Darshan in Gujarati Motivational Stories by Milan books and stories PDF | દર્શન

The Author
Featured Books
  • अनजानी कहानी - 4

    Priya house:पूर्वी गोदावरी (काकीनाडा) ज़िले में वरिष्ठ कलेक्...

  • इश्क़ बेनाम - 10

    10 फैसला इतनी रात को वह कोई टेक्सी नहीं लेना चाहती थी, मगर ल...

  • Haunted Road

    "रात के ठीक बारह बजे, जब पूरा गाँव नींद में डूबा था, एक लड़क...

  • आध्यात्मिकता

    आध्यात्मिकता एक गहन और विस्तृत विषय है, जो केवल धार्मिक कर्म...

  • महाभारत की कहानी - भाग 113

    महाभारत की कहानी - भाग-११४ युद्ध के चौथे दिन घटोत्कच की जीत...

Categories
Share

દર્શન

ધનસુખનાં કપાળ પર પરસેવો વર્યો છે; પગમાં તેવી જ ધ્રુજારી છે; જેવી પાછલા બે મહિનાની ભાગદોડ દરમિયાન નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યુ વખતે થયેલી. ના... વાસ્તવમાં થોડી વધારે ધ્રુજારી છે.

સામે "રામાનંદી પાન પાર્લર" નું પાટિયું દેખાય છે. જેમાં વચ્ચે લીલું પાન દોરેલું છે અને પાનમાં સફેદ કલરનાં અક્ષરોથી લખેલું છે 'પાન'. નીચે નાનાં-નાનાં અક્ષરોમાં લખેલું છે: 'પાન, મસાલા, બીડી, સીગારેટ, આઈસ્ક્રીમ, કોન, કોલ્ડ્રીન્ક્સ, દૂધ, છાશ, શ્રીખંડ, સીડી, કેસેટ તેમજ કટલેરીના વેપારી'.

ડાબી બાજુમાં એક તરફ ચા ની લારી છે. કાનાભાઈ તપેલીમાંથી ગરમ ચા કેટલીમાં લઈ રહ્યા છે. જમણી બાજુએ ગલ્લાને અડીને ફાફડા-જલેબીની દુકાન છે. અહીં આજુબાજુમાં પાંચ-છ ખાટલા, બે-ત્રણ બાંકડા, ત્રણેક છૂટીછવાઈ પોતાનાં અંતિમ શ્વાસ લેતી ખુરશીઓ પડી છે.

ગલ્લામાં પપુભાઈ ઊભા છે. તેમણે સીવડાવેલું ચેક્સ શર્ટ,બ્લૂ પેન્ટ અને ગળામાં લાલ પંચીયુ પહેર્યું છે. તેમની બાજુમાં એક યુવાન છોકરો પ્રોફેશનલ શર્ટ-પેન્ટમાં સજ્જ જવાબ આપી રહયો છે. થોડી વારે તે ઉદાસ મુખે બહાર નીકળ્યો. પાછળ લાઈનમાં ઊભેલો બીજો યુવાન અંદર ગયો. હવે લાઈનમાં કુલ ચાર જણા છે અને બે-ત્રણ બીજા હજું ખાટલા પર બેઠા છે. બધાંય પ્રોફેશનલ કપડાં પહેરીને, પપુભાઈના પ્રશ્નોનાં જવાબ આપવા ‌પૂર્વ મનોમંથન કરી રહ્યા છે. ગલ્લામાં એક જણની જગ્યા માટે તે આઠ અને એક ધનસુખ એમ ટોટલ નવ ઉમેદવાર સ્પર્ધામાં છે. સોરી... હતા,‌ એટલી વારમાં તો બીજો યુવાન ઉદાસ મુખે બહાર આવ્યો. હવે આઠ રહ્યા.

ધનસુખની વારી આવી એટલે કાનાભાઈ નો ટાબરીયો બોલાવવા આવ્યો. તે કોઈ પણ કામ એકદમ ઉલ્લાસથી કરતો. તેનું નામ શું છે તે કાનાભાઈને ખબર હશે! ગામવાળા બધાં તો વાંકડીયા વાળ ને લીધે તેને 'મલિંગા' બોલાવે છે.

