પ્રોફેસર દેવેન્દ્ર યાજ્ઞિક આજે કોઈ જુદા જ મૂડમાં હતા. આમે ય એમનો મનોવિજ્ઞાન વિષય, અને ઊંડા અભ્યાસ સાથે વર્ષોનો અનુભવ. ‘મૈત્રી-પ્રણય અને દાંપત્ય જીવન’ ઉપર આજે વિવેચન કરતા હતા. “બે બહુ બુધ્ધિશાળી અથવા બે એકદમ મૂર્ખાની મૈત્રી જ ટકતી જોવા મળે છે. એમાં કજોડું ન ચાલે… પરંતુ ક્યારેક આવી વિધાયક પરિસ્થિતિમાં પણ વિરુધ્ધ પરિણામો આવે છે… અને એ પછી એવા પ્રસંગો બની જતા હોય છે કે એમાંથી અવનવા વળાંકો જન્મ લે છે…” આજે પ્રોફેસર યાજ્ઞિક વિષયના વર્તુળમાંથી બહાર નીકળી ગયા… કોઈક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, “સર એવું કોઈ ઉદાહરણ આપશો? અને પ્રોફેસર યાજ્ઞિકને ઉગારવા માટે જ જાણે કે બેલ પડ્યો!
પ્રોફેસર યાજ્ઞિક સ્ટાફરૂમ તરફ જવા માટે નીકળ્યા ત્યાં તો પટાવાળો પત્ર લઈને આવ્યો. પ્રોફેસર યાજ્ઞિકે કવર પાછળ ફેરવ્યું અને ઈશિતાના હસ્તાક્ષર જોઈને તરત જ ત્યાં ઊભા ઊભા જ ફોડી નાખ્યું, પોતાની પ્રિય પુત્રી ઈશિતાના પોતે તેની ઈચ્છાનુસાર લગ્ન કરાવ્યા હતા. હજુ એક વર્ષ હમણાં પૂરું થયું હતું અને ઈશિતા છૂટાછેડા લેવાનો વિચાર કરતી હતી, પપ્પા પાસે અનુમતિ માંગતી હતી. પ્રોફેસર યાજ્ઞિકે પત્રને કોટના ખિસ્સામાં મૂક્યો અને બબડ્યા, ‘બેટા, કઈ રીતે તને સમજાવવું?’
પ્રોફેસર યાજ્ઞિક અડધા દિવસની રજા મૂકીને ઘેર આવ્યા. એકાંતથી ઊભરાતું ઘર ખોલ્યું… સામે જ કૃષ્ણાની તસવીર હતી અને એ તસવીરની પાછળ એક ઘેરું રૂદન હતું, અને એ રૂદનની પાછળ એક દાસ્તાન હતી, જેના પ્રથમ પગથિયે આજે પોતાની પુત્રી બેઠી બેઠી સમય સાથે સંઘર્ષ ખેલી રહી હતી. પ્રોફેસરથી બોલાઈ ગયું, ‘કૃષ્ણા, ઈશિતાને સમજાવ!’
તસવીરની પાછળથી અતીત વહેવા લાગ્યોઃ
‘દેવેન, હવે આપણે સાથે ન રહી શકીએ!’
‘કૃષ્ણા, જરા સમજે તો સારું!’
‘હું પણ જાણું છું કે આપણે પ્રેમ-લગ્ન કર્યા છે, આપણું છૂટાછેડાનું પગલું કદાચ લોકમુખે ચર્ચાનો વિષય બનશે. પરંતુ એનો અર્થ એ તો નથી જ કે હું મારી જાતને મારા મનને, મારા ‘સ્વ’ને મારીને જીવતી રહું!
“કૃષ્ણા, તું જાણે છે કે હું તને ખોટો આગ્રહ નહીં જ કરું. પરંતુ હું એટલું તો જાણું જ છું કે તારા આ નિર્ણયની પાછળનું ચાલકબળ તારો અહં છે, તારું સ્વાભિમાન – કહે કે અભિમાન માત્ર જ છે. કદાચ આજે તું તારા અહંને પોષાવા માટે આ પગલું લઈશ પરંતુ ભવિષ્યમાં તારો એ જ અહં તને પાછી ફરતાં અટકાવશે!”
“તું જેને અહં ગણે છે એને હું માત્ર અસ્તિત્વ માટેનું એક અનિવાર્ય કારણ સમજું છું. માટે જ હું મારું અસ્તિત્વ કોઈ સંજોગોમાં નષ્ટ નહીં કરુ!”
“ચાલ, મારી વાત જવા દે, જરા આ નાનકડી ઈશિતાનો તો વિચાર કરી જો! એનું શું થશે! એની જિંદગીમાં એ શું મેળવશે? એના વ્યક્તિત્વ પર આપણી વિભક્ત થવાની શું અસર પડશે? એ ભવિષ્યમાં મને કે તને કઈ રીતે માફ કરશે?”
