Knowingly-Unknowingly (77) - The last part in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ

રેવા ઘેર પહોંચી બધાને, પોતાનાં પિતાને બધું જણાવવાં માંગતી હતી કે કૌશલ સાથેની બધી વાત સુધરી ગઈ છે. પણ તે ચાહતી હતી કે જ્યારે તે બધાને જણાવે, પોતાનાં જીવનની નવી શરૂઆત માટે પરવાનગી માંગે તો કૌશલ તેની સાથે હોય. પણ હમણાં કૌશલ તેની સાથે નહતો. એટલે રેવાએ પણ કશુ જણાવવું વ્યાજબી ના સમજ્યું અને તેણે કોઈ વાત વધારે ના વધારી. પણ તેની સૌથી મોટી ચિંતા શબ્દ માટે હતી. રેવા એકલી નહતી જેનો સંબંધ કૌશલ સાથે બંધાય રહેવાનો હતો, શબ્દ પણ તેની સાથે હતો. અને જ્યાં સુધી તે કૌશલને ના અપનાવે ત્યાં સુધી રેવા કૌશલ સાથે કોઈ વાત વિશે નહતી વિચારી શકતી. પણ શબ્દ તેનાં પિતાનું ના નામ જાણતો હતો કે ના લાગણી ધરાવતો હતો. તેનાં માટે પિતા એક અજાણી વ્યકિત જ હતી. અને રેવાએ તેને કૌશલ વિશે જણાવવું, તેનાં પિતા વિશે જણાવવું અઘરું પડી રહ્યું હતું.

બીજી તરફ અમી તેની જિંદગીને ઉકેલવામાં પડી હતી. તેનું મન વંદિતામાં અટકાયેલું હતું. જ્યાં સુધી વંદિતા તેને અને ધિરજને માફ ના કરી શકે ત્યાં સુધી અમી પણ ધિરજને માફ કરવાનું વિચારતી પણ નહતી. પણ તેનાં મન અને મગજ વચ્ચે અજાણ્યું યુધ્ધ આરંભાય રહ્યું હતું. એક તરફ ધિરજ માત્ર માફી માટે અમીનાં બધાં નખરાં ઉઠાવી રહ્યો હતો. વગર કોઈ હક્ક જતાવી કે એક પતિ કે પત્ની તરીકેનો કોઈ પણ સંબંધ બાંધી તે માત્ર અમીને ખુશ કરવાંની કોશિશ કરતો રહેતો હતો. તેની સંભાળ રાખવી , તેની જરૂરિયાત પુરી કરવી, તેની દરેક નાની મોટી ઈચ્છાઓને કહ્યા વગર જ સમજીને પુરી કરવી એ બધું ધિરજ ખુશી ખુશી કરી રહ્યો હતો. ધિરજની ઈચ્છાઓ અને જીવન એ બધી વાતમાં ક્યારે અમીથી જોડાવાં લાગ્યું હતું તે વાતનું ભાન તેને નહતું. અમી તેનાં ઘેર રહેતાં રહેતાં ક્યારે ધિરજનાં જીવનમાં રહેવાં લાગી તેને એ વાતનું પણ ભાન નહતું. અમીને પણ ધિરજની આદત કંઈક એ રીતે પડવાં લાગી હતી કે તે જાણે અજાણે બધી વાતમાં ધિરજની હાજરી શોધવાં લાગી હતી. કહેવાં માટે તો ધિરજથી નારજ હતી પણ એ નારાજગી તો હવે માત્ર નામની જ બની ગઈ હતી. બાકી મનથી તો અમીએ ના જાણે ક્યારે ધિરજને માફ કરી દીધો હતો. તેની આદતોને, તેનાં જીવનને અપનાવી લીધી હતી. ધીમે ધીમે વધતી વાતો તેમને નજીક લાવી રહી હતી. લગ્નનો પવિત્ર સંબંધ સ્થપાય એ પહેલાં તેમનાં મન એકબીજા માટે પવિત્ર ભાવનાથી બંધાવા લાગ્યા હતાં. બસ બાકી હતું તો એ સંબંધનું નામ શોધવાનું, બાકી રહ્યું હતું તો પોતાનાં મનની લાગણીઓને ઓળખવાનું.