અંદરથી ઉદાસ મુખે અન્ય એક યુવક ક્રમશઃ બહાર આવ્યો અને ધનસુખ ગલ્લાનું પ્રવેશદ્વાર કે પછી કહોકે પ્રવેશ-પાટીયું ઊંચું કરીને અંદર ગયો.

ધનસુખને પાન બનાવવામાં વપરાતી સામગ્રી કે પછી અલગ-અલગ વસ્તુઓનો ભાવ જેવી બાબતોની થોડી ઘણી જાણકારી હતી. પરંતુ ધનસુખ સામે અભ્યાસક્રમ બહારનો જ પ્રશ્ન આવશે એવી તેને જરા પણ ખબર નહોતી. પપુભાઈએ ટોકરી ઉપરથી ભીનું કપડું હટાવી એક પાન કાઢ્યું અને ધનસુખને પુછ્યું 'શેનું પાન સે આ?'

પપુભાઈના શબ્દો જાણે પડઘાયા. ધનસુખ મૂંઝાયો અને એક ઝટકામાં ઊભો થયો. તેનું મોઢું અને ગરદન પરસેવાથી તર હતાં. અંધારામાં ઝાંખુ-પાખું દેખાયું કે સવારના ૪:૪૫ થયા છે. ઇન્ટરવ્યુઓમાં એકપછી એક નિષ્ફળતા પછી ગભરાયેલા ધનસુખને રાત્રે આવેલા સપનાંએ વધારે ગભરાવી દીધો.

ધનસુખે ગામમાં જ બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને બી.કોમ‌.ગામથી ૩૨ કી.મી. દૂર કોલેજમાં અપ-ડાઉન મારફતે પૂરું કર્યું હતું. કોલેજમાં ૭૦% મેળવ્યા પછી જુદી-જુદી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયો. પરંતુ કોઈ જગ્યાએ બીજા ઉમેદવારો કરતાં ઓછા ટકા તો કોઈ જગ્યાએ હાજરજવાબીની કમીને લીધે નોકરી મેળવી શક્યો નહિં. ઘરે પિતા ખેતમજૂરી કરે અને સાથે જે પણ બીજું કામ મળી રે તે કરે. ઘર ચાલ્યે રાખે. છોકરાને ભણવું છે તે જાણીને તેને કોલેજ સુધી ભણાવ્યો. દીકરી હોંશિયાર છે પણ ગામમાં ૧૨ સુધી જ ભણવાનું છે એટલે તે હવે માત્ર બે વર્ષ બહેનપણીઓ, પુસ્તકો અને મજાકમસ્તી સાથે વીતાવી શકશે.

સાંજે પિતા ઘરે આવ્યા તો જોયું ધનસુખ ઉદાસ બેઠો હતો. તેમણે જણાવ્યું કે તેઓ પપુભાઈના ગલ્લે વાત કરી આવ્યા છે અને ત્યાં એક જણની જરૂર છે. સારી નોકરી ના મળી જાય ત્યાર પૂરતું પપુભાઈને ત્યાં કામ કરવા કહ્યું અને વધારે ચિંતા ન કરવા કહ્યું.

સવારે વહેલાં ખરાબ સ્વપ્નનાં કારણે ધનસુખને ઠીકથી ઊંઘ ના આવી. પાસું ફરતા-ફરતા પિતાની વાતો વિચાર્યા કરી. પોતાની જવાબદારીનું ભાન થયું. છ વાગ્યે ઊઠીને તૈયાર થયો તો સાત વાગ્યા. તે ઘરેથી સીધો ગલ્લે ગયો.

સામે "રામાનંદી પાન પાર્લર" નું પાટિયું દેખાયું. જેમાં વચ્ચે લીલું પાન દોરેલું છે અને પાનમાં સફેદ કલરનાં અક્ષરોથી લખેલું છે 'પાન'.

આ પાન જોઈ ધનસુખને વહેલી સવારનું સપનું યાદ આવ્યું. થોડો ગભરાયો કે ક્યાંક પપુભાઈ સાચે જ ના પૂછીલે કે-'શેનું પાન સે આ?'

