KUDARAT NI LATHI in Gujarati Moral Stories by Mahesh Patel books and stories PDF | કુદરતની લાઠી

Featured Books
Categories
Share

કુદરતની લાઠી

કુદરતની લાઠી

ઓધવજીભાઈ સોની ખુબ નીતિવાળા માણસ. કોઈનું કઈ ખોટું કરતા નહિ. પણ સોનીનો ધંધો કરવત જેવો છે. ઘરાક સોનું ખરીદે તોય નફો અને ઘરાક સોનું વેચે તોય નફો. પણ ભેળસેળમાં થોડું માપ રાખવું એ જ સોનીના ધંધામાં પ્રમાણિકતા. ગામડામાં ગરીબ પાસે પૈસા ના હોય તો ઉધાર દાગીનો આપી ગરીબનો પ્રસંગ સાચવતા. ગામમાં આબરૂ પણ સારી.પત્ની કસ્તુરબેન ખુબ માયાળુ.લોકને આવકાર ખુબ સારો આપે પૈસાનું જરા પણ અભિમાન નહિ. ત્રણ દીકરામાં હેમરાજ સહુથી મોટો, વચલો મનહર અને નાનો દિલો. મોટા દીકરા હેમરાજ અને વચલા મનહર વચ્ચે ઉમરમાં બાર વર્ષનો ફરક.. જુવાન હેમરાજ પિતા સાથે દુકાને આવવા લાગ્યો. ટુંક સમયમાં ખુબ સરસ મજાનું નકશીકામ શીખી ગયો. કંચનગૌરી સાથે પરણી ગયો. કંચનગૌરી રૂપાળા અને અભિમાની. ગરીબો પ્રત્યે પ્રેમ સહેજે નહિ.

સમય જતા ઓધવજીભાઈ નિવૃત થયા. મોટા દીકરા હેમરાજે પિતાની પેઢી સંભાળી લીધી. વચલો અને નાનો ભણતા હતા. ધંધો સારો ચાલતો હતો. હેમરાજ જેટલું કમાય એટલું પિતાને આપી દેતો. કંચનગૌરીથી આ ન જોવાયું. તેને હેમરાજને ધીરે ધીરે ચડામણી કરી વહીવટ હાથ ઉપર લેવડાવ્યો. સોનામાં તો પિત્તળ ભળે. કંચનગૌરીનું એંઠું હેમરાજ ખાઈ ગયો અને નીતિ બગડી. આજુ બાજુના પાંચ ગામ વચ્ચે એક જ સોની. કોઈ દાગીનો બનાવવા આવે તો કહે હમણાં લગનની મોસમ છે. કામનો ભાર બહુ છે. દાગીનો બને એમ નથી. ગરીબ બિચારો આજીજી કરે કે ભાઈ આમારી આબરૂનો સવાલ છે ગમે એમ કરી. દાગીના બનાવી આપો. દીકરીને દાગીના વગર સાસરે કેમ વળાવવી? ત્યારે હેમરાજ દયા ખાતો હોય એમ દાગીનો બનાવવાની હા પાડે. બરાબર લગ્નના આગલા દિવસે અડધો ત્રાંબાનો અને અડધો સોનાનો દાગીનોપૂરે પૂરો સોનાના ભાવે આપે. બીજે દિવસે દીકરીની જાન આવવાની હોય એટલે જેવો હોય તેવો દાગીનો સ્વીકારી લેવો પડે. અને જો ના પડે તો હેમરાજ કહે ` તમારે દાગીનો ના ગમે તો લાવો મારે તો પેલા વશરામભાઈ કાલે જ આ દાગીનો માંગીને ગયા પણ મેં એમને ના આપ્યો. મારે તો તમારી આબરૂ હચાવવી`તી. લાચાર માણસ દાગીનો સ્વીકારી લેય. પછી તો હેમરાજને આ તુક્કો બરાબર ફાવી ગયો. વરસે બે ત્રાસ ત્રાંબાના દાગીના બનાવવા વપરાઈ જતા. પાતળી પરમાર જેવા કંચનગૌરી હવે લાલ સાડીમાં પાણીના બંબા જેવા થઇ ગયા. કંચનગૌરી હવે કાજુબદામના જ નાસ્તા કરતા. ઓધવજીભાઈના કાન ઉપર કોઈએ આ વાત નાખી પણ દીકરાની આવક જોઈ તેણે આંખ આડા કાન કર્યા. હવે દીકરો જે કરે તે. હવે મારું કોઈ નથી સાંભળતું.

હેમરાજ પાપ ભેગું કર્યે જતો હતો. બંને ભાઈઓ મોટા થયા પણ લોભ પાછળ આંધળા બનેલા અને અનીતિના પૈસો ખાધેલ માણસ સંસ્કારી તો ના જ હોય. નાના બંને ભાઈઓ ખરાબ સંગતે ચડી ગયા. હેમરાજને તો બસ પૈસો જ જોઈતો હતો. ઘરમાં કામવાળી આવે એટલે કંચનગૌરીણે દેરાણીની જરૂર ના લાગી. જો દિયર પરણે તો એનો વંશ વેલો આગળ વધે. મિલકતમાં ભાગ પડે. એટલે કંચનગૌરી બંને દિયરોને ઐયાશી કરવા છુટા હાથે પૈસા આપતા. સમાજમાં બંનેના નામ ખરાબ થઇ ગયા. હવે એમને કોઈ કન્યા આપે એમ નહોતું.

ગામમાં અરજણભાઈ અને સોનબાઇ પતિ-પત્ની ખુબ જાગૃત . આખાબોલા અને ઈમાનદાર. કોઈનું ખોટુ સહન ના કરે. ખાધે-પીધે સુખી ઘર. એની દીકરી કકું મોટી થઇ. લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થયા એ વરસ જરા નબળું. એટલે દાદા વખતનું જુનું ઘરેણું ભંગાવી નવું કરવાનું નક્કી કર્યું. હેમરાજને જુના દાગીના આપી દીધા. બરાબર લગ્નના અગલા દિવસે અડધું તાંબુ અડધું સોનું લઇ આવ્યો. દાગીના લાલ કલરના અરજણભાઈએ ના સ્વીકાર્યા. કારણ કે અરજણભાઈના ઘરે દીકરીને આપવા માટે બીજા ઘણા દાગીના હતા. અને આખા ગામ વચાળે હેમરાજને જુના અને નવા દાગીનાનો ફેર બતાવી ઉઘાડો પાડ્યો. પછી ગામલોકો હેમરાજને ત્યાં દાગીના પરત કરવા જ આવતા. નવા દાગીના બીજા ગામના સોની પાસે કરાવતા. હવે ભેળવેલું તાંબુ પણ સોનાના વધેલા ભાવે પાછું રાખવું પડતું. અને તાંબાના પૈસા`તો કંચનગૌરી કાજુબદામ ખાવામાં વાપરી ગયા. હેમરાજનો ધંધો પડી ભાંગ્યો. હેમરાજના માથે દેવું થઇ ગયું. ચિંતામાં ને ચિંતામાં હેમરાજને પક્ષઘાતનો આંચકો આવી ગયો. કંચનગૌરી ભારી શરીરે કામ કરતા થઇ ગયા. અરજણભાઈ પછી ગામમાં પૈસા ઉછીના ગોતવા નીકળે પણ આપે કોણ? ત્યારે લોકોએ આંખ આડા કાન કર્યા.

કુદરતની લાકડીમાં અવાજ નથી.