આ તરફ રેવા શબ્દને સમજાવવાની અને તેને બધી વાત કહેવાની કોશિશ કરી રહી હતી. તે શબ્દને પોતાનાં ખોળે બેસાડી ઘણાં પ્યારથી કહેવાં લાગી" બેટાં... તું મમ્માંને પ્યાર કરે છે?.. " શબ્દએ રેવાને વ્હાલ કરતાં કહ્યું " હાં મમ્માં... બધાથી વધારે... તું છે તો બીજાં કોઈની જરૂર ના પડે.. " " તારાં પપ્પાની પણ નહીં?.. " રેવાએ જલદીથી પુછ્યું. શબ્દએ નિર્દોષતાથી કહ્યું " મમ્માં મારાં માટે તો તું જ છે જે છે એ... અને પપ્પાને મારી ચિંતા ના હોય તો હું કેમ કરું! " રેવાએ તેને સમજાવતાં કહ્યું " એવું ના કહેવાય બેટાં... તારાં પપ્પાને તારી સૌથી વધારે ચિંતા છે. એ તને સૌથી વધારે પ્રેમ કરે છે... " " તો આજ સુધી મને મળવાં કેમ નથી આવ્યા?.. મને સ્કૂલ મુકવાં કેમ નથી આવ્યાં , બીજાંનાં પપ્પા તો તેમને લેવાં-મુકવાં આવે છે... અને સન્ડે હોય તો ફરવાં પણ લઈ જાય છે. તેમને કેટલો વ્હાલ કરે છે. અને મેરાં પપ્પા તો મને જોવાં પણ નથી આવતાં!... કેમ?.. " શબ્દએ ગુસ્સામાં કહ્યું. રેવાએ તેની વાત વધારી " એવું નથી બેટાં... બધી ભૂલ મમ્માંની છે. " " શું ભૂલ મમ્માં?.. " શબ્દએ પુછ્યું. " મેં તારાં પપ્પા સાથે ઝઘડો કરી લીધો હતો અને તેમને છોડી અહીંયા આવી ગઈ હતી. પણ હું બહું એકલી હતી એટલે ભગવાને મને તું આપી દીધો. પછી મારી લાઈફમાં તો તું જ હતો ને જેને જોઈ હું જીવુ... અને હું તને ગુમાવવા નહતી માંગતી. હું નહતી ચાહતી કે કોઈ મને તારાથી દૂર કરે. એટલે મેં તારાં પપ્પાને કહ્યું જ નહતું કે શબ્દ પણ લાઈફમાં આવી ગયો છે. તેમને તો ખબર જ નહતી તો કેવી રીતે આવતાં એ તને મળવાં!... " રેવા કહેતાં કહેતાં જ રડી પડી. "તો પપ્પા ને ખબર પડશે તો એ મને તારાંથી દૂર કરી દેશે?.. " શબ્દએ પુછ્યું. રેવાએ ઉતાવળથી કહ્યું " ના.. ના.. બેટાં... હવે મને સમજાય ગયું છે.. એ તને મારાંથી દૂર નહીં કરે.. ક્યારેય નહીં!.. એ તને બહું ચાહે છે... એ તને મળવાં આવે તો તું તેમને પણ વ્હાલ કરીશ ને?.. જેમ મને કરે છે?.. " શબ્દે કહ્યું " ના... " રેવાનું મન દુખાવા લાગ્યું " પણ કેમ? " શબ્દએ જવાબ આપ્યો " કેમ કે હું મમ્માંને જેટલો વ્હાલ કરું એટલો કોઈને ના કરી શકું. પપ્પાને થોડો ઓછો વ્હાલ કરીશ.. ચાલશે ને!.. " રેવાની ખુશીનો પાર ના રહ્યો. તેને હવે એક આશ દેખાય રહી હતી અને તેણે કૌશલનું નામ કહેવાની કોશિશ કરી " તને જાણવું છે તારાં પપ્પા કોણ છે?" શબ્દએ ફટાફટ મોટાં અવાજે, ખુશ થતાં હાં કહ્યું એટલે રેવાએ કૌશલનું નામ જણાવ્યું . શબ્દને એ જાણીને એટલું આશ્ચર્ય થયું કે તે પોતાની બુધ્ધીથી કશું વિચારી જ નહતો શકતો " કૌશલ અંકલ મારાં પપ્પા છે?... આટલાં દિવસથી તે મારી જોડે જ હતાં!... અને મને ખબર જ નહતી!.. એટલે કે હવેથી તે મારી સાથે જ રહેશે?.. એટલે કે હવે મમ્માં અને પપ્પા બંને સાથે રહેવાં મળશે?.. " શબ્દનાં નાનકડા મગજમાં ઘણાં પ્રશ્નો એકસાથે ચાલવાં લાગ્યા અને બધાં પ્રશ્નોનો જવાબ નિયતિએ હાંમાં આપ્યો. શબ્દ એટલી જોરથી નાચવાં કૂદવાં લાગ્યો જેટલી જોરથી કૌશલ કૂદી રહ્યો હતો. જાણે - અજાણે શબ્દ અને કૌશલની ખુશીઓ જોડાય ગઈ. અને રેવાએ નિરાંતનો શ્વાસ લીધો.

આ તરફ કૌશલ પોતાનાં ઘેર પહોંચી ગયો હતો. તેનાં મનમાં રેવાની વાતો ઘર કરી ગઈ હતી. એક વાતની સતામણી હતી કે જે ચિઠ્ઠી રેવાએ મોકલી હતી તે કૌશલને મળી કેમ નહતી!.. અને એ વાતનો જવાબ જાણે અજાણે તે જાણતો હતો. તે વંદિતાની માં એટલે કે દિવાળીબેન પાસે જ પહોંચ્યો. કૌશલનાં પુછવા પર તેમણે પહેલાં તો ના કહ્યું પણ પછી કૌશલને જોતાં તેમની પણ હિંમત તૂટી ગઈ અને તેમણે કહ્યું " હાં.... મેં જ એ પત્ર તારાં સુધી પહોંચવાથી રોક્યો હતો
હું નહતી ચાહતી કે તું વંદિતાનાં જીવનમાં રોકટોક કરે. ઘણી મુશ્કેલીથી મેં રેવાને રાજી કરી હતી તને કશું ના જણાવવા માટે. તે તો જરાંક પણ તૈયાર નહતી તારાંથી કશું છુપાવવાં. પછી ઘણું સમજાવા પર તે માની ગઈ પણ પછી ખબર નહીં શું મનમાં આવ્યું કે તેણે એ ચિઠ્ઠી લખી. એ વાતની મને ખબર પડી એટલે મેં તારાં સુધી પહોંચવા પહેલાં જ રોકી દીધી. પણ સાચું કહું છું કૌશલ બેટાં આજ સુધી એ વાતનું દુઃખ છે મને... હું જાણું છું કે કેટલાં મોટાં ત્યાગ કર્યા છે તેં અને રેવાએ. અને તેનાં માટે મારાં મનથી માત્ર આશીર્વાદ જ નિકળશે. મને માફ કરી દે બેટાં... એ સમયે મને જે સાચું લાગ્યું તે કર્યું. " કૌશલ તેમનાથી નારાજ હતો " પણ તમને ખબર છે એ હરકતથી રેવા પર શું વીતી!.. એ દિવસે બિચારી રેવા મારી રાહ જોઈ રહી હતી. તેને વિશ્વાસ હતો કે હું તેનો સાથ નહીં છોડું. પણ હું પહોચ્યો જ નહીં. !.. શું વીત્યું હશે તેની પર જ્યારે જવાબદરીઓનાં બોજને તેણે એકલા હાથે ઉપાડવો પડ્યો હશે!... શું શું સહન કર્યું હશે તમારી છોકરીને એક નવું જીવન આપવાં માટે!.. વિચાર્યું કોઈ દિવસ?!.. અને એ દિવસે તમેં જે કર્યું એ કર્યું , પણ પછી તો તમારે મને કહેવું જોઈતું હતું!.. હું આટલાં વર્ષો રેવાને ખોટી સમજતો રહ્યો , તેની પર ગુસ્સો કરતો રહ્યો છતાં તમેં જોઈને પણ કશું ના બોલ્યા!... આ તે વળી કેવો આંધળો પ્રેમ પોતાની દિકરી માટે , જે એ પણ નથી જોઈ શકતો કે જે છોકરી પર તમારી દિકરીની જવાબદરીઓ હતી તે પણ કોઈકની દિકરી હશે!... તેને પણ પોતાનું જીવન હશે, તેની ઈચ્છાઓ હશે જે તે પુરી કરવાં માંગતી હોય... તેનાં જીવનમાં પણ તેને કોઈનાં સાથની ઝંખના હશે.... જેની સાથે તે જીવવા માંગતી હોય!... " કૌશલ બોલતાં બોલતાં રડી પડ્યો. તેનાં ગુસ્સામાં અને ઉંચા અવાજમાં માત્ર રેવા માટે ચિંતા અને પ્રેમ જ દેખાય રહ્યા હતાં. પોતાનાથી વધારે પીડાં રેવાની અનુભવાય રહી હતી.