દુકાન પર થોડા લોકો વસ્તુઓ લઈ રહ્યા છે. થોડા લોકો કાનાભાઈની લારીએ ચા પીવે છે. કેટલાક ખાટલે બેસી ચા-ગાંઠિયાની મજા માણે છે. ધનસુખ ગલ્લા પાસે ગયો તો પપુભાઈએ અંદર બોલાવ્યો. તે બોલ્યા- "પટેલે કાલ હાંજે વાત કરી; ઈયાં એક જણો જોવે.. ગરાકી હોય તંય માલ લેવા-મૂકવા. જો.. ઓલી બાજુ...કપૂરી પાનની ટોકરી લઈ આવ એટલે કામે લાગી... હાંજ સુધીમાં બધી ખબર પડી જાહે." પછી કાનાભાઈને બૂમ પાડી ને બોલ્યા- "કાના..બે કટીંગ.."

અડધો કલાક થયો ત્યાં પ્રાથમિક શાળાના આચાર્ય જાનીસાહેબ આવ્યા અને એક માવો બનાવવાનું કહ્યું. પપુભાઈ માવો બનાવતા હતા ત્યારે સાહેબે ધનસુખ સાથે વાત શરૂ કરી. ધનસુખે સાહેબનો હાલ-ચાલ પુછ્યો. પોતે નોકરી માટે ઈન્ટરવ્યુ આપી રહયો છે અને આજે જ પપુભાઈની દુકાને કામ લાગ્યો છે તેવું જણાવ્યું. સાહેબે પણ એક વખતના પોતાનાં આજ્ઞાંકિત વિદ્યાર્થીને કંઈ કામ-કાજ હોય તો પોતાને કહેવા સૂચવ્યું. સાહેબ તો ત્યાંથી માવો લઈને ચાલ્યા ગયા પણ ધનસુખ શાળાના દિવસોની સ્મૃતિઓમાં સરી પડ્યો.

તેને યાદ આવ્યું કે જાનીસાહેબ હજુ શાળામાં નવા હતા. ધોરણ-૫ માં સવારે આઠ વાગ્યે તેમનો પહેલો પિરિયડ હતો. તેઓ ક્લાસમાં આવ્યા; બધા વિદ્યાર્થીઓએ તેમને "ગુડ મોર્નિંગ" કહ્યું. તેમણે જવાબમાં બધાં સામે ખુશ વદને, સ્મિત કરી, સહેજ માથું હલાવ્યું. પોતાનો પરિચય આપ્યા વગર તેઓ બોલ્યા- "ચલો એક વાર્તા કરું; મજા આવશે ને?" બધાં એ એકસાથે 'હા' કહી. પછી જાનીસાહેબે 'પદમણી નાર અને જાદુઈ સફર' ની વાર્તા શરૂ કરી. સાહેબની વાર્તા કહેવાની મૌલિક શૈલી બેજોડ હતી. સાહેબ સહિત ૫૬ વિદ્યાર્થીઓ હવે ક્લાસમાં નહીં પણ અજાણ્યા જાદુઈ સફર પર હતા. અડધા કલાકનાં પિરિયડમાં ક્યારેક છોકરાઓ વિસ્મય પામતા; તો ક્યારેક રમુજમાં હસતા; તો કેટલીક વાર પાત્રો સાથેનાં જોડાણથી; તેમના પર આવતી આફતોથી ઉદાસ થતા.

અડધા કલાક પછી બીજા સાહેબ ક્લાસની બહાર પિરિયડ લેવા માટે આવ્યા. તેઓ સફરમાં જોડાઈ શકે તેમ નહોતા કે પછી જોડાવા માંગતા નહોતા?; ખબર નહિં. પરંતુ, તેમના આવવાથી ૫૭ મુસાફરો સફરથી સીધા શાળામાં વાયા ચંચળ-મન ધડામમ... કરતા પટકાયા. અકસ્માત થયાનો અવાજ તો આવ્યો પણ કોઈ મદદ કરવા આવ્યું નહિ. જાનીસાહેબ "બાકીની વાર્તા કાલનાં પિરિયડમાં.." કહેતા બહાર નીકળ્યા અને સામાજિક વિજ્ઞાનનાં સાહેબ ક્લાસમાં પ્રવેશ્યા.

