vaishyalay - 17 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 17

Featured Books
Categories
Share

વૈશ્યાલય - 17

બસ એ દિવસ વિચારોમાં જ પસાર થઈ ગયો. ધનિક લોકોની ખાનગી વાતો કે એમના કાંડો દબાઈ જતા હોય છે. નાના માણસની કપરી સ્થિતિનો તમાશો થઈ જાય છે. મેં કપરી સ્થિતિ જોઈ છે, જ્યાં કહેવાતો ધર્મ ખૂબ ટૂંકો થઈ જાય છે. માણસ ખુદનું અસ્થિત્વ ટકાવવા અનેક સંઘર્ષ કરે છે ત્યાં ધર્મની વાત કરવી વ્યર્થ છે. મેં ભગવાન પાસે દિવા બત્તી નહોતા કર્યા. કારણ કે હું એનાથી દૂર જઈ રહી હતી. ગરીબોનું અસ્થિત્વ માત્ર એમની મહેનત પર આધારિત હોય છે નહીં કે પ્રભુની કૃપા પર, પ્રભુની કૃપા માત્ર એ શાહુકારો માટે છે, જે માણસ ગરીબીને લૂંટી નામના માટે મંદિરોમાં કરોડો પુરીના દાન કરે છે. એ પથ્થરના મકાનમાં રાખેલ પથ્થરની પ્રતિમા ગરીબોને લૂંટી ને કરવામાં આવતું દાન કેટલી ક્રૂરતાથી સ્વીકારી લે છે..! કેમ એ પથ્થરમાં રહેલો ભગવાન કશું બોલતો નથી કે કશું કરતો નથી. મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને કૂચડી મંદિરમાં જઈ એ પથ્થર મૂર્તિ સામે બે હાથ જોડી માંગતા વીઆઇપી ભિખારીઓ સમાજના મોટા ભાગના પદદલિતો પર રાજ કરે છે. ગરીબોને કૂચડી, ચૂસી અને ગટરોમાં ફેંકી દે છે ત્યારે કેમ ચૂપ છે સોનાના આભૂષણોથી સજ્જ થઈને બેઠેલો ભગવાન. બસ આવા વિચારોમાં જ ક્યારે સવાર થઈ અને ખબર ન રહી.

ઘરનું થોડું કામ કરી શેઠના ઘરે જવા નીકળી ગઈ. પુરી રાત મગજમાં ચાલતા વિચારો સવારે મગજમાં એની છાપ છોડી ગયા હતા. રસ્તામાં આવતા મંદિર પાસે ખૂબ ભીડ જોઈ મને ફરી રાતના વિચારો ઘેરવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગ્યું. હું ઝડપી ચાલવા લાગી. શેઠના ઘર પાસે શાંતિ હતી, યુદ્ધ પછી જે ભયાનક શાંતિ હોઈ એ જ શાંતિ હું અનુભવી રહી હતી. ઘરની અંદર પ્રવેશ કર્યો. શેઠ ચોગાનમાં ખુરશી નાખી ચા પી રહ્યા હતા અને આતુરતાથી સમાચારપત્ર નજર દોડાવી ફેરવી રહ્યા હતા. જાણે અંદર કઈક શોધતા હોઈ...હું ઘરમાં ગઈ, પણ આજે કઈક અલગ લાગતું હતું. જાણે કોઈ તુફાન આવી પુરી વસ્તીને તબાહ કરી જતું રહ્યું હોય અને હવામાં જે ભયાવહ વ્યાપ્યો હોઈ એ જ સ્થિતિ ઘરમાં હતી.

કામ પણ ઘણું હતું એટલે સીધી કામે લાગી ગઈ, કામમાં વધુ ધ્યાન હતું. શુ બન્યું છે એ જાણવાની તાલાવેલી મગજમાં ઘર કરી ગઈ હતી. શેઠનો છોકરો ઘરમાં દેખાણો ન હતો. શેઠાણી આજ ભગવાન સામે વધુ સમય બેઠા રહ્યા હતા. અને હું કામ કરતી હતી...

અચાનક શેઠનો દીકરો એના રૂમમાંથી આવ્યો, પુરી રાત જાણે સુઈ ન શક્યો હોઈ એવી તેની લાલ આંખો હતી, પગ પણ થોડા લથડીયા ખાઈ રહ્યા હતા. દીવાલ ને થોડો ટેકો આપી ચાલતો હતો. "મારી ચા ક્યાં છે...?" જાણે બરાડા પાડવાના મૂળમાં હોઈ એ રીતે એ બોલ્યો. એની માઁ ભગવાન પાસેથી ઉભી થઈ સીધી એની પાસે ગઈ. "બેટા આપું હો બેસ એક મિનિટ." એ કિચનમાં ગઈ, રોજ ચા હું જ આપું છું પણ આજ શેઠાણી પોતે ચા લેવા ગયા. ચા નો કપ આપ્યો અને એના માથા પર હાથ ફેરવતા કહ્યું, " બેટા કેમ તબિયત સારી નથી લાગતી..? તું ચિંતા ન કર તારા પપ્પા બેઠા છે ને તને કશું નહીં થવા દે..." છોકરો ચા ની ચૂસકી લેતા માત્ર, "હમમમ.." કહી મૌન રહ્યો. એ કઈક ઊંડા વિચારમાં હોઈ એવું લાગી રહ્યું હતું. એટલામાં શેઠ પણ આવી ગયા. અને છોકરાની પીઠ પર હાથ રાખી બોલ્યા, "જરાય ચિંતા ન કર... આટલું નામ માત્ર તારી માટે જ કમાયો છું. તારી માટે બધું કરી શકીએ છીએ." છોકરાના ચહેરા પર સ્મિત આવી ગયું, " થેન્ક્સ પાપા, આઈ નો કે આપ મારી માટે કઈ પણ કરી શકો છો. બટ પેલા પોલીસ વાળાને સબક શીખવવો છે. શુ સમજે છે એ બે કોડીમાં પોલીસવાળા જે તમારા દીકરા પર હાથ ઉપાડે...!" એના ચહેરા પર ક્રૂરતા આવી ગઈ હતી. શબ્દ લથડીયા ખાઈ રહ્યા હતા. પુરી રાત દારૂના નશામાં રહ્યો હતો. કદાચ તે કારણ હશે કે એની જીભ તેના કાબુમાં ન હતી. શેઠ અને શેઠાણી પણ દૂધ પાઈ એક હેવાન ને મોટો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.