આ તરફ રેવા અચાનક તૈયાર થઈ ઉતાવળમાં ક્યાંક જવાં નિકળી રહી હતી. સમી સાંજનો સમય થવાં આવ્યો હતો, શાંત વાતાવરણ હતું , જીવનની મુશ્કેલીઓ પણ થંભી રહી હતી પણ રેવાનાં ચહેરે એ શાંતિ દેખાય નહતી રહી. કોઈક વાત તેને હચમચાવી રહી હતી, તેને તોડી રહી હતી. ઉતાવળમાં રેવા પોતાનાં બાઈક પર બેસી બસ નિકળી પડી. કોઈ કશું પુછે એ પહેલાં તે ઘરની બહાર નિકળી ગઈ. પણ તેની તબિયત સારી નહતી જણાય રહી. તેની આંખો ઘડી ઘડી બંધ થતી જતી હતી. માથામાં દુખાવો થતો હોય તેમ તે વારે વારે પોતાનાં હાથથી માથાને અડકી રહી હતી. ઘરથી થોડે દૂર આવતાં સુધી તો તેની હાલત લથડવાં લાગી. તેણે બાઈક બાજૂમાં મુક્યું અને રોડની સાઈડ પર જઈ બેસી ગઈ. પોતાનો ફોન કાઢ્યો અને નંબર લગાડવા લાગી. પણ અસ્પષ્ટ નજરોએ તે પણ થવાં ના દીધું. તેણે થોડો શ્વાસ ભર્યો , હિંમત બતાવી અને ઉભી થઈ. ચાલતાં ચાલતાં તે આગળ વધવાં લાગી. ક્યાંક પહોંચવાની કોશિશમાં તેણે છેક સુધી બતાવી અને ચાલતી જ ગઈ. પણ તેનાં પગલાં લથડાય રહ્યા હતાં. તેની નજરો સામેં અંધારા છવાય રહ્યા હતાં. ફરીથી થોડે દૂર પહોંચતાં સુધીમાં તો તેનાં માથામાં અસહ્ય પીડા ચાલું થઈ ગઈ . તેનાં પગ નીચેથી જમીન જાણે સરકી રહી હોય અને પોતે એ સરકતી જમીન પર ઉભી રહેવાની કોશિશ કરતી હોય તેમ તે બસ આમતેમ ભટકાવાં લાગી. લથડતાં-અથડાતા તે ક્યારે રોડની વચ્ચે પહોંચી તેને ભાન ના રહ્યું અને સામેંથી આવતી એક ગાડીની લાઈટ ઝડપથી તેની તરફ આવતાં ઝાંખી નજરે જોતાં તે ધડામ કરતી ગાડીને અથડાય ગઈ. એટલી જોરથી ઉછળીને બીજી તરફ પડી કે અચાનક ત્યાં જ બેહોંશ થઈ ગઈ.

કૌશલ પોતાની વાત પતાવી ઉતાવળે રેવાને મળવાં પાછો આવી રહ્યો હતો. તે રેવાથી દૂર એક ક્ષણ પણ હવે રહેવાં નહતો માંગતો. તેણે રેવાને કશુંક પુછવું હતું , કશુંક કહેવું હતું અને બસ પોતાનું જીવન તેને સોંપવું હતું. વર્ષોની દૂરી હવે એક વધારાનો પળ પણ સહેવાતી નહતી. એ ધૂનમાં કૌશલને કશું દેખાય નહતું રહ્યું. તેની આસપાસનું જીવન તો તેનાં માટે અર્થહિન હતું. કોઈ વાતનો અર્થ હતો તો એ માત્ર રેવાને મળવાનો. એક તરફ સૂરજ આથમી રહ્યો હતો , બીજી તરફ કૌશલની ગતિ રેવા તરફ વધી રહી હતી અને ત્રીજી તરફ રેવા પોતાનાં જીવનથી જ લડી રહી હતી. એ ત્રણેવ વાતનો સંગમ કૌશલ અને રેવાની નિયતિએ કરાવ્યો પણ એ સંગમ પણ અર્થ વિહિન થઈ ગયો. કૌશલ એટલી ઉતાવળે એ રોડ પરથી નિકળ્યો કે તેણે આજુબાજું કોઈ જગ્યા ઉભાં રહેવાનું ના વિચાર્યું