બીજા દિવસે જાનીસાહેબે વાર્તા પૂરી કરી. ત્રણ વર્ષ સુધી ધનસુખને તેમની પાસેથી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષાઓનું શિક્ષણ મળ્યું. તેમણે ક્લાસમાં એક વાર એક છોકરાને સોપારી(કરિશ્મા) ખાતા જોયો અને બહાર થૂંકી આવવા કહ્યું હતું. તે વિદ્યાર્થીઓને વ્યસનથી હંમેશા દૂર રહેવા કહેતા અને તેમણે સ્વીકાર્યુ હતું કે પોતે માવો ખાય છે પણ ક્યારેય ક્લાસમાં વ્યસન કરતા નથી.

ધનસુખ આખો દિવસ કામ કરી રાત્રે આઠેક વાગ્યે ઘરે આવ્યો. જમી ને સીધો સૂઇ ગયો.

સવારે મોડો ઊઠ્યો તો ફટાફટ જેમતેમ કરીને તૈયાર થયો અને નાસ્તો કર્યા વગર ગલ્લે પહોંચ્યો. સવારના આઠ વાગ્યા હતા. પપુભાઈએ કાલથી સમયસર આવવા ટકોર કરી. ધનસુખને ચા નું પુછ્યું; તે કંઈ જવાબ દે તે પહેલાં જ કાનાભાઈને બૂમ પાડીને કહ્યું- "કાના.. એક કટીંગ.."

કામ રોજ ચાલતું રહ્યું. ૨૬ તારીખનાં ગલ્લાની રજા હોય. ૨૬ની સવારે ધનસુખે ઘડીક આંખ ખોલી તો દેખાયું કે માઁ ઘરની સાફ સફાઈ કરે છે. તે પાછો સૂઇ ગયો. કલાક પછી ઊઠ્યો તો જોયું કે માઁ હવે કપડા ધોવે છે. પછી તે બ્રશ કરવા ગયો. બ્રશ કરતાં કરતાં તે માઁ ને કપડાં ધોતાં નિહાળે છે. એકદમ તેને વિચાર આવે છે કે- "આજે મારે રજા છે. ક્યારેક ખેતરનું કે બહારનું કંઈ કામ ન હોય ત્યારે બાપાને પણ રજા હોય છે. પણ માઁ ને ક્યારેય રજા નથી હોતી. તે ક્યારેક ઘરમાં તો ક્યારેક ખેતરમાં; અરે.. મામાના ઘરે પણ કામ કરતી હોય છે. કોઈના પ્રસંગમાં પણ ઉત્સાહથી મદદ કરે છે." ધનસુખ આગળ કંઈ વિચારે તે પહેલાં માઁ એ કીધું- "ધનુ.. રસોડામાં જો..થેપલાં ડબ્બામાં મૂક્યા સે, ખાતો થા તાં ચાય મૂકું.."

એક સાંજે ગલ્લા પર એક નાની છોકરી આવી. પપુભાઈએ તેને પૂછ્યું- "હેં..ધમલી આમ અસ્સલ તૈયાર થઈને ક્યાં ગઈતી.." છોકરી બોલી- "મામાની ઘીરથી આવી સી રા..જલદી તણ પેપસી દઈદો નકે છકરો ઊપડી જાહે". પપુભાઈએ કીધું- "ઈ તને મેલીને નઈ જાય.. કે કેવા કલરની દવ?". છોકરીએ એક લાલ અને બે કાળા રંગની પેપ્સી માંગી. પપુભાઈએ આપી. છોકરીએ એની નાનકડી હથેળીમાંથી બે સિક્કા આપ્યા. પપુભાઈએ કીધું- "ધમલી.. હજી એક સિક્કો ક્યાં ગ્યો?". છોકરી બોલી- "માઁ ઈ આટલા દીધા ને કી કે તણ પેપસી લીઆવ". પપુભાઈ બોલ્યા- "હંઅઅ.." પછી રોડ બાજુ જોયું અને કીધું- "ધમલી.. ભાગ જો છકરો ચાલુ થય ગ્યો".

છોકરીની માઁ અને બીજા કેટલાક લોકો છકડા બાજુ ઊભા હતા. છકડો ભરાતો હતો. છોકરી નાનાં-નાનાં ડગલાં ભરતી, હાથમાં પેપ્સી લઈને ભાગી ગઈ. ધનસુખને તે છોકરીની આંખોમાં પોતાની માઁ પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ અને અખંડ વિશ્વાસ દેખાયો.

