલે થાય? ધારો કે નળ આગળ ભેગાં થયેલા આ વાસણોને વાચા ફૂટે તો..?. એનો નેતા લીડર બનીને ભાષણ કેવું કરે..?

“ મિત્રોઓઓઓ...! જુદાં જુદાં વિસ્તારના ઘરોમાંથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો..! ભારતમાં રહેવું હોય, તો ભારત માતાની જય તો બોલવું જ પડશે. બોલો ભારત માતાકી જય..! મિત્રોઓઓઓ..! આજે મોટી સંખ્યામાં સરકારી નળ આગળ ભેગા થયેલા જોઇને, મારું દિલ દ્રવી ઉઠ્યું છે. પાણી વગર શું કામ આપણે તડપવું જોઈએ..? તડકે સુકાવા કે વેચવા કાઢ્યા હોય એમ, આજે આપણને રઝળતા મૂકી દીધાં છે. આપણામાં પાણી નથી ત્યારે ને..? પરિવારને પાણી પાઈ પાઈને આપણને મળ્યું શું? (એક પવાલી બોલી,’ તંબુરો..!) છેલ્લે તો રસ્તા ઉપર જ આવી ગયાં ને...? જાતને બદલવાનો સમય હવે પાકી ગયો છે, મિત્રોઓઓઓ..! ( એક ડબલું ઉછળીને બોલ્યું, ‘ (ભારત માતાકી જય‘) શાંત થાઓ, શાંત થાઓ મિત્રોઓઓ.! આપણામાંથી એવા ઘણાં હશે કે, કોઈ કન્યાદાનથી આવ્યું હશે, કોઈ ખરીદીથી આવ્યું હશે, (તગારું બોલ્યું કે, “ તફડાવેલુ પણ કોઈ આવ્યું હશે..! છેલ્લાં કેટલાય વખતથી પરિવારની તરસ છીપાવીએ છીએ. એમને ચોખ્ખા રાખીએ છીએ. પણ કોઈને આપણી કદર ક્યાં છે? ઉનાળો જાય એટલે, ઊંચા ચઢાવી દેવાય. મારી સૌને હાકલ છે કે, આજે આપણે, કોઈપણ રીતે આપણી ફરજનો સામુહિક બહિષ્કાર કરવો. અને આ લોકોને વગર પાણીએ રાખવા, જાવ પોતપોતાના ઘરમાં યથા સ્થાને ગોઠવાય જાય..! ભારત માતાકી જય...! “ બધા ઉછળી ઉછળીને પોત પોતાના ઘરમાં યથા સ્થાને ગોઠવાય ગયાં. અચાનક નળમાં જેવાં પાણી આવ્યા કે, નેતા બનેલી પેલી બાલદી, લાઈનમાં જે સાવ છેલ્લી હતી, એ પાણી ભરીને ચાલતી થઇ ગઈ....! એના કપાળમાં કાંદા ફોડું..! ______________________________________________________________________________