એક ઝલકે તેણે લોકોનું ટોળું રોડની સાઈડ પર જોયું પણ તે રોકાયો નહીં. વિચારવા લાગ્યો " અત્યારે મારી રેવા પાસે જવું જરૂરી છે. ખબર નહીં કોને શું થયું છે પણ હું જોવાં નથી ઉભો રહી શકતો. મને જલદીથી જલદી રેવા પાસે જવું છે. હવે એક ક્ષણ પણ હું તેને રાહ નહી જોવડાવું. મારે રેવાને પુછવું છે કે શું તે મારી સાથે આજે પણ લગ્ન કરશે?.. શું તે અને શબ્દ મારાં જીવનમાં પાછાં આવશે!... ઘણી વાર કરી દીધી છે આ વાત પુછવામાં.. હવે જરાંક પણ મોડું નહીં કરું. " કૌશલ ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો. તેને અહેસાસ ના થયો કે જે રેવાને મળવાં તે આટલી ઉતાવળ કરે છે એ રેવા રોડ પર પડી પોતાનાં જીવનને મેળવવાની કોશિશ કરે છે.
કૌશલ ઘેર પહોંચ્યો પણ રેવા ત્યાં હતી નહીં. સાંજ થઈ ગઈ હતી અને તેનાં વિશે કોઈને કશું ખબર નહતી. ઘરમાં બધાને પુછવાં પર કોઈ જવાબ ના મળ્યો એટલે કૌશલને ચિંતા થવા લાગી. એ ચિંતા વધી ગઈ જ્યારે રેવાનો ફોન પણ નહતો લાગી રહ્યો. ક્યાં જઈ શકે એ વિચારનો કોઈ જવાબ તેની પાસે નહતો. એટલીવારમાં એક નંબંર પરથી કૌશલને ફોન આવ્યો " હેલો કૌશલ?... " " હાં.. કોણ?. " કૌશલે પુછ્યું. સામેંથી જવાબ આવ્યો " હું જૉય.. નિયતિનો ફ્રેન્ડ. " કૌશલને એક આશ દેખાય. તેને લાગ્યું રેવા તેની સાથે હોય શકે છે. કેમકે જૉય જયંતિભાઈનો ડોક્ટર હતો. જૉયએ વાત વધારી " તમેં જલદીથી હોસ્પિટલ આવી જાઓ. નિયતિની હાલત ગંભીર છે. તેને તમારી જરૂર છે . " કૌશલને આ સાંભળી ધ્રાસ્કો પડી ગયો. " શું થયું છે નિયતિને?... " " એ બધું પછી જણાવીશ પહેલાં હું જે સરનામુ મોકલું ત્યાં આવી જાઓ. " જૉય એ એટલું કહી ફોન મુકી દીધો. કૌશલનું મન -મગજ બધુ સ્તબ્ધ બની ગયું હતું. તે વગર કોઈ વાત વિચારે ત્યાંથી નિયતિ તરફ દોડી ગયો. હોસ્પિટલની રૂમમાં બેહોંશ હાલતમાં નિયતિને જોઈ કૌશલનું મન રડી રહ્યું. તેની આસપાસ ટીક ટીક કરતાં મોટાં મોટાં મશીન અને તેનાં ચહેરે શ્વાસ લેવા લગેવેલો ઓક્સિજન માસ્ક તેની બીક વધારી રહ્યા હતાં.
જૉયને વિસ્તાર પુર્વક વાત પુછવાં પર તેણે જણાવ્યું " નિયતિની હાલત ઘણાં સમયથી ખરાબ હતી. અને આજે તો એટલી બગડી ગઈ કે સીધી હોસ્પિટલ જ પહોંચી ગઈ. " " પણ તેને થયું શું છે?.. અને તેને જોતાં તો લાગતું નહતું કે તેની તબિયત ખરાબ હોય!.. "કૌશલે અધિરાય બતાવી. જૉય એ વિસ્તારથી વાત વધારી " ઘણો લાંબો સમય થઈ ગયો છે જ્યારે અમેં પહેલીવાર મળ્યા હતાં. એમ જોતાં તો આ શહેરમાં એકબીજાની મદદ માટે જ વાતચીત શરૂ થઈ હતી પણ તમને તો ખબર જ હશે કે હું તેના પિતાની સારવાર જોતો હતો!.. જ્યારેથી મેં તેનાં પિતાનો ઈલાજ કરવાનું શરું કર્યું એ પછીથી મને ખબર પડી કે માત્ર તેનાં પિતા જ નહીં પણ તેની હાલત પણ બગડતી જાય છે. અને એ ત્યારે ખબર પડી જ્યારે તે મારી સામેં જ એક દિવસ બેહોંશ થઈ ગઈ. તેનાં રિપોર્ટ કરાવવા પર જાણવાં મળ્યું કે તેનાં મગજના પાછલા ભાગમાં લોહીની ગાંઠ પડતી જાય છે અને દિવસે ને દિવસે વધતી જાય છે. કદાચ તેને કોઈક જૂનો અને ઉંડો ઘાવ હશે એ જગ્યાએ . એ ઘાવ તો ભરાય ગયો પણ તેની આડઅસર અત્યારે દેખાય છે. " કૌશલને ખબર હતી નિયતિનો ઘાવ ક્યાં અને કેવી રીતે લાગ્યો હતો. તેનાં મગજમાં રોહનની બધી વાતો તાજી થઈ ગઈ. તેણે ગભરાતા પુછ્યું " આ વાત ઘરમાં કોઈને ખબર છે?.. " જૉય એ જવાબ આપ્યો " ના.. કોઈને નથી ખબર.. મેં નિયતિને કહ્યું હતું કે તે કોઈથી છૂપાવે નહીં પણ તે હંમેશા કહેતી કે તે કોઈને ચિંતામાં નથી જોવાં માંગતી. તેનાં માથે ઘરની, ઘરનાં સદસ્યોની અને શબ્દની જવાબદરી છે ને.. એટલે તે ઢીલ નહતી કરી શકતી. તેણે પોતાનો ઈલાજ ચાલું રાખ્યો પણ કોઈને કહ્યા વગર. પણ દિવસે ને દિવસે તેની ચિંતાઓ, તણાવ અને ફરજો વધતી જ જવાં લાગી જેનાં લીધે તેની હાલતમાં કોઈ સુધાર નહતો આવી રહ્યો.