ધનસુખે ગલ્લા પર જેટલું પણ કામ કર્યું તેણે જોયું કે સાત ધોરણ ભણેલા પપુભાઈ તેના કરતાં ઝડપી હિસાબ કરે છે. વ્યાકરણ ન શીખેલા તેઓ કોઈ પણ ગ્રાહક સાથે તેને અનુરૂપ દેશી, વીદેશી, ગામઠી, કચ્છી, સુરતી, કાઠિયાવાડી, હિન્દી, ગુજરાતી કે મહેસાણાની ભાષા સહજતાથી બોલતા.

તેને ક્યારેક એવું લાગતું કે જો જાનીસાહેબ પાસે વિશાળ શબ્દકોશ અને અનુપમ શબ્દ-ચાતુર્ય છે તો પપુભાઈ પાસે પણ સહજ વાક્પટુતા તો છે જ. તેને એ વાતનું હસવું પણ આવતું કે જાનીસાહેબ પોતે વ્યસન કરતા પણ બીજા ને વ્યસન ન કરવાની સલાહ આપતા જ્યારે પપુભાઈ પોતે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નહિં અને કોઈ ને કંઈ સલાહ પણ આપતા નહિં. જો કે એ વાત અલગ છે કે તેઓ વ્યાપાર તો કરતા. ધનસુખને ખાસ કરીને તેમની હિસાબ-કિતાબ કે ખાતાંની સમજ વધુ વિસ્મયકારક લાગતી. ઉનાળાની ધખધખતી બપોરે પરસેવાથી રેબઝેબ થતા પપુભાઈને પણ તેણે જોયાં છે.

તે બપોર તેણે માંડમાંડ નીકાળી પણ સાંજે તેને ચક્કર આવી ગયા હતા અને તેના પછીનો દિવસ પણ તેને પથારી પર જ વીતાવવો પડ્યો. પથારી પર તેણે ઘણું વિચાર્યું. વિચાર્યું કે પોતે એક દિવસ જ આવી કાળઝાળ ગરમીમાં ઊભો રહ્યો છે. પરંતુ, પપુભાઈ વર્ષોથી આ સહન કરતા આવ્યા છે. તેને આગળ વિચાર આવ્યો કે તેના પિતા તો નાનપણથી જ આવી ગરમીમાં કામ કરી રહ્યા છે. ધનસુખને વાસ્તવમાં ત્યારે મહેનતુ માણસોની કર્મનિષ્ઠાનો ક્ષણિક અનુભવ થયો. એક વર્ષમાં તેને ઘણાં નવા-નવા અનુભવો થયા. તે જીવનને જીવનની રીતે જોતો થયો.

એ વાતને વીસ વર્ષ વીતી ગયા કે ધનસુખ ઊંઘમાં પણ નોકરીની ચિંતામાં પરસેવે રેબઝેબ થઈ જતો. આજે તેના ચહેરા પર નિખાલસ મુસ્કાન છે જે છેલ્લા વીસ વર્ષથી તેટલી જ નિખાલસ છે તેટલી જ નિર્દોષ છે જેટલી આજે છે.

સંમેલનમાં આવેલ દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે વધુ સચોટતાથી કહીએ તો સંમોહિત છે. કદાચ લોકોનાં વૈભવશાળી દેખાવમાં તે પોતાના સાદા વ્યક્તિત્વથી અલગ તરી આવે છે.

વિશાળ ઓડિટોરિયમમાં ગુજરાતની શાળા-મહાશાળાઓમાંથી કોમર્સ-બિઝનેસ એન્ડ એડમીનીસ્ટ્રેશનનાં હોંશિયાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તેમજ રાજ્યનાં સફળ બિઝનેસમેન-બિઝનેસવુમેન ભેગાં થયા છે. આ આયોજન દેશની યુવા પેઢીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના માર્ગદર્શનના હેતુથી કરવામાં આવ્યું છે. ઓગણીસ વર્ષથી વ્યાપાર જગતમાં સૌથી પ્રખ્યાત નામ 'ધનસુખ પટેલ' આજે ચીફ ગેસ્ટ તરીકે આવેલ છે.