“ઈશિતા મારી પાસે રહેશે, એને જ્યારે તને મળવાની ઈચ્છા થાય ત્યારે એ તને મળી શકે એવી આપણે વ્યવસ્થા કરીશું.”
“કૃષ્ણા તું કેમ સમજતી નથી? આપણે બન્ને થોડું ભણ્યા છીએ, થોડું વધારે સમજીએ છીએ, અને તેમ છતાં આપણે અભણ અને અણસમજુની જેમ જ વર્તન કરીશું?”
“દેવેન, તું ક્યારેક કહે છે ને કે બે બુદ્ધિશાળીની મૈત્રી વધુ સાચી રીતે ટકી શકે, તું તારી રીતે ફરી વિચારજે, કારણ કે આપણે સાથે જીવી શકવાની સ્થિતિમાં નથી…”
“કૃષ્ણા, એ સાચું છે કે બે બુદ્ધિશાળીની મૈત્રી વધુ ટકે. એમાં અપવાદ ત્યારે જ આવે કે જ્યારે વચ્ચે અહંની દીવાલ ઊભી થાય, દલીલો દ્વારા પોતાની અહંભરી વાતને સાચી ઠેરવવાની – રેશનલાઈઝેશનની કોશિશ કરવામાં આવે.”
“દેવેન, ગમે તે કહે પરંતુ…”
“કૃષ્ણા, મારે વિશેષ કશું જ કહેવું નથી, માત્ર એટલું જ કે જિંદગીને વ્યવસ્થિત કરવાની તક વારંવાર મળતી નથી.” અને બંને છેવટે કોર્ટમાં ગયાં – બન્નેએ કોઈપણ જાતની દલીલબાજીમાં ઉતર્યા વિના છૂટાછેડા માટે મરજી દર્શાવી – ચાર વર્ષની ઈશિતાને જ્યારે પૂછવામાં આવ્યું, ‘તારે કોની સાથે રહેવું છે? મમ્મી સાથે કે પપ્પા સાથે?’ ત્યારે ઈશિતાએ વારાફરતી બન્નેની તરફ જોયું અને પછી જવાબ આપ્યો, ‘બન્નેની સાથે!’
દેવેન્દ્ર અને કૃષ્ણાના અહં પર મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. બન્ને આખાને આખા જ ભીંજાઈ ગયાં, પલળી ગયાં…જિંદગી પુનઃ વ્યવસ્થિત થઈ ગઈ…પરંતુ…
માત્ર એક જ વર્ષ; કૃષ્ણાને લ્યુકેમિયા; બ્લડ કેન્સર થયું, ફક્ત છ જ મહિના- ઈશિતા પ્રોફેસર દેવેન્દ્ર યાજ્ઞિકના એકાંતની સૂરીલી સરગમ બની… અને આજે એ જ દીકરી પોતાના જીવનને વ્યવસ્થિત કરવાની તક શોધવામાં નિષ્ફળ બની રહી છે… છેંતાલીસ વર્ષના પ્રોફેસર યાજ્ઞિકે કોટના ખિસ્સામાંથી પુત્રીનો પત્ર કાઢીને ફરી વાંચ્યો. ચશ્મા ઉતારીને આંખો લૂછી અને પુત્રીને પત્ર લખી નાંખ્યો. “વ્હાલી દીકરી, જિંદગીને વ્યવસ્થિત કરવાની તક વારંવાર પ્રાપ્ત થતી નથી. કોઈ પણ પગલું લેતાં પહેલાં વિચાર કરજે. બુધ્ધિશાળી માણસોએ બુધ્ધિનો ઉપયોગ યૌક્તિકીકરણમાં (Rationalization)- વાપરવો હિતાવહ નથી અને છેલ્લે જો તું એ જ માર્ગ અપનાવીશ તો તારે માટે મારા દ્વાર સદા માટે બંધ જ સમજજે!”
આજે દસ દિવસ થયા છતાં પુત્રીનો પત્ર ન આવ્યો. પ્રોફેસર દેવેન્દ્ર યાજ્ઞિકે આજે ‘મૈત્રી-પ્રણય અને દાંપત્ય જીવન’ પરનું ચેપ્ટર પૂરું કર્યું – સ્ટાફરૂમમાં પહોંચ્યા ત્યારે પટાવાળાએ પત્ર આપ્યો. “મેં મારી જિંદગીને વ્યવસ્થિત કરવાની તક ગુમાવી નથી – હું આનંદમાં છું” અને પ્રોફેસર દેવેન્દ્ર યાજ્ઞિકની આંખોમાં આજે ફરીને પાણી ફરી વળ્યું…