પણ ખબર છે કૌશલ... જે દિવસે એ તમને પહેલીવાર મળી ને!.. એ દિવસે તે સૌથી વધારે ખુશ હતી. એ દિવસે તેણે મને કહ્યું હતું કે હવે તમે આવી ગયાં છો તો તેની ચિંતા ઘટી જશે. તમેં બધું સંભાળી લેશો. પણ જ્યારે તમેં નિયતિથી પોતાનું મોં ફેરવી એમ કહી દીધું કે તમને કોઈ ફર્ક નથી પડતો નિયતિ અને તેનાં જીવનથી. ત્યારે તે એકદમ તૂટી ગઈ હતી. જે ચિંતા તને જોઈ ઉતરી ગઈ હતી તેનાથી બે ઘણી ચિંતા તેની પર ચઢી ગઈ હતી , એ વિચારીને કે એકમાત્ર જેની જોડેથી આશા હતી તે પણ છૂટી ગઈ અને હવે બધું ફરીથી તેણે એકલું જ સાચવવાનું છે. પણ આજે પણ તે એટલી જ ખુશ હતી જેટલી તમને મળીને થઈ હતી. કેમકે હવે તમારાં અને નિયતિ વચ્ચે બધું સુધરી ગયું હતું ને!.. બસ તેને એક જ વાતની ચિંતા હતી કે તે તમને પોતાની આ વાત વિશે કશું નહતી કહી શકી. અને તે મને મળવાં જ આવતી હતી કે રસ્તામાં જ તેની હાલત બગડી અને.... " જૉયની વાતો સાંભળી કૌશલની વધી ઘટી બધી વાતો સાફ થવાં લાગી. હવે તેને સમજાય રહ્યું હતું કે કેમ રેવા રાત્રે એમ કહેતી હતી કે જો તેને કશું થાય તો કૌશલ બધુ સાચવી લે. પણ સાથે સાથે તેને પોતાનાં પર શરમ આવી રહી હતી કે જે સમયે રેવાને તેની જરૂર હતી તે સમયે તેેેણે રેવાનો સાથ ના આપ્યો અને તેને ઘણું બધું સંભળાવી દીધું. "પણ તને કેવી રીતે ખબર આ બધી વાત? " કૌશલે પુછ્યું. જૉય એ જવાબ આપ્યો " કેમ કે કદાચ તમને ખબર નથી પણ નિયતિનો અહીંયા સૌથી સારો ફ્રેન્ડ છું અને તે મને બધી વાતો જણાવે. એટલે તમારી અને તેની ઘણીખરી વાતો પણ મને ખબર છે. અને તમને પહેલાં દિવસે જોયાં એ પહેલાથી જ હું તમને ઓળખતો હતો. અને આજે પણ તમને એટલા માટે જ ફોન કર્યો કેમકે નિયતિએ કહી રાખ્યું હતું કે જો તેને કશું થાય તો પહેલાં તમને જણાવું. તમારો હક્ક વધારે છે. " રેવાનાં વિસરી ગયેલા પાસા કૌશલ સામેં ખુલી રહ્યા હતાં. જેમ જેમ રેવા વિશે વાતો બહાર આવવા લાગી તેમ તેમ કૌશલની નજરમાં તેનાં માટે પ્રેમ અને સન્માન વધી રહ્યાં. કૌશલ રેવાને કહેવાં માંગતો હતો કે તે ખોટો હતો. તેની સમજણ ખોટી હતી, તેની રેવા પ્રત્યેની વિચારસરણી ખોટી હતી. પણ એ અવસર પણ તેનાં હાથમાંથી છૂટી રહ્યો હતો. રેવાની હાલત ક્ષણે -ક્ષણે ગંભીર થવાં લાગી હતી . " કોઈ દવા, કોઈ સારવાર કશુંક તો હશે ને કે જેનાથી નિયતિની તબિયત સુધરી શકે!.. " કૌશલે નિરાશામાં કહ્યું. જૉયએ જવાબ આપ્યો " જેટલી દવાઓ જરૂરી લાગી એ બધી ઉપયોગ કરી લીધી છે. બોજાં ડોક્ટરની સલાહ પણ લઈ લીધી છે. પણ જ્યાં સુધી અમને એ જ ના ખબર હોય કે તેનાં માથે લાગેલા ઘાવને કેવી અને કયી દવાઓથી મટાડ્યો હતો. અથવા તો એ સમયે બીજી કેટલી વાતોનું ધ્યાન રખાયું હતું ત્યાં સુધી બીજી કોઈપણ દવાઓ આપવી એ નિયતિ માટે જોખમરૂપ છે. પણ ખબર કેવી રીતે પડશે તેનાં ઈલાજની?.. " " હું મદદ કરી શકું છું.... " પાછળથી એક અવાજ આવ્યો. કૌશલ અને જૉય પાછળ વળ્યા ત્યાં અનંત તેમની સામેં ઉભો હતો. અનંતને જોઈ કૌશલને ફરીથી હિંમત મળી રહી " અનંત!.. તુ અહીંયા? તને કેવી રીતે ખબર?..." કૌશલે પુછ્યું. " જ્્યરે તુું ગુસ્સામાં બધુું દિવાાળીકાકીને કહી નિકળ્યૉ હતો ત્યારે મેેં સાંભળી લીધું હતું. તને બૂમ પાડી પણ તુ રોકાયો નહીં અને તારી પાછળ પાછળ... " અનંતે કહ્યું. અનંતે ફરી કહ્યું " હું મદદ કરી શકું છું, કેમકે મને ખબર છે નિયતિનાં ઘાવનું દરદ અને મલમ પણ. " કૌશલે જૉયની ઓળખાણ અનંત સાથે કરાવી.

અનંતે પહેલાં પણ નિયતિની મદદ કરી હતી જ્યારે તે પહેલીવાર બેહોંબ બની નદીમાં તણાય આવી હતી. તેનાં માથાનાં ઘાવને સાજું કરવાની દરેક દવા અનંતે કરી હોવાથી તેને યાદ હતી તેની સ્થિતિ. જૉયને એ મદદ મળી ગઈ જેની શોધ તેને હતી. અનંત ડૉક્ટર નહતો પણ તેને પૂરતું જ્ઞાન હતું બધી વાતનું, જેનો ઉપયોગ આજે ખરાં અર્થમાં નિયતિનો જીવ બચાવવા થઈ રહ્યો હતો. આજે ફરી વખત નિયતિની નિયતિ ગોળ ફરીને તેની વાર્તાને એ જ છેડે અડકાડી રહી હતી જ્યાંથી તેની નવી શરૂઆત થઈ હતી. જ્યાંથી નિયતિનો અંત થઈ રેવાનો જન્મ થયો હતો. એ સમયે પણ કૌશલ અને અનંત ને કારણે નિયતિ જીવી શકી હતી અને આજે ફરીથી એ બંનેને કારણે તેની હાલતમાં સુધાર આવી શકતો હતો.
અનંત જૉય સાથે ચાલ્યો ગયો પણ એટલામાં કૌશલનૈ ભાન આવ્યું કે ઘરમાં કૉઈને આ વાત ખબર નથી અને તેમને કહેવું જરૂરી છે. કૌશલ ફરીથી ઘેર પહોંચ્યો. શેરસિંહજી, વંદિતા અને અમી બધાને ભેગાં કરી કૌશલે બધી વાત જણાવી. આ સાંભળી મોટો ઝટકો બધાને લાગ્યો. જે છોકરી પર પૂરેપુરાં આધારીત હતાં તે છોકરી કોઈ ફરિયાદ વગર નિસ્વાર્થ ભાવે તેમની બધી જવાબદારી ઉઠાવતી હતી આ જાણી તેમનાં મન લાગણીઓથી ઉભરાય આવ્યા. દરેકની પાંપણ આંસુઓથી ભિંજાયેલી હતી અને વાતાવરણ શાંત બની ગયું હતું. પણ એ સન્નાટામાં એક ધીમો અવાજ બારણાં પાછળથી આવ્યો " પપ્પા...... " કૌશલનું ધ્યાન એ નાનકડા અવાજ પર ગયું અને તેની નજર બારણે વળી. ત્યાં શબ્દ ગભરાતો ગભરાતો ધીમેથી બારણાની પાછળ છૂપાઈ એક આંખ બહાર કાઢી કૌશલ અને બાકી બધાની વાત સાંભળી રહ્યો હતો. કૌશલને આશ્ચર્ય થયું કે શબ્દએ તેને પપ્પા કહ્યું. " શ..શું બોલ્યો જરાક ફરીથી કહે તો!.. " કૌશલે ધીમેથી તેની પાસે જતાં નીચે બેસતાં કહ્યું. " પપ્પા..." અને કૌશલે તેની પોતાનાં ખોળે ઉચકી લીધો. જોતજોતામાં તેની લાગણીઓ શબ્દ પર વરસી પડી. શબ્દએ ફરીથી નિરાશ બનતાં પુછ્યું " પપ્પા.. મમ્માં મરી જશે?.. " " ના..ના.. બેટાં... તારી મમ્માંને હું બીલકુલ મરવાં નહીં દઉં. તેનો જીવ તો શબ્દમાં છે. તો એ કેવી રીતે મરી શકે!... આપણે બંને તેને સાજી કરી ઘેર લાવી દઈશું હાં.... તું ચિંતા ના કરીશ.. " કૌશલે ફટાફટ શબ્દની હિંમત બાંધી લીધી. આજે સાચા અર્થમાં કૌશલ પિતા બની ગયો હતો. શબ્દને વળગીને જે અહેસાસ અનુભવી રહ્યો હતો તે અહેસાસ માત્ર રેવા સાથે જ મળતો હતો. શબ્દ રેવા અને કૌશલને જોડતો હતો.