હું બધું કામ કરતા સાંભળતી હતી. પણ એ સમજાયું નહીં કે કંઈક બાબત હતી કે પોલીસે છોકરા પર હાથ ઉપાડ્યો હતો. કઈક તો કર્યું છે જે દબાવી દેવામાં આવે છે અથવા દબાવી ચુક્યા છે. પણ જે હશે એ વાજતેગાજતે સામે આવી જશે. પાપ છાપરે ચડી ને પોકાર તો કરશે જ. એ દિવસ મને સાવ નાની દિવસ લાગ્યો હતો કારણ કે તે બનાવથી વાકેફ થવા માટે હું આતુર હતી. મને છોકરાનો રૂમ સાફ કરવાની પણ શેઠાણી એ ના કહી હતી. એમના દોસ્તો પણ આજે આવ્યા ન હતા. શેઠનો ફોન સતત ચાલુ રહ્યો હતો. હવાને પણ ખબર ન પડે એ રીતે ત્રણે લોકો વ્યવહાર કરી રહ્યા હતા. હું એ ઘરમાં પૂરો દિવસ રહી છતાં જાણ ન થઈ.

મારુ કામ પૂરું થયું સાંજ ઝડપી થઈ ગઇ હતી. હું ઘરે જવા માટે નીકળી, રસ્તામાં પેલો પોલીસવાળો ઉભો હતો, મને એની પાસે આવવા ઈશારો કર્યો, હું ગઈ,"જી સાહેબ..." મને ઉપરથી નીચે સુધી જોઈ, "આજે કેવો રહ્યો કામનો દિવસ...?" મને અજીકતું લાગ્યું, મને એવું હતું કે પૂછપરછ કરશે શેઠના ઘરની પણ અહીંયા તો મારા હાલ વિશે પૂછે છે... "બસ ઠીક ઠીક... કામ વધુ હતું પણ પૂરું થઈ ગયું.."

"કઈક નવીન જાણવા મળ્યું ઘરમાં..."
"સાહેબ મારે તો કામથી કામ હોય આપણે કોઈ દિવસ પારકી પંચાયતમાં પડી જ નહીં અને જે ઘરથી રોટલો મળતો હોય ત્યાં વફાદારી કરવી પડે ને સાહેબ..." મારુ આ વાક્ય સાંભળી પોલીસવાળો અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
"તને ખબર છે તું કોની જોડે વફાદારી કરે છે, જે માણસ અનેક પૈસા લોકોના હજમ કરી બેઠો છે, જેના છોકરા પર હિટ એન્ડ રન નો કેસ થતા થતા રહી ગયો. એવા માણસ ની તું વફાદારી કરેશ...?"
મને કંઈ સમજાતું ન હતું કે આ માણસ મને કેમ આ બધું કહે છે. અને આ હિટ એન્ડ રન શુ છે...? મેં તો ગભરાઈને કહી દીધું....
"સાહેબ અમે તો ગરીબ માણસો છીએ અમને આમાં કઈ ખબર ન પડે અને આ હિટ એન્ડ રન શુ છે એની પણ મને ખબર નથી..."
પેલો થોડો સામાન્ય થયો અને સવાલ નો જવાબ આપવાને બદલે મને જ સવાલ કર્યો, " ઘરમાં કોઈપણ પ્રકારનો કોલાહલ હતો...? આઈ મીન, ઘરમાં કઈ બન્યું હોઈ અને ઢાંકવાનો પ્રયત્ન કરતા હોઈ એવું લાગ્યું તને..."
"હા, સાહેબ કઈક બન્યું છે એવું લાગ્યું પણ શું બન્યું એ કઈ ખબર ન પડી..." પોલીસવાળો અજીબ સ્મિત કરવા લાગ્યો. "હું રોજ અહીંયા જ હોઈશ આ સમયે કઈ અજીબ લાગે ઘરમાં એટલે મને કહેજે..."
"પણ સાહેબ બન્યું શુ છે અને આ હિટ એન્ડ રન શુ છે..."
"અરે કશું નહીં, ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી અકસ્માત કરે એને હિટ એન્ડ રન કહેવાય..."
"ઓહ બાપરે.. શેઠના છોકરા એ અકસ્માત કર્યો..."
"અકસ્માત કર્યો એટલું જ નહીં..પણ...."
આટલું પોલીસવાળો બોલ્યો અને અચાનક વાયરલેસ પર સંદેશ આવ્યો પોલીસ સ્ટેશન થી " લઈ જાણ થાય તો કહેજે..." એટલું કહી એ બાઇક ની કીક મારી જતો રહ્યો. મારા સવાલનો જવાબ અધૂરો રહી ગયો...

(ક્રમશ:)