સૌપ્રથમ બધાં અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રવક્તાએ એક પછી એક બિઝનેસમેન-બિઝનેસવુમેન ને સ્ટેજ પર સ્ટુડન્ટ્સના પ્રશ્નોનાં નિરાકરણ માટે આવકાર્યા.

આખરે તેનો વારો આવ્યો જેના આકર્ષણમાં આજે બધાં ખેંચાઈ આવ્યા છે. પ્રવક્તા એ તેના સ્વાગતમાં કહ્યું કે-"જેની રાહ આપ સર્વે અને હું જોઈ રહ્યા છીએ એ ક્ષણ આવી ગઈ છે.." પ્રવક્તા આગળ કશું બોલે તે પહેલાં ઓડિટોરિયમ તાળીઓનાં ગડગડાટ અને સ્ટુડન્ટ્સના અવાજથી ગુંજી ઉઠ્યું. થોડી શાંતિ થતાં પ્રવક્તા બોલ્યો- "આપ સર્વેનો આવકાર સૂચવે છે કે તમે હવે મારા અવાજથી ત્રાસી ગયા છો અને હવે ફક્ત આજનાં મુખ્ય અતિથિને સાંભળવા માંગો છો તો વધુ સમય ન લેતાં હું આજનાં મુખ્ય અતિથિ શ્રી ધનસુખભાઈ પટેલનું સ્ટેજ પર સ્વાગત કરું છું." તાળીઓનો અવાજ ગુંજી ઊઠ્યો.

ધન‌સુખ સ્ટેજ પર આવ્યો; સૌને નમસ્કાર કર્યાં અને મંદ મુસ્કાન સાથે પ્રવક્તા સામે જોઈને બોલ્યો - "ભઈ, હું કોઈ મુખ્ય અતિથિ નથી; તમે બધાએ મને પહેલાંથી જ તારીખ, વાર, સમય, સ્થળ બધું જ જણાવી દીધું હતું." આ સાંભળતાં જ બધાં હસવા લાગ્યા. ધનસુખનાં બોલવાનાં લહેકાનાં બધાં કાયલ થઈ ગયાં. કેટલાક સ્ટુડન્ટ્સ જે અન્ય રાજ્યનાં હતા તેમને વાક્ય ન સમજાયું તેથી તેઓ બીજાને તેનો અર્થ પૂછતાં હતાં.

ધનસુખ આગળ બોલ્યો કે- "મને કહેવામાં આવ્યું છે કે આપ લોકોને ઘણાં પ્રશ્નો છે; મારાથી થતી મદદ હું જરૂર કરીશ."

સ્ટુડન્ટ્સનાં પ્રશ્નો શરૂ થયા. એકે પુછ્યુ-"સર, કોઈ વિષય ભણવામાં આપણને ઈન્ટ્રસ્ટિંગ ન લાગે તો શું કરવું?" ધનસુખે જવાબ આપ્યો- "બેટા..કોઈ પણ વિષય શીખવા માટે ઉત્સુકતા...જીજ્ઞાસા હોવી જરૂરી છે. કોઈની સાથે દોસ્તી કરવી હોય તો તેની સાથે પહેલાં હાથ મિલાવવો પડે, તેની નજીક જવું પડે. વિષયની નજીક જા; જીજ્ઞાસા વધશે પછી તે શીખી શકીશ." વિદ્યાર્થીઓના મુખના ભાવો વર્ણવતા હતા કે ધનસુખે કેવો જવાબ આપ્યો!

એક છોકરાએ પૂછ્યું કે- "સર, કેવી માર્કેટિંગ કરીએ તો લો ક્વોલિટી પ્રોડક્ટ પણ સેલ કરી શકાય?" ધનસુખે કહ્યું-"બેટા, એને સેલિંગ નહિં...ફ્રોડ કહેવાય. લો ક્વોલિટી વાળી વસ્તુ વેંચીને કદાચ થોડાક પ્રોફીટ સાથે થડોક આનંદ મળી શકે..પણ સારી વસ્તુ વેંચીને પ્રોફીટ સાથે સેટિસફેક્શનની ૧૦૦% ગેરંટી છે. આ વસ્તુ સમજાવી ના શકાય એને અનુભવવી પડે. તું તારે ટ્રાય કરી જોજે." આ જવાબને બધાં સ્ટુડન્ટ્સે તાળીઓથી વધાવી લીધો. જોકે કેટલાકને વ્યાપારમાં આવી સેવા‌વૃતિ ગળે ના ઉતરી.