બધાં હોસ્પિટલ પહોંચ્યા એટલે અનંત તેમને મળ્યો. આજે ફરી વાર બધાં એકસાથે થવાં લાગ્યા હતાં. જૂની વાતોની યાદો અને સહારાં સાથે રેવાનો જીવ પાછો ખેંચવાની જંગ ચાલું થઈ ગઈ હતી. આજે વર્ષો પછી બધાં એકસાથે પહેલાની માફક એકબીજાની મદદમાં પરોવાયેલા હતાં એ જોઈ કૌશલ મનમાં જ વિચારવા લાગ્યો " જો રેવા... તારાં પરિવારને ફરી એકવાર એકસાથે જો... હવે તું એકલી નથી. બધાનો સાથ છે તારી સાથે.. " શેરસિંહ એ અનંતને પુછ્યું " તું એકલો આવ્યો છે?.. પ્રકૃતિ.... " અને વાક્ય પુરું કરે ત્યાં તો સામેંથી અવાજ આવ્યો " આ રહી તમાંરી પ્રકૃતિ . બધાં સાથે હોય ત્યાં હું બાકી રહી શકું?.. " પ્રકૃતિ અને અનંતને જોઈ વંદિતા અને અમીને સૌથી વધારે ખુશી થઈ રહી હતી. તે બંને પ્રકૃતિને જોતાં જ વળગી પડ્યા. અને અઢળક વાતોનો પોટલો ખુલવાં લાગ્યો. પણ અનંત અને પ્રકૃતિને તો શબ્દ સાથે રમવામાંથી નવરાશ નહતી. પહેલીવાર કૌશલ ને રેવાનો પડછાયો એક નાનકડા છોકરાંમાં જોઈ તેમની ખુશીનો પણ પાર નહતો.

રેવાની હાલત પુછવાં પર અનંતે જણાવ્યું " રેવાની હાલત તો હવે સ્થિર છે પણ કશું કહી ના શકાય. " " કશું કહી ના શકાય એટલે શું?.. " શેરસિંહજીએ પુછ્યું. અનંતે ધીમાં અવાજે જવાબ આપ્યો " એટલે કે પહેલાં પણ એકવાર તેનાં ઘાવ ને કારણે તેની યાદશક્તિ છીનવાય હતી. અને આજે પણ એ બીક છે કે કદાચ ફરીથી તેને.... પણ હવે ત્યારે જ ખબર પડે જ્યારે રેવા હોંશમાં આવે... અને તે સવાર સુધી જ હોંશમાં આવશે. તો ત્યાં સુધી રાહ જોવી પડશે. " આ વાતથી બધાની હિંમત તૂટવા લાગી હતી. પણ કૌશલ એ હિંમતને કેવી રીતે વિખરાવા દે. રેવાનાં પ્રેમ અને હૂંફથી બનાવેલા પરિવાર અને સંબંધને કૌશલે બધી તરફથી સાચવી લીધાં. પોતે ગભરાયેલો હતો છતાં બધાને એકસાથે જોડી રાખ્યા. એક રાતની જ વાત હતી છતાં એ રાત કૌશલ અને શબ્દ બંને માટે સૌથી મોટી અને ગાઢ હતી. જેની એક એક ક્ષણ એ વિચારવામાં નિકળી રહી કે આખરે સવારે રેવા તેમને ઓળખી શકશે કે નહી!... શબ્દ કૌશલના ખોળામાંથી નીચે જ નહતો ઉતરી રહ્યો. અને એથી પણ વધારે કૌશલ તેને પોતાનાથી સહેજ પણ દૂર નહતો કરવાં માંગતો. શબ્દ એ એકમાત્ર સહારો હતો કૌશલનાં ધ્રૂજતા મનને શાંત કરવાનો, તેની હિંમત બનવાનો. તો કેવી રીતે તેને દૂર કરતો.

જોતજોતામાં સવાર પડી. બધાં નિયતિનાં ખાટલાને ફરતે તેની નજર સામેં ઉભાં હતાં. દરેકનાં હાથપગ ઠંડા પડી રહ્યા . નિયતિ આંખો ખોલશે અને શું બોલશે એ વાતની ચિંતામાં તેમનાં મન કચવાય રહ્યા હતાં. જાણે -અજાણે કૌશલનું મન પણ આ ક્ષણે એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે તેને મળેલો રેવાનો સાથ ફરીથી છૂટે નહીં. તેને મળેલી રેવા તેની ફરીથી દૂર ના થઈ જાય. એટલામાં ધીમેથી હલચલ થઈ. નિયતિની આંખો સહેજ હલવા લાગી અને ધીમેથી ઉંચી ઉચકાવા લાગી. ધક ધક ..ધક ધક... બધાનાં મન હથેળીએ આવી ગયાં હતાં અને એકીટશે નિયતિને જોતાં જ ઉભાં હતાં.

નિયતિની આંખો ખુલી. થોડીવાર ધીમેથી પટપટાવતી આંખો સ્થિર થઈ અને શબ્દને ઉચકીને ઉભેલાં કૌશલને જોવાં લાગી. શબ્દ કૌશલની ગળે હાથ ટીંગળાવી નિયતિ તરફ જ જોતો હતો. થોડીવાર નિયતિ તે બંનેને જોઈ રહી પણ કોઈ ભાવ તેનાં ચહેરે બદલાયા નહીં. આ જોઈ કૌશલનાં શ્વાસ ગભરાહટને લીધે વધવા લાગ્યા. તેનાં કપાળે પરસેવો વળવા લાગ્યો. અધીરાય વધવા લાગી અને બસ મનથી એક જ વાક્ય નિકળી રહ્યું હતું કે બસ રેવા આજની પરિક્ષામાં પાસ થઈ જાય અને તેને અને બાકી બધાને ઓળખી લે. અચાનક નિયતિના ચહેરાનો ભાવ બદલાયો અને તેનાં હોઠો પર મુસ્કાન આવી, " દિકરાં આવને મારી જોડે... " શબ્દને જોતાં નિયતિએ પહેલું વાક્ય ઉચ્ચાર્યું. આ સાંભળી બધાનાં જીવમાં જીવ આવ્યો અને કૌશલની ખુશીનો તો પાર જ ના રહ્યો. જાણે - અજાણે કૌશલ અને રેવા પોતાની બધી પરીક્ષામાં પાસ થયાં. અને એકબીજાનો સાથને પામી ગયાં. કૌશલ તરફ નજર ઉચકી રેવાએ જોયું પણ કશું બોલી નહીં છતાં તેની આંખોમાંથી નિકળતી ઘણી વાતો કૌશલે સાંભળી લીધી.

રેવાની ધીમે ધીમે ભાનમાં આવી રહી હતી પણ દવાની અસરને કારણે થોડી કમજોરી હતી. છતાં તેની નજર ધીમે ધીમે બધાની તરફ જવાં લાગી. શેરસિંહ, જયંતિભાઈ, અમી, ધિરજ, વંદિતા અને છેલ્લે અનંત અને પ્રકૃતિને પણ જોયાં. તે બંનેને જોઈ તેને થોડો આશ્ચર્ય થયો પણ એથી વધારે ખુશી થઈ. " એટલે શું દરેક વખતનું નક્કી જ છે તારું! . ... કે અમારાં જીવનમાં બેહોશીની હાલતમાં ગ્રાન્ડ એન્ટ્રી જ મારવાની ?!... " અનંતે રેવાને કટાક્ષમાં કહ્યું. આ સાંભળી રેવા પણ પાછી ના પડી " હાં તો!.... એમ સીધાં સીધાં કામ હું નથી કરતી!... મોટાં જ કામ હોય આપણાં તો! . " " અરે રે.... ખાટલામાં પડી છે પણ પોતાની તારીફ કરવામાંથી ઉંચી નથી આવતી!.. " પ્રકૃતિએ પોતાની હાજરી પુરાવી. અને બધાં એકસાથે હસી પડ્યા. રાતથી ગરમાયેલો માહોલ રેવાનાં ભાનમાં આવવાથી હળવાશ અનુભવી રહ્યો. રેવા , પ્રકૃતિ, અમી અને વંદિતા એકસાથે એક જગ્યાએ મળ્યા એટલે તેમનામાં વસતા મસ્તીખોર વ્યક્તિત્વ આપોઆપ જ બહાર આવવાં લાગ્યું. જોતજોતામાં એકબીજાથી દૂર રહી વિતેલો સમય આજની મસ્તીમાં ક્યાંય ખોવાય ગયો. ફરીથી બધાં એકસાથે જોડાય ગયાં. જોતજોતામાં સમય વિતવા લાગ્યો, દિવસો વિતવા લાગ્યા અને રેવાની તબિયત સુધરવા લાગી. તે હોસ્પિટલથી ઘેર આવી ગઈ. હવે સમય હતો કૌશલની એ વાતનો જેની રાહ બંનેએ ના જાણે ક્યારથી જોઈ હતી.

રેવાની પાસે જઈ કૌશલ બધાની સામેં પોતાનાં ઘૂટણીયે બેસી ગયો ને રેવાનો હાથ પકડી કહ્યું " રેવા... કોઈપણ વાત કહેવાની જરૂર તો નથી પણ છતાં તારી દરેક ઈચ્છાઓને માન આપવું પડે અને મને ખબર છે તું આ એક ક્ષણનાં સપનાં કેટલાં સમયથી જોતી હતી. તો આજે હું તારું સપનું પુરું કરવાં માંગું છું. .... રેવા.. તારાં દરેક સપનાને, તારી દરેક ઈચ્છાને હું પુરાં કરવાં માંગું છું. તારાં ચહેરાની મુસ્કાનને હું સાચવવા માંગું છું. તારી દરેક નાની-મોટી, જરૂરી કે બીનજરૂરી વાતોને તારી સામેં બેસી સાંભળવા માંગું છું. તારી જવાબદારીઓમાં મારો ભાગ માંગવાં ઈચ્છું છું. તારી સાથે મળી શબ્દને સાચવવા માંગું છું. તારાં ઝઘડામાં ,તારાં પ્રેમને અને તારી દરેક મસ્તીને દિલમાં વસાવવા માંગું છું. તું મારું જીવન છે રેવા. મને તારાં જીવનમાં થોડી જગ્યા આપીશ?.. શું તું મારી સાથે લગ્ન કરી મને મારી જાતથી વધારે હક્ક જતાવીશ?... શું તું તને સાચવવાનો હક્ક મને આપીશ?.. " દરેક વાત રેવાની આંખોમાંથી ખુશીનાં આંસુ ટપકાવાં લાગ્યા. અને જવાબમાં રેવાએ કહ્યું " હાં... પાગલ માણસની કમી છે મારાં જીવનમાં... તારી કમી છે ... હું તારાથી , તારાં માટે અને તારાં સાથે જ છું... " અને તાળીઓના ગડગડાટ અને બૂમાબૂમથી ઘર ગૂંજી ઉઠ્યું.

લગ્ન તો બધાં પોતાનાં ઘેરથી જ કરાવશે એટલે કે ગામમાં જ થશે એ વાતની જીદ્દને કારણે તૈયારીઓ શરું થઈ અને દાદીમાંનાં આશીર્વાદ અને સાથ સાથે બધાં પાછાં પોતાના ઘર તરફ રવાના થયાં. જે ગામને , જે રસ્તાઓને દુઃખી મનથી છોડીને આવ્યા હતાં ત્યાં આજે બધાં ખુશી ખુશી જતાં જોઈ રેવા અને કૌશલને પોતાના સાથ પરનો ભરોસો ગાઢ થવાં લાગ્યો. દિવાળીનો સમય હતો અને જાણે રામ-સીતા પોતાનાં ઘેર ફરી રહ્યા હોય એટલી તૈયારીઓ અને ઉત્સાહ ગામમાં પ્રસરી ગયો. જે વાતની ઉણપ હતી એ હસી - ખુશી અને જલસો ફરીથી ગામમાં પ્રસરી ગયો. સરપંચની સાથે સાથે રચના, વિનય અને તેમની છોકરી પણ કૌશલ અને રેવાથી પહેલા તેમનાં સ્વાગતમાં પહોંચી ગયાં હતાં. જોતજોતામાં ફરીથી એ જૂનો સમય પાછો આવી ગયો. ફરીથી એ દરેક વ્યકિત સાથે આવી ગયાં . દરેકનાં મનના ભેદ છૂમંતર થઈ ગયાં અને જાણે-અજાણે દરેકના જીવનમાં નવાં વળાંક આવવાં લાગ્યા.