એક છોકરીએ પુછ્યું-"સર મૈને આપકે કઈ ઈન્ટરવ્યુસ દેખેં હૈં...આપકો સુના હૈ. મેરા સવાલ યહ હૈ.. કી આપકે ચહેરે પર હરવક્ત સેટિસફેક્શન ઔર ક્યુરિયોસીટી કા મિક્સચર ક્યોં દિખ્તા હૈ? જબકી દોનો ચીજ એક દુસરે સે બિલકુલ હી વિપરીત હૈં.." ધનસુખ બે ધડી મૌન રહ્યો; પછી તેણે આ ચાર લાઈન કહી-

"ચાહે આફતાબ મિલે ચાહે મહતાબ મિલે
કલંદર કો નહીં ફર્ક અબ્દ-ઓ-સરતાજ મિલે
રશ્મ-એ-તિશ્નાકામી કી રિવાયત કે ખાતિર
હમ જબ મિલે તો અકસર યૂં બેતાબ મિલે"

આખા સંમેલનની સૌથી વધુ તાળીઓ આ જવાબ પર પડી. ખબર નહિં કેટલા લોકો આમાંના ઉર્દૂ શબ્દો સમજી શક્યા પણ એ કહી શકાય કે એનો ભાવ સૌને સ્પર્શ્યો હશે. આ વાતની સાક્ષી પૂરવા ઓડિટોરિયમ તાળીઓથી ગુંજતું રહ્યું.

થોડી વારે બીજી એક છોકરીએ પ્રશ્ન કર્યો કે-"સર, અત્યારે તો વુમન એમ્પાવરમેન્ટ વધી ગયું છે પણ કેટલીક જગ્યાએ હજું પણ તેમને અન્યાય સહેવો પડે છે. આ કેવી રીતે રોકી શકાય?" ધનસુખ બોલ્યો-"બેટા મેં જે હમણાં બે શેર કહ્યા તે મારી બહેને લખ્યા છે. તે લેખિકા છે અને ગામમાં શાળાની આચાર્ય છે. હું જ્યારે કંપનીમાં જોડાયો ત્યારે ઈન્ટરવ્યુ લેનાર-કંપનીની હેડ પણ એક સ્ત્રી હતી. તેમનાથી હું બહુ પ્રભાવિત થયો અને બહેનને ભણવામાં સાથ આપ્યો. ગામમાં છોકરીઓને આજે પણ બહુ ભણાવવામાં નથી આવતી. તેમને તક આપવામાં નથી આવતી. જે લોકો સ્ત્રીને ઓછી આંકે છે; જે તેને કમજોર ગણે છે તે બધા મૂર્ખ છે. આપ સૌ, છોકરીઓ-સ્ત્રીઓનો સાથ આપો. જોકે, તેમને કોઈની જરૂર નથી; તેઓ પોતે સક્ષમ છે. પરંતુ, તેમનો સાથ આપવો આપણું કર્તવ્ય છે."

ધનસુખે ‌એક પછી એક બધાં પ્રશ્નોનાં જવાબ આપ્યા. તેણે પોતાના જીવનમાં માઁ-બાપ, બહેન, જાનીસાહેબ, પપુભાઈ, મલિંગા, ધમલી, શિક્ષકો, સમાજ, પર્યાવરણ સૌનો ફાળો મહત્વનો ગણાવ્યો.

અંતમાં તે બોલ્યો કે-"માણસ પાસે આંખ હોવા છતાં તે બરાબર જોઈ શક્તો નથી કદાચ એટલે જ એને ગ્રંથોના ગ્રંથોની જરૂર પડે છે; 'દર્શન'ની જરૂર પડે છે. એટલે જીવનને જીવનની રીતે જુઓ; તે છે તેવું ને તેવું. એઝ ઈટ ઈઝ. જોજો મજા આવશે."