તહેવાર, ઉજવણી અને લગ્નનાં સમન્વયથી સજેલું એ વાતાવરણ ને કારણે અમી અને વંદિતાની નારાજગી દૂર થઈ ગઈ. જેનાં લીધે અમીએ ધિરજને માફ કરી દીધો. એ માફીની કિંમત એટલી વધારે હતી કે ક્યાંક ને ક્યાંક તેમનાં સંબંધને આગળ વધારવા , તેમનાં સાથને મજબૂત કરવા ખર્ચાય ગઈ. આ તરફ અનંત અને પ્રકૃતિએ પણ કૌશલ અને રેવાનાં દૂર થવાનાં કારણે પોતે પણ તેમનાં મિલનની રાહમાં લગ્નથી દૂર હતાં. એટલે એક મંડપ તેમનો પણ શણગારાય રહ્યો. આ સમયે સમજાય રહ્યું હતું કે કૌશલ અને રેવા એ માત્ર બે નામ નહતાં પણ કેટલાય જીવનની ખુશીઓની ચાવી હતાં.

મસ્તી , મજાક અને તૈયારીઓ સાથે દિવસો વિતતા ગયાં અને આખરે લગ્નનાં દિવસમાં એક રાત રહી ગઈ. આ રાત કૌશલ અને રેવા ગુમાવવા નહતાં માંગતાં. પોતાનો જૂનો સમય યાદ કરતાં કૌશલે ફરી રેવાને એ નદીનાં કિનારાની જગ્યાએ બોલાવી જ્યાં તેમની વાર્તાની શરૂઆત થઈ હતી, જ્યાં તેમનાં મનનાં સંબંધનો ફણગો ફૂટ્યો હતો. સામેં ખડખડાટ વહેતી નદી, આકાશે ચમકતાં તારા અને કૌશલનો સાથ. .... રેવાને અદ્દભૂત શાંતિનો અનુભવ કરાવી રહી. " કેટલી શાંતિ છે ને!.. એકદમ પહેલાની માફક!... " રેવાએ કહ્યું. કૌશલે રેવાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું " હાં... હવે લાગે છે કે બધું પહેલાની માફક છે. " રેવાએ જવાબમાં એક સ્માઈલ કરી ફરીથી તે નદીમાં પડતાં તારા ને ચાંદાનાં પ્રતિબિંબના નજારાને માણવા લાગી. કૌશલે રેવાની નજર સામેં તેનો જ કંદોરો બતાવ્યો. " આ કંદોરો!... તારી પાસે?... મને લાગ્યું ક્યાંક ખોવાય ગયો છે!.. " કૌશલે જવાબ આપ્યો " ના...એ તૂટવા આવી ગયો હતો ને... એટલે મેં લઈ લીધો હતો જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે.. અને હવે સરખો પણ કરાવી લીધો છે. .... અને હા... આ સમય કશું ખોવાનો નથી.. ખોવાયેલી વસ્તુને પામવાનો છે.. " " તને પામી લીધોને.. હવે કશું નથી જોઈતું. " રેવાએ કૌશલનાં પ્રેમને સાચવી લીધો અને રાત વાતોમાં જ પુરી થઈ. બીજા દિવસની સવાર કેટલાય જીવનનાં મિલનની સવાર બની આવી. કૌશલ -રેવા, અનંત-પ્રકૃતિ અને અમી-ધિરજ બધાનાં મનને જોડતો આ દિવસ એક યાદગાર દિવસ બની ગયો. વંદિતા અને તેની માં વચ્ચેની નારાજગી પણ દૂર થઈ ગઈ અને ફરીથી તેઓ ખુુુશી ખુુુશી સાથે આવી ગયા. આ દિવસ દરકનાં જીવનને જોડી રહ્યો. ફરીથી જીવનની નવી શરૂઆત સાથે બધાનાં લગ્નજીવન શરૂં થયાં. જવાબદરીઓનાં ભાગલા થયાં અને પ્રેમમાં સતત વધારો થયો, જીવન ખુશી ખુશી જીવાય રહ્યું.

જાણે - અજાણે સ્થપાયેલા સંબંધોને એક નવી રાહ અને સાથ મળી ગયો. મનથી મનનો એ સંબંધ અનેક પરિક્ષા, પરિસ્થિતિ અને અસમંજસને પાર કરી પોતાની ચરમસિમાએ પહોંંચી કેટલાયના જીવનને સુુુુુધારી ગયો......


સાથ તારાં પ્રેમનો છે , તો કદર તારાં વિરહની પણ છે,
ઘેલછા તારા સાથની છે, તો સંભારણા તારી વાતનાં પણ છે,
મોહી ગયું છે મન તારાં પર , તો મોહમાં તારું સન્માન પણ છે,
નથી માત્ર ઈચ્છાઓનો મેળો, જીવ વરસાવવા આતુર એક મન પણ છે...
શું કહું કે કેમ આટલી ચાહ છે, વગર સ્પર્શે આત્માને સ્પર્શતો તારો અંદાજ પણ છે....
સાથ તારા પ્રેમનો છે તો જાણે - અજાણે કદર તારાં વિરહની પણ છે...

સમાપ્ત.
_______________________________________
જાણે - અજાણે વાર્તાને આટલો સાથ અને સહકાર આપવા બદલ તમારો ધન્યવાદ. આ મારી પહેલી વાર્તા હતી કે જે આટલી લાંબી લખી છે. પણ સાચુ કહું તો આ વાર્તા ઘણાં સમય પહેલા જ પુરી કરવાનો વિચાર હતો. પણ માત્ર તમારાં સાથ અને ઈચ્છાને કારણે આજે 77 ભાગ પુરાં કરી શકી. પણ કહેવાય ને કે કોઈક વાતનો અંત એ બીજી વાતનો પ્રારંભ બને..!.. તો બસ આ વાર્તાનો અંત જરૂરી હતો.
Thank you very much for your love and support towards Jane